સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકાશમાં ચાલનારા સુખી છે

પ્રકાશમાં ચાલનારા સુખી છે

પ્રકાશમાં ચાલનારા સુખી છે

“ચાલો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ.”—યશાયાહ ૨:૫.

૧, ૨. (ક) પ્રકાશ કેટલો મહત્ત્વનો છે? (ખ) પૃથ્વી પર અંધકાર છવાઈ જશે, એ ચેતવણી કેમ ગંભીર છે?

 યહોવાહ પરમેશ્વર પ્રકાશ આપનાર છે. બાઇબલ તેમનું ‘દિવસે પ્રકાશ આપવા સારૂ સૂર્ય તથા રાત્રે પ્રકાશ આપવા સારૂ ચંદ્ર અને તારાઓ’ આપનાર તરીકે વર્ણન કરે છે. (યિર્મેયાહ ૩૧:૩૫; ગીતશાસ્ત્ર ૮:૩) તેમણે જ સૂર્ય બનાવ્યો છે. એ સૂર્ય એક એવી ધગધગતી ભઠ્ઠી છે, જે પુષ્કળ શક્તિ ઉત્પન્‍ન કરે છે. એમાંનો અમુક ભાગ પ્રકાશ અને ગરમી આપે છે. એ શક્તિના ખૂબ જ થોડા ભાગમાંથી જે સૂર્યપ્રકાશ આપણને મળે છે, એ આખી પૃથ્વી પરનાં જીવન ટકાવી રાખે છે. સૂર્યપ્રકાશ વિના આપણે જીવી શકતા નથી. એના વગર પૃથ્વી પર કોઈ જીવન જ ન હોત.

એ ધ્યાનમાં રાખતા, આપણે સમજી શકીએ છીએ કે પ્રબોધક યશાયાહે વર્ણવેલી પરિસ્થિતિ કેટલી ગંભીર હતી. તેમણે કહ્યું: “જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે.” (યશાયાહ ૬૦:૨) જોકે, અહીં કંઈ કુદરતી અંધકારની વાત થતી નથી. યશાયાહનો કહેવાનો અર્થ એમ ન હતો કે, અમુક દિવસોએ સૂર્ય, ચંદ્ર અને તારાનો પ્રકાશ બંધ થઈ જશે. (ગીતશાસ્ત્ર ૮૯:૩૬, ૩૭; ૧૩૬:૭-૯) એને બદલે, એ તો આત્મિક અંધકાર છવાઈ જવાની વાત કરતા હતા. આ અંધકાર મોતના મોંમાં લઈ જાય છે. સમય જતાં, જેમ આપણે કુદરતી પ્રકાશ વિના જીવી શકતા નથી, તેમ આત્મિક પ્રકાશ વિના પણ જીવી શકીશું નહિ.—લુક ૧:૭૯.

૩. યશાયાહના શબ્દો ધ્યાનમાં લેતા, ખ્રિસ્તીઓએ શું કરવું જોઈએ?

ભલે યશાયાહના શબ્દો અગાઉના યહુદાહમાં પૂરા થયા હતા, પરંતુ આજે એ વધારે પ્રમાણમાં પૂરા થઈ રહ્યા છે. એ ખરેખર ગંભીર વાત છે. અરે, આપણા સમયમાં પણ જગત પર આત્મિક અંધકાર છવાઈ ગયો છે. આવી જોખમી હાલતમાં, આત્મિક પ્રકાશ ખૂબ જ મહત્ત્વનો છે. તેથી, ખ્રિસ્તીઓ ઈસુની આ સલાહ માને એ ખૂબ જ જરૂરી છે: ‘તમે તમારૂં અજવાળું લોકોની આગળ પ્રકાશવા દો.’ (માત્થી ૫:૧૬) વિશ્વાસુ ખ્રિસ્તીઓ નમ્ર લોકોને અંધકારમાંથી અજવાળામાં આવવા મદદ કરીને, તેઓને જીવન મેળવવાની તક આપી શકે છે.—યોહાન ૮:૧૨.

ઈસ્રાએલમાં અંધકાર યુગ

૪. યશાયાહની ભવિષ્યવાણી પ્રથમ ક્યારે પૂરી થઈ અને તેમના સમયમાં પણ કેવી હાલત હતી?

