આજ્ઞાપાલન શું બાળકોને શીખવવું જોઈએ?
આજ્ઞાપાલન શું બાળકોને શીખવવું જોઈએ?
“માબાપો ફક્ત આજ્ઞાકારી બાળકો જ નહિ પરંતુ જવાબદારી નિભાવતા બાળકો ઇચ્છે છે.” આવા મથાળાવાળો એક લેખ છાપામાં આવ્યો હતો. ન્યૂઝીલૅન્ડમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં આમ જાણવા મળ્યું હતું, જેમાં ફક્ત “૨૨ ટકા લોકો જ માને છે કે બાળકોને ઘરે આજ્ઞાપાલન કરતા શીખવવું જોઈએ.” સર્વેક્ષણ પ્રમાણે આજના માબાપો માને છે કે બાળકોને સારી આદતો, પગભર થવાનું અને જવાબદારી નિભાવતા શીખવવું ઘણું મહત્ત્વનું છે.
આજે બધે જ સ્વતંત્રત અને સ્વાર્થી વલણ જોવા મળે છે. તેથી, મોટા ભાગના લોકો પોતાનાં બાળકોને આજ્ઞાપાલન કરતા શીખવવું જરૂરી સમજતા નથી. પરંતુ શું બાળકોને આજ્ઞાપાલન કરતા શીખવવું એ જુનવાણી વિચાર છે? અથવા, શું એ મહત્ત્વનું શિક્ષણ છે કે જેનાથી બાળકોને લાભ થઈ શકે? સૌથી મહત્ત્વનું એ છે કે કુટુંબની ગોઠવણ કરનાર યહોવાહ પરમેશ્વર, માબાપની આજ્ઞા પાળવાને કઈ રીતે જુએ છે? તેમ જ, આજ્ઞા પાળવાથી કયા આશીર્વાદો મળે છે?—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮; એફેસી ૩:૧૪, ૧૫.
“એ યથાયોગ્ય છે”
પ્રથમ સદીમાં એફેસસ મંડળને પ્રેષિત પાઊલે લખ્યું: “છોકરાં, પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞાઓ માનો; કેમકે એ યથાયોગ્ય છે.” (એફેસી ૬:૧) આમ, માબાપની આજ્ઞાઓનું પાલન કરવું એ સૌથી સારું છે કારણ કે એ પરમેશ્વરના નિયમની સુમેળમાં છે. પાઊલે કહ્યું તેમ, “એ યથાયોગ્ય છે.”
એના સુમેળમાં, બાઇબલ માબાપ પાસેથી મળેલી શિસ્તને સુંદર ઘરેણાં સાથે સરખાવે છે. બાઇબલ કહે છે કે શિસ્ત “તારે માથે શોભાયમાન મુગટરૂપ, તથા તારા ગળાના હારરૂપ થશે, . . . કેમકે તે પ્રભુને ગમે છે.” (નીતિવચન ૧:૮, ૯; કોલોસી ૩:૨૦) એનાથી ભિન્ન આજ્ઞાપાલનની અવજ્ઞા કરનારાઓથી પરમેશ્વર નાખુશ થાય છે.—રૂમી ૧:૩૦, ૩૨.
“એ સારૂ કે તારૂં કલ્યાણ થાય”
આજ્ઞાપાલનના બીજા એક લાભ વિષે પાઊલે લખ્યું: “તારા બાપનું તથા તારી માનું સન્માન કર (તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે), એ સારૂ કે તારૂં કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારૂં આયુષ્ય લાંબું થાય.” (એફેસી ૬:૨, ૩; નિર્ગમન ૨૦:૧૨) માબાપની આજ્ઞા પાળવાથી આપણને કયા લાભો થઈ શકે?
શું એ સાચું નથી કે આપણા કરતાં માબાપો પાસે જીવનમાં ઘણો અનુભવ હોય છે? કદાચ તેઓ કૉમ્પ્યુટર અને શાળામાં ભણાવવામાં આવે છે એ વિષયોથી વધારે જાણકાર નહિ હોય. પરંતુ તેઓ જીવનમાં આવતી મુશ્કેલીઓને હલ કરવા વિષે વધુ જાણે છે. બીજી બાજુ, યુવાનોને અનુભવ ન હોવાને કારણે તેઓ સમજી વિચારીને નિર્ણય કરી શકતા નથી. તેથી તેઓ પોતાના મિત્રોની વાતોમાં આવીને ઉતાવળથી નિર્ણયો લેતા હોવાથી તેઓને જ નુકસાન થાય છે. હકીકતમાં બાઇબલ એમ જ કહે છે: “મૂર્ખાઇ બાળકના હૃદયની સાથે જોડાએલી છે.” એને કઈ રીતે દૂર કરી શકાય? “શિક્ષાની સોટી તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.”—નીતિવચન ૨૨:૧૫.
