સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અદ્‍ભુત કાર્યો કરનારને ધ્યાન આપો!

અદ્‍ભુત કાર્યો કરનારને ધ્યાન આપો!

અદ્‍ભુત કાર્યો કરનારને ધ્યાન આપો!

“શાંત ઊભો રહીને દેવનાં અદ્‍ભુત કાર્યોનો વિચાર કર.”—અયૂબ ૩૭:૧૪.

૧, ૨. કઈ અદ્‍ભુત શોધ ૧૯૨૨માં કરવામાં આવી, અને એની શું અસર થઈ હતી?

 એક પુરાતત્ત્વવિજ્ઞાની અને અંગ્રેજ લૉર્ડ ભેગા મળીને વર્ષોથી ખજાનાની શોધ કરતા હતા. છેવટે, નવેમ્બર ૨૬, ૧૯૨૨ના રોજ પુરાતત્ત્વવિજ્ઞાની હાર્વડ કાર્ટર અને લૉર્ડ કાર્નાવૉનને તેઓની મહેનતનું ફળ મળ્યું. તેઓને ઇજિપ્તના પ્રખ્યાત રાજાઓની કબરોમાં ફારૂન તુતાનખામેનની કબર મળી આવી. પછી તેઓએ કબરનું બારણું શોધી કાઢીને એમાં ડ્રિલથી એક મોટું કાણું પાડ્યું. કાર્ટરે મીણબત્તી સળગાવીને અંદર જોયું.

પછીથી કાર્ટરે જણાવ્યું: “લૉર્ડ કાર્નાવૉનની જિજ્ઞાસા વધતી જતી હતી, તેથી હું કંઈ બોલું એ માટે તેમણે પૂછ્યું, ‘તમને કંઈ દેખાય છે?’ મેં કહ્યું, ‘હા, અદ્‍ભુત વસ્તુઓ.’” એ કબરમાં બીજી કીમતી વસ્તુઓ સાથે સોનાથી મઢેલી શબપેટી પણ હતી. તમે એમાંની કેટલીક “અદ્‍ભુત વસ્તુઓ” ફોટામાં કે મ્યુઝિયમમાં જોઈ હશે. ભલે એ ગમે એટલી અદ્‍ભુત હોય, પરંતુ એ આપણા જીવન સાથે ભાગ્યે જ સંબંધ ધરાવે છે. તેથી ચાલો, આપણે કેટલીક એવી અદ્‍ભુત બાબતોનો વિચાર કરીએ જે ચોક્કસ આપણા જીવન સાથે સંબંધ ધરાવે છે.

૩. આપણા માટે કીમતી અદ્‍ભુત બાબતોની માહિતી ક્યાંથી મળે છે?

દાખલા તરીકે, ઘણી સદીઓ અગાઉ થઈ ગયેલા એક માણસનો વિચાર કરો. એ માણસ કોઈ પણ ફિલ્મી કે રમતગમતના હીરો અથવા રાજાના કોઈ વંશજ કરતાં વધારે પ્રખ્યાત હતા. તે પૂર્વના રહેવાસીઓમાં સૌથી મોટા મનાતા હતા. તમે ચોક્કસ તેમને ઓળખી ગયા હશો. હા, તે અયૂબ છે. તેમના વિષે બાઇબલમાં એક આખું પુસ્તક લખવામાં આવ્યું છે. તોપણ, અયૂબના મિત્રોમાંથી એક અલીહૂ નામના યુવાનને અયૂબને ઠપકો આપવાની ફરજ પડી. અલીહૂએ કહ્યું કે અયૂબ પોતાને અને પોતાની આસપાસના લોકો પર વધારે ધ્યાન આપતા હતા. અયૂબના ૩૭મા અધ્યાયમાં અમુક એવી સ્પષ્ટ અને શાણી સલાહ જોવા મળે છે જે આપણા દરેક માટે કીમતી છે.—અયૂબ ૧:૧-૩; ૩૨:૧–૩૩:૧૨.

