સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહે સર્વ દિવસો મારી સંભાળ રાખી

યહોવાહે સર્વ દિવસો મારી સંભાળ રાખી

મારો અનુભવ

યહોવાહે સર્વ દિવસો મારી સંભાળ રાખી

ફૉરેસ્ટ લીના જણાવ્યા પ્રમાણે

જુલાઈ ૪, ૧૯૪૦નો દિવસ હતો. પોલીસે થોડા સમય પહેલાં જ અમારા ગ્રામોફોન અને બાઇબલ સાહિત્યોને જપ્ત કર્યા હતા. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. અમારા વિરોધીઓને લાગ્યું કે આ સૌથી સારો મોકો છે, એટલે તેઓએ કૅનેડાના એક નવા ગવર્નર-જનરલને એમ જાહેર કરવા ઉશ્કેર્યાં કે યહોવાહના સાક્ષીઓની પ્રવૃત્તિ ગેરકાનૂની છે.

તોપણ અમે જે કંઈ બન્યું એનો હિંમતપૂર્વક સામનો કર્યો. અમે જ્યાં સાહિત્ય રાખવામાં આવતું હતું ત્યાંથી વધારે સાહિત્ય મેળવ્યું અને અમારું પ્રચાર કાર્ય ચાલું રાખ્યું. એ વખતે મારા પપ્પાએ જે કહ્યું હતું એ હું ક્યારેય નહિ ભૂલું. તેમણે કહ્યું હતું કે, “અમે સહેલાઈથી પ્રચાર કાર્ય બંધ કરવાના નથી, યહોવાહે અમને પ્રચાર કરવાની આજ્ઞા આપી છે.” એ સમયે હું દસ વર્ષનો હતો અને પ્રચાર કાર્યમાં ખૂબ જ ઉત્સાહી હતો. મારા પપ્પાનો પ્રચારમાં જવાનો દૃઢ નિર્ણય અને ઉત્સાહ આજે પણ મને સતત યાદ કરાવે છે કે, યહોવાહ પરમેશ્વર કઈ રીતે પોતાના વિશ્વાસુ સેવકોનું રક્ષણ કરે છે.

સપ્ટેમ્બર ૧૯૪૦માં પોલીસે ફરી વાર અમને સૅસ્કેચિવનમાં પ્રચાર કરતા રોક્યા. આ વખતે તેમણે ફક્ત અમારા સાહિત્યો જ જપ્ત નહિ કર્યા, પરંતુ મારા પપ્પાની પણ ધરપકડ કરી અને જેલમાં લઈ ગયા. તેથી મારી મમ્મી ચાર બાળકો સાથે એકલી પડી. પછી થોડા જ સમયમાં મને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો, કારણ કે હું બાઇબલ શિક્ષણને દૃઢપણે વળગી રહેતો હોવાથી ઝંડાને સલામી કરતો ન હતો કે રાષ્ટ્રગીત પણ ગાતો ન હતો. પરંતુ મેં પત્રવ્યવહારથી મારો અભ્યાસ ચાલુ રાખ્યો, એ કારણે હું પ્રચાર કાર્યમાં પણ વધારે સહભાગી થઈ શકતો હતો.

વર્ષ ૧૯૪૮માં સંસ્થાએ જણાવ્યું કે કૅનેડાના પૂર્વ કિનારાના વિસ્તારોમાં પ્રચાર કાર્ય કરવા માટે પાયોનિયરોની જરૂર છે, જેઓ યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવકો તરીકે ઓળખાતા હતા. તેથી હું પાયોનિયરીંગ કરવા હૅલિફૅક્સ, નોવા સ્કૉશિયા અને પ્રિન્સ એડવર્ડ ટાપુ, કેપ વૉલ્ફમાં ગયો. એના પછીના વર્ષે મને ટોરંટોમાં યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીએ બે અઠવાડિયાં કામ કરવા બોલાવવામાં આવ્યો. પરંતુ હું છ કરતાં વધારે વર્ષ ત્યાં રહ્યો જે મારા માટે ખૂબ જ યાદગાર વર્ષો હતા. એ સમયે હું મરીનાને મળ્યો, જે મારી જેમ જ યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરતી હતી. અમે ડિસેમ્બર ૧૯૫૫માં લગ્‍ન કર્યું. પછી અમે ઑંટેરિયો, માઇલટોનમાં રહેવા ગયા અને ત્યાં જલદી જ નવું મંડળ ઊભું થયું. અમારા ઘરના ભોંયરાંને અમે રાજ્યગૃહ બનાવ્યું હતું.

