સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની મદદથી લગ્‍નસાથી પસંદ કરો

યહોવાહની મદદથી લગ્‍નસાથી પસંદ કરો

યહોવાહની મદદથી લગ્‍નસાથી પસંદ કરો

“કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.”—ગીતશાસ્ત્ર ૩૨:૮.

૧. સફળ લગ્‍ન માટે શું જરૂરી છે?

 સરકસમાં ખેલ બતાવનાર ઝૂલતા દોરડાં પરથી લટકતા આવીને હવામાં ગુલાંટો ખાય છે. નીચે આવતા તરત જ તે પોતાના બંને હાથ લાંબા કરીને સામેથી લટકીને આવતા બીજા કલાકારના હાથ પકડી લે છે. આઈસ-સ્કેટિંગ કરતું એક યુગલ કુશળતાથી બરફ પર સ્કેટિંગ કરે છે. અચાનક જ માણસ પોતાની સાથીને ઊંચકીને હવામાં ઉપર ઉછાળે છે. તે હવામાં ગોળગોળ ફરતી પાછી આવીને પોતાના સાથી સાથે સ્કેટિંગ કરવા લાગે છે. આ બંને ખેલ જોવાથી એકદમ સહેલા લાગે છે. પરંતુ કોઈ પણ જાતની તાલીમ કે માર્ગદર્શન વગર અથવા કુશળ સાથી વગર શું કોઈ આવું કરવાની હિંમત કરશે? એવી જ રીતે, સફળ લગ્‍નજીવન પણ એકદમ આસાન લાગી શકે. પરંતુ સફળ લગ્‍ન માટે પણ કુશળ સાથી, સંપીલા પ્રયત્નો અને ખાસ કરીને શાણી સલાહને સ્વીકારવી ખૂબ જ જરૂરી છે. ખરેખર, યોગ્ય માર્ગદર્શન ખૂબ જ મહત્ત્વનું છે.

૨. (ક) લગ્‍નની ગોઠવણ કોણે કરી અને તે શું ઇચ્છતા હતા? (ખ) કેટલાંક લગ્‍નો કઈ રીતે ગોઠવવામાં આવે છે?

અપરીણિત યુવાનો પોતાના લગ્‍નસાથી વિષે વિચાર કરે એ સ્વાભાવિક છે. યહોવાહ પરમેશ્વરે લગ્‍નની ગોઠવણ કરી ત્યારથી, લગ્‍ન કરવું એ સામાન્ય બાબત છે. પરંતુ, પ્રથમ માણસ આદમે પોતાની પત્નીની પસંદગી કરી ન હતી. તેના માટે યહોવાહે પસંદગી કરી હતી. (ઉત્પત્તિ ૨:૧૮-૨૪) તેમની ઇચ્છા હતી કે પ્રથમ માનવ યુગલ બાળકોને જન્મ આપે અને સમય જતાં આખી પૃથ્વી મનુષ્યોથી ભરાઈ જાય. એ પ્રથમ લગ્‍ન પછી, મોટા ભાગે માબાપ પોતાનાં બાળકોના લગ્‍નની ગોઠવણ કરતા હતા. તેઓ ક્યારેક બાળકોની ઇચ્છા જાણીને પાકું કરતા હતા. (ઉત્પત્તિ ૨૧:૨૧; ૨૪:૨-૪, ૫૮; ૩૮:૬; યહોશુઆ ૧૫:૧૬, ૧૭) અમુક દેશો અને સંસ્કૃતિમાં હજુ પણ માબાપ જ લગ્‍ન ગોઠવે છે. પરંતુ, આજે ઘણા પોતે જ લગ્‍નસાથી પસંદ કરે છે.

૩. લગ્‍નસાથીની પસંદગી કઈ રીતે કરવી જોઈએ?

કઈ રીતે લગ્‍નસાથીની પસંદગી કરવી જોઈએ? કેટલાક લોકો રંગરૂપ જુએ છે, એટલે કે તેઓને વ્યક્તિ જોવામાં સુંદર અને આકર્ષક લાગવી જોઈએ. બીજાઓ ધનદોલત જોતા હોય છે, જેથી તેઓ તેમની કાળજી રાખી શકે અને તેઓની જરૂરિયાતો તથા ઇચ્છાઓ પૂરી કરી શકે. પરંતુ શું ફક્ત એનાથી જ પતિ-પત્ની સુખી અને સફળ જીવન જીવી શકશે? નીતિવચન ૩૧:૩૦ કહે છે: “લાવણ્ય ઠગારૂં છે, અને સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાહનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે.” આ કહેવતમાં એક મહત્ત્વની બાબત જોવા મળે છે: લગ્‍નસાથીની પસંદગી કરતી વખતે યહોવાહનું માર્ગદર્શન શોધો.

