સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બદલાતાં ધોરણોથી વિશ્વાસઘાત

બદલાતાં ધોરણોથી વિશ્વાસઘાત

બદલાતાં ધોરણોથી વિશ્વાસઘાત

ઇંગ્લૅંડના રાજા હેન્રી પહેલાના જમાનામાં (૧૧૦૦-૧૧૩૫) એક વારને માપવા માટે “રાજાના નાકની ટોચથી લઈને તેમણે આગળ લંબાવેલા હાથના અંગૂઠા સુધીનું” અંતર લેવામાં આવતું હતું. પરંતુ આપણે કઈ રીતે જાણી શકીએ કે આ રીતનું માપ, રાજા હેન્રીના લોકો માટે પ્રમાણિત હતું? એ માટે તો રાજા પાસે જઈને તપાસ કરવાથી જ ખબર પડી શકે.

આજે માપને ખૂબ જ ચોકસાઈપૂર્વક પ્રમાણિત કરવામાં આવે છે. તેથી, એક મીટરનું અંતર માપવાની વ્યાખ્યા આમ આપવામાં આવી છે કે, શૂન્યાવકાશમાં પ્રકાશ એક સેકન્ડમાં જેટલું અંતર કાપે એને ૨૯૯,૭૯૨,૪૫૮ વડે ભાગાકાર કરવા. આ રીતે ચોકસાઈભરી ગણતરી કરવા માટે એક ખાસ પ્રકારની લેઝર ટોર્ચ હોવી જોઈએ, જેમાંથી નિશ્ચિત તરંગો નીકળતા હોય છે. પરંતુ દરેક પાસે આ રીતે માપવાનું સાધન હોય તો, કોઈ પણ ગમે ત્યાં લંબાઈને માપી શકે અને એ એકસરખું જ માપ જોવા મળશે.

તેમ છતાં, વજન કરવાના પ્રમાણિત સાધનમાં થોડો ઘણો પણ ફેરફાર થાય તો, એના પરથી આપણો ભરોસો ઊઠી જઈ શકે છે. પરંતુ એમ ન થાય એ માટે ઘણી કાળજી રાખવામાં આવે છે, જેથી નક્કી કરેલ ધોરણ જળવાઈ રહે. દાખલા તરીકે, બ્રિટનમાં વજન તોલવા માટે પ્લેટીનીયમ અને ઇરીડીયમના મિશ્રણની લગડીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું વજન એક કિલોગ્રામ હોય છે. આ પ્રમાણિત એકમને નૅશનલ ફીઝીકલ લેબોરેટરીમાં રાખવામાં આવે છે. પરંતુ ગાડી અને વિમાનથી થતા પ્રદુષણના કારણે દરરોજ એના વજનમાં વધારો થાય છે. જોકે આ તો નકલ છે, પરંતુ અસલી પ્રમાણિત એકમ તો ફ્રાંસના સેવરા શહેરના ભોંયતળિયા નીચે આવેલ, વજન અને માપનના આંતરરાષ્ટ્રીય કાર્યાલયમાં ત્રણ ગ્લાસની બરણીઓમાં રાખવામાં આવી છે. તેમ છતાં, નજીવા પ્રદુષણથી પણ એના વજનમાં વધ-ઘટ થતી જોવા મળે છે. આમ, દુનિયાભરના વૈજ્ઞાનિકો આજ સુધી નિશ્ચિત ધોરણ જાળવી રાખવા પ્રમાણિત માપદંડ બનાવી શક્યા નથી.

તેમ છતાં, ધોરણમાં નજીવા ફેરફાર થાય તો સામાન્ય વ્યક્તિને એનાથી કંઈ ફરક પડતો નથી. પરંતુ જો સાવ જ ફેરફાર થઈ જાય તો એનાથી અવ્યવસ્થા ઊભી થઈ શકે છે. બ્રિટનમાં અગાઉ વજન (પાઉન્ડ અને આઉન્સ)માં કરવામાં આવતું હતું. પછી એની જગ્યાએ મેટ્રિક પદ્ધતિ પ્રમાણે (કિલોગ્રામ અને ગ્રામમાં) વજન થવા લાગ્યું ત્યારે લોકોને એમાં ભરોસો બેઠો નહિ. ભરોસો ન કરવા માટે તેઓ પાસે એક મોટું કારણ પણ હતું. આ નવા માપ તોલથી લોકો પરિચિત ન હતા. તેથી, એનો ગેરફાયદો ઉઠાવીને ઘણા લોભી દુકાનદારો તેઓ પાસેથી વધારે પૈસા લઈને ઓછો માલ આપી લૂંટતા હતા.

