યહોવાહના માર્ગમાં આગળ વધતા રહેવાથી અમને સામર્થ્ય અને આનંદ મળે છે
મારો અનુભવ
યહોવાહના માર્ગમાં આગળ વધતા રહેવાથી અમને સામર્થ્ય અને આનંદ મળે છે
લ્યુગી ડી. વાલેન્ટીનોના જણાવ્યા પ્રમાણે
યહોવાહ સલાહ આપે છે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશાયાહ ૩૦:૨૧) મેં ૬૦ વર્ષ પહેલાં બાપ્તિસ્મા લીધું ત્યારથી જ આ સલાહને અનુસરવાનો ધ્યેય રાખ્યો છે. મારાં માબાપે બેસાડેલા સારા ઉદાહરણને લીધે, મેં બાળપણથી જ આવો ધ્યેય રાખ્યો હતો. તેઓ ઇટાલીના રહેવાસી હતા, પરંતુ ૧૯૨૧માં તેઓ ક્લીવલૅન્ડ, ઓહાયો, યુ.એસ.એમાં રહેવા આવ્યા. ત્યાં તેઓએ ત્રણ બાળકો એટલે મારા મોટા ભાઈ માઇક, નાની બહેન લિડીયા અને મને ઉછેર્યા.
મારાં માબાપે સત્યની શોધમાં જુદા જુદા ધર્મોની તપાસ કરી, પરંતુ બધી જગ્યાએ તેમને નિરાશા જ મળી હતી. ત્યાર પછી ૧૯૩૨માં એક દિવસ પપ્પા ઇટાલી ભાષામાં રેડિયો કાર્યક્રમ સાંભળતા હતા. એ કાર્યક્રમ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રસારિત થયો હતો. પપ્પાએ જે સાંભળ્યું એનાથી તે ખૂબ જ પ્રભાવિત થયા. આથી, તેમણે વધુ માહિતી માટે પત્ર લખ્યો. એના જવાબમાં યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથક, બ્રુકલિન, ન્યૂ યૉર્કથી એક ઇટાલીયન ભાઈએ અમારી મુલાકાત લીધી. આખી સવાર સુધી ઉત્સાહી ચર્ચા કર્યા પછી, મારાં માબાપને ખાતરી થઈ કે તેમને સાચો ધર્મ મળ્યો છે.
પપ્પા-મમ્મીએ ખ્રિસ્તી સભાઓમાં જવાનું શરૂ કર્યું. તેઓ પ્રવાસી નિરીક્ષકોને પણ અમારા ઘરે ખુશીથી રાખવા લાગ્યા. હું નાનો હતો છતાં, પ્રવાસી નિરીક્ષકો મને પોતાની સાથે પ્રચાર કાર્યમાં લઈ જતા હતા. એ કારણે મેં યહોવાહની પૂરા સમયની સેવા કરવા વિષે વિચાર્યું. એમાંના એક નિરીક્ષક
ભાઈ કેરી ડબલ્યુ. બાર્બર હતા જે હમણાં યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય છે. થોડા જ સમય બાદ, ફેબ્રુઆરી ૧૯૪૧માં ચૌદ વર્ષની ઉંમરે મેં બાપ્તિસ્મા લીધું. વર્ષ ૧૯૪૪માં મેં ક્લીવલૅન્ડમાં પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું. માઈક અને લિડીયાએ પણ સત્યના માર્ગમાં ચાલવાનું શરૂ કર્યું હતું. માઈકે મરણપર્યંત યહોવાહની સેવા કરી. લિડીયા અને તેના પતિ હેરૉલ્ડ વૅડન્રે ૨૮ વર્ષ સુધી પ્રવાસી નિરીક્ષક તરીકે કામ કર્યું. આજે તેઓ ખાસ પાયોનિયર તરીકે સેવા આપી રહ્યા છે.જેલની સજાએ આગળ વધતા રહેવાના મારા નિર્ણયને દૃઢ કર્યો
