સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ એક ગ્રંથમાં

બાઇબલ એક ગ્રંથમાં

બાઇબલ એક ગ્રંથમાં

શરૂઆતના ખ્રિસ્તીઓ વીંટાઓ નહિ પણ કૉડેક્ષ એટલે કે પાનાવાળા બાઇબલની પ્રતો બનાવવામાં પ્રથમ હતા. તેમ છતાં, ખ્રિસ્તીઓએ તરત જ બાઇબલના જુદા જુદા ભાગોને ભેગા કરીને એક ગ્રંથ બનાવવાની શરૂઆત કરી ન હતી. ફ્લેવીયસ કૈસીઅડોરસે છઠ્ઠી સદીમાં બાઇબલ પુસ્તકોને એક ગ્રંથમાં બનાવવા એક મહત્ત્વનું પગલું લીધું.

ફ્લેવીયસ માગનુસ ઑરેલીઅસ કૈસીઅડોરસનો જન્મ લગભગ ૪૮૫-૪૯૦ સી.ઈ.માં કેલેબ્રીયા શહેરના એક ધનવાન કુટુંબમાં થયો હતો. હાલમાં એ શહેર ઇટાલીના દક્ષિણ કિનારે આવેલું છે. તે ઇટાલીના ઇતિહાસના ખળભળાટના સમયગાળામાં રહેતા હતા, કેમ કે આ ટાપુની ત્રણે બાજુ પ્રથમ ગોથ લોકો અને પછી બાયઝાન્ટાઈનના કબજામાં હતી. કૈસીઅડોરસે લગભગ ૬૦ કે ૭૦ વર્ષની વયે તેમના ઘર નજીક સ્વક્વીલોએ, કેલેબ્રીઆમાં વીવેરિયન મઠવાસ અને પુસ્તકાલય બંધાવ્યાં.

ખંતીલા બાઇબલ સંપાદક

કૈસીઅડોરસની મુખ્ય ચિંતા એ હતી કે કઈ રીતે દરેક લોકો બાઇબલ મેળવી શકે. ઇતિહાસકાર પીટર બ્રાઉન લખે છે, “કૈસીઅડોરસના મત પ્રમાણે, શાસ્ત્રવચનોની નકલ કરતી વખતે, લૅટિન સાહિત્યનો જેટલો બને એટલો ઉપયોગ કરવાનો હતો. અગાઉ ઉત્તમ પ્રકારના ગ્રીક અને લૅટિન સાહિત્યોનો અભ્યાસ કરવા અને નકલ કરવા જે સાહિત્યનો ઉપયોગ કરવામાં આવતો હતો એનો હવે બાઇબલ સમજવા અને એની કાળજીપૂર્વક નકલ કરવા ઉપયોગ કરવાનો હતો. સૂર્યની આસપાસ ગ્રહો પોતાની ધરી પર ફરે છે તેમ, દરેક રીતે લૅટિન સંસ્કૃતિએ પરમેશ્વરના વચન, બાઇબલ પર આધારિત રહેવાનું હતું.”

કૈસીઅડોરસે આખું બાઇબલ એક ગ્રંથમાં બનાવવા ભાષાંતરકારો અને વ્યાકરણ નિષ્ણાતોને વિવેરીયમ મઠવાસમાં એકઠા કર્યા અને પોતે એ કામ પર દેખરેખ રાખી. તેમણે ફક્ત થોડા જ વિદ્વાનોને એ કામગીરી સોંપી. આ વિદ્વાનોને લાગે કે હસ્તપ્રતમાં ભૂલ રહી ગઈ છે તો એને સુધારવા ઉતાવળા થવાનું ન હતું. વ્યાકરણ વિષે કોઈ પ્રશ્ન ઊભો થાય તો, ત્યારની આધુનિક લૅટિન ભાષા કરતાં પ્રાચીન બાઇબલ હસ્તપ્રતોનો અધિકૃત ઉપયોગ કરવાનો હતો. કૈસીઅડોરસે સૂચના આપી: “વ્યાકરણની વિશિષ્ટતા જળવાવી જોઈએ કેમ કે પ્રેરિત લખાણોમાં ભૂલો ન હોઈ શકે. . . . લૅટિન ધોરણોથી એકદમ ભિન્‍ન હોય તોપણ, બાઇબલનાં વક્તવ્યો, અલંકાર અને કહેવતો તેમ જ વ્યક્તિઓના ‘હેબ્રી’ નામો એ જ રહેવા જોઈએ.”—ધ કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ ધ બાઇબલ.

