અમારો ધ્યેય એક હતો
મારો અનુભવ
અમારો ધ્યેય એક હતો
મેલબા લૉઈડના જણાવ્યા પ્રમાણે
જુલાઈ ૨, ૧૯૯૯ના રોજ, હું મારા પતિ સાથે યહોવાહના સાક્ષીઓના એક મોટા સંમેલનમાં હાજરી આપી રહી હતી. અમારા ૫૭ વર્ષના લગ્ન જીવનમાં અમે આ રીતે અસંખ્ય વાર હાજર રહ્યા હતા. હવાઇ દેશના એ મહાસંમેલનના શુક્રવારે લૉઈડ છેલ્લું ભાષણ આપી રહ્યાં હતા. એકાએક, તે પડી ગયા. તેમને ભાનમાં લાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમ છતાં, તે મરણ પામ્યા. *
હવાઇના એ ખ્રિસ્તી ભાઈબહેનો કેટલા સારાં હતાં કે તેઓએ મને આ પરિસ્થિતિનો સામનો કરવા ઘણી મદદ કરી! લૉઈડના ઉદાહરણથી બીજા ખ્રિસ્તી ભાઈબહેનો પર પણ ઊંડી અસર પડી હતી.
તેમના મરણને લગભગ બે વર્ષ થવા આવ્યા છે ત્યારે, હું ઘણી વાર અમે સાથે પસાર કરેલાં મૂલ્યવાન વર્ષો વિષે વિચાર કરું છું. અમે પરદેશના મિશનરિ કાર્યમાં તેમ જ યહોવાહના સાક્ષીઓના મુખ્યમથક બ્રુકલિન, ન્યૂયૉર્કમાં ઘણાં વર્ષો સાથે સેવા કરી. હું સિડની, ઑસ્ટ્રેલિયાના મારા જીવનની શરૂઆતના દિવસોને પણ યાદ કરું છું. તેમ જ મેં અને લૉઈડે વિશ્વયુદ્ધ બેની શરૂઆતમાં લગ્ન કરવા માટે જે પડકારોનો સામનો કર્યો હતો એ તો હું કદી ભૂલીશ નહિ. તેમ છતાં, મને એ જણાવવાનું ગમશે કે હું કેવી રીતે યહોવાહની સાક્ષી બની અને હું ૧૯૩૯માં કેવી રીતે લૉઈડને મળી હતી.
હું કેવી રીતે સાક્ષી બની
જેમ્સ અને હેનરીટા જોન્સ મારા પ્રેમાળ માબાપ હતા. વર્ષ ૧૯૩૨માં મારી શાળાનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે, હું ફક્ત ૧૪ વર્ષની હતી. તે સમયે જગતમાં ભયંકર મંદી ચાલી રહી હતી. મેં મારી બે નાની બહેનો અને કુટુંબને મદદ કરવા માટે નોકરી કરવાનું શરૂ કર્યું. થોડાં જ વર્ષોમાં, હું એક ઑફિસમાં સારા પગારે નોકરી કરતી હતી, જ્યાં મારા હાથ નીચે કામ કરતી છોકરીઓની મારે દેખરેખ રાખવાની હતી.
એ દરમિયાન, વર્ષ ૧૯૩૫માં, મારી મમ્મીએ યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલ સાહિત્ય મેળવ્યું અને વાંચ્યા પછી પાકી ખાતરી થઈ ગઈ કે તેને સત્ય મળ્યું છે. અમે એમ વિચારતા હતા કે તે ગાંડી થઈ ગઈ છે. તેમ છતાં, એક દિવસે, મેં મૂએલાઓ ક્યાં છે? (અંગ્રેજી) મોટી પુસ્તિકા જોઈ અને એ વાંચવાનું મને મન થયું. તેથી, મેં એ પુસ્તિકા છાની રીતે વાંચી. એનાથી મારા જીવનમાં ઘણા ફેરફારો આવ્યા. ત્યારથી જ મેં મારી મમ્મી સાથે દર સપ્તાહે યોજાતી મોડલ સ્ટડી નામની સભામાં જવાનું શરૂ કર્યું. પુસ્તિકાનું નામ મોડલ સ્ટડી હતું, જેમાં સવાલ-જવાબ અને જવાબોને ટેકો આપવા શાસ્ત્રવચનો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રકારની ત્રણ પુસ્તિકાઓ હતી.