વર્ષ ૧૯૪૫ની શરૂઆતમાં મને ઓહાયોની ચીલીક્લોથ ફેડરેલ જેલમાં પૂરવામાં આવ્યો કારણ કે મારું અંતઃકરણ બાઇબલ આધારિત હોવાથી હું યશાયાહ ૨:૪ના સુમેળમાં વર્તતો હતો, જે તરવારોને ટીપીને કોશો બનાવવા વિષે કહે છે. પહેલાં તો જેલના અધિકારીઓ સાક્ષી કેદીઓને યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત થતાં બાઇબલ સાહિત્યો મર્યાદિત પ્રમાણમાં રાખવા દેતા હતા. તેમ છતાં, નજીકના મંડળના સાક્ષીઓએ વધુ સાહિત્યો મેળવવાં મદદ કરી. લગભગ અડધી રાતે તેઓ જેલની નજીકના વિસ્તારમાં પ્રકાશનો નાખી જતા. બીજા દિવસે સવારે કેદીઓને કામ માટે એ વિસ્તારમાં લઈ જવામાં આવતા ત્યારે, તેઓ એ પ્રકાશનો શોધીને, સંતાડીને જેલમાં લાવતા હતા. હું જેલમાં આવ્યો ત્યાં સુધીમાં તો અમને વધારે સાહિત્યો રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. એ સમયે હું ખરેખર યહોવાહ જે આત્મિક ખોરાક પૂરો પાડે છે એની કદર કરતા શીખ્યો. હું જ્યારે પણ ચોકીબુરજ અને સજાગ બનો!ની નવી પ્રતો મેળવું છું ત્યારે, મને જેલના એ દિવસો યાદ આવી જાય છે.
અમને જેલમાં સભાઓ ભરવાની પરવાનગી હતી, પરંતુ સાક્ષી સિવાયની કોઈ પણ વ્યક્તિને એમાં હાજરી આપવાની પરવાનગી ન હતી. તોપણ, જેલના અમુક અધિકારીઓ અને કેદીઓ ચોરીછૂપે સભાઓમાં આવતા હતા અને કેટલીક વ્યક્તિઓએ તો સત્ય પણ સ્વીકાર્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૩૦-૩૪) એ. એચ. મેકમીલનની જેલની મુલાકાત અમારા માટે ખૂબ જ દિલાસારૂપ હતી. તે હંમેશા અમને ઉત્તેજન આપતા કે અમે જેલમાં પસાર કરેલો સમય વ્યર્થ નહિ જાય કારણ કે એ અમને અમારા ભવિષ્યની સોંપણી માટે તાલીમ આપે છે. એ ભાઈના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા અને યહોવાહના માર્ગમાં વધતા રહેવાનો મારો નિર્ણય વધુ મજબૂત થયો.
સુંદર સાથી મેળવવી
બીજું વિશ્વયુદ્ધ પૂરું થતા મને જેલમાંથી છોડવામાં આવ્યો અને મેં ફરીથી પૂરા-સમયનું પાયોનિયરીંગ શરૂ કર્યું. પરંતુ ૧૯૪૭માં મારા પપ્પા મૃત્યુ પામ્યા. તેથી કુટુંબની જવાબદારી સંભાળવા મેં નોકરી કરવાનું શરૂ કર્યું અને તબીબી ક્ષેત્રે માલીસ કરવાની પણ તાલીમ મેળવી. એ એવી કુશળતા હતી જે લગભગ ૩૦ વર્ષ પછી મેં અને મારી પત્નીએ મુશ્કેલીનો સામનો કર્યો ત્યારે અમને મદદરૂપ થઈ હતી. અરે, હું તો બહુ આગળ નીકળી ગયો. ચાલો સૌ પ્રથમ હું તમને મારી પત્ની વિષે જણાવું.