યહુદાહ ઉજ્જડ થયું અને એના લોકોને કેદ કરીને બાબેલોનમાં લઈ જવામાં આવ્યા. એ સમયે, યશાયાહના શબ્દો પ્રથમ વાર પૂરા થયા કે પૃથ્વી પર અંધકાર છવાઈ જશે. જોકે, એ પહેલાં યશાયાહના દિવસોમાં પણ દેશના મોટા ભાગના લોકો અંધકારમાં ડૂબી ગયા હતા એમ લાગે છે, કેમ કે યશાયાહે તેઓને અરજ કરી હતી: “હે યાકૂબના વંશજો, ચાલો, આપણે યહોવાહના પ્રકાશમાં ​ચાલીએ.”—યશાયાહ ૨:૫; ૫:૨૦.

૫, ૬. યશાયાહના સમયમાં છવાયેલા અંધકારનાં કયાં કારણો હતાં?

યશાયાહે “યહુદાહના રાજાઓ ઉઝ્ઝીયાહ, યોથામ, આહાઝ તથા હિઝ્કીયાહની કારકિર્દીમાં” ભવિષ્યવાણી કરી. (યશાયાહ ૧:૧) એ સમયે રાજકારણમાં ઊથલપાથલ થઈ રહી હતી, ધાર્મિક ઢોંગ ફૂલ્યો ફાલ્યો હતો અને ગરીબો પર બહુ જ જુલમ થઈ રહ્યો હતો. અરે, યોથામ જેવા વિશ્વાસુ રાજાઓના રાજમાં પણ ઘણા પર્વતો પર જૂઠા દેવદેવીઓની વેદીઓ દેખાઈ આવતી હતી. તો પછી, અવિશ્વાસુ રાજાઓના રાજની તો વાત જ શું કરવી. દાખલા તરીકે, દુષ્ટ રાજા આહાઝે તો ખુદ પોતાના બાળકનું બલિદાન જૂઠા દેવ મોલેખને ચઢાવ્યું હતું. ખરેખર એ ઘોર અંધકારનો સમય હતો!—૨ રાજા ૧૫:૩૨-૩૪; ૧૬:૨-૪.

આજુબાજુના દેશોમાંથી પણ યહુદાહ પર એવું જ દબાણ હતું. મોઆબ, અદોમ અને પલિસ્તીઓ યહુદાહની સરહદે આવીને ધમકી આપતા હતા. ઈસ્રાએલનું ઉત્તરનું રાજ્ય, સગાં હોવા છતાં પણ કટ્ટર દુશ્મન બનીને બેઠું હતું. તેમ જ હજુ આગળ ઉત્તરે, સીરિયા યહુદાહની શાંતિમાં ભંગ પાડવા તૈયાર હતું. સૌથી જોખમી ક્રૂર આશ્શૂર હતું, જે પોતાની સત્તા વિસ્તારવાની કોઈ પણ તક જવા દેતું ન હતું. યશાયાહે ભવિષ્યવાણી કરી એ સમય દરમિયાન, આશ્શૂરે ઈસ્રાએલ કબજે કરી લીધું અને યહુદાહનો લગભગ વિનાશ કરી નાખ્યો.—યશાયાહ ૧:૭, ૮; ૩૬:૧.

૭. ઈસ્રાએલ અને યહુદાહે કયો માર્ગ અપનાવ્યો, અને યહોવાહે શું કર્યું?

આમ, યહોવાહના લોકો પર આફત આવી પડી હતી, કેમ કે ઈસ્રાએલ અને યહુદાહ તેમને વફાદાર રહ્યા ન હતા. નીતિવચન ૨:૧૩ જણાવે છે તેમ, ‘તેઓ સદાચારના રસ્તાઓ તજીને અંધકારના માર્ગોમાં ચાલતા હતા.’ જોકે, યહોવાહ પરમેશ્વર પોતાના લોકો પર ગુસ્સે થયા હતા, તોપણ તેઓને સાવ ત્યજી દીધા ન હતા. એને બદલે, તેમણે તો યશાયાહ અને તેમના જેવા બીજા પ્રબોધકોને તેઓ પાસે મોકલ્યા. જેથી જે કોઈ યહોવાહને વફાદારીથી ભજવા માંગતા હોય, તેઓને મદદ મળી શકે અને તેઓ અજવાળામાં આવે. ખરેખર, એ પ્રબોધકોએ પૂરો પાડેલો જીવન આપનાર અમૂલ્ય પ્રકાશ હતો.