સેવાકાર્યમાં વધારે કામ કરવાની ઇચ્છા

થોડા જ વર્ષોમાં અમને એક પછી એક એમ છ બાળકો થયાં. સૌ પ્રથમ પુત્રી મિરીમ, પછી શાર્મિમ, પુત્ર માર્ક, પુત્રી અનંતે, પુત્ર ગ્રાન્ટ અને અંતે ગ્લેન થયો. હું કામ પરથી પાછો ફરતો ત્યારે, મારા નાના બાળકોને તાપણાંની ફરતે જમીન પર બેઠેલાં જોતો. મરીના તેઓ સાથે બાઇબલ વાંચન કરીને બાઇબલ અહેવાલો સમજાવતી તથા તેઓના હૃદયમાં યહોવાહ માટે પ્રેમ ઠસાવતી હતી. આવા પ્રેમાળ ટેકા માટે હું તેનો ઘણો આભારી છું. તેના લીધે જ અમારા સર્વ બાળકોએ નાનપણથી જ બાઇબલનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

મારા પપ્પાના પ્રચાર કાર્ય માટેના ઉત્સાહે મારા મન અને હૃદય પર ઊંડી અસર પાડી હતી. (નીતિવચન ૨૨:૬) તેથી ૧૯૬૮માં જ્યારે યહોવાહના સાક્ષીઓના કુટુંબોને મધ્ય અને દક્ષિણ અમેરિકામાં સ્થાયી થઈને પ્રચાર કાર્ય કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે, અમારા કુટુંબે તરત એ આમંત્રણને સ્વીકારી લીધું. એ સમયે મારા બાળકોની ઉંમર પાંચથી તેર વર્ષની વચ્ચે હતી અને અમને સ્પૅનિશ ભાષાનો એક શબ્દ પણ આવડતો ન હતો. તેથી માર્ગદર્શન પ્રમાણે મેં જુદા જુદા દેશોમાં જઈને ત્યાંના જીવન ધોરણની તપાસ કરી. ઘરે પાછા ફર્યા પછી, અમે આખા કુટુંબ તરીકે પ્રાર્થના કરીને ક્યાં જવું એ વિષે ચર્ચા કરી. છેવટે અમે નિકારાગુઆ જવાનો નિર્ણય કર્યો.

નિકારાગુઆમાં પ્રચાર કરવો

ઑક્ટોબર ૧૯૭૦માં તો અમે અમારા નવા ઘરમાં આવી ગયા હતા. વળી ત્રણ અઠવાડિયામાં તો મને સભામાં એક નાનો ભાગ પણ આપવામાં આવ્યો. મેં ઘણી મહેનત કરીને ભાંગી-તૂટી સ્પૅનિશ ભાષામાં મારો ભાગ રજૂ કર્યો હતો અને અંતમાં આખા મંડળને શનિવારે સવારે સાડા નવ વાગ્યે મારા ઘરે સવૉશા માટે ભેગા મળવાનું આમંત્રણ આપ્યું. ખરેખર હું સર્વીસ્યો કહેવા માંગતો હતો જેનો અર્થ પ્રચાર કાર્ય થતો હતો, પરંતુ મેં ભૂલથી બધાને બીઅર માટે આમંત્રણ આપી દીધું. ખરેખર નવી ભાષા શીખવી એ એક પડકાર હતો!