૪. અલીહૂએ અયૂબ ૩૭:૧૪માં કહેલી વાતો શા માટે કહી?

અયૂબના કહેવાતા ત્રણ મિત્રોને લાગ્યું કે અયૂબે કોઈ મોટી ભૂલ કરી છે, તેથી તેઓએ અયૂબને લાંબું ભાષણ આપ્યું. (અયૂબ ૧૫:૧-૬, ૧૬; ૨૨:૫-૧૦) અલીહૂએ તેઓની ચર્ચા પૂરી થાય ત્યાં સુધી ધીરજથી સાંભળ્યું. પછી તેમણે બુદ્ધિ અને ડહાપણથી વાત શરૂ કરી. તેમણે ઘણી મૂલ્યવાન વાતો કહી, એમાંની એક પર ધ્યાન આપો: “હે અયૂબ, આ સાંભળ; શાંત ઊભો રહીને દેવનાં અદ્‍ભુત કાર્યોનો વિચાર કર.”—અયૂબ ૩૭:૧૪.

અદ્‍ભુત કાર્યો કરનાર

૫. અલીહૂએ જણાવેલા ‘પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યોમાં’ શાનો સમાવેશ થાય છે?

નોંધ લો કે અલીહૂએ અયૂબને પોતાના પર, અલીહૂ પર કે બીજા માનવીઓ પર ધ્યાન આપવાનું કહ્યું ન હતું. અલીહૂએ અયૂબને તેમ જ આપણને પણ યહોવાહ પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો પર ધ્યાન આપવાની અરજ કરી. ‘પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યોમાં’ શાનો સમાવેશ થાય છે? આપણને આપણા સ્વાસ્થ્ય, પૈસા, ભવિષ્ય, કુટુંબ, સાથે કામ કરનારાઓ અને પડોશીઓની ચિંતા હોય શકે. એ સમયે શા માટે આપણે પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો પર ધ્યાન આપવું જોઈએ? એનું કારણ એ છે કે યહોવાહનાં અદ્‍ભુત કાર્યો પર ધ્યાન આપવામાં, તેમનું ડહાપણ અને સર્વ સૃષ્ટિ પર તેમની સત્તા સ્વીકારવાનો સમાવેશ થાય છે. (નહેમ્યાહ ૯:૬; ગીતશાસ્ત્ર ૨૪:૧; ૧૦૪:૨૪; ૧૩૬:૫, ૬) આ બાબતને સ્પષ્ટ રીતે સમજવા યહોશુઆના પુસ્તકના એક મુદ્દાની નોંધ લો.

૬, ૭. (ક) મુસા અને યહોશુઆના દિવસોમાં યહોવાહે કયા અદ્‍ભુત કાર્યો કર્યાં? (ખ) તમે મુસા અને યહોશુઆના સમયના એ કાર્યો જોયાં હોત તો, એની તમારા પર શું અસર પડી હોત?

યહોવાહ પ્રાચીન મિસર પર મરકીઓ લાવ્યા અને પછી રાતા સમુદ્રના બે ભાગ કર્યાં, જેથી મુસા ઈસ્રાએલીઓને છુટકારો અપાવી શકે. (નિર્ગમન ૭:૧-૧૪:૩૧; ગીતશાસ્ત્ર ૧૦૬:૭, ૨૧, ૨૨) આવો જ બનાવ યહોશુઆના ત્રીજા અધ્યાયમાં પણ જોવા મળે છે. મુસા પછી યહોશુઆએ પરમેશ્વરના લોકોને યરદન નદી પાર કરીને વચનના દેશમાં લઈ જવાના હતા. તેથી યહોશુઆએ કહ્યું: “તમે પોતાને શુદ્ધ કરો; કેમકે કાલે યહોવાહ તમારી મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.” (યહોશુઆ ૩:૫) યહોવાહ કયા આશ્ચર્ય પમાડે એવા કાર્યો કરવાના હતા?