કુટુંબ અને નૈતિક ધોરણો

આજે કુટુંબમાં પણ નૈતિક ધોરણોનું પ્રમાણ નીચું જઈ રહ્યું છે એના વિષે શું? એવા ફેરફારથી કુટુંબ પર બહુ જ ખરાબ અસર પડી શકે છે. તાજેતરના અહેવાલ પ્રમાણે કુટુંબો છિન્‍નભિન્‍ન થઈ રહ્યાં છે. જાતીય અનૈતિકતા વધી રહી છે અને ચારે બાજુ બાળકો પર જે રીતે અત્યાચાર, બળાત્કાર અને અસભ્યતાથી વર્તવામાં આવે છે એનાથી ઘણા લોકોને આઘાત લાગ્યો છે અને તેઓ હવે માને છે કે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં નૈતિકતા જેવું કંઈ રહ્યું નથી. ઘણા બાળકો ફક્ત માતા અથવા પિતાના હાથ નીચે ઉછરતા હોય છે, તો અમુક બાળકોને સજાતીય સંબંધ ધરાવતા લોકો ઉછેરતા હોય છે. કેટલાંક બાળકો અમુક સંસ્થાઓમાં ઉછરતાં હોય છે કે જ્યાં દેખરેખ રાખતા અધિકારીઓ તેઓ સાથે ક્રૂર રીતે અનૈતિક વર્તાવ કરે છે. આ બાબતોનું કારણ એ છે કે નૈતિક રીતે શુદ્ધ રહેવા બનાવેલાં ધોરણોની લોકોને જરાય પડી નથી. બાઇબલમાં બે હજાર વર્ષ પહેલાં ભાખવામાં આવ્યા પ્રમાણે લોકો આજે “સ્વાર્થી, . . . પ્રેમરહિત, . . . શુભદ્વેષી, . . . દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા” થયા છે.—૨ તીમોથી ૩:૧-૪.

નૈતિક ધોરણોની પડતી થઈ હોવાથી લોકો એનો ફાયદો ઉઠાવીને વિશ્વાસઘાત કરે છે. ઉત્તર ઇંગ્લૅંડના હાઇડ નામના નાના શહેરમાં તાજેતરમાં એક ઘટના બની જેનાથી જોવા મળ્યું કે સારવારનાં ઉચ્ચ ધોરણોમાં પણ કેવા મોટા પાયા પર વિશ્વાસઘાત થાય છે. આ શહેરના રહેવાસીઓ પોતાના કુટુંબના “વિશ્વાસપાત્ર અને આદરણીય” ડૉક્ટર પર ખૂબ ભરોસો રાખતા હતા. પરંતુ દુઃખની વાત છે કે તે ડૉક્ટરે તેઓનો વિશ્વાસઘાત કર્યો. કઈ રીતે? અહેવાલ બતાવે છે કે હકીકતમાં એ ડૉક્ટરે પોતાની ૧૫ મહિલા દર્દીઓને દવાથી મારી નાખી હતી. તેથી પોલીસે મરણ પામેલા બીજા ૧૩૦થી વધારે લોકોની ફરીથી તપાસ કરી કારણ કે તેઓના મરણ પાછળ પણ એ ડૉક્ટરનો હાથ હોવાની શક્યતા હતી. તેમણે કેટલો વિશ્વાસઘાત કર્યો હતો એની ત્યારે જ ખબર પડી જ્યારે ડૉક્ટરને ગુનેગાર ઠરાવી જેલની સજા કરવામાં આવી. જેલમાં કામ કરતા બે અધિકારીઓની માતાઓ પણ કદાચ આ ડૉક્ટરના હાથે મૃત્યુ પામી હોય શકે. તેથી તેઓને બીજું કામ સોંપવામાં આવ્યું જેથી તેઓએ આ ક્રૂર કેદીની દેખરેખ રાખવી ન પડે. તેથી ધ ડેઈલી ટેલીગ્રાફ નામના છાપામાં આ ડૉક્ટરને “‘શેતાન’ ડૉક્ટર” કહેવામાં આવ્યો એમાં કોઈ નવાઈ ન હતી.

આજે જીવનના દરેક પાસામાં નીતિ-નિયમ જેવું કંઈ રહ્યું નથી. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે તમે કોના પર ભરોસો મૂકી શકો? કદી બદલાતા ન હોય એવા ધોરણો તમને ક્યાં જોવા મળી શકે, જેમાં એક એવાં અધિકારીનો હાથ હોય જે એને સ્થિર રાખવાની શક્તિ ધરાવે છે? હવે પછીનો લેખ આ પ્રશ્નોનો જવાબ આપશે.