સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મહાન કાર્યો માટે યહોવાહની સ્તુતિ કરો!

મહાન કાર્યો માટે યહોવાહની સ્તુતિ કરો!

મહાન કાર્યો માટે યહોવાહની સ્તુતિ કરો!

“મારો જીવ પ્રભુને મોટો માને છે, . . . કેમકે પરાક્રમીએ મારે સારૂ મહાન કૃત્યો કર્યાં છે.”—લુક ૧:૪૬-૪૯.

૧. કયાં મહાન કાર્યો માટે આપણે યહોવાહની સ્તુતિ કરીએ છીએ?

 યહોવાહ પરમેશ્વરે મહાન કાર્યો કર્યાં હોવાથી આપણે તેમની સ્તુતિ કરવા પ્રેરાઈએ છીએ. પ્રબોધક મુસાએ મિસરમાંથી ઈસ્રાએલીઓના છુટકારા વિષે જણાવ્યા પછી, જાહેર કર્યું: “યહોવાહે કરેલાં સર્વ મહાન કૃત્યો તમે નજરે જોયાં છે.” (પુનર્નિયમ ૧૧:૧-૭) એવી જ રીતે, ગાબ્રીએલ દૂતે કુંવારી મરિયમને ઈસુના જન્મ વિષે જણાવ્યું ત્યારે, તેણે કહ્યું: “મારો જીવ પ્રભુને મોટો માને છે, . . . કેમકે પરાક્રમીએ મારે સારૂ મહાન કૃત્યો કર્યાં છે.” (લુક ૧:૪૬-૪૯) હા, યહોવાહે ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા અને ચમત્કારીક રીતે પોતાના પુત્રને પૃથ્વી પર મોકલ્યા. એ મહાન કાર્યો જોઈને, યહોવાહના સાક્ષીઓ તરીકે આપણે ખરેખર તેમની સ્તુતિ કરીએ છીએ.

૨. (ક) પરમેશ્વરે ‘સનાતન કાળથી કરેલા સંકલ્પનો’ આજ્ઞાંકિત માણસજાત માટે શું અર્થ થાય છે? (ખ) પાત્મસ ટાપુ પર યોહાનને કયો અનુભવ થયો?

યહોવાહનાં ઘણાં મહાન કાર્યો ‘સનાતન કાળથી કરેલા સંકલ્પ’ સાથે સંકળાયેલાં છે. એ સંકલ્પ અથવા હેતુ, મસીહ અને તેમના રાજ્ય દ્વારા આજ્ઞાંકિત માણસોને આશીર્વાદ આપવાનો છે. (એફેસી ૩:૮-૧૩) વૃદ્ધ પ્રેષિત યોહાનને સંદર્શનમાં, સ્વર્ગના ખુલ્લા દરવાજામાંથી જે બની રહ્યું હતું એ જોવાની પરવાનગી મળી ત્યારે, એ હેતુ પૂરો થઈ રહ્યો હતો. તેમણે રણશિંગડા જેવો અવાજ સાંભળ્યો: “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવાનું જ છે તે હું તને દેખાડીશ.” (પ્રકટીકરણ ૪:૧) રોમન સરકારે “દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે” યોહાનને પાત્મસ ટાપુ પર દેશનિકાલ કર્યા ત્યારે, તેમણે ‘ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રકટીકરણ’ મેળવ્યું. પ્રેષિત યોહાને જે જોયું અને સાંભળ્યું, એનાથી પરમેશ્વરના અનંતકાળના હેતુ વિષે ઘણું પ્રગટ થયું. હકીકતમાં, એનાથી સર્વ સાચા ખ્રિસ્તીઓને આત્મિક જાણકારી અને સમયસરનું ઉત્તેજન મળે છે.—પ્રકટીકરણ ૧:૧, ૯, ૧૦.

૩. પ્રેષિત યોહાને સંદર્શનમાં જોયેલા ૨૪ વડીલો કોને રજૂ કરે છે?