આજ્ઞાધીન રહેવાથી ફક્ત કુટુંબને જ નહિ, સમાજને પણ લાભ થાય છે. માનવ સમાજ સારી રીતે ચાલે એ માટે સૌના રૂમી ૧૩:૧-૭; એફેસી ૫:૨૧-૨૫; ૬:૫-૮.
સહકારની જરૂર છે જેમાં આજ્ઞાપાલન કરવાનો સમાવેશ થાય છે. દાખલા તરીકે, કુટુંબનો વિચાર કરો. પતિ-પત્ની એકબીજા પાસેથી વધુ અપેક્ષા રાખ્યા વગર સ્વેચ્છાએ જતું કરે છે ત્યારે, પ્રેમ, શાંતિ, એકતા અને સુખ મળે છે. પરંતુ તેઓ એકબીજાના હક્ક તથા ભાવનાઓની કદર ન કરે ત્યારે મન દુઃખ થાય છે અને છૂટાછેડા સુધી વાત પહોંચે છે. એવી જ રીતે કામની જગ્યાએ પણ કર્મચારીઓ માલિકને આધીન રહે છે ત્યારે ધંધામાં સફળતા મળે છે. સરકારના નિયમોનું પાલન કરવાથી વ્યક્તિ ફક્ત સજાથી મુક્ત થતી નથી, પરંતુ તેને રક્ષણ પણ મળે.—સરકારના નિયમોની અવજ્ઞા કરનારા યુવાનો ખાસ કરીને સમાજની નજરમાં નકામા ઠરે છે. એનાથી ભિન્ન, જે વ્યક્તિ બાળપણથી જ આજ્ઞાપાલન શીખી છે તેને જીવનમાં આશીર્વાદ મળે છે. તેથી બાળપણથી જ આજ્ઞાપાલન શીખવું કેવું લાભદાયી છે!
આજ્ઞાધીન રહેવાના લાભો
આજ્ઞાધીન રહેવાથી કુટુંબમાં સારા સંબંધો જળવાઈ રહે છે અને જીવનમાં બીજા ઘણા લાભો પણ થાય છે એટલું જ નહિ, ઉત્પન્નકર્તા સાથેનો આપણો સંબંધ પણ ગાઢ થાય છે. યહોવાહ પરમેશ્વર જ આપણા ‘સર્જનહાર’ અને “જીવનનો ઝરો” છે, તેથી આપણે તેમને આજ્ઞાધીન રહીએ એ યોગ્ય જ છે.—સભાશિક્ષક ૧૨:૧; ગીતશાસ્ત્ર ૩૬:૯.
બાઇબલમાં “આજ્ઞા” શબ્દ ઘણી વાર જોવા મળે છે. વધુમાં ઘણી જગ્યાએ પરમેશ્વરના નિયમો, આજ્ઞાઓ, હુકમો અને વિધિઓ જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં આજ્ઞાપાલન બતાવવું જરૂરી છે. તેથી દેખીતું છે કે આપણે પરમેશ્વરની પ્રસંશા પામવા ઇચ્છતા હોઈએ તો આજ્ઞાપાલન કરવું બહુ જરૂરી છે. તેમ જ યહોવાહ સાથેનો આપણો સંબંધ ટકાવી રાખવા પણ એ જરૂરી છે. (૧ શમૂએલ ૧૫:૨૨) એ ખરૂં છે કે માનવ સ્વભાવ જ એવો છે તેથી આપણે આજ્ઞા પાલન કરવા તૈયાર નથી. બાઇબલ કહે છે, “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧) તેથી આપણે આજ્ઞાપાલન ફક્ત બાળપણમાં જ નહિ પરંતુ આખા જીવન દરમિયાન શીખતા રહેવાનું છે. એમ કરીને આપણને જ લાભ થશે.
યાદ કરો કે પ્રેષિત પાઊલે માબાપને આજ્ઞાધીન રહેવા વિષે શું કહ્યું હતું. એમાં બે બાબતો જોવા મળે છે, “તારૂં કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય.” આ વાતની ખાતરી આપણને નીતિવચન ૩:૧, ૨માં મળે છે જે કહે છે: “મારા દીકરા, મારૂં શિક્ષણ વિસરી ન જા; તારા હૃદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી; કેમકે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે.” આજ્ઞાપાલન કરનારાઓને યહોવાહ સાથે સંબંધ રાખવાનો અને શાંતિપૂર્ણ નવી દુનિયામાં હંમેશ માટેના જીવનનો આશીર્વાદ મળશે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
[પાન ૩૧ પર ચિત્રો]
આજ્ઞાપાલન કરવાથી કુટુંબમાં, નોકરી-ધંધા પર અને યહોવાહ પરમેશ્વર સાથે સારો સંબંધ રહેશે