લગભગ એ જ સમયે એપ્રિલ ૧૯૩૯માં, યહોવાહના સાક્ષીઓના મુખ્યમથકેથી ભાઈ જોસફ એફ. રધરફર્ડે સિડનીની મુલાકાત લીધી. તેમણે જે પ્રવચન આપ્યું એ મેં પહેલી વાર સાંભળ્યું હતું. એ સભા સિડનીના ટાઉન હૉલમાં યોજાવાની હતી. પરંતુ વિરોધીઓએ એને રદ કરાવી દીધી. એથી, સભાની ગોઠવણ એનાથી વધારે મોટા સિડનીના રમત-ગમતના મેદાનમાં કરવામાં આવી. વિરોધીઓએ કરેલી જાહેરાતના કારણે લગભગ ૧૦,૦૦૦ લોકો એ સભામાં હાજર રહ્યા. એ એક અદ્ભુત સંખ્યા હતી કારણ કે ઑસ્ટ્રેલિયામાં ફક્ત ૧,૩૦૦ જ સાક્ષીઓ હતા.
ત્યાર પછી, થોડા જ સમયમાં હું કોઈ પણ પ્રકારની તાલીમ વિના પ્રચાર કાર્યમાં ગઈ. અમારું ગૃપ અમારા પ્રચાર વિસ્તારમાં આવ્યું ત્યારે, આગેવાની લેનાર ભાઈએ મને કહ્યું: “તમારે પેલા ઘરે જવાનું છે.” હું એટલી બધી તો ગભરાઈ ગઈ કે એક સ્ત્રી ઘરની બહાર આવી ત્યારે, મેં પૂછ્યું: “કેટલા વાગ્યા?” તે અંદર ગઈ અને પાછી બહાર આવીને મને સમય કહ્યો. બસ, ત્યાં જ પ્રચાર પૂરો કરીને હું પાછી વળી.
તેમ છતાં, મેં પીછેહઠ કરી નહિ, અને જલદી જ બીજાઓને નિયમિતપણે યહોવાહનો રાજ્ય સંદેશ જણાવવા લાગી. (માત્થી ૨૪:૧૪) માર્ચ ૧૯૩૯માં, મેં યહોવાહને મારું સમર્પણ કર્યું અને અમારી પડોશણ ડોરોથી હચીંગ્સના ઘરમાં નહાવાના ટબમાં બાપ્તિસ્મા લીધું. ત્યાં કોઈ ભાઈ ન હોવાથી, મારા બાપ્તિસ્મા પછી તરત જ મને મંડળની જવાબદારીઓ સોંપવામાં આવી કે જે સામાન્ય રીતે મંડળના ભાઈઓને આપવામાં આવે છે.
અમારી સભાઓ સામાન્ય રીતે અમુક ઘરોમાં રાખવામાં આવતી હતી. પરંતુ અમુક સમયે અમે જાહેર પ્રવચન માટે હૉલ ભાડે રાખતા હતા. એક વખત અમારી શાખા કચેરીથી એક દેખાવડા યુવાન ભાઈ, પ્રવચન આપવા માટે અમારા નાના મંડળમાં આવ્યા. જોકે મને ખબર ન હતી પણ તે આવ્યા એની પાછળ બીજું એક કારણ હતું. તે મારા વિષે વધારે જાણવા માટે આવ્યા હતા અને એ રીતે હું લૉઈડને મળી.
લૉઈડના કુટુંબ સાથે મુલાકાત
થોડા સમય પછી મેં યહોવાહની પૂરા સમયની સેવા કરવાનું નક્કી કર્યું. તેથી મેં પાયોનિયર (પૂરા-સમયના પ્રચાર કાર્યમાં જોડાવા) માટે અરજી કરી ત્યારે, મને પૂછવામાં આવ્યું કે હું બેથેલમાં કામ કરવા માટે તૈયાર છું કે કેમ. આમ સપ્ટેમ્બર ૧૯૩૯માં હું સ્ટ્રથફિલ્ડ, સિડનીના બેથેલ કુટુંબમાં આવી. ત્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું.
ડિસેમ્બર ૧૯૩૯માં, હું મહાસંમેલન માટે ન્યૂઝીલૅન્ડ જઈ રહી હતી. લૉઈડનું કુટુંબ ન્યૂઝીલૅન્ડમાં રહેતું હોવાથી તે પણ ત્યાં જઈ રહ્યા હતા. તેથી અમે એક જ વહાણમાં મુસાફરી કરી, અને એકબીજાને સારી રીતે ઓળખતા થયા. વેલિંગ્ટનના એ સંમેલનમાં લૉઈડે તેમના માબાપ અને બહેનો સાથે મારી મુલાકાત કરાવી અને ત્યાર પછી ક્રાઇસ્ટચર્ચમાં તેમના ઘરે પણ લઈ ગયા.