સ્વર્ગના ખુલ્લા દરવાજામાંથી યોહાને શું જોયું? તેમણે ૨૪ વડીલોને, રાજાઓ તરીકે મુગટ પહેરીને રાજ્યાસન પર બેઠેલા જોયા. તેઓ પરમેશ્વરને પગે પડ્યા અને કહ્યું: “ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમકે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.” (પ્રકટીકરણ ૪:૧૧) આ વડીલો સજીવન થયેલા સર્વ અભિષિક્ત ખ્રિસ્તીઓને રજૂ કરે છે, જેઓ પરમેશ્વરે વચન આપેલી ઉચ્ચ પદવીએ છે. યહોવાહે સૃષ્ટિને લગતાં જે મહાન કાર્યો કર્યાં છે એનાથી તેઓ તેમની સ્તુતિ કરવા પ્રેરાયા છે. આપણે પણ યહોવાહના ‘સનાતન પરાક્રમ અને દેવત્વનો’ પુરાવો જોઈને પ્રભાવિત થઈએ છીએ. (રૂમી ૧:૨૦) આપણે યહોવાહ વિષે વધારે શીખીએ છીએ તેમ, તેમનાં મહાન કાર્યોને લીધે તેમની વધારે સ્તુતિ કરવા પ્રેરાઈએ છીએ.

યહોવાહનાં પ્રશંસાપાત્ર કાર્યો જાહેર કરો!

૪, ૫. દાઊદે કઈ રીતે યહોવાહની સ્તુતિ કરી એના ઉદાહરણ આપો.

ગીતશાસ્ત્રના લેખક દાઊદે મહાન કાર્યો માટે યહોવાહની સ્તુતિ કરી. દાખલા તરીકે, દાઊદે ગાયું: “યહોવાહ સિયોનમાં રહે છે, તેનાં સ્તોત્ર ગાઓ; લોકોમાં તેનાં કૃત્યો જાહેર કરો. હે યહોવાહ, મારા પર દયા કર; મોતના દ્વારથી મને ઉઠાડનાર, મારા દ્વેષ કરનારા મને દુઃખ દે છે તે તું જો; કે સિયોનની દીકરીની ભાગળોમાં હું તારાં પૂરેપૂરાં વખાણ કરૂં.” (ગીતશાસ્ત્ર ૯:૧૧, ૧૩, ૧૪) દાઊદે પોતાના પુત્ર સુલેમાનને મંદિરનો નમૂનો બતાવ્યા પછી આશીર્વાદ આપ્યો અને પરમેશ્વરની સ્તુતિ કરતા કહ્યું: “હે યહોવાહ, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તારાં છે, . . . હે યહોવાહ, રાજ્ય તારૂં છે, ને સર્વોપરી અધિકાર પણ તારો છે. . . . હે અમારા દેવ, અમે તારો આભાર માનીએ છીએ, ને તારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ.”—૧ કાળવૃત્તાંત ૨૯:૧૦-૧૩.

હા, શાસ્ત્રવચનો વારંવાર આપણને દાઊદની જેમ પરમેશ્વરની સ્તુતિ કરવાનું આમંત્રણ આપે છે અને વિનંતી પણ કરે છે. ગીતશાસ્ત્રના પુસ્તકમાં પરમેશ્વરની સ્તુતિનાં ઘણાં ગીતો જોવાં મળે છે. એમાંના લગભગ અડધાં ગીતો દાઊદે ગાયાં છે. તે સતત યહોવાહની સ્તુતિ કરે છે અને તેમનો આભાર માને છે. (ગીતશાસ્ત્ર ૬૯:૩૦) વધુમાં, પ્રાચીન સમયથી દાઊદ અને બીજાઓના ઈશ્વર પ્રેરિત ગીતોથી યહોવાહની સ્તુતિ કરવામાં આવે છે.

૬. પ્રેરિત ગીતો આપણા માટે કેટલાં ઉપયોગી સાબિત થાય છે?

