“પ્રભુ ખરેખર ઊઠ્યો છે”
“પ્રભુ ખરેખર ઊઠ્યો છે”
પ્રભુ ઈસુને મારી નાખવામાં આવ્યા ત્યારે, તેમના શિષ્યો કેટલા ઉદાસ થઈ ગયા હતા એની કલ્પના કરો. તેથી એવું લાગી શકે કે તેઓની આશા આરીમથાઈના યુસફે કબરમાં મૂકેલા ઈસુના શબની જેમ મરી પરવારી હતી. ઈસુ યહુદીઓને રોમન શાસનના ત્રાસથી છુટકારો અપાવશે એ આશા પર જાણે પાણી ફરી વળ્યું હતું.
જો એમ હોય તો, ઈસુના શિષ્યો પણ કહેવાતા મસીહોના શિષ્યોની જેમ અદૃશ્ય થઈ ગયા હોત. પરંતુ ઈસુ તો જીવંત હતા! બાઇબલ અનુસાર, તે પોતાના મરણ પછી ઘણા પ્રસંગોએ પોતાના શિષ્યોને દેખાયા હતા. એ કારણે, તેઓમાંના કેટલાક આશ્ચર્યથી કહેવા લાગ્યા કે, “પ્રભુ ખરેખર ઊઠ્યો છે.”—લુક ૨૪:૩૪.
શિષ્યો ખરેખર ઈસુને મસીહ માનતા હતા. એટલે જ તેઓએ મસીહમાં પોતાનો દૃઢ વિશ્વાસ બતાવવા લોકોમાં એ જાહેર કર્યું. એમ કરીને, તેઓએ ઈસુનો મસીહા તરીકે એક જોરદાર પુરાવો આપ્યો કે મૂએલામાંથી તેમનું પુનરુત્થાન થયું છે. ખરેખર, “પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી.”—પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૩.
જો કોઈ પણ વ્યક્તિ એવું સાબિત કરી શકી હોત કે ઈસુનું પુનરુત્થાન એ એક છેતરપિંડી છે અથવા તેના શિષ્યોમાંના એકે એવું પુરવાર કર્યું હોત કે ઈસુનું શબ હજુ કબરમાં જ પડ્યું છે તો, ખ્રિસ્તી ધર્મ શરૂઆતથી જ નિષ્ફળ ગયો હોત. પરંતુ એવું થયું નહિ. ઈસુ જીવંત છે એ જોઈને,
ઈસુના શિષ્યો તેમના પુનરુત્થાન વિષે દરેક જગ્યાએ જાહેર કરવા માટે નીકળી પડ્યા અને હજારો લોકો જીવંત ઈસુના અનુયાયી બન્યા.શા માટે તમારે પણ ઈસુના પુનરુત્થાનમાં માનવું જોઈએ? એવો કયો પુરાવો છે કે ઈસુનું ખરેખર પુનરુત્થાન થયું હતું?
શા માટે પુરાવા તપાસવા?
ચારેય સુવાર્તાઓ ઈસુના પુનરુત્થાન વિષે અહેવાલ આપે છે. (માત્થી ૨૮:૧-૧૦; માર્ક ૧૬:૧-૮; લુક ૨૪:૧-૧૨; યોહાન ૨૦:૧-૨૯) * ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનના બીજા ભાગો પણ ખાતરી આપે છે કે ખ્રિસ્ત મરણમાંથી ઊઠ્યા છે.
આથી એમાં કોઈ આશ્ચર્ય નથી કે ઈસુના શિષ્યોએ તેમના પુનરુત્થાન વિષે જાહેર કર્યું હતું! જો પરમેશ્વરે તેમને મરણમાંથી ખરેખર ઉઠાડ્યા હોય તો, એ એક અદ્ભુત સમાચાર છે. એનો અર્થ એમ થાય કે પરમેશ્વર અસ્તિત્વ ધરાવે છે અને ઈસુ હમણાં પણ જીવંત છે.
આ આપણને કઈ રીતે અસર કરે છે? ઈસુએ આ રીતે પ્રાર્થના કરી: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) હા, આપણે ઈસુ અને તેમના પિતા વિષેનું જીવન આપનાર જ્ઞાન મેળવી શકીએ છીએ. આ પ્રકારનું જ્ઞાન મેળવ્યા પછી, આપણે મરી જઈએ તોપણ ઈસુની જેમ આપણને સજીવન કરવામાં આવશે. (યોહાન ૫:૨૮, ૨૯) આપણે પરમેશ્વરના સ્વર્ગીય રાજ્યમાં, તેમના મહિમાવંત દીકરા, રાજાઓના રાજા ઈસુ ખ્રિસ્તના શાસન હેઠળ ન્યાયી પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખી શકીએ છીએ.—યશાયાહ ૯:૬, ૭; લુક ૨૩:૪૩; પ્રકટીકરણ ૧૭:૧૪.
તેથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું ખરેખર ઈસુનું પુનરુત્થાન થયું હતું? એ આપણી હમણાંની અને ભાવિની આશાને અસર કરે છે. તેથી અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે ઈસુ મરણ પામ્યા પછી તેમને ફરી સજીવન કરવામાં આવ્યા એના પુરાવાઓ તમે તપાસી જુઓ.
ઈસુ ખરેખર સ્થંભ પર મરણ પામ્યા હતા
કેટલાક ટીકાકારો દાવો કરે છે કે ઈસુને વધસ્થંભે જડવામાં આવ્યા હતા, પરંતુ તે ખરેખર સ્થંભ પર મરણ પામ્યા ન હતા. તેઓ કહે છે કે ઈસુ અધમૂઆ થઈ ગયા હતા અને કબરમાં ઠંડક હોવાના કારણે તે ફરીથી ભાનમાં આવી ગયા. પરંતુ, પ્રાપ્ય દરેક પુરાવાઓ એ પુરવાર કરે છે કે ઈસુના શબને કબરમાં મૂકવામાં આવ્યું હતું.
ઈસુને જાહેરમાં મારી નાખવામાં આવ્યા હોવાથી, એવા ઘણા લોકોએ પોતાની નજરે જોયું હતું કે ઈસુ ખરેખર સ્થંભ પર મરણ પામ્યા હતા. તેમના મરણ વિષે વધસ્થંભે જડાવનાર અધિકારીએ પણ જોયું કે તે મરણ પામ્યા છે. એ અધિકારી તાલીમ પામેલો હતો અને એનું કામ એ નક્કી કરવાનું હતું કે વ્યક્તિનું મરણ થયું છે કે નહિ. આથી, ઈસુનું મરણ થયું છે એની ખાતરી થયા પછી જ રોમન અધિકારી પોંતિયસ પીલાતે, આરીમથાઈના યુસફને દફનવિધિ કરવા માટે ઈસુનાં શબને લઈ જવાની પરવાનગી આપી.—માર્ક ૧૫:૩૯-૪૬.
કબર ખાલી જોવા મળી
ખાલી કબરે ઈસુના શિષ્યોને પહેલો મજબૂત પુરાવો આપ્યો કે ઈસુનું પુનરુત્થાન થયું છે. ઈસુને એક નવી નક્કોર કબરમાં દફનાવવામાં આવ્યા હતા. એ કબર તેમને વધસ્થંભે જડવામાં આવ્યા હતા એની એકદમ નજીક અને દરેક વ્યક્તિનું સહેલાઈથી ધ્યાન જાય એવી જગ્યાએ હતી. (યોહાન ૧૯:૪૧, ૪૨) ઈસુ વિષેની બધી જ સુવાર્તાઓ સહમત થાય છે કે ઈસુના મરણની બીજી સવારે તેમના મિત્રો કબર પાસે ગયા ત્યારે, તેમનું શરીર ત્યાં ન હતું.—માત્થી ૨૮:૧-૭; માર્ક ૧૬:૧-૭; લુક ૨૪:૧-૩; યોહાન ૨૦:૧-૧૦.
ખાલી કબર જોઈને ઈસુના મિત્રોની જેમ તેમના દુશ્મનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કેમ કે તેમના દુશ્મનો લાંબા
સમયથી તેમને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. પોતાની ઇચ્છા પૂરી થઈ ગયા પછી, તેઓએ કબરને સજ્જડ રીતે બંધ કરી દીધી હતી અને ચોકીદાર પણ બેસાડ્યો હતો. તેમ છતાં, સપ્તાહના પહેલા અઠવાડિયે કબર ખાલી હતી.શું ઈસુના મિત્રો આવીને તેમનું શબ લઈ ગયા હતા? ના, કેમ કે સુવાર્તા બતાવે છે તેમ, તેઓ ઈસુના મરણ પછી માનસિક રીતે એકદમ ભાંગી પડ્યા હતા. વધુમાં, તેમના શિષ્યો એ પણ જાણતા હતા કે છેતરપિંડીની સજા સતાવણી અને મરણ હતી.
તો પછી, કબર કોણે ખાલી કરી હતી? ઈસુના દુશ્મનોએ તેમનું શબ ઉઠાવી લીધું હોય એવી તો કોઈ શક્યતા જ નહોતી. જો તેઓ ક્યાંક ઉઠાવી ગયા હોત તોપણ, ઈસુના શિષ્યોએ તેમના પાછા ઊઠવાનો અને તેમના જીવંત હોવાનો દાવો કર્યો ત્યારે તેઓ પાછળથી એનો નકાર કરતા પુરાવા આપી શક્યા હોત. પરંતુ એવું કંઈ જ ન બન્યું, કેમ કે એ તો પરમેશ્વરનું કામ હતું.