પરમેશ્વર તરફથી પ્રેમાળ માર્ગદર્શન

૪. લગ્‍નસાથીની પસંદગી કરવા પરમેશ્વરે કઈ મદદ પૂરી પાડી છે?

આપણા પ્રેમાળ પરમેશ્વર યહોવાહે બાઇબલમાં સર્વ બાબતોનું માર્ગદર્શન આપણને આપ્યું છે. તે કહે છે: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” (યશાયાહ ૪૮:૧૭) તેથી, એમાં કોઈ નવાઈની વાત નથી કે લગ્‍નસાથીની પસંદગી કરવા બાઇબલમાં વર્ષોથી અમલમાં મૂકવામાં આવતું માર્ગદર્શન મળે છે. યહોવાહ ઇચ્છે છે કે આપણું લગ્‍નજીવન હંમેશ માટે સુખી રહે. તેથી તેમણે એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જેને આપણે સમજીને લાગુ પાડી શકીએ. એક પ્રેમાળ ઉત્પન્‍નકર્તા પાસેથી આપણે આવી જ આશા રાખીએ છીએ, ખરું ને?—ગીતશાસ્ત્ર ૧૯:૮.

૫. લગ્‍નજીવન હંમેશા સુખી બનાવવા શું જરૂરી છે?

યહોવાહે લગ્‍નની વ્યવસ્થા કરી ત્યારે, તેમની ઇચ્છા હતી કે યુગલ કાયમ માટે એકસાથે રહે. (માર્ક ૧૦:૬-૧૨; ૧ કોરીંથી ૭:૧૦, ૧૧) તેથી, “વ્યભિચારના” કારણ વગર ‘પત્નીત્યાગને તે ધિક્કારે’ છે. (માલાખી ૨:૧૩-૧૬; માત્થી ૧૯:૯) આમ, લગ્‍નસાથીની પસંદગી સૌથી ગંભીર બાબત છે, તેથી એનો નિર્ણય બહુ સમજી વિચારીને કરવો જોઈએ. આવા પ્રકારના બહુ ઓછા નિર્ણયો હોય છે, જેનાથી દુઃખ થઈ શકે અથવા તો ખુશી મળી શકે. સારી પસંદગી કરવાથી વ્યક્તિનું જીવન ખુશીઓથી ભરાઈ ભરાઈ જાય છે, પણ ખોટી પસંદગી કરવાથી જીવનમાં દુઃખોનો પહાડ આવી શકે છે. (નીતિવચન ૨૧:૧૯; ૨૬:૨૧) આપણે સુખી જીવન ચાહતા હોઈએ તો, સાથીની પસંદગી સમજી વિચારીને કરવી જોઈએ. તેમ જ, સુખમાં કે દુઃખમાં આખી જિંદગી એકબીજાને સાથ આપવાનો વાયદો નિભાવવો જોઈએ. એ કારણે પરમેશ્વરે લગ્‍નની એવી ગોઠવણ કરી, જેમાં પતિ-પત્ની એક થઈને, એકબીજાને સાથ આપીને સફળ જીવન જીવે.—માત્થી ૧૯:૬.

૬. ખાસ કરીને યુવાનોએ લગ્‍નસાથીની પસંદગી કરતી વખતે શા માટે કાળજી રાખવાની જરૂર છે? કઈ રીતે તેઓ સૌથી સારો નિર્ણય લઈ શકે?