યહોવાહના ઉપાસકો માટે આ ગીતો કેટલાં ઉપયોગી છે! પરમેશ્વરે આપણા માટે જે મહાન કાર્યો કર્યાં છે એનો આભાર માનવા, આપણે ગીતશાસ્ત્રના સુંદર શબ્દો કહી શકીએ. દાખલા તરીકે, દરરોજ સવારે આપણે આમ પ્રાર્થના કરી શકીએ: “યહોવાહની ઉપકારસ્તુતિ કરવી, ને, હે પરાત્પર, તારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારૂં છે. . . . સવારે તારી કૃપા અને રાત્રે તારૂં વિશ્વાસુપણું પ્રગટ કરવાં તે સારૂં છે. . . . કેમકે, હે યહોવાહ, તેં તારાં કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; તારા હાથે કરેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.” (ગીતશાસ્ત્ર ૯૨:૧-૪) આત્મિક પ્રગતિમાં આવતા નડતરોને આંબીએ ત્યારે, દાઊદની જેમ આપણે પણ પ્રાર્થનામાં આનંદ અને આભારસ્તુતિ વ્યક્ત કરી શકીએ. તેમણે ગાયું: “આવો, આપણે યહોવાહની આગળ ગાઈએ; આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાસ્તુતિ સાથે તેના હજૂરમાં આવીએ, અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ.”—ગીતશાસ્ત્ર ૯૫:૧, ૨.

૭. (ક) ખ્રિસ્તીઓ જે ગીતો ગાય છે એનું શું મહત્ત્વ છે? (ખ) સભાઓમાં જલદી આવવાનું અને સમાપ્તિ સુધી રહેવાનું એક કારણ શું છે?

આપણે મંડળની સભાઓમાં અને સંમેલનોમાં યહોવાહની સ્તુતિ કરવા મોટા અવાજે ગીતો ગાઈએ છીએ. ખાસ બાબત એ છે કે એમાંનાં ઘણાં ગીતો ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી છે જે દૈવી પ્રેરણાથી રચવામાં આવ્યાં છે. આજે યહોવાહની દિલથી સ્તુતિ કરવા આપણી પાસે ગીતોનું પુસ્તક હોવાથી આપણે કેટલા ખુશ છીએ! પરમેશ્વરની સ્તુતિ કરતા ગીત ગાવાં આપણે સભાઓમાં વહેલા આવવું જોઈએ અને સમાપ્તિ સુધી હાજર રહેવું જોઈએ. આમ કરવાથી આપણે સાથી વિશ્વાસુઓ સાથે ગીત અને પ્રાર્થના સહિત યહોવાહની સ્તુતિ કરવામાં જોડાઈએ છીએ.

“તમે યહોવાહની સ્તુતિ કરો!”

૮. “હાલેલુયાહ” શબ્દ શું સૂચવે છે અને એનું ભાષાંતર કઈ રીતે કરવામાં આવે છે?

હેબ્રી ભાષામાં “હાલેલુયાહ” યહોવાહની સ્તુતિ કરવાને સૂચવે છે. મોટા ભાગે એનું આ રીતે ભાષાંતર કરવામાં આવ્યું છે: “યહોવાહની સ્તુતિ કરો.” દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૧૩૫:૧-૩માં આવું પ્રેમાળ આમંત્રણ મળે છે: “યહોવાહની સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો: હે યહોવાહના સેવકો, તમે તેની સ્તુતિ કરો; યહોવાહનાં મંદિરમાં, આપણા દેવના મંદિરનાં આંગણાંમાં ઊભા રહેનારા તેની સ્તુતિ કરો. તમે યહોવાહની સ્તુતિ કરો, કેમકે યહોવાહ ઉત્તમ છે; તેના નામની સ્તુતિ ગાઓ, કેમકે તેમ કરવું આનંદદાયક છે.”

૯. શા માટે આપણે યહોવાહની સ્તુતિ કરવા પ્રેરાઈએ છીએ?

યહોવાહે ઉત્પન્‍ન કરેલી અદ્‍ભુત સૃષ્ટિ અને આપણા માટે તેમણે કરેલાં મહાન કાર્યો પર વિચાર કરીએ તેમ, આપણે હૃદયથી તેમની સ્તુતિ કરવા પ્રેરાઈએ છીએ. યહોવાહે અગાઉ પોતાના લોકો માટે કરેલાં અદ્‍ભુત કાર્યો પર પણ વિચાર કરીએ ત્યારે, એ આપણને હૃદયથી તેમની સ્તુતિ કરવા પ્રેરે છે. એ ઉપરાંત, યહોવાહ ભવિષ્યમાં જે મહાન વચનો પૂરાં કરશે, એના પર મનન કરીએ ત્યારે, આપણે તેમનો આભાર માનવા અને સ્તુતિ કરવા હજુ વધારે પ્રેરાઈએ છીએ.

