સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘જો દેવ આપણા પક્ષે હોય તો આપણી સામે કોણ થઈ શકે?’

‘જો દેવ આપણા પક્ષે હોય તો આપણી સામે કોણ થઈ શકે?’

‘જો દેવ આપણા પક્ષે હોય તો આપણી સામે કોણ થઈ શકે?’

“તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ?”—રૂમી ૮:૩૧.

૧. ઈસ્રાએલીઓ સાથે બીજા કોણે મિસર છોડ્યું અને શા માટે?

 ઈસ્રાએલીઓ મિસરમાં ૨૧૫ વર્ષ રહ્યા હતા, જેમાં મોટા ભાગે તેઓ ગુલામીમાં હતા. તેઓ મિસરની ગુલામીમાંથી મુક્ત થયા ત્યારે, “મિશ્રિત લોકોનો જથ્થો પણ તેમની સાથે ચાલતો હતો.” (નિર્ગમન ૧૨:૩૮) આ મિસરી લોકોએ દસ ભયંકર આફતો અનુભવી હતી કે જેણે મિસરની પાયમાલી કરીને એના જૂઠા દેવોને હાંસીપાત્ર બનાવ્યા હતા. એ જ સમયે, મિસરીઓએ ખાસ કરીને ચોથી આફત પછી, પોતાના લોકોને બચાવવાની યહોવાહની શક્તિ જોઈ. (નિર્ગમન ૮:૨૩, ૨૪) આ લોકોને યહોવાહના હેતુઓ વિષે બહુ જ્ઞાન ન હતું. તેમ છતાં, તેઓને એક બાબત તો સ્પષ્ટ રીતે જોઈ શક્યા કે મિસરના દેવો મિસરના લોકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છે. પરંતુ, યહોવાહ ઈસ્રાએલીઓનું રક્ષણ કરવા માટે શક્તિમાન પુરવાર થયા છે.

૨. શા માટે રાહાબે ઈસ્રાએલી જાસૂસોને મદદ કરી અને શા માટે પરમેશ્વર પર તેણે ભરોસો મૂક્યો એ યોગ્ય હતો?

ચાળીસ વર્ષ પછી, ઈસ્રાએલીઓ વચનના દેશના આંગણે હતા ત્યારે, મુસા પછી આગેવાની લેનાર, યહોશુઆએ દેશની જાસૂસી કરવા બે માણસોને મોકલ્યા. ત્યાં તેઓ યરેખોમાં રહેતી રાહાબને મળ્યા. ઈસ્રાએલીઓએ મિસર છોડ્યું ત્યારથી ૪૦ વર્ષ દરમિયાન, યહોવાહે કેવાં ચમત્કારો કરીને તેઓનું રક્ષણ કર્યું એ વિષે તેણે સાંભળ્યું હતું. તેથી, તે જાણતી હતી કે પોતાને પરમેશ્વરનો આશીર્વાદ મેળવવો હોય તો, તેમના લોકોને મદદ કરવી જ જોઈએ. તેથી, તેણે લીધેલા યોગ્ય નિર્ણયને લીધે, ઈસ્રાએલીઓએ એ શહેરનો નાશ કર્યો ત્યારે તે અને તેનું કુટુંબ બચી ગયા. તેઓ જે અદ્‍ભુત રીતે બચી ગયા એ જ એક પુરાવો હતો કે પરમેશ્વર તેઓના પક્ષે હતા. આમ, રાહાબનો ભરોસો ઈસ્રાએલીઓના પરમેશ્વરમાં મૂકવો યોગ્ય હતો.—યહોશુઆ ૨:૧, ૯-૧૩; ૬:૧૫-૧૭, ૨૫.

૩. (ક) ઈસુએ ફરી બંધાયેલા યરેખો શહેર નજીક કયો ચમત્કાર કર્યો અને યહુદી આગેવાનોએ કેવો પ્રત્યાઘાત પાડ્યો? (ખ) કેટલાક યહુદીઓ અને પછીથી ઘણા બિનયહુદીઓને શાનું ભાન થયું?