વર્ષ ૧૯૪૯માં એક દિવસે બપોરે હું રાજ્યગૃહમાં હતો અને ફોનની ઘંટડી વાગી. મેં ફોન ઉઠાવ્યો અને સામેથી મધુર અવાજ સંભળાયો: “મારું નામ ક્રિસ્ટીન ગેનચુર છે. હું એક યહોવાહની સાક્ષી છું. હું ક્લીવલૅન્ડમાં નોકરીની શોધમાં આવી છું અને હું સભાઓમાં આવવા ઇચ્છું છુ.” અમારું રાજ્યગૃહ તે જ્યાં રહેતી હતી એનાથી ઘણું દૂર હતું. પરંતુ મને તેનો અવાજ ખૂબ ગમ્યો હોવાથી, મેં તેને અમારા રાજ્યગૃહ આવવાનો રસ્તો બતાવ્યો. વળી હું જે રવિવારે વાર્તાલાપ આપવાનો હતો ખાસ એ જ દિવસે મેં તેને આવવા જણાવ્યું. એ રવિવારે હું રાજ્યગૃહમાં સૌથી પહેલો આવ્યો હતો, પરંતુ મને કોઈ પણ અપરિચિત બહેન જોવા મળી નહિ. આખા વાર્તાલાપ દરમિયાન હું વારંવાર પ્રવેશદ્વાર પર નજર નાખતો હતો, પરંતુ કોઈને પણ અંદર આવતા જોયા નહિ. પછી બીજા દિવસે મેં તેને ફોન કર્યો ત્યારે, તેણે કહ્યું કે તે બસ વ્યવસ્થાથી હજુ સુધી પરિચિત ન હોવાથી આવી શકી ન હતી. તેથી મેં તેને કહ્યું હું જાતે આવીને બરાબર સમજાવીશ.
મને ખબર પડી કે તેનાં માબાપ ઝેકોસ્લોવેકિયાથી આવ્યા હતા. તેઓએ મૂએલાઓ ક્યાં છે? પુસ્તિકા વાંચ્યા પછી બાઇબલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. તેનાં માબાપે ૧૯૩૫માં બાપ્તિસ્મા લીધું. વર્ષ ૧૯૩૮માં ક્રિસ્ટીનના પિતા અમેરિકાના પેન્સિલ્વેનિયા, ક્લાઈમર શહેરના યહોવાહના સાક્ષીઓના મંડળમાં પ્રમુખ નિરીક્ષક બન્યા હતા. ક્રિસ્ટીને ૧૬ વર્ષની ઉંમરે ૧૯૪૭માં બાપ્તિસ્મા લીધું. આમ, આવી સુંદર અને આત્મિક મનવાળી ક્રિસ્ટીનના પ્રેમમાં પડતા મને બહુ વાર ન લાગી. અમે જૂન ૨૪, ૧૯૫૦માં લગ્ન કર્યું અને ત્યારથી ક્રિસ્ટીન મારી વિશ્વાસુ નીતિવચન ૩૧:૧૦.
સાથી છે. તે હંમેશાં પરમેશ્વરના રાજ્યને પ્રથમ સ્થાને મૂકે છે. મને આવી વિશ્વાસુ સાથી મળ્યા બદલ હું યહોવાહનો ખૂબ આભાર માનું છું.—એક મોટું આશ્ચર્ય
નવેમ્બર ૧, ૧૯૫૧માં અમે સાથે પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું. બે વર્ષ પછી ટલેડો, ઓહાયોમાં એક મહાસંમેલન ભરાયું હતું. એ સમયે ભાઈ હુગો રીમર અને આલ્બર્ટ શ્રોડરે મિશનરિ સેવામાં રસ ધરાવતા પાયોનિયરો સાથે વાત કરી. અમે પણ ત્યાં હતા. તેઓએ અમને ક્લીવલૅન્ડમાં પાયોનિયરીંગ ચાલુ રાખવાનું ઉત્તેજન આપ્યું. પરંતુ બીજા જ મહિને અમારા આશ્ચર્ય વચ્ચે અમને એક આમંત્રણ મળ્યું. એ વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ફેબ્રુઆરી ૧૯૫૪માં શરૂ થનાર ૨૩મા વર્ગમાં હાજરી આપવાનું આમંત્રણ હતું!
