સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહનાં અદ્‍ભુત કાર્યો પર ધ્યાન આપો

યહોવાહનાં અદ્‍ભુત કાર્યો પર ધ્યાન આપો

યહોવાહનાં અદ્‍ભુત કાર્યો પર ધ્યાન આપો

“હે યહોવાહ મારા દેવ, તારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તારા વિચારો એટલાં બધાં છે, કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ.”—ગીતશાસ્ત્ર ૪૦:૫.

૧, ૨. પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યોના કયા પુરાવાઓ છે અને એનાથી આપણે શું કરવા પ્રેરાઈએ છીએ?

 તમે બાઇબલ વાંચશો તેમ જોવા મળશે કે અગાઉ યહોવાહ પરમેશ્વરે પોતાના ઈસ્રાએલી લોકો માટે અદ્‍ભુત કાર્યો કર્યા હતા. (યહોશુઆ ૩:૫; ગીતશાસ્ત્ર ૧૦૬:૭, ૨૧, ૨૨) આજે યહોવાહ માનવીઓની બાબતમાં પહેલાની જેમ ફેરફારો કરતા નથી, છતાં આપણી ફરતે આપણે તેમનાં અદ્‍ભુત કાર્યો જોઈ શકીએ છીએ. તેથી આપણે પણ ગીતશાસ્ત્રના લેખકની જેમ કહી શકીએ છીએ: “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪; ૧૪૮:૧-૫.

કેટલાક લોકો સૃષ્ટિકર્તાનાં કાર્યોને ધ્યાન આપતા નથી અને એનો નકાર કરે છે. (રૂમી ૧:૨૦) પરંતુ આપણે પરમેશ્વરનાં કાર્યો પર ધ્યાન આપીએ અને તેમની આગળ આપણું સ્થાન ક્યાં છે એ પારખીએ, એ ખૂબ જરૂરી છે. એ માટે અયૂબના ૩૮થી ૪૧ અધ્યાયોમાં આપણને સૌથી સારી મદદ મળે છે, કેમ કે એમાં યહોવાહે પોતાના કેટલાક અદ્‍ભુત કાર્યો પર વિચાર કરવા માટે અયૂબનું ધ્યાન દોર્યું હતું. ચાલો આપણે પરમેશ્વરે ઊભા કરેલા અમુક મહત્ત્વના પ્રશ્નોનો વિચાર કરીએ.

શક્તિશાળી અને અદ્‍ભુત કાર્યો

૩. અયૂબ ૩૮:૨૨, ૨૩, ૨૫-૨૯માં પરમેશ્વરે કયા પ્રશ્નો પૂછ્યા?

પરમેશ્વરે અયૂબને પૂછ્યું: “શું તું બરફના ભંડારોમાં પેઠો છે? અથવા કરાંના ભંડારો શું તેં જોયા છે? તેમને મેં સંકટના દિવસોને માટે અને યુદ્ધ તથા સંગ્રામના દિવસને માટે ભરી મૂક્યા છે.” આપણી પૃથ્વીના ઘણા ભાગોમાં બરફ અને કરા સામાન્ય છે. પરમેશ્વર આગળ કહે છે: “પાણીની રેલને સારૂ કોણે નાળાં ખોદ્યાં છે, અથવા ગર્જનાની વીજળીને માટે માર્ગ કોણે બનાવ્યો છે; કે જેથી જ્યાં કોઈ માણસ વસતું નથી ત્યાં, અથવા જ્યાં કોઈ માણસ નથી એવા અરણ્યમાં તે તેને વરસાવે; જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય; અને કુમળું ઘાસ ઊગી નીકળે? શું વરસાદને પિતા છે? ઝાકળનાં ટીપાંને કોણે જન્મ આપ્યો છે? હિમ કોના ગર્ભસ્થાનમાંથી નીકળ્યું? અને આકાશનું ધોળું ઠરી ગયેલું ઝાકળ કોણે પેદા કર્યું છે?”—અયૂબ ૩૮:૨૨, ૨૩, ૨૫-૨૯.

૪-૬. કયા અર્થમાં બરફ વિષે માણસોનું જ્ઞાન અધૂરું છે?