ખાસ કરીને યુવાનોએ કાળજી રાખવાની જરૂર છે કે રૂપના મોહમાં પડીને કે પરણવાના આવેશમાં આવીને લગ્‍નસાથીની ખોટી પસંદગી ન કરી બેસે. ખરેખર, આવી રીતે કરેલી પસંદગીની મઝા જલદી જ જતી રહે છે અને ધીરે ધીરે એકબીજા પ્રત્યે તિરસ્કાર, અરે ધિક્કાર પણ પેદા થઈ શકે છે. (૨ શમૂએલ ૧૩:૧૫) બીજી બાજુ, આપણે જેમ આપણા જીવનસાથીને અને પોતાને ઓળખીશું, તેમ એકબીજાને વધારે સમજીશું અને આપણો પ્રેમ પણ વધશે. આપણે એ પણ સમજવાની જરૂર છે કે જેમાં આપણું ભલું હોય એ આપણને ન પણ ગમે. (યિર્મેયાહ ૧૭:૯) એટલા માટે જ, બાઇબલમાં મહત્ત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એ આપણને સૌથી સારી રીતે જીવનના નિર્ણયો લેવા મદદ કરે છે. ગીતશાસ્ત્રના લેખક દ્વારા યહોવાહ કહે છે: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” (ગીતશાસ્ત્ર ૩૨:૮; હેબ્રી ૪:૧૨) લગ્‍ન કરવાથી પ્રેમ અને સાથીની આપણી જરૂરિયાત સંતોષાઈ શકે છે. પરંતુ, સાથે સાથે એમાં મુશ્કેલીઓ પણ આવે છે જે માટે અનુભવ અને સારી પરખશક્તિ જરૂરી છે.

૭. શા માટે લગ્‍નસાથી પસંદ કરતી વખતે કેટલાક બાઇબલની સલાહ માનતા નથી, અને એનાથી શું પરિણમી શકે?

લગ્‍નસાથીની પસંદગી કરતી વખતે, લગ્‍નની ગોઠવણ કરનાર ઉત્પન્‍નકર્તાની સલાહને ધ્યાનમાં લેવાથી આપણું જ ભલું થશે. તોપણ, માબાપ કે ખ્રિસ્તી વડીલો બાઇબલ આધારિત સલાહ આપે ત્યારે, આપણને એ ન પણ ગમે. આપણને લાગી શકે કે તેઓ આપણને સમજતા નથી. આપણે લાગણીના પ્રવાહમાં તણાઈ જઈને મનનું ધાર્યું કરવા પ્રેરાઈ શકીએ. તેમ છતાં, લાગણીનો ઊભરો શાંત થઈ જાય અને રોજિંદું જીવન શરૂ થઈ જાય પછી, આપણને પસ્તાવો થઈ શકે કે આપણા ભલા માટેની સલાહ સાંભળી હોત તો સારું થાત. (નીતિવચન ૨૩:૧૯; ૨૮:૨૬) પછી આપણું લગ્‍ન જીવન પ્રેમ વિનાનું, મશીન જેવું બની જઈ શકે, જેમાં બાળકોને ઉછેરવાં મુશ્કેલ લાગી શકે અવિશ્વાસી સાથી સાથે રહેવું પડે. લગ્‍ન બંધનથી જીવન આનંદી બનવાને બદલે, દુઃખોનો પહાડ તૂટી પડે તો એ કેટલાં દુઃખની વાત હશે!

પરમેશ્વરની ઉપાસના—મુખ્ય ઘટક

૮. કઈ રીતે દૈવી ભક્તિ લગ્‍ન જીવનને કાયમી સુખી બનાવી શકે?

એ વાત સાચી છે કે એકબીજા પ્રત્યેનું આકર્ષણ લગ્‍ન જીવનને મજબૂત કરવામાં મદદ કરે છે. પરંતુ સુખી લગ્‍ન જીવનને હંમેશા ટકાવી રાખવા એકસરખા વિચાર હોવા ખૂબ મહત્ત્વનું છે. પતિ-પત્ની એકસાથે યહોવાહ પરમેશ્વરની ઉપાસના કરે છે ત્યારે, તેઓમાં જે એકતા અને કાયમી બંધન બંધાય છે એના જેવું બીજું કશું નથી. (સભાશિક્ષક ૪:૧૨) એક ખ્રિસ્તી યુગલ યહોવાહની ઉપાસનાને પોતાના જીવનમાં પ્રથમ સ્થાન આપે છે ત્યારે, તેઓ આત્મિક, માનસિક અને નૈતિક રીતે એક થઈ કાર્ય કરે છે. તેઓ બાઇબલનો અભ્યાસ સાથે કરે છે. તેઓ પ્રાર્થના એકસાથે કરે છે જે તેઓને એક મનના બનાવે છે. તેઓ ખ્રિસ્તી સભાઓમાં સાથે જાય છે અને પ્રચાર કાર્યમાં પણ સાથે કામ કરે છે. આ સર્વથી તેઓ વચ્ચે આત્મિક બંધન બંધાય છે અને બંને એકબીજાની વધુ નજીક આવે છે. સૌથી મહત્ત્વનું તો એનાથી તેઓને યહોવાહનો આશીર્વાદ મળે છે.

