સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આત્મિક પારાદેશ એટલે શું?

આત્મિક પારાદેશ એટલે શું?

આત્મિક પારાદેશ એટલે શું?

ગુસ્તાવો બ્રાઝિલના એક નાના શહેરમાં મોટો થયો હતો. * નાનપણથી જ તેને શીખવવામાં આવ્યું હતું કે સારા લોકો સ્વર્ગમાં જાય છે. તેને પરમેશ્વરના હેતુ વિષે કંઈ ખબર નહોતી કે એક દિવસ વિશ્વાસુ લોકો પારાદેશ પૃથ્વી પર સંપૂર્ણ જીવનનો આનંદ માણશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) વળી, તે બીજી એક બાબત વિષે પણ કંઈ જાણતો નહોતો. તેને માનવામાં જ નહોતું આવતું કે તે અત્યારે પણ આત્મિક પારાદેશમાં જીવી શકે છે.

શું તમે કદી પણ આત્મિક પારાદેશ વિષે સાંભળ્યું છે? શું તમને ખબર છે કે એ શું છે? એનો ભાગ બનવા માટે શું કરવાની જરૂરી છે? સાચે જ સુખી થવા માંગનાર દરેકે એ પારાદેશ વિષે જાણવું જ જોઈએ.

આત્મિક પારાદેશ ક્યાં છે?

આજે વ્યક્તિ પારાદેશમાં જીવી શકે છે એમ કહેવું અવાસ્તવિક લાગી શકે. આ જગત તો ભાગ્યે જ પારાદેશ બની શકે. આજે ઘણા લોકો પણ પ્રાચીન હેબ્રી રાજાના વર્ણન મુજબ અનુભવી શકે: “જુલમ વેઠનારાઓનાં આંસુ પડતાં હતાં, અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું; તેમના પર જુલમ કરનારાઓના પક્ષમાં બળ હતું, પણ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું.” (સભાશિક્ષક ૪:૧) અસંખ્ય લોકો ભ્રષ્ટ રાજકારણ, ધર્મો અને આર્થિક વ્યવસ્થાઓને કારણે સહન કરી રહ્યા છે અને તેઓને “દિલાસો દેનાર” કોઈ નથી. બીજા ઘણા પોતાના બીલ ભરવા, બાળકોને ઉછેરવા અને બીજી હજારો બાબતોને પહોંચી વળવા સખત મહેનત કરી રહ્યાં છે. આવા લોકોને પણ દિલાસો, તેમ જ કોઈ તેમનો બોજો હલકો કરે એની જરૂર છે. આ બધા માટે પારાદેશની વાત તો ખૂબ જ દૂર રહી.

તો પછી, આ આત્મિક પારાદેશ ક્યાં છે? “પારાદેશ” માટેનો અંગ્રેજી શબ્દ ગ્રીક, પર્સિઅન અને હિબ્રુ શબ્દો સાથે મળતો આવે છે જે બાગ અથવા બગીચો, એક શાંતિપૂર્ણ, તાજગી આપનાર સ્થળને બતાવે છે. બાઇબલ વચન આપે છે કે એક દિવસ પૃથ્વી સાચે જ પારાદેશ બનશે, પાપ રહિત માનવજાતિ માટે બગીચામય ઘર બનશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) એ ધ્યાનમાં રાખીને, આપણે જોઈ શકીએ છીએ કે આત્મિક પારાદેશ ઊડીને આંખે વળગે એવો અને શાંતિદાયક છે. એમાં આપણે બીજાઓ સાથે તેમ જ ​પરમેશ્વર સાથે શાંતિપૂર્ણ રીતે રહી શકીએ છીએ. આજે ગુસ્તાવોને આવો પારાદેશ મળી આવ્યો છે અને બીજા ઘણાંને એ મળી રહ્યો છે.