કેટલાક લોકો ભાગદોડવાળું જીવન જીવતા હોવાથી, બરફ પડે તો તેઓને મુશ્કેલી પડે છે. તોપણ, એવા ઘણા લોકો છે જેઓ બરફ પડતા જુએ છે ત્યારે ખુશ થઈ જાય છે, કેમ કે એનાથી ખાસ પ્રવૃત્તિઓ માટેની તકો ઊભી થાય છે. તો પછી, પરમેશ્વરે પૂછેલા પ્રશ્ન પ્રમાણે શું તમને બરફ વિષેનું જ્ઞાન છે? અથવા શું તમને ખબર છે કે એ કેવો દેખાય છે? હા, આપણે કદાચ ફોટામાં અથવા બરફીલા વિસ્તારમાં રહેતા હોવાથી એ જોયો હશે. પરંતુ બરફના અલગ અલગ કણો વિષે શું? શું તમને ખબર છે કે એ કેવા દેખાય છે તથા શું તમે ક્યારેય એને નજીકથી જોયા છે?

કેટલાકે બરફના કણોનો અભ્યાસ કરવામાં અને એના ફોટા ખેંચવામાં કેટલાય વર્ષો પસાર કર્યા છે. બરફનો એક કણ લગભગ સો જેટલા નાના કણોથી બનેલો છે, જે ઘણા અલગ અલગ સુંદર આકાર ધરાવે છે. વાતાવરણ (અંગ્રેજી) નામનું પુસ્તક કહે છે: “બરફના કણોમાં અદ્‍ભુત વિવિધતા હોય છે અને એ વિષે આજ સુધી કોઈ પણ ચોક્કસ કંઈ કહી શક્યું નથી. વૈજ્ઞાનિકો કહે છે કે બરફના કણો એક જેવા ન હોય એવો કોઈ નિયમ નથી, પરંતુ આજ સુધી તેઓએ એકસરખા બરફના કણો જોયા નથી. એ વિષે . . . વિલ્સન એ. બેન્ટલીએ ૪૦ વર્ષો સુધી કણોનો અભ્યાસ કર્યો અને માઈક્રોસ્કોપથી એના ફોટા લીધા. પરંતુ તેમને એક પણ વખત એકસરખા કણ જોવા મળ્યા નહિ.” પરંતુ જો બે એકસરખા કણ મળી જાય તોપણ, બરફના બીજા બધા કણોની વિવિધતા શું ઓછી થઈ જાય છે?

પરમેશ્વરે પૂછેલા પ્રશ્નને ફરીથી યાદ કરો: “શું તું બરફના ભંડારોમાં પેઠો છે?” ઘણા લોકો વિચારે છે કે વાદળો બરફનો ભંડાર છે. તો પછી, શું તમે બરફના ભંડારમાં જઈને બરફના કણોને ગણી અને એ કઈ રીતે બને છે એનો અભ્યાસ કરવાની કલ્પના કરી શકો? એક વિજ્ઞાનકોષ કહે છે: “બરફના કણો બનવા માટે -૪૦° ફેરનહાઈટ (-૪૦° સેલ્સિયસ) ઉષ્ણતામાન જોઈએ. પરંતુ એ કઈ રીતે બને છે અને ક્યાંથી આવે છે એ વિષે આજ સુધી કોઈ સમજ્યું નથી.”—ગીતશાસ્ત્ર ૧૪૭:૧૬, ૧૭; યશાયાહ ૫૫:૯, ૧૦.

૭. વરસાદ વિષે માણસોને કેટલું જ્ઞાન છે?

વરસાદ વિષે શું? પરમેશ્વરે અયૂબને પૂછ્યું: “શું વરસાદને પિતા છે? ઝાકળનાં ટીપાંને કોણે જન્મ આપ્યો છે?” એ જ વિજ્ઞાનકોષ કહે છે: “ગૂંચવણભર્યું વાતાવરણ અને હવાના કણ તથા ઝાકળમાં ભિન્‍નતા છે. તેથી વાદળો કઈ રીતે બંધાય છે તથા વરસાદ કઈ રીતે પડે છે એની વિગતવાર માહિતી આપવી અશક્ય છે.” સાદા શબ્દોમાં કહીએ તો, વૈજ્ઞાનિકોએ માહિતી તો આપી છે, પરંતુ ખરેખર તેઓ પણ વરસાદ વિષે પૂરેપૂરું સમજાવી શકતા નથી. તોપણ, આપણે જાણીએ છીએ કે વરસાદ પડે છે, જમીનને પાણી મળે છે અને ઝાડ-પાનને પોષણ મળે છે. તેથી જીવન આનંદી અને શક્ય બને છે.