૯. ઈબ્રાહિમે પોતાના પુત્ર ઈસ્હાક માટે પત્નીની પસંદગી કઈ રીતે કરી, અને એનું શું પરિણામ આવ્યું?

યહોવાહને માર્ગે ચાલતા હોવાથી, કુટુંબના વિશ્વાસુ વડીલ ઈબ્રાહિમે પોતાના પુત્ર ઈસ્હાક માટે લગ્‍નસાથી પસંદ કરતી વખતે પરમેશ્વરનું માર્ગદર્શન શોધ્યું. ઈબ્રાહિમે પોતાના ભરોસાપાત્ર ચાકરને કહ્યું: “યહોવાહ જે આકાશનો તથા પૃથ્વીનો દેવ છે, તેના હું તને સોગન દઉં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારૂ તું સ્ત્રી લઈશ નહિ; પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા, ને મારા દીકરા ઈસ્હાકને સારૂ સ્ત્રી લાવ. . . . [યહોવાહ] તેનો દૂત તારી આગળ મોકલશે; અને ત્યાંથી તું મારા દીકરાને સારૂ સ્ત્રી લાવ.” પછી, રિબકાહની પસંદગી થઈ. તે પ્રેમાળ પત્ની સાબિત થઈ, જેને ઈસ્હાક ખૂબ ચાહતો હતો.—ઉત્પત્તિ ૨૪:૩, ૪, ૭, ૧૪-૨૧, ૬૭.

૧૦. પતિ-પત્નીની કઈ શાસ્ત્રીય જવાબદારી છે?

૧૦ આપણે હજુ લગ્‍ન કર્યા ન હોય તો, પરમેશ્વર યહોવાહનો માર્ગ આપણને એવા ગુણો કેળવવા મદદ કરશે, જેનાથી આપણે લગ્‍નની શાસ્ત્રીય જરૂરિયાતો પૂરી કરી શકીશું. પ્રેષિત પાઊલે પતિ-પત્નીને આ સલાહ આપી: “પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. . . . પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો; . . . પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. . . . તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે; અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે.” (એફેસી ૫:૨૨-૩૩) પાઊલના પ્રેરિત શબ્દો પ્રેમ અને આદર પર ભાર મૂકે છે. આ સલાહમાં યહોવાહનો ભય રાખવાનો સમાવેશ થાય છે. એમાં તેઓએ સુખમાં કે દુઃખમાં એકબીજાને સાથ આપવાનું વચન સમાયેલું છે. જે ખ્રિસ્તીઓ લગ્‍ન કરવા વિષે વિચારી રહ્યા છે તેઓ આ જવાબદારીઓ નિભાવવા તૈયાર હોવા જોઈએ.

લગ્‍ન ક્યારે કરવું જોઈએ

૧૧. (ક) ક્યારે લગ્‍ન કરવું એ વિષે બાઇબલ શું સલાહ આપે છે? (ખ) કયું ઉદાહરણ બતાવે છે કે ૧ કોરીંથી ૭:૩૬ની સલાહ આપણા ભલા માટે છે?

૧૧ ક્યારે લગ્‍ન કરવું જોઈએ એ જાણવું મહત્ત્વનું છે. વ્યક્તિઓનાં મંતવ્યો જુદાં જુદાં હોવાથી, કેટલી ઉંમરે લગ્‍ન કરવું એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. તેમ છતાં, બાઇબલ એ જરૂર જણાવે છે કે આપણે ‘પુખ્ત ઉંમરના થઈએ’ ત્યાં સુધી રાહ જોઈએ, એ વધારે સારું થશે. યુવાનીમાં જાતીય ઇચ્છાઓ તીવ્ર હોવાથી આપણે લાગણીમાં આવી જઈને ખોટો નિર્ણય લઈ શકીએ છીએ. (૧ કોરીંથી ૭:૩૬) મિશેલ કહે છે, “મારા મિત્રો, જેઓ મોટાભાગે તરૂણ હતા, તેઓને પ્રેમમાં પડીને લગ્‍ન કરતા જોતી ત્યારે, મને આ સલાહ લાગુ પાડવી મુશ્કેલ લાગતી હતી. પરંતુ મને સમજાયું કે આ સલાહ યહોવાહ તરફથી છે અને તે આપણા લાભને અર્થે જ કહે છે. મેં લગ્‍ન માટે રાહ જોઈ તેમ, યહોવાહ સાથેનો મારો સંબંધ વધુ ગાઢ બનાવી શકી. મને જીવનના અમુક એવા અનુભવો થયા જે તરૂણ વયે મને મળ્યા ન હતા. થોડાં વર્ષો પછી હું જવાબદારીઓને સારી રીતે નિભાવવા અને લગ્‍નમાં આવતી મુશ્કેલીઓ પણ હલ કરવા તૈયાર હતી.”

