સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાદરીઓ શું તેઓ બાઇબલ સત્ય શીખવે છે?

પાદરીઓ શું તેઓ બાઇબલ સત્ય શીખવે છે?

પાદરીઓ શું તેઓ બાઇબલ સત્ય શીખવે છે?

તમે ખ્રિસ્તી હોવ કે નહિ, પરંતુ બાઇબલના પરમેશ્વર, ઈસુ અને ખ્રિસ્તી ધર્મ વિષેની તમારી સમજણ પર તેઓની જરૂર અસર થઈ હશે. તેઓમાંના કોઈને ગોલ્ડન-મોઉથેડ તો બીજાઓને ગ્રેટ તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓને “ખ્રિસ્તના જીવનના ખાસ પ્રતિનિધિ” કહેવામાં આવતા હતા. તેઓ કોણ હતા? તેઓ પ્રાચીન સમયના ધાર્મિક વિચારકો, લેખકો, ધર્મગુરુઓ અને ફિલોસોફરો હતા. તેઓ ચર્ચના પાદરીઓ કે ફાધરો હતા જેઓના શિક્ષણની આજના “ખ્રિસ્તીઓ”ના વિચારો પર ઘણી અસર પડી છે.

ધર્મનો અભ્યાસ કરનાર ગ્રીક ઑર્થોડોક્સના પ્રાધ્યાપક, દીમેનત્રીઅસ જે. કોન્સ્ટાન્ટીલોસ દાવો કરે છે કે “બાઇબલ જ ફક્ત પરમેશ્વરનો શબ્દ નથી. પવિત્ર આત્મા દ્વારા લખાયેલો દેવનો શબ્દ ફક્ત એક જ પુસ્તકમાં સમાયેલો નથી.” તો પછી, પરમેશ્વર બીજી કઈ રીતે સત્ય પ્રગટ કરે છે? કોન્સ્ટાન્ટીલોસ પોતાના અન્ડરસ્ટેડીંગ ધ ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ પુસ્તકમાં દાવો કરે છે કે “પવિત્ર સંપ્રદાયો અને બાઇબલને એક સિક્કાની [જાણે] બે બાજુઓ તરીકે જોવામાં આવે છે.”

એ ‘પવિત્ર પરંપરાઓમાં’ ચર્ચના પાદરીઓના શિક્ષણ અને લખાણોનો પણ સમાવેશ થાય છે. તેઓ પ્રખ્યાત ધર્મગુરુઓ અને “ખ્રિસ્તી” ફિલોસોફરો હતા કે જેઓ બીજી અને પાંચમી સદીમાં જીવતા હતા. તેઓની આજના ‘ખ્રિસ્તીઓ’ પર કેવી અસર પડી છે? શું તેઓ પોતાના શિક્ષણમાં બાઇબલને વળગી રહ્યા હતા? ઈસુ ખ્રિસ્તના શિષ્યો માટે સત્યનો મુખ્ય પાયો શું હોવો જોઈએ?

ઐતિહાસિક માહિતી

બીજી સદી સી.ઈ.ની મધ્યમાં, કહેવાતા ખ્રિસ્તીઓ રોમન સતાવનારાઓ અને ધર્મત્યાગીઓ સાથે પોતાના વિશ્વાસનો બચાવ કરી રહ્યાં હતા. તેમ છતાં, એ સદીમાં બીજા ઘણા ધર્મગુરુઓના મંતવ્યોનો પાર ન હતો. ઈસુ ‘દેવ’ છે કે નહિ એ સંબંધી અને પવિત્ર આત્મા કઈ રીતે કાર્ય કરે છે એના વિષે ઘણા મતભેદો થવા માંડ્યા. “ખ્રિસ્તી” માન્યતાઓ વિષેના તીવ્ર મતભેદો રાજકારણ અને સંસ્કૃતિમાં ઝડપથી ફેલાયા જેના કારણે સમાજમાં ધમાલ, હુલ્લડો, હિંસા, ઝઘડાઓ અને યુદ્ધો થતા હતા. ઇતિહાસકાર પાઊલ જોનસન લખે છે: “ખ્રિસ્તી ધર્મમાં [ધર્મત્યાગ] ગૂંચવણભર્યા મતભેદો અને પક્ષો પડવાનું એક વાર ચાલુ થયા પછી એ ચાલુને ચાલુ જ રહ્યું. . . . ભૂમધ્ય સમુદ્રના મધ્ય અને પૂર્વ, પ્રથમ અને બીજી સદીમાં અગણિત ધાર્મિક વિચારો ફૂલ્યાફાલ્યા હતા અને તેઓ એને ફેલાવવાનો પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યાં હતાં. . . . તોપછી, શરૂઆતથી જ, વિવિધ ખ્રિસ્તી ધર્મમાં બહુ ઓછું સરખાપણું હતું.”

