સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઊંડા આઘાત છતાં આનંદિત અને આભારી

ઊંડા આઘાત છતાં આનંદિત અને આભારી

મારો અનુભવ

ઊંડા આઘાત છતાં આનંદિત અને આભારી

નેન્સી ઈ. પોર્ટરના જણાવ્યા પ્રમાણે

એ જૂન ૫, ૧૯૪૭માં યુનાઈટેડ સ્ટેટ્‌સના દક્ષિણ કિનારે આવેલા બહામા ટાપુઓની હૂંફાળી સાંજ હતી. એ જ સમયે અચાનક એક ઇમિગ્રેશન અધિકારીએ મારી અને મારા પતિ જ્યોર્જની મુલાકાત લીધી. તેમણે અમને એક પત્ર આપ્યો જેમાં લખ્યું હતું કે અમે આ ટાપુ પર હવે વધુ રહી શકીશું નહિ અને અમારે “તાબડતોબ એ વસાહત છોડી” જવાની હતી!

બહામાના સૌથી મોટા શહેર નાશાઉમાં, યહોવાહના સાક્ષી મિશનરિઓ તરીકે સૌથી પહેલાં હું અને જ્યોર્જ આવ્યા હતા. ઉત્તર ન્યૂયૉર્કમાં આવેલી મિશનરિઓ માટેની ગિલયડ શાળાના આઠમાં વર્ગમાં સ્નાતક થયા પછી, અમને અહીં સોંપણી મળી હતી. અમે ફક્ત ત્રણ જ મહિના ત્યાં રહ્યા હતા છતાં, અમે એવું તો શું કર્યું જેનાથી આવો પત્ર મળ્યો? વળી, એ કેવી રીતે બન્યું કે ૫૦ કરતાં વધારે વર્ષો પછી પણ હું એ જ ટાપુ પર છું?

સેવાકાર્યની તાલીમ

મારા પિતા, હેરી કીલનરનો મારા જીવન પર એટલો પ્રભાવ હતો કે હું તેમના જેવું જ જીવન જીવી. તેમણે યહોવાહના સાક્ષી બનવા માટે ઘણા બધાં બલિદાનો આપીને, મારા માટે બહુ જ સારું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમની તબિયત બહુ સારી રહેતી ન હતી છતાં, રાજ્ય હિતોને જીવનમાં પ્રથમ રાખીને, તે મોટા ભાગે દર સપ્તાહ અંતે પ્રચારમાં અચૂક જતા હતા. (માત્થી ૬:૩૩) ઓગણીસો ત્રીસના દાયકામાં અમારા કુટુંબની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હતી, તોપણ કૅનેડાના લેથબ્રિજ, ઍલ્બર્ટામાં આવેલી તેમની બુટ-ચંપલની દુકાન આત્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. મને મારા બાળપણના દિવસો હજુ પણ યાદ છે કે પાયોનિયરો કહેવાતા યહોવાહના સાક્ષીઓના પૂરા-સમયના સેવકો અમારા ઘરે આવતા અને પોતાના અનુભવો સંભળાવતા હતા.

મેં ૧૯૪૩માં ઍલ્બર્ટાના ફૉર્ટ મેક્લોડ અને ક્લેરઝોમ નજીક મારું પાયોનિયર કાર્ય શરૂ કર્યું. પરંતુ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિરોધીઓએ ખોટી અફવાઓ ફેલાવી હોવાથી, એ સમયે કૅનેડામાં અમારા પ્રચાર કાર્ય પર પ્રતિબંધ હતો. તેથી, અમારો પ્રચાર વિસ્તાર ૧૦૦ કિલોમીટર સુધી લંબાવવામાં આવ્યો. પરંતુ યુવાનીના જોશમાં, એ વિસ્તારમાંના નાનાં ગામો અને ખેતરો સુધી સાઇકલ ચલાવીને કે ચાલતા જવા પણ અમે તૈયાર હતા. એ સમય દરમિયાન, મને અમુક મિશનરિઓને મળવાની તક મળી અને તેઓના અનુભવોને સાંભળીને મારા મનમાં પણ મિશનરિ બનવાની ઇચ્છા જાગી.

