શું તમારી સાથે ગેરસમજ ઊભી થઈ છે?
શું તમારી સાથે ગેરસમજ ઊભી થઈ છે?
અજય થોડો મૂંઝાયેલો હતો. તેના ખાસ મિત્ર, લક્ષ્મણે અચાનક જ તેની સાથે વાત કરવાનું બંધ કર્યું હતું. * ઘણી વાર તો અજય તેને બોલાવતો તોપણ તે ધ્યાન આપતો નહિ. અજયે તેને ઘણી વખતે બોલાવવાનો પ્રયત્ન કર્યો તો પણ તે તો બોલ્યો જ નહિ. તેઓ બંને સાથે હોય ત્યારે જાણે તેઓ વચ્ચે કોઈ દીવાલ હોય એમ અજયને લાગતું હતું. તેથી અજયને બીક લાગતી હતી કે પોતે ભૂલથી કંઈક કર્યું હશે અથવા કંઈક કહ્યું હશે જેને કારણે તેના મિત્રને ગેરસમજ ઊભી થઈ છે. પરંતુ એવું તો તેણે શું કર્યું હશે?
આજે ગેરસમજ ઊભી થવી એ સામાન્ય થઈ ગયું છે. ઘણી નાની-મોટી ગેરસમજ એવી હોય છે જેને જલદી જ હલ કરી શકાય છે. પરંતુ બીજી ગેરસમજ એવી હોય છે જેનાથી વ્યક્તિની ખોટી છાપ પડે છે અને લાખ પ્રયત્નો છતાં એને કાઢી શકાતી નથી. પરંતુ ગેરસમજ શા માટે ઊભી થતી હોય છે? એ કઈ રીતે વ્યક્તિને અસર કરે છે? બીજાઓને તમારા વિષે ગેરસમજ ઊભી થાય ત્યારે તમે શું કરી શકો? બીજાઓ તમારા વિષે શું વિચારે છે એની શું ખરેખર તમારા પર અસર થાય છે?
ગેરસમજ ચાલતી જ રહેશે
બીજા લોકો આપણા ઇરાદાઓ અને વિચારો જાણતા નથી. તેથી આજે અથવા કાલે તેઓ આપણે જે બોલીએ છીએ અને કરીએ છીએ એના પર ગેરસમજ ઊભી કરી શકે. ગેરસમજ ઊભી થવા પાછળ ઘણાં કારણો રહેલાં છે. ક્યારેક આપણે આપણા વિચારોને સરખી રીતે અને સ્પષ્ટ શબ્દોમાં કહેતા નથી. ક્યારેક આજુબાજુ થતા અવાજને કારણે વ્યક્તિ આપણી વાતને ધ્યાનથી સાંભળી શકતી નથી અને એનાથી પણ ગેરસમજ ઊભી થઈ શકે.
અમુક લોકોની વાણી અને વર્તન પણ ગેરસમજ ઊભી કરે છે. દાખલા તરીકે, કોઈ શરમાળ વ્યક્તિ માટે ખોટી ધારણા કરવામાં આવે કે તે ઘમંડી અને અતડી છે. ભૂતકાળના અનુભવને લીધે કોઈ અમુક પરિસ્થિતિનો સામનો વ્યવહારુ રીતે કરવાને બદલે લાગણીમય રીતે કરી શકે. ભાષા અને સંસ્કૃતિ અલગ હોવાને કારણે લોકો આપણી વાતનો ખોટો અર્થ કાઢે છે. વધુમાં, ગપશપ અને કૂથલીથી કરેલી વાતોથી પણ ગેરસમજ થાય છે. તેથી આપણે જે કહ્યું હતું અથવા કર્યું હતું એનો ખોટો અર્થ કાઢી કોઈ ગેરસમજ ઊભી કરે ત્યારે આશ્ચર્ય પામવું જોઈએ નહિ. જેઓ ગેરસમજના શિકાર થયા છે તેઓને નીચેના ઉદાહરણથી સાચે જ દિલાસો મળશે.