અઠવાડિયાઓ પછી, પીતરે પુરાવો આપ્યો ત્યારે ઈસુના દુશ્મનો કોઈ વાંધો ઉઠાવી શક્યા નહિ: “હે ઈસ્રાએલી માણસો, તમે આ વાતો સાંભળો: ઈસુ નાઝારી, જેની મારફતે દેવે તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે માણસ દેવને પસંદ પડેલો છે, એવું તમારી આગળ સાબિત થયું છતાં, દેવના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેને પરસ્વાધીન કરવામાં આવ્યો, તેને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યો; તેને દેવે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યો; કેમકે તેનાથી તે બંધાઈ રહે એ અશક્ય હતું. કેમકે દાઊદ તેને વિષે કહે છે, કે મેં પોતાની સંમુખ પ્રભુને નિત્ય જોયો; . . . વળી મારો દેહ પણ આશામાં રહેશે; કેમકે તું મારા આત્માને હાડેસમાં રહેવા દઈશ નહિ, વળી તું તારા પવિત્રને કોહવાણ પણ જોવા દઈશ નહિ.”—પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૨-૨૭.
ઘણાએ સજીવન થએલા ઈસુને જોયા
પ્રેરિતોનાં કૃત્યોના લેખક લુકે લખ્યું: “મરણ સહ્યા પછી [ઈસુએ] પોતે સજીવન થયાની ઘણી સાબિતી [પ્રેષિતોને] આપી, અને ચાળીસ દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો, અને દેવના રાજ્ય વિષેની વાતો કહેતો રહ્યો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧:૨, ૩) ઘણા શિષ્યોએ ઈસુને બાગમાં, રસ્તા પર, ભોજન દરમિયાન અને તિબેરીયસના દરિયા કિનારે, એવી વિવિધ જગ્યાઓએ સજીવન થયેલા જોયા.—માત્થી ૨૮:૮-૧૦; લુક ૨૪:૧૩-૪૩; યોહાન ૨૧:૧-૨૩.
ઈસુ જે વિવિધ રીતે દેખાયા એના પર ટીકાકારો શંકા ઉઠાવે છે. તેઓ કહે છે કે લેખકોએ એવી બાબતો ઉપજાવી કાઢી હોય શકે અથવા એ સુવાર્તાઓમાં ઘણો ફરક છે. હકીકતમાં, સુવાર્તાના અહેવાલોમાં નાનો-સુનો ફરક જોવા મળે છે પરંતુ એમાં કોઈ વિરોધાભાસ જોવા મળતો નથી. આપણે આ અહેવાલોને એકબીજા સાથે સરખાવીએ છીએ ત્યારે, એ આપણને ઈસુ પૃથ્વી પર હતા એ વિષેના અમુક બનાવોની સચોટ માહિતી આપે છે.
શું ઈસુનું પુનરુત્થાન પછી દેખાવું એક ભ્રમ હતો? એના વિષે કોઈ પણ ખોટી દલીલ કરે તો એ માની શકાય એમ નથી કારણ કે ઘણા લોકોએ તેમને જોયા હતા. તેઓમાં ઘણા માછીમારો, સ્ત્રીઓ, એક સરકારી અધિકારી અને અવિશ્વાસી પ્રેષિત થોમસ પણ હતો. આ થોમસે ઈસુને નજરે જોયા પછી જ સ્વીકાર્યું કે તેમને સજીવન કરવામાં આવ્યા છે. (યોહાન ૨૦:૨૪-૨૯) વિવિધ પ્રસંગોએ, ઈસુના શિષ્યો તેમના સજીવન થયેલા પ્રભુને ઓળખી શક્યા નહિ. એક વાર, લગભગ ૫૦૦ લોકોએ તેમને જોયા. પ્રેષિત પાઊલે ઈસુના પુનરુત્થાન વિષેનો પુરાવો આપ્યો ત્યારે તેઓમાંના કેટલાક જીવતા હતા.—૧ કોરીંથી ૧૫:૬.