મેં ૧૯૪૫માં સૅસ્કેચિવન કૅનેડાના જ્યોર્જ પોર્ટર સાથે લગ્‍ન કર્યા. તેમના માતા-પિતા પણ ૧૯૧૬થી યહોવાહના ઉત્સાહી સેવકો હતા અને જ્યોર્જે પણ પોતાની કારકિર્દી તરીકે પૂરા સમયની સેવા પસંદ કરી હતી. અમને કૅનેડાના ઉત્તર વૅન્કૂવર શહેરના સુંદર પરા લીન વેલીમાં પ્રથમ સોંપણી મળી હતી. એના થોડા જ સમય પછી, અમને ગિલયડ શાળામાં જવાનું આમંત્રણ મળ્યું.

મેં જુદા જુદા ધાર્મિક સેમિનારોના સ્નાતકોને ઘણાં વર્ષોથી પ્રચાર કર્યો હતો. એનાથી મને જોવા મળ્યું હતું કે તેઓએ એ સેમિનારોમાં જે શિક્ષણ લીધું હતું એનાથી, પરમેશ્વર અને બાઇબલમાંથી તેઓનો ભરોસો ઊઠી ગયો હતો. એનાથી તદ્દન વિરુદ્ધ, ગિલયડમાં અમે જે શીખ્યા એનાથી અમારી વિચારવાની ક્ષમતા સતેજ બની અને યહોવાહ અને બાઇબલ પ્રત્યે અમારો વિશ્વાસ વધુ દૃઢ થયો. અમારા સહાદ્યાયીઓને ચીન, સિંગાપુર, ભારત, આફ્રિકાના દેશો, દક્ષિણ અમેરિકા અને અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા. મને હજુ પણ યાદ છે કે અમને બહામાના ગરમ ટાપુઓ પર સોંપણી મળી ત્યારે અમે કેવા ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

અમે કઈ રીતે ત્યાં રહી શક્યા

અમારા સહાદ્યાયીઓની સરખામણીમાં બહામાની અમારી મુસાફરી ટૂંકી હતી. અમે જલદી જ ત્યાંના હૂંફાળા વાતાવરણ, ભૂરું આકાશ, આસમાની પાણી, આછા રંગની બિલ્ડીંગો અને અગણિત સાઇકલોનો ખૂબ આનંદ ઉઠાવવા લાગ્યા. તેમ છતાં, અમારી હોડી ત્યાં પહોંચી ત્યારે અમારી રાહ જોઈ રહેલા પાંચ સાક્ષીઓના નાના વૃંદે મારા મનમાં ઊંડી છાપ છોડી. બહુ જલદી જ અમને ખ્યાલ આવી ગયો કે અમારી સંસ્કૃતિ અને અહીંની સંસ્કૃતિ વચ્ચે આભ-જમીનનો ફરક છે. દાખલા તરીકે, મારા પતિએ જાહેરમાં મને સ્વીટહાર્ટ કહીને બોલાવવાનું છોડી દીધું, કેમ કે ત્યાં લગ્‍ન બહારના જાતીય સંબંધ માટે એ શબ્દનો ઉપયોગ થતો હતો.

અમે લોકોમાં સહેલાઈથી ભળી જતા હતા એ જોઈને, પાદરીઓના મનમાં ડર પેસી ગયો, તેથી તેઓએ અમારા પર સામ્યવાદીઓ હોવાના જૂઠા આરોપો મૂક્યા. પરિણામે, અમને દેશ છોડી જવાનો પત્ર મળ્યો. પરંતુ, એ દિવસોમાં ત્યાં ૨૦થી પણ ઓછા સાક્ષીઓ હોવા છતાં, તેઓએ હજારો લોકોની સહીવાળી અરજી તૈયાર કરી, જેથી અમને રહેવાની મંજૂરી મળે. આ રીતે, અમારો દેશનિકાલનો હુકમ રદ થયો.

