સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરે ચાલવા દીધેલાં દુ:ખોનો જલદી જ અંત

પરમેશ્વરે ચાલવા દીધેલાં દુ:ખોનો જલદી જ અંત

પરમેશ્વરે ચાલવા દીધેલાં દુ:ખોનો જલદી જ અંત

તમે જ્યાં જુઓ ત્યાં, લોકો દુઃખી જોવા મળે છે. કેટલાક લોકો પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે. જેમ કે તેઓ જાતીયતાથી થતા રોગોનો ભોગ બને છે. વળી કેટલાક ડ્રગ્સ, દારૂ કે ધૂમ્રપાનના વ્યસનથી તેમ જ ખાવામાં નિષ્કાળજી રાખવાથી બીમારીનો ભોગ બને છે. યુદ્ધ, હિંસક કોમી રમખાણો, ગુના, ગરીબી, ભૂખમરો અને રોગચાળાથી માણસજાત પર જે દુઃખ આવે છે એ કોઈ દૂર કરી શકે એમ નથી. વૃદ્ધાવસ્થા અને મરણથી થતા દુઃખને દૂર કરવું તો માણસના ગજા બહારની વાત છે.

બાઇબલ આપણને ખાતરી આપે છે કે “દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) તો પછી, શા માટે પ્રેમાળ પરમેશ્વરે સદીઓથી દુઃખોને ચાલવા દીધાં છે? તે ક્યારે એનો અંત લાવશે? આ પ્રશ્નોના જવાબ મેળવતા પહેલાં એ જાણવાની જરૂર છે કે માણસજાત માટે પરમેશ્વરનો હેતુ શું હતો. એ આપણને સમજવામાં મદદ કરશે કે શા માટે પરમેશ્વરે દુઃખોને ચાલવા દીધાં છે અને તે એના વિષે શું કરશે.

સ્વતંત્ર ઇચ્છાની ભેટ

પરમેશ્વરે પ્રથમ, આદમ અને હવાને ઉત્પન્‍ન કર્યા ત્યારે, તેમણે તેઓને ફક્ત શરીર અને મગજ જ આપ્યા ન હતા. તેમ જ, તેમણે તેઓને એક રોબૉટ તરીકે બનાવ્યા ન હતા. વાસ્તવમાં યહોવાહે તેઓને સ્વતંત્ર ઇચ્છા આપી હતી. વળી, એ ઉત્તમ ભેટ હતી કારણ કે “દેવે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેણે જોયું; અને જુઓ, તે ઉત્તમોત્તમ” હતું. (ઉત્પત્તિ ૧:૩૧) હા, ‘તેમનું કામ સંપૂર્ણ છે.’ (પુનર્નિયમ ૩૨:૪) આપણે સર્વ આ સ્વતંત્રતાની કદર કરીએ છીએ કારણ કે આપણે ઇચ્છતા નથી કે આપણે રોબૉટની જેમ વિચારીએ અને કાર્ય કરીએ.

તેમ છતાં, શું આ સ્વતંત્રતાનો મનફાવે તેમ ઉપયોગ કરવાનો હતો? શરૂઆતના ખ્રિસ્તીઓને આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર, પરમેશ્વરનો શબ્દ બતાવે છે: “સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવાને માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ દેવના સેવકોને શોભે તેમ વર્તો.” (૧ પીતર ૨:૧૬) સર્વના ભલા માટે, મર્યાદા તો હોવી જ જોઈએ. તેથી, સ્વતંત્ર ઇચ્છા નિયમ પર આધારિત હતી, નહિતર કોઈ પ્રકારની વ્યવસ્થા જળવાય જ નહિ.

કોનો નિયમ?