સૌ પ્રથમ હું મારી રજૂઆત મારા હાથ પર લખી લેતો, પછી ઘરમાલિક પાસે જતા સુધી હું રસ્તામાં એનો મહાવરો કરતો. હું ઘરમાલિકને કહેતો: “આ પુસ્તકમાંથી અમે વિનામૂલ્યે બાઇબલ અભ્યાસ કરાવીએ છીએ.” એક વ્યક્તિએ મારી ઑફર સ્વીકારી અને કહ્યું કે તમે શું કહેવા માંગો છો એ જાણવા હું તમારી સભાઓમાં જરૂર આવીશ. પછી એ માણસ યહોવાહનો સાક્ષી બન્યો. એ બનાવ ખાતરી આપે છે કે નમ્ર લોકોના હૃદયમાં સત્યના બીને વૃદ્ધિ આપનાર પરમેશ્વર જ છે, જેમ પ્રેષિત પાઊલે સ્વીકાર્યું હતું.—૧ કોરીંથી ૩:૭.

માનાગ્વા શહેરમાં બે વર્ષ રહ્યાં પછી, અમને નિકારાગુઆના દક્ષિણ ભાગમાં જવાનું કહેવામાં આવ્યું. ત્યાં અમે રીવાસ મંડળ અને છૂટાછવાયાં વૃંદો સાથે કામ કર્યું. અમે એ વૃંદોની મુલાકાત લીધી ત્યારે, અમને પીડ્રો પૅન નામના એક વૃદ્ધ વિશ્વાસુ ભાઈએ સાથ આપ્યો હતો. નિકારાગુઆ સરોવર નજીકના એક ટાપુ પર પણ એક વૃંદ રહેતું હતું કે જ્યાં અવારનવાર જ્વાળામુખી ફાટતો હતો. ત્યાં યહોવાહના સાક્ષીઓનું ફક્ત એક જ કુટુંબ રહેતું હતું.

આ કુટુંબ ગરીબ હતું છતાં, અમે મુલાકાત લીધી ત્યારે તેઓએ અમારી સારી સરભરા કરી. એ સાંજે અમે ત્યાં પહોંચ્યા ત્યારે, અમારા માટે ભોજન પણ તૈયાર હતું. અમે ત્યાં એક અઠવાડિયું રહ્યાં. ત્યાંના ઘણા લોકોએ બાઇબલમાં રસ બતાવ્યો. તેઓ સાક્ષી ન હતા છતાં અમારા માટે ભોજન લાવતા હતા. રવિવારના જાહેર વાર્તાલાપમાં ૧૦૧ની હાજરી જોઈને અમને ઘણો આનંદ થયો હતો.

બીજા એક પ્રસંગે પણ મેં જોયું કે કઈ રીતે પરમેશ્વર પોતાના સેવકોનું રક્ષણ કરે છે. એક દિવસ અમારે કોસ્ટા રીકાના કિનારા પાસેના પહાડો પર રહેતા, રસ ધરાવતા લોકોની મુલાકાત લેવાની હતી. એ દિવસે પીડ્રો મને લેવા આવ્યા હતા. પરંતુ મને મેલેરિયા થયો હોવાથી મેં તેમને કહ્યું, “પીડ્રો, હું નહિ આવી શકું.” તેમણે મારા કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું: “તને તો સખતનો તાવ છે, તોપણ તારે આવવાનું જ છે! ભાઈઓ તારી રાહ જુએ છે.” પછી તેમણે મારા માટે મોટેથી હૃદયપૂર્વક પ્રાર્થના કરી.

પછી મેં તેમને કહ્યું: “જાઓ, જઈને ફ્રેસ્કો (ફળનો જ્યુસ) લઈ આવો. હું દસેક મિનિટમાં તૈયાર થઈને આવું છું.” અમે જે વિસ્તારની મુલાકાત લીધી ત્યાં બે સાક્ષી કુટુંબો રહેતા હતા અને તેઓએ અમારી સારી કાળજી રાખી. પછીના દિવસે પણ મને તાવ અને અશક્તિ હોવા છતાં, અમે તેઓ સાથે પ્રચારમાં ગયા. રવિવારની સભામાં ૧૦૦ કરતાં પણ વધારે લોકોને હાજરી આપતા જોઈને અમારો વિશ્વાસ કેટલો દૃઢ થયો હતો!