નવા પ્રચાર વિસ્તારમાં

પરમેશ્વરને પ્રેમ કરનારાઓ બાઇબલનો સંદેશો એટલા ઝડપથી સ્વીકારવા લાગ્યા કે બહામામાં વધુ ગિલયડ મિશનરિઓને મોકલવામાં આવ્યા. ત્યાર પછી, ૧૯૫૦માં ત્યાં શાખા કચેરી સ્થાપવામાં આવી. દસ વર્ષ પછી, ન્યૂ યૉર્ક, બ્રુકલિન મુખ્ય મથકના સભ્ય, મિલ્ટન હેન્સેલે બહામાની મુલાકાત લીધી. તેમણે બહામાના બીજા ટાપુઓમાં પ્રચાર કાર્ય શરૂ કરવા કોઈ સ્વેચ્છાથી જવા માંગે છે કે કેમ એ વિષે મિશનરિઓને પૂછ્યું. જ્યોર્જ અને હું સ્વેચ્છાથી જવા તૈયાર થઈ ગયા અને આમ એ લોંગ ટાપુ પર અમે ૧૧ વર્ષ રહ્યા.

બહામાનો આ ટાપુ ૧૪૦ કિલોમીટર લાંબો અને ૬ કિલોમીટર પહોળો હતો અને એ સમયે ત્યાં કોઈ શહેર ન હતું. એની રાજધાની, ક્લેરેન્સમાં લગભગ ૫૦ ઘરો હતાં. ત્યાંનું જીવન ધોરણ પ્રાચીન ઢબનું હતું, કેમ કે લાઈટ, પાણીના નળ કે ઘરમાં રસોઈ બનાવવાની કોઈ સગવડ ન હતી. તેથી અમારે એવા જીવનને અનુકૂળ થવાનું હતું. અહીંના લોકોને તબિયત વિષે વાત કરવાનું વધુ ગમતું હતું. જલદી જ અમને ખ્યાલ આવી ગયો કે લોકોને મળીએ ત્યારે, “તમારી તબિયત કેમ છે?” એવો પ્રશ્ન પૂછવો જ નહિ, કેમ કે એનો જવાબ એટલો લાંબો મળે કે વ્યક્તિએ કઈ કઈ સારવાર કરાવી એનો પૂરો ઇતિહાસ જાણવા મળી જાય.

મોટા ભાગે અમે રસોડાથી રસોડાએ પ્રચાર કરતા કારણ કે સામાન્ય રીતે લોકો ઘરની બહાર ઘાસના છાપરા નીચે સગડી કે ચૂલામાં લાકડાં બાળીને જ ખાવાનું રાંધતા જોવા મળતા હતા. ત્યાંનો સમાજ ગરીબ ખેડૂતો અને માછીમારોનો બનેલો હતો પરંતુ તેઓ બહુ દયાળુ હતા. મોટા ભાગના લોકો ધાર્મિક તો હતા જ, પરંતુ તેઓ બહુ અંધશ્રદ્ધાળુ પણ હતા. અસામાન્ય બનાવો બને તો, તેઓ એને શુકન-અપશુકન ગણી લેતા હતા.

ત્યાંના પાદરીઓ જબરજસ્તીથી લોકોના ઘરે બોલાવ્યા વગર જતા અને અમે આપેલું સાહિત્ય ફાડી નાખતા. આમ તેઓ ભોળિયા લોકોને વધુ ડરાવતા, પરંતુ બધા જ તેઓથી ગભરાઈ જતા ન હતા. દાખલા તરીકે, ૭૦ વર્ષની વૃદ્ધા, સ્પૂન્કી પાદરીની ધમકીથી ડરી ગઈ નહિ. તે પોતે બાઇબલ સમજવા માંગતી હતી અને છેવટે બીજાઓ સાથે તે પણ સાક્ષી બની. લોકોમાં અમે રસ જોયો તેમ, જ્યોર્જને અમુક રવિવારોએ આવા લોકોને આપણી સભાઓમાં લાવવા અને પાછા લઈ જવા માટે લગભગ ૩૦૦ કિલોમીટર ડ્રાઇવિંગ કરવું પડતું હતું.