અમે દક્ષિણ લેંસિંગ, ન્યૂયૉર્કની ગિલયડ શાળામાં જવા માટે મુસાફરી કરતા હતા ત્યારે, ક્રિસ્ટીન ઘણી ગભરાઈ ગઈ હતી. તેથી તે મને વારંવાર કહેતી કે “ગાડી ધીમે ચલાવો!” મેં કહ્યું, “ક્રિસ્ટીન હું ધીરે જ ચલાવું છું અને હજુ પણ ધીરે ચલાવીશ તો ગાડી અહીં જ ઊભી રહી જશે.” તેમ છતાં, ત્યાં પહોંચ્યા પછી જ અમે નિરાંત અનુભવી. ભાઈ નાથાન નોરે વિદ્યાર્થીઓના વૃંદનો આવકાર કર્યો અને અમને ગિલયડ ટુર કરાવી. તેમણે પાણી અને વીજળીનો બચાવ કઈ રીતે કરવો એ વિષે પણ અમને જણાવ્યું અને રાજ્ય હિતોની કાળજી રાખવામાં કરકસર કરવા પર ખાસ ભાર મૂક્યો. એ સલાહ અમારા મનમાં ઠસી ગઈ અને અમે હજુ પણ એ જ રીતે જીવીએ છીએ.
રીઓ ડી જાનેરો સુધીનું ઉડાણ
અમે સ્નાતક થયા અને તરત જ ડિસેમ્બર ૧૦, ૧૯૫૪માં ઠંડા ન્યૂયૉર્ક શહેરમાંથી નવી જગ્યાએ જવા વિમાનમાં બેઠા. અમે બહુ ઉત્તેજિત હતા કે અમારી નવી સોંપણી બ્રાઝિલના ગરમ શહેર રીઓ ડી જાનેરોમાં હતી. અમારી સાથે મિશનરિ યુગલ, પીટર અને બીલ કારબેલો પણ મુસાફરી કરતા હતા. અમારું વિમાન પોર્ટો રિકો, વેનેઝુએલા અને ઉત્તર બ્રાઝિલના બેલેમમાં ઊભું રહેવાનું હતું. વિમાનમાં રીઓ ડી જાનેરો જતા ૨૪ કલાક લાગતા હોય છે, પરંતુ ઍંજિન ખરાબ થયું હોવાથી ત્યાં પહોંચતા ૩૬ કલાક થઈ ગયા. પરંતુ કેવાં અદ્ભુત દૃશ્યો હતાં! જાણે કાળી મખમલની શેતરંજી પર હીરા લગાવ્યા હોય એમ શહેરની લાઈટનો ઝગઝગાટ થતો હતો. બીજી બાજુ, ચંદ્રનો રૂપેરી પ્રકાશ ગ્યુનાબારા અખાતના પાણી પર પ્રકાશતો હતો.
હવાઈ મથક પર બેથેલ કુટુંબના કેટલાક સભ્યો અમારી રાહ જોતા હતા. અમારું સ્વાગત કર્યા પછી તેઓ અમને શાખા કચેરીએ લઈ ગયા. લગભગ સવારના ત્રણ વાગ્યે અમે સુવા માટે ગયા. થોડા કલાક પછી સવારનો પહેલો બેલ વાગ્યો. એણે અમને અમારા મિશનરિ કાર્યની શરૂઆતના પ્રથમ દિવસની યાદ અપાવી.
શરૂઆતનો બોધપાઠ
જલદી જ અમે એક મહત્ત્વનો બોધપાઠ શીખ્યા. એક સાંજે અમે એક સાક્ષી કુટુંબના ઘરે ગયા. અમે બેથેલમાં પાછા જવા નીકળ્યા ત્યારે, ભાઈએ અમને કહ્યું કે, “તમે જશો નહિ; કેમ કે બહાર વરસાદ પડે છે.” અને તેમણે અમને ત્યાં રાત રહી જવા આગ્રહભરી વિનંતી કરી. પરંતુ મેં તેમની વાત હસવામાં કાઢી નાખતા કહ્યું, “અમે જ્યાં રહેતા હતા ત્યાં પણ વરસાદ પડતો હતો.” આમ, અમે ત્યાંથી જવા નીકળી પડ્યા.