બીજી એક જગ્યાએ સ્થાયી થયા

અમારા સાતમા બાળક વૉનનો જન્મ ૧૯૭૫માં થયો. એ પછીના વર્ષે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને લીધે અમારે પાછા કૅનેડા જવાનું થયું. નિકારાગુઆ છોડવું કંઈ સહેલું ન હતું, કેમ કે ત્યાં યહોવાહે અમારી ઘણી કાળજી રાખી હતી. અમે નિકારાગુઆ છોડ્યું ત્યારે, અમારા મંડળના વિસ્તારમાંથી ૫૦૦ કરતાં વધારે લોકો સભામાં હાજરી આપતા હતા.

મારી પુત્રી મિરીમ અને મને નિકારાગુઆમાં ખાસ પાયોનિયર તરીકે નિયુક્ત કર્યા ત્યારે, તેણે મને પૂછ્યું હતું: “પપ્પા, જો તમારે કૅનેડા પાછા જવાનું થાય તો તમે મને અહીંયા રહેવા દેશો?” એ સમયે મેં અહીંથી જવાનો વિચાર પણ કર્યો ન હતો, તેથી મેં કહ્યું: “ચોક્કસ, તું રહી શકે છે!” તેથી અમે નિકારાગુઆ છોડ્યું ત્યારે, મિરીમે ત્યાં જ રહીને તેનું પૂરા સમયનું સેવાકાર્ય ચાલુ રાખ્યું. પછીથી તેણે એન્ડ્રુ રીડ સાથે લગ્‍ન કર્યા. વર્ષ ૧૯૮૪માં તેઓએ બ્રુકલિન, ન્યૂયૉર્કમાં યહોવાહના સાક્ષીઓની મિશનરિ શાળા, ગિલયડના ૭૭માં વર્ગમાં હાજરી આપી. અત્યારે મિરીમ પોતાના પતિ સાથે ડોમિનિકન પ્રજાસત્તાકમાં સેવા કરે છે. તે નિકારાગુઆના ઉત્સાહી મિશનરિઓથી પ્રેરણા પામીને પોતાની ઇચ્છા પૂરી કરી રહી છે.

એ દરમિયાન, પપ્પાના આ શબ્દો, “અમે સહેલાઈથી પ્રચાર કાર્ય બંધ કરવાના નથી” હજુ પણ મારા હૃદયમાં ઠસેલા હતા. તેથી મધ્ય અમેરિકામાં પાછા ફરી શકાય એટલા નાણાં ભેગા કરીને અમે ૧૯૮૧માં કોસ્ટા રીકા ગયા. ત્યાં સેવાકાર્ય કરતા હતા એ દરમિયાન, અમને ત્યાંની શાખા કચેરીની નવી બિલ્ડિંગોના બાંધકામમાં મદદ કરવા આમંત્રણ આપવામાં આવ્યું. તેમ છતાં, ૧૯૮૫માં મારા પુત્ર ગ્રાન્ટને તબીબી સારવારની જરૂર હોવાથી અમે કૅનેડા પાછા ગયા. ગ્લેન કોસ્ટા રીકા શાખા કચેરીના બાંધકામમાં ત્યાં જ રોકાઈ ગયો. અનંતે તથા શાર્મિમ પણ ત્યાં ખાસ પાયોનિયરીંગ કરતા રહ્યા. અમે કોસ્ટા રીકા છોડ્યું ત્યારે, સ્વપ્નમાં પણ એ વિચાર કર્યો ન હતો કે અમે પાછા ત્યાં ક્યારેય આવીશું નહિ.

