સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગમે તેવા ઉછેર છતાં તમે સફળ થઈ શકો છો

ગમે તેવા ઉછેર છતાં તમે સફળ થઈ શકો છો

ગમે તેવા ઉછેર છતાં તમે સફળ થઈ શકો છો

નીકોલસ બાળપણથી જ બંડખોર સ્વભાવનો હતો. * સમય જતાં, તેની બંડખોર વૃત્તિ એટલી વધી ગઈ કે તે ડ્રગ્સ અને દારૂનો બંધાણી બની ગયો. નિકોલસ એનું કારણ જણાવે છે: ‘મારા પિતા દારૂડિયા હતા, અને તે મારી બહેન અને મને ઘણું દુઃખ આપતા હતા.’

મલીન્ડાના માબાપ, નિયમિત રીતે ચર્ચમાં જતાં હોવાથી સમાજમાં તેઓની પ્રશંસા કરવામાં આવતી હતી. પરંતુ તેઓ જે પંથ સાથે જોડાયેલા હતા, “એ પંથમાં કેટલીક એવી બાબતો કરવામાં આવતી એ મને જરાય ગમતી ન હતી, એણે મારું બાળપણ છીનવી લીધું હતું,” એમ ૩૦ વર્ષની મલીન્ડા વિલાપ કરે છે. તે ઉમેરે છે: “મને યાદ છે ત્યાં સુધી એ જ કારણે નિરાશા અને નકામાપણાની લાગણી મારા જીવનનો એક ભાગ બની ગઈ.”

ઘણા લોકોએ બાળપણમાં હિંસા, અત્યાચાર, માબાપથી તરછોડાયેલા અને બીજી ઘણી ખરાબ બાબતો સહન કરી છે, એનો કોણ નકાર કરી શકે? બાળપણમાં થએલા દુઃખના ઘા બહુ ઊંડા હોય છે. તેથી શું તેઓ ક્યારેય પોતાના જીવનમાં પરમેશ્વરનું સત્ય શીખી શકશે નહિ અને અમુક પ્રમાણમાં સુખ અનુભવી શકશે નહિ? સારી રીતે ઉછેર થયો ન હોવા છતાં, શું નીકોલસ અને મલીન્ડા પ્રમાણિક લોકો તરીકે સફળ થઈ શકે? એ માટે, યહુદાના રાજા યોશીયાહનું ઉદાહરણ તપાસો.

એક શાસ્ત્રીય ઉદાહરણ

યોશીયાહે સાતમી સદી બી.સી.ઈ. (૬૫૯-૬૨૯ બી.સી.ઈ.)માં યહુદામાં ૩૧ વર્ષ રાજ કર્યું. પોતાના પિતાની હત્યા પછી, યોશીયાહના રાજ્યાભિષેક સમયે યહુદાહની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. યહુદાહ અને યરૂશાલેમ, બઆલના ઉપાસકો અને આમોનીઓના દેવ માલ્કામના સોગંદ લેનારાઓથી ભરેલા હતા. તેથી એ સમયના, પરમેશ્વરના પ્રબોધક સફાન્યાહે યહુદાહના સરદારોને “ગર્જના કરતા સિંહો” અને ન્યાયાધીશોને “સાંજે ફરતા વરૂઓ” કહ્યા. પરિણામે, હિંસા અને છેતરપિંડી આખા દેશમાં પ્રસરી ગઈ હતી. ઘણા લોકો મનમાં કહેતા હતા: “યહોવાહ તો ભલું નહિ કરે તેમ ભૂંડુંએ નહિ કરે.”—સફાન્યાહ ૧:૩–૨:૩; ૩:૧-૫.

યોશીયાહ કેવા રાજા સાબિત થયા હતા? બાઇબલનો કાળવૃત્તાંત લખનાર એઝરા લખે છે: “[યોશીયાહે] યહોવાહની દ્રષ્ટિમાં જે યથાર્થ હતું તે કર્યું. તે પોતાના પૂર્વજ દાઊદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે પડખે ખસ્યો નહિ.” (૨ કાળવૃત્તાંત ૩૪:૧, ૨) દેખીતી રીતે જ, યોશીયાહ યહોવાહની નજરમાં જે સારું હતું એ કરવામાં સફળ થયા. પરંતુ તેમની કૌટુંબિક પાશ્વભૂમિકા કેવી હતી?

