શું ધર્મ જગતમાં શાંતિ લાવશે?
શું ધર્મ જગતમાં શાંતિ લાવશે?
ન્યૂયૉર્ક શહેરમાં ઓગસ્ટ ૨૮-૩૧, ૨૦૦૦ દરમિયાન ૭૩ દેશોમાંથી ૫૦૦ કરતાં વધારે પ્રતિનિધિઓ આવ્યા હતા. તેઓ “ધાર્મિક અને આધ્યાત્મિક આગેવાનોની મિલેનિયમ જગત શાંતિની સભા” માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભેગા મળ્યા હતા. તેઓ જુદા જુદા ધર્મોના પ્રતિનિધિઓ હતા. તેઓમાં કોઈ પાઘડી બાંધીને તો કોઈ કેસરી રંગનો ઝભ્ભો પહેરીને, કોઈ પીંછાવાળો મુગટ લગાવીને તો કોઈ લાંબા કાળા રંગનો ઝભ્ભો પહેરીને આવ્યા હતા. તેઓ બહાઈ, બૌદ્ધ, હિન્દુ, ઇસ્લામ, જૈન, યહુદી, શિન્ટો, શીખ, જરથોસ્તી અને કહેવાતા ખ્રિસ્તી ધર્મના આગેવાનો હતા.
આ ચાર દિવસની સભામાં પહેલા બે દિવસ આ બધા જ પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હતા. તેમ છતાં, સંયુક્ત રાષ્ટ્રસંઘે આ વિષે ના તો કોઈ ગોઠવણ કરી હતી કે ના કોઈ ખર્ચો ઉઠાવ્યો હતો. આ ખર્ચો તો દાનથી ચાલતી સંસ્થાઓએ ઉઠાવ્યો હતો. તોપણ, સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ધાર્મિક નેતાઓએ મહત્ત્વની એક બાબત પર ચર્ચા-વિચારણા કરી કે કઈ રીતે તેઓ ભેગા મળીને ગરીબી, જાતિવાદ, પર્યાવરણની સમસ્યાઓ, યુદ્ધ અને મોટા પ્રમાણમાં વિનાશ કરતા જીવલેણ શસ્ત્રોનો અંત લાવી શકે.
પછી બધા પ્રતિનિધિઓએ “વિશ્વવ્યાપી શાંતિના દસ્તાવેજ” પર સહી કરી. તેઓએ એ દસ્તાવેજમાં સ્વીકાર્યું કે “અમુક વખત ધર્મના નામે” યુદ્ધ અને હિંસા કરવામાં આવે છે. દસ્તાવેજમાં એ પણ જાહેર કરવામાં આવ્યું કે સહી કરનારાઓ બધા જ “શાંતિ સ્થાપવામાં . . . સંયુક્ત રાષ્ટ્રસંઘને સાથ આપશે.” પરંતુ એમાં એવો કોઈ ઠરાવ કરવામાં આવ્યો નહિ કે શાંતિ સ્થાપવા કયાં પગલાઓ લેવામાં આવશે.
બીજા દિવસે, સભાના મહાસચિવ બાવા જૈને પોતાના ભાષણના અંતમાં એક ચિત્ર વિષે વાત કરી. એ તેમણે થોડાં વર્ષો પહેલાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોયું હતું. એ ચિત્રમાં એક માણસને સંયુક્ત રાષ્ટ્રસંઘની બિલ્ડિંગ કરતાં પણ વધુ ઊંચો બતાવવામાં આવ્યો હતો. તેમ જ તે કોઈ દરવાજાને ખખડાવતો હોય એ રીતે, ઇમારતને ખખડાવી રહ્યો હતો. ચિત્ર નીચે લખ્યું હતું: “શાંતિનો રાજકુમાર.” શ્રી. જૈને કહ્યું: “એ [ચિત્રએ] મારા પર ઊંડી અસર પાડી હતી. એનો અર્થ મેં અલગ અલગ વ્યક્તિઓને પૂછ્યો હતો. પરંતુ આજે મને એનો જવાબ મળી ગયો છે. દુનિયાભરથી તમે ધાર્મિક અને આધ્યાત્મિક આગેવાનો આ સંમેલનમાં ભેગા મળ્યા છો, એ બતાવે છે કે [આ] જ શાંતિનો રાજકુમાર છે, જે સંયુક્ત રાષ્ટ્રસંઘના દ્વાર ખખડાવે છે.”
પરંતુ આ વિષે બાઇબલ કંઈક અલગ વિચાર ધરાવે છે. એ બતાવે છે કે શાંતિના રાજકુમાર ઈસુ ખ્રિસ્ત છે. તે જગતના ધાર્મિક કે રાજકીય નેતાઓ દ્વારા નહિ પરંતુ પરમેશ્વરના રાજ્ય દ્વારા વિશ્વવ્યાપી શાંતિ લાવશે. આ યહોવાહ પરમેશ્વરની સ્વર્ગીય સરકાર આજ્ઞાધીન માનવજાતને એકતામાં લાવશે અને આખી પૃથ્વી પર પરમેશ્વરની ઇચ્છા પૂરી કરશે.—યશાયાહ ૯:૬; માત્થી ૬:૯, ૧૦.