સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિધવા બનેલી બે સ્ત્રીઓએ કેવું અનુભવ્યું?

વિધવા બનેલી બે સ્ત્રીઓએ કેવું અનુભવ્યું?

વિધવા બનેલી બે સ્ત્રીઓએ કેવું અનુભવ્યું?

સાન્ડ્રા ઑસ્ટ્રેલિયામાં રહેતી એક વિધવા છે. થોડાં વર્ષો પહેલાં તેના પતિ મરણ પામ્યા ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે કહે છે, “મેં અચાનક જ મારા સાથી અને ખાસ મિત્રને ગુમાવ્યા છે એ વિચાર આવતા જ હું સૂનમૂન બની ગઈ. હું હૉસ્પિટલમાંથી ઘરે કઈ રીતે ગઈ અથવા એ આખો દિવસ મેં શું કર્યું એ વિષે મને કંઈ જ યાદ આવતું નથી. ત્યાર પછીના થોડાં સપ્તાહો દરમિયાન તો ચિંતાને લીધે મારા શરીરમાં ક્યાંકને ક્યાંક સતત દુખાવો થતો હતો.”

સાન્ડ્રાને ઈલેન નામની એક બહેનપણી છે, તે પણ છ વર્ષથી વિધવા છે. ઈલેનના પતિ ડેવિડને કેન્સર થયું હતું. ઈલેને છેલ્લા છ મહિના તેના પતિની ખૂબ સેવાચાકરી કરી હતી. છેવટે તે મરણ પામ્યા. ઈલેન એટલી દુઃખી થઈ ગઈ કે તેના પતિના મરણ પછી થોડા સમય સુધી તેને અંધાપો આવી ગયો હતો. તે બે વર્ષ પછી બધાની સામે જ ચક્કર આવતા ગબડી પડી. તેના ડૉક્ટરે તેને તપાસી તો તેમને માંદગીનું કોઈ કારણ જોવા ન મળ્યું. તોપણ, તેમને એટલી ખબર પડી ગઈ કે ઈલેને પોતાનું દુઃખ મનમાં જ ભરી રાખ્યું છે. તેથી તેમણે સલાહ આપી કે તે ઘરે જઈને રડી લે અને પોતાનું દુઃખ હળવું કરે. ઈલેન કબૂલે છે, “મારા દુઃખમાંથી બહાર આવવામાં મને ઘણો સમય લાગ્યો,” વધુમાં તે કહે છે કે એકલી પડતી ત્યારે, “હું બેડરૂમમાં જતી રહેતી અને ડેવિડના કપડામાં મારું માથું છૂપાવી દેતી.”

સાચે જ, પોતાના વહાલા સાથીને ગુમાવવાથી દરેક સ્ત્રી અલગ રીતે પ્રત્યાઘાત પાડે છે, કેમ કે વિધવા થવાનો અર્થ પતિ વગર જીવવું જ થતો નથી. દાખલા તરીકે, સાન્ડ્રાને અમુક સમય સુધી એવું લાગ્યું કે તે હવે પહેલા જેવી વ્યક્તિ રહી નથી. તાજેતરમાં વિધવા બનેલી ઘણી સ્ત્રીઓની જેમ, તે પણ પોતાને નિર્બળ અને બેસહારા અનુભવી રહી હતી. સાન્ડ્રા યાદ કરે છે: “હંમેશાં મારા પતિ જ છેલ્લો નિર્ણય લેતા હતા, પરંતુ હવે એકાએક એ બધા નિર્ણયો મારે જ લેવા પડશે. મારી રાતોની ઊંઘ ઊડી ગઈ હતી. હું થાકેલી અને હારેલી હતી. શું કરવું એ જ સમજ પડતી ન હતી.”

સાન્ડ્રા અને ઈલેનની જેમ આજે આખા જગતમાં દરરોજ કેટલીય સ્ત્રીઓ વિધવા બને છે. માંદગી, અકસ્માત, યુદ્ધ, કોમી હત્યા અને હિંસા જેવી બાબતોને કારણે વિધવા સ્ત્રીઓની સંખ્યા વધતી જ જાય છે. * આમાંની ઘણી વિધવાઓને શું કરવું એની ખબર પડતી ન હોવાથી તેઓ મનમાંને મનમાં સહન કરતી હોય છે. વિધવા બનેલી સ્ત્રીઓને મિત્રો અને સગાવહાલાઓ કઈ રીતે મદદ કરી શકે? હવે પછીના લેખમાં એ વિષયમાં મદદરૂપ બને એવા કેટલાંક સૂચનો આપવામાં આવ્યાં છે.

[ફુટનોટ]

^ જે સ્ત્રીઓના પતિ તેઓને છોડીને જતા રહ્યા હોય તેઓની હાલત પણ વિધવા જેવી જ હોય છે. જોકે, જુદા થવું કે છૂટાછેડા લેવા એની અલગ સમસ્યાઓ હોય છે છતાં, આવા સંજોગોમાં પણ સ્ત્રીઓને કઈ રીતે મદદ કરી શકાય એના કેટલાક સિદ્ધાંતો આવતા લેખમાં ચર્ચવામાં આવશે.