કોના નિયમ પ્રમાણે સ્વતંત્રતાની હદ નક્કી કરી શકાય? એ પ્રશ્નનો જવાબ, એના પર આધારિત છે કે શા માટે પરમેશ્વરે દુઃખોને ચાલવા દીધાં છે. જોકે એની પાછળ મહત્ત્વનું કારણ રહેલું છે. પરમેશ્વરે માણસજાતને ઉત્પન્‍ન કરી હોવાથી, તે જાણે છે કે આપણા દરેક માટે કયા નિયમો સારા છે. બાઇબલ કહે છે: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.”—યશાયાહ ૪૮:૧૭.

દેખીતી રીતે મહત્ત્વનો મુદ્દો એ છે કે માનવીઓને પરમેશ્વરથી સ્વતંત્ર રહે એ રીતે ઉત્પન્‍ન કરવામાં આવ્યા ન હતા. પરમેશ્વરે તેઓને એ રીતે ઉત્પન્‍ન કર્યા હતા કે તેઓ તેમના ન્યાયી નિયમોને આધીન રહે તો જ સફળતા અને સુખ મેળવે. પરમેશ્વરના પ્રબોધક યિર્મેયાહે કહ્યું: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”—યિર્મેયાહ ૧૦:૨૩.

પરમેશ્વરે માણસજાતને તેમના કુદરતી નિયમોને આધીન રહેવા બનાવ્યા હતા, જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ. એવી જ રીતે, તેમણે માણસને નૈતિક નિયમોને આધીન રહેવા બનાવ્યા હતા, જેથી લોકો હળીમળીને રહી શકે. તેથી આપણા ભલા માટે જ પરમેશ્વરનો શબ્દ આપણને વિનંતિ કરે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.”—નીતિવચન ૩:૫.

આમ, માણસજાત ક્યારેય પરમેશ્વરના માર્ગદર્શન વગર સફળ થઈ શકે એમ નથી. પરમેશ્વરથી સ્વતંત્ર બનવા માટે લોકોએ સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થાઓ તથા અલગ અલગ ધર્મો બનાવ્યા છે. પરંતુ તેઓ એકબીજાની વિરુદ્ધમાં છે. વળી, ‘માણસે બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવી છે.’—સભાશિક્ષક ૮:૯.

ક્યાં ખોટું થયું?

પરમેશ્વરે પ્રથમ માબાપ આદમ અને હવાને એકદમ સંપૂર્ણ શરૂઆત આપી હતી. તેઓનાં શરીર અને મન સંપૂર્ણ હતાં અને એદન બાગમાં તેઓનું સુંદર ઘર પણ હતું. જો તેઓએ પરમેશ્વરની સત્તાને સ્વીકારી હોત તો, તેઓ સંપૂર્ણ અને આનંદિત રીતે રહી શક્યા હોત. સમય જતાં, તેઓ પારાદેશ પૃથ્વી પર રહેતા હોત એટલું જ નહિ, પરંતુ તેઓ સંપૂર્ણ અને સુખી માનવ પરિવારના માબાપ બની શક્યા હોત. માણસજાત માટે પરમેશ્વરનો મૂળ હેતુ એ જ હતો.—ઉત્પત્તિ ૧:૨૭-૨૯; ૨:૧૫.

તેમ છતાં, આપણા મૂળ પૂર્વજોએ પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો. તેઓએ એમ વિચાર્યું કે પરમેશ્વરથી સ્વતંત્ર રહીને તેઓ જરૂર સફળ થઈ શકશે. પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને તેઓ પરમેશ્વરે આપેલા નિયમની બહાર ગયા. (ઉત્પત્તિ અધ્યાય ૩) પરમેશ્વરના શાસનને ત્યજી દીધું હોવાથી તેઓ અપૂર્ણ બન્યા. ‘તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા, તેઓ તેમના છોકરાં રહ્યા નહિ, એ તેઓની એબ હતી.’—પુનર્નિયમ ૩૨:૫.