શરૂઆતના મહિનાઓમાં ત્યાં કોઈ સાક્ષીઓ ન હતા છતાં, નિયમિત બધી જ સભાઓ ભરીને જ્યોર્જ અને મેં અમારી આત્મિકતા જાળવી રાખી. વધુમાં, અમે દર સોમવારે રાત્રે ચોકીબુરજ અભ્યાસ અને બાઇબલ વાંચન કરીને ખંતીલો કાર્યક્રમ અનુસરતા હતા. અમને ચોકીબુરજ અને સજાગ બનો! મળે કે તરત એને વાંચી નાખતા હતા.

અમે લોંગ ટાપુ પર હતા ત્યારે જ મારા પિતાનું અવસાન થયું. ત્યાર પછી ૧૯૬૩ના ઉનાળામાં, અમે એવી ગોઠવણ કરી કે મારી માતા અમારી નજીક રહે. વૃદ્ધ હોવા છતાં, તેને ત્યાં સારી રીતે ફાવી ગયું અને ૧૯૭૧માં તેના મૃત્યુપર્યંત તે ત્યાં રહી. આજે, લોંગ ટાપુ પર એક મંડળ છે અને તેઓનું નવું નકોર રાજ્યગૃહ પણ છે.

સહેવાય નહિ એવો પડકાર

વર્ષ ૧૯૮૦માં, જ્યોર્જને ખબર પડી કે તેમની તબિયત બગડતી જાય છે. તેમને ઍલઝાઈમરનો રોગ થયો હતો, તેથી મારા વહાલા પતિ, જે મારા સહકાર્યકર્તા અને મિત્ર પણ હતા તેમને આ હાલતમાં જોવા એ મારા જીવનનો સૌથી દુઃખદ અનુભવ હતો. તેમનું આખું વ્યક્તિત્વ જ બદલાઈ ગયું હતું. છેલ્લી હદે વધેલા રોગે છેલ્લા ચાર વર્ષ તો તેમને ખૂબ રિબાવ્યા, છેવટે ૧૯૮૭માં તે મૃત્યુ પામ્યા. તેમણે પ્રચારમાં અને સભાઓમાં બની શકે ત્યાં સુધી મને સાથ આપ્યો, પરંતુ ઘણી વખત તેમને જે પ્રયત્નો કરવા પડતા હતા એ જોઈને હું રડી પડતી હતી. તેમના મરણ પછી, આપણા ખ્રિસ્તી ભાઈબહેનોએ મારા પ્રત્યે જે પ્રેમ બતાવ્યો એનાથી ખરેખર મને સાચો દિલાસો મળ્યો છે, છતાં પણ હું તેમને ભૂલી શકતી નથી.

મારા અને જ્યોર્જના લગ્‍નજીવનની સૌથી મૂલ્યવાન બાબત એ હતી કે અમે એકબીજા સાથે હંમેશા વાતચીત કરીને આનંદ મેળવતા હતા. હવે જ્યોર્જ નથી ત્યારે, યહોવાહ પરમેશ્વર પોતાના સેવકોને “નિત્ય પ્રાર્થના” કરવાનું, ‘પ્રાર્થનામાં લાગુ રહેવાનું’ અને ‘સર્વ પ્રકારની’ પ્રાર્થના કરવાનું જે આમંત્રણ આપે છે એ માટે હું તેમની ખૂબ આભારી છું. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭; રૂમી ૧૨:૧૨; એફેસી ૬:૧૮) યહોવાહ આપણું ભલું ઇચ્છે છે એ જાણવું બહુ દિલાસો આપનારું છે. સાચે જ હું ગીતકર્તા જેવું જ અનુભવું છું, જેમણે ગાયું: “ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે.” (ગીતશાસ્ત્ર ૬૮:૧૯) દરરોજ ફક્ત એક જ દિવસનો હું વિચાર કરું છું અને મારી મર્યાદાઓ સ્વીકારીને, ઈસુએ સલાહ આપી તેમ દરરોજ મળતા આશીર્વાદો માટે પરમેશ્વરનો આભાર માનું છું. ખરેખર મારા માટે એ જીવનનો સૌથી સારો માર્ગ છે.—માત્થી ૬:૩૪.