૮. પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭માંના પાઊલના શબ્દો શા માટે યોગ્ય છે?

પ્રેષિત પાઊલ સાથે શું તમે સહમત નથી થતા? તેમણે લોકોને અદ્‍ભુત કાર્યો જોવા અને એની પાછળ કોણ છે એ જાણવા કહ્યું. પાઊલે યહોવાહ વિષે કહ્યું: “તો પણ કલ્યાણ કરતાં, અને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપતાં, અને અન્‍નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરતાં તે પોતાને વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭; ગીતશાસ્ત્ર ૧૪૭:૮.

૯. પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો કઈ રીતે તેમની મહાન શક્તિ બતાવે છે?

નિઃશંક, અદ્‍ભુત અને લાભદાયી કાર્યો કરનાર પરમેશ્વર પાસે પુષ્કળ ડહાપણ અને અમાપ શક્તિ છે. તેમની શક્તિ સંબંધી આનો વિચાર કરો: કહેવામાં આવે છે કે દરરોજ ૪૫,૦૦૦ અને વર્ષમાં ૧.૬ કરોડથી પણ વધારે ગર્જના સાથે વાવાઝોડાં થાય છે. એટલે કે અત્યારે લગભગ ૨૦૦૦ ગર્જના સાથે વાવાઝોડાં થઈ રહ્યા છે. એક ગર્જના સાથેના વાવાઝોડાંની ક્ષમતા બીજા વિશ્વયુદ્ધમાં ફેંકવામાં આવેલા દસથી પણ વધારે અણુબોમ્બ જેટલી છે. એમાંની કેટલીક શક્તિ તમે વીજળીના રૂપમાં જોઈ શકો. વીજળીથી ભય લાગી શકે, પરંતુ એ નાઈટ્રોજન ઉત્પન્‍ન કરીને મદદ કરે છે, જે જમીનની અંદર જાય છે અને વનસ્પતિને કુદરતી ખાતર મળે છે. આમ, વીજળી શક્તિનું પ્રદર્શન કરે છે, પરંતુ એનાથી લાભ પણ થાય છે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫.

એની તમારા પર શું અસર થાય છે?

૧૦. અયૂબ ૩૮:૩૩-૩૮માંના પ્રશ્નોનો તમે કેવો જવાબ આપશો?

૧૦ માનો કે અયૂબની જગ્યાએ તમે છો અને સર્વશક્તિમાન પરમેશ્વર તમને પ્રશ્નો પૂછે છે. તમે સહમત થશો કે મોટા ભાગના લોકો પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો પર ખૂબ ઓછું ધ્યાન આપે છે. યહોવાહ આપણને એ પ્રશ્નો પૂછે છે જે અયૂબ ૩૮:૩૩-૩૮માં લખવામાં આવ્યા છે: “શું તું આકાશના નિયમો જાણે છે? શું તું તેની સત્તા પૃથ્વીમાં સ્થાપી શકે છે? શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે, જેથી તું પુષ્કળ વરસાદ લાવી શકે? શું તું વીજળીઓને એવી રીતે ચમકાવી શકે, કે તેઓ જઈને તને કહે, કે અમે અહીં છીએ? વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે? અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે? વાદળોની ગણતરી કરવાને કોની અક્કલ પહોંચી શકે? અથવા આકાશની મશકો કોણ રેડી શકે, કે જેથી ધૂળ ભીંજાઇને લોંદો થઈ જાય છે, અને ઢેફાં એકબીજા સાથે સજડ ચોંટી જાય છે?”

૧૧, ૧૨. ફક્ત પરમેશ્વર જ અદ્‍ભુત કાર્યો કરનાર છે એનો શું પુરાવો છે?

