નાઝી સતાવણીમાં વફાદાર સેવકોની જીત
સંપૂર્ણ થઈને દૃઢ રહો
નાઝી સતાવણીમાં વફાદાર સેવકોની જીત
“મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” (નીતિવચન ૨૭:૧૧) આ નમ્ર વિનંતી બતાવે છે કે યહોવાહને વિશ્વાસુ અને વફાદાર રહીને માણસજાત તેમના હૃદયને આનંદ પમાડી શકે છે. (સફાન્યાહ ૩:૧૭) તેમ છતાં, મહેણાં મારનાર શેતાન, યહોવાહના સેવકોની પ્રમાણિકતા તોડવા માટે બનતું બધું જ કરી રહ્યો છે.—અયૂબ ૧:૧૦, ૧૧.
ખાસ કરીને ૨૦મી સદીની શરૂઆતમાં શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો ત્યારથી, તે યહોવાહના લોકો પ્રત્યે ઘણો ક્રોધાયમાન થયો છે. (પ્રકટીકરણ ૧૨:૧૦, ૧૨) તોપણ સાચા ખ્રિસ્તીઓ “સંપૂર્ણ થઈને દૃઢ” ઊભા રહે છે અને પરમેશ્વર પ્રત્યે પોતાની પ્રમાણિકતા જાળવી રાખે છે. (કોલોસી ૪:૧૨) ચાલો આપણે જર્મનીના યહોવાહના સાક્ષીઓનો ટૂંકમાં વિચાર કરીએ, જેઓએ બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને એ દરમિયાન યહોવાહને વફાદાર રહીને અદ્ભુત ઉદાહરણ બેસાડ્યું.
ઉત્સાહી પ્રવૃત્તિની કસોટી થઈ
જર્મનીમાં ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકાઓમાં બીબેલફોરશર (બાઇબલ વિદ્યાર્થીઓ) તરીકે જાણીતા યહોવાહના સાક્ષીઓએ પુષ્કળ પ્રમાણમાં બાઇબલ પ્રકાશનોનું વિતરણ કર્યું. વળી, ૧૯૧૯થી ૧૯૩૩માં તેઓએ જર્મનીના દરેક કુટુંબ દીઠ સરેરાશ આઠ પુસ્તકો, પુસ્તિકાઓ અને સામયિકો આપ્યા.
એ સમયે, જર્મનીમાં ખ્રિસ્તના અભિષિક્ત અનુયાયીઓની મોટી સંખ્યા હતી. વર્ષ ૧૯૩૩માં જગતવ્યાપી ૮૩,૯૪૧ લોકોએ પ્રભુના સાંજના ભોજનમાં ભાગ લીધો હતો. એમાંથી લગભગ ૩૦ ટકા લોકો જર્મનીમાં રહેતા હતા. થોડા જ સમય પછી, જર્મનીમાં રહેતા યહોવાહના સાક્ષીઓએ પ્રમાણિકતા માટે મુશ્કેલ કસોટીઓનો સામનો કરવો પડ્યો. (પ્રકટીકરણ ૧૨:૧૭; ૧૪:૧૨) ઘણા લોકોને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા. તેઓના બાળકોને શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેઓના ઘરો લૂંટી લેવામાં આવ્યા. તેઓને ખૂબ મારવામાં આવ્યા, તો ઘણાને ધરપકડ કરીને જેલમાં પૂરવામાં આવ્યા. (ચિત્ર ૧) છેવટે, વિશ્વયુદ્ધ બે સુધીમાં તો ૫થી ૧૦ ટકા યહોવાહના સાક્ષીઓને યાતના શિબિરમાં મોકલવામાં આવ્યા.
નાઝીઓએ શા માટે સાક્ષીઓની સતાવણી કરી
શા માટે નાઝી સરકારનો ક્રોધ યહોવાહના સાક્ષીઓ પર ભભૂકી ઊઠ્યો? પોતાના પુસ્તક હિટલર—૧૮૮૯-૧૯૩૬: હાઈબ્રીસમાં ઇતિહાસના પ્રાધ્યાપક ઈયર કરસેન નોંધે છે કે, સાક્ષીઓ સતાવણીનું નિશાન બન્યા કારણ કે તેઓ “નાઝી સરકારના ઇશારે નાચતા ન હતા.”
ઇતિહાસના બીજા એક પ્રાધ્યાપક, રોબર્ટ પી. એરીક્શન અને યહુદી અભ્યાસના પ્રાધ્યાપક સુસાન્ના હૅન્શલ પોતાના પુસ્તક બિટ્રેઅલ—જર્મન ચર્ચીસ એન્ડ ધ હોલોકોસ્ટમાં જણાવે છે કે સાક્ષીઓએ “હિંસા કે લશ્કરમાં ભાગ લેવાનો નકાર કર્યો . . . સાક્ષીઓ રાષ્ટ્રીય બાબતમાં તટસ્થ હતા, એટલે કે તેઓ હિટલરને મત
આપતા ન હતા તેમ જ તેને સલામ પણ ભરતા ન હતા.” એ જ પુસ્તક કહે છે કે, નાઝીઓ તેમની સાથે ક્રૂર રીતે વર્તતા હતા કારણ કે “રાષ્ટ્રવાદી લોકો આ પ્રકારની અવગણનાને સહન કરી શકતા ન હતા.”આખા જગતમાં સખત વિરોધ
ફેબ્રુઆરી ૯, ૧૯૩૪માં પરમેશ્વરના સંદેશને ઉત્સાહથી જાહેર કરવામાં આગેવાની લેનાર જોસફ એફ. રધરફર્ડે હિટલરને નાઝી સતાવણી વિરૂદ્ધ પત્ર લખ્યો. (ચિત્ર ૨) વળી, ઑક્ટોબર ૭, ૧૯૩૪ના રોજ હિટલરને જર્મની સહિત બીજા ૫૦ દેશોમાંથી, રધરફર્ડના પત્રની સાથે-સાથે બીજા ૨૦,૦૦૦ પત્રો અને ટેલિગ્રામ નાઝી સતાવણી વિરુદ્ધ મળ્યા.