આદમ અને હવા પરમેશ્વરને અનાજ્ઞાંકિત બન્યા ત્યારથી, તેઓનાં શરીર અને મનનું પતન થવા લાગ્યું કેમ કે યહોવાહ જીવનનો ઝરો છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) પ્રથમ માનવ યુગલે પોતાને યહોવાહથી અલગ કર્યું હોવાથી અપૂર્ણ બન્યું અને છેવટે મરણ પામ્યું. (ઉત્પત્તિ ૩:૧૯) વારસદારના નિયમ અનુસાર, બાળકો પોતાનાં માબાપ પાસે જે હોય એ જ મેળવી શકે. તોપછી તેઓએ વારસામાં શું મેળવ્યું? અપૂર્ણતા અને મરણ. એ કારણે, પ્રેષિત પાઊલે લખ્યું: “એક માણસ [આદમ]થી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.”—રૂમી ૫:૧૨.

મુખ્ય વાદવિષય—સર્વોપરિતા

આદમ અને હવાએ પરમેશ્વર વિરુદ્ધ બળવો પોકાર્યો ત્યારે, તેઓએ તેમની સર્વોપરિતા અર્થાત્‌ તેમના શાસન વિરુદ્ધ બળવો પોકાર્યો. યહોવાહ પરમેશ્વર તેઓનો નાશ કરીને બીજું યુગલ બનાવીને ફરીથી શરૂઆત કરી શક્યા હોત. પરંતુ એનાથી શાસન કરવાને કોણ યોગ્ય છે એ વાદવિષય થાળે પડ્યો ન હોત. માનવીઓને પોતાના વિચારો પ્રમાણે જીવવા દીધા એટલે તેઓને એ બતાવવાની તક મળી કે તેઓ પરમેશ્વરના શાસન વગર સફળ થઈ શકે કે નહિ.

હજારો વર્ષથી માનવ ઇતિહાસ શું બતાવે છે? સદીઓથી લોકો સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થાઓ તથા અલગ અલગ ધર્મ અજમાવી રહ્યા છે. તેમ છતાં, દુષ્ટતા અને દુઃખ તો ચાલુને ચાલુ જ છે. હકીકતમાં, ખાસ કરીને આપણા સમયમાં ‘દુષ્ટ માણસો વિશેષ દુરાચાર કરતા’ જાય છે.—૨ તીમોથી ૩:૧૩.

વીસમી સદીમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વધારે પ્રગતિ જોવા મળી હતી. પરંતુ સમગ્ર માનવ ઇતિહાસમાં આ સદીમાં જ વધારે લોકોએ દુઃખ ભોગવ્યું છે. ભલેને પછી ગમે એટલી તબીબી પ્રગતિ કરવામાં આવી હોય છતાં, પરમેશ્વરનો નિયમ હજુ પણ પહેલાં જેટલો જ સાચો છે: માનવીઓ જીવન આપનાર પરમેશ્વરથી અલગ રહીને માંદગી, વૃદ્ધાવસ્થા અને મરણથી છુટકારો મેળવી શકતા નથી. તેથી, એ કેટલું સ્પષ્ટ થાય છે કે માણસજાત ‘પોતાના પગલાં ગોઠવી’ શકે એમ નથી!

પરમેશ્વરની સર્વોપરિતા જાહેર કરાઈ

એનાથી પૂરેપૂરી રીતે સાબિત થઈ ગયું કે પરમેશ્વરથી સ્વતંત્ર રહીને માણસજાત કદી સફળ રીતે રાજ કરી શકે એમ નથી. પરમેશ્વરની સત્તા જ, સુખ, એકતા, સારી તંદુરસ્તી અને જીવન આપી શકે છે. વધુમાં, યહોવાહ પરમેશ્વરનો અફર શબ્દ, બાઇબલ બતાવે છે કે આપણે પરમેશ્વરથી સ્વતંત્ર માનવ સરકારના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧-૫) યહોવાહે દુષ્ટતા અને યાતનાને આપેલી પરવાનગીનો અંત હવે એદકમ નજીક છે.

