સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજ્યના સુસમાચાર—એ શું છે?

રાજ્યના સુસમાચાર—એ શું છે?

રાજ્યના સુસમાચારએ શું છે?

ગયા વર્ષે આખી દુનિયાના ૨૩૫ દેશોમાં નાના મોટા ૬૦,૩૫,૫૬૪ લોકોએ એ વિષે બીજાઓને જણાવવા ૧,૧૭,૧૨,૭૦,૪૨૫ કલાકો ફાળવ્યા હતા. વધુમાં, તેઓએ ૭૦ કરોડથી પણ વધારે પ્રકાશનો આપીને લોકોને એ વિષે સમજાવ્યું. તેઓએ એ વિષે હજારો ઑડિયો કૅસેટ અને વિડીયો કૅસેટનું પણ વિતરણ કર્યું. પરંતુ “એ” શું છે?

“એ” પરમેશ્વરના રાજ્યના સુસમાચાર [સંદેશ] છે. સાચે જ માનવ ઇતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું ન હોય એ રીતે, આટલા મોટા પાયા પર આજે રાજ્યનો સંદેશો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.—માત્થી ૨૪:૧૪.

દુનિયાભરમાં જેઓ પ્રચાર કરવાનું અને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે તેઓ સર્વ સ્વયંસેવકો છે. આ કાર્ય માટે દુનિયાની દૃષ્ટિએ તેઓ જરાય ભણેલા-ગણેલા નથી. તો પછી, તેઓની સફળતા અને હિંમતનું કારણ શું છે? એનું મહત્ત્વનું કારણ રાજ્યના સંદેશાની શક્તિ છે. કેમ કે એ એવા આશીર્વાદોનો સંદેશો છે જે ભવિષ્યમાં માનવજાત મેળવશે. એટલે કે ત્યારે સુખ-શાંતિ, સલામતિ અને સારી સરકાર હશે તથા કોઈ પ્રકારની આર્થિક તંગી જોવા નહિ મળે. જોકે આજે ઘણા લોકો માનવા તૈયાર નથી, પરંતુ એ સમયે અંત વગરનું જીવન હશે! જીવનનો હેતુ અને અર્થ શોધનારાઓ માટે ખરેખર આ સારા સમાચાર છે. હા, આ સર્વ આશીર્વાદોનો આનંદ તમે પણ માણી શકો. એ માટે તમારે રાજ્યના સંદેશામાં ભરોસો મૂકીને એ પ્રમાણે જીવવું જોઈએ.

રાજ્ય શું છે?

પરંતુ આ રાજ્ય શું છે જેના સુસમાચાર ચોતરફ આપવામાં આવી રહ્યાં છે? આ રાજ્ય એ છે જેના વિષે કરોડો લોકોને આમ પ્રાર્થના કરવાનું શીખવવામાં આવ્યું હતું: “ઓ આકાશમાંના [સ્વર્ગમાંના] અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૯, ૧૦.

આ એ જ રાજ્ય છે જેના વિષે હેબ્રુ પ્રબોધક દાનીયેલે ૨૫ સદીઓ અગાઉ લખ્યું હતું: “આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે [એ] આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”—દાનીયેલ ૨:૪૪.

આમ, આ સંદેશ પરમેશ્વરના રાજ્ય કે સરકાર વિષે છે જે આખી પૃથ્વી પરથી સર્વ દુષ્ટતા અને ખરાબ પરિસ્થિતિને કાઢી નાખશે તથા શાંતિથી રાજ કરશે. આમ આ રાજ્ય પરમેશ્વરનો મૂળ હેતુ સિદ્ધ કરશે, જે તેમણે શરૂઆતમાં માણસ અને પૃથ્વી માટે નક્કી કર્યો હતો.—ઉત્પત્તિ ૧:૨૮.

‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે’

લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં રાજ્યના સંદેશાનો પ્રચાર કરવાની શરૂઆત પરમેશ્વરના એક સેવકે કરી હતી, જેમના પહેરવેશ અને વ્યવહારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એ સેવક યોહાન બાપ્તિસ્મક હતા. તે યહુદી યાજક ઝખાર્યાહ અને એલીસાબેતના પુત્ર હતા. યોહાન, પ્રબોધક એલીયાહની પૂર્વછાયા હતા. તેથી યોહાન પણ એલીયાહની જેમ ઊંટના રૂઆંના વસ્ત્રો અને કમરે ચામડાનો પટ્ટો બાંધતા હતા. યોહાનના સંદેશાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તે કહેતા હતા: ‘પસ્તાવો કરો; કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’—માત્થી ૩:૧-૬.