૧૦, ૧૧. આપણું અસ્તિત્વ કઈ રીતે પરમેશ્વરની સ્તુતિ કરવા પ્રેરે છે?

૧૦ આપણું અસ્તિત્વ જ આપણને તેમની સ્તુતિ કરવા મહત્ત્વનું કારણ આપે છે. દાઊદે ગાયું: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી [યહોવાહની] ઉપકારસ્તુતિ કરીશ; તારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારીપેઠે જાણે છે.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪) હા, આપણને “આશ્ચર્ય પમાડે એવી રીતે રચવામાં” આવ્યા છે. તેમ જ, આપણને આંખ, કાન અને વિચારવાની શક્તિ જેવી કીમતી ભેટો પણ આપવામાં આવી છે. તેથી, શું આપણે એવી રીતે ન જીવવું જોઈએ જેનાથી પરમેશ્વરને મહિમા મળે? પાઊલે પણ એવું જ લખ્યું: “તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો.”—૧ કોરીંથી ૧૦:૩૧.

૧૧ આપણે યહોવાહને ચાહતા હોઈશું તો યહોવાહને મહિમા મળે એ સર્વ કરીશું. ઈસુએ પ્રથમ આજ્ઞા આપી: “તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર.” (માર્ક ૧૨:૩૦; પુનર્નિયમ ૬:૫) આપણે યહોવાહને પ્રેમ કરવો જોઈએ, તેમ જ આપણા ઉત્પન્‍નકર્તા તરીકે અને ‘દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાનના’ આપનાર તરીકે તેમની સ્તુતિ કરવી જોઈએ. (યાકૂબ ૧:૧૭; યશાયાહ ૫૧:૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮) એમ કરવું વાજબી છે કેમ કે આપણી સમજશક્તિ, આત્મિક સમજણ, આપણા ગુણો અને ક્ષમતાઓ બધું જ યહોવાહ તરફથી છે. તેથી, આપણા ઉત્પન્‍નકર્તા તરીકે ફક્ત તેમની જ સ્તુતિ કરવી જોઈએ.

૧૨. ગીતશાસ્ત્ર ૪૦:૫ના શબ્દો અને યહોવાહનાં મહાન કાર્યો વિષે તમને કેવું લાગે છે?

૧૨ યહોવાહનાં મહાન કાર્યો આપણને તેમની ભક્તિ અને સ્તુતિ કરવાનાં અગણિત કારણો આપે છે. દાઊદે સ્તુતિ કરતા કહ્યું: “હે યહોવાહ મારા દેવ, તારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તારા વિચારો એટલાં બધાં છે, કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.” (ગીતશાસ્ત્ર ૪૦:૫) દાઊદ યહોવાહના સર્વ અદ્‍ભુત કાર્યો ગણી શક્યા નહિ અને આપણે પણ ગણી શકીશું નહિ. પરંતુ તેમનાં કોઈ પણ કાર્ય પર આપણું ધ્યાન દોરાય ત્યારે, ચાલો આપણે તેમની સ્તુતિ કરીએ.

પરમેશ્વરનો અનંતકાળનો હેતુ અને કાર્યો

૧૩. કઈ રીતે આપણી આશા યહોવાહનાં મહાન કાર્યો પર આધારિત છે?

૧૩ આપણા ભવિષ્યની આશા પરમેશ્વરના અનંતકાળના હેતુ સાથે સંકળાયેલાં તેમના મહાન અને પ્રશંસનીય કાર્યો પર આધારિત છે. એદન બાગમાં થયેલા બંડ પછી યહોવાહે આશાથી ભરપૂર ભવિષ્યવાણી કરી. શેતાનને સજા ફટકારતા પરમેશ્વરે કહ્યું: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત્પત્તિ ૩:૧૫) એ વચનના સંતાનની આશાનું કિરણ, નુહ અને તેમના કુટુંબ જેવા વિશ્વાસુ માનવીઓના હૃદયમાં જીવંત હતું, જેઓને જળપ્રલયમાંથી બચાવીને યહોવાહે મહાન કાર્ય કર્યું હતું. એ જળપ્રલયે એ સમયના દુષ્ટ જગતનો નાશ કર્યો હતો. (૨ પીતર ૨:૫) ભવિષ્યવાણી દ્વારા ઈબ્રાહીમ અને દાઊદ જેવા વિશ્વાસુ સેવકોને જે વચનો આપવામાં આવ્યાં, એનાથી વધુ સમજણ મળી કે યહોવાહ એ સંતાનથી કઈ રીતે હેતુ પૂરો પાડવાના છે.—ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮; ૨ શમૂએલ ૭:૧૨.