૧૨. શા માટે નાની ઉંમરે લગ્‍ન કરવાની ઉતાવળ ન કરવી જોઈએ?

૧૨ જેઓ નાની ઉંમરે લગ્‍ન કરવાની ઉતાવળ કરે છે, તેઓ અનુભવે છે કે પોતે ઉંમરલાયક થાય છે તેમ, તેઓની જરૂરિયાતો અને ઇચ્છાઓ બદલાય છે. પછીથી તેઓને સમજાય છે કે શરૂઆતમાં તેઓને જે કરવું બહુ જરૂરી લાગતું હતું, એનું હવે કંઈ મહત્ત્વ નથી. એક ખ્રિસ્તી યુવતીએ પોતે ૧૬ વર્ષની થાય ત્યારે જ લગ્‍ન કરવાનો નિર્ણય કર્યો. તેની નાની અને તેની માતાએ પણ એ જ ઉંમરે લગ્‍ન કરી લીધું હતું. તેની પસંદના યુવાને તેને એ ઉંમરે લગ્‍ન કરવાની ના પાડી ત્યારે, તેણે બીજા યુવાન સાથે રાજીખુશીથી લગ્‍ન કરી લીધું. જોકે, પછીથી તેને ઉતાવળે લીધેલા નિર્ણય બદલ ખૂબ પસ્તાવો થયો.

૧૩. નાની ઉંમરે લગ્‍ન કરનારાઓમાં મોટા ભાગે કઈ ખામી જોવા મળે છે?

૧૩ લગ્‍ન કરતા પહેલાં એમાં સમાયેલી બધી જ બાબતોની પૂરતી સમજણ હોય, એ ખૂબ મહત્ત્વનું છે. નાની ઉંમરે થયેલા લગ્‍ન ઘણી મુશ્કેલીઓ લાવી શકે, જેને હલ કરવા યુવાન પતિ-પત્ની મોટા ભાગે સમર્થ હોતા નથી. બંનેમાં અનુભવ અને સમજણની ખામી હોય શકે જે લગ્‍ન જીવનમાં અને બાળકોના ઉછેર માટે નડતી મુશ્કેલીઓનો સામનો કરવા જરૂરી છે. લગ્‍ન ત્યારે જ કરવું જોઈએ જ્યારે આપણે શારીરિક, માનસિક અને આત્મિક રીતે, સુખદુઃખમાં હંમેશા એકબીજાને સાથ આપવા તૈયાર હોઈએ.

૧૪. લગ્‍નમાં આવતી મુશ્કેલીઓ હાથ ધરવા શું જરૂરી છે?

૧૪ પાઊલે લખ્યું કે પરિણીત લોકોને “શારીરિક દુઃખ થશે.” (૧ કોરીંથી ૭:૨૮) હા, સમસ્યાઓ જરૂર ઊભી થશે કેમ કે બંનેના સ્વભાવ જુદા હોય છે અને વિચારો પણ અલગ હોય છે. માનવો અપૂર્ણ હોવાથી લગ્‍ન ગોઠવણમાં બાઇબલમાં આપેલી ભૂમિકા અદા કરવી મુશ્કેલ લાગી શકે. (૧ કોરીંથી ૧૧:૩; કોલોસી ૩:૧૮, ૧૯; તીતસ ૨:૪, ૫; ૧ પીતર ૩:૧, ૨,) મુશ્કેલીઓ પ્રેમથી ઉકેલવા પરમેશ્વરનું માર્ગદર્શન ખૂબ જરૂરી છે અને એ પ્રમાણે ચાલવા અનુભવ અને નમ્રતાની ખાસ જરૂર પડે છે.