દાખલા તરીકે, અનુજાએ પોતાની ખાસ બહેનપણીની ગેરહાજરીમાં બીજી એક વ્યક્તિને કહ્યું કે તેને લોકો કેટલા પસંદ કરે છે. તેની આ વાત લોકોએ મીઠુંમરચું ભભરાવીને બીજાઓને કહી. તેથી તેની બહેનપણીએ ચાર વ્યક્તિઓની આગળ ગુસ્સામાં તેના પર આરોપ મૂક્યો કે પેલો યુવક મારા પર મરે છે તેથી તને મારી ઈર્ષા આવે છે. આ આરોપથી અનુજાને ખૂબ જ આશ્ચર્ય અને દુઃખ થયું. અનુજાએ પોતાની બહેનપણીને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી કે પોતાની વાતનો ખોટો અર્થ નીકળ્યો છે અને તે તેનું ભલું ઇચ્છે છે. પરંતુ તેની બધી કોશિશ નિષ્ફળ ગઈ. એ વાતથી અનુજાને ખૂબ મનદુઃખ થયું અને આ ગેરસમજને થાળે પાડતા ઘણો સમય લાગ્યો.
બીજાઓ તમારા વિષે શું વિચારે છે એનો આધાર તમારા ઇરાદાઓ પર રહેલો છે. તેથી લોકો તમારા સારા ઇરાદાઓનો ખોટો અર્થ કાઢે ત્યારે સ્વાભાવિક રીતે જ તમે દુઃખી થશો. તમને ગુસ્સો પણ આવશે કે શા માટે બીજાઓ તમારી વાતનો ખોટો અર્થ કાઢે છે. તેથી તેઓના વિચારો તમને પૂરેપૂરા ખોટા લાગશે અને એની તમારા હૃદય પર ઊંડી અસર પડશે. ખાસ કરીને એવી વ્યક્તિ કે જેની ટીકાઓ તમને ગેરવાજબી લાગતી હોય.
લોકો તમારા વિષે ખોટું વિચારે ત્યારે તમને ગુસ્સો આવી શકે છતાં, બીજાઓના વિચારોને આદર આપવો યોગ્ય ગણાશે. બીજાઓની ટીકાઓને અવગણવી એ ખ્રિસ્તી તરીકે સારૂ ન કહેવાય. તેમ જ, આપણે ક્યારેય ઇચ્છીશું નહિ કે આપણી બોલી અને વર્તનથી બીજાઓ પર ખરાબ અસર પડે. (માત્થી ૭:૧૨; ૧ કોરીંથી ૮:૧૨) તેથી અમુક વખતે કોઈકને તમારા વિષે ગેરસમજ થઈ હોય ત્યારે એને થાળે પાડવા તમારે પ્રયત્ન કરવાની જરૂર છે. પરંતુ એના વિષે વધારે પડતી ચિંતા કરવાથી પોતાને જ નુકસાન થાય છે. એનાથી આપણું સન્માન ઘવાય છે અથવા બીજાઓ આપણને પસંદ નથી કરતા એવી લાગણીઓ તરફ દોરી જઈ શકે છે. હકીકતમાં, તમારી છાપ કેવી છે એ બીજાઓ તમારા વિષે શું વિચારે છે એના પર આધારિત નથી.
બીજી તર્ફે, તમને એમ પણ લાગે કે તમારા માટે જે ટીકા કરવામાં આવી છે એ સાચી છે. એનાથી તમને દુઃખ થઈ શકે. પરંતુ તમે સ્વેચ્છાથી અને પ્રમાણિક બનીને પોતાની નબળાઈઓને સ્વીકારશો તો તમને જ ફાયદો થશે. તેમ જ તમે પોતાનામાં જરૂરી બદલાણ લાવી શકશો.