એ સદીમાં, જે લેખકો અને વિચારકોને ફિલોસોફી દ્વારા “ખ્રિસ્તી” શિક્ષણ સમજાવવાનું શરૂ કરવું જરૂરી લાગ્યું તેઓ વધતા ગયા. નવો નવો “ખ્રિસ્તી” ધર્મ અપનાવેલા શિક્ષિત વિદેશીઓને ખુશ રાખવા, આ શરૂઆતના ધાર્મિક લેખકોએ ગ્રીક અને યહુદી સાહિત્ય પર આધારિત પોતાના વિચારો વ્યક્ત કર્યા. ગ્રીકમાં લખવાનું શરૂ કરનાર જસ્ટીન માર્થર (સી. ૧૦૦-૧૬૫ સી.ઈ.) સાથે, કહેવાતા ખ્રિસ્તી લેખકોએ ખ્રિસ્તી શિક્ષણમાં ગ્રીક સંસ્કૃતિની ફિલોસોફી ભેળસેળ કરીને એને વધુ ગૂંચવણભર્યું બનાવી દીધું.

એની અસર એલેક્ષાંન્ડ્રિયાના ગ્રીક લેખક ઓરીજીનના (સી. ૧૮૫-૨૫૪ સી.ઈ.માં) લખાણોમાં જોવા મળી. ઓરીજીનના ઓન ફર્સ્ટ પ્રીન્સીપલ લેખમાં પહેલી વાર “ખ્રિસ્તી” ધર્મની મુખ્ય માન્યતાઓને ક્રમબદ્ધ ગ્રીક ફિલોસોફીથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. નાઇસીયાની કાઉન્સીલ (૩૨૫ સી.ઈ.)માં “ખ્રિસ્ત” એ જ દેવ છે એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એનાથી લેખકોને વધારે ઉત્તેજન મળ્યું અને તેઓ “ખ્રિસ્તી” માન્યતા વિષે લખવા લાગ્યા. એ સદી દરમિયાન સામાન્ય ચર્ચના કાઉન્સીલ ઇચ્છતા હતા કે માન્યતાઓને વધારે સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે.

લેખકો અને પ્રચારકો

નાઇસીયાની કાઉન્સીલમાં પ્રથમ વાર લખનાર કાઈસારીયાના યુસીબીયસ પોતે સમ્રાટ કોન્સ્ટન્ટાઈન સાથે જોડાયેલા હતા. નાઈસીયાના ધર્મગુરુઓએ મોટા ભાગે જે કંઈ ગ્રીકમાં લખ્યું હતું તેના કંઈક ૧૦૦ કરતાં વધારે વર્ષ પછી, લાંબી અને ગરમાગરમ ચર્ચાઓ થઈ હતી. તેથી ખ્રિસ્તીરાષ્ટ્રએ ત્રૈક્યનું શિક્ષણ અપનાવ્યું. તેઓમાં આગેવાની લેનાર ઍથેન્સ્યુસ હતો. તે એલેક્ષાંન્ડ્રિયાનો ક્રૂર બિશપ હતો અને તેની સાથે કાયાદોકીઆ, એશિયા માઇનોરનો બેસિલ ધ ગ્રેટ અને તેનો ભાઈ ગ્રેગરી એ નાઈસી એમ બીજા ત્રણ ચર્ચના આગેવાનો તેને સાથ આપતા હતા.