૧૪. માણસજાત માટે યહોવાહે જે મહાન કાર્યો કર્યાં એનો સર્વોત્તમ પુરાવો કયો છે?

૧૪ યહોવાહે પોતાના એકના એક દીકરા, વચનનું સંતાન એટલે કે ઈસુ ખ્રિસ્તને ખંડણીરૂપે આપ્યા. એમાં યહોવાહ માણસજાત માટે મહાન કાર્યો કરે છે એનો એક સર્વોત્તમ પુરાવો જોવા મળે છે. (યોહાન ૩:૧૬; પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૯-૩૬) આ ખંડણીના આધારે માણસજાત ફરીથી પરમેશ્વર સાથે સારો સંબંધ બાંધી શકે છે. (માત્થી ૨૦:૨૮; રૂમી ૫:૧૧) યહોવાહે એ ગોઠવણનો લાભ, સૌ પ્રથમ પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.માં સ્થપાયેલા ખ્રિસ્તી મંડળના સેવકોને આપ્યો. પવિત્ર આત્માની મદદથી તેઓએ દૂર દૂર સુધી સુસમાચારનો પ્રચાર કર્યો. તેઓએ લોકોને બતાવ્યું કે ઈસુના મરણ અને સજીવન થવાને કારણે આજ્ઞાંકિત માણસોને કઈ રીતે પરમેશ્વરના સ્વર્ગીય રાજ્ય દ્વારા હંમેશ માટે જીવવાનો આશીર્વાદ મળશે.

૧૫. કઈ રીતે યહોવાહે આપણા દિવસોમાં અદ્‍ભુત કાર્યો કર્યાં છે?

૧૫ આપણા દિવસોમાં પણ યહોવાહે છેલ્લા અભિષિક્ત ખ્રિસ્તીઓને એકઠા કરવા અદ્‍ભુત રીતે કાર્ય કર્યું છે. દૂતે વિનાશકારી પવનને રોક્યો છે, જેથી ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં શાસન કરનારા ૧,૪૪,૦૦૦માંથી બાકી રહેલાઓની પસંદગી પૂરી થઈ શકે. (પ્રકટીકરણ ૭:૧-૪; ૨૦:૬) અભિષિક્ત ખ્રિસ્તીઓને જૂઠા ધર્મોના સામ્રાજ્ય, ‘મહાન બાબેલોનમાંથી’ છોડાવવામાં આવે એની યહોવાહે ખાતરી રાખી છે. (પ્રકટીકરણ ૧૭:૧-૫) એ છુટકારો તેઓને ૧૯૧૯માં મળ્યો અને ત્યારથી યહોવાહ તેઓનું રક્ષણ કરે છે. એ કારણે અભિષિક્ત શેષભાગને બહુ જલદી આવનારી “મોટી વિપત્તિ” પહેલાં છેલ્લી વાર સાક્ષી આપવાનું કાર્ય પૂરું કરવાની તક મળી છે. એ મોટી વિપત્તિમાં યહોવાહ શેતાનના દુષ્ટ જગતનો અંત લાવશે.—માત્થી ૨૪:૨૧; દાનીયેલ ૧૨:૩; પ્રકટીકરણ ૭:૧૪.

૧૬. દુનિયાભરમાં થઈ રહેલા રાજ્યના પ્રચાર કાર્યનું શું પરિણામ આવ્યું છે?