આજનો અંધકાર

૮, ૯. આજનું જગત શા માટે અંધકારમાં છે?

યશાયાહના સમયની જેમ આજે પણ પરિસ્થિતિ એવી જ છે. આજે, નેતાઓ યહોવાહ પરમેશ્વર અને તેમના રાજ્યના રાજા, ઈસુ ખ્રિસ્તને માનવા તૈયાર નથી. (ગીતશાસ્ત્ર ૨:૨, ૩) ખ્રિસ્તી રાષ્ટ્રના આગેવાનોએ પોતાના લોકોને છેતર્યા છે. એ ધર્મગુરુઓ પરમેશ્વરની સેવા કરવાનો દાવો કરે છે. પરંતુ, ખરું જોતાં તેઓમાંથી મોટા ભાગના આ જગતના દેવોને ભજે છે. તેઓ જૂઠા ધર્મોની માન્યતાઓ તો શીખવે જ છે, પણ રાષ્ટ્રવાદ, લશ્કર, ધનદોલત, અને આગળ પડતા લોકોને પણ પૂજે છે.

ખ્રિસ્તી રાષ્ટ્રના ધર્મોએ બધી બાજુએ લડાઈ-ઝઘડા અને યુદ્ધોમાં ભાગ લીધો છે, જેમાં લાખોના મોત થયા છે અને બીજી ઘણી ક્રૂર બાબતો બની છે. તેમ જ, ઘણાં ચર્ચ બાઇબલનાં નૈતિક ધોરણો પ્રમાણે જીવવાને બદલે, વ્યભિચાર અને પુરુષ-પુરુષ સાથે કે સ્ત્રી-સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધે, એવા ગંદા આચરણોને ચલાવી લે છે અથવા એને પૂરો ટેકો આપે છે. બાઇબલનાં ધોરણો પ્રમાણે ન જીવવાને કારણે, ખ્રિસ્તી રાષ્ટ્રના લોકો પણ તેઓના જેવા જ બની ગયા છે. ગીતશાસ્ત્રના એક લેખકે એવા લોકો વિષે કહ્યું: “તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી; તેઓ અંધારામાં ભટકતા ફરે છે.” (ગીતશાસ્ત્ર ૮૨:૫) ખરેખર, અગાઉના યહુદાહની જેમ ખ્રિસ્તી રાષ્ટ્ર પણ ઘોર અંધકારમાં છે.—પ્રકટીકરણ ૮:૧૨.

૧૦. આજે કઈ રીતે અંધકારમાં અજવાળું પ્રકાશે છે અને નમ્ર લોકો કેવી રીતે એનો લાભ મેળવે છે?

૧૦ આવા અંધકારમાં પણ યહોવાહ નમ્ર લોકો માટે અજવાળું પ્રકાશવા દે છે. એ માટે પૃથ્વી પર, તે અભિષિક્ત સેવકોનો ઉપયોગ કરી રહ્યા છે, જે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ છે. તેઓ ‘જગતમાં દીવાદાંડીની માફક પ્રકાશી’ રહ્યા છે. (માત્થી ૨૪:૪૫; ફિલિપી ૨:૧૫, IBSI) વળી, લાખો “બીજાં ઘેટાં” પણ તેઓને પૂરો ટેકો આપે છે. એ બધા ભેગા મળીને પરમેશ્વરનાં વચન, બાઇબલમાંથી બધી બાજુ પ્રકાશ ફેલાવે છે. (યોહાન ૧૦:૧૬) આ દુષ્ટ જગતમાં, એ પ્રકાશ નમ્ર લોકોને સાચો માર્ગ બતાવે છે અને પરમેશ્વરની ભક્તિ કરવા તથા તેમના માર્ગથી ભટકી ન જવા મદદ કરે છે. એ જીવન આપનાર પ્રકાશ અમૂલ્ય છે.

“હું તારા નામની સ્તુતિ કરીશ”

૧૧. યશાયાહના સમયમાં યહોવાહે કયું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું?