અહેવાલ બતાવે છે કે યહોવાહે યરદન નદીનો માર્ગ ખુલ્લો કર્યો, જેથી હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો સૂકી ભૂમિ પરથી પસાર થઈ શકે. (યહોશુઆ ૩:૭-૧૭) આપણે ત્યાં હોત તો હજારો લોકોને નદીમાંથી સહીસલામત પસાર થતા જોઈને મોંમાં આંગળા નાખી ગયા હોત! આ પરથી જોવા મળે છે કે પરમેશ્વર સૃષ્ટિ પર કેવો અધિકાર ધરાવે છે. અત્યારે આપણા સમયમાં પણ યહોવાહ એવા જ અદ્‍ભુત કાર્યો કરે છે. એમાંના અમુક કયા છે અને શા માટે આપણે એના પર ધ્યાન આપવું જોઈએ એ વિષે ચાલો આપણે અયૂબ ૩૭:૫-૭નો વિચાર કરીએ.

૮, ૯. અયૂબ ૩૭:૫-૭ કયા અદ્‍ભુત કાર્યોની વાત કરે છે અને આપણે શા માટે એનો વિચાર કરવો જોઈએ?

અલીહૂ કહે છે: “ઈશ્વર પોતે આશ્ચર્યકારક ગર્જના કરે છે; તે એવાં મહાન કૃત્યો કરે છે કે જે આપણે સમજી શકતા નથી.” અલીહૂએ કહ્યું કે પરમેશ્વર ‘મહાન કાર્યો કરે છે’ ત્યારે, તે શું જણાવવા માંગતા હતા? તેમણે બરફ અને ધોધમાર વરસાદની વાત કરી. સાચું કે એનાથી ખેડૂતનું કામ અટકી શકે. પરંતુ એ સમયે તેને પરમેશ્વરનાં કાર્યો પર મનન કરવાનો સમય મળે છે. આપણે ખેડૂત ન હોઈએ તોપણ, બરફ અને વરસાદની આપણા પર પણ અસર પડે છે. આપણે રહીએ છીએ એના વાતાવરણ પ્રમાણે બરફ અને વરસાદ આપણું પણ કામ અટકાવી શકે છે. એ વખતે શું આપણે સમય કાઢીને વિચારીએ છીએ કે એ અદ્‍ભુત કાર્યો પાછળ કોણ છે અને એનો શું અર્થ રહેલો છે? શું તમે એના પર વિચાર કર્યો છે?

આપણને અયૂબના ૩૮મા અધ્યાયમાં જોવા મળે છે કે યહોવાહ પરમેશ્વર પોતે એની ચર્ચા શરૂ કરીને અયૂબને અમુક પ્રશ્નો પૂછે છે. આપણા સર્જનહારે એ પ્રશ્નો અયૂબને પૂછ્યા હતા છતાં, એની હમણાં આપણા પર, આપણા ભવિષ્ય પર ઊંડી અસર પડે છે. તેથી ચાલો પરમેશ્વરે કયા પ્રશ્નો પૂછ્યા અને એનો શું અર્થ થાય, એના પર આપણે વિચાર કરીએ. તેમ જ, અયૂબ ૩૭:૧૪ આપણને જે ભલામણ કરે છે એ જ કરીએ.

૧૦. અયૂબના ૩૮મા અધ્યાયની આપણા પર શું અસર પડવી જોઈએ અને કયા પ્રશ્નો ઊભા થાય છે?