૧૫. માબાપ પોતાનાં બાળકોને લગ્‍ન માટે કઈ રીતે તૈયાર કરી શકે? ઉદાહરણ આપો.

૧૫ માબાપે પોતાનાં બાળકોને પરમેશ્વરના માર્ગમાં ચાલવાનું મહત્ત્વ સમજાવીને લગ્‍નની બાબતમાં મદદ કરવી જોઈએ. શાસ્ત્રવચનો અને ખ્રિસ્તી પ્રકાશનોનો કુશળતાથી ઉપયોગ કરીને માબાપ બાળકોને એ નક્કી કરવા મદદ કરી શકે કે, તે અથવા તેમના ભાવિ સાથી લગ્‍નના વચનને આખી જિંદગી નિભાવવા તૈયાર છે કે નહિ. * અઢાર વર્ષની બ્લોસમનો વિચાર કરો. તેને લાગતું હતું કે તે તેના મંડળના એક યુવાનના પ્રેમમાં પડી છે. તે પૂરા-સમયનું પાયોનિયર કાર્ય કરતો હતો અને તેઓ બંને લગ્‍ન કરવા ઇચ્છતા હતા. પરંતુ બ્લોસમના માબાપે તે હજુ નાની છે એમ કહીને તેને એક વર્ષ રાહ જોવાનું કહ્યું. પછીથી બ્લોસમે લખ્યું: “કેટલું સારું થયું કે મેં મારા માબાપનું માન્યું. એક વર્ષમાં જ હું થોડી અનુભવી થઈ અને મેં જોયું કે તે યુવાનમાં એક સારા લગ્‍નસાથી થવાના ગુણો નથી. એક દિવસ એવો આવ્યો કે તેણે સંગઠન છોડી દીધું અને મારું જીવન બરબાદ થતા રહી ગયું. યોગ્ય નિર્ણય લેવા મદદ કરનાર માબાપ હોવા કેવું સારું છે!”

‘કેવળ પ્રભુમાં લગ્‍ન કરો’

૧૬. (ક) ‘કેવળ પ્રભુમાં લગ્‍ન’ કરવામાં ખ્રિસ્તીઓની કઈ રીતે કસોટી થઈ શકે? (ખ) અવિશ્વાસુ સાથે લગ્‍ન કરવાની લાલચ જાગે ત્યારે ખ્રિસ્તીઓએ કોના ઉદાહરણનું મનન કરવું જોઈએ?

૧૬ યહોવાહ ખ્રિસ્તીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે: ‘કેવળ પ્રભુમાં લગ્‍ન કરો.’ (૧ કોરીંથી ૭:૩૯) ખ્રિસ્તી માબાપ અને તેમનાં બાળકોની આ બાબતમાં કસોટી થઈ શકે. કઈ રીતે? ઘણી વાર એવું લાગે કે યુવાનો લગ્‍ન કરવા ઇચ્છતા હોય છે, પણ તેઓના મંડળમાં લગ્‍ન કરવા લાયક કોઈ હોતું નથી. ઘણી જગ્યાઓએ એવું બની શકે કે ભાઈઓ કરતાં બહેનો વધારે હોય અથવા કોઈને પોતાની પસંદનું લગ્‍નસાથી મળતું ન હોય. એવા સમયે, મંડળનો સમર્પિત સભ્ય ન હોય એવો એક યુવાન કોઈ ખ્રિસ્તી યુવતીમાં રસ બતાવે (અથવા કોઈ યુવતી ખ્રિસ્તી યુવાનમાં રસ બતાવે) તો, યહોવાહનાં ધોરણોમાં તડજોડ કરવાનું દબાણ આવી શકે. આવા સંજોગોમાં ઈબ્રાહિમના ઉદાહરણનું મનન કરવું સારું થશે. યહોવાહ સાથે પોતાનો સારો સંબંધ જાળવી રાખવા, તેમણે પોતાના પુત્ર ઈસ્હાકનું લગ્‍ન યહોવાહની સાચી ઉપાસના કરતી વ્યક્તિ સાથે કરવાનું નક્કી કર્યું. ઈસ્હાકે પણ પોતાના પુત્ર યાકૂબના કિસ્સામાં એવું જ કર્યું. જોકે આમ કરવા બધાએ પ્રયત્ન કરવો પડ્યો, પરંતુ એનાથી પરમેશ્વર ખુશ થયા અને તેઓને આશીર્વાદ આપ્યો.—ઉત્પત્તિ ૨૮:૧-૪.