૧૧ યશાયાહનો સમય ખરેખર કપરો હતો. એ પછી યહોવાહના લોકોને બાબેલોનીઓ બંદીવાન બનાવી લઈ ગયા, એ એનાથી પણ મુશ્કેલ સમય હતો. એ વખતે યહોવાહે કેવું માર્ગદર્શન આપ્યું હતું? નૈતિક ધોરણો વિષે માર્ગદર્શન આપવા ઉપરાંત, તેમણે અગાઉથી સ્પષ્ટ જણાવ્યું હતું કે તે કઈ રીતે તેમના લોકો સંબંધી પોતાના હેતુ પૂરા કરશે. દાખલા તરીકે, યશાયાહના ​૨૫થી ૨૭ અધ્યાયોની અદ્‍ભુત ભવિષ્યવાણીનો વિચાર કરો. એ બતાવે છે કે યહોવાહે એ સમયે કઈ રીતે બાબતો થાળે પાડી હતી અને હમણાં પણ કઈ રીતે એમ જ કરી રહ્યા છે.

૧૨. યશાયાહે કેવી પ્રાર્થના કરી?

૧૨ સૌ પ્રથમ યશાયાહ કહે છે: “હે યહોવાહ, તું મારો દેવ છે; હું તને મોટો માનીશ, હું તારા નામની સ્તુતિ કરીશ.” યશાયાહે કેવી સુંદર રીતે યહોવાહની સ્તુતિ કરી! પરંતુ, તેમણે એવી પ્રાર્થના શા માટે કરી હતી? એ જ કલમમાં એનો જવાબ મળી આવે છે, જે કહે છે: “કેમકે તેં [યહોવાહે] અદ્‍ભુત કાર્યો કર્યાં છે, તેં વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડ્યા છે.”—યશાયાહ ૨૫:૧.

૧૩. (ક) યહોવાહ વિષેના કેવા જ્ઞાનથી યશાયાહને હિંમત મળી? (ખ) યશાયાહ પાસેથી આપણે શું શીખી શકીએ?

૧૩ યશાયાહના દિવસ સુધીમાં યહોવાહે ઘણાં અદ્‍ભુત કાર્યો કર્યાં હતાં, જે લખી લેવાયાં હતાં. એ લખાણોથી યશાયાહ સારી રીતે પરિચિત હતા. દાખલા તરીકે, તે જાણતા હતા કે યહોવાહે પોતાના લોકોને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા હતા અને તેઓને રાતા સમુદ્ર પાસે ફારૂનના કોપથી પણ બચાવ્યા હતા. યશાયાહ એ પણ જાણતા હતા કે યહોવાહે પોતાના સેવકોને અરણ્યમાં માર્ગદર્શન આપ્યું હતું અને વચનના દેશમાં પણ લઈ આવ્યા હતા. (ગીતશાસ્ત્ર ૧૩૬:૧, ૧૦-૨૬) આવા અહેવાલો ખાતરી આપે છે કે યહોવાહ પરમેશ્વર વિશ્વાસુ અને ભરોસાપાત્ર છે. તેમના “સંકલ્પો” એટલે કે તેમના હેતુઓ પાર પડ્યા છે. પરમેશ્વરે આપેલા સાચા જ્ઞાને યશાયાહને હિંમત આપી. તેથી, તે યહોવાહના પ્રકાશમાં ચાલતા રહ્યા. હા, યશાયાહ આપણા માટે સુંદર ઉદાહરણ છે. આપણે બાઇબલમાંથી પરમેશ્વરનાં વચનોનો ઊંડો અભ્યાસ કરીએ અને એ જ પ્રમાણે જીવીએ તો, આપણે પણ પ્રકાશમાં ચાલતા રહીશું.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; ૨ કોરીંથી ૪:૬.

એક શહેરનો વિનાશ

૧૪. એક શહેર વિષે શું ભાખવામાં આવ્યું અને એ કયું શહેર હોય શકે?

૧૪ યહોવાહે કરેલા સંકલ્પોનો એક નમૂનો યશાયાહ ૨૫:૨માં જોવા મળે છે. એ કહે છે કે, “તેં નગરનો ઢગલો કરી નાખ્યો છે; તેં મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે; પરદેશીઓના રાજમહેલને તેં નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ.” એ કયું શહેર હતું? શક્ય છે કે યશાયાહ બાબેલોન વિષે ભવિષ્યવાણી કરી રહ્યા હતા. સાચે જ, એવો સમય આવ્યો જ્યારે બાબેલોન ખંડિયેર બની ગયું.