એ સમયના લેખકો અને પ્રચારકો કુશળ બની ગયા હતા. નાઝીઆન્ઝસના ગ્રેગરી અને જોન ક્રાયસોસ્ટોન (અર્થ “ગોલ્ડન-મોઉથેડ”) ગ્રીસ તેમ જ મિલનના એમ્બ્રોસ અને હિપ્પોના ઑગસ્ટીન લૅટિનમાં પ્રચાર કરવામાં પાવરધા હતા. એ સમયે તેઓ કુશળ વક્તા અને સારી વક્તૃત્વશક્તિ ધરાવતા હતા જે ત્યારની પ્રખ્યાત કળા હતી. તેમાં સૌથી પ્રભાવશાળી લેખક ઑગસ્ટીન હતો. એના ધાર્મિક લખાણોથી આજના ‘ખ્રિસ્તીઓના’ વિચારો પર પણ ઊંડી અસર પડી છે. એ સમયમાં જેરોમે ખાસ કરીને બાઇબલની મૂળ ભાષામાંથી લૅટિન વલગેટમાં ભાષાંતર કર્યું હતું.

તેમ છતાં, મહત્ત્વના પ્રશ્નો ઊભા થાય છે: શું પાદરીઓ કે ફાધરો બાઇબલમાં પૂરેપૂરા માનતા હતા? શું તેઓ પોતાના શિક્ષણમાં, બાઇબલને દૃઢતાપૂર્વક વળગી રહ્યા હતા? શું તેઓના લખાણો પરમેશ્વરના ચોક્સાઈભર્યા જ્ઞાન પર આધારિત હતા?

પરમેશ્વરનું કે માણસોનું શિક્ષણ?

તાજેતરમાં, પીસીદીઆના ગ્રીક ઑર્થોડોક્સ મેટ્રોપોલિટન મિથોડિઅસે ખ્રિસ્તી ધર્મનો ગ્રીક પાયો (અંગ્રેજી) પુસ્તકમાં લખ્યું કે કઈ રીતે આધુનિક સમયના “ખ્રિસ્તીઓ” પર ગ્રીક સંસ્કૃતિ અને ફિલોસોફીની અસર પડી. એ પુસ્તકમાં, તેમણે અચકાયા વિના સ્વીકાર્યું કે, “મોટા ભાગના બધા પ્રખ્યાત પાદરીઓએ ગ્રીકના શિક્ષણને સૌથી વધારે મહત્ત્વ આપ્યું હતું અને એમાંથી તેઓ ખ્રિસ્તી સત્ય સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.”

દાખલા તરીકે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા મળીને ત્રૈક્ય બને છે એ માન્યતાનો વિચાર કરો. નાઇસીયાની કાઉન્સીલ પછી ઘણા પાદરીઓ ચુસ્ત ત્રૈક્યવાદીઓ બન્યા હતા. ત્રૈક્યનું શિક્ષણ સાબિત કરવા માટે તેઓના લખાણો અને ખુલાસાઓ ખ્રિસ્તીરાષ્ટ્ર માટે ખૂબ જ મહત્ત્વના હતા. તેમ છતાં, શું ત્રૈક્યનું શિક્ષણ બાઇબલમાં જોવા મળે છે? ના. તો પછી, પાદરીઓ એ શિક્ષણ ક્યાંથી લાવ્યા? એ ડિક્ષનરી ઑફ રીલિજીયસ નૉલેજના નોંધ્યા પ્રમાણે, ઘણાં કહે છે કે ત્રૈક્યનું શિક્ષણ “મૂર્તિપૂજક ધર્મોમાંથી લેવામાં આવ્યું અને ખ્રિસ્તી ધર્મમાં અપનાવવામાં આવ્યું છે.” વળી ધ પેગાનીઝ્મ ઈન અવર ક્રિશ્ચીયાનીટી કહે છે: “[ત્રૈક્ય]નું મૂળ સંપૂર્ણપણે મૂર્તિપૂજક ધર્મમાંથી આવે છે.” *યોહાન ૩:૧૬; ૧૪:૨૮.