પંદર સદીઓ પછી, ફરી બાંધવામાં આવેલા યરેખો શહેર નજીક ઈસુ ખ્રિસ્તે એક આંધળા ભિખારીને સાજો કર્યો. (માર્ક ૧૦:૪૬-૫૨; લુક ૧૮:૩૫-૪૩) આ માણસે ઈસુ પાસે દયાની ભીખ માંગીને બતાવ્યું કે પરમેશ્વર યહોવાહ ઈસુ સાથે છે એની તેને ખબર હતી. એનાથી વિરુદ્ધ, યહુદી ધાર્મિક આગેવાનો અને તેઓના અનુયાયીઓ ઈસુએ કરેલા ચમત્કારિક પુરાવાઓ જોઈને પણ માનતા ન હતા કે ઈસુની સાથે પરમેશ્વર હતા. એટલું જ નહિ, તેઓએ ઈસુની નિંદા પણ કરી. (માર્ક ૨:૧૫, ૧૬; ૩:૧-૬; લુક ૭:૩૧-૩૫) તેઓએ ઈસુને મારી નાખ્યા પછી, તેમને પરમેશ્વરે સજીવન કર્યા. એ હકીકત જોઈને પણ તેઓ માનવા તૈયાર ન હતા કે યહોવાહ પરમેશ્વર ઈસુની સાથે છે. એને બદલે, તેઓએ ઈસુના શિષ્યોની સતાવણી કરવામાં આગેવાની લીધી અને “પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા” જાહેર કરવાના કામમાં અડચણો ઊભી કરી. પરંતુ કેટલાક યહુદીઓ અને પછીથી ઘણા બિનયહુદીઓએ આ બનાવો પર ધ્યાન આપ્યું અને યોગ્ય નિષ્કર્ષ પર આવ્યા. તેઓ માટે એ સ્પષ્ટ હતું કે પરમેશ્વરે, પોતાને ન્યાયી ગણાવતા યહુદી આગેવાનોને તરછોડી દીધા હતા. તે હવે ઈસુ ખ્રિસ્તના નમ્ર અનુયાયીઓ સાથે હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧૯-૨૧.

આજે પરમેશ્વર કોની સાથે છે?

૪, ૫. (ક) કેટલાક લોકો કઈ રીતે ધર્મ પસંદ કરે છે? (ખ) સાચો ધર્મ પસંદ કરતી વખતે કયો પ્રશ્ન પૂછવો મહત્ત્વનું છે?

સાચા ધર્મ વિષેના પ્રશ્નનો જવાબ આપતા, તાજેતરમાં લેવામાં આવેલા એક ટીવી ઈન્ટર્વ્યૂંમાં એક પાદરીએ કહ્યું: “મારું તો માનવું છે કે વ્યક્તિ કોઈ ધર્મ પ્રમાણે જીવે અને એ ધર્મ એને સારી વ્યક્તિ બનાવે, ત્યારે જ એ સાચો ધર્મ કહી શકાય.” હા એ સાચું છે કે સાચો ધર્મ લોકોને સારા બનાવે છે. પરંતુ કોઈ ધર્મ લોકોને સારા બનાવતો હોય તો, શું ફક્ત એનાથી જ એ પુરવાર થાય છે કે પરમેશ્વર તેઓની સાથે છે? શું એ જ સાચો ધર્મ નક્કી કરવાની એક રીત છે?

