સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજ્યના આશીર્વાદો તમે પણ મેળવી શકો

રાજ્યના આશીર્વાદો તમે પણ મેળવી શકો

રાજ્યના આશીર્વાદો તમે પણ મેળવી શકો

પ્રેષિત પાઊલ ખ્રિસ્તી હતા અને તેમના સમયની કેટલીક મુખ્ય ભાષાઓ તે સારી રીતે જાણતા હતા. તેમણે જે શિક્ષણ મેળવ્યું હતું એ આજની યુનિવર્સિટીના શિક્ષણ બરાબર હતું. વધુમાં, રોમન નાગરિક હોવાને કારણે તેમણે સર્વ લાભો અને હક્કોનો પણ આનંદ માણ્યો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૩૭-૪૦; ૨૨:૩, ૨૮) આ બધી બાબતોને લીધે તે ધનવાન બની શક્યા હોત અને નામ પણ કમાઈ શક્યા હોત. તોપણ તેમણે કહ્યું: “પણ જે વાનાં મને લાભકારક હતાં તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યાં. . . . મેં સઘળાનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરૂં.” (ફિલિપી ૩:૭, ૮) પાઊલે શા માટે આમ કહ્યું?

એક સમયે પાઊલ તાર્સસના શાઊલ તરીકે ઓળખાતા હતા અને ‘માર્ગના કોઈ પણ પુરુષ કે સ્ત્રીની’ સતાવણી કરતા હતા. પરંતુ સજીવન થયેલા અને મહિમાવંત ઈસુના સંદર્શન થયા પછી તે એક ખ્રિસ્તી બન્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧-૧૯) દમસ્કના માર્ગ પર થયેલી આ ઘટનાથી પાઊલને સાબિતી મળી કે ઈસુ ​વચનના મસીહ તેમ જ ખ્રિસ્ત છે, અને તે જ ભવિષ્યના રાજા છે. એટલું જ નહિ, એ પછી પાઊલનું જીવન પણ બદલાઈ ગયું જે આપણને ઉપરના ફકરા પરથી જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, પાઊલે પ્રમાણિક રીતે અને ખરાં દિલથી પસ્તાવો કર્યોં હતો.​—ગલાતી ૧:૧૩-૧૬.

બાઇબલમાં “પસ્તાવો” શબ્દનું વારંવાર ગ્રીક ભાષામાંથી ભાષાંતર કરવામાં આવે છે, જેનો અર્થ “જાણ્યા પછી” અથવા એની વિરુદ્ધ “અગાઉથી જાણી લેવું” થાય છે. તેથી પસ્તાવો કરવામાં વ્યક્તિનું મન, વલણ અને ખરાબ હેતુઓમાં ફેરફાર કરવો થાય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯; પ્રકટીકરણ ૨:૫) પાઊલના કિસ્સામાં પણ દમસ્કના માર્ગ પર જે થયું એનાથી તેમના પર ઊંડી અસર પડી અને એ કંઈ ફક્ત એક સારો ધાર્મિક અનુભવ જ ન હતો. એનાથી તેમની આંખો ઊઘડી અને તેમને સમજાયું કે ઈસુને જાણ્યા વિના પોતે પહેલા જે જીવન પસાર કર્યું એ નકામું હતું. તેમને એ પણ સમજાયું કે જે જ્ઞાન તેમને હમણાં મળ્યું છે એમાંથી લાભ મેળવવા તેમણે પોતાના જીવનમાં ફેરફારો કરવા જ પડશે.—રૂમી ૨:૪; એફેસી ૪:૨૪.

આશીર્વાદ લાવતા ફેરફારો

પાઊલે અગાઉ પરમેશ્વર વિષેનું જે જ્ઞાન મેળવ્યું હતું એ ફરોશીઓ પાસેથી શીખ્યા હતા કેમ કે તે એ પંથના એક સભ્ય હતા. ફરોશીઓની માન્યતાઓ ફિલૉસૉફી અને પ્રણાલિકા પર આધારિત હતી. પાઊલને ધાર્મિક પૂર્વગ્રહ હોવાને કારણે તે પોતાનો ઉત્સાહ તથા પ્રયત્નોનો ખોટી દિશામાં ઉપયોગ કરી રહ્યા હતા. તેમને લાગતું હતું કે પોતે પરમેશ્વરની સેવા કરી રહ્યાં છે, પરંતુ તે પરમેશ્વર વિરુદ્ધ લડી રહ્યાં હતા.—ફિલિપી ૩:૫, ૬.