રીઓની આજુબાજુ પહાડો હોવાને કારણે ઝડપથી વરસાદનું પાણી ભેગું થઈને શહેરમાં આવી જાય છે અને એ કારણે પૂર પણ આવે છે. જલદી જ પાણી અમારા ઘૂંટણ સુધી આવી ગયું. બેથેલની આજુબાજુના રસ્તા વહેતી નદીઓમાં બદલાઈ ગયા અને પાણી અમારી છાતી સુધી આવી ગયું હતું. અમે બેથેલ પહોંચ્યા ત્યારે, પાણીથી તરબોળ થઈ ગયા હતા. બીજા જ દિવસે ક્રિસ્ટીન બીમાર પડી અને તેને ટાઇફોઈડ થઈ ગયો. એ કારણે તે લાંબા સમય સુધી કમજોર થઈ ગઈ. નિઃશંક, અમે નવા મિશનરિ હોવાથી એ અનુભવી સાક્ષી ભાઈની સલાહ માનવી જોઈતી હતી.
મિશનરિ સેવા અને પ્રવાસી નિરીક્ષકના કાર્યમાં પ્રથમ પગલું
આવી શરૂઆત પછી અમે ઉત્સાહથી અમારું સેવાકાર્ય શરૂ કર્યું. અમે જેને પણ મળતા
તેઓને પોર્ટુગીઝ ભાષામાં રાજ્યનો સંદેશો વાંચી સંભળાવતા. એ ભાષા શીખવામાં અમે બંને સરખી પ્રગતિ કરતા હતા. એક વખત એક ઘરમાલિક ક્રિસ્ટીનને કહેતા: “તમે જે કહ્યું એ હું સમજી ગયો,” પછી મારા તરફ નજર કરતાં કહેતા, “પરંતુ આ ભાઈએ શું કહ્યું એ ખબર ન પડી.” બીજા ઘરમાલિક મને કહેતા, “હું તમારું કહેવું તો સમજી ગયો, પણ આ બહેન શું કહે છે એ સમજ્યો નહિ.” તોપણ, એ પ્રથમ સપ્તાહ દરમિયાન અમને ચોકીબુરજનાં ૧૦૦ કરતાં વધારે લવાજમો મળ્યાં હોવાથી ખૂબ આનંદ થયો હતો. હકીકતમાં, બ્રાઝિલમાં અમારા પ્રથમ વર્ષ દરમિયાન અમારા કેટલાક બાઇબલ વિદ્યાર્થીઓએ બાપ્તિસ્મા લીધું હતું. એનાથી અમને પુરાવો મળ્યો કે આ તો ફક્ત શરૂઆત છે, મિશનરિ સેવામાં હજુ ઘણાં ફળો મળશે.લગભગ ૧૯૫૦ના દાયકા મધ્યે લાયકાત ધરાવતા ભાઈઓ ઓછા હોવાથી, બ્રાઝિલના ઘણાં મંડળોમાં સરકીટ નિરીક્ષકની નિયમિત મુલાકાતો થતી ન હતી. તેથી હજુ તો હું ભાષા શીખી રહ્યો હતો અને પોર્ટુગીઝમાં એક પણ વાર્તાલાપ આપ્યો ન હતો છતાં, મને ૧૯૫૬માં સાઓ પાઊલોમાં સરકીટ નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યો.
સૌ પ્રથમ અમે જે મંડળની મુલાકાત લીધી એની બે વર્ષથી સરકીટ મુલાકાત થઈ ન હતી. તેથી દરેક વ્યક્તિ ખાસ વાર્તાલાપની રાહ જોઈને બેઠી હતી. વાર્તાલાપ તૈયાર કરવા મેં પોર્ટુગીઝ ભાષાના ચોકીબુરજના લેખોમાંથી ફકરાઓ કાપીને પેપર પર ચોંટાડી દીધા. એ રવિવારે આખું રાજ્યગૃહ ખીચોખીચ ભરેલું હતું. અમુક લોકો તો સ્ટેજ પર પણ બેઠા હતા. બધા જ સાંભળવા આતુર હતા. મેં વાર્તાલાપ એટલે કે સીધું જ વાંચવાનું શરૂ કર્યું. એક વાર મેં ઉપર નજર કરી ત્યારે, મને આશ્ચર્ય થયું કે એક પણ વ્યક્તિ હલતી ન હતી. અરે, બાળકો પણ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. બધાની નજર મારા પર ચોંટેલી હતી. તેથી મને લાગ્યું: ‘શું વાત છે વાલેન્ટીનો, તારું પોર્ટુગીઝ તો ઘણું સુધરી ગયું છે! આ લોકો ધ્યાનથી તારું સાંભળી રહ્યા છે.’ થોડા વર્ષો પછી ફરીથી મેં એ મંડળની મુલાકાત લીધી ત્યારે, અમારી પહેલી મુલાકાતમાં મેં આપેલા વાર્તાલાપમાં હાજર રહેનાર એક ભાઈએ કહ્યું: “તમે જે વાર્તાલાપ આપ્યો હતો એ વિષે કંઈ યાદ છે? એમાંનો એક શબ્દ પણ અમે સમજ્યા ન હતા.” મેં પણ કબૂલ્યું કે હું શું બોલતો હતો એની મને પોતાને જ ખબર પડતી ન હતી.