દરેકને પોતાના માટે પસંદગી કરવાનું ગમે છે, જેમાં ધર્મને પસંદ કરવાનો પણ સમાવેશ થાય છે. પરંતુ પસંદગી કરવાની છૂટ હોવાથી, એની કોઈ ગેરંટી નથી કે વ્યક્તિ સાચો જ ધર્મ પસંદ કરશે. દાખલા તરીકે, કેટલાક લોકો ધર્મની પસંદગી એના પરથી કરે છે કે, એ કેટલો ફેલાયેલો છે, કેટલા ધનવાન લોકો આવે છે, કેવી મોટી મોટી ધાર્મિક વિધિઓ થાય છે કે એમાં કયા પ્રકારના લોકો આવે છે. આમાંની એક પણ બાબતથી નક્કી થતું નથી કે એ ધર્મ સાચો છે કે નહિ. આ વિષે એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે: કયો ધર્મ છે જે પોતાના લોકોને પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાની સલાહ આપે અને પરમેશ્વર તેમની સાથે છે એનો નક્કર પુરાવો આપે, જેથી એમાં માનનારાઓ ખાતરીપૂર્વક કહી શકે કે “દેવ આપણા પક્ષનો છે?”

૬. સાચા અને જૂઠા ધર્મ વિષે ઈસુના શબ્દો શું બતાવે છે?

ઈસુએ સાચી અને જૂઠી ઉપાસના વચ્ચેનો ભેદ પારખવાનો નિયમ બતાવતા કહ્યું: “જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરૂના જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો. તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (માત્થી ૭:૧૫, ૧૬; માલાખી ૩:૧૮) ચાલો આપણે સર્વ સત્યતાથી કેટલાંક “ફળ” કે ઓળખ ચિહ્‍નોની ચર્ચા કરીએ, જેથી આપણે નક્કી કરી શકીએ કે આજે પરમેશ્વર કોના પક્ષે છે.

કેટલાંક ઓળખ ચિહ્‍નો કે ફળો

૭. ફક્ત બાઇબલ આધારિત શિક્ષણ આપવાનો શું અર્થ થાય છે?

તેઓનું શિક્ષણ બાઇબલ આધારિત છે. ઈસુએ કહ્યું: “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો તેનો છે. જો કોઈ તેની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે, કે એ દેવથી છે કે હું પોતાથી બોલું છું.” એ ઉપરાંત, “જે દેવનો છે, તે દેવનાં વચન સાંભળે છે.” (યોહાન ૭:૧૬, ૧૭; ૮:૪૭) આમ, પરમેશ્વરની મદદ જોઈતી હોય તો, વ્યક્તિએ પરમેશ્વરના શબ્દ, બાઇબલ પ્રમાણે જ શીખવવું જોઈએ. તેણે માનવ જ્ઞાન કે ડહાપણ પર આધારિત શિક્ષણનો નકાર કરવો જોઈએ.—યશાયાહ ૨૯:૧૩; માત્થી ૧૫:૩-૯; કોલોસી ૨:૮.

૮. ઉપાસનામાં પરમેશ્વરના નામનો ઉપયોગ કરવો શા માટે મહત્ત્વનું છે?

તેઓ પરમેશ્વરના નામ, યહોવાહનો ઉપયોગ કરે છે તેમ જ એને જાહેર કરે છે. યશાયાહે ભાખ્યું: “તે દિવસે તમે કહેશો, યહોવાહની ઉપકારસ્તુતિ કરો, તેનું નામ લઈને તેને હાંક મારો, લોકોમાં તેનાં કૃત્યો જાહેર કરો, તેનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો. યહોવાહનાં સ્તોત્ર ગાઓ; તેણે ઉત્તમ કામો કર્યાં છે, એ આખી પૃથ્વીમાં વિદિત થાઓ.” (યશાયાહ ૧૨:૪, ૫) ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું: “ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ.” (માત્થી ૬:૯) એ કારણે, યહુદી હોય કે બિનયહુદી, ખ્રિસ્તીઓએ “[દેવના] નામની ખાતર એક પ્રજા” તરીકે ઉપાસના કરવાની હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪) દેખીતી રીતે જ, પરમેશ્વર ‘પોતાના નામની ખાતર પ્રજા’ બનવામાં ગૌરવ લેનારાને ખુશીથી મદદ કરે છે.