૧૫. આજે “મોટું શહેર” શું છે અને એનું શું થશે?

૧૫ શું યશાયાહે જણાવેલા એ શહેર જેવું જ કોઈ શહેર આજે છે? હા છે. પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે એ “મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે.” (પ્રકટીકરણ ૧૭:૧૮) એ મોટું શહેર “મહાન બાબેલોન” છે, જે જૂઠા ધર્મોનું જગત સામ્રાજ્ય છે. (પ્રકટીકરણ ૧૭:૫) આજે મહાન બાબેલોનનો મુખ્ય ભાગ ખ્રિસ્તી રાષ્ટ્ર છે. એના પાદરીઓ યહોવાહના સેવકોનો વિરોધ કરે છે, જેઓ તેમના રાજ્યનો પ્રચાર કરી રહ્યા છે. (માત્થી ૨૪:૧૪) જોકે, અગાઉના બાબેલોનની જેમ જ, મહાન બાબેલોનનો પણ જલદી જ વિનાશ થશે, જેમાંથી એ કદી પાછું ઊભું થશે નહિ.

૧૬, ૧૭. અગાઉના સમયમાં અને આજે યહોવાહના દુશ્મનોએ કઈ રીતે તેમની સ્તુતિ કરી છે?

૧૬ ‘મોરચાબંધ શહેર’ વિષે યશાયાહ બીજું શું ભાખે છે? યહોવાહને સંબોધીને યશાયાહ કહે છે: “તેથી સમર્થ લોક તારો મહિમા ગાશે, ભયંકર પ્રજાઓનું શહેર તારાથી બીશે.” (યશાયાહ ૨૫:૩) આ વિરોધી શહેર, “ભયંકર ​પ્રજાઓનું શહેર” કઈ રીતે યહોવાહની સ્તુતિ કરશે? તમને યાદ છે કે બાબેલોનના શક્તિશાળી રાજા, નબૂખાદનેસ્સારનું શું થયું હતું? પોતાના અહંકારને લીધે ભૂલાય નહિ એવી સજા ભોગવ્યા પછી, તેણે યહોવાહની મહાનતા અને સર્વોપરિતા કબૂલવી પડી. (દાનીયેલ ૪:૩૪, ૩૫) યહોવાહ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે ત્યારે, કમને પણ તેમના દુશ્મનોએ એ શક્તિશાળી કાર્યો કબૂલવા પડે છે.

૧૭ શું મહાન બાબેલોને યહોવાહના શક્તિશાળી કાર્યો કબૂલવા પડ્યા હતાં? હા, એમ કરવું પડ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં યહોવાહના અભિષિક્ત સેવકોએ મુશ્કેલીઓ છતાં પ્રચાર કર્યો. વર્ષ ૧૯૧૮માં વૉચ ટાવર સોસાયટીના જવાબદાર ભાઈઓને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે, તેઓ આત્મિક બંદીવાસમાં ગયા. ગોઠવણ પ્રમાણે થતું પ્રચાર કાર્ય લગભગ બંધ થઈ ગયું. પછી, ૧૯૧૯માં યહોવાહે પોતાના પવિત્ર આત્માથી તેઓને બળવાન અને દૃઢ કર્યા. ત્યાર બાદ, તેઓ ફરીથી આખી પૃથ્વી પર યહોવાહના રાજ્યનો સંદેશ ઉત્સાહથી જણાવવા લાગ્યા. (માર્ક ૧૩:૧૦) આ બધું પ્રકટીકરણના પુસ્તકમાં ભાખવામાં આવ્યું હતું. તેમ જ, દુશ્મનો પર થનારી અસર વિષે પણ એમાં જણાવાયું હતું કે, “તેઓ ભયભીત થયાં, ને તેઓએ આકાશના દેવની સ્તુતિ કરી.” (પ્રકટીકરણ ૧૧:૩, ૭, ૧૧-૧૩) શું એનો અર્થ એવો થાય કે તેઓ યહોવાહના ભક્તો બની ગયા? ના, પરંતુ યશાયાહે ભાખ્યું હતું એમ, તેઓએ કબૂલવું પડ્યું કે એમાં યહોવાહનો હાથ છે.