સરકીટ કાર્યના પ્રથમ વર્ષમાં હું વારંવાર ઝખાર્યાહ ૪:૬ વાંચતો હતો. એના આ શબ્દો મને યાદ દેવડાવતા હતા કે “બળથી પણ નહિ, પણ મારા આત્માથી” એટલે ફક્ત યહોવાહના આત્માથી જ રાજ્ય કાર્યમાં પ્રગતિ થાય છે. હા, અમે ભાષા જાણતા ન હતા છતાં અમારા કાર્યમાં પ્રગતિ થઈ.
પડકારો સાથે આશીર્વાદો
સરકીટ કાર્યનો અર્થ, ટાઈપરાઈટર, સાહિત્યથી ભરેલાં ખોખાં, સુટકેસ અને બ્રીફકેસ લઈને દેશના એક છેડાથી બીજા છેડે ફરવું થતો હતો. ક્રિસ્ટીન અમારા સામાન પર નંબર લગાવી દેતી જેથી જલદી જલદીમાં બસ બદલતી વખતે કોઈ પણ સામાન રહી ન જાય. નવા સ્થળે જવા ધૂળવાળા રસ્તાઓ પર સતત ૧૫ કલાક મુસાફરી કરવી અમારા માટે સામાન્ય વાત હતી. અમુક વખતે બે બસો કાચા પુલ પરથી એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થતી વખતે લગભગ એકબીજાને અડીને જતી ત્યારે, અમારો જીવ ઊંચો થઈ જતો. અમે ટ્રેન, વિમાન, અને ઘોડાગાડીમાં પણ મુસાફરી કરી.
વર્ષ ૧૯૬૧માં અમે ડિસ્ટ્રીક્ટ કાર્ય શરૂ કર્યું. એક મંડળથી બીજા મંડળને બદલે હવે અમે એક સરકીટથી બીજી સરકીટની મુસાફરી કરતા હતા. સપ્તાહની કેટલીક સાંજે અમે જુદી જુદી જગ્યાએ યહોવાહના સંગઠન દ્વારા બહાર પડેલી ફિલ્મ બતાવતા હતા. અમે ફિલ્મ ન બતાવીએ માટે સ્થાનિક પાદરીઓ પ્રયત્ન કરતા હોવાથી, અવારનવાર અમારે જલદી યોગ્ય પગલાં લેવા પડતાં હતાં. એક શહેરમાં એક પાદરીએ હૉલના માલિકને ધમકાવીને અમારી સાથે થયેલા કરારને રદ કરાવી દીધો. કેટલાય દિવસો શોધ કર્યા પછી બીજી જગ્યાએ અમને હૉલ મળ્યો, પરંતુ આ વખતે અમે કોઈને પણ કહ્યું નહિ અને દરેકને જૂના હૉલમાં આવવા આમંત્રણ આપ્યું. કાર્યક્રમ શરૂ થતા પહેલાં, ક્રિસ્ટીન જૂના હૉલ પર ગઈ અને ફિલ્મ જોવી હતી તેઓને ચૂપચાપ નવા હૉલનો રસ્તો બતાવ્યો. એ સાંજે ૧૫૦ લોકોએ ધ ન્યુ વર્લ્ડ સોસાયટી ઈન ઍક્સન ફિલ્મ જોઈ.