બાર વર્ષની ઉંમરે ગુસ્તાવો રોમન કૅથલિક પાદરી બનવા ઇચ્છતો હતો. માબાપની પરવાનગી લઈને તે એક ધાર્મિક શાળામાં પ્રવેશ્યો. ત્યાં તે યુવાનોને આકર્ષવા માટે ચર્ચ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતા સંગીત, રંગભૂમિ અને રાજકારણમાં સંડોવાયો. તે જાણતો હતો કે એક પાદરીએ લોકોની સેવા કરવી જોઈએ તેમ જ તેણે લગ્‍ન કરવું જોઈએ નહિ. છતાં, ગુસ્તાવો અમુક એવા પાદરીઓને અને ધાર્મિક શાળામાં ભણનારાઓને ઓળખતો હતો જેઓ ​અનૈતિકતામાં સંડોવાતા હતા. આવા વાતાવરણમાં, ગુસ્તાવોએ ખૂબ જ પીવાનું શરૂ કર્યું. દેખીતી રીતે જ, તેને હજુ પણ આત્મિક પારાદેશ મળ્યો નહોતો.

એક દિવસ, ગુસ્તાવોએ એક બાઇબલ પત્રિકા વાંચી જેમાં પૃથ્વી પરના પારાદેશ વિષે લખવામાં આવ્યું હતું. એણે તેને જીવનના હેતુ વિષે વિચારતો કરી દીધો. તે કહે છે: “મેં અવારનવાર બાઇબલ વાંચવાનું શરૂ કર્યું હતું, પરંતુ હું એને સમજી શક્યો નહિ. પરમેશ્વરનું નામ છે એ પણ મને ખબર ન હતી.” તે ધાર્મિક શાળા છોડીને બાઇબલની સમજણ મેળવવા માટે યહોવાહના સાક્ષીઓ પાસે ગયો. ત્યાર પછી, તેણે ઝડપથી પ્રગતિ કરી અને જલદી જ પરમેશ્વરને પોતાનું જીવન સમર્પિત કર્યું. ગુસ્તાવો આત્મિક પારાદેશ વિષે શીખી રહ્યો હતો.

પરમેશ્વરના નામથી ઓળખાતા લોકો

ગુસ્તાવોને ખબર પડી કે બાઇબલ વિદ્યાર્થીએ ફક્ત પરમેશ્વરનું નામ યહોવાહ જાણવા પૂરતો જ રસ લેવો જોઈએ નહિ. (નિર્ગમન ૬:૩) એ સાચી ઉપાસનાનો મહત્ત્વનો ભાગ છે. ઈસુએ પોતાના અનુયાયીઓને​ પ્રાર્થના કરતા શીખવ્યું: “ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ.” (માત્થી ૬:૯) ખ્રિસ્તી બનેલા ​વિદેશીઓને કહેતા, શિષ્ય યાકૂબે કહ્યું: “દેવે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી ​લેવાને . . . તેઓની મુલાકાત લીધી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪) પ્રથમ સદીમાં, ‘પોતાના નામની ખાતર [પસંદ કરવામાં આવેલી] પ્રજાનું’ એક ખ્રિસ્તી મંડળ બન્યું. શું આજે પરમેશ્વરના નામથી ઓળખાતા લોકો છે? હા છે, ગુસ્તાવોને ખબર પડી કે એ લોકો યહોવાહના સાક્ષીઓ છે.

યહોવાહના સાક્ષીઓ ૨૩૫ દેશો અને ટાપુઓમાં ઉત્સાહથી સેવા કરી રહ્યા છે. તેઓ સાઠ લાખથી વધારે સેવકો છે અને બીજા એંસી લાખથી વધારે રસ ધરાવતા લોકો તેઓની સભાઓમાં હાજરી આપે છે. તેઓ પોતાના પ્રચાર કાર્ય માટે ખૂબ જ જાણીતા છે. તેઓ ઈસુના આ શબ્દોને પૂરા કરી રહ્યાં છે: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે.” (માત્થી ૨૪:૧૪) તો પછી, શા માટે ગુસ્તાવોએ ​યહોવાહના સાક્ષીઓ સાથેની સંગતમાં આત્મિક પારાદેશનો અનુભવ કર્યો? તે કહે છે: “મેં જગતમાં જે કંઈ જોયું અને એમાંય વળી ધાર્મિક શાળાઓમાં જે ચાલી રહ્યું છે એની યહોવાહના સાક્ષીઓ સાથે સરખામણી કરી. યહોવાહના સાક્ષીઓમાં સૌથી મોટો તફાવત તેઓમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ છે.”