“દીનોનો આધાર”

૧૮, ૧૯. (ક) યહોવાહના લોકોની વફાદારી તોડવામાં વિરોધીઓ શા માટે નિષ્ફળ ગયા છે? (ખ) કઈ રીતે “જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે”?

૧૮ યહોવાહ પોતાના પ્રકાશમાં ચાલનારા સાથે પ્રેમાળ રીતે વર્તે છે. એ તરફ ધ્યાન દોરતા, હવે યશાયાહ કહે છે: “જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તું ગરીબોનો આશ્રય, સંકટસમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયા છે. સૂકી જગામાંના તડકાની પેઠે તું પરદેશીઓનો ગર્વ નરમ પાડીશ; જેમ વાદળાની છાયાથી તડકો ઓછો લાગે છે તેમ જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે.”—યશાયાહ ૨૫:૪, ૫.

૧૯ વર્ષ ૧૯૧૯થી જુલમી લોકોએ સાચા ઉપાસકોની વફાદારી તોડવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે, પણ તેઓ સફળ થયા નથી. એનું કારણ એ છે કે યહોવાહ પોતાના લોકોનો આશ્રય અને આધાર છે. તે તેઓને સખત તડકામાં ઠંડક અને છાયા પૂરી પાડે છે. તેમ જ, વિરોધના તોફાન સામે મજબૂત દીવાલ જેવી હિંમત પૂરી પાડે છે. પરમેશ્વરના અજવાળામાં ચાલનારા તરીકે આપણે ખાતરી રાખી શકીએ કે એવો સમય આવશે, જ્યારે ‘જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવ્યું હશે.’ તેથી, આપણે એ દિવસની આતુરતાથી રાહ જોઈએ છીએ, જ્યારે યહોવાહના દુશ્મનોનું નામનિશાન રહેશે નહિ.

૨૦, ૨૧. યહોવાહ કઈ મિજબાની આપે છે અને નવી દુનિયામાં એ મિજબાનીમાં શાનો સમાવેશ થશે?

૨૦ યહોવાહ પોતાના સેવકોનું ફક્ત રક્ષણ જ કરતા નથી, પરંતુ તેઓની જરૂરિયાતો પણ પૂરી પાડે છે. પોતાના લોકોને ૧૯૧૯માં મહાન બાબેલોનમાંથી છોડાવ્યા પછી, તેમણે તેઓને પુષ્કળ પ્રમાણમાં આત્મિક ખોરાક પૂરો પાડીને મોટી મિજબાની આપી છે. એ વિષે ભાખવામાં આવ્યું હતું કે, “સૈન્યોનો દેવ યહોવાહ સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્‍નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્‍નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.” (યશાયાહ ૨૫:૬) એ મિજબાનીમાં ભાગ લેવાનો આપણને કેવો મોટો આશીર્વાદ છે! (માત્થી ૪:૪) ખરેખર, યહોવાહની મેજ સારી સારી વાનગીઓથી ભરપૂર છે. (૧ કોરીંથી ૧૦:૨૧) આત્મિક રીતે જેની જરૂર છે, એ સર્વ આપણને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા આપવામાં આવે છે.

૨૧ જોકે, યહોવાહે આપેલી આ મિજબાનીમાં હજુ કંઈક વધારે રહેલું છે. હમણાં પુષ્કળ પ્રમાણમાં મળી રહેલો આત્મિક ખોરાક આપણને શું યાદ કરાવે છે? એ બતાવે છે કે પરમેશ્વરની નવી દુનિયામાં તે જુદા જુદા સ્વાદિષ્ટ ભોજનની મોટી મિજબાની પણ આપશે. એ સમયે મળનાર ‘મિષ્ટાન્‍નની મિજબાનીમાં’ અઢળક પ્રમાણમાં મળનાર ખોરાકનો સમાવેશ થાય છે. ત્યારે આત્મિક કે ભૌતિક રીતે કોઈએ પણ ભૂખ્યા રહેવું પડશે નહિ. “દુકાળો,” જે ઈસુની હાજરીની “નિશાની” છે, અને જેના કારણે વિશ્વાસુ ભાઈબહેનોએ હમણાં સહેવું પડે છે, તેઓને એ કેટલો દિલાસો આપે છે! (માત્થી ૨૪:૩,) એ સમયે ગીતશાસ્ત્રના એક લેખકના શબ્દો કેટલા સાચા ઠરશે, જે કહે છે: “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.

