ભારત—“વિવિધતામાં એકતા”
રાજ્ય પ્રચારકોના અનુભવ
ભારત—“વિવિધતામાં એકતા”
“વિવિધતામાં એકતા,” આ પ્રખ્યાત સૂત્રનો ભારતની રાષ્ટ્રીય એકતાનું વર્ણન કરવા ઉપયોગ કરવામાં આવે છે. આ સંસ્કૃતિ, ભાષા, ધર્મ, જાતિ, પહેરવેશ અને ખોરાકમાં ઘણી વિવિધતાવાળા દેશમાં એકતા મેળવવી એ કંઈ નાનીસૂની વાત નથી. તેમ છતાં, ભારતમાં યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીમાં આ પ્રકારની એકતા જોવા મળે છે. ત્યાં રહીને કાર્ય કરતા સ્વયંસેવકો ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવે છે. વળી તેઓ ઘણી વિવિધ ભાષાઓ બોલે છે.
• ભારતની ઉત્તરપૂર્વે આવેલા પંજાબની યુવાન બહેન રાજરાનીને મળો. રાજરાની શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે, તેના વર્ગની એક વિદ્યાર્થીનીએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. આ યુવાન છોકરીએ રાજરાનીનો બાઇબલમાં રસ જાગૃત કરવા પ્રયત્ન કર્યો. એ છોકરીને અંગ્રેજી બરાબર આવડતું ન હતું અને એ સમયે ચોકીબુરજ પણ પંજાબીમાં પ્રાપ્ય ન હતું. તેથી તેણે અંગ્રેજી સામયિકના કેટલાક ફકરાઓનું ભાષાંતર કરવા રાજરાનીની મદદ માંગી. રાજરાનીએ ચોકીબુરજમાંથી જે વાંચ્યું એનાથી તેના પર એટલી ઊંડી અસર પડી કે તેણે માબાપના વિરોધ છતાં, બાઇબલ અભ્યાસ કરીને યહોવાહ પરમેશ્વરને પોતાનું જીવન સમર્પણ કર્યું. આજે તે ભારતના બેથેલમાં સેવા કરી રહી છે. વળી તે ખ્રિસ્તી પ્રકાશનોનું પંજાબીમાં ભાષાંતર પણ કરી રહી છે!
• ભારતના બીજા ભાગ કેરાલાના દક્ષિણ-પૂર્વમાંથી આવતા ભાઈ બીજોનો વિચાર કરો. બીજો હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે, રાષ્ટ્રીય વિધિમાં તટસ્થ સ્થાન લેવા બદલ તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે બીજોની તરફેણમાં ચૂકાદો આપતા શુદ્ધ ઉપાસનાનો ભવ્ય વિજય થયો અને તેને ફરીથી શાળામાં લેવામાં આવ્યો. * પછી બીજો કૉલેજમાં પણ ગયો. પરંતુ ત્યાં અનૈતિક વાતાવરણ હોવાથી, તેણે પ્રથમ વર્ષમાં જ કૉલેજ છોડી દીધી. હવે બેથેલમાં દસ વર્ષ રહ્યાં પછી, તેને લાગે છે કે તેણે વધારે ઉચ્ચ શિક્ષણથી લાભ મેળવ્યો હોત એના કરતાં, તે આ વિવિધ પરંતુ એકતામય બેથેલ કુટુંબનો એક સભ્ય બનીને વધારે લાભ મેળવી શક્યો છે.
• નોરમા અને લીલી બંને લગભગ ૭૦ વર્ષની ઉપરના છે. તેઓ ઘણાં વર્ષોથી વિધવા છે. તેઓએ પૂરા સમયના સેવા કાર્યમાં ૪૦ કરતાં વધારે વર્ષ પૂરાં કર્યા છે. લીલી ૨૦ વર્ષથી બેથેલમાં તામિલ ભાષામાં ભાષાંતર કરે છે. નોરમાના પતિ ગુજરી ગયા પછી તે અહીં બેથેલમાં આવ્યા અને ૧૩ વર્ષથી સેવા કરી રહ્યા છે. તેઓ મહેનતુ અને કાળજીપૂર્વક કાર્ય કરનારા તરીકે સારું ઉદાહરણ પૂરું પાડે છે. એ ઉપરાંત, તેઓએ આખા બેથેલ કુટુંબ પર પણ સારી અસર પાડી છે. તેઓને મુલાકાતીઓ ગમે છે. તેઓ બેથેલ કુટુંબના નવા ભાઈ-બહેનોને પોતાના લાંબા સમયના ખ્રિસ્તી સેવાના અનુભવો જણાવીને તેઓની સંગતનો પણ આનંદ માણે છે. ભાઈબહેનો તેઓને સંગત માટે પોતાના રૂમમાં બોલાવે છે અને જરૂર હોય ત્યારે તેઓને મદદ કરે છે. કેવા સરસ ઉદાહરણો!
ઘણી જગ્યાઓએ ચાલતા ઝઘડા અને મતભેદોને આંબીને, આ સ્વયંસેવકો આનંદથી ભારતના બેથેલ કુટુંબના સભ્યો તરીકે એકતામાં રહીને એકબીજાને મદદ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૩૩:૧.
[ફુટનોટ]
^ ઑગસ્ટ ૧, ૧૯૮૮ના ચોકીબુરજના પાન ૨૭ પર જુઓ.
[પાન ૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
પાછળનું ચિત્ર: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.