અથવા તો અમર જીવ વિષેના શિક્ષણનો વિચાર કરો, જેમાં શીખવવામાં આવે છે કે મરણ પામ્યા પછી માણસમાં કંઈક જીવતું રહે છે. મરણ પછી જીવ અમર રહે છે એ વિષેનું શિક્ષણ પાદરીઓ ધર્મમાં લાવ્યા હતા. બાઇબલ સ્પષ્ટપણે બતાવે છે કે જીવ મરે છે: “જે જીવ પાપ કરશે તે માર્યો જશે.” (હઝકીએલ ૧૮:૪) તો પછી, ચર્ચના પાદરીઓ અમર જીવનું શિક્ષણ ક્યાંથી લાવ્યા? ન્યૂ કૅથલિક એન્સાઈક્લોપેડિયા કહે છે, “પરમેશ્વરે માનવીને જીવંત બનાવવા માટે તેના શરીરમાં આત્મિક જીવ મૂક્યો એવું ખ્રિસ્તીઓ માને છે અને એ તો લાંબા સમયથી ખ્રિસ્તી ફિલોસોફીનો એક ભાગ બની ગયું છે. પૂર્વના ઓરીજીન અને પશ્ચિમના સંત ઑગસ્ટીન મળીને સહમત થયા કે આત્મિક જીવ જેવું કંઈક છે અને ત્યાર પછી એ ફિલોસોફીમાં વૃદ્ધિ થતી ગઈ. . . . [ઑગસ્ટીનના શિક્ષણ] . . . (જેમાં કેટલીક ભૂલોનો પણ સમાવેશ છે) નીઓપ્લેટોનિઝમની પર આધારિત હતું. અને પ્રેસ્બીટેરીયન લાઈફ મેગેઝિન કહે છે: “અમર જીવનું શિક્ષણ ગ્રીક માન્યતામાંથી આવ્યું છે, અને એની શરૂઆત એ કોઈ પ્રાચીન પંથમાંથી થઈ છે. પછી ગ્રીક ફિલોસોફર પ્લેટોએ એમાં ઉમેરો કર્યો.” *

ખ્રિસ્તી સત્ય માટેનો નક્કર પાયો

ચર્ચના પાદરી કે ફાધરોના શિક્ષણ વિષેની ટૂંકમાં ઐતિહાસિક માહિતી તપાસ્યા પછી, એ પૂછવું યોગ્ય છે કે, શું સાચા ખ્રિસ્તીઓની માન્યતા પાદરીના શિક્ષણ પર આધારિત હોવી જોઈએ? ચાલો એનો જવાબ બાઇબલમાંથી તપાસીએ.

ઈસુ ખ્રિસ્તે પોતે “ફાધર” કે “પાદરી” જેવાં ધાર્મિક ખિતાબોનો ઉપયોગ કર્યો ન હતો. તેમણે કહ્યું: “પૃથ્વી પર તમે કોઈને તમારો બાપ ન કહો, કેમકે એક જે આકાશમાં છે, તે તમારો બાપ છે.” (માત્થી ૨૩:૯) અહીં કોઈ પણ ધર્મમાં ઉપયોગમાં લેવામાં આવતા “પિતા” કે “ફાધર” જેવા ખિતાબો ખ્રિસ્તીઓ વાપરતા નથી. કેમ કે એ બાઇબલ આધારિત નથી. પ્રેષિત યોહાને પરમેશ્વરનો છેલ્લો સંદેશો લગભગ ૯૮ સી.ઈ.માં બાઇબલના છેલ્લા પુસ્તકમાં લખ્યો હતો. આમ, સાચા ખ્રિસ્તીઓએ પ્રેરિત પ્રકટીકરણ માટે કોઈ પણ માનવીઓ પર આધાર રાખવાની જરૂર નથી. માનવ સંપ્રદાયના કારણે તેઓ “દેવની આજ્ઞા રદ” ન કરે માટે કાળજી રાખવી જોઈએ. પરમેશ્વરના શબ્દના બદલે માનવ સંપ્રદાયોને પ્રથમ સ્થાન આપવું આત્મિક રીતે જોખમકારક છે. ઈસુએ ચેતવણી આપી: “જો આંધળો આંધળાને દોરે તો બન્‍ને ખાડામાં પડશે.”—માત્થી ૧૫:૬, ૧૪.