૨૨, ૨૩. (ક) કયા આચ્છાદાન અથવા ઘૂંઘટનો નાશ થશે અને કઈ રીતે? (ખ) ‘યહોવાહના લોકનું મહેણું’ કઈ રીતે દૂર કરવામાં આવશે?

૨૨ હવે એથી પણ વધારે અદ્‍ભુત વચનો સાંભળો! પાપ અને મરણને આચ્છાદાન અથવા ઘૂંઘટ સાથે સરખાવતા યશાયાહ કહે છે: “જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ટનો, તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે [યહોવાહ] નાશ કરશે.” (યશાયાહ ૨૫:૭) જરા વિચાર કરો! મનુષ્યોને ઘૂંઘટની માફક ગૂંગળાવતા પાપ અને મરણનો સદાને માટે નાશ કરવામાં આવશે. આપણે એ દિવસની કેવી આતુરતાથી રાહ જોઈએ છીએ, જ્યારે ઈસુ ખ્રિસ્તના ખંડણીરૂપ બલિદાનની પૂરેપૂરી અસર આજ્ઞાંકિત અને વિશ્વાસુ મનુષ્યો પર થશે!—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

૨૩ એ ભવ્ય સમય વિષે જણાવતા, પ્રેરિત પ્રબોધક આપણને ખાતરી આપે છે: “તેણે [પરમેશ્વરે] સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવાહ સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકનું મહેણું દૂર કરશે: કેમકે યહોવાહનું વચન એવું છે.” (યશાયાહ ૨૫:૮) કોઈ પણ આજની જેમ મરણ પામશે નહિ અથવા પ્રિયજન મરણ પામ્યું હોવાથી રડશે નહિ. ખરેખર, કેવો આશીર્વાદ! વળી, પૃથ્વી પર ક્યાંય મહેણાં કે જૂઠા આરોપો સાંભળવા મળશે નહિ, જે યહોવાહ અને તેમના સેવકો લાંબા સમયથી સહન કરી રહ્યા છે. એનું કારણ એ છે કે યહોવાહ એ બધાની જડ, એટલે કે શેતાન અને તેના ચેલાઓનો નાશ કરશે.—યોહાન ૮:૪૪.

૨૪. પ્રકાશમાં ચાલનારાઓ પર યહોવાહની શક્તિના ​પ્રદર્શનની કેવી અસર પડે છે?

૨૪ યહોવાહ પરમેશ્વરની શક્તિના આવા પ્રદર્શનની આતુરતાથી રાહ જોતા, તેમના અજવાળામાં ચાલનારાઓ પોકારી ઊઠે છે: “જુઓ, આ આપણો દેવ છે; આપણે તેની વાટ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવાહ છે; આપણે તેની વાટ જોતા આવ્યા છીએ, તેણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.” (યશાયાહ ૨૫:૯) જલદી જ, ન્યાયી મનુષ્યો હરેક રીતે આનંદ કરશે. અંધકાર સદાને માટે દૂર કરવામાં આવ્યો હશે અને વિશ્વાસુ જનો યહોવાહના પ્રકાશમાં હંમેશને માટે ચાલતા રહેશે. શું એના જેવી કોઈ બીજી આશા હોય શકે? ના!

શું તમે સમજાવી શકો?

• આજે પ્રકાશમાં ચાલવું શા માટે ખૂબ જ મહત્ત્વનું છે?

• યશાયાહે શા માટે યહોવાહના નામની સ્તુતિ કરી?

• યહોવાહના લોકોની વફાદારી તોડવામાં દુશ્મનો કેમ સફળ થશે નહિ?

• પ્રકાશમાં ચાલનારાઓ માટે કયા આશીર્વાદો રાહ જુએ છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્ર]

યહુદાહના લોકો મોલેખને બાળકોનાં બલિદાન ચડાવતાં હતાં

[પાન ૧૫ પર ચિત્રો]

યહોવાહના શક્તિશાળી કાર્યોના જ્ઞાને યશાયાહને તેમની સ્તુતિ કરવા પ્રેરણા આપી

[પાન ૧૬ પર ચિત્ર]

ન્યાયી લોકો યહોવાહના પ્રકાશમાં સદા ચાલતા રહેશે