કૉડેક્સ ગ્રાન્ડિઓર

કૈસીઅડોરસે વિવેરીયમ મઠવાસમાં લહિયાઓને લૅટિન બાઇબલની ઓછામાં ઓછી ત્રણ અલગ અલગ આવૃત્તિઓ તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું. એમાંની એક આવૃત્તિ નવ ગ્રંથમાં જૂનાં લૅટિન લખાણો હોઈ શકે કે જે બીજી સદીના અંતમાં લખાયા હતા. બીજી આવૃત્તિમાં લૅટિન વલ્ગેટ હતું કે જે જેરોમે લગભગ પાંચમી સદીની શરૂઆતમાં પૂરું કર્યું હતું. ત્રીજું, કૉડેક્ષ ગ્રાન્ડિઓર હતું જેનો અર્થ “મોટું કૉડેક્ષ” થાય છે કે જે ત્રણ બાઇબલ લખાણોના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું. છેલ્લી બે આવૃત્તિઓમાં બાઇબલના બધાં પુસ્તકો હતાં, આથી એને ભેગાં કરીને એક ગ્રંથ બનાવવામાં આવ્યો.

એવું લાગે છે કે કૈસીઅડોરસે સૌ પ્રથમ લૅટિન બાઇબલોને એક ગ્રંથમાં બહાર પાડ્યું હતું અને એ ગ્રંથને પોન્ડેથીસ નામ આપ્યું. * તે ખરેખર જોઈ શક્યા હશે કે બાઇબલના જુદાં જુદાં પુસ્તકોને એક ગ્રંથમાં ભેગાં કરવાથી ઘણા લાભો થશે. બાઇબલ એક ગ્રંથમાં હોવાથી માહિતી તપાસવામાં સમયનો પણ બગાડ થતો ન હતો.

દક્ષિણ ઇટાલીથી બ્રિટીશ ટાપુઓ સુધી

કૈસીઅડોરસના મરણના (લગભગ ૫૮૩ સી.ઈ.માં) થોડા જ સમય પછી, કૉડેક્ષ ગ્રાન્ડિઓરનો ફેલાવો થવા લાગ્યો. એ સમયે, એવું માનવામાં આવતું હતું કે વિવેરીયમ લાઇબ્રેરીના કેટલાક ભાગો રોમની લેસ્ટ્રીન લાઇબ્રેરીમાં લઈ જવામાં આવ્યા હતા. અને કદાચ અહીંથી જ આ મૂલ્યવાન બાઇબલ હસ્તપ્રતો પાછળથી બ્રિટીશ ટાપુઓ પર ગઈ હશે. એંગ્લો-સેક્સન અધિકારી, આબૉ ચેલફ્રીડ રોમમાંથી ૬૭૮ સી.ઈ.માં બ્રિટન પાછા ફર્યા ત્યારે એને પોતાની સાથે લાવ્યા. આમ, કૉડેક્ષ વેરમાઉથ અને જેરો મઠની બે લાઇબ્રેરીમાં આવ્યા, કે જે આજે નોર્થઅમ્બ્રીયા, ઇંગ્લૅંન્ડમાં આવેલા છે.

કૈસીઅડોરસનું એક ગ્રંથવાળું બાઇબલ વાપરવામાં ખૂબ જ સરળ હોવાથી એણે ચેલફ્રીડ અને તેના મઠવાસી સંતોને ખૂબ પ્રભાવિત કર્યા. તેથી, તેઓએ ફક્ત થોડા જ દાયકાઓમાં, એવા જ બીજા ત્રણ બાઇબલ તૈયાર કરી દીધાં. આમાંથી ફક્ત એક જ મોટી હસ્તપ્રત બચી હતી જેને કૉડેક્ષ ઑમ્યોટીનુસ કહેવામાં આવે છે. એનાં ૨,૦૬૦ પાનાઓ ચામડાંના બનેલાં છે, અને દરેક પાન લગભગ ૫૧ સેન્ટિમીટર લાંબું અને ૩૩ સેન્ટિમીટર પહોળું છે. પૂઠાં સાથે એની જાડાઈ ૨૫ સેન્ટિમીટર અને વજન ૩૪ કિલોગ્રામ છે. આ સૌથી જૂનું એક ગ્રંથવાળું લૅટિન બાઇબલ હજુપણ અસ્તિત્વ ધરાવે છે. વર્ષ ૧૮૮૭માં ૧૯મી સદીના પ્રખ્યાત બાઇબલ વિદ્વાન ફીનટોન જે. એ. હોર્ટે કૉડેક્ષને ઓળખી કાઢ્યું. હોર્ટનો ઉત્સાહ તેમની ટીકાઓ પરથી જોવા મળે છે: “આજે કોઈ પણ વ્યક્તિ જો આ [હસ્તપ્રતનાં] પાનાંઓ જુએ તો, તે ખરેખર મુગ્ધ થઈ જાય.”