૧૭. શા માટે અવિશ્વાસુ સાથે લગ્‍ન કરવું આપણા ભલા માટે નથી અને શા માટે ‘કેવળ પ્રભુમાં જ લગ્‍ન’ કરવું જોઈએ?

૧૭ થોડા જ કિસ્સામાં અવિશ્વાસી સાથી આખરે સાક્ષી થયા છે. પરંતુ, અવિશ્વાસુ સાથેનું લગ્‍ન જીવન મોટા ભાગે દુઃખી સાબિત થયું છે. આ અસમાન ઝૂંસરીમાં જોડાયેલાઓનો વિશ્વાસ, ધોરણો અને ધ્યેય એક હોતા નથી. (૨ કોરીંથી ૬:૧૪) એનાથી તેઓની વાતચીત અને લગ્‍ન જીવનના સુખ પર ખૂબ ઊંડી અસર પડી શકે છે. દાખલા તરીકે, એક ખ્રિસ્તી બહેન અફસોસ કરે છે કે સભામાંથી ઉત્તેજન આપતી બાબતો વિષે તે ઘરે જઈને પોતાના અવિશ્વાસુ પતિ સાથે ચર્ચા કરી શકતી નથી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ‘કેવળ પ્રભુમાં જ લગ્‍ન કરીને’ આપણે યહોવાહને વફાદાર રહીએ છીએ. આપણે બાઇબલ પ્રમાણે કરીશું તો આપણું હૃદય ડંખશે નહિ, કેમ કે આપણે ‘તેમની નજરમાં જે પસંદ પડે’ એ જ કરીએ છીએ.—૧ યોહાન ૩:૨૧, ૨૨.

૧૮. લગ્‍નનો વિચાર કરીએ ત્યારે કઈ બાબતોને ધ્યાન આપવું મહત્ત્વનું છે અને શા માટે?

૧૮ આપણે લગ્‍ન વિષે વિચારીએ ત્યારે, આપણું ધ્યાન ભાવિ સાથીના સદ્‍ગુણો અને એની આત્મિકતા પર પણ હોવું જોઈએ. શારીરિક સુંદરતાથી વધારે મૂલ્યવાન, ખ્રિસ્તી સ્વભાવ છે, જેમાં યહોવાહ પ્રત્યેનો પ્રેમ અને તેમની પૂરા જીવથી ભક્તિ કરવાનો સમાવેશ થાય છે. પરમેશ્વરની સ્વીકૃતિ તેઓને જ મળે છે જેઓ આત્મિક રીતે દૃઢ જીવન સાથી તરીકે પોતાની જવાબદારીઓ નિભાવે અને એની કદર કરે છે. લગ્‍નજીવન ત્યારે જ મજબૂત થઈ શકે છે જ્યારે પતિ-પત્ની ભેગા મળીને યહોવાહની ભક્તિ કરે છે અને તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે. આમ, યહોવાહને માન મળે છે અને લગ્‍નની શરૂઆત એવા દૃઢ પાયા પર થાય છે જે કાયમ ટકી રહેવા મદદ કરશે.

[ફુટનોટ]

^ ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૯ના ચોકીબુરજના પાન ૪-૮ જુઓ.

તમે કેવો જવાબ આપશો?

• યોગ્ય લગ્‍નસાથી પસંદ કરતી વખતે શા માટે પરમેશ્વરનું માર્ગદર્શન જરૂરી છે?

• યહોવાહની ઉપાસના કઈ રીતે લગ્‍ન જીવન દૃઢ કરે છે?

• કઈ રીતે માબાપ પોતાનાં બાળકોને લગ્‍ન માટે તૈયાર કરી શકે?

• શા માટે ‘કેવળ પ્રભુમાં જ લગ્‍ન’ કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્રો]

યહોવાહની સલાહ પ્રમાણે લગ્‍નસાથી પસંદ કરવાથી જીવન બહુ સુખી થઈ શકે

[પાન ૧૮ પર ચિત્રો]

‘કેવળ પ્રભુમાં લગ્‍ન’ કરવાથી ઘણા આશીર્વાદો મળે છે