પરમેશ્વર જલદી જ માનવ વ્યવહારમાં દરમિયાનગીરી કરશે. બાઇબલ આપણને જણાવે છે: “તે રાજાઓની કારકિર્દીમાં [હાલની માનવ સરકારો] આકાશનો દેવ [સ્વર્ગમાં] એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ [ફરી કદી પણ માનવ સરકાર પૃથ્વી પર રાજ કરશે નહિ]; પણ તે આ સઘળાં રાજ્યોને [હાલની સરકારોને] ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”—દાનીયેલ ૨:૪૪.

સ્વર્ગીય રાજ્ય દ્વારા યહોવાહની સર્વોપરિતાને દોષમુક્ત કરવામાં આવશે એ બાઇબલનો મુખ્ય વિષય છે. ઈસુએ પોતાના શિક્ષણમાં એના પર વધુ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માત્થી ૨૪:૧૪.

પરમેશ્વરની સરકાર માનવીય શાસન હાથમાં લેશે ત્યારે, કોણ બચશે અને કોણ નહિ બચે? નીતિવચન ૨:૨૧, ૨૨ આપણને ખાતરી આપે છે કે, “સદાચારીઓ [પરમેશ્વરની સત્તા સ્વીકારનાર] દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો [પરમેશ્વરની સત્તા ન સ્વીકારનારાઓ] દેશ પરથી નાબૂદ થશે.” પરમેશ્વરથી પ્રેરણા પામીને ગીતશાસ્ત્રના લેખકે લખ્યું: “કેમકે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. . . . નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯.

અદ્‍ભુત નવી દુનિયા

પરમેશ્વરના રાજ્ય હેઠળ, વર્તમાન દુષ્ટ જગતમાંથી બચી જનારાઓ, દુષ્ટતા અને દુઃખોથી મુક્ત થઈને ન્યાયી નવી દુનિયામાં પ્રવેશશે. લોકોને પરમેશ્વરનું માર્ગદર્શન આપવામાં આવશે. તે સમયે “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયાહ ૧૧:૯) આ નૈતિક રીતે દૃઢ કરનાર, મદદરૂપ શિક્ષણથી માનવ સમાજમાં સાચે જ શાંતિ અને એકતા આવશે. આમ, ત્યાં યુદ્ધ, ખૂન, હિંસા, બળાત્કાર, ચોરી કે બીજા કોઈ પણ પ્રકારના ગુનાઓ નહિ હોય.

પરમેશ્વરની નવી દુનિયામાં રહેતી આજ્ઞાંકિત માણસજાત ભરપૂર આશીર્વાદો માણશે. ત્યાં પરમેશ્વરના શાસનની વિરુદ્ધ જનાર કોઈ હશે નહિ. અપૂર્ણતા, માંદગી, વૃદ્ધાવસ્થા અને મરણ પણ હશે નહિ. બાઇબલ આપણને ખાતરી આપે છે: “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” વધુમાં, બાઇબલ વચન આપે છે: “ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે.” (યશાયાહ ૩૩:૨૪; ૩૫:૫, ૬) હંમેશ માટે તંદુરસ્ત જીવનનો આનંદ માણવાનો કેવો રોમાંચ!

પરમેશ્વરના પ્રેમાળ માર્ગદર્શન હેઠળ, નવી દુનિયાના રહેવાસીઓ પૃથ્વીને બગીચા જેવી બનાવવામાં પોતાની શક્તિ અને કુશળતાઓનો ઉપયોગ કરશે. ગરીબી, ભૂખમરો અને રહેઠાણની સમસ્યાઓ હંમેશ માટે જતી રહેશે, કેમ કે યશાયાહની ભવિષ્યવાણી બતાવે છે: “વળી તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ.” (યશાયાહ ૬૫:૨૧, ૨૨) ખરેખર, “તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.”—મીખાહ ૪:૪.