મુશ્કેલીનો સામનો કરવો

સપ્ટેમ્બર ૧૭, ૧૯૯૩નો દિવસ હતો. સવારથી જ સારું વાતાવરણ હતું અને ચારે બાજુ કૂણો તાપ હતો. હું અને મારો મોટો પુત્ર માર્ક છાપરું બનાવતા હતા. અમે બંને સાથે કામ કરતા હતા અને આત્મિક બાબતોની ચર્ચા પણ કરતા હતા. અચાનક જ મેં મારું સંતુલન ગુમાવ્યું અને છાપરા પરથી નીચે પડ્યો. હું ભાનમાં આવ્યો ત્યારે મને તેજ પ્રકાશ અને સફેદ કપડાં પહેરેલા લોકો દેખાતા હતા. એ વખતે હું હૉસ્પિટલના ઈમરજન્સી વૉર્ડમાં હતો.

બાઇબલમાં જે કહેવામાં આવ્યું છે એના આધારે ભાનમાં આવતા જ મારા મોંમાંથી આ શબ્દો નીકળ્યા: “મને લોહી આપશો નહિ, લોહી આપશો નહિ.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) ત્યાં જ શાર્મિમે મને ધીરજ આપતા કહ્યું: “પપ્પા, ચિંતા ના કરો, અમે બધા જ અહીં છીએ.” પછીથી મને ખબર પડી કે ડૉક્ટરોએ મારું ‘નો બ્લડ કાર્ડ’ તપાસ્યું હતું, એટલે લોહી આપવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થયો ન હતો. મારી ગરદન તૂટી ગઈ હતી અને આખા શરીરને લકવો થઈ ગયો હતો. શ્વાસ લેવો પણ મારા માટે મુશ્કેલ હતું.

હું એકદમ અશક્ત થઈ ગયો હોવાથી મને યહોવાહની મદદની વધારે જરૂર હતી. મારી શ્વાસનળીનું ઑપરેશન કર્યું હોવાથી, મશીનથી શ્વાસ લઈ શકું એ માટે એક નળી મૂકવામાં આવી હતી. એ કારણે હું બોલી શકતો ન હતો, કેમ કે મારી સ્વરપેટીમાં હવાની આવ-જા બંધ થઈ ગઈ હતી. તેથી લોકો મારા હોઠ હલતા જોઈને હું શું કહેવા માગું છું એ સમજવાનો પ્રયત્ન કરતા હતા.

મારી સારવારનો ખર્ચો વધતો જતો હતો. મારી પત્ની અને બધા જ બાળકો પૂરા-સમયના સેવકો હતા. તેથી હું વિચારતો હતો કે તેઓએ આ આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા કંઈ પોતાનું સેવાકાર્ય ન છોડવું પડે. પરંતુ માર્કને એક કામ મળી ગયું, જેની મદદથી તેણે ત્રણ જ મહિનામાં સારવારનો મોટા ભાગનો ખર્ચ ચૂકવી દીધો. પરિણામે, ફક્ત હું અને મારી પત્ની સિવાય બધા જ પૂરા સમયના કાર્યમાં રહી શક્યા.

છ દેશોના ભાઈબહેનો તરફથી આવેલા અસંખ્ય કાર્ડ અને પત્રોથી હૉસ્પિટલના મારા રૂમની દીવાલો ભરાઈ ગઈ હતી. ખરેખર, યહોવાહ મારી કાળજી રાખી રહ્યા હતાં. હું સાડા પાંચ મહિના ઈન્ટેસિવ કેર યુનિટમાં રહ્યો એ દરમિયાન, મંડળના ભાઈબહેનોએ ભોજન પૂરું પાડીને મારા કુટુંબને ખૂબ મદદ કરી હતી. દરરોજ બપોરે એક વડીલ ભાઈ મારી સાથે બેસતા અને મારા માટે બાઇબલ અને બાઇબલ સાહિત્યો, તેમ જ ઉત્તેજનકારક અનુભવો વાંચતા હતા. મારા કુટુંબના બે સભ્યો મંડળની દરેક સભાઓની મારી સાથે તૈયારી કરતા હતા જેથી હું મહત્ત્વનો આત્મિક ખોરાક લેવાનું ચૂકી ન જાઉં.