૯. (ક) શા માટે આનંદ સાચા ધર્મના લોકોનું ઓળખ ચિહ્‍ન છે? (ખ) યશાયાહ સાચા અને જૂઠા ધર્મ વચ્ચે કેવો તફાવત બતાવે છે?

તેઓ પરમેશ્વરની જેમ આનંદી છે. ‘સુવાર્તાના’ લેખક તરીકે, યહોવાહ “સ્તુત્ય દેવ” છે. (૧ તીમોથી ૧:૧૧) તેથી, તેમના ઉપાસકો કઈ રીતે કાયમ દુઃખી કે ઉદાસ ચહેરો લઈને ફરતા હોય શકે? જગતનાં દબાણો અને બીજી સમસ્યાઓ હોવા છતાં, સાચા ખ્રિસ્તીઓ આનંદી રહે છે, કેમ કે તેઓ નિયમિત ભરપૂર આત્મિક મિજબાનીનો લાભ ઉઠાવે છે. યશાયાહ તેઓ અને જૂઠા ધર્મના લોકો વચ્ચેનો તફાવત બતાવતા કહે છે: “તે માટે પ્રભુ યહોવાહ કહે છે, કે જુઓ, મારા સેવકો ખાશે, પણ તમે તો ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તો તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે તો લજ્જિત થશો; જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, પણ તમે હૃદયના ખેદને લીધે શોક કરશો ને જીવના સંતાપને લીધે વિલાપ કરશો.”—યશાયાહ ૬૫:૧૩, ૧૪.

૧૦. સાચો ધર્મ પાળનાર વ્યક્તિ કઈ રીતે ખોટા માર્ગોને ટાળી શકે?

૧૦ તેઓની વર્તણૂક અને નિર્ણયો બાઇબલ સિદ્ધાંતો પર આધારિત હોય છે. નીતિવચનના લેખક આપણને સલાહ આપે છે, “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” (નીતિવચન ૩:૫, ૬) પરમેશ્વરનો વિરોધ કરતા માનવ જ્ઞાનના આધારે માર્ગદર્શન શોધવાના બદલે, જેઓ પરમેશ્વર પર મીટ માંડે છે તેઓને તે મદદ પૂરી પાડે છે. એક વ્યક્તિ બાઇબલ પ્રમાણે જીવવાની ઇચ્છા રાખવાથી તે ખોટા માર્ગો અપનાવવાનું ટાળી શકે છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૩; ૧ કોરીંથી ૧:૧૯-૨૧.

૧૧. (ક) શા માટે સાચા ધર્મમાં પાદરી વર્ગ અને સામાન્ય લોકો જેવો કોઈ ભેદ ન હોય શકે? (ખ) પરમેશ્વરના લોકોમાં આગેવાની લેનારાઓ કેવું ઉદાહરણ બેસાડે છે?

૧૧ તેઓ પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળની જેમ સંગઠિત થયેલા છે. ઈસુએ સિદ્ધાંત બતાવ્યો: “તમે રાબ્બી ન કહેવાઓ; કેમકે એક જ તમારો ગુરુ છે, ને તમે સઘળા ભાઈઓ છો. અને પૃથ્વી પર તમે કોઈને તમારો બાપ ન કહો, કેમકે એક જે આકાશમાં છે, તે તમારો બાપ છે. અને તમે સ્વામી ન કહેવાઓ, કેમકે એક, જે ખ્રિસ્ત, તે તમારો સ્વામી છે. પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય.” (માત્થી ૨૩:૮-૧૧) મંડળના ભાઈઓ, અભિમાની પાદરી વર્ગની જેમ મોટા મોટા ખિતાબો રાખીને કે સામાન્ય લોકો કરતાં પોતાને કંઈક વધારે મહત્ત્વના ગણતા નથી. (અયૂબ ૩૨:૨૧, ૨૨) પરમેશ્વરના ટોળાની દેખરેખ રાખનારાઓને કહેવામાં આવ્યું છે કે એ “કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો; નીચ લોભને સારૂ નહિ, પણ હોંસથી કરો; વળી તમને સોંપેલા ટોળા પર ધણી તરીકે નહિ, પણ તે ટોળાને આદર્શરૂપ થાઓ.” (૧ પીતર ૫:૨, ૩) સાચા ખ્રિસ્તી વડીલો બીજાઓના વિશ્વાસ પર ધણીપણું કરતા નથી. પરમેશ્વરની સેવામાં સાથે કામ કરનારાઓ તરીકે, તેઓ સારું ઉદાહરણ બેસાડવાનો પ્રયત્ન કરે છે.—૨ કોરીંથી ૧:૨૪.