તેમનો ઉછેર

વર્ષ ૬૬૭ બી.સી.ઈ.માં યોશીયાહ જન્મ્યા ત્યારે, તેમના પિતા આમોન ફક્ત ૧૬ જ વર્ષના હતા અને તેમના દાદા મનાશ્શેહ યહુદાહ પર રાજ કરતા હતા. યહુદાહમાં રાજ કરી ગયેલા રાજાઓમાં મનાશ્શેહ સૌથી દુષ્ટ રાજા હતા. બઆલ માટે વેદી તૈયાર કરીને ‘યહોવાહની દૃષ્ટિમાં જે ભૂડું હતું તે તેમણે કર્યું.’ તેમણે પોતાના પુત્રોને અગ્‍નિમાં ચલાવ્યા, શુકન જોવડાવ્યાં, જાદુમંત્રોનો ઉપયોગ કર્યો, પિશાચી બાબતોને પ્રોત્સાહન આપ્યું અને પુષ્કળ પ્રમાણમાં નિર્દોષ લોકોનું લોહી વહેવડાવ્યું. ત્યાં સુધી કે મનાશ્શેહ અશેરોથ મૂર્તિઓ બનાવીને યહોવાહના મંદિરમાં લઈ આવ્યા. ‘જે પ્રજાઓનો યહોવાહે ઈસ્રાએલપુત્રો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવીને’ તેમણે યહુદાહ અને યરૂશાલેમને મૂર્તિપૂજાથી ભ્રષ્ટ કર્યા હતા.—૨ કાળવૃત્તાંત ૩૩:૧-૯.

મનાશ્શેહ એટલા ખરાબ થઈ ગયા હતા કે યહોવાહે તેમને આશ્શૂરના રાજાને સોંપી દીધા. તે તેમને બેડી પહેરાવીને બાબેલોનમાં બંદીવાન તરીકે લઈ ગયા. છેવટે ગુલામીમાં મનાશ્શેહે પસ્તાવો કર્યો, નમ્ર બન્યા અને યહોવાહની માફી માંગી. પરમેશ્વરે તેમની આજીજી સાંભળી અને તેમને ફરીથી યરૂશાલેમમાં રાજા બનાવ્યા. પછી મનાશ્શેહે ઘણા સુધારા કર્યા અને તે સફળ થયા.—૨ કાળવૃત્તાંત ૩૩:૧૦-૧૭.

મનાશ્શેહની દુષ્ટતા અને પાછળથી તેમણે જે પસ્તાવો કર્યો એની તેમના પુત્ર આમોન પર શું અસર થઈ? તે તેમના કરતાં વધુ દુષ્ટ નીકળ્યા. મનાશ્શેહે પસ્તાવો કર્યો અને પોતે કરેલી ખરાબ બાબતોને સુધારવા પ્રયત્ન કર્યો ત્યારે, આમોને તેમને સાથ ન આપ્યો. આમોન ૨૨ વર્ષની વયે રાજગાદીએ બેઠા ત્યારે, “તેના પિતા મનાશ્શેહે કર્યું હતું તેમ તેમણે યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તેજ કર્યું.” પોતાને યહોવાહની આગળ નમ્ર કરવાને બદલે “આમોન ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો.” (૨ કાળવૃત્તાંત ૩૩:૨૧-૨૩) આમોન યહુદાહના રાજા બન્યા ત્યારે યોશીયાહ ફક્ત છ જ વર્ષનો હતો. વિચારો કે યોશીયાહનું બાળપણ કેવી ખરાબ પરિસ્થિતિમાં વીત્યું હશે!

બે જ વર્ષ પછી આમોનના ચાકરોએ તેમની વિરુદ્ધ કાવતરું કરીને તેમને મારી નાખ્યા ત્યારે તેમના રાજનો અંત આવી ગયો. એ દેશના લોકોએ, બળવાખોરોને મારી નંખાવીને આમોનના પુત્ર યોશીયાહને રાજા બનાવ્યા.—૨ કાળવૃત્તાંત ૩૩:૨૪, ૨૫.

પોતે ખરાબ સંજોગોમાં ઉછર્યા હોવા છતાં, યોશીયાહે યહોવાહની નજરમાં જે સારું હતું એ જ કર્યું. તેથી જ તેમનું શાસન સફળ રહ્યું જેના વિષે બાઇબલ કહે છે: “તેની પહેલાં તેના જેવો કોઈ રાજા થયો નહોતો, કે જે પોતાના સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી મુસાના સઘળા નિયમશાસ્ત્ર પ્રમાણે યહોવાહ તરફ ફર્યો હોય; અને તેના પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી.”—૨ રાજા ૨૩:૧૯-૨૫.