ખરાબ પરિણામો
ગેરસમજથી ગંભીર પરિણામો આવી શકે અને ન પણ આવે. દાખલા તરીકે, એક રેસ્ટોરંટમાં તમે એક માણસને મોટેથી બોલતા સાંભળો છો. તમને લાગી શકે કે તે દેખાડો કરવા અથવા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા એમ કરે છે. પરંતુ તમારી ધારણા ખોટી હોય શકે. તે જેની સાથે વાત કરે છે એ વ્યક્તિને ઓછું સંભળાતું હોય શકે. એવી જ રીતે કોઈ સ્ટોરમાં કામ કરતી મહિલાના વ્યવહાર પરથી તમને લાગે કે તેને ગ્રાહકો સાથે કઈ રીતે વર્તવું એની ખબર નથી. પરંતુ બની શકે કે આપણી પહેલાંના ગ્રાહકે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય. જોકે આવી ગેરસમજ ખોટી છાપ પાડી શકે, પરંતુ એનાથી કંઈ ગંભીર પરિણામો આવતા નથી. તેમ છતાં, ઘણી વાર ગેરસમજથી વિનાશક પરિણામ આવી શકે છે. પ્રાચીન ઈસ્રાએલના બે ઉદાહરણોનો વિચાર કરો.
આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો ત્યારે, તેના પુત્ર હાનૂને રાજગાદી સંભાળી. તેથી દાઊદે તેને આશ્વાસન આપવા અમુક માણસો મોકલ્યા. પરંતુ હાનૂને એ માણસોની મુલાકાતનો ખોટો અર્થ કાઢ્યો કે તેઓ આમ્મોનીઓના દેશમાં જાસૂસી કરવા આવ્યા છે. તેથી હાનૂને તે માણસોનું અપમાન કરીને ઈસ્રાએલ સામે યુદ્ધ જાહેર કર્યું. પરિણામે, સારા ઈરાદાનો ખોટો અર્થ કાઢવાથી ૪૭,૦૦૦ લોકો માર્યા ગયા.—૧ કાળવૃત્તાંત ૧૯:૧-૧૯.
ઈસ્રાએલના ઇતિહાસમાં પણ આવી ગેરસમજ ઊભી થઈ હતી. પરંતુ એને બીજી રીતે હલ કરવામાં આવી. રેઉબેનપુત્રો અને ગાદપુત્રો અને મનાશ્શેહના અર્ધ કુળે યરદન નદી પાસે દૂરથી દેખાય એવી એક મોટી વેદી બાંધી. તેથી ઈસ્રાએલના બીજા લોકોને એમાં બેવફાઈ તથા યહોવાહ વિરુદ્ધ બળવો પોકાર્યો હોય એમ લાગ્યું. એ કારણે બીજા ઈસ્રાએલીઓએ તેઓ સાથે લડાઈની તૈયારી કરવા લાગ્યા. પરંતુ કંઈ પણ પગલું ભરતા પહેલાં ઈસ્રાએલીઓએ કેટલાક આગેવાનોને મોકલીને કહેવડાવ્યું કે તેઓના કામથી પોતે નારાજ છે. એમ કરીને તેઓએ સૌથી સારું કર્યું. કેમ કે વેદી બાંધનારાઓએ જવાબ આપ્યો કે શુદ્ધ ઉપાસના ભ્રષ્ટ કરવાનો તેઓનો કોઈ ઇરાદો ન હતો. એના બદલે આ વેદી યહોવાહ પ્રત્યેની પોતાની વફાદારીની યાદગીરીમાં તેઓએ બનાવી હતી. આ ગેરસમજમાં પણ લોહીની નદીઓ વહી શકતી હતી, પરંતુ ડહાપણથી કામ લેવાથી ખતરનાક પરિણામ ટળી ગયું.—પ્રેમથી ગેરસમજને ઉકેલો
આ બે ઉદાહરણોથી આપણે ઘણું બધું શીખી શકીએ. એનાથી સાફ દેખાઈ આવે છે કે બાબતોને સ્પષ્ટ કરી લેવામાં જ ડહાપણ છે. બીજા ઉદાહરણમાં આપણે જોયું તેમ, બંને પક્ષે વાત કરી એનાથી કેટલાક લોકોનું જીવન બચી ગયું એનો વિચાર કરો. ઘણા કિસ્સામાં તમે કોઈના સારા ઇરાદાનો ખોટો અર્થ કાઢો તો કોઈ જીવન ભયમાં આવી જતું નથી, પરંતુ એનાથી મિત્રતા તૂટી શકે છે. તેથી તમારી સાથે કોઈ અયોગ્ય રીતે વર્તે ત્યારે, તમારે ખાતરી કરી લેવી જોઈએ કે શું હું પરિસ્થિતિ સમજું છું કે મને ગેરસમજ થઈ છે? સામેની વ્યક્તિને પૂછો કે તેનો ઇરાદો શું છે? તમને લાગે કે ગેરસમજ થઈ છે તો, એ વિષે સામસામી વાત કરી લો. પરંતુ એકબીજા સાથે બોલવાનું બંધ ન કરશો.