૧૧ આપણે અલીહૂએ અયૂબને પૂછેલા થોડા પ્રશ્નો જોયા. આપણે બીજા અમુક પ્રશ્નો પણ જોયા જેના “મરદની પેઠે” જવાબ આપવાનું યહોવાહે અયૂબને કહ્યું હતું. (અયૂબ ૩૮:૩) આપણે “અમુક” પ્રશ્નો કહીએ છીએ, કેમ કે અધ્યાય ૩૮ અને ૩૯માં પરમેશ્વરે સૃષ્ટિના બીજા વિષયો વિષે પણ વાત કરી હતી. દાખલા તરીકે, આકાશનું તારામંડળ. એના નિયમો કોણ જાણે છે? (અયૂબ ૩૮:૩૧-૩૩) પછીથી યહોવાહે અયૂબનું ધ્યાન અમુક પ્રાણીઓ પ્રત્યે ખેંચ્યું. જેમ કે સિંહ અને કાગડો, પહાડી બકરી અને રાની ગધેડો, જંગલી ગોધો અને શાહમૃગ, ઘોડો અને ગરુડ. ખાસ કરીને યહોવાહે અયૂબને પૂછ્યું કે, શું તેમણે આ પ્રાણીઓની ખાસિયત તથા જીવન પર ધ્યાન આપ્યું છે? તમને ઘોડા અથવા બીજા પ્રાણીઓ ગમતા હોય તો, આ અધ્યાયોનો અભ્યાસ કરવામાં તમને ખૂબ મઝા આવશે.—ગીતશાસ્ત્ર ૫૦:૧૦, ૧૧.

૧૨ તમે અયૂબનો ૪૦ અને ૪૧મો અધ્યાય પણ તપાસી શકો. ત્યાં યહોવાહે ફરીથી અયૂબને બે પ્રાણીઓ વિષે પ્રશ્નો પૂછ્યા. આ બંને પ્રાણીઓને આપણે હિપોપોટેમસ અને મગરના નામથી ઓળખીએ છીએ. હિપોપોટેમસનું શરીર વિશાળ અને મજબૂત છે તથા મગર ખૂબ જ બિહામણો છે. આ બંને પ્રાણીઓ અદ્‍ભુત સર્જન છે જે આપણું ધ્યાન ખેંચે છે. હવે આપણે જોઈએ કે એની આપણા પર શું અસર થવી જોઈએ.

૧૩. પરમેશ્વરે પૂછેલા પ્રશ્નોથી અયૂબ પર કેવી અસર પડી અને આપણા પર કેવી અસર પડવી જોઈએ?

૧૩ અયૂબનો ૪૨મો અધ્યાય બતાવે છે કે પરમેશ્વરે પૂછેલા પ્રશ્નોની અયૂબ પર કેવી અસર પડી. અગાઉ અયૂબ પોતાના અને બીજાઓના કહેવા પર વધારે ધ્યાન આપતા હતા. પરંતુ પરમેશ્વરે પૂછેલા પ્રશ્નોથી તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે પોતાના વિચારો બદલ્યા. તેમણે કબૂલ્યું: “હું જાણું છું કે તું [યહોવાહ] સઘળું કરી શકે છે, અને તારા કોઇ મનસૂબાને અટકાવી શકાય નહિ, અજ્ઞાનપણાથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે? તે તેં કહ્યું તે ખરૂં કહ્યું. તેથી હું સમજતો નહોતો તે બોલ્યો છું, તે બાબતો એવી અદ્‍ભુત છે, કે હું તે સમજી શક્યો નહિ.” (અયૂબ ૪૨:૨, ૩) હા, પરમેશ્વરનાં કાર્યોને ધ્યાન આપ્યા પછી અયૂબે કહ્યું કે એ તેમના માટે બહુ અદ્‍ભુત હતાં. એવી જ રીતે અદ્‍ભુત કાર્યો પર ધ્યાન આપીને આપણે પણ પરમેશ્વરના ડહાપણ અને શક્તિથી પ્રભાવિત થવું જોઈએ. પછી કયો નિર્ણય કરવો જોઈએ? શું આપણે યહોવાહના ડહાપણ અને શક્તિથી ફક્ત પ્રભાવિત જ થવું જોઈએ કે પછી કંઈક કરવા પ્રેરાવું જોઈએ?

૧૪. પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યોની દાઊદ પર કેવી અસર પડી?

૧૪ ગીતશાસ્ત્રના અધ્યાય ૮૬માં આપણને દાઊદની એવી જ લાગણી જોવા મળે છે. તેમણે લખ્યું: “આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દહાડો દહાડાને તેના વિષે કહે છે, અને રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૧, ૨) જોકે, દાઊદે એથી વધારે કહ્યું, જે આપણે ગીતશાસ્ત્ર ૮૬:૧૦, ૧૧માં વાંચીએ છીએ: “કેમકે તું મોટો છે ને આશ્ચર્યકારક કૃત્યો કરે છે; તું એકલો જ દેવ છે. હે યહોવાહ, મને તારો માર્ગ શીખવ; હું તારે સત્ય માર્ગે ચાલીશ; તારા નામનું ભય રાખવાને મારા હૃદયને એકાગ્ર કર.” સૃષ્ટિકર્તાનાં અદ્‍ભુત કાર્યોથી પ્રભાવિત થઈને દાઊદે પરમેશ્વર પ્રત્યે ભય બતાવ્યો. તમે સમજી શકો કે દાઊદે શા માટે દૈવી ભય બતાવ્યો. દાઊદ અદ્‍ભુત કાર્યો કરનાર પરમેશ્વરને નાખુશ કરવા માગતા ન હતા. ખરેખર, આપણે પણ પરમેશ્વરને નાખુશ કરવા માગતા નથી.