આમ, બાળપણમાં વીતી હોય એવા લોકો માટે યોશીયાહે કેવું ઉત્તેજનકારક ઉદાહરણ પૂરું પાડ્યું! તેમના ઉદાહરણથી આપણે શું શીખી શકીએ? સાચો માર્ગ પસંદ કરવામાં અને એને વળગી રહેવામાં યોશીયાહને શામાંથી મદદ મળી?

યહોવાહને શોધો

યોશીયાહના દાદા મનાશ્શેહે પસ્તાવો કર્યો એનાથી તેમના બાળપણમાં સારી અસર થઈ. એ બે વચ્ચે કેવો સંબંધ હતો અને મનાશ્શેહે પોતાના માર્ગો બદલ્યા ત્યારે યોશીયાહ કેટલી ઉંમરના હતા એ વિષે બાઇબલ કંઈ જ જણાવતું નથી. યહુદી કુટુંબો મધ્યે એકતા હોવાથી મનાશ્શેહે પોતાના પૌત્રના હૃદયમાં સાચા પરમેશ્વર યહોવાહ અને બાઇબલ માટે આદર વિકસાવીને આસપાસની ખરાબ અસરોથી બચાવવા પ્રયત્ન કર્યો હશે. યોશીયાહના હૃદયમાં સત્યના બી વાવવાનો જે પ્રયત્ન મનાશ્શેહે કર્યો હતો એ અને બીજી સારી બાબતોને કારણે સારા પરિણામો આવ્યાં. તેમના રાજ્યના આઠમે વર્ષે એટલે કે તે ૧૫ વર્ષના હતા ત્યારે તેમણે યહોવાહની શોધ કરી અને તેમની ઇચ્છા પૂરી કરી.—૨ કાળવૃત્તાંત ૩૪:૧-૩.

ઘણા લોકોએ પોતાના બાળપણમાં, પોતાના દૂરના સગા, મિત્રો કે પડોશીઓ પાસેથી યહોવાહ વિષે થોડું ઘણું જાણ્યું હોય છે. તોપણ, તેઓના હૃદયમાં સત્યનાં જે બી વવાયા છે એ વિષે તેઓને મદદ મળે તો પાછળથી એ સારાં ફળ આપી શકે. શરૂઆતમાં જેનો ઉલ્લેખ કર્યો એ મલીન્ડાની પડોશમાં તેના દાદા જેવા એક પડોશી રહેતા હતા. તે તેના માટે નિયમિત ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકો આપી જતા હતા. તેમના વિષે બહુ વહાલથી યાદ કરતા મલીન્ડા કહે છે: “મારા પડોશી તહેવારો ઉજવતા ન હતા એનાથી હું બહુ પ્રભાવિત થઈ. એનું મારે મન બહુ મહત્ત્વ હતું કારણ કે મારા માબાપ જે પંથ સાથે જોડાયેલા હતા એમાં હેલોવીન અને બીજા કેટલાક તહેવારોમાં પિશાચી ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હતી.” દસ વર્ષ પછી, તેને એક બહેનપણીએ યહોવાહના સાક્ષીઓના રાજ્યગૃહમાં ખ્રિસ્તી સભામાં આવવા આમંત્રણ આપ્યું ત્યારે, તેને પોતાના પડોશી યાદ આવી ગયા અને તેણે તરત એ આમંત્રણ સ્વીકારી લીધું. આ રીતે પડોશીને કારણે સત્યની શોધ કરવામાં તેને મદદ કરી.

દેવ સમક્ષ નમ્ર બનો

યોશીયાહે તેમના રાજમાં યહુદાહમાં ધાર્મિક રીતે મોટા ફેરફારો કર્યા હતા. યહુદાહમાંથી મૂર્તિપૂજા કાઢી નાખવા માટે છ વર્ષ સખત મહેનત કર્યા પછી, યોશીયાહે યહોવાહના મંદિરનું સમારકામ શરૂ કર્યું. કામ ચાલી રહ્યું હતું ત્યારે, પ્રમુખ યાજક હિલ્કીયાહને એક ભવ્ય વસ્તુ મળી! તેમને યહોવાહના ‘નિયમના પુસ્તકની’ મૂળ પ્રત મળી હતી. હિલ્કીયાહે આપેલું એ પુસ્તક ચિટણીસ શાફાન, રાજા પાસે લઈ ગયો. શું આ શોધથી ૨૫ વર્ષના રાજા યોશીયાહે ગર્વ અનુભવ્યો?—૨ કાળવૃત્તાંત ૩૪:૩-૧૮.