૧૨. પરમેશ્વરનું પીઠબળ ચાહનારા લોકોએ માનવ સરકારો વિષે કેવું યોગ્ય વલણ રાખવું જોઈએ?

૧૨ તેઓ માનવીય સરકારોને આધીન રહે છે ખરા, તોપણ તટસ્થ રહે છે. “મુખ્ય અધિકારીઓને આધીન” ન રહેનારા લોકો પરમેશ્વરના ટેકાની આશા રાખી શકતા નથી. શા માટે? કેમ કે “દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી; જે અધિકારીઓ છે તેઓ દેવથી નીમાએલા છે. એથી અધિકારીની સામે જે થાય છે તે દેવના ઠરાવની વિરૂદ્ધ થાય છે.” (રૂમી ૧૩:૧, ૨) તેમ છતાં, ઈસુએ પારખ્યું કે કરની બાબત સહિત બીજી ઘણી બાબતોમાં અધિકારીઓને આધીન થવું કે દેવને, એ વિષે મતભેદો ઊભા થશે, તેથી તેમણે કહ્યું: “કાઈસારનાં છે તે કાઈસારને, ને જે દેવનાં છે તે દેવને ભરી આપો.” (માર્ક ૧૨:૧૭) પરમેશ્વરનું પીઠબળ ચાહનારાઓએ ‘પહેલાં [યહોવાહના] રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધતા’ રહેવું જોઈએ. એ જ સમયે તેઓએ પરમેશ્વર પ્રત્યેની પોતાની ફરજના સુમેળમાં હોય, એવા કાયદાઓને પણ આધીન રહેવું જોઈએ. (માત્થી ૬:૩૩; પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) ઈસુએ તટસ્થતા પર ભાર મૂકતા પોતાના શિષ્યો વિષે કહ્યું: “જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” પછી તેમણે ઉમેર્યું: “મારૂં રાજ્ય આ જગતનું નથી.”—યોહાન ૧૭:૧૬; ૧૮:૩૬.

૧૩. પરમેશ્વરના લોકોની ઓળખમાં, પ્રેમ કયો મહત્ત્વનો ભાગ ભજવે છે?

૧૩ તેઓ પક્ષપાત વગર ‘બધાનું સારું’ કરે છે. (ગલાતી ૬:૧૦) ખ્રિસ્તી પ્રેમ પક્ષપાત કરતો નથી. કાળા-ગોરા, અમીર-ગરીબ, ભણેલા-ગણેલા, અભણ અને ગમે તે દેશના કે ભાષાના હોય, એમાં કોઈ ભેદભાવ નથી. ખ્રિસ્તીઓ બધાનું, ખાસ કરીને જેઓ વિશ્વાસમાં જોડાયેલા છે તેઓનું સારું કરે છે. એનાથી એ જોવા મળે છે કે તેઓને પરમેશ્વરનો ટેકો છે. ઈસુએ કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૫; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

૧૪. પરમેશ્વરનો ટેકો મેળવનારાને શું બધાનો ટેકો મળશે?