૧૦ અયૂબ ૩૮:૧-૩ કહે છે: “યહોવાહે વંટોળિયામાંથી અયૂબને ઉત્તર આપતાં કહ્યું, કે અજ્ઞાનપણાના શબ્દોથી ઇશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે? હવે મરદની પેઠે તારી કમર બાંધ; કેમકે હું તને પૂછીશ, અને તું મને ઉત્તર આપ.” આ કલમો આખું દૃશ્ય સમજાવે છે. એનાથી અયૂબને એ સમજવામાં મદદ મળી કે તે વિશ્વના ઉત્પન્‍નકર્તાની આગળ ઊભા છે અને પોતે તેમને જવાબદાર છે. આવું જ આપણે સર્વ પણ વિચારીએ. પછી અલીહૂએ કહેલી બાબતો પર પરમેશ્વરે પ્રશ્નો પૂછ્યા: “જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય, તો કહી દે. જો તું જાણતો હો તો કહે, તેનાં માપ કોણે ઠરાવ્યાં? અને તેને માપવાની દોરી કોણે લંબાવી? શા ઉપર તેના પાયા સજડ બેસાડવામાં આવ્યા? . . . તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો?”—અયૂબ ૩૮:૪-૭.

૧૧. અયૂબ ૩૮:૪-૭થી આપણને શું સમજણ પડવી જોઈએ?

૧૧ પૃથ્વી બનાવવામાં આવી ત્યારે અયૂબ અને આપણે બધા ક્યાં હતા? શું આપણે એ આર્કિટેક્ટો છીએ જેઓએ પૃથ્વીની રચના કરી હોય અને પછી માપપટ્ટી લઈને એની લંબાઈ-પહોળાઈ નક્કી કરી હોય? બિલકુલ નહિ! ત્યારે તો આપણું નામનિશાન પણ ન હતું. આપણી પૃથ્વી જાણે ઇમારત હોય એમ પરમેશ્વરે પૂછ્યું: “તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો?” આપણે જાણીએ છીએ કે આપણે જીવંત રહી શકીએ માટે પૃથ્વી સૂર્યથી બરાબર અંતરે છે. તેમ જ એનો આકાર પણ એકદમ બરાબર છે. પૃથ્વી વધારે મોટી હોત તો, હાઇડ્રોજન ગેસ વાતાવરણમાંથી બહાર ન જઈ શકત અને આપણું જીવન પણ સંભવ ન હોત. સ્પષ્ટપણે, કોઈકે “ખૂણાનો પથ્થર” ખરી જગ્યાએ બેસાડ્યો છે. શું એનો મહિમા અયૂબને મળવો જોઈએ? આપણને મળવો જોઈએ? કે પછી યહોવાહ પરમેશ્વરને મળવો જોઈએ?—નીતિવચન ૩:૧૯; યિર્મેયાહ ૧૦:૧૨.

શું માણસ પાસે જવાબ છે?

૧૨. અયૂબ ૩૮:૬નો પ્રશ્ન આપણને શું વિચારવા દોરે છે?

૧૨ પરમેશ્વરે એ પણ પૂછ્યું: “શા ઉપર તેના [પૃથ્વીના] પાયા સજડ બેસાડવામાં આવ્યા?” શું એ વિચારવા જેવો પ્રશ્ન નથી? અયૂબ ગુરુત્વાકર્ષણ વિષે જાણતા ન હતા, જેનાથી આપણે સારી રીતે પરિચિત છીએ. આપણામાંના ઘણા જાણે છે કે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી યોગ્ય અંતરે રહે છે, જાણે કે એના પાયા સજ્જડ બેસાડવામાં ન આવ્યા હોય! તેમ છતાં, ગુરુત્વાકર્ષણને કોણ બરાબર સમજી શક્યું છે?

૧૩, ૧૪. (ક) ગુરુત્વાકર્ષણ વિષે એક પુસ્તક શું કબૂલે છે? (ખ) અયૂબ ૩૮:૬, ૭ની આપણા પર કેવી અસર પડવી જોઈએ?