આપણા કાર્ય પર પ્રતિબંધ
જાન્યુઆરી ૧૮, ૧૯૪૧ના શનિવારે, કાળા રંગની છ કાર બેથેલમાં ધસી આવી. એમાં સરકારી અધિકારીઓ હતા. હું બેથેલના પ્રવેશ દ્વાર પાસેની ગાર્ડ-કૅબિનમાં કામ કરતી હોવાથી સૌથી પહેલા મેં તેઓને જોયા. જોકે લગભગ ૧૮ કલાક પહેલાં જ સરકારે પ્રતિબંધ વિષેની જાણ કરી હતી, તેથી લગભગ બધા જ સાહિત્યો અને ફાઈલોને બેથેલમાંથી લઈ જવામાં આવી હતી. ત્યાર પછીના અઠવાડિયે, લૉઈડ સહિત બેથેલના પાંચ સભ્યોને જેલમાં પૂરવામાં આવ્યા.
મને ખબર હતી કે ભાઈઓને જેલમાં સૌથી વધુ આત્મિક ખોરાકની જરૂર છે. તેથી લૉઈડનો ઉત્સાહ વધારવા, મેં “પ્રેમપત્રો” લખવાનું નક્કી કર્યું. પત્રની શરૂઆત હું પ્રેમપત્રની જેમ જ કરતી, પરંતુ ત્યાર પછી વચ્ચે આખા ચોકીબુરજના લેખોની નકલ કરી લેતી અને છેલ્લે તમારી વહાલી લખીને પત્રની સમાપ્તિ કરતી. સાડા ચાર મહિના પછી, લૉઈડને જેલમાંથી છોડવામાં આવ્યા.
લગ્ન કરીને સેવા ચાલુ રાખવી
વર્ષ ૧૯૪૦માં, લૉઈડની માતાએ ઑસ્ટ્રેલિયાની મુલાકાત લીધી. ત્યારે લૉઈડે તેમને કહ્યું કે અમે લગ્ન કરવા ઇચ્છીએ છીએ. પરંતુ તેમની માતાએ આ જગતનો અંત નજીક છે એમ કહીને લગ્ન ન કરવાની સલાહ આપી. (માત્થી ૨૪:૩-૧૪) તેમણે લગ્ન વિષેની વાત પોતાના મિત્રોને જણાવી, પરંતુ તેઓએ પણ લગ્ન ન કરવાનું જણાવ્યું. છેવટે, ફેબ્રુઆરી ૧૯૪૨ના એક દિવસે, લૉઈડ કોઈને ખબર ન પડે એ રીતે મને બીજા ચાર ભાઈઓ સાથે રજિસ્ટ્રારની ઑફિસે લઈ ગયા. એ ચાર ભાઈઓએ વચન આપ્યું હતું કે તેઓ કોઈને એટલે રજીસ્ટ્રારને પણ અમારા પ્લાન વિષે કંઈ કહેશે નહિ. છેવટે અમે લગ્ન કર્યું. એ સમયે સરકાર તરફથી યહોવાહના સાક્ષી લગ્ન કરાવે એવી કોઈ ગોઠવણ ન હતી.
લગ્ન પછી અમને પરિણીત યુગલ તરીકે બેથેલમાં સેવા ચાલુ રાખવાની પરવાનગી આપવામાં ન આવી. તેમ છતાં, અમને ખાસ પાયોનિયર તરીકે કામ કરવા વિષે પૂછવામાં આવ્યું ત્યારે, અમે ખુશ થઈને એ સોંપણી સ્વીકારી લીધી. અમને વાગા વાગા નામના શહેરમાં જવાનું કહેવામાં આવ્યું. અમારા પ્રચાર કાર્ય પર હજુ પણ પ્રતિબંધ હતો, અને અમને કોઈ પણ પ્રકારની આર્થિક મદદ મળતી ન હતી. તેથી અમે ખરેખર અમારો બોજો યહોવાહ પર નાખ્યો હતો.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.
અમે ગામડાઓમાં એક જ સાઇકલ લઈને જતા. અમે ઘણા સારા લોકોને મળ્યા અને તેઓ સાથે ઘણી ચર્ચા પણ કરતા. પરંતુ બહુ ઓછા લોકો બાઇબલનો અભ્યાસ કરવા તૈયાર હતા. તેમ છતાં, એક દુકાનદાર અમારા કામની એટલી બધી કદર કરતો હતો કે તે અમને દર અઠવાડિયે ફળો અને શાકભાજી આપતો હતો. વાગા વાગામાં છ મહિના પસાર કર્યા પછી, અમને પાછા બેથેલમાં બોલાવવામાં આવ્યા.