બીજાઓએ પણ યહોવાહના સાક્ષીઓ વિષે એવી જ ટીકાઓ આપી છે. મિરીયમ નામની એક બ્રાઝિલની યુવતીએ કહ્યું: “હું જાણતી નહોતી કે કઈ રીતે ખુશ રહેવું, અરે મારા કુટુંબ સાથે પણ કઈ રીતે ખુશ રહેવું એની મને ખબર ન હતી. મેં પહેલી વાર યહોવાહના સાક્ષીઓનો પ્રેમ જોયો.” ક્રિસ્ટ્યા નામના માણસે કહ્યું: “હું ઘણી વાર પિશાચવાદમાં રસ બતાવતો, પરંતુ મને ધર્મમાં ખાસ કરીને કંઈ રસ ન હતો. હું મારા સામાજિક મોભાને તેમ જ મારા ઇજનેરી કાર્યને મૂલ્યવાન સમજતો હતો. પરંતુ મારી પત્નીએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે, મેં તેનામાં ફેરફારો જોયા. હું તેની મુલાકાત લેવા આવતી ખ્રિસ્તી સ્ત્રીઓના આનંદ અને ઉત્સાહથી પણ પ્રભાવિત થયો.” શા માટે લોકો યહોવાહના સાક્ષીઓ વિષે આવું મંતવ્ય ધરાવે છે?

આત્મિક પારાદેશ એટલે શું?

યહોવાહના સાક્ષીઓના બાઇબલ જ્ઞાનને કારણે તેઓ બીજાઓથી અલગ તરી આવે છે. તેઓ માને છે કે બાઇબલ સાચું છે અને એ પરમેશ્વરનો શબ્દ છે. તેથી, તેઓ પોતાના ધર્મનું પાયારૂપ જ્ઞાન મેળવીને બેસી રહેતા નથી. તેઓ નિયમિત રીતે વ્યક્તિગત અભ્યાસ અને બાઇબલ વાંચન કરે છે. એક વ્યક્તિ યહોવાહના સાક્ષીઓ સાથે જેટલી વધારે સંગત રાખે છે એટલું જ તે વધારે પરમેશ્વર વિષે અને બાઇબલમાં આપેલી તેમની ઇચ્છા વિષે શીખે છે.

આ પ્રકારનું જ્ઞાન યહોવાહના સાક્ષીઓને લોકોની ખુશી છીનવી લેનાર અંધશ્રદ્ધા અને હાનિકારક વિચારોથી રક્ષણ આપે છે. ઈસુએ કહ્યું: “સત્ય તમને મુક્ત કરશે” અને યહોવાહના સાક્ષીઓ એ સત્ય શીખીને મુક્ત થયા છે. (યોહાન ૮:૩૨) એક વખત ભૂતપિશાચમાં માનનાર ફર્નાન્ડો કહે છે: “સદાકાળના જીવન વિષે શીખવું મોટી રાહત આપનાર છે. પહેલાં મને બીક લાગતી હતી કે હું કે મારા માબાપ મરી જઈશું તો શું થશે.” સત્યએ ફર્નાન્ડોને ભૂતપિશાચી જગતની બીક અને મરણ પછીના કહેવાતા જીવનથી મુક્ત કર્યો.

બાઇબલમાં, પરમેશ્વરનું જ્ઞાન પારાદેશ સાથે ગાઢપણે સંકળાયેલું છે. યશાયાહ પ્રબોધકે કહ્યું: “મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમકે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.”—યશાયાહ ૧૧:૯.