૧૪ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા તેઓ સ્વેચ્છાએ સતાવણી સહન કરે છે. ઈસુએ અગાઉથી જ પોતાના શિષ્યોને ચેતવણી આપી હતી: “જો તેઓ મારી પૂઠે પડ્યા, તો તેઓ તમારી પૂઠે પણ પડશે; જો તેઓએ મારાં વચન પાળ્યાં, તો તેઓ તમારાં પણ પાળશે.” (યોહાન ૧૫:૨૦; માત્થી ૫:૧૧, ૧૨; ૨ તીમોથી ૩:૧૨) પરમેશ્વરનો ટેકો હોય તેઓને મોટા ભાગે લોકો પસંદ કરતા નથી. જેમ કે નુહ, જેમણે પોતાના વિશ્વાસથી જગતને દોષિત ઠરાવ્યું. (હેબ્રી ૧૧:૭) તેથી, આજે જેઓ ચાહે છે કે પરમેશ્વર તેઓની સાથે હોય, તેઓએ પણ, સતાવણીના સમયે છટકી જવા બાઇબલ કે યહોવાહના સિદ્ધાંતોને મચકોડવા જોઈએ નહિ. તેઓ જાણે છે કે પોતે વિશ્વાસપૂર્વક તેમની સેવા કરે છે ત્યાં સુધી, લોકો જરૂર ‘આશ્ચર્ય પામીને તેઓની નિંદા કરશે.’—૧ પીતર ૨:૧૨; ૩:૧૬; ૪:૪.

પુરાવા તપાસવા

૧૫, ૧૬ (ક) જે ધર્મના લોકો સાથે પરમેશ્વર હોય તેઓને ઓળખવા કયા પ્રશ્નો મદદરૂપ થશે? (ખ) લાખો લોકો કયા નિર્ણય પર પહોંચ્યા છે અને શા માટે?

૧૫ પોતાને પૂછો, ‘ભલે મોટા ભાગના લોકો ન માને તોપણ, કયા ધર્મના લોકો બાઇબલ શિક્ષણને વળગી રહે છે? કોણ પરમેશ્વરના નામને મહત્ત્વ આપે છે અને પોતાને પણ એ નામથી ઓળખાવે છે? કોણ ઉત્સાહથી પરમેશ્વરના રાજ્યને માણસજાતની સમસ્યાના એકમાત્ર હલ તરીકે બતાવે છે? બાઇબલ ધોરણોને જૂનવાણી ગણવામાં આવે તોપણ કયા લોકો એને વળગી રહે છે? એવું કયું વૃંદ છે જેના બધા સભ્યો પ્રચારકો છે અને તેઓએ પગાર આપીને પાદરી રાખ્યા નથી? રાજકારણમાં ભાગ ન લેવા છતાં, કયા લોકોના નિયમ પાળનારા નાગરિકો તરીકે વખાણ કરવામાં આવે છે? બીજાઓને પરમેશ્વર અને તેમના હેતુઓ વિષે શીખવવા કોણ પોતાનો સમય અને પૈસા ખર્ચે છે? આ બધી પ્રશંસાપાત્ર બાબતો કરવા છતાં, એ કોણ છે જેઓની મશ્કરી અને સતાવણી કરવામાં આવે છે?’

૧૬ આખા જગતમાં લાખો લોકોએ એ હકીકત તપાસી છે અને તેઓને ખાતરી થઈ છે કે ફક્ત યહોવાહના સાક્ષીઓ જ સાચો ધર્મ પાળી રહ્યા છે. યહોવાહના સાક્ષીઓ જે શીખવે છે, જે રીતે વર્તે છે તેમ જ, તેઓના ધર્મથી કયા લાભો થયા છે એ જોઈને, તેઓ આ નિર્ણય પર આવ્યા છે. (યશાયાહ ૪૮:૧૭) એના પરિણામે, લાખો લોકો ઝખાર્યાહ ૮:૨૩માં ભાખ્યા પ્રમાણે કહી રહ્યા છે: “અમે તારી સાથે આવીશું, કેમકે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.”

૧૭. અમારી પાસે જ સાચો ધર્મ છે એમ માનીને શા માટે યહોવાહના સાક્ષીઓ અહંકારી બનતા નથી?