બેથેલ કુટુંબે મે, ૧૯૪૨માં સ્ટ્રથફિલ્ડ ઑફિસ ખાલી કરી દીધી અને ભાઈઓના ઘરોનો ઑફિસ તરીકે ઉપયોગ થવા લાગ્યો. બેથેલ કુટુંબ અમુક અઠવાડિયે ઘરો બદલતું હતું જેથી બીજા કોઈને ખબર ન પડે. હું અને લૉઈડ ઑગસ્ટમાં બેથેલમાં પાછા આવ્યા ત્યારે, અમે તેઓની સાથે કામ કરવા લાગ્યા. અમે ભૂગર્ભમાં રહીને છાપકામ કરતા. છેવટે જૂન ૧૯૪૩માં અમારા કાર્ય પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.
મિશનરિ સેવા માટે તૈયારી
એપ્રિલ, ૧૯૪૭માં અમને સાઉથ લાન્સિંગ, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.માં આવેલી વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડમાં જવા માટે અરજીઓ કરવા ઉત્તેજન આપવામાં આવ્યું. એ દરમિયાન, અમને ઑસ્ટ્રેલિયાના મંડળોની મુલાકાત લઈને તેઓને આત્મિક રીતે દૃઢ કરવાની સોંપણી આપવામાં આવી. થોડા મહિનાઓ પછી, અમને ગિલયડ શાળાના ૧૧મા વર્ગમાં જવા માટે આમંત્રણ મળ્યું. જરૂરી વસ્તુઓ પેક કરવા માટે અમારી પાસે ફક્ત ત્રણ જ સપ્તાહ હતા. અમે ડિસેમ્બર ૧૯૪૭માં અમારા કુટુંબ અને મિત્રોને છોડીને ન્યૂયૉર્ક આવવા માટે નીકળ્યા. અમારી સાથે ઑસ્ટ્રેલિયાથી બીજા ૧૫ જણ હતા કે જેઓને એ જ વર્ગમાં જવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ગિલયડ શાળાના થોડા મહિનાઓ તો ચપટીમાં જ પસાર થઈ ગયા અને અમને જાપાનમાં મિશનરિ તરીકે સેવા કરવાની સોંપણી કરવામાં આવી. જાપાન જવા માટેના અમારા કાગળ તૈયાર કરવામાં થોડો સમય લાગવાનો હતો. તેથી લૉઈડને ફરીથી પ્રવાસી નિરીક્ષક તરીકેની સોંપણી આપવામાં આવી. અમને સોંપવામાં આવેલાં મંડળો લૉસ એંજેલીસના એક છેડેથી મૅક્સિકોની સીમા સુધી આવેલા હતા. અમારી પાસે કાર ન હોવાથી આપણા ભાઈઓ દર અઠવાડિયે એક મંડળમાંથી બીજા મંડળમાં જવા મદદ કરતા હતા. અમે જે મોટી સરકીટમાં કામ કર્યું હતું એ હવે ત્રણ અંગ્રેજી અને ત્રણ સ્પૅનિશ ડિસ્ટ્રીક્ટમાં વહેંચાઈ ગયું છે અને એ દરેક ડિસ્ટ્રીક્ટ લગભગ દસ સરકીટનું બનેલું છે!
જલદી જ અમે મિશનરિ સેવા માટે ઑક્ટોબર ૧૯૪૯માં એક વહાણમાં જાપાન જવા નીકળ્યા. પહેલાં જે વહાણનો સૈનિકો અવરજવર માટે ઉપયોગ કરતા હતા, એમાં જ અમે મુસાફરી કરી રહ્યા હતા. એ વહાણના એક ભાગમાં પુરુષોને અને બીજામાં સ્ત્રીઓ તથા બાળકોને બેસાડવામાં આવ્યા હતા. યોકોહામ શહેરમાં પહોંચવાના એક દિવસ પહેલાં જ અમારે ભારે તોફાનનો સામનો કરવો પડ્યો. પરંતુ તોફાનને કારણે આકાશ ઊઘડી ગયું. તેથી બીજા દિવસે ઑક્ટોબર ૩૧ના રોજ સૂર્ય ઊગ્યો ત્યારે, અમે માઉન્ટ ફૂજીના સુંદર દૃશ્યને જોઈ શક્યા. ખરેખર, અમારી નવી સોંપણીમાં એ ભવ્ય આવકાર હતો!
