સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અનાથ અને વિધવાઓનાં દુઃખોમાં તેઓની કાળજી લેવી

અનાથ અને વિધવાઓનાં દુઃખોમાં તેઓની કાળજી લેવી

અનાથ અને વિધવાઓનાં દુઃખોમાં તેઓની કાળજી લેવી

આપણે પ્રેમ વગરના જગતમાં જીવી રહ્યાં છીએ એ પારખવું કંઈ અઘરું નથી. “છેલ્લા સમયમાં” કયા પ્રકારના લોકો હશે એનો ઉલ્લેખ કરતા પ્રેષિત પાઊલે લખ્યું: ‘સંકટના વખતો આવશે. કેમકે માણસો સ્વાર્થી, પ્રેમરહિત હશે.’ (૨ તીમોથી ૩:૧-૩) આજે, એ શબ્દો કેટલા સાચા છે!

આપણા સમયના નૈતિક વાતાવરણના કારણે ઘણા