પરંતુ, નાઝીઓ સતાવણી કરવામાં એક પગલું આગળ વધ્યા. એપ્રિલ ૧, ૧૯૩૫ના રોજ, આખા જર્મનીમાં તેઓએ યહોવાહના સાક્ષીઓના કાર્ય પર પ્રતિબંધ મૂક્યો. ઑગસ્ટ ૨૮, ૧૯૩૬ના રોજ, ગેસ્ટાપો અથવા જર્મન છૂપી પોલીસે સાક્ષીઓ વિરુદ્ધ દરેક પ્રકારના પગલાં લીધા. તોપણ, સાક્ષીઓએ “પત્રિકાઓ વહેંચવાનું ચાલુ જ રાખ્યું અને પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો,” એમ બિટ્રેઅલ—જર્મન ચર્ચીસ એન્ડ ધ હોલોકોસ્ટે નોંધ્યું.
દાખલા તરીકે, જર્મન છૂપી પોલીસ તેઓનું કામ બંધ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પરંતુ, ડિસેમ્બર ૧૨, ૧૯૩૬ના રોજ કંઈક ૩,૫૦૦ સાક્ષીઓએ પોતે જે સતાવણી સહન કરી રહ્યા હતા એને લગતા ઠરાવની લાખો પ્રતોનું વિતરણ કર્યું. આ ઝુંબેશ વિષે ચોકીબુરજે લખ્યું: “એ મોટો વિજય હતો, દુશ્મનોને જોરદાર તમાચો. વિશ્વાસુ સાક્ષીઓ માટે એ અતિશય આનંદ હતો.”—રૂમી ૯:૧૭.
સતાવણી પર વિજય!
નાઝીઓએ યહોવાહના સાક્ષીઓની શોધ કરવાનું ચાલુ રાખ્યું. વર્ષ ૧૯૩૯ સુધીમાં, છ હજાર સાક્ષીઓને જેલમાં પૂરવામાં આવ્યા અને હજારોને યાતના શિબિરમાં મોકલવામાં આવ્યા. (ચિત્ર ૩) વિશ્વયુદ્ધ બેના અંત સુધીમાં કેવી પરિસ્થિતિ હતી? કંઈક ૨,૦૦૦ સાક્ષીઓ જેલમાં મરી ગયા અને ૨૫૦ કરતાં વધારેને મારી નાખવામાં આવ્યા. તેમ છતાં, પ્રાધ્યાપક એરીક્શન અને હૅન્શલે લખ્યું, “યહોવાહના સાક્ષીઓએ એકદમ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો.” પરિણામે, હિટલરના શાસનનો અંત આવ્યો ત્યારે એક હજારથી પણ વધારે સાક્ષીઓ યાતના શિબિરમાંથી આનંદપૂર્વક બહાર આવ્યા.—ચિત્ર ૪; પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૮, ૩૯; રૂમી ૮:૩૫-૩૭.
યહોવાહના લોકો કઈ બાબતના લીધે સખત સતાવણીનો સામનો કરી શક્યા? યાતના શિબિરમાંથી બચી ગયેલા આડોલ્ફ આરનર્ડ સમજાવે છે: “તમે માનસિક રીતે એકદમ ભાંગી પડ્યા હોવ તોપણ, યહોવાહ તમને જુએ છે. તે જાણે છે કે તમે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો. તે તમને પરિસ્થિતિનો સામનો કરવા અને વિશ્વાસુ રહેવા માટે જરૂરી મદદ પૂરી પાડે છે. તેમના હાથ એટલા ટૂંકા નથી કે તે તમને બચાવી ન શકે.”
એ વિશ્વાસુ ખ્રિસ્તીઓને પ્રબોધક સફાન્યાહના શબ્દો કેવા સારી રીતે લાગુ પડે છે! તે કહે છે: “તારો દેવ યહોવાહ તારામાં છે તે સમર્થ તારક છે; તે તારે માટે બહુ હરખાશે, તે તારા પરની તેની પ્રીતિમાં શાંત રહેશે, તે ગાતાં ગાતાં તારે માટે હર્ષ કરશે.” (સફાન્યાહ ૩:૧૭) આજે સાચા પરમેશ્વરના સર્વ ઉપાસકો એ વિશ્વાસુ સાક્ષીઓના વિશ્વાસનું અનુકરણ કરે છે. તેઓ નાઝી સતાવણીમાં પણ યહોવાહને વફાદાર રહ્યા, અને એમ કરીને તેમના હૃદયને આનંદ પમાડ્યો.—ફિલિપી ૧:૧૨-૧૪.
[પાન ૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Państwowe Muzeum Oświȩcim-Brzezinka, courtesy of the USHMM Photo Archives