જાપાનના ભાઈઓ સાથે કામ કરવું
અમે બંદર નજીક પહોંચ્યા ત્યારે, ફક્ત કાળા વાળવાળા જાપાની લોકો જ નજરે પડતા હતા. તેઓનો કલબલાટ સાંભળીને અમને લાગ્યું કે ‘આ લોકો કેવો ઘોંઘાટ કરી રહ્યા છે!’ પરંતુ દરેક જણે લાકડાંના ચંપલ પહેર્યા હતા અને લાકડાંની ફરસ પર ચાલવાથી મોટો અવાજ થતો હતો. યોકોહામમાં એ રાત રહ્યાં પછી, અમે ટ્રેન પકડીને કોબે ગયા જ્યાં અમને સોંપણી મળી હતી. અમારી સાથે ગિલયડમાં હતા એ ભાઈ ડોન હાઝલેટ જાપાનમાં થોડા મહિના પહેલાં જ આવ્યા હતા. તેમણે કોબેમાં મિશનરિઓ માટે એક ઘર ભાડે રાખ્યું હતું. એ સુંદર, મોટું ઉત્તર અમેરિકાની ઢબનું બે માળનું મકાન હતું. પરંતુ એમાં એકેય ફર્નિચર ન હતું!
સૂવા માટે અમે આંગણામાં ઊગેલા મોટા મોટા ઘાસને કાપીને એની પથારી બનાવી દીધી. આમ, અમારું મિશનરિ કાર્ય શરૂ થયું. અમારી પાસે અમારા પોતાના થોડા સામાન સિવાય કંઈ જ ન હતું. ઘરને ગરમ રાખવા અને રસોઈ બનાવવા અમે એક નાની કોલસાવાળી સગડી મેળવી કે જેને લોકો હિબાચી કહેતા હતા. એક રાત્રે લૉઈડે જોયું તો ત્યાં રહેતા બે મિશનરિઓ, પર્સી અને ઈલ્મા ઇઝલોબ બેભાન થઈ ગયા હતા. તેઓને ભાનમાં લાવવા લૉઈડે બારીઓ ખોલી નાખી જેથી ઠંડી હવા અંદર આવવાથી તેઓને શ્વાસ લેવા મદદ મળે. હું પણ એક દિવસ સગડી પર રસોઈ કરતી વખતે બેભાન થઈ ગઈ હતી. આમ, ત્યાંની વસ્તુઓથી પરિચિત થતા અમને થોડો સમય લાગ્યો!
ભાષા શીખવી અમારા માટે સૌથી મહત્ત્વનું હોવાથી, અમે એક મહિના સુધી દરરોજ ૧૧ કલાક જાપાની ભાષાનો અભ્યાસ કરતા હતા. થોડા મહિના અભ્યાસ કર્યા પછી, અમે બે કે ત્રણ વાક્યો લખી લીધા અને પ્રચાર કાર્યની શરૂઆત કરી. પહેલાં જ દિવસે, હું એક પ્રેમાળ સ્ત્રી મીઓ ટાકાગીને મળી કે જેણે ધ્યાનથી સાંભળ્યું. ફરી મુલાકાતોમાં, અમે જાપાની-અંગ્રેજી શબ્દકોષની મદદથી જેમ તેમ કરીને ચર્ચા ચાલુ રાખી. છેવટે મેં તેની સાથે સરસ
બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. વર્ષ ૧૯૯૯માં અમે જાપાનની નવી શાખાના સમર્પણમાં ગયા ત્યારે, હું મીઓને તેમ જ બીજા ભાઈબહેનોને પણ મળી કે જેઓ સાથે અમે અભ્યાસ કર્યો હતો. હવે પચાસ વર્ષ પછી પણ તેઓ ઉત્સાહી બનીને યહોવાહના રાજ્યનો પ્રચાર કરી રહ્યા છે. વળી, તેઓ યહોવાહની સેવામાં પોતાનાથી બનતું બધું જ કરે છે.એપ્રિલ ૧, ૧૯૫૦માં કોબેમાં લગભગ ૧૮૦ જણાએ ખ્રિસ્તના મરણના સ્મરણ પ્રસંગમાં હાજરી આપી હતી. બીજા દિવસે સવારે પ્રચાર કાર્યમાં ૩૫ જણા આવ્યા હતા. તેઓને જોઈને અમે આશ્ચર્ય પામ્યા. દરેક મિશનરિ આ નવી વ્યક્તિઓમાંથી ત્રણ કે ચાર જણને પોતાની સાથે પ્રચારમાં લઈ ગયા. હું જાપાની ખૂબ ઓછું જાણતી હોવાથી ઘરમાલિક મારી સાથે વાત કરતા નહિ, પરંતુ મારી સાથેની જાપાનની નવી વ્યક્તિઓ સાથે તેઓ વાત કરતા. ચર્ચાઓ લંબાતી જતી હતી, પરંતુ તેઓ શું વાત કરી રહ્યાં હતા એના વિષે મને કંઈ જ ખબર પડતી ન હતી. તોપણ મને કહેતા આનંદ થાય છે કે આ નવી વ્યક્તિઓમાંથી કેટલાકે બાઇબલ સત્ય શીખીને પ્રગતિ કરી અને આજ સુધી પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું છે.
