સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેમની આત્મિક જરૂરિયાત સંતોષવામાં આવી

તેમની આત્મિક જરૂરિયાત સંતોષવામાં આવી

રાજ્ય પ્રચારકોના અનુભવ

તેમની આત્મિક જરૂરિયાત સંતોષવામાં આવી

સાઇપ્રસ, ભૂમધ્ય સમુદ્રના ઉત્તરપૂર્વે આવેલો એક ટાપુ છે. બાઇબલ સમયમાં, સાઇપ્રસ તાંબું અને સારી ગુણવત્તાના ઇમારતી લાકડાં માટે પ્રખ્યાત હતું. પાઊલ અને બાર્નાબાસે પોતાની પહેલી મિશનરિ મુલાકાત દરમિયાન અહીં રાજ્યના સુસમાચાર જાહેર કર્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪-૧૨) આજે પણ સાઇપ્રસના ઘણા લોકો સુસમાચારમાંથી લાભ મેળવે છે. ખરેખર, આ લગભગ ૪૦ વર્ષના લુક્સના કિસ્સામાં સાચું ઠરે છે. તે કહે છે:

“મારો જન્મ એક ગામમાં સાત બાળકોવાળા કુટુંબમાં થયો હતો. નાનપણથી જ, મને વાંચવાનો ખૂબ જ શોખ હતો. મારું સૌથી મનપસંદ પુસ્તક, ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનું ખિસ્સા કદનું બાઇબલ હતું. હું દસ વર્ષનો હતો ત્યારે, મેં અને મારા કેટલાક મિત્રોએ એક નાનો બાઇબલ અભ્યાસ કરવાની ગોઠવણ કરી. પરંતુ, એ લાંબો સમય ટક્યો નહિ કારણ કે ગામના કેટલાક વયોવૃદ્ધ લોકો અમને અધર્મીઓ કહેતા હતા.

“પછી, હું યુનાઈટેડ સ્ટેટ્‌સમાં શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે, ઘણા ધર્મના લોકોને મળ્યો. એ કારણે ફરીથી મને આત્મિક જ્ઞાન મેળવવાની ઇચ્છા જાગી. મેં અલગ અલગ ધર્મનો અભ્યાસ કરવા માટે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ઘણા દિવસો તપાસ કરી. મેં અમુક ચર્ચની પણ મુલાકાત લીધી. પરંતુ મારી આત્મિક જરૂરિયાત સંતોષાઈ નહિ.

“મારો અભ્યાસ પૂરો કર્યા પછી, હું સાઇપ્રસમાં પાછો આવ્યો અને તબીબી લેબોરેટરીમાં મેનેજર તરીકેની નોકરી મેળવી. એક યહોવાહના સાક્ષી, એન્થોની નામના વયોવૃદ્ધ ભાઈ મારા કામના સ્થળે મારી ઘણી વાર મુલાકાત લેતા હતા. પરંતુ તેમની એ મુલાકાત, ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના ધ્યાન બહાર ગઈ નહિ.

“જલદી જ ધર્મગુરુઓએ મારી મુલાકાત લીધી અને મને યહોવાહના સાક્ષીઓ સાથે ચર્ચા કરવાની ના પાડી. મને નાનપણથી જ શીખવવામાં આવ્યું હતું કે ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચ પાસે જ સત્ય છે આથી, મેં એન્થોનીને મારી મુલાકાત ન લેવાનું જણાવ્યું અને ધર્મગુરુઓ સાથે બાઇબલ ચર્ચા કરવાનું શરૂ કર્યું. મેં સાઇપ્રસમાં બીજા ધર્મ સ્થળોની મુલાકાત લીધી. મેં ઉત્તર ગ્રીસમાં આવેલા એથૉસ પર્વતની પણ મુલાકાત લીધી, એ પર્વતને ઑર્થોડૉક્સ લોકો સૌથી પવિત્ર ગણતા હતા. તેમ છતાં, મારા બાઇબલ આધારિત પ્રશ્નો તો એવાને એવા જ રહ્યા.

“ત્યાર પછી મેં પરમેશ્વરને સત્ય શોધવામાં મદદ કરવા માટે પ્રાર્થના કરી. થોડા જ સમયમાં, એન્થોનીએ મારા કામના સ્થળે ફરી મારી મુલાકાત લીધી. મને લાગ્યું કે આ જ મારી પ્રાર્થનાનો જવાબ છે. તેથી, મેં ધર્મગુરુઓ પાસે જવાનું બંધ કર્યું અને એન્થોની સાથે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. મેં પ્રગતિ કરવાનું ચાલું રાખ્યું અને ઑક્ટોબર ૧૯૭૭માં સમર્પણ કરીને પાણીનું બાપ્તિસ્મા લીધું.

“મારી પત્ની સાથે ૧૦ અને ૧૪ વર્ષની બે દીકરીઓએ શરૂઆતમાં વિરોધ કર્યો. પરંતુ મારી સારી વર્તણૂકને કારણે, મારી પત્નીએ રાજ્યગૃહની સભાઓમાં આવવાનું શરૂ કર્યું. તે સાક્ષીઓએ બતાવેલા પ્રેમથી અને તેઓએ જે વ્યક્તિગત રસ લીધો એનાથી ખૂબ પ્રભાવિત થઈ. તે ખાસ કરીને સાક્ષીઓ જે રીતે બાઇબલનો ઉપયોગ કરતા હતા એ જોઈને વધુ પ્રભાવિત થઈ. પરિણામે, મારી પત્ની અને બે દીકરીઓએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. તે ત્રણેવે વર્ષ ૧૯૯૯ના “પરમેશ્વરના પ્રબોધકીય શબ્દ” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં બાપ્તિસ્મા લીધું ત્યારે મને કેટલો આનંદ થયો હતો!

“હા, મારી સત્યની શોધ સંતોષાઈ. હવે મારું આખું કુટુંબ, મારી પત્ની અને ચાર બાળકો યહોવાહની શુદ્ધ ઉપાસનામાં એક છીએ.”