૧૬ યહોવાહના અભિષિક્ત સાક્ષીઓ રાજ્યનો પ્રચાર કરવાના કાર્યમાં દુનિયાભરમાં ઉત્સાહથી આગેવાની લઈ રહ્યા છે. પરિણામે હમણાં યહોવાહની ઉપાસના કરી રહેલા ‘બીજાં ઘેટાંની’ સંખ્યામાં વધારો થયો છે. (યોહાન ૧૦:૧૬) પૃથ્વી પરના નમ્ર લોકો માટે હજુ પણ યહોવાહની સ્તુતિ કરવાનો માર્ગ ખુલ્લો છે એ જોઈને આપણે ખુશ થઈએ છીએ. જેઓ ઈસુ ખ્રિસ્તના “આવ” આમંત્રણને સ્વીકારે છે તેઓને મહાન વિપત્તિમાંથી બચીને, યહોવાહની અનંતકાળ સુધી સ્તુતિ કરવાની આશા છે.—પ્રકટીકરણ ૨૨:૧૭.

સાચી ઉપાસના માટે હજારો લોકો

૧૭. (ક) યહોવાહ આપણા પ્રચાર કાર્યને લગતાં કેવાં મહાન કાર્યો કરે છે? (ખ) કઈ રીતે ઝખાર્યાહ ૮:૨૩ પરિપૂર્ણ થાય છે?

૧૭ હમણાં યહોવાહ આપણા પ્રચાર કાર્યને લગતાં મહાન કાર્યો કરી રહ્યાં છે. (માર્ક ૧૩:૧૦) તાજેતરનાં વર્ષોમાં તેમણે ‘એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર ઉઘાડ્યું’ છે. (૧ કોરીંથી ૧૬:૯) એ કારણે, સત્યના દુશ્મનો આડે આવતા હતા એવા વિસ્તારોમાં પણ પ્રચાર કાર્ય શક્ય બન્યું છે. આત્મિક અંધકારમાં રહેતા ઘણા લોકો હવે પરમેશ્વરની ઉપાસના કરવાનું આમંત્રણ સ્વીકારી રહ્યા છે. તેઓ આ ભવિષ્યવાણી સાચી ઠરાવે છે: “સૈન્યોનો દેવ યહોવાહ કહે છે, કે તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ પકડીને કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમકે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.” (ઝખાર્યાહ ૮:૨૩) આ “માણસ” આત્મિક યહુદીઓ, એટલે કે આજનો અભિષિક્ત શેષભાગ છે. દસનો આંકડો પૃથ્વી પર સંપૂર્ણતાને ચિત્રિત કરતો હોવાથી, “દશ માણસો,” ‘મોટી સભાને’ રજૂ કરી શકે, જેઓને “દેવના ઈસ્રાએલ” સાથે સંગત માણવા લાવવામાં આવ્યા છે. તેઓ સર્વ એક ટોળું બને છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦; ગલાતી ૬:૧૬) ઘણા લોકો ભેગા મળીને યહોવાહ પરમેશ્વરના ઉપાસકો તરીકે સેવા કરે છે એ જોઈને કેવો આનંદ થાય છે!

૧૮, ૧૯. યહોવાહ પ્રચાર કાર્યને આશીર્વાદ આપે છે એનો કયો પુરાવો છે?

૧૮ ઘણા દેશોમાં જૂઠા ધર્મોનું જ રાજ ચાલતું હતું અને ત્યાંના લોકો ક્યારેય રાજ્ય સંદેશને સ્વીકારશે નહિ એમ લાગતું હતું. પરંતુ આવા દેશોમાં પણ હજારો, અરે લાખો લોકોને સાચી ઉપાસના સ્વીકારતા જોઈને આપણને કેવો આનંદ થાય છે. આ વર્ષનું યહોવાહના સાક્ષીઓનું વાર્ષિક પુસ્તક (અંગ્રેજી) બતાવે છે કે કઈ રીતે જુદા જુદા દેશોમાં આજે ૧,૦૦,૦૦૦થી માંડીને લગભગ ૧૦,૦૦,૦૦૦ સુધી રાજ્ય પ્રકાશકો છે. આ એક મોટો પુરાવો છે કે રાજ્ય પ્રચાર કાર્ય પર યહોવાહનો આશીર્વાદ છે.—નીતિવચન ૧૦:૨૨.