૧૩ તાજેતરમાં બહાર પડેલું પુસ્તક વિશ્વની સમજણ (અંગ્રેજી) કબૂલ કરે છે કે ‘ગુરુત્વાકર્ષણ સૌથી જાણીતું હોવા છતાં ઓછું સમજાયું હોય એવું કુદરતી બળ છે.’ એ ઉમેરે છે: ‘ગુરુત્વાકર્ષણ બળ અંતરિક્ષમાં એકથી બીજી જગ્યાએ ઝડપથી મુસાફરી કરે છે. પરંતુ, એમ કરવાનું કોઈ માધ્યમ દેખાતું નથી. જોકે, તાજેતરમાં કુદરતી વિજ્ઞાનના નિષ્ણાતોએ અનુમાન કરવાનું શરૂ કર્યું છે કે એ બળ તરંગના રૂપમાં એકથી બીજી જગ્યાએ જાય છે, જે નાના નાના કણોથી બનેલા હોય છે, એને ગુરુત્વ કણો કહી શકાય. . . . પરંતુ એ કણો છે કે નહિ એ વિષે કોઈને પણ ચોક્કસ ખબર નથી.’ તેથી તમે જ વિચારો કે એનો અર્થ શું થાય?

૧૪ યહોવાહે એ પ્રશ્નો અયૂબને ૩,૦૦૦ વર્ષ પહેલાં પૂછ્યા હતા. ત્યારથી આજ સુધી વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે. પરંતુ આપણે કે કોઈ ભૌતિકશાસ્ત્રી હજુ પણ એ ગુરુત્વાકર્ષણ બળ વિષે સમજાવી શક્યા નથી જે આપણી પૃથ્વીને એની ભ્રમણકક્ષામાં, એના સ્થાન પર ટકાવી રાખે છે, કે જેના કારણે આપણે સુખી જીવન જીવીએ છીએ. (અયૂબ ૨૬:૭; યશાયાહ ૪૫:૧૮) એનો અર્થ એ નથી કે તમે ગુરુત્વાકર્ષણ વિષે ઊંડો અભ્યાસ કરીને પંડિત બની જાઓ. એના બદલે, પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યોમાંના આ એક પર ધ્યાન આપવાથી, તેમની મહાનતાની આપણા પર ઊંડી અસર પડે છે. શું તેમના જ્ઞાન અને ડહાપણ વિષે વિચારીને તેમને મહિમા આપવાની અને તેમના હેતુઓ વિષે જાણવાની તમને ઇચ્છા થતી નથી?

૧૫-૧૭. (ક) અયૂબ ૩૮:૮-૧૧ શાના પર પ્રકાશ પાડે છે અને કયા પ્રશ્નો ઊભા થાય છે? (ખ) સમુદ્રો અને એના વિભાજનના જ્ઞાન વિષે શું કબૂલવામાં આવ્યું?

૧૫ સૃષ્ટિકર્તા પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખે છે: “કહે, કે જાણે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ધસી આવ્યો, ત્યારે તેને બારણાંથી બંધ કોણે કર્યો? જ્યારે મેં વાદળને તેનું વસ્ત્ર બનાવ્યું, અને ગાઢ અંધકારથી તેને વીંટી લીધો, તેને માટે મેં હદ ઠરાવી આપી, અને ભૂંગળો તથા બારણાં બેસાડ્યાં, અને તેને કહ્યું, કે તારે અહીં સુધી જ આવવું, પણ એથી આગળ વધવું નહિ; અને અહીં તારાં ગર્વિષ્ટ મોજા અટકાવી દેવામાં આવશે ત્યારે તું ક્યાં હતો?”—અયૂબ ૩૮:૮-૧૧.

૧૬ સમુદ્રની હદ ઠરાવી આપવામાં ખંડો, સમુદ્રો અને ભરતીનો સમાવેશ થાય છે. કેટલા વર્ષોથી માણસ એના વિષે જાણે છે અને એનો અભ્યાસ કરે છે? હજારો વર્ષોથી, ખાસ કરીને ગઈ સદીમાં તો એના પર ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે. તમે કદાચ વિચારતા હશો કે અત્યાર સુધીમાં તો એના વિષે બધી સમજણ મળી ગઈ હશે. તોપણ, ૨૦૦૧ના વર્ષમાં તમે કોઈ મોટી લાઈબ્રેરીમાં કે ઇંટરનેટ પર એ વિષેની તાજી જાણકારી શોધશો તો તમને શું જોવા મળશે?