સંતોષ આપતી સોંપણીઓ
અમે કોબેમાં ૧૯૫૨ સુધી અમારા મિશનરિ કાર્યમાં લાગુ રહ્યાં. એ પછી અમને ટોકિયો મોકલવામાં આવ્યા કે જ્યાં લૉઈડને શાખા ઑફિસની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી. એ દરમિયાન, તેમના કાર્યના લીધે તેમને આખા જાપાનમાં અને બીજા દેશોમાં જવાનું થયું. થોડા સમય પછી, મુખ્ય મથકેથી ભાઈ નાથાન એચ. નોર ટોકિયોની મુલાકાતે આવ્યા ત્યારે મને કહ્યું: “શું તમને ખબર છે કે તમારા પતિ હવે પછીની ઝોન મુલાકાત માટે ક્યાં જવાના છે? ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ.” તેમણે એમ પણ કહ્યું: “જો તમે તમારું પોતાનું ભાડું કાઢી શકતા હોવ તો, તમે પણ તેમની સાથે જઈ શકો છો.” કેટલું રોમાંચક! કેમ કે અમે ઘર છોડ્યાને લગભગ નવ વર્ષ થઈ ગયા હતા.
તરત જ અમે અમારા કુટુંબોને પત્ર લખી જણાવ્યું. મારી મમ્મીએ મારી ટિકિટ લેવા પૈસા મોકલાવ્યા. ખરેખર, લૉઈડ અને હું અમારા મિશનરિ કામમાં ખૂબ જ વ્યસ્ત હતા અને અમારી પાસે કુટુંબની મુલાકાત લેવા જવા માટે પૈસા પણ ન હતા. તેથી, આ મારી પ્રાર્થનાઓનો જવાબ હતો. તમે કલ્પના કરી શકો છો કે મને જોઈને મારી મમ્મી કેટલી ખુશ થઈ હશે. તેણે મને કહ્યું, “ત્રણ વર્ષમાં તું ફરી પાછી આવી શકે એ માટે હું તમારા માટે પૈસા બચાવીશ.” એ બાબત ધ્યાનમાં રાખીને અમે છૂટાં પડ્યાં, પરંતુ દુઃખની વાત છે કે એ પછીના જુલાઈમાં તે મરણ પામી. તોપણ નવી દુનિયામાં ફરી મમ્મીને મળવાની હું અદ્ભુત આશા રાખું છું!
વર્ષ ૧૯૬૦ સુધી મેં મિશનરિ કાર્ય કર્યું જે અજોડ હતું. પરંતુ ત્યાર પછી મેં સંસ્થા તરફથી એક પત્ર મેળવ્યો: “અમુક તારીખથી તમારે આખા બેથેલ કુટુંબના સભ્યોના કપડાંને ધોઈને ઈસ્ત્રી કરવી એવી ગોઠવણ કરવામાં આવી છે.” તે સમયે, અમારા બેથેલ કુટુંબમાં ફક્ત ૧૨ લોકો હતા, તેથી હું મારા મિશનરિ કાર્ય સાથે આ વધારાનું કાર્ય પણ કરી શકી.
વર્ષ ૧૯૬૨માં અમારું જાપાની ઢબનું ઘર તોડી પાડવામાં આવ્યું અને બીજું નવું છ માળનું બેથેલ ઘર એક જ વર્ષમાં બાંધવામાં આવ્યું. મને નવા યુવાન ભાઈઓને પોતાના રૂમ સ્વચ્છ રાખવાનું અને બીજું કામ શીખવવાની સોંપણી કરવામાં આવી. આ છોકરાઓને ઘરમાં કંઈ પણ શીખવવામાં આવ્યું ન હતું. દુન્યવી શિક્ષણને વધારે મહત્ત્વ આપીને તેઓની મમ્મી જ તેઓ માટે બધું તૈયાર કરતી હતી. પરંતુ જલદી જ તેઓને ખબર પડી ગઈ કે હું તેઓની મમ્મી નથી, હવે તેઓને જાતે કામ કરવાનું હતું. સમય જતા, તેઓમાંના ઘણાએ પ્રગતિ કરી અને સંસ્થામાં નવી જવાબદારીઓ પણ ઉપાડી.