૧૫. પરમેશ્વર પ્રત્યે દાઊદે જે ભય બતાવ્યો એ શા માટે યોગ્ય હતો?

૧૫ દાઊદ જાણતા હતા કે પરમેશ્વર પાસે અમાપ શક્તિ છે, અને પોતાને નાખુશ કરનાર વિરુદ્ધ પરમેશ્વર એનો ઉપયોગ કરી શકે છે. એ તેઓ માટે વિનાશક હશે. પરમેશ્વરે અયૂબને પૂછ્યું: “શું તું બરફના ભંડારોમાં પેઠો છે? અથવા કરાંના ભંડારો શું તેં જોયા છે? તેમને મેં સંકટના દિવસોને માટે અને યુદ્ધ તથા સંગ્રામના દિવસને માટે ભરી મૂક્યા છે.” આમ બરફ, કરાં, ગર્જના, વાવાઝોડું, પવન અને વીજળી એ બધું ફક્ત તેમના હાથમાં છે. આ કુદરતી બળો કેવા શક્તિશાળી છે!—અયૂબ ૩૮:૨૨, ૨૩.

૧૬, ૧૭. પરમેશ્વરની શક્તિ વિષે શું જોવા મળે છે અને એવી શક્તિનો અગાઉ તેમણે કેવી રીતે ઉપયોગ કર્યો હતો?

૧૬ તમને અમુક વિનાશકારી આફતો યાદ હશે, જેમ કે હરિકેન, ટાઈફુન, વાવાઝોડું, હિમવર્ષા અને ભારે પૂર. દાખલા તરીકે, ૧૯૯૯ના અંતમાં દક્ષિણ-પશ્ચિમ યુરોપમાં ભયાનક વાવાઝોડું આવ્યું હતું. એ કારણે હવામાનના નિષ્ણાતો પણ ગૂંચવણમાં પડી ગયા હતા. વંટોળિયો કલાકના ૨૦૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયો ત્યારે, હજારો છાપરાંઓ ઊડી ગયા, વીજળીના થાંભલાઓ ઊખડી ગયા અને ટ્રકો પણ ઊંધી વળી ગઈ હતી. જરા કલ્પના કરો: એ વાવાઝોડાંને કારણે કંઈક ૨૭ કરોડ જેટલાં વૃક્ષો ઊખડી ગયા અથવા એના બે ભાગ થઈ ગયા. એમાંના ૧૦,૦૦૦ વૃક્ષો તો પૅરિસની બહાર આવેલા વર્સીલીલ બાગના હતા. વીજળી જતી રહેવાને કારણે લાખો ઘરોમાં અંધકાર છવાઈ ગયો. લગભગ ૧૦૦ જેટલા લોકો મરણ પામ્યા. આ બધું થોડા જ સમયમાં થઈ ગયું. કેવી ભયાનક શક્તિ!

૧૭ કેટલાક કહી શકે કે તોફાન તો અચાનક જ આવે છે અને એને કોઈ કાબૂમાં લાવી શકતું નથી. તેમ છતાં, અદ્‍ભુત કાર્યો કરનાર સર્વ શક્તિમાન પરમેશ્વર આવી શક્તિઓને કાબૂમાં રાખે, એને માર્ગદર્શન આપે ત્યારે શું થઈ શકે? તેમણે ઈબ્રાહિમના દિવસોમાં પણ એવું જ કર્યું હતું. ઈબ્રાહિમને ખબર પડી કે આખી પૃથ્વીના ન્યાયી પરમેશ્વરે સદોમ અને ગમોરાહની દુષ્ટતાને લીધે એનો નાશ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાંના રહેવાસીઓ એટલા તો ભ્રષ્ટ થઈ ગયા હતા કે તેઓની દુષ્ટતાનો અવાજ સ્વર્ગમાં પરમેશ્વર સુધી પહોંચ્યો. પરંતુ યહોવાહે એમાંના ન્યાયી લોકોને બચાવવાની ગોઠવણ કરી હતી. બાઇબલ કહે છે: “ત્યારે યહોવાહે સદોમ તથા ગમોરાહ પર ગંધક તથા આગ યહોવાહ પાસેથી આકાશમાંથી વરસાવ્યાં.” એ ખરેખર અદ્‍ભુત કાર્ય હતું, જેમાં ન્યાયીઓ બચી ગયા અને દુષ્ટોનો નાશ થયો.—ઉત્પત્તિ ૧૯:૨૪.