હું હૉસ્પિટલમાં જ હતો ત્યારે, ખાસ સંમેલન દિવસમાં હાજરી આપવાની મારા માટે ગોઠવણ કરવામાં આવી. આખો દિવસ મારી સંભાળ રાખવા હૉસ્પિટલના સ્ટાફે એક નર્સ અને એક શ્વાસનળીના (Respiratory) ટેક્નિશિયનની ગોઠવણ કરી. મારા ખ્રિસ્તી ભાઈબહેનોને ફરીથી મળવું કેવું આનંદદાયક હતું! એ સંમેલનમાં અસંખ્ય ભાઈબહેનો મને મળવા કતારમાં ઊભા હતા, જે હું ક્યારેય ભૂલી નહિ શકું.

આત્મિકતા જાળવી રાખવી

મારી સાથે દુર્ઘટના થઈ એના લગભગ એક વર્ષ પછી, હું મારા કુટુંબ સાથે ઘરે પાછો ફરી શક્યો. તેમ છતાં, હજુ પણ ૨૪ કલાક મારી કાળજી લેવી પડે છે. અમે એક ખાસ પ્રકારનું વાહન રાખ્યું હોવાથી હું મોટા ભાગની સભાઓમાં હાજરી આપી શકું છું. તોપણ હું કબૂલું છું કે ત્યાં જવા માટે દૃઢ નિર્ણય લેવો જરૂરી છે. ઘરે આવ્યા પછી હું બધા જ મહાસંમેલનમાં હાજરી આપી શક્યો છું.

છેવટે ફેબ્રુઆરી ૧૯૯૭માં મારી બોલવાની શક્તિ ધીરે ધીરે પાછી આવવા લાગી. મારી કાળજી રાખતી કેટલીક નર્સો સાથે હું બાઇબલ સંદેશાનો સહભાગી થતો ત્યારે તેઓ મારું સાંભળતી હતી. એક નર્સે જેહોવાઝ વિટ્‌નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્‌સ કિંગડમ આખું પુસ્તક તેમ જ બીજા ઘણા પ્રકાશનો મને વાંચી સંભળાવ્યા. હવે હું કૉમ્પ્યુટર પર એક લાકડીની મદદથી ટાઇપ કરીને લોકોને પત્ર દ્વારા પ્રચાર કરું છું. જોકે આ રીતે ટાઇપિંગ કરવું ખૂબ જ કંટાળાજનક છે, પરંતુ હું આ એક રીતથી પ્રચાર કાર્યમાં ભાગ લઈ શકું છું એનો મને ખૂબ જ આનંદ થાય છે.

મને ઘણી વાર નસોમાં સખતનો દુખાવો થાય છે. પરંતુ હું બાઇબલ સત્ય વિષે બીજાઓને વાત કરું છું કે કોઈ એને મારી સામે વાંચી સંભળાવે છે ત્યારે, મને થોડી રાહત થતી હોય છે. અમુક સમયે હું અને મારી પત્ની ફળિયાઓમાં પ્રચાર કરીએ છીએ અને જરૂર પડે ત્યારે તે મને સાક્ષી આપવા મદદ કરે છે. ઘણી વાર મેં સહાયક પાયોનિયરીંગ પણ કર્યું છે. ખ્રિસ્તી વડીલ તરીકે સેવા આપવાથી અને ખાસ કરીને, ભાઈઓને સભામાં કે મારા ઘરે મુલાકાત લે ત્યારે જોઈતી મદદ તથા ઉત્તેજન આપીને મને ઘણો આનંદ થાય છે.