૧૭ એક જાણીતો વિશ્વજ્ઞાનકોષ કબૂલે છે: “આપણી પૃથ્વી પર સમુદ્રો, પહાડો અને નદીઓને કઈ રીતે અલગ પાડવામાં આવ્યા એ વિષે સમજવું અને સમજાવવું વૈજ્ઞાનિકો માટે બહુ અઘરું કામ છે.” આટલું કહ્યાં પછી વિશ્વજ્ઞાનકોષે એવા ચાર અનુમાનો બતાવ્યા જેના પ્રમાણે વિભાજન થયું હોઈ શકે. પરંતુ એણે જણાવ્યું કે એ બધા ફક્ત “અનુમાનો” જ છે. તમે જાણતા હશો કે અનુમાનોનો શું અર્થ થાય છે. “એવી અધૂરી જાણકારી જેનો કોઈ ઠોસ પુરાવો ન હોય.”

૧૮. અયૂબ ૩૮:૮-૧૧થી તમે કયા નિર્ણય પર આવો છો?

૧૮ અયૂબ ૩૮:૮-૧૧માં પૂછવામાં આવેલા પ્રશ્નો શું આજે પણ વાજબી નથી? પૃથ્વીની દરેક વસ્તુ બનાવી એને યોગ્ય જગ્યા પર વ્યવસ્થિત મૂકવાનો મહિમા આપણામાંથી કોઈને મળતો નથી. ચંદ્રને આપણે નથી બનાવ્યો જેની ગુરુત્વાકર્ષણની શક્તિથી ભરતી-ઓટ આવે છે, જે સામાન્ય રીતે આપણને કે આપણા દરિયા કિનારાને કોઈ વિનાશકારી અસર કરતા નથી. આપણે જાણીએ છીએ કે આ બધુ અદ્‍ભુત કાર્યો કરનાર પરમેશ્વર યહોવાહે બનાવ્યું છે.—ગીતશાસ્ત્ર ૩૩:૭; ૮૯:૯; નીતિવચન ૮:૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪; પ્રકટીકરણ ૧૪:૭.

યહોવાહને મહિમા આપો

૧૯. અયૂબ ૩૮:૧૨-૧૪માં કાવ્યરૂપે સૃષ્ટિની કઈ હકીકત તરફ ધ્યાન દોરવામાં આવે છે?

૧૯ અયૂબ ૩૮:૧૨-૧૪ પ્રમાણે, પૃથ્વીના પરિભ્રમણનો મહિમા માનવીઓને જતો નથી. આ પરિભ્રમણને કારણે જ દરરોજ એક નવી સવાર થાય છે. સૂર્ય ઊગે છે તેમ આપણને બધું જ સાફ દેખાવા લાગે છે અને એ પૃથ્વી પર એક છાપ છોડી જાય છે. તમે પૃથ્વીની ગતિ પર થોડું જ ધ્યાન આપશો તો, તમે આશ્ચર્યચકિત થઈ જશો કે પૃથ્વી જરા પણ ઝડપથી ફરતી નથી. આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે જો એ ઝડપથી ફરતી હોત તો આપણું શું થાત. તેમ જ એ એકદમ ધીમી પણ ફરતી નથી. પૃથ્વી ધીમી ફરે તો, દિવસો અને રાતો વધારે લાંબા થાય અને અત્યંત ગરમી કે ઠંડી પડે, જેનાથી પણ આપણું જીવન અશક્ય બને. આપણે સાચે જ ખુશ થવું જોઈએ, કેમ કે કોઈ માણસે નહિ પરંતુ પરમેશ્વરે પૃથ્વીનું પરિભ્રમણ ગોઠવ્યું છે.—ગીતશાસ્ત્ર ૧૪૮:૧-૫.