અલબત્ત, યશાયાહે ભાખેલી શાંતિ ફક્ત જ્ઞાન મેળવવાથી જ આવી જતી નથી. વ્યક્તિ પોતે જે કંઈ શીખે છે એને લાગુ પાડવું જોઈએ. ફર્નાન્ડોએ આ પ્રમાણે ટીકા આપી: “વ્યક્તિ આત્માના ફળો પેદા કરે છે ત્યારે, તે આત્મિક પારાદેશ બનાવવામાં સહભાગી થાય છે.” ફર્નાન્ડો પ્રેષિત પાઊલના શબ્દો વિષે જણાવી રહ્યો હતો, જેમાં ખ્રિસ્તીઓએ સારા ગુણો, ‘આત્માના ફળને’ વિકસાવવા જોઈએ. એમાં “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ”નો સમાવેશ થાય છે.—ગલાતી ૫:૨૨, ૨૩.

શું તમે હવે જોઈ શકો છો કે શા માટે આવા ગુણો કેળવનાર વ્યક્તિઓ સાથે સંગત રાખવાને પારાદેશમાં રહ્યા બરાબર ગણવામાં આવે છે? ઝખાર્યાહ પ્રબોધકે ભાખેલો આત્મિક પારાદેશ આવા લોકો મધ્યે અસ્તિત્વ ધરાવે છે. તેમણે કહ્યું: “[તેઓ] અન્યાય કરશે નહિ, તેમ જૂઠું બોલશે નહિ; અને તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ; કેમકે તેઓ ખાશે, ને નિરાંતે સૂશે, ને કોઈ તેમને બીવડાવશે નહિ.”—સફાન્યાહ ૩:૧૩.

પ્રેમ મહત્ત્વનો ભાગ ભજવે છે

તમે નોંધ્યું હશે કે પાઊલે જણાવેલા આત્માના ફળોમાં સૌ પ્રથમ પ્રેમ છે. આ ગુણ વિષે બાઇબલ ઘણું કહે છે. ઈસુએ કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) એ સાચું છે કે યહોવાહના સાક્ષીઓ કંઈ સંપૂર્ણ નથી. ઈસુના પ્રેષિતોની જેમ તેઓમાં પણ ઘણી વાર વ્યક્તિગત મતભેદો હોય છે. પરંતુ તેઓ સાચે જ એકબીજા પર પ્રેમ રાખે છે. અને આ ગુણ વિકસાવવા માટે પવિત્ર આત્માની સહાય માટે પ્રાર્થના કરે છે.

પરિણામે, તેઓની સંગત રાખવી એ અજોડ છે. તેઓમાં કોઈ જાતિવાદ કે રાષ્ટ્રીયવાદ જોવા મળતો નથી. હકીકતમાં, વીસમી સદીના અંતે ઘણા સાક્ષીઓએ એવા વિસ્તારોમાં પોતાના જીવના જોખમે એકબીજાનો બચાવ કર્યો હતો જ્યાં કોમી રમખાણો અને જાતિ સંહાર કરવામાં આવતો હતો. જોકે તેઓ “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના” હોવા છતાં, એકતાનો આનંદ માણે છે. તમે એનો અનુભવ કરશો ત્યારે જ તમને એનો ખ્યાલ આવશે.—પ્રકટીકરણ ૭:૯.

પરમેશ્વરના સેવકો મધ્યે પારાદેશ

લોભી, અનૈતિક અને સ્વાર્થી લોકો માટે આત્મિક પારાદેશમાં કોઈ સ્થાન નથી. ખ્રિસ્તીઓને જણાવવામાં આવ્યું છે: “આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.” (રૂમી ૧૨:૨) આપણે શુદ્ધ, નૈતિક જીવન જીવીએ છીએ અને બીજી રીતોએ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરીએ છીએ ત્યારે, આપણે પણ આત્મિક પારાદેશ બનાવવામાં તેમ જ પોતાની ખુશી વધારવામાં ફાળો આપીએ છીએ. કાર્લાના કિસ્સામાં એ સાચું ઠર્યું. તે કહે છે: “આર્થિક રીતે પગભર થવા માટે મારા પિતાએ મને સખત મહેનત કરવાનું શીખવ્યું. મારા યુનિવર્સિટીના અભ્યાસે મને થોડી સલામતી આપી, પરંતુ બીજી બાજુ મેં ​કૌટુંબિક એકતા અને પરમેશ્વરના શબ્દ બાઇબલના જ્ઞાનમાંથી મળતી સલામતી ગુમાવી.”

