સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વાસની કસોટીમાં અમે એકલા ન હતા

વિશ્વાસની કસોટીમાં અમે એકલા ન હતા

વિશ્વાસની કસોટીમાં અમે એકલા ન હતા

વિકી ખૂબ જ સુંદર બાળકી હતી. તે તંદુરસ્ત અને હમેશાં ખુશ રહેતી હતી. હા, ૧૯૯૩ની વસંતઋતુમાં તેનો જન્મ થયો ત્યારે, અમારો આનંદ સમાતો ન હતો. અમે સ્વીડનની દક્ષિણે એક નાના શહેરમાં રહેતા હતા. અમારું જીવન બહુ સુખી હતું.

તેમ છતાં, અમારો એ આનંદ લાંબો ટક્યો નહિ. વિકી દોઢ વર્ષની થઈ ત્યારે અચાનક બીમાર રહેવા લાગી. અમે તેને હૉસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે જ્યારે અમને કહ્યું કે અમારી દીકરી લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા નામના ભયંકર રોગથી પીડાઈ રહી છે ત્યારે, અમારા પર જાણે આભ તૂટી પડ્યું. એ સમયને અમે કદી પણ ભૂલીશું નહિ. આ રોગ એ નાનપણમાં થતું કૅન્સર છે કે જેમાં શ્વેતકોષો ઘટવા લાગે છે.

અમે તો માની શકતા જ ન હતા કે અમારી ફૂલ જેવી નાની છોકરી ભયંકર બીમારીથી પીડાઈ રહી છે. હજુ હમણાં જ તો તે આસપાસની દુનિયા વિષે જાણકાર થવા લાગી હતી અને હવે તે મરણ પામવાની હતી. પરંતુ અમને દિલાસો આપતા, ડૉક્ટરે કહ્યું કે કેમોથૅરપીથી તેની સારવાર શક્ય છે. પરંતુ એ માટે તેને ઘણી વખત લોહી આપવાનું હતું. આ અમારા માટે બીજો આઘાત હતો.

અમારા વિશ્વાસની કસોટી

અમે ખરેખર અમારી દીકરીને ખૂબ ચાહતા હતા અને તેને સારામાં સારી તબીબી સારવાર આપવાનું ઇચ્છતા હતા. પરંતુ લોહીની આપ-લે વિષે તો અમે જરાય વિચારી શકતા ન હતા. કેમ કે બાઇબલમાં આપવામાં આવેલી પરમેશ્વરની આજ્ઞાને અમે દૃઢતાપૂર્વક માનતા હતા, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ખ્રિસ્તીઓએ ‘લોહીથી દૂર રહેવું’ જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) વળી, અમે એ પણ જાણતા હતા કે લોહીની આપ-લે કરવામાં જોખમ છે. લાખો લોકો લોહી લેવાથી ભયંકર રોગોના ભોગ બન્યા છે અને મરણ પામ્યા છે. અમારી પાસે ફક્ત એક જ પસંદગી હતી કે તેને લોહી આપ્યા વગર સૌથી સારી તબીબી સારવાર આપવી. આ બાબતમાં, હવે અમારા વિશ્વાસની કસોટી શરૂ થઈ.

હવે અમે શું કરીએ? અમે યહોવાહના સાક્ષીઓની સ્વીડન શાખા કચેરીની હૉસ્પિટલ ઇન્ફૉર્મેશન સર્વિસીસનો સંપર્ક સાધ્યો. * તરત જ, આખા યુરોપની વિવિધ હૉસ્પિટલોમાં ફૅક્સ મોકલવામાં આવ્યા, જેથી લોહી આપ્યા વગર કેમોથૅરપીની સારવાર કરી શકે એવી હૉસ્પિટલ અને ડૉક્ટરની શોધ કરી શકાય. એ પ્રયત્નોમાં આપણા ખ્રિસ્તી ભાઈઓનો ઉત્સાહ અને પ્રેમ જોઈને અમને વિશ્વાસમાં દૃઢ રહેવા ખૂબ મદદ મળી. અમારા વિશ્વાસની કસોટીમાં અમે એકલા ન હતા.