છૂટાછવાયા વિસ્તારોમાં મુસાફરી કરવી મુશ્કેલીભર્યું લાગતું હતું. પરંતુ ત્યાંના ભાઈઓએ અમારી ઘણી કદર કરી. તેઓએ પોતાના સાદાં ઘરોમાં અમને રાખીને અમારી મહેમાનગીરી કરી. તેઓની સારી સંગત માટે અમે હંમેશા યહોવાહનો આભાર માનતા હતા. તેઓ સાથે મિત્રતા કરવાથી અમને ઘણા આશીર્વાદો મળ્યા છે. (નીતિવચન ૧૯:૧૭; હાગ્ગાય ૨:૭) તેથી બ્રાઝિલમાં ૨૧ વર્ષ સુધી સેવા કર્યા પછી, અમારે મિશનરિ કાર્ય છોડવું પડ્યું ત્યારે અમે કેટલા દુઃખી હતા!
મુશ્કેલીભર્યા સમયમાં યહોવાહે અમને માર્ગ બતાવ્યો
વર્ષ ૧૯૭૫માં ક્રિસ્ટીને સર્જરી કરાવવી પડી. અમે ફરીથી પ્રવાસી કાર્ય શરૂ કર્યું, પરંતુ ક્રિસ્ટીનની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી. તેથી, તેની તબીબી સારવાર માટે યુનાઈટેડ સ્ટેટ્સ પાછા ફરવું જ અમને સૌથી સારું લાગ્યું. તેથી ૧૯૭૬ના એપ્રિલમાં અમે કૅલિફૉર્નિયાના, લૉંગ બીચ શહેરમાં આવીને મારી મમ્મી સાથે રહ્યા. વિદેશમાં ૨૦ વર્ષ સુધી રહ્યા પછી, અમને પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો એ સમજાતું ન હતું. મેં તબીબી મસાજ કરવાનું કાર્ય શરૂ કર્યું અને આમ અમારું ગુજરાન ચાલતું હતું. કૅલિફૉર્નિયાની સરકારે ક્રિસ્ટીનને હૉસ્પિટલમાં દાખલ કરાવી, પરંતુ તે ત્યાં દિવસે દિવસે નબળી થતી હતી, કેમ કે ડૉક્ટરોએ લોહી આપ્યા વિના તેની સારવાર કરવાનો નકાર કર્યો હતો. અમે ઘણા નિરાશ થઈ ગયા અને માર્ગદર્શન આપવા અમે યહોવાહને આજીજીપૂર્વક પ્રાર્થના કરી.
એક દિવસ બપોરે હું પ્રચાર કાર્ય કરતો હતો ત્યારે, મેં એક ડૉક્ટરની કેબિન જોઈ અને તરત જ અંદર જવાનો નિર્ણય કર્યો. ડૉક્ટર ઘરે જવાની તૈયારીમાં જ હતા છતાં, તેમણે મને અંદર બોલાવ્યો અને અમે બે કલાક વાત કરી. પછી તેમણે કહ્યું: “મિશનરિ તરીકેના તમારા કાર્યની હું કદર કરું છું. હું તમારી પત્નીની લોહી આપ્યા વગર સારવાર કરીશ અને એનો કોઈ ખર્ચ નહિ લઉં.” મને એકદમ આશ્ચર્ય થયું અને મેં જે સાંભળ્યું એના પર મને વિશ્વાસ બેસતો ન હતો.
જાણીતા નિષ્ણાત એવા આ દયાળું ડૉક્ટરે ક્રિસ્ટીનને પોતે જ્યાં કામ કરતા હતા એ હૉસ્પિટલમાં દાખલ કરાવડાવી. તેમણે તેની સારી કાળજી રાખી હોવાથી, ક્રિસ્ટીનની તબિયતમાં જલદી જ સુધારો થવા લાગ્યો. મુશ્કેલીના સમયમાં માર્ગ બતાવવા બદલ અમે યહોવાહના કેટલા આભારી હતા!