યાદ રાખો, આત્મિક પારાદેશનો આનંદ માણવાથી કંઈ જીવનની શારીરિક સમસ્યાઓ દૂર થઈ જતી નથી. ખ્રિસ્તીઓ પણ બીમાર પડે છે. તેમ જ, પોતે જે દેશમાં રહે છે ત્યાં કદાચ લડાઈ ઝઘડા ચાલતા હશે. ઘણા ગરીબી સહન કરે છે. તોપણ, યહોવાહ પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખવાનો અર્થ મદદ માટે તેમના પર આધાર રાખવો થાય છે અને એ આત્મિક પારાદેશ માટે ખૂબ જ મહત્ત્વનું છે. વાસ્તવમાં, તે આપણને ‘આપણો બોજો તેમના પર નાખવાનું’ ઉત્તેજન આપે છે અને એકદમ મુશ્કેલીના સમયમાં તે જે અદ્‍ભુત રીતે આપણને ટેકો આપે છે એનો ઘણાએ અનુભવ કર્યો છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૮૬:૧૬, ૧૭) પરમેશ્વર “મરણની છાયાની ખીણમાં” પણ પોતાના ઉપાસકો સાથે રહેવાનું વચન આપે છે. (ગીતશાસ્ત્ર ૨૩:૪) તે આપણને સહાય કરવા માટે ઇચ્છુક છે એવો વિશ્વાસ આપણને “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે” એ જાળવી રાખવા મદદ કરે છે. અને એ આત્મિક પારાદેશની ચાવી છે.—ફિલિપી ૪:૭.

આત્મિક પારાદેશને ટેકો આપવો

આપણ સહુને બગીચામાં જવાનું ગમે છે. એમાં ફરીને કે બેસીને આસપાસના વાતાવરણનો આનંદ માણવાનું ગમે છે. એ જ રીતે, ઘણા લોકો યહોવાહના સાક્ષીઓની સંગતનો આનંદ માણે છે. તેઓને તેમની સંગત તાજગી આપનાર, શાંતિપૂર્ણ અને સ્વાસ્થ્યપ્રદ લાગે છે. તેમ છતાં, સુંદર બગીચો પારાદેશમય રહે એ માટે એની દેખરેખ રાખવી જરૂરી છે. એ જ રીતે, આ આત્મિક પારાદેશ આત્મિક અંધકારમય જગતમાં જ અસ્તિત્વ ધરાવતો હોવાથી, યહોવાહના સાક્ષીઓ એની યોગ્ય દેખરેખ રાખે છે અને પરમેશ્વર તેઓના પ્રયાસોને આશીર્વાદ પણ આપે છે. તો પછી, આપણે કઈ રીતે એ પારાદેશ માટે અર્થસભર ફાળો આપી શકીએ?

સૌ પ્રથમ તો, તમારે યહોવાહના સાક્ષીઓના મંડળ સાથે સંગત રાખવાની, તેઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાની અને આત્મિક પારાદેશ પર આધારિત બાઇબલ જ્ઞાન લેવાની જરૂર છે. કાર્લા જણાવે છે: “આત્મિક ખોરાક વગર આત્મિક પારાદેશ અશક્ય છે.” એમાં બાઇબલને નિયમિત રીતે વાંચવાનો અને એને સમજવાનો સમાવેશ થાય છે. મેળવેલું જ્ઞાન તમને યહોવાહ પરમેશ્વરની સમીપ લઈ જશે અને તમે તેમને ચાહવા લાગશો. તમે તેમની સાથે પ્રાર્થનામાં વાત કરવાનું અને માર્ગદર્શન માંગવાનું પણ શીખશો. તમે તેમની ઇચ્છા પ્રમાણે જીવશો તો તે તમને તેમના પવિત્ર આત્મા દ્વારા મદદ કરશે. ઈસુએ આપણને પ્રાર્થના કરતા રહેવાનું જણાવ્યું. (લુક ૧૧:૯-૧૩) પ્રેષિત પાઊલે પણ કહ્યું: “નિત્ય પ્રાર્થના કરો.” (૧ થેસ્સાલોનીકી ૫:૧૭) તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે એવા પૂરેપૂરા ભરોસા સહિત પરમેશ્વર સાથે વાત કરવાનો લહાવો એ આત્મિક પારાદેશનો મહત્ત્વનો ભાગ છે.