થોડા જ કલાકોમાં લોહી આપ્યા વગર સારવાર કરી શકે એવી હૉસ્પિટલ અને ડૉક્ટર હોમબર્ગ/સાર, જર્મનીમાં મળી આવ્યા. વિકીને તપાસવા માટે બીજા જ દિવસે ત્યાં લઈ જવાની ગોઠવણ કરવામાં આવી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે, હોમબર્ગના યહોવાહના સાક્ષીઓના સ્થાનિક મંડળના ભાઈઓ તેમ જ અમારા કેટલાક સંબંધીઓ અમને લેવા માટે આવ્યા હતા. વળી, સ્થાનિક હૉસ્પિટલ લિએઝન કમિટીના પ્રતિનિધિ ભાઈએ પણ અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તે અમારી સાથે હૉસ્પિટલમાં આવ્યા અને અમને પૂરતી મદદ કરી. અમને એ જોઈને ખૂબ દિલાસો મળ્યો કે પરદેશમાં પણ અમને મદદ કરવા આત્મિક ભાઈઓ હતા.

અમે હૉસ્પિટલમાં ડૉ. ગ્રેફને મળ્યા ત્યારે, અમને ફરીથી દિલાસો મળ્યો. તે ઘણા સમજુ હતા. તેમણે અમને ખાતરી આપી કે લોહી આપ્યા વગર વિકીની સારવાર કરવામાં તે પોતાનાથી બનતું બધું જ કરશે. તેનું હિમોગ્લોબિનનું પ્રમાણ ૫ જી/ડીએલ થાય તોપણ, તે લોહીની આપ્યા વગર સારવાર કરવા માટે તૈયાર હતા. તેમણે એમ પણ કહ્યું કે વિકીનો રોગ જલદી પારખી શકાયો અને સારવાર માટે જલદી જ પગલાં ભરવામાં આવ્યા હોવાથી તેની સારવાર સફળ થવાની વધારે સંભાવના છે. તેમણે કબૂલ્યું કે તે પહેલી વાર વિકીના કિસ્સામાં લોહીની આપ-લે કર્યા વગર કેમીઓથેરપીની સારવાર કરશે. તેથી અમે ડૉ. ગ્રેફનો ઘણો આભાર માન્યો તેમ જ તેમની હિંમત અને મદદ કરવાના નિર્ણયને લીધે તેમની કદર કરી.

આર્થિક સમસ્યાઓ

હવે પ્રશ્ન એ ઊભો થયો કે વિકીની સારવારનો ખર્ચ કઈ રીતે ઉપાડવો? અમને કહેવામાં આવ્યું કે બે વર્ષની સારવારમાં ૧,૫૦,૦૦૦ ડચ માર્ક ખર્ચ થશે ત્યારે, અમે તો આભા જ બની ગયા. અમારી પાસે એટલા બધા રૂપિયા ન હતા. તોપણ, એક વખત વિકીની સારવાર શરૂ કરવી બહુ જ મહત્ત્વનું હતું. અમે સારવાર માટે સ્વીડન છોડીને જર્મની આવ્યા હતા. આથી અમને કોઈ પણ હૅલ્થ ઇન્સ્યોરન્સ પાસેથી મદદ મળવાની ન હતી. તેથી, અમે ત્યાં અમારી બીમાર નાની છોકરી લઈને ગયા અને ડૉક્ટરો પણ મદદ કરવા તૈયાર હતા, પરંતુ અમારી પાસે પૂરતા પૈસા ન હતા.

હૉસ્પિટલે અમને મદદ કરી અને કહ્યું કે અમે ૨૦,૦૦૦ માર્ક વ્યવસ્થા કરીને હમણાં ચૂકવી દઈએ અને બાકીના પૈસા આપવાની ગેરંટી માટે કાગળ પર સહી કરીએ તો તેઓ તરત જ સારવાર શરૂ કરશે. અમારી અમુક બચત અને પ્રેમાળ મિત્રો તથા સગાઓની મદદથી અમે ૨૦,૦૦૦ માર્ક તો ભરી શક્યા, પરંતુ બાકીના પૈસા વિષે શું?

ફરી એક વાર અમને ખાતરી કરાવવામાં આવી કે અમારી વિશ્વાસની કસોટીમાં અમે એકલા નથી. ત્યાંના ખ્રિસ્તી ભાઈઓ અમને ઓળખતા પણ ન હતા છતાં, તેઓ બાકીના પૈસાની સગવડ કરવા તૈયાર હતા. પરંતુ અમે તેઓની ઉદારતાનો લાભ ઉઠાવવા ઇચ્છતા ન હતા, તેમ જ અમે માર્કની બીજી ગોઠવણ કરી શક્યા હતા.