શું ખ્રિસ્તીઓને બાઇબલમાં આપવામાં આવેલા શિક્ષણ સિવાય બીજા કશાની જરૂર છે? ના. બાઇબલમાં ઉમેરો કરવામાં ન આવે એ માટે પ્રકટીકરણના પુસ્તકમાં ચેતવણી આપવામાં આવી છે: “જો કોઇ તેઓમાં વધારો કરશે તો તેના પર દેવ આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે.”—પ્રકટીકરણ ૨૨:૧૮.

સાચા ખ્રિસ્તીઓ બાઇબલમાં મળી આવતા પરમેશ્વરના સત્ય પર આધાર રાખે છે. (યોહાન ૧૭:૧૭; ૨ તીમોથી ૩:૧૬; ૨ યોહાન ૧-૪) એની સાચી સમજણ કોઈ દુન્યવી ફિલોસોફી પર આધારિત નથી. પરમેશ્વરના વચનને સમજાવવા માટે માનવીય ડહાપણનો ઉપયોગ કરનારાઓ વિષે, પ્રેષિત પાઊલે જે પ્રશ્ન પૂછ્યો એનો વિચાર કરીએ. તેમણે લખ્યું: “જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું દેવે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?”—૧ કોરીંથી ૧:૨૦.

વધુમાં, સાચું ખ્રિસ્તી મંડળ “સત્યનો સ્તંભ તથા પાયો છે.” (૧ તીમોથી ૩:૧૫) મંડળના નિરીક્ષકો મંડળના શિક્ષણમાં એની શુદ્ધતા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેમ જ એના શિક્ષણમાં ભેળસેળ થતા અટકાવે છે. (૨ તીમોથી ૨:૧૫-૧૮, ૨૫) તેઓ મંડળમાંથી ‘ખોટા પ્રબોધકો, ખોટા ઉપદેશકો અને નાશકારક પાખંડી મતોને’ દૂર રાખે છે. (૨ પીતર ૨:૧) પ્રેષિતોના મરણ પછી, ફાધરો કે પાદરીઓ ખ્રિસ્તી મંડળોમાં ‘ભુલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપી’ રહ્યા હતા.—૧ તીમોથી ૪:૧.

આ ધર્મત્યાગીની અસર આજે ખ્રિસ્તી રાષ્ટ્રોમાં જોવા મળે છે. એની માન્યતાઓ અને આચરણો બાઇબલ સત્ય કરતાં ઘણાં ભિન્‍ન છે.

[ફુટનોટ્‌સ]

^ ત્રૈક્યના શિક્ષણ વિષે વધારે માહિતી તમે યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ? મોટી પુસ્તિકામાંથી મેળવી શકો.

^ જીવ વિષેના બાઇબલના શિક્ષણની વધુ માહિતી માટે, યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત રીઝનીંગ ફ્રોમ ધ સ્ક્રિપ્ચર્સના પાન ૯૮-૧૦૪ અને ૩૭૫-૮૦ પર જુઓ.

[પાન ૧૮ પર બોક્સ/ચિત્ર]

કાપદોશીઆન પાદરીઓ

કાલીસ્ટોસ નામના એક લેખક અને સંત આમ કહે છે કે, ‘ઑર્થોડોક્સ ચર્ચને ચોથી સદીના લેખકો માટે ખાસ માન છે, ખાસ કરીને ‘ધ ગ્રેટ હિરાર્ચસ,’ ગ્રેગરી ઑફ નાઝીઅનસ, બાસિલ ધ ગ્રેટ અને જોન ક્રિસોસ્ટમ.’ શું આ પાદરીઓનું શિક્ષણ બાઇબલ આધારિત હતું? બાસિલ ધ ગ્રેટ વિષે ધ ફાધર્સ ઑફ ધ ગ્રીક ચર્ચ પુસ્તક બતાવે છે: “તેમના લખાણોથી જોવા મળે છે કે તેમને પ્લેટો, હોમેર, ઇતિહાસકારો અને રીટોર સાથે વધારે લાગવગ હતી, આથી તેમના લખાણ પર તેઓની અસર જોવા મળે છે. . . . બાસિલ ‘ગ્રીક’ જ રહ્યાં.” તેમ જ જ્યોર્જિયા ઑફ નાઝીઅનસ પણ એવું જ હતું. “તેમની દૃષ્ટિએ ચર્ચની સફળતા અને ચઢિયાતાપણું રાખવા માટે ઉચ્ચ કોટિની સંસ્કૃતિને પૂરેપૂરી રીતે અપનાવવી જોઈએ.”