ઉનાળાના એક દિવસે, એક બાઇબલ વિદ્યાર્થીની અમારી શાખાની મુલાકાતે આવી અને તેણે મને બાથરૂમની સાફસફાઈ કરતા જોઈ. તેણે કહ્યું, “જે કોઈ પણ મેનેજર હોય તેમને કહી દો કે આ બધું કામ કરવા એક કામવાળી રાખે, હું એનો પગાર
આપીશ.” મેં તેને સમજાવ્યું કે મારા વિષે ચિંતા કરવા માટે હું તેનો આભાર માનું છું. પરંતુ યહોવાહના સંગઠનમાં મને જે કંઈ પણ કામ સોંપવામાં આવે એ હું સ્વેચ્છાએ કરવા તૈયાર છું.લગભગ એ સમયે, લૉઈડ અને મને ગિલયડના ૩૯મા વર્ગમાં જવાનું આમંત્રણ આપવામાં આવ્યું. વર્ષ ૧૯૬૪માં ૪૬ વર્ષે શાળામાં ફરી જવાનો કેવો અદ્ભુત લહાવો હતો! આ કોર્સ ખાસ કરીને બેથેલમાં કામ કરનારાઓને મદદ કરવા માટે હતો, જેથી તેઓ પોતાની જવાબદારીઓ વધુ સારી રીતે સંભાળી શકે. દસ મહિનાના આ કોર્સ પછી, અમને ફરી જાપાન મોકલવામાં આવ્યા. એ સમયે, જાપાનમાં લગભગ ૩,૦૦૦ કરતાં વધારે યહોવાહના સાક્ષીઓ રાજ્ય પ્રચાર કરી રહ્યા હતા.
ત્યાં ઝડપથી વૃદ્ધિ થતી ગઈ અને ૧૯૭૨ સુધીમાં તો ૧૪,૦૦૦ કરતાં વધારે સાક્ષીઓ હતા. પછી દક્ષિણ ટોકિયોમાં બીજી પાંચ માળની નવી શાખા બાંધવામાં આવી. અમારા નવા બેથેલમાંથી અમે માઉન્ટ ફૂજીનું ખૂબ જ સુંદર દૃશ્ય જોઈ શકતા હતા. મોટા નવા છાપખાનામાં દર મહિને લગભગ ૧૦ લાખ કરતાં પણ વધારે જાપાની ભાષામાં મેગેઝિનો છાપવામાં આવતા હતા. પરંતુ અમારા માટે ટૂંકમાં જ ફેરફારો આવવાના હતા.
વર્ષ ૧૯૭૪ના અંતમાં, લૉઈડે યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથકેથી એક પત્ર મેળવ્યો જેમાં તેમને નિયામક જૂથમાં કામ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૌ પ્રથમ મને લાગ્યું: ‘હવે અમે સાથે નહિ રહી શકીએ. કેમ કે લૉઈડને સ્વર્ગીય આશા હતી અને મને પૃથ્વી પરના જીવનની આશા હતી. તેથી વહેલા કે મોડા અમારે એકબીજાથી અલગ થવું જ પડશે. કદાચ લૉઈડને એકલા જ બ્રુકલિન જવું પડશે.’ પરંતુ મેં તરત જ મારા વિચારમાં ફેરફાર કર્યા અને માર્ચ ૧૯૭૫માં ખુશીથી લૉઈડ સાથે બ્રુકલિન ગઈ.
મુખ્યમથકમાં આશીર્વાદો
બ્રુકલિનમાં પણ, લૉઈડનું મન તો જાપાનમાં જ હતું. વળી, તે ત્યાં અમને થયેલા અનુભવો વિષે હમેશાં જણાવતા રહેતા હતા. પરંતુ હવે વધુ સારી રીતે સેવા આપવાની તકો હતી. પોતાના જીવનના છેલ્લા ૨૪ વર્ષો, લૉઈડે ઝોન કાર્યમાં ગાળ્યા હતા, જેમાં આખા જગતના દેશોની મુસાફરીનો સમાવેશ થતો હતો. હું પણ તેમની સાથે ઘણી વખત જતી હતી.