સારવાર શરૂ થઈ

કેમીએથેરપીની સારવાર શરૂ કરવામાં આવી. દિવસો અને સપ્તાહો પસાર થયા. અમુક વાર એ અમારી નાની દીકરી માટે ખૂબ મુશ્કેલ અને દુઃખદ સમય હતો જે અમે જોઈ શકતા ન હતા. બીજી બાજુ, અમે ખૂબ જ ખુશ અને આભારી હતા. કેમ કે તેનામાં દિવસે દિવસે સુધારો થતો હતો. કૅમીઓથૅરપી આઠ મહિના સુધી ચાલી. વિકીનું સૌથી ઓછું હિમોગ્લોબિનનું પ્રમાણ ૬ જી/ડીએલ હતું, પરંતુ ડૉ. ગ્રેફે પોતાનું વચન પાળ્યું.

હવે છ કરતાં વધારે વર્ષો પસાર થઈ ગયા છે અને વિકીની સ્પાઇનલ ફ્લૂઈડની તપાસ કરવામાં આવી ત્યારે, તેનામાં લ્યુકેમિયાના કોઈ પણ ચિહ્‍નો જોવા ન મળ્યા. હવે તે તંદુરસ્ત છે અને તેને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. વિકી એકદમ સાજી થઈ ગઈ એ ખરેખર એક ચમત્કાર જેવું લાગે છે. અમને ખબર હતી કે આ બીમારીના કારણે કેમોથૅરપીની સારવાર અને લોહી લીધુ હોય એવા ઘણા બાળકો મરણ પામ્યા છે.

આમ, અમારા વિશ્વાસની કસોટીની જીત થઈ, પરંતુ અમારા સગાંઓ, ખ્રિસ્તી ભાઈબહેનો અને ડૉકટરોની મદદ વિના એ શક્ય બન્યું ન હોત. હૉસ્પિટલ ઇન્ફૉર્મેશન સર્વિસીસએ અમને સતત મદદ કરી હતી. ડૉ. ગ્રેફ અને બીજા ડૉક્ટરોએ વિકીને સાજી કરવામાં પોતાની કુશળતાનો ખૂબ જ ઉપયોગ કર્યો. આ બધા માટે, અમે હૃદયપૂર્વક આભારી છીએ.

અમારો વિશ્વાસ દૃઢ થયો

તેમ છતાં, અમે યહોવાહ પરમેશ્વરના ખૂબ આભારી છીએ જેમણે અમારી પ્રેમાળ કાળજી લીધી અને તેમના વચન બાઇબલમાંથી મદદ આપી. અમે ભૂતકાળની બાબતોનો વિચાર કરીએ છીએ ત્યારે, અમને ખબર પડે છે કે અમે કેટલું બધું શીખ્યા છીએ અને જીવનના આ મુશ્કેલ અનુભવમાં અમારો વિશ્વાસ કેટલો દૃઢ થયો છે.

અમે યહોવાહ પરમેશ્વર સાથે ગાઢ સંબંધ જાળવી રાખવા માગીએ છીએ. તેમ જ અમારી દીકરીને તેમના હેતુઓના સુમેળમાં જીવનનું મહત્ત્વ શીખવવા ઇચ્છીએ છીએ. હા, અમે તેને અમૂલ્ય આત્મિક વારસો આપવા માગીએ છીએ જેથી તે આ બગીચા જેવી પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો આનંદ માણી શકે.—ભેટ.

[ફુટનોટ]

^ હૉસ્પિટલ ઇન્ફૉર્મેશન સર્વિસીસ, આખી પૃથ્વી પરની હૉસ્પિટલ લિએઝન કમિટીઓની દેખરેખ રાખે છે. એ કમિટી ખ્રિસ્તી સ્વયંસેવકોની બનેલી છે. તેઓને સારી રીતે તાલીમ આપવામાં આવી છે, જેથી તેઓ પોતાના ખ્રિસ્તી બીમાર ભાઈબહેનોને ડૉક્ટરો સાથે સહકારથી કામ કરવા ઉત્તેજન આપી શકે. આજે ૧,૪૦૦ હૉસ્પિટલ લિએઝન કમિટીઓ ૨૦૦ કરતાં વધારે દેશોમાં દરદીઓને મદદ પૂરી પાડે છે.