હા, હું અવારનવાર હતાશ થઈ જાઉં છું. તેથી હું જ્યારે પણ હતાશ થાઉં છું કે તરત જ પ્રાર્થના કરું છું જેથી હું પાછો આનંદ મેળવી શકું. યહોવાહ મારી સંભાળ રાખે એ માટે હું રાત-દિવસ તેમને પ્રાર્થના કરું છું. કોઈનો પત્ર મળે છે કે કોઈ મુલાકાત લે છે ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે. ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકો વાંચીને પણ મારું મન અને વિચારો ઉત્તેજનથી ભરાઈ જાય છે. જુદી જુદી નર્સો ક્યારેક મારા માટે આ સામયિકો વાંચે છે. મારી સાથે અકસ્માત થયા પછી, મેં આખા બાઇબલ વાંચનની કૅસેટ સાત વાર સાંભળી છે. આ બધી જુદી જુદી રીતો છે જેના દ્વારા યહોવાહે મારી સંભાળ રાખી છે.—ગીતશાસ્ત્ર ૪૧:૩.

મારા જીવનમાં બનેલા આ બનાવથી, મને આપણા મહાન શિક્ષક યહોવાહ કઈ રીતે આપણને જીવનનું શિક્ષણ આપે છે એ પર મનન કરવા ઘણો સમય મળ્યો છે. તે આપણને તેમની ઇચ્છા અને હેતુઓ વિષેનું જ્ઞાન આપે છે, કૌટુંબિક જીવન સુખી બનાવવાની સલાહ આપે છે. તેમ જ મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે શું કરવું એ પણ બતાવે છે. યહોવાહે મને વિશ્વાસુ અને સુંદર પત્ની આપી છે. મારા બાળકો પણ મને ટેકો આપે છે અને તેઓ સર્વને પૂરા સમયના કાર્યમાં સહભાગી થતા જોઈને મને ખૂબ આનંદ થાય છે. માર્ચ ૧૧, ૨૦૦૦માં મારો પુત્ર માર્ક અને તેની પત્ની ઍલીસૉન ગિલયડના ૧૦૮માં વર્ગમાં સ્નાતક થયા અને નિકારાગુઆમાં તેઓને સેવા કરવા મોકલવામાં આવ્યા. મેં અને મારી પત્નીએ તેઓના સ્નાતક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. હું સાચે જ કહી શકું છું કે મુશ્કેલીઓએ મારું જીવન બદલ્યું છે, પણ હૃદય નહિ.​—ગીતશાસ્ત્ર ૧૨૭:૩, ૪.

હું યહોવાહનો આભાર માનું છું કે તેમણે મને બુદ્ધિ અને શક્તિ આપી જેનાથી હું મારો આત્મિક વારસો મારા બાળકોને આપી શક્યો. મારા બાળકો મારા પપ્પાની જેમ જ પોતાના ઉત્પન્‍નકર્તાની સેવા કરી રહ્યા છે. એ જોઈને મારો વિશ્વાસ દૃઢ થાય છે તથા મને ખૂબ ઉત્તેજન મળે છે. પપ્પા કહેતા હતા: “અમે સહેલાઈથી પ્રચાર કાર્ય બંધ કરવાના નથી, યહોવાહે અમને પ્રચાર કરવાની આજ્ઞા આપી છે.” ખરેખર, યહોવાહે મારી તથા મારા કુટુંબની સર્વ દિવસોએ સંભાળ રાખી છે.

[પાન ૨૪ પર ચિત્ર]

પાયોનિયરીંગ કરવા અમે આ મોબાઈલ ઘર વાપરતા, એની પાસે મારા પપ્પા, ભાઈઓ, બહેન અને હું જમણી બાજુ છું

[પાન ૨૬ પર ચિત્ર]

મારી પત્ની મરીના સાથે

[પાન ૨૬ પર ચિત્ર]

અમારા કુટુંબનો તાજેતરનો ફોટો

[પાન ૨૭ પર ચિત્ર]

હું હજુ પણ પત્રોથી સાક્ષી આપું છું