ઈસુએ ગેરસમજને થાળે પાડવા સૌથી સારું ઉત્તેજન આપ્યું: “એ માટે જો તું તારૂં અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરૂદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારૂં અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારૂં અર્પણ ચઢાવ.” (માત્થી ૫:૨૩, ૨૪) તેથી તમે કોઈથી નારાજ હોય તો તેની સાથે ખાનગીમાં વાત કરો, એ જ સૌથી સારો ઉપાય છે. બીજા કોઈને સામેલ ન કરો. તે વ્યક્તિએ તમને નારાજ કર્યા છે એ વાત તે બીજા કોઈ પાસેથી સાંભળશે તો, વાત વધારે બગડશે. (નીતિવચન ૧૭:૯) તમારો ધ્યેય શાંતિથી બાબતો થાળે પાડવાનો હોવો જોઈએ. શાંતિથી તમારી મૂંઝવણને સ્પષ્ટ શબ્દોમાં સમજાવો. કયા કારણસર તમને વધારે દુઃખ થયું એ સમજાવો. પછી ધ્યાનથી સામેની વ્યક્તિનું પણ સાંભળો. ઉતાવળે પગલે એ ન વિચારો કે તેનો ઇરાદો સારો ન હતો. એવો ભરોસો રાખો કે સામેવાળી વ્યક્તિ તમારું ભલુ ઇચ્છે છે. યાદ રાખો કે પ્રીતિ “સઘળું ખમે છે.”—૧ કોરીંથી ૧૩:૭.
ગેરસમજને થાળે પાડ્યા પછી પણ હૃદયના જખમો ભરાતા નથી અથવા લાંબો સમય એના પરિણામો પણ ભોગવવા પડે. આવા વખતે શું થઈ શકે? એ માટે હૃદયપૂર્વક પસ્તાવો જરૂરી છે અને એની સાથે બીજું કંઈ પણ કરવાથી બાબત થાળે પડતી હોય તો એ પણ ચોક્કસ કરો. ગેરસમજનો શિકાર થયેલી વ્યક્તિ બાઇબલની આ સલાહને માને તો તેને લાભ થશે: “એકબીજાનું સહન કરો, ને જો કોઇને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો; વળી એ સઘળાં ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.”—કોલોસી ૩:૧૩, ૧૪; ૧ પીતર ૪:૮.
આપણે અપૂર્ણ છીએ એટલે ગેરસમજ ચાલતી જ રહેશે અને આપણા હૃદયને દુઃખ પહોંચવાનું જ છે. કોઈ પણ વ્યક્તિ ભૂલ કરી શકે અથવા કઠોર કે દુઃખ પહોંચાડે એવી રીતે બોલી શકે. પરંતુ બાઇબલ કહે છે: “કેમકે આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.” (યાકૂબ ૩:૨) યહોવાહ પરમેશ્વર આ બાબતથી જાણકાર હોવાથી તેમણે આપણને આ સલાહ આપી: “ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા; કેમકે ગુસ્સો મૂર્ખોના હૃદયમાં રહે છે. વળી જે જે શબ્દો બોલવામાં આવે છે તે સર્વને લક્ષમાં ન લે; રખેને તું તારા ચાકરને તને શાપ દેતાં સાંભળે; કેમકે તારૂં પોતાનું અંતઃકરણ જાણે છે કે તેં પણ વારંવાર બીજાઓને શાપ દીધા છે.”—સભાશિક્ષક ૭:૯, ૨૧, ૨૨.