૨૦. અયૂબ ૩૮:૧૬, ૧૮ના પ્રશ્નોનો તમે કેવો જવાબ આપશો?

૨૦ હવે માની લો કે યહોવાહ તમને આ પ્રશ્ન પૂછે છે: “શું તું સમુદ્રના ઝરાઓનાં મૂળમાં દાખલ થયો છે? કે તેના ઊંડાણની શોધમાં તું ફરી વળ્યો છે?” સમુદ્ર વિજ્ઞાની પણ આ પ્રશ્નનો પૂરો જવાબ આપી શકતા નથી! “શું પૃથ્વીનો વિસ્તાર તારા ખ્યાલમાં આવ્યો છે? જો એ બધું તું જાણતો હો, તો કહી બતાવ.” (અયૂબ ૩૮:૧૬, ૧૮) શું તમે પૃથ્વી પરની દરેક સુંદર જગ્યાઓ કે એના અમુક ભાગોની મુલાકાત લીધી છે? દરેક સુંદર જગ્યાઓ અને પૃથ્વી પરની અદ્‍ભુત વસ્તુઓ પર વિચાર કરતા પણ કેટલા લાંબા જીવનની જરૂર પડે? જો આપણું જીવન લંબાઈ જાય તો એ સમય કેવો અદ્‍ભુત હશે!

૨૧. (ક) અયૂબ ૩૮:૧૯ના પ્રશ્નોથી કયું વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ જોવા મળે છે? (ખ) પ્રકાશની હકીકત જાણ્યા પછી આપણે શું કરવા પ્રેરાવું જોઈએ?

૨૧ વળી, અયૂબ ૩૮:૧૯માં આપેલા આ મહત્ત્વના પ્રશ્નોનો વિચાર કરો: ‘પ્રકાશના આદિસ્થાનમાં જવાનો માર્ગ ક્યાં છે? અને અંધકારનું સ્થળ ક્યાં છે?’ તમે કદાચ સાંભળ્યું હશે કે વૈજ્ઞાનિકો માને છે કે સમુદ્રમાં જેમ લહેર ફરે છે તેમ પ્રકાશ તરંગોમાં ફરે છે. પરંતુ ૧૯૦૫માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને સમજાવ્યું કે પ્રકાશકણોની જેમ ફરે છે. શું એ સાચું છે? હાલમાં એક વિશ્વજ્ઞાનકોષમાં આમ પૂછવામાં આવ્યું: “પ્રકાશ એક તરંગ છે કે કણ?” એ જવાબ આપે છે: “દેખીતું છે કે [પ્રકાશ] બંનેમાં હોઈ શકે નહિ, કેમ કે [તરંગો અને કણો]માં આભ-જમીનનો ફરક છે. તેથી એનો સૌથી સારો જવાબ એ છે કે પ્રકાશ તરંગ નથી કે કણ પણ નથી.” ભલે પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યોને કોઈ સમજી શકતું નથી, પરંતુ એ ચોક્કસ છે કે સૂર્યના પ્રકાશથી સીધી કે આડકતરી રીતે ફાયદાઓ થાય છે. સૂર્ય પ્રકાશથી આપણને શાકભાજી અને ફળો જેવો ખોરાક તથા ઑક્સિજન પણ મળે છે. પ્રકાશને કારણે આપણે વાંચી શકીએ છીએ, આપણા પ્રિયજનોનો ચહેરો જોઈ શકીએ છીએ તથા સૂર્યાસ્તનો આનંદ માણી શકીએ છીએ. આપણે આ બધી બાબતોનો આનંદ માણીએ છીએ ત્યારે, શું પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો પર મનન ન કરવું જોઈએ?—ગીતશાસ્ત્ર ૧૦૪:૧, ૨; ૧૪૫:૫; યશાયાહ ૪૫:૭; યિર્મેયાહ ૩૧:૩૫.