૧૯ યહોવાહના લોકો તરીકે આપણે તેમનો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરવા પ્રેરાઈએ છીએ. એનું કારણ એ છે કે તેમણે આપણને જીવનનો હેતુ, તેમની સેવામાં આનંદી ફળો અને ભવિષ્યની આશા આપી છે. આપણે આતુરતાથી પરમેશ્વરે આપેલાં વચનો પૂરાં થવાની રાહ જોઈએ છીએ અને ‘અનંતજીવનને અર્થે દેવની પ્રીતિમાં પોતાને સ્થિર રાખવાનો’ મક્કમ નિર્ણય કરીએ છીએ. (યહુદા ૨૦, ૨૧) લગભગ ૬૦,૦૦,૦૦૦ લોકોના મોટાં ટોળાને પરમેશ્વરની સ્તુતિ કરતા જોઈને આપણને કેવો આનંદ થાય છે! યહોવાહના આશીર્વાદને લીધે, અભિષિક્ત શેષભાગ તેઓના સાથી બીજાં ઘેટા સાથે ૨૩૫ દેશોમાં, કંઈક ૯૧,૦૦૦ મંડળોમાં ભેગા મળીને કામ કરે છે. આ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગની રાત-દિવસની મહેનતને કારણે આપણ સર્વને ભરપૂર આત્મિક ખોરાક મળે છે. (માત્થી ૨૪:૪૫) યહોવાહના સાક્ષીઓની ૧૧૦ શાખા કચેરીઓ રાજ્ય પ્રચાર કાર્યની પ્રેમાળ કાળજી રાખે છે માટે દેવશાહી સંગઠનમાં પ્રગતિ થઈ રહી છે. આપણે યહોવાહનો આભાર માનીએ છીએ કે તેમણે પોતાના લોકોના હૃદયને ‘દ્રવ્યથી, તથા પેદાશના પ્રથમ ફળથી તેમનું સન્માન કરવા’ પ્રેર્યા છે. (નીતિવચન ૩:૯, ૧૦) તેથી, છાપકામ, બેથેલ અને મિશનરિ ઘરો, રાજ્યગૃહો અને જરૂરી સંમેલન હોલના બાંધકામ સાથે દુનિયાભરમાં આપણું પ્રચાર કાર્ય સતત ચાલુ છે.

૨૦. યહોવાહનાં મહાન અને પ્રશંસનીય કાર્યો પર વિચાર કરવાથી આપણે શું કરવા પ્રેરાઈએ છીએ?

૨૦ યહોવાહ પરમેશ્વરના સર્વ મહાન અને પ્રશંસનીય કાર્યોનો ઉલ્લેખ કરવો અશક્ય છે. પરંતુ શું નમ્ર હૃદયની કોઈ પણ વ્યક્તિ પરમેશ્વરની સ્તુતિ કરવાનો નકાર કરશે? બિલકુલ નહિ! તેથી, ચાલો પરમેશ્વરના ઉપાસકો તરીકે આપણે સર્વ આનંદથી પોકારી ઊઠીએ: “યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેની સ્તુતિ કરો. તેના સર્વ દૂતો, તમે તેની સ્તુતિ કરો; . . . જુવાનો તથા કન્યાઓ; વૃદ્ધો તથા બાળકો: તે સર્વ, યહોવાહના નામની સ્તુતિ કરો; કેમકે એકલું તેનું જ નામ બુલંદ છે; તેનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે.” (ગીતશાસ્ત્ર ૧૪૮:૧, ૨, ૧૨, ૧૩) હા, યહોવાહનાં મહાન કાર્યો માટે અત્યારે અને હંમેશ માટે ચાલો તેમની સ્તુતિ કરીએ!

તમે કેવો જવાબ આપશો?

• યહોવાહનાં અમુક પ્રશંસનીય કાર્યો કયાં છે?

• શા માટે તમે યહોવાહની સ્તુતિ કરવા પ્રેરાવ છો?

• કઈ રીતે આપણી આશા પરમેશ્વરનાં મહાન કાર્યો સાથે સંકળાયેલી છે?

• યહોવાહ આપણા પ્રચાર કાર્યને લગતા કેવાં મહાન કાર્યો કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્ર]

યહોવાહની સ્તુતિ કરવા શું તમે હૃદયથી ગીત ગાઓ છો?

[પાન ૧૩ પર ચિત્રો]

પૃથ્વીના નમ્ર લોકો માટે હજુ પણ યહોવાહની સ્તુતિ કરવાનો માર્ગ ખુલ્લો છે એ જોઈને આપણે ખુશ થઈએ છીએ