સમય પસાર થશે તેમ, તમે જે શીખો છો એનાથી તમારું જીવન બદલાતું જશે અને છેવટે તમે બીજાઓને એ વિષે જણાવવા માટે ઉત્સુક બનશો. ત્યાર પછી તમે ઈસુની આ આજ્ઞાને આધીન રહી શકશો: “તમે તમારૂં અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.” (માત્થી ૫:૧૬) યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિષેનું જ્ઞાન બીજાઓને આપવાથી તથા માણસજાત પ્રત્યે તેમણે બતાવેલા મહાન પ્રેમ વિષે ઉત્સાહથી જણાવવાથી વધારે ખુશી મળે છે.

આખી પૃથ્વી ખરેખર પારાદેશ એટલે કે પ્રદૂષણમુક્ત બગીચા જેવી બનશે અને પરમેશ્વરને વફાદાર માણસજાત માટે રહેવાનું સ્થળ બનશે એવો સમય ઝડપથી આવી રહ્યો છે. આ ‘સંકટના વખતોમાં’ અસ્તિત્વ ધરાવતો આત્મિક પારાદેશ પરમેશ્વરની શક્તિનો પુરાવો આપે છે. વળી તે જે કરી શકે છે તથા ભવિષ્યમાં જે કરવાના છે એની એ પૂર્વછાયા છે.—૨ તીમોથી ૩:૧.

અત્યારે પણ, આત્મિક પારાદેશનો આનંદ માણનારાઓ યશાયાહ ૪૯:૧૦ની આત્મિક અર્થમાં પરિપૂર્ણતા અનુભવે છે: “તેઓને ભૂખ લાગશે નહિ, ને તરસ પણ લાગશે નહિ; અને લૂ તથા તાપ તેઓને લાગશે નહિ; કેમકે જે તેઓના ઉપર દયા કરે છે, તે તેઓને દોરી લઈ જશે, ને પાણીના ઝરાઓની પાસે તેઓને ચલાવશે.” ઝૂઝ એની સાથે સહમત થાય છે. તેનું પ્રખ્યાત સંગીતકાર બનવાનું સપનું હતું, પરંતુ હવે તેને ખ્રિસ્તી મંડળ સાથે રહીને પરમેશ્વરની સેવા કરવામાં વધારે સંતોષ મળે છે. તે કહે છે: “હવે હું અર્થસભર જીવનનો આનંદ માણું છું. હું ખ્રિસ્તી ભાઈચારામાં જ સલામતી અનુભવું છું. હું એ પણ જાણું છું કે એક પ્રેમાળ પિતા તરીકે આપણે યહોવાહમાં ભરોસો મૂકી શકીએ છીએ.” ઝૂઝ અને તેના જેવા બીજા લાખો લોકોની ખુશી ગીતશાસ્ત્ર ૬૪:૧૦માં આ રીતે વર્ણવવામાં આવી છે: “ન્યાયીઓ યહોવાહમાં આનંદ કરશે, અને તેના પર ભરોસો રાખશે.” આત્મિક પારાદેશનું કેટલું સરસ વર્ણન!

[ફુટનોટ]

^ આ લેખમાં ફક્ત અમુક જ નામ બદલવામાં આવ્યા છે.

[પાન ૧૦ પર ચિત્ર]

આપણે આત્મિક પારાદેશનો આનંદ માણી રહ્યાં છીએ ત્યારે, બીજાઓને એ વિષે સમજવા મદદ કરવી જોઈએ!