પૃથ્વી ખરેખર પરમેશ્વરના આશીર્વાદથી અને આજ્ઞાંકિત માણસજાતની મહેનતથી ફૂલશેફાલશે. આપણને બાઇબલની આ કલમ ખાતરી આપે છે: “અરણ્ય તથા સૂકી ભૂમી હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. . . . અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.” (યશાયાહ ૩૫:૧,) “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની પેઠે ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની પેઠે વધશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.

પરંતુ મરણ પામેલા અબજો લોકો વિષે શું? પરમેશ્વરના સ્મરણમાં રહેલા “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) હા, મરણ પામેલી વ્યક્તિઓને ફરીથી જીવંત કરવામાં આવશે. તેઓને પણ પરમેશ્વરના શાસન વિષેના સત્યની અદ્‍ભુત બાબતો શીખવવામાં આવશે અને હંમેશ માટે બગીચા જેવી પૃથ્વી પર રહેવા દેવાની તક આપવામાં આવશે. —યોહાન ૫:૨૮, ૨૯.

આ રીતે, યહોવાહ પરમેશ્વર દરેક પ્રકારનું દુઃખ, માંદગી અને મરણ હંમેશ માટે કાઢી નાખશે, કારણ કે મરણ હજારો વર્ષથી માણસ પર રાજ કરતું આવ્યું છે. કોઈ વ્યક્તિ બીમાર હશે નહિ! કોઈ વ્યક્તિ અપંગ હશે નહિ! કોઈ વ્યક્તિ મરણ પામશે નહિ! કેમ કે પરમેશ્વર ‘તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેશે.’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

એ રીતે પરમેશ્વર દુઃખોનો અંત લાવશે. તે આ ભ્રષ્ટ જગતનો અંત લાવીને એકદમ નવી વ્યવસ્થા લાવશે, જેમાં ‘ન્યાયીપણું વસશે.’ (૨ પીતર ૩:૧૩) કેવા સારા સમાચાર! આપણને નવી દુનિયાની ખરેખર જરૂર છે અને એ માટે આપણે લાંબો સમય રાહ જોવાની જરૂર નથી. બાઇબલ ભવિષ્યવાણીઓની પરિપૂર્ણતાથી આપણે જાણીએ છીએ કે નવી દુનિયા આંગણે જ ઊભી છે. જોકે પરમેશ્વરે દુઃખને ચાલવા દીધું છે પરંતુ એનો અંત એકદમ નજીક છે.—માત્થી ૨૪:૩-૧૪.

[પાન ૮ પર બોક્સ]

માનવ શાસનની નિષ્ફળતાઓ

માનવ શાસન વિષે, ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર હૅલ્યુટ્‌ સુડીથે કહ્યું: “આપણે માનવીઓએ . . . ફક્ત અમુક અંશે જ જગત પર રાજ કર્યું છે અને એ પણ મોટા ભાગે બહુ જ ખરાબ રીતે. . . . આપણે ક્યારેય શાંતિપૂર્ણ શાસન કર્યું નથી.” હ્યુમન ડેવલોપમેન્ટ રીપોટૅ ૧૯૯૯એ નોંધ્યું: “બધા જ દેશો જણાવે છે કે તેઓનો સમાજ બહુ જ બગડી રહ્યો છે, ક્યાંય શાંતિ નથી, ગુનાઓ વધી રહ્યા છે, કુટુંબોમાં મારપીટનું પ્રમાણ વધી રહ્યું છે. . . . પૃથ્વીનો નાશ થવાનો ભય વધી રહ્યો છે, એના વિષે કોઈ દેશો કંઈ કરી શકે એમ નથી તેમ જ બધા દેશો ભેગા મળીને પણ એ પરિસ્થતિને કાબૂમાં લાવી શકે એમ નથી.”

[પાન ૮ પર ચિત્રો]

“પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧

[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

ઉપરથી ત્રીજું, માતા અને બાળક: FAO photo/B. Imevbore; નીચે, બૉમ્બ ધડાકો: U.S. National Archives photo