૨૨. પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો જોઈને દાઊદને કેવું લાગ્યું?

૨૨ શું એનો એવો અર્થ થાય કે આપણે યહોવાહનાં અદ્‍ભુત કાર્યો પર મનન કરીએ તેમ એ જોઈને મુગ્ધ થઈ જઈએ? જરાય નહિ! પ્રાચીન સમયમાં દાઊદે એ વાત સ્વીકારી કે પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યોને સમજવાં કે સમજાવવાં અશક્ય છે. દાઊદે લખ્યું: “હે યહોવાહ મારા દેવ, તારાં આશ્ચર્યકારક કાર્યો, . . . એટલાં બધાં છે, કે . . . હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.” (ગીતશાસ્ત્ર ૪૦:૫) દાઊદ એમ કહેવા માંગતા ન હતા કે આ મહાન કાર્યોને જોઈને તે ચૂપ રહેશે. દાઊદ સાચે જ ચૂપ નહોતા રહ્યાં. એ તેમના નિર્ણય પરથી ખબર પડે છે, કેમ કે ગીતશાસ્ત્ર ૯:૧ બતાવે છે: “મારા સંપૂર્ણ હૃદયથી હું યહોવાહની ઉપકારસ્તુતિ કરીશ; હું તારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો પ્રગટ કરીશ.”

૨૩. પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો પ્રત્યે તમારું વલણ કેવું હોવું જોઈએ અને તમે કઈ રીતે બીજાઓને મદદ કરી શકો?

૨૩ શું આપણા પર પણ એવો જ પ્રભાવ ન પડવો જોઈએ? પરમેશ્વરે જે અદ્‍ભુત કાર્યો કર્યા છે અને ભવિષ્યમાં કરવાના છે એ જોઈને શું આપણે પણ બીજાઓને એના વિષે કહેવું ન જોઈએ? હા, એ સ્વાભાવિક છે કે આપણે ‘વિદેશીઓમાં તેમનો મહિમા, અને સર્વ લોકોમાં તેમના ચમત્કાર જાહેર” કરીએ. (ગીતશાસ્ત્ર ૯૬:૩-૫) આપણે બીજાઓને પરમેશ્વર વિષે શીખવીને તેમનાં અદ્‍ભુત કાર્યોની કદર બતાવી શકીએ. તેઓ એવા સમાજમાં ઉછર્યા હોય શકે જ્યાં લોકો પરમેશ્વરને માનતા ન હોય. પરંતુ પરમેશ્વર માટેનો આપણો પ્રેમ જોઈને કદાચ તેઓની આંખો ઊઘડી શકે અને પરમેશ્વરમાં માનવાનું શરૂ કરી શકે. વધુમાં, “અદ્‍ભુત કાર્યો” કરનાર યહોવાહ વિષે વધુ શીખવા તેઓ હોંશીલા બનીને તેમની સેવા કરવા પ્રેરાઈ શકે.—પ્રકટીકરણ ૪:૧૧.

તમે કેવો જવાબ આપશો?

અયૂબ ૩૭:૧૪ તમને પરમેશ્વરનાં કયાં કામો વિષે વિચારવા દોરી જાય છે?

અયૂબ ૩૭ અને ૩૮ અધ્યાયમાં આપેલી અમુક બાબતો કઈ છે જે વૈજ્ઞાનિકો પણ સમજાવી શક્યા નથી?

• તમે પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો વિષે શું વિચારો છો અને એ તમને શું કરવા પ્રેરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૭ પર ચિત્ર]

સમુદ્રની હદ કોણે ઠરાવી, જેથી એ એની જગ્યાએ રહે?

[પાન ૭ પર ચિત્ર]

પરમેશ્વરે ઉત્પન્‍ન કરેલી પૃથ્વીની દરેક સુંદર જગ્યાઓની કોણે મુલાકાત લીધી છે?