બીજા દેશોના ભાઈઓની મુલાકાત લેવાથી હું જોઈ શકી કે તેઓ કેવી પરિસ્થિતિમાં રહે છે અને કામ કરે છે. એ જોઈને મને તેઓની કદર કરવામાં મદદ મળે છે. હું ઉત્તર આફ્રિકામાં એક દસ વર્ષની છોકરી ઇનટીલ્યાને મળી હતી તેને ક્યારેય ભૂલીશ નહિ. તેને યહોવાહની સેવા કરવાનું બહુ ગમતું હતું. તેથી તે દરેક સભાઓમાં આવવા માટે લગભગ દોઢ કલાક ચાલીને આવતી હતી. તેના કુટુંબ તરફથી સખત વિરોધ થતો હતો છતાં, ઇનટીલ્યાએ યહોવાહ પરમેશ્વરને પોતાનું જીવન સમર્પણ કર્યું હતું. અમે તેના મંડળની મુલાકાત લીધી ત્યારે ત્યાં ફક્ત એક લો-વૉલ્ટેજનો બલ્બ વક્તા ઉપર લટકતો હતો. એ સિવાય બધી બાજુ ઘોર અંધારું હતું. આ અંધકારમાં પણ, ભાઈબહેનો હૃદયપૂર્વક સુંદર રીતે ગીતો ગાતા હતા.
શરૂઆતમાં બતાવેલો યાદગાર બનાવ, હું અને લૉઈડ ડિસેમ્બર ૧૯૯૮માં ક્યૂબામાં યોજવામાં આવેલા “જીવનનો દૈવી માર્ગ” મહાસંમેલનમાં ગયા હતા ત્યારે બન્યો હતો. બ્રુકલિન મુખ્ય મથકેથી કોઈ તેઓને મળવા આવ્યું છે એ જાણીને તેઓએ જે કદર અને ખુશી બતાવી એનાથી અમે ખૂબ પ્રભાવિત થયા હતા. હું વહાલા ભાઈબહેનોને મળી શકી એનો ખૂબ જ આનંદ માણું છું. કેમ કે તેઓ યહોવાહની સ્તુતિમાં મહત્ત્વનો ભાગ લઈ રહ્યાં છે.
પરમેશ્વરના લોકો સાથે ઘરમાં
મારું જન્મ સ્થળ ઑસ્ટ્રેલિયા હોવા છતાં, યહોવાહના સંગઠને અમને જ્યાં પણ મોકલ્યા ત્યાંના લોકો સાથે અમે ભળી ગયા. જાપાનના ભાઈબહેનોને અમે ખૂબ જ પ્રેમ કરતા હતા. યુનાઈટેડ સ્ટેટ્સમાં પણ હું જાપાન જેવું જ અનુભવું છું જ્યાં અમે છેલ્લા ૨૫ વર્ષથી રહીએ છીએ. મારા પતિ ગુજરી ગયા ત્યારે, મેં નક્કી કર્યું કે હું ઑસ્ટ્રેલિયા પાછી નહિ જાઉં. પરંતુ હું બ્રુકલિનમાં જ રહીશ જ્યાં યહોવાહના સંગઠને મને સોંપણી આપી છે.
હવે મારી ઉંમર ૮૦ વર્ષથી વધારે છે. પૂરા સમયના સેવાકાર્યમાં ૬૧ વર્ષ સેવા કર્યા પછી પણ, યહોવાહ જ્યાં કહીં ઇચ્છે ત્યાં તેમની સેવા કરવા માટે હું ઉત્સુક છું. તેમણે ખરેખર મારી સારી સંભાળ રાખી છે. મેં ૫૭ વર્ષ મારા વહાલા પતિ સાથે યહોવાહની સેવામાં પસાર કર્યા એનો પણ હું આનંદ માણું છું. હવે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે યહોવાહે સતત અમારા પર આશીર્વાદ વરસાવ્યો છે. હું જાણું છું કે તે અમારા કામને તેમ જ તેમના નામ પ્રત્યે જે પ્રેમ બતાવ્યો છે એને ભૂલી જશે નહિ.—હેબ્રી ૬:૧૦.
[ફુટનોટ]
^ ચોકીબુરજ, ઑક્ટોબર ૧, ૧૯૯૯ના પાન ૧૬ અને ૧૭ પર જુઓ.
[પાન ૨૫ પર ચિત્ર]
મમ્મી સાથે ૧૯૫૬માં
[પાન ૨૬ પર ચિત્ર]
લૉઈડ અને જાપાનના પ્રકાશકોના ગૃપ સાથે ૧૯૫૦ની શરૂઆતમાં
[પાન ૨૬ પર ચિત્રો]
મારી પહેલી બાઇબલ વિદ્યાર્થીની, મીઓ ટાકાગી, ૧૯૫૦ની શરૂઆતમાં અને પછી ૧૯૯૯માં
[પાન ૨૮ પર ચિત્ર]
જાપાનમાં લૉઈડ સાથે રસ્તા પર પ્રચાર કરતી વખતે