૧૮. યશાયાહનો ૨૫મો અધ્યાય કયા અદ્‍ભુત કાર્યોની વાત કરે છે?

૧૮ પછીથી, પરમેશ્વરે પ્રાચીન શહેર બાબેલોનનો ન્યાયચુકાદો જાહેર કર્યો. આ એ જ શહેર હોય શકે, જેના વિષે યશાયાહનો ૨૫મો અધ્યાય જણાવે છે. પરમેશ્વરે ભાખ્યું હતું કે એ શહેર ખંડેર થશે: “તેં નગરનો ઢગલો કરી નાખ્યો છે; તેં મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે; પરદેશીઓના રાજમહેલને તેં નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ.” (યશાયાહ ૨૫:૨) આજે પણ જેઓ બાબેલોન જોવા જાય છે તેઓ એનો પુરાવો જુએ છે. પરંતુ શું બાબેલોનનો વિનાશ એક અકસ્માત હતો? ના, પણ આપણે યશાયાહની આ વાત સ્વીકારી શકીએ: “હે યહોવાહ, તું મારો દેવ છે; હું તને મોટો માનીશ, હું તારા નામની સ્તુતિ કરીશ; કેમકે તેં અદ્‍ભુત કાર્યો કર્યાં છે, તેં વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડ્યા છે.”—યશાયાહ ૨૫:૧.

ભવિષ્યમાં અદ્‍ભુત કાર્યો

૧૯, ૨૦. યશાયાહ ૨૫:૬-૮ની કઈ ભવિષ્યવાણી પૂરી થવાની આપણે આશા રાખી શકીએ?

૧૯ પરમેશ્વરે ભૂતકાળમાં પણ ભવિષ્યવાણી પરિપૂર્ણ કરી હતી અને ભવિષ્યમાં પણ કરશે. એ જોતાં, યશાયાહના પુસ્તકમાં, પરમેશ્વર ‘અદ્‍ભુત કાર્યો’ કરશે એવી ભરોસાપાત્ર ભવિષ્યવાણી કરવામાં આવી છે અને એ પણ બાબેલોનના ન્યાયચૂકાદાની જેમ જરૂર પરિપૂર્ણ થશે. પરમેશ્વરે કયા અદ્‍ભુત કાર્યોનું વચન આપ્યું છે? યશાયાહ ૨૫:૬ કહે છે: “વળી સૈન્યોનો દેવ યહોવાહ સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્‍નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્‍નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.”

૨૦ આપણે ખાતરી રાખી શકીએ કે એ ભવિષ્યવાણી પરમેશ્વરની નવી દુનિયામાં જરૂર પરિપૂર્ણ થશે. એ સમયે લોકોને એ બધા જ દુઃખોથી રાહત મળશે, જેનો આજે તેઓ સામનો કરી રહ્યાં છે. યશાયાહ ૨૫:૭, ૮માં યહોવાહ ખાતરી આપે છે કે તે પોતાની શક્તિનો ઉપયોગ અગાઉની જેમ, અદ્‍ભુત કાર્યો કરવા કરશે: “તેણે સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવાહ સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકનું મહેણું દૂર કરશે: કેમકે યહોવાહનું વચન એવું છે.” પ્રેષિત પાઊલે પણ એ વાત કહી કે પરમેશ્વર મૂએલાને સજીવન કરશે. એ કેવું અદ્‍ભુત કાર્ય હશે!—૧ કોરીંથી ૧૫:૫૧-૫૪.

૨૧. મૂએલાઓ માટે પરમેશ્વર કયા અદ્‍ભુત કાર્યો કરશે?