પરમેશ્વરના હેતુમાં ખ્રિસ્તની શું ભૂમિકા છે એ વિષેનું ચોક્કસ જ્ઞાન મેળવ્યા પછી પાઊલ જોઈ શકયા કે તેમને એક નિર્ણય લેવાની જરૂર છે: શું મારે એક ફરોશી તરીકે મારો હોદ્દો અને માન જાળવી રાખવા જોઈએ કે પછી પરમેશ્વરનો આશીર્વાદ મેળવવા પોતાના જીવનમાં જરૂરી ફેરફારો કરવા જોઈએ? ખુશીની વાત છે કે પાઊલે ખરી પસંદગી કરી, તેથી તેમણે કહ્યું: “સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી; કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારૂં પરાક્રમ છે; પ્રથમ યહુદીને અને પછી ગ્રીકને.” (રૂમી ૧:૧૬) પાઊલ ખ્રિસ્ત અને યહોવાહના રાજ્યના ઉત્સાહી પ્રચારક બન્યા.

થોડાં વર્ષો પછી પાઊલે તેમના ખ્રિસ્તી ભાઈઓને કહ્યું: “મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી; પણ એક કામ હું કરૂં છું, એટલે કે જે પાછવાડે છે તેને વિસરીને અને જે અગાડી છે તેની તરફ ધાઈને, ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઈનામને વાસ્તે, નિશાનની ભણી આગળ ધસું છું.” (ફિલિપી ૩:૧૩, ૧૪) પાઊલ સુસમાચારમાંથી લાભ મેળવતા હતા કારણ કે તેમણે પરમેશ્વરથી દૂર લઈ જતી સર્વ બાબતોનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. તેમ જ તે પરમેશ્વરના હેતુ પ્રમાણે પૂરા દિલથી કામ કરવા તૈયાર હતા.

તમે શું કરશો?

તમે હાલમાં જ પરમેશ્વરના રાજ્ય વિષે સાંભળ્યું હશે. શું તમને બગીચા સમાન પૃથ્વી પર હંમેશ માટે જીવવું ગમશે? ચોક્કસ તમે હા જ કહેશો, કેમ કે આપણને બધાને શાંતિ અને સલામતિવાળું જીવન જીવવાનું ગમે છે. બાઇબલ કહે છે કે પરમેશ્વરે આપણા “હૃદયમાં સનાતનપણું” મૂક્યું છે. (સભાશિક્ષક ૩:૧૧) તેથી લોકો શાંતિ અને સલામતિમાં હંમેશ માટે જીવી શકે એવા સમયની આશા રાખવી એ સ્વાભાવિક છે. રાજ્યનો સંદેશો પણ આવી જ આશા આપે છે.

એ આશાને વાસ્તવિક બનાવવા તમારે તપાસ કરવાની જરૂર છે કે એ સારા સમાચાર શાના વિષે છે. પ્રેષિત પાઊલે સલાહ આપી: “દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.” (રૂમી ૧૨:૨) તેથી, જ્ઞાન અને સમજણ મેળવ્યા પછી તમારે પણ પાઊલની જેમ પસંદગી કરવી જોઈએ.

બીજી બાજુ, તમે તમારા ભવિષ્ય વિષે કંઈક માનતા હશો. યાદ કરો કે શાઊલ પણ પ્રેષિત પાઊલ બન્યા એ અગાઉ પોતે પરમેશ્વરની ભક્તિ કરે છે એવું માનતા હતા. તેથી પરમેશ્વર પાસેથી ચમત્કારિક જ્ઞાન મેળવવાની આશા રાખવાને બદલે કેમ નહિ કે તમે એના વિષે તપાસ કરો? પોતાને પૂછો: ‘શું હું ખરેખર જાણું છું કે પરમેશ્વરની માણસજાત અને પૃથ્વી માટે ઇચ્છા શું છે? મારા વિશ્વાસને સાચો ઠરાવવા શું મારી પાસે કોઈ મજબૂત પુરાવો છે? પરમેશ્વરના શબ્દ બાઇબલના આધારે તપાસ કરવાથી શું એ પુરાવો ટકી રહેશે?’ તમે પોતાના ધર્મની માન્યતાઓની આ રીતે તપાસ કરવાથી કંઈ ગુમાવશો નહિ. હકીકતમાં તમારે આમ રાજીખુશીથી કરવું જોઈએ કારણ કે બાઇબલ આપણને વિનંતી કરે છે: “સઘળાંની પારખ કરો; જે સારૂં છે તે ગ્રહણ કરો.” (૧ થેસ્સાલોનીકી ૫:૨૧) આખરે, શું પરમેશ્વરનો આશીર્વાદ સૌથી મહત્ત્વનો નથી?—યોહાન ૧૭:૩; ૧ તીમોથી ૨:૩, ૪.

ધાર્મિક ગુરુઓ આપણને અનંતકાળના ભવિષ્યનું વચન આપી શકે. પરંતુ જો એ વચન બાઇબલના શિક્ષણ પર આધારિત ન હોય તો, એ આપણને પરમેશ્વરના રાજ્યનો આશીર્વાદ મેળવવામાં મદદ કરશે નહિ. ઈસુએ પહાડ પરના પ્રવચનમાં ભારપૂર્વક ચેતવણી આપી: “જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.”​—માત્થી ૭:૨૧.

નોંધ લો કે ઈસુએ ભારપૂર્વક કહ્યું કે ‘મારા બાપની ઇચ્છા પ્રમાણે’ કરે છે તેઓ જ પરમેશ્વરના રાજ્યનો આશીર્વાદ મેળવશે. બીજા શબ્દોમાં કહીએ તો, જેઓ ધાર્મિક દેખાય છે એનો અર્થ એ નથી થતો કે પરમેશ્વર તેઓ પર પ્રસન્‍ન છે. કેમ કે ઈસુએ કહ્યું: “તે દહાડે ઘણા મને કહેશે, કે પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી? અને તારે નામે ભૂતોને કાઢ્યાં નથી? અને તારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.” (માત્થી ૭:૨૨, ૨૩) એનાથી સ્પષ્ટ થાય છે કે ખરેખર રાજ્યના સુસમાચાર કયા છે એની આપણે બરાબર સમજી-વિચારીને ખાતરી કરીએ એ સૌથી મહત્વનું છે. પછીથી એ પ્રમાણે જીવવાની જરૂર છે.—માત્થી ૭:૨૪, ૨૫.

મદદ પ્રાપ્ય છે

યહોવાહના સાક્ષીઓ સો કરતાં પણ વધારે વર્ષોથી રાજ્યના સંદેશાનો પ્રચાર કરી રહ્યાં છે. પ્રચાર દ્વારા અને છાપેલાં સાહિત્યથી તેઓ લોકોને જણાવી રહ્યા છે કે પરમેશ્વરનું રાજ્ય કયા આશીર્વાદો લાવશે અને એ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ. વળી તેઓ એ વિષેનું ચોક્કસ જ્ઞાન મેળવવા પણ મદદ કરે છે.

અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે યહોવાહના સાક્ષીઓ જે સંદેશો જાહેર કરી રહ્યા છે તે સાંભળીને સ્વીકારો. સુસમાચારનો સ્વીકાર કરીને એ પ્રમાણે જીવવાથી તમને ફક્ત હમણાં જ નહિ, પરંતુ ભવિષ્યમાં પણ જ્યારે પરમેશ્વર આખી પૃથ્વી પર રાજ કરશે ત્યારે મહાન આશીર્વાદો મળશે.—૧ તીમોથી ૪:૮.

પરમેશ્વરના રાજ્યનો આશીર્વાદ મેળવવા હમણાંથી જ એ પ્રમાણે વર્તો!

[પાન ૭ પર ચિત્રો]

યહોવાહના સાક્ષીઓ છાપેલાં સાહિત્ય અને પ્રચાર દ્વારા લોકોને પરમેશ્વરના રાજ્ય વિષે જાહેર કરે છે