ઇટાલી પાછા ફરવું

કૈસીઅડોરસ દ્વારા તૈયાર કરાવવામાં આવેલું મૂળ કૉડેક્ષ ગ્રાન્ડિઓર ગુમ થઈ ગયું છે. પરંતુ તેના પરથી એંગ્લો-સેક્સન લહિયાઓએ તૈયાર કરેલી લૅટિન કૉડેક્ષ ઑમ્યોટીનુસ, પૂરી થયા પછી એક પછી એક ઇટાલીમાં પાછી આવવા લાગી. ચેલફ્રીડે પોતાના મરણના થોડા સમય પહેલાં જ રોમમાં પાછા ફરવાનું નક્કી કર્યું હતું. તેણે ત્રણ લૅટિન બાઇબલમાંની એક પ્રત પોપ જ્યોર્જ બીજાને ભેટ આપવા સાથે લીધી. પરંતુ ચેલફ્રીડ મુસાફરીમાં જ ૭૧૬ સી.ઈ.માં લાન્ગ્રેસ, ફ્રાન્સમાં મરણ પામ્યા. પરંતુ તેના બાઇબલે બાકીના સભ્યો સાથે મુસાફરી કરવાનું ચાલુ જ રાખ્યું. છેવટે એ કૉડેક્ષને મોન્ટે અમીટા, સેન્ટ્રલ ઇટાલીની લાઇબ્રેરીમાં મૂકવામાં આવ્યું કે જ્યાંથી તેનું નામ કૉડેક્ષ ઑમ્યોટીનુસ પડ્યું. વર્ષ ૧૭૮૨માં આ હસ્તપ્રતને ઇટાલી, ફ્લોરેન્સમાં મીડિઅન-લારુટેનન લાઇબ્રેરીમાં લાવવામાં આવી કે જ્યાં એ લાઇબ્રેરીની સૌથી મૂલ્યવાન વસ્તુમાંની એક છે.

કૉડેક્ષ ગ્રાન્ડિઓર કઈ રીતે આપણને અસર કરે છે? કૈસીઅડોરસના સમયથી, લહિયાઓ અને છાપકામ કરનારાઓના લીધે બાઇબલ એક ગ્રંથમાં મળી શકે છે. આજે એક ગ્રંથમાં બાઇબલ મળતું હોવાથી લોકો એ સહેલાઈથી વાંચી શકે છે તેમ જ એમાંથી તેઓને જીવનમાં લાભ પણ થાય છે.—હેબ્રી ૪:૧૨.

[ફુટનોટ]

^ ચોથી અને પાંચમી સદીથી ગ્રીક ભાષામાં આખા બાઇબલો મળતા થયાં.

[પાન ૨૯ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

કૉડેક્ષ ગ્રાન્ડિઓરની મુસાફરી

વીવેરિયમ મઠવાસ

રોમ

જેરો

વેરમાઉથ

કૉડેક્ષ ઑમ્યોટીનુસની મુસાફરી

જેરો

વેરમાઉથ

મોન્ટે અમીટા

ફ્લોરેન્સ

[ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૩૦ પર ચિત્રો]

ઉપર: કૉડેક્ષ ઑમ્યોટીનુસ ડાબી બાજુ: કૉડેક્ષ ઑમ્યોટીનુસમાં એઝરાનું ચિત્ર

[ક્રેડીટ લાઈન]

Biblioteca Medicea Laurenziana, Firenze