જીવંત ઈસુની લોકો પર ઊંડી અસર પડી
ઈસુને મરણમાંથી પાછા ઉઠાડવામાં આવ્યા એ કંઈ રસપ્રદ કે વાદવિષયની બાબત નથી. પરંતુ તે જીવંત છે એ હકીકતે આખા જગતમાં લોકોના જીવન પર ઊંડી અસર પાડી છે. પ્રથમ સદીમાં, એક તરફ ઘણા લોકોને એમાં બિલકુલ રસ ન હતો, તો બીજી બાજુ ખ્રિસ્તી ધર્મનો સખત વિરોધ કરનારા ઘણાને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે આ જ સાચો ધર્મ છે. કઈ બાબતથી એ ફેરફાર આવ્યા? બાઇબલનો અભ્યાસ કરવાથી તેઓને ખાતરી થઈ કે પરમેશ્વરે ઈસુનું પુનરુત્થાન કરીને તેમને સ્વર્ગમાં મહિમાવંત કર્યા છે. (ફિલિપી ૨:૮-૧૧) તેઓએ ઈસુમાં અને તારણ માટે પરમેશ્વરે ખ્રિસ્ત દ્વારા ખંડણી બલિદાનની જે વ્યવસ્થા કરી છે એમાં વિશ્વાસ કર્યો છે. (રૂમી ૫:૮) આવા લોકો પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરીને તથા ઈસુના શિક્ષણ પ્રમાણે ચાલીને સાચું સુખ અનુભવી રહ્યાં છે.
પ્રથમ સદીમાં ખ્રિસ્તી બનવાનો શું અર્થ થતો હતો એનો વિચાર કરો. એનાથી કંઈ માન, સત્તા કે સંપત્તિ મળી જતી ન હતી. એનાથી એકદમ ભિન્ન, શરૂઆતના ઘણા ખ્રિસ્તીઓએ પોતાના વિશ્વાસની ખાતર ‘તેઓની માલમિલકત લૂંટી લેવામાં આવી ત્યારે આનંદથી સહન કર્યું.’ (હેબ્રી ૧૦:૩૪) સાચા ખ્રિસ્તી ધર્મમાં બલિદાન અને સતાવણી સહન કરવાની હતી, કે જેમાં તેઓ મરી પણ જતા હતા.
ખ્રિસ્તના અનુયાયીઓ બનતા પહેલાં, કેટલાક લોકો પાસે નામના અને પૈસા કમાવવાની સુંદર તક હતી. તાર્શીશના શાઊલે એક નિયમશાસ્ત્રના પ્રખ્યાત શિક્ષક ગમાલીએલના હાથ નીચે અભ્યાસ કર્યો હતો, એટલું જ નહિ પરંતુ તે યહુદીઓની નજરમાં સારૂં કરતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧, ૨; ૨૨:૩; ગલાતી ૧:૧૪) એ શાઊલ પછીથી પાઊલ બન્યા. પછી તેમણે અને બીજા ઘણા લોકોએ આ જગતમાં નામના મેળવવાનું અને સત્તા પાછળ દોડવાનું છોડી દીધું. શા માટે? કેમ કે તેઓ પરમેશ્વરે વચન આપેલી આશા અને ઈસુ ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે એ હકીકતને જાહેર કરવા માગતા હતા. (કોલોસી ૧:૨૮) તેઓ પોતાને મળેલા સત્યના લીધે કોઈ પણ સતાવણીનો સામનો કરવા તૈયાર હતા.
આજે પણ લાખો લોકો એ રીતે જ કરી રહ્યા છે. તમે યહોવાહના સાક્ષીઓના મંડળમાં તેઓને મળી શકો છો. યહોવાહના સાક્ષીઓ એપ્રિલ ૮, ૨૦૦૧ના રવિવારે સૂર્યાસ્ત બાદ, ખ્રિસ્તના મરણની યાદગીરી ઉજવવામાં સહભાગી થવા તમને હૃદયપૂર્વકનું આમંત્રણ આપે છે. તમે એ પ્રસંગે હાજર રહેશો તો તેમને આનંદ થશે. બાઇબલ અભ્યાસ માટેની તેઓની સભાઓ રાજ્યગૃહમાં થાય છે.
તમારે ફક્ત ઈસુના મરણ અને પુનરુત્થાન વિષે જ નહિ, પરંતુ તેમના જીવન અને શિક્ષણ વિષે પણ શીખવું જોઈએ. તે આપણને તેમની પાસે બોલાવે છે. (માત્થી ૧૧:૨૮-૩૦) યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિષે ચોક્સાઈભર્યું જ્ઞાન મેળવવા માટે હમણાં જ પગલાં લેવા જોઈએ. એમ કરીને તમે પરમેશ્વરના વહાલા દીકરાના રાજ્યમાં મરણ વગરનું જીવન જીવવાની આશા રાખી શકો છે.
[ફુટનોટ]
^ ઈસુ વિષેની સુવાર્તા સાચી છે કે ખોટી, એના પુરાવા માટે મે ૧૫, ૨૦૦૦ના ચોકીબુરજમાં ઈસુ વિષેનાં લખાણો—સાચાં કે ખોટાં? લેખ જુઓ.
[પાન ૭ પર ચિત્રો]
લાખો લોકો ઈસુ ખ્રિસ્તના શિષ્યો બનવાથી સાચું સુખ અનુભવી રહ્યા છે
[પાન ૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
From the Self-Pronouncing Edition of the Holy Bible, containing the King James and the Revised versions