સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

દાનીયેલ ૯:૨૪ની ભવિષ્યવાણી પ્રમાણે, “પરમપવિત્રનો” અભિષેક ક્યારે કરવામાં આવ્યો?

દાનીયેલ ૯:૨૪-૨૭ની ભવિષ્યવાણી “અભિષિક્ત સરદાર” એટલે કે ખ્રિસ્તના દેખાવા વિષે છે. ભાખવામાં આવેલ “પરમપવિત્રનો” અભિષેક, યરૂશાલેમના મંદિરના પરમ પવિત્ર ભાગના અભિષેક કરવા વિષે બતાવતું નથી. એને બદલે “પરમપવિત્ર” વક્તવ્ય, યહોવાહના મહાન આત્મિક મંદિરમાં, પરમ પવિત્ર પરમેશ્વરની સ્વર્ગીય વેદીનો ઉલ્લેખ કરે છે. *હેબ્રી ૮:૧-૫; ૯:૨-૧૦, ૨૩.

તો પછી પરમેશ્વરના આત્મિક મંદિરની કામગીરી ક્યારે શરૂ થઈ? ઈસુએ ૨૯ સી.ઈ.માં પોતાને બાપ્તિસ્મા માટે રજૂ કર્યા ત્યારે શું બન્યું એનો વિચાર કરો. એ સમયથી ઈસુ ગીતશાસ્ત્ર ૪૦:૬-૮ના શબ્દો પરિપૂર્ણ કરવા લાગ્યા. વર્ષો પછી પ્રેષિત પાઊલે બતાવ્યું કે ઈસુએ પરમેશ્વરને આમ પ્રાર્થના કરી હતી: “તેં બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે સારૂ તેં શરીર તૈયાર કર્યું છે.” (હેબ્રી ૧૦:૫) ઈસુ જાણતા હતા કે યરૂશાલેમના મંદિરમાં હંમેશા પ્રાણીઓનું બલિદાન આપવાનું ચાલુ રહે એવી પરમેશ્વરની “ઇચ્છા” ન હતી. એને બદલે, યહોવાહ પરમેશ્વરે બલિદાન માટે ઈસુનું સંપૂર્ણ માનવ શરીર તૈયાર કર્યું હતું. ઈસુએ પ્રાર્થનામાં પોતાની હૃદયપૂર્વકની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું: “હે દેવ, જો, (શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે) તારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.” (હેબ્રી ૧૦:૭) એનો યહોવાહે શું પ્રત્યાઘાત પાડ્યો? માત્થીની સુવાર્તા જણાવે છે: “ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો; અને જુઓ, તેને સારૂ આકાશ ઉઘડાયું, ને દેવના આત્માને કબૂતરની પેઠે ઊતરતો ને પોતા પર આવતો તેણે દીઠો. અને જુઓ, એવી આકાશવાણી થઈ, કે આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.”—માત્થી ૩:૧૬, ૧૭.

યહોવાહે બલિદાન માટે રજૂ કરેલા ઈસુના શરીરને સ્વીકાર્યું, એનો એ અર્થ થયો કે યરૂશાલેમના મંદિરમાં શાબ્દિક વેદીથી ચઢિયાતી એક મોટી વેદી અસ્તિત્વમાં આવી. એ પરમેશ્વરની ‘ઇચ્છાની’ વેદી હતી અથવા ઈસુના માનવ જીવનને બલિદાન તરીકે સ્વીકારવાની એક ગોઠવણ હતી. (હેબ્રી ૧૦:૧૦) પવિત્ર આત્માથી ઈસુને અભિષિક્ત કર્યા એનો એ અર્થ થયો કે, હવે પરમેશ્વરે આત્મિક મંદિરની આખી વ્યવસ્થા શરૂ કરી દીધી છે. * તેથી, ઈસુના બાપ્તિસ્માના સમયે, પરમેશ્વરનું સ્વર્ગીય રહેઠાણ અભિષિક્ત થયું હતું અથવા એને મહાન આત્મિક મંદિરની ગોઠવણમાં “પરમપવિત્ર” તરીકે જૂદું કરવામાં આવ્યું હતું.

[ફુટનોટ્‌સ]

^ પરમેશ્વરના આત્મિક મંદિરના અલગ અલગ ભાગો વિષે જાણવા માટે જુલાઈ ૧, ૧૯૯૬ના ચોકીબુરજના પાન ૧૪-૧૯ જુઓ.

^ દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકના પાન ૧૯૫ પર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

[પાન ૨૭ પર ચિત્ર]

ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે “પરમપવિત્ર”નો અભિષેક કરવામાં આવ્યો