સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જગતવ્યાપી સંગઠન એકબીજાની કાળજી રાખે છે

જગતવ્યાપી સંગઠન એકબીજાની કાળજી રાખે છે

જગતવ્યાપી સંગઠન એકબીજાની કાળજી રાખે છે

જ્યાં નજર કરો ત્યાં લોકો જ લોકો જોવા મળે છે. ત્યાં ઘણા વૃદ્ધ છે, તો વળી કેટલાક તો ભાગ્યે જ ચાલી શકે એવા અપંગ છે. એમાં કેટલીક સ્ત્રીઓ સગર્ભા છે અને કેટલાંક યુવાન યુગલો પોતાના નાનાં બાળકોની આંગળી પકડીને ચાલે છે. એ બધા સ્ત્રી-પુરુષો અને બાળકો શરણાર્થીઓ છે. તેઓને આંતરિક લડાઈઓ, કુદરતી આફતો કે બીજા સંજોગોને કારણે પોતાનું ઘર છોડીને પડોશી દેશોમાં આશરો શોધવાની ફરજ પડી છે. કેટલાક લોકોને તો વારંવાર પોતાનાં ઘર છોડવા પડ્યા છે. આંતરિક લડાઈઓ કે કુદરતી આફતની પહેલી નિશાની દેખાતા જ તેઓ થોડી ઘણી ઘર વપરાશની વસ્તુઓ અને પોતાનાં બાળકોને લઈને સલામત જગ્યાએ નાસી છૂટે છે. પછી જ્યારે પરિસ્થિતિ શાંત થઈ જાય ત્યારે, તેઓ પાછા જઈને પોતાનાં ઘરો બાંધે છે અને રહે છે.

વર્ષોથી, મધ્ય આફ્રિકી પ્રજાસત્તાકે થોડા દેશોના શરણાર્થીઓને આશરો આપ્યો છે. તાજેતરમાં જ, કૉંગોના લોકશાહી પ્રજાસત્તાકમાં યુદ્ધ ચાલતું હોવાથી હજારો લોકો ત્યાંથી સલામત આશરો શોધવા મધ્ય આફ્રિકી પ્રજાસત્તાક તરફ નાસી છૂટ્યા છે, એમાં યહોવાહના સાક્ષીઓ પણ છે.

ભાઈઓએ મદદ કરી

મધ્ય આફ્રિકી પ્રજાસત્તાકના યહોવાહના સાક્ષીઓએ માનવતાના નાતે આ લોકોને મદદ કરવાને એક લહાવો ગણ્યો. આવી રહેલા ખ્રિસ્તી ભાઈબહેનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. શરૂઆતમાં, ત્યાંના ભાઈબહેનોએ તેઓને પોતાના ઘરોમાં જ આશરો આપ્યો, પરંતુ શરણાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ વધુ રહેઠાણની જરૂર પડી. ઘણા ભાઈબહેનોને કેટલાંક રાજ્યગૃહોમાં આશરો આપવામાં આવ્યો. આ શરણાર્થી સાક્ષીઓ માટે સ્થાનિક ભાઈઓએ વધુ લાઈટો મૂકવાનું, પાણીની પાઈપો બેસાડવાનું અને સીમેન્ટનું ભોંયતળિયું બનાવવાનું કામ ધગસથી કર્યું. એ માટે શરણાર્થી ભાઈબહેનોએ પણ તેઓને મદદ કરી. જીવન બચાવનાર આત્મિક ખોરાક નિયમિત મળતો રહે એ માટે, લિંગાલા ભાષામાં ખ્રિસ્તી સભાઓનો આખો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. સ્થાનિક સાક્ષીઓ અને આવેલા મહેમાનોએ જે સહકારથી કામ કર્યું એનાથી જોવા મળ્યું કે આંતરરાષ્ટ્રીય ભાઈચારો એક વાસ્તવિકતા છે.

શરણાર્થી કુટુંબો હંમેશા એકસાથે આવતા ન હતા કેમ કે તેઓ છૂટા પડી ગયા હતા. સમય જતા, છૂટા પડેલા કુટુંબીજનો ફરીથી ભેગા થઈ શકે એ માટે ગોઠવણ કરવામાં આવી હતી. દરેક રાજ્યગૃહમાં સહીસલામત પહોંચેલા ભાઈબહેનોની એક યાદી મૂકવામાં આવી હતી. જેઓ ગુમ થયા હતા તેઓને શોધવાની પણ વ્યવસ્થા કરવામાં આવી. એ દેશમાં યહોવાહના સાક્ષીઓની શાખાએ, રસ્તામાં હોય એવા અથવા ગુમ થયેલાઓને શોધવા ત્રણ વાહનો મોકલ્યાં હતાં. આ વાહનો પર મોટા અક્ષરે લખેલું હતું, “વૉચટાવર—યહોવાહના સાક્ષીઓ.”

કલ્પના કરો કે પોતાનાં માબાપથી છૂટા પડી ગયેલા સાત શરણાર્થી બાળકોના એક ટોળાએ યહોવાહના સાક્ષીઓ લખેલી વાન જોઈ ત્યારે તેઓને કેટલી ખુશી થઈ હશે! તેઓ તરત જ એ વાન પાસે દોડી ગયા અને પોતાની યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખ આપી. ભાઈઓએ તેઓને વાનમાં બેસાડ્યા અને રાજ્યગૃહમાં પહોંચાડ્યા જ્યાં તેઓને પોતાના કુટુંબીજનો મળ્યા.

આ પ્રમાણિક લોકો શા માટે આવા સંજોગોનો એક વખત નહિ પરંતુ વારંવાર સામનો કરી શક્યા? તેઓને પૂરી ખાતરી હતી કે બાઇબલમાં લખેલું છે તેમ, આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ.—૨ તીમોથી ૩:૧-૫; પ્રકટીકરણ ૬:૩-૮.

તેથી, તેઓ જાણે છે કે યહોવાહ પરમેશ્વર જલદી જ યુદ્ધો, ધિક્કાર, હિંસા અને લડાઈઓનો કાયમ માટે અંત લાવી દેશે. પછી ક્યારેય કોઈને શરણાર્થી નહિ બનવું પડે. એ સમય સુધી, ૧ કોરીંથી ૧૨:૧૪-૨૬માં આપેલી પ્રેષિત પાઊલની સલાહને અનુસરીને યહોવાહના સાક્ષીઓ એકબીજાની કાળજી લેવાનો પ્રયત્ન કરે છે. નદીઓ, સરહદો, ભાષાઓ અને અંતરોને કારણે ભલે તેઓ એકબીજાથી દૂર હોય છતાં, તેઓ એકબીજાની ચિંતા રાખે છે અને કોઈને પણ મદદની જરૂર પડે ત્યારે એ પૂરી પાડે છે.—યાકૂબ ૧:૨૨-૨૭.

[પાન ૩૦ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

આ ફ્રિ કા

મધ્ય આફ્રિકી પ્રજાસત્તાક

કૉંગોની લોકશાહી પ્રજાસત્તાક

[ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૩૦ પર ચિત્રો]

ત્રણ રાજ્યગૃહોમાં શરણાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી

[પાન ૩૧ પર ચિત્ર]

તાત્કાલિક રસોડું બનાવવામાં આવ્યું

[પાન ૩૧ પર ચિત્ર]

સંખ્યા વધતીને વધતી ગઈ

[પાન ૩૧ પર ચિત્ર]

હમણાં જ જન્મ્યું અને શરણાર્થી બની ગયું