એઝરા લખે છે, “રાજાએ નિયમશાસ્ત્રનાં વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં.” એ રીતે તેમણે ખૂબ દુઃખ વ્યક્ત કર્યું કારણ કે તેમને ખબર પડી કે તેમના બાપદાદાઓ પરમેશ્વરના બધા જ નિયમો પ્રમાણે જીવતા ન હતા. ખરેખર તેમણે કેવી નમ્રતા બતાવી! રાજાએ તરત જ પાંચ પુરુષોને યહોવાહની સલાહ લેવા માટે પ્રબોધિકા હુલ્દાહ પાસે મોકલ્યા. એ પુરુષોએ પાછા આવીને તેને આ રીતે અહેવાલ આપ્યો: ‘યહોવાહના નિયમ ભંગ કરવાને કારણે વિપત્તિ આવી પડશે. પરંતુ રાજા યોશીયાહ તારી નમ્રતાને લીધે તું શાંતિથી તારી કબરમાં જઈશ અને તું વિપત્તિ જોઈશ નહિ.’ (૨ કાળવૃત્તાંત ૩૪:૧૯-૨૮) યહોવાહ યોશીયાહના વલણથી ખુશ થયા હતા.

આપણી પાશ્વભૂમિકા ગમે તેવી હોય છતાં, આપણે પણ સાચા પરમેશ્વર યહોવાહ સમક્ષ પોતાને નમ્ર બનાવી શકીએ અને તેમના પ્રત્યે તથા બાઇબલ પ્રત્યે આદર બતાવી શકીએ. શરૂઆતમાં ઉલ્લેખ કરેલા નિકોલસે એમ જ કર્યું. તે કહે છે: “જોકે કેફી પદાર્થોનો દુરુપયોગ અને ખૂબ પીવાને કારણે મારું જીવન ખરાબ બન્યું હતું છતાં, મને બાઇબલમાં રસ હતો અને જીવનમાં કોઈ હેતુ હોય એવી ઇચ્છા હતી. છેવટે, હું યહોવાહના સાક્ષીઓના સંપર્કમાં આવ્યો, મારું જીવન બદલ્યું, અને સત્યનો સ્વીકાર કર્યો.” આપણા સંજોગો ગમે તેવા હોય છતાં, આપણે પરમેશ્વર અને તેમના શબ્દ બાઇબલ પ્રત્યે આદર વિકસાવી શકીએ.

યહોવાહની ગોઠવણમાંથી લાભ લો

યોશીયાહને યહોવાહના પ્રબોધકો માટે પણ ઊંડુ માન હતું. તેમણે પ્રબોધિકા હુલ્દાહ વિષે જાણકારી મેળવી એટલું જ નહિ પરંતુ તેમના દિવસના બીજા પ્રબોધકોનો પણ તેમના પર ખૂબ પ્રભાવ પડ્યો. દાખલા તરીકે, યિર્મેયાહ અને સફાન્યાહે યહુદાહમાં મૂર્તિપૂજાને ઉઘાડી પાડી હતી. જૂઠી ઉપાસના વિરુદ્ધ યોશીયાહે ઝુંબેશ ઉપાડી હોવાથી પ્રબોધકોના સંદેશથી તે કેટલા ઉત્સાહી થયા હશે!—યિર્મેયાહ ૧:૧, ૨; ૩:૬-૧૦; સફાન્યાહ ૧:૧-૬.

“ધણી” ઈસુ ખ્રિસ્તે યોગ્ય સમયે આત્મિક ખોરાક પીરસવા માટે પોતાના અભિષિક્ત અનુયાયીઓના એક જૂથ, ‘વિશ્વાસુ અને શાણા ચાકરને’ નિયુક્ત કર્યા છે. (માત્થી ૨૪:૪૫-૪૭) બાઇબલ આધારિત પ્રકાશનો અને મંડળની ગોઠવણ દ્વારા આ ચાકર વર્ગ બાઇબલની સલાહને સાંભળવા અને એના લાભ તરફ ધ્યાન દોરે છે. તેમ જ આપણા દૈનિક જીવનમાં એને કઈ રીતે લાગુ પાડવા એ માટેનાં સૂચનો આપે છે. આપણામાં ઘર કરી ગયેલી કુટેવને છોડી દેવા માટે આપણે યહોવાહની ગોઠવણનો સહારો લઈએ એ કેટલું યોગ્ય છે! બાળપણથી નિકોલસને સત્તા પ્રત્યે ખૂબ અણગમો હતો. તે બાઇબલનું સત્ય શીખ્યા તોપણ, તેમની એ નબળાઈ તેમને યહોવાહની સેવા કરવા રોકતી હતી. આ વલણને બદલવું તેમના માટે સહેલું ન હતું. પરંતુ સમય જતા તે સફળ થયા. કેવી રીતે? નિકોલસ સમજાવે છે, “બે સમજદાર વડીલોની મદદથી, મેં મારી સમસ્યા કબૂલી અને તેમની પ્રેમાળ શાસ્ત્રીય સલાહ અનુસરવાનું શરૂ કર્યું.” તે ઉમેરે છે, “પ્રસંગોપાત થોડો રોષ ભભૂકી ઊઠતો હોવા છતાં, હવે હું મારા બંડખોર સ્વભાવ પર અંકુશ લાવ્યો છું.”