‘યહોવાહ અંતઃકરણોને પારખે છે’
કોઈ તમારા વિષે ખોટા વિચારો ધરાવતું હોય અને એનો તમે ઉકેલ ન લાવી શકતા હોવ તો શું? હિંમત ન હારો. તમે ખ્રિસ્તી ગુણો કેળવવાનો અને એને જીવનમાં લાગુ પાડવાનો સૌથી સારો પ્રયત્ન કરો. યહોવાહ પાસે મદદ માંગો કે તમારે ક્યાં ફેરફાર કરવાની જરૂર છે. તમે કેવા છો એ બીજાઓ દ્વારા નક્કી થતું નથી. પરંતુ યહોવાહ ‘અંતઃકરણોને પારખે છે.’ (નીતિવચન ૨૧:૨) ઈસુને પણ માણસોએ તુચ્છ ગણીને ધિક્કાર્યા હતા. પરંતુ એનાથી તેમના વિષે યહોવાહનું મંતવ્ય બદલાયું ન હતું. (યશાયાહ ૫૩:૩) ભલે કોઈ વ્યક્તિ તમારા વિષે ખોટા વિચારો ધરાવે, પરંતુ યહોવાહ તમને સમજી શકે છે એવા વિશ્વાસથી “તેની આગળ તમારૂં હૃદય ખુલ્લું કરો. . . . કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવાહ જોતો નથી; કેમકે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.” (ગીતશાસ્ત્ર ૬૨:૮; ૧ શમૂએલ ૧૬:૭) તમે સતત જે સારું છે એ કરતા રહેશો તો, સમય જતાં જે વ્યક્તિ તમારા વિષે ખોટું વિચારે છે તેને પણ પોતાની ભૂલનો અહેસાસ થશે અને તે પોતાનો અભિપ્રાય બદલશે.—ગલાતી ૬:૯; ૨ તીમોથી ૨:૧૫.
લેખની શરૂઆતમાં ચર્ચવામાં આવેલો અજય તમને યાદ છે? તેણે શાસ્ત્રીય સલાહને અનુસરીને હિંમતથી પોતાના મિત્ર સાથે વાત કરી. તેણે પૂછ્યું કે પોતે શું કર્યું છે જેનાથી તે નારાજ થઈ ગયો છે અને કંઈ બોલતો નથી. આમ કરવાથી શું પરિણામ આવ્યું? લક્ષ્મણને ખૂબ જ આશ્ચર્ય થયું. પછી તેણે અજયને કહ્યું કે પોતે નારાજ થાય એવું તેણે કંઈ જ કર્યું નથી. લક્ષ્મણે અજયને ખાતરી આપી કે તેની સાથે એવો વ્યવહાર કરવાનો તેનો કોઈ ઈરાદો ન હતો. કોઈ વખતે તેણે અજય સાથે વાત ન કરી હોય ત્યારે, તે વિચારોમાં ડૂબી ગયો હતો. લક્ષ્મણે પસ્તાવો કર્યો કે પોતે અજાણતાથી પોતાના મિત્રનું દિલ દુભાવ્યું હતું. અને એ વિષે ધ્યાન દોરવા બદલ તેણે અજયનો આભાર માન્યો. વધુમાં તેણે કહ્યું કે ભવિષ્યમાં પણ તે આ વાતની કાળજી રાખશે જેથી બીજા કોઈને પણ આવી ગેરસમજ ન થાય. આમ તેઓ વચ્ચેની ગેરસમજ દૂર થઈ અને તેઓની મિત્રતા વધુ ગાઢ બની.
કોઈ આપણા માટે ખોટા વિચારો ધરાવે છે એ જાણીને આપણને દુઃખ થાય છે. પરંતુ બાબતોને હલ કરવા તમે પૂરો પ્રયત્ન કરશો અને બાઇબલ ધોરણોને લાગુ પાડીને પ્રેમ તથા ક્ષમતા બતાવશો તો તમને પણ એના મીઠાં ફળો મળશે.
[ફુટનોટ]
^ આ લેખમાં નામો બદલવામાં આવ્યા છે.
[પાન ૨૩ પર ચિત્રો]
બાબતો થાળે પાડવામાં પ્રેમ અને ક્ષમા જેવા ગુણો બતાવવાથી મીઠાં ફળો મળે છે