૧૭ ફક્ત પોતાની પાસે જ પરમેશ્વર છે એમ માનીને શું યહોવાહના સાક્ષીઓ અહંકારી બને છે? ના, તેઓ ઈસ્રાએલીઓ અને પ્રથમ સદીના ખ્રિસ્તીઓ જેવો જ દાવો કરી રહ્યા છે. ઈસ્રાએલી લોકોએ મિસરમાં દાવો કર્યો કે પરમેશ્વર ફક્ત પોતાના પક્ષે છે, જ્યારે કે મિસરીઓ માનતા હતા કે તેઓના પક્ષે છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ પણ યહુદી ધર્મગુરુઓ સમક્ષ એવો જ દાવો કર્યો હતો. પુરાવા જ બતાવે છે કે પરમેશ્વર ખરેખર કોના પક્ષે છે. ઈસુએ ભાખ્યું હતું કે તેમના શિષ્યો અંતના સમયમાં આખી પૃથ્વી પર પ્રચાર કાર્ય કરશે, જે આજે યહોવાહના સાક્ષીઓ ૨૩૫ દેશોમાં કરી રહ્યા છે: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માત્થી ૨૪:૧૪.

૧૮, ૧૯. (ક) શા માટે યહોવાહના સાક્ષીઓએ વિરોધ છતાં, પ્રચાર કાર્ય બંધ કરવાનું નથી? (ખ) કઈ રીતે ગીતશાસ્ત્ર ૪૧:૧૧ બતાવે છે કે પરમેશ્વર તેમના સાક્ષીઓ સાથે છે?

૧૮ યહોવાહના સાક્ષીઓ આ કાર્ય કરવાનું ચાલુ જ રાખશે, સતાવણી કે વિરોધના કારણે તેઓ એને કદી પણ બંધ કરી દેશે નહિ. યહોવાહનું કાર્ય થવું જ જોઈએ અને એ જરૂર થશે. ગઈ સદીમાં પરમેશ્વરનું કાર્ય અટકાવવા જે પ્રયત્નો કરવામાં આવ્યા, એ સર્વ છેવટે નિષ્ફળ ગયા, કેમ કે યહોવાહે વચન આપ્યું છે: “તારી વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરૂદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાહના સેવકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે.”—યશાયાહ ૫૪:૧૭.

૧૯ યહોવાહના સાક્ષીઓ ઘણા વિરોધનો સામનો કરે છે છતાં, તેઓ પહેલાં કરતાં, હમણાં વધારે પૂરજોશમાં કાર્ય કરે છે. એ જ પુરાવો આપે છે કે તેઓ જે કરી રહ્યા છે એને યહોવાહ ટેકો આપે છે. રાજા દાઊદે કહ્યું: “મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી, તેથી હું જાણું છું કે તું મારા પર પ્રસન્‍ન છે.” (ગીતશાસ્ત્ર ૪૧:૧૧; ૫૬:૯, ૧૧) પરમેશ્વરના શત્રુઓ ક્યારેય યહોવાહના લોકો પર જયજયકાર કરી શકશે નહિ, કેમ કે તેઓના આગેવાન, ઈસુ ખ્રિસ્ત આખરી વિજય માટે તેઓની આગળ ચાલી રહ્યા છે!

શું તમે જવાબ આપી શકો?

• પરમેશ્વર તેમના લોકો સાથે હતા એવાં કેટલાક પ્રાચીન ઉદાહરણો કયાં છે?

• સાચા ધર્મના કેટલાંક ઓળખ ચિહ્‍નો કયાં છે?

• તમને કઈ રીતે ખાતરી થઈ કે યહોવાહના સાક્ષીઓના પક્ષે પરમેશ્વર છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્ર]

પરમેશ્વરનો ટેકો ચાહનારા લોકોએ તેમના શબ્દના આધારે જ શીખવવું જોઈએ

[પાન ૧૫ પર ચિત્ર]

ખ્રિસ્તી વડીલો ટોળા માટે સારું ઉદાહરણ બેસાડે છે