મલીન્ડા પણ તેના જીવનના મહત્ત્વના નિર્ણયોમાં વડીલોની સલાહ લે છે. શરૂઆતનાં વર્ષોમાં તેની નિરાશા અને નકામાપણાની ઘર કરી ગયેલી લાગણીઓ સામે લડવામાં તેને ચોકીબુરજ અને સજાગ બનો!ના લેખો બહુ મૂલ્યવાન લાગ્યા. તે કહે છે: “ઘણી વખત તો લેખનો ફક્ત એક ફકરો કે એક જ લીટી વાંચીને મને ઉત્તેજન મળે છે. લગભગ નવ વર્ષથી મેં આ પ્રકારના લેખોને એક ફાઈલમાં ભેગા કરવાનું શરૂ કર્યું છે જેથી હું તરત એ કાઢીને વાંચી શકું.” આજે તેની એ ફાઈલમાં લગભગ ૪૦૦ લેખો છે!

આમ, લોકો પર ખરાબ કૌટુંબિક જીવનની કાયમી અસર રહેતી નથી. યહોવાહની મદદથી તેઓ આત્મિક રીતે સફળ થઈ શકે. સારા કુટુંબમાં ઉછરેલી વ્યક્તિ પ્રમાણિક જ રહેશે એની કોઈ ખાતરી નથી, એ જ રીતે ખરાબ કુટુંબમાં ઉછરેલી વ્યક્તિ પણ દેવનો ભય રાખનારી બની શકે.

મંદિરના સમારકામ વખતે મળેલા પરમેશ્વરના નિયમના પુસ્તક પછી, યોશીયાહે “કરારનાં વચન પ્રમાણે કરવાને માટે, પોતાના ખરા હૃદયથી તથા પોતાના પૂરા જીવથી યહોવાહને અનુસરવાને તથા તેની આજ્ઞાઓ, તેનાં સાક્ષ્યો તથા તેના વિધિઓ પાળવાને યહોવાહની આગળ પ્રતિજ્ઞા લીધી.” (૨ કાળવૃત્તાંત ૩૪:૩૧) તે મરણપર્યંત એ બાબતોને વળગી રહ્યા. મલીન્ડા અને નિકોલસે પણ યહોવાહ પરમેશ્વરને વફાદાર રહેવાનું નક્કી કર્યું અને તેઓ પ્રમાણિક રહેવામાં સફળ થયા. તમે પણ પરમેશ્વરની નજીક રહેવાનું અને તેમની પૂરેપૂરી સેવા કરવાનું નક્કી કરી શકો. તમે સફળ થશો એવો ભરોસો રાખી શકો, કેમ કે યહોવાહ વચન આપે છે: “તું બીશ મા, કેમકે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમકે હું તારો દેવ છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.”—યશાયાહ ૪૧:૧૦, ૧૩.

[ફુટનોટ]

^ કેટલાંક નામ બદલવામાં આવ્યાં છે.

[પાન ૨૬ પર ચિત્રો]

યોશીયાહ ખરાબ પરિસ્થતિમાં ઉછરીને મોટા થયા હતા છતાં, તેમણે યહોવાહને શોધ્યા અને તે સફળ થયા

[પાન ૨૮ પર ચિત્ર]

તમારા સ્વભાવમાં સુધારો કરવા વડીલો મદદ કરી શકે

[પાન ૨૮ પર ચિત્ર]

પ્રમાણિકતા જાળવી રાખવામાં “ચોકીબુરજ” અને “સજાગ બનો!” તમને મદદ કરી શકે