૨૧ એ સમયે આપણી આંખમાં આંસુ કે દુઃખ નહિ હોય, કેમ કે દરેક પ્રકારની બીમારી દૂર કરવામાં આવી હશે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે આંધળાની આંખો ખોલી, બહેરાને સાંભળતા કર્યા અને અપંગોને સાજા કર્યા હતા. વળી, યોહાન ૫:૫-૯ જણાવે છે કે તેમણે ૩૮ વર્ષથી લંગડા માણસને પણ સાજો કર્યો હતો. જોનારાઓને એ કેવું અદ્‍ભુત કાર્ય લાગ્યું હશે. ખરેખર એ ચમત્કાર હતો! તેમ છતાં, ઈસુએ તેઓને કહ્યું કે એનાથી પણ વધારે અદ્‍ભુત ચમત્કાર થશે, એટલે કે મૂએલા સજીવન હશે: “એથી તમે આશ્ચર્ય ન પામો; કેમકે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે; અને જેઓએ સારાં કામ કર્યાં છે, તેઓ જીવનનું ઉત્થાન પામવા સારૂ . . . નીકળી આવશે.”—યોહાન ૫:૨૮, ૨૯.

૨૨. ગરીબ અને દુઃખી લોકોને ભવિષ્યમાં શાની આશા છે?

૨૨ આમ ચોક્કસ થશે કારણ કે પરમેશ્વર યહોવાહે એનું વચન આપ્યું છે. આપણે ખાતરી રાખી શકીએ કે તે પોતાની શક્તિનો ખાસ કાર્ય માટે ઉપયોગ કરશે ત્યારે, એનું અદ્‍ભુત પરિણામ આવશે. તે પોતાના પુત્ર, ઈસુ ખ્રિસ્ત દ્વારા શું કરશે એ ગીતશાસ્ત્રનો ૭૨મો અધ્યાય બતાવે છે. એ વખતે ન્યાયીઓ વધશે અને ભરપૂર શાંતિ હશે. ગરીબ અને દુઃખી જનોને પરમેશ્વર છુટકારો અપાવશે. તે વચન આપે છે: “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની પેઠે ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની પેઠે વધશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.

૨૩. પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો આપણને શું કરવા પ્રેરે છે?

૨૩ તેથી એ દેખીતું છે કે આપણી પાસે યહોવાહનાં અદ્‍ભુત કાર્યો, જે તેમણે ભૂતકાળમાં કર્યા હતા, અત્યારે કરી રહ્યાં છે અને ભવિષ્યમાં કરવાના છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઘણા કારણો છે. “યહોવાહ દેવને, ઈસ્રાએલના દેવને, ધન્ય હોજો, એકલો તેજ આશ્ચર્યકારક કામો કરે છે; સર્વકાળ સુધી તેના ગૌરવી નામને ધન્ય હોજો; આખી પૃથ્વી તેના મહિમાથી ભરપૂર થાઓ. આમેન તથા આમેન.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૮, ૧૯) આપણા સગાસંબંધીઓ અને બીજાઓ સાથે આ સંબંધી નિયમિત વાતચીત કરવી જોઈએ. હા, ચાલો આપણે ‘વિદેશીઓમાં તેમનો મહિમા, અને સર્વ લોકોમાં તેમનો ચમત્કાર જાહેર કરીએ.’—ગીતશાસ્ત્ર ૭૮:૩, ૪; ૯૬:૩, ૪.

તમે કેવો જવાબ આપશો?

• અયૂબને પૂછેલા પ્રશ્નો કઈ રીતે ભાર મૂકે છે કે માનવીઓ પાસે મર્યાદિત જ્ઞાન છે?

• અયૂબના અધ્યાય ૩૭-૪૧માં જોવા મળતા પરમેશ્વરનાં કયા અદ્‍ભુત કાર્યો તમને સૌથી વધારે ગમે છે?

• પરમેશ્વરનાં અમુક અદ્‍ભુત કાર્યોનો વિચાર કર્યા પછી આપણે શું કરવા પ્રેરાવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્રો]

બરફના કણોની અદ્‍ભુત વિવિધતા અને વીજળીની શક્તિ વષે તમે કયા નિષ્કર્ષ પર આવ્યા છો?

[ક્રેડીટ લાઈન]

snowcrystals.net

[પાન ૧૩ પર ચિત્રો]

આપણે પરમેશ્વરના અદ્‍ભુત કાર્યો વિષે બીજાઓ સાથે નિયમિત વાતચીત કરીએ