સેવાકાર્યનો આનંદિત બદલો

ખ્રિસ્તી સેવાકાર્યમાં વ્યસ્ત રહેવાને કારણે, હું ભૂતકાળની યાદોમાં ખોવાઈ જતી નથી. આમ, હું હતાશ કરી દેતી લાગણીઓને આંબી શકું છું. બીજાઓને બાઇબલ સત્ય શીખવવાથી મને બહુ જ ખુશી મળે છે. સેવાકાર્ય એક યોગ્ય આત્મિક નિત્યક્રમ પૂરો પાડે છે કે જેના કારણે મારું જીવન સ્થિર બન્યું છે.—ફિલિપી ૩:૧૬.

એક વખત મને એક સ્ત્રીએ ફોન કર્યો હતો કે જેને મેં ૪૭ વર્ષ પહેલાં પ્રચાર કર્યો હતો. અમે ૧૯૪૭માં બહામા પહોંચ્યા હતા ત્યારે, જે પુરુષ સાથે પહેલો બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હતો, તેની તે દીકરી હતી. તેના માતા-પિતા અને બધા જ ભાઈબહેનો તથા તેઓના મોટા ભાગના પૌત્ર-પૌત્રીઓ યહોવાહના સાક્ષીઓ બન્યા. હકીકતમાં, તે સ્ત્રીના કુટુંબની ૬૦થી વધુ વ્યક્તિઓ સાક્ષીઓ છે. પરંતુ તેણે પોતે બાઇબલ સત્ય સ્વીકાર્યું ન હતું. જોકે હવે, તે યહોવાહની સેવક બનવા તૈયાર હતી. હું અને જ્યોર્જ બહામામાં હતા ત્યારે ગણ્યાગાંઠ્યા સાક્ષીઓ હતા, એ હવે વધીને ૧,૪૦૦ થઈ ગયા છે એ જોવું કેટલું ખુશી આપનારું છે!

ઘણી વખત લોકો મને પૂછે છે કે શું બાળકો નહિ હોવાથી તમને દુઃખ નથી થતું? ચોક્કસ, બાળકો હોવા એક મોટો આશીર્વાદ બની શકે છે. તોપણ, મારા આત્મિક બાળકો, પૌત્ર-પૌત્રીઓ, અને તેમનાં પણ બાળકો તરફથી મને જે સતત પ્રેમ મળ્યો છે એવો અનુભવ બધા માબાપે કર્યો નહિ હોય. સાચે જ, જેઓ “ભલું કરે” છે અને “ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે” છે તેઓ સૌથી સુખી લોકો છે. (૧ તીમોથી ૬:૧૮) તેથી, જ મારી તબિયત સારી હોય ત્યારે હું પ્રચાર કરતી રહું છું.

એક દિવસ દાંતના દવાખાને એક યુવતીએ મારી પાસે આવીને કહ્યું: “તમે મને ઓળખતા નથી, પરંતુ હું તમને ઓળખું છું અને હું તમને જણાવવા માગું છું કે હું તમને ખૂબ ચાહું છું.” પછી તેણે જણાવ્યું કે તેણે કઈ રીતે બાઇબલમાંથી સત્ય મેળવ્યું અને અમે મિશનરિઓ બહામામાં આવ્યા તેથી તે કેટલી આભારી હતી.

એક પ્રસંગે હું વેકેશનથી ઘરે પાછી ફરી ત્યારે, અત્યારે હું જ્યાં રહું છું ત્યાં નાસાઉની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીના મારા રૂમના બારણા પર એક ગુલાબ હતું. એની સાથે નાની ચબરખી પણ હતી જેમાં લખ્યું હતું, “તમને પાછા આવેલા જોઈને અમને ખૂબ આનંદ થયો.” આ રીતે, હું જોઉં છું કે યહોવાહનો શબ્દ, તેમની સંસ્થા અને તેમનો આત્મા લોકોમાં કેવા ફેરફાર લાવે છે ત્યારે, મારું હૃદય આભારની લાગણીથી ઊભરાય જાય છે અને હું યહોવાહને વધુને વધુ પ્રેમ કરવા લાગું છું. ખરેખર, યહોવાહ આપણા આસપાસના ભાઈબહેનો દ્વારા વારંવાર આપણી કાળજી રાખે છે.