આ ત્રણેય સંબંધી, પ્રાધ્યાપક પાનાગીઓસ્ટીક કે. ક્રિસ્ટૉ લખે છે: “એક તરફ તેઓ અમુક વખતે ન્યૂ ટેસ્ટામેન્ટની આજ્ઞાઓના સુમેળમાં ‘ફિલસુફીના ખાલી આડંબર’ [કોલોસી ૨:૮] વિરુદ્ધ ચેતવણી આપતા હતા અને બીજી તરફ તેઓ પોતે બીજાઓને ફિલોસોફીનો ઊંડો અભ્યાસ કરવાનું ઉત્તેજન આપતા હતા.” દેખીતી રીતે જ, આવા ચર્ચના શિક્ષકોએ વિચાર્યું કે બાઇબલ તેઓના વિચારોને પૂરતો ટેકો આપતું નથી. શું તેઓના શિક્ષણને ટેકા માટે બાઇબલ સિવાય બીજા કશાની જરૂર હોય શકે? પ્રેષિત પાઊલે હેબ્રી મંડળના ખ્રિસ્તીઓને ચેતવણી આપી: “તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઓ નહિ.”—હેબ્રી ૧૩:૯.

[ક્રેડીટ લાઈન]

© Archivo Iconografico, S.A./CORBIS

[પાન ૨૦ પર બોક્સ/ચિત્ર]

એલેક્ષાંડ્રિયાનો સીરિલ એક વિવાદાસ્પદ પાદરી

પાદરીઓમાં એક સૌથી અપ્રિય વ્યક્તિ એલેક્ષાંડ્રિયાનો સીરિલ હતો (સી. ૩૭૫-૪૪૪ સી.ઈ.). ચર્ચ ઇતિહાસકાર હાન્સ વોન કામપ્રેનહુસેન તેનું વર્ણન કરતા કહે છે: તે “જીદ્દી, ક્રૂર અને લુચ્ચો હતો.” વધુમાં તે ઉમેરે છે કે “પોતાની સત્તા અને હોદ્દા માટે ઉપયોગી ન હોય એવી કોઈ પણ બાબતને તે કદી પણ સાચી ગણતો ન હતો . . . તેને ક્યારેય પોતાની ક્રૂરતા અને અપ્રામાણિક પદ્ધતિ વિષે પસ્તાવો થયો ન હતો.” તે એલેક્ષાંડ્રિયાનો બિશપ હતો ત્યારે, તેણે કોન્સ્ટેનટિનોપલના બિશપને હોદ્દા પરથી ઊતારી મૂકવા માટે લાંચ આપી અને કપટી ચાલ રમી. પ્રખ્યાત ફિલોસોફર હાયપાટીને ૪૧૫ સી.ઈ.માં ક્રૂર રીતે મારી નાખવા માટે પણ તેને જવાબદાર ગણવામાં આવ્યો. સીરિલના ધાર્મિક લખાણો વિષે કામપ્રેનહુસેન કહે છે: “ધર્મની માન્યતાઓ વિષે પ્રશ્નો ઊભા થતા ત્યારે, તે બાઇબલ આધારિત જવાબ આપવાના બદલે અમુક સત્તાધારીઓના લખાણો પરથી જવાબ આપતો હતો.”

[પાન ૧૯ પર ચિત્ર]

જેરોમ

[પાન ૧૯ પર ચિત્ર]

Garo Nalbandian