નવી કાર્યસોંપણી
ક્રિસ્ટીનની તબિયતમાં સુધારો થયો હોવાથી, અમે પાયોનિયર તરીકે સેવા ચાલુ કરી. તેમ જ લૉંગ બીચમાં કેટલાક લોકોને યહોવાહના ઉપાસક બનવા મદદ કરવાનો પણ આનંદ માણ્યો. વર્ષ ૧૯૮૨માં અમને યુનાઈટેડ સ્ટેટ્સમાં સરકીટ કાર્ય કરવાનું કહેવામાં આવ્યું. પ્રવાસી કાર્યમાં ફરીથી અમારો ઉપયોગ કરવા બદલ અમે યહોવાહનો દરરોજ આભાર માનતા હતા. આ કાર્ય અમને ખૂબ ગમતું હતું. અમે કૅલિફૉર્નિયા અને પછી ન્યૂ ઇંગ્લૅંડમાં સરકીટ કાર્ય કર્યું, જ્યાં કેટલાંક પોર્ટુગીઝ મંડળોનો પણ સમાવેશ થતો હતો. પછી અમે બર્મ્યૂડામાં પણ સેવા આપી.
ચાર વર્ષ સુધી સરકીટ કાર્ય કર્યા પછી અમને નવી કાર્યસોંપણી મળી. અમે ઇચ્છતા હોઈએ ત્યાં ખાસ પાયોનિયરીંગ કરવાનું જણાવવામાં આવ્યું. અમને સરકીટ કાર્ય છોડવાનું દુઃખ થતું હતું છતાં, અમે નવી કાર્યસોંપણીમાં પ્રગતિ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ કઈ જગ્યાએ જવું? સરકીટ કામ કર્યું હોવાથી હું જાણતો હતો કે ન્યૂ બેડફોર્ડ, મેસચ્યુસિટ્સના પોર્ટુગીઝ મંડળને મદદની જરૂર છે, તેથી અમે ન્યૂ બેડફોર્ડ ગયા.
અમે ત્યાં પહોંચ્યા ત્યારે મંડળે અમારું સ્વાગત કરતી મોટી પાર્ટી આપી. એનાથી સ્પષ્ટ દેખાતું હતું કે ત્યાં અમારી કેટલી જરૂર હતી! એ જોઈને અમારી આંખોમાં આસું આવી ગયા. અમને અમારું ઘર ન મળે ત્યાં સુધી બે નાની દીકરીવાળું એક યુગલ પોતાના ઘરે લઈ ગયું. આ ખાસ પાયોનિયર કાર્યમાં યહોવાહે સાચે જ અમારા ધારવા કરતાં વધુ આશીર્વાદ આપ્યો. વર્ષ ૧૯૮૬ સુધીમાં અમે આ શહેરમાં લગભગ ૪૦ જુદી જુદી વ્યક્તિઓને સાક્ષી બનવામાં મદદ કરી. તેઓ અમારું આત્મિક કુટુંબ છે. વધુમાં, પાંચ સ્થાનિક ભાઈઓને વડીલો બનવા સુધી પ્રગતિ કરતા જોઈને મને ખૂબ આનંદ થયો. એનાથી અમે સફળ મિશનરિ કાર્ય કરી રહ્યા હોય એમ લાગે છે.
અમે ભૂતકાળ પર નજર કરીએ છીએ ત્યારે, અમને ખૂબ આનંદ થાય છે કે અમે યુવાનીથી યહોવાહની સેવા કરી અને જીવનમાં સત્યને પોતાનું બનાવ્યું છે. નિઃશંક, ઉંમરને કારણે આવતી કમજોરીઓ અમને અસર કરે છે, પરંતુ યહોવાહના માર્ગમાં આગળ વધતા રહેવાથી અમને આનંદ અને સામર્થ્ય મળે છે.
[પાન ૨૬ પર ચિત્ર]
રીઓ ડી જાનેરોમાં નવા નવા ગયા ત્યારે
[પાન ૨૮ પર ચિત્ર]
ન્યૂ બેડફોર્ડ, મેસચ્યુસિટ્સમાં અમારું આત્મિક કુટુંબ