ખૂબ આભારી

મારું જીવન હંમેશા સરળ રહ્યું નથી અને આજે પણ નથી. તેમ છતાં મારી પાસે આભાર માનવા માટે ઘણી બધી બાબતો છે, જેમ કે સેવાકાર્યનો આનંદ, ઘણા બધા ભાઈબહેનોનો પ્રેમ અને સ્નેહ, યહોવાહની સંસ્થાની પ્રેમાળ કાળજી, બાઇબલનું સુંદર સત્ય, મરણ પામેલા પ્રિયજનોના પુનરુત્થાનની આશા અને યહોવાહના વફાદાર સેવક સાથેના ૪૨ વર્ષોના લગ્‍નજીવનની મીઠી યાદો. અમે લગ્‍ન કર્યા એ પહેલાં, મેં પ્રાર્થના કરી હતી કે મારા પતિને ખૂબ જ ગમતી હતી એ પૂરા સમયની સેવામાં હું હંમેશા તેમને સાથ આપતી રહું. યહોવાહે દયાળુપણે એ પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. તેથી, હું હંમેશા તેમને વફાદાર રહીને, તેમનો આભાર માનવા ઇચ્છું છું.

બહામા પર્યટકો માટેનું પ્રખ્યાત સ્થળ છે, જ્યાં આવીને ગરમીનો આનંદ માણવા તેઓ હજારો ડૉલર ખર્ચે છે. યહોવાહની સંસ્થા જ્યાં પણ મોકલે ત્યાં જઈને તેમની સેવા કરવાનું પસંદ કર્યું હોવાથી, સુસમાચારનો પ્રચાર કરવા મેં આ ટાપુના એક છેડાથી બીજા છેડા સુધી મુસાફરી કરીને એનો ભરપૂર આનંદ ઉઠાવ્યો છે. પરંતુ સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે મેં મૈત્રીભર્યા બહામીઓનો પ્રેમ જાણ્યો અને માણ્યો છે.

જે ભાઈબહેનો મારાં માબાપ પાસે સત્ય લઈને આવ્યા હતા તેઓનો હું ખૂબ જ આભાર માનું છું. એનાથી મારાં માબાપે મારા નાનાં મગજમાં અને હૃદયમાં પરમેશ્વરના રાજ્યને પ્રથમ મૂકવાની તીવ્ર ઇચ્છા પેદા કરી. આજે યહોવાહના યુવાન સેવકો પણ એ જ રીતે, સેવાકાર્યની મોટી મોટી તકો વધારનારા ‘મહાન દ્વારમાં’ પ્રવેશીને ઘણા આશીર્વાદો મેળવી શકે. (૧ કોરીંથી ૧૬:૯) જો તમે તમારા જીવનનો ઉપયોગ ‘દેવોના દેવ’ યહોવાહને આદર આપવામાં કરશો તો, તમારું હૃદય પણ આભારની લાગણીઓથી ઊભરાઈ જશે.—પુનર્નિયમ ૧૦:૧૭; દાનીયેલ ૨:૪૭.

[પાન ૨૪ પર ચિત્ર]

વર્ષ ૧૯૪૪માં વિક્ટોરીયા, બી.સી.માં ફળિયાના સાક્ષીકાર્યમાં

[પાન ૨૪ પર ચિત્ર]

જ્યોર્જ અને હું ૧૯૪૬માં ગિલયડ શાળામાં ગયા હતા

[પાન ૨૫ પર ચિત્ર]

વર્ષ ૧૯૫૫માં નાસાઉ, બહામાના મિશનરિ ગૃહ સામે જ્યોર્જ અને હું

[પાન ૨૬ પર ચિત્ર]

ડેડમેન્સ કેયમાં મિશનરિ ગૃહ, જ્યાં અમે ૧૯૬૧થી ૭૨ સુધી સેવા આપી હતી