યોહાન એવા યહુદીઓને પ્રચાર કરતા હતા જેઓ સાચા પરમેશ્વર યહોવાહની ભક્તિ કરવાનો દાવો કરતા હતા. યહુદીઓને લગભગ ૧૫૦૦ વર્ષ અગાઉ મુસા દ્વારા નિયમ કરાર મળ્યો હતો. વધુમાં યરૂશાલેમમાં ભવ્ય મંદિર હતું જેમાં નિયમ પ્રમાણે બલિદાનો પણ ચઢાવવામાં આવતા હતા. તેથી યહુદીઓને પાક્કી ખાતરી હતી કે પરમેશ્વરની નજરમાં તેઓની ભક્તિ એકદમ સાચી હતી.

તેમ છતાં, યોહાનનું સાંભળીને કેટલાક લોકોને સમજાયું કે તેઓ માનતા હતા એવો તેઓનો ધર્મ નથી. ગ્રીક સંસ્કૃતિ અને ફિલૉસૉફીએ યહુદી ધર્મના શિક્ષણમાં ધીરે ધીરે પગપેસારો કર્યો હતો. પરમેશ્વરે મુસા દ્વારા આપેલા નિયમો હવે માનવોની માન્યતાઓ અને સંપ્રદાયથી ભ્રષ્ટ થવા લાગ્યા હતા. (માત્થી ૧૫:૬) જૂઠા અને ક્રૂર ધર્મગુરુઓના શિક્ષણથી તેઓ ગેરમાર્ગે દોરવાયા હતા. તેથી તેઓમાંના ઘણા પરમેશ્વરને ભજવાનો ઢોંગ કરી રહ્યાં હતાં. (યાકૂબ ૧:૨૭) તેઓએ પરમેશ્વર અને નિયમકરાર વિરુદ્ધ કરેલા પાપોનો પસ્તાવો કરવાની જરૂર હતી.

એ સમયે ઘણા યહુદીઓ વચનના મસીહ અથવા ખ્રિસ્તના આવવાની રાહ જોતા હતા. કેટલાક યહુદીઓ તો યોહાન વિષે ​વિચારતા હતા કે તે જ “ખ્રિસ્ત હશે કે નહિ.” તેમ છતાં, યોહાને પોતે ખ્રિસ્ત હોવાનો નકાર કર્યો, તેમ જ એક વ્યક્તિને બતાવતા તેમણે કહ્યું: “તેના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી.” (લુક ૩:૧૫, ૧૬) તેમણે પોતાના શિષ્યોને ઈસુ તરફ ચીંધતા કહ્યું: “જુઓ, દેવનું હલવાન, કે જે જગતનું પાપ હરણ કરે છે!”—યોહાન ૧:૨૯.

એ ખરેખર સારા સમાચાર હતા, કેમ કે યોહાને લોકોને હંમેશનું જીવન તથા સુખ મળે એવો માર્ગ બતાવ્યો. એ માર્ગ ઈસુ હતા જે “જગતનું પાપ હરણ કરે છે.” આદમ અને હવાના સર્વ વંશજો પાપ અને મરણ હેઠળ જન્મ્યા. વળી, રૂમી ૫:૧૯ જણાવે છે: “એક માણસના [આદમના] આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમજ એકના [ઈસુના] આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.” ઈસુએ ઘેટાંની માફક પોતાનું બલિદાન આપીને ‘પાપ હરણ કરવાનું હતું’ અને માનવોની ખરાબ પરિસ્થિતિ ફરીથી સુધારવાની હતી. બાઇબલ જણાવે છે, “પાપનો મૂસારો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે.”—રૂમી ૬:૨૩.

હકીકતમાં સૌથી મહાન માણસ, ઈસુએ પણ યહોવાહના રાજ્યનો પ્રચાર કર્યો હતો. બાઇબલમાં માર્ક ૧:૧૪, ૧૫ આપણને કહે છે: “યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યો, ને દેવની સુવાર્તા પ્રગટ કરતાં તેણે કહ્યું, કે સમય પૂરો થયો છે, ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો, ને સુવાર્તા પર વિશ્વાસ કરો.”

ઈસુનો સંદેશો સાંભળીને એમાં વિશ્વાસ મૂક્યો તેઓને મહાન આશીર્વાદ મળ્યા. યોહાન ૧:૧૨ કહે છે: “જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે દેવનાં છોકરાં થવાનો અધિકાર આપ્યો.” દેવના છોકરાં તરીકે તેઓ અંત વિનાના જીવનનો આશીર્વાદ મેળવવાના હતા.—૧ યોહાન ૨:૨૫.

પરંતુ રાજ્યનો આશીર્વાદ મેળવવાનો લહાવો ફક્ત પ્રથમ સદીના લોકો પૂરતો જ ન હતો. આગળ જણાવવામાં આવ્યા પ્રમાણે, પરમેશ્વરના રાજ્યનો સંદેશો આજે આખી પૃથ્વી પર જાહેર કરીને એનું શિક્ષણ આપવામાં આવે છે. તેથી રાજ્યના આશીર્વાદો હજુ પણ આપવામાં આવી રહ્યાં છે. એ મેળવવા તમારે શું કરવું જોઈએ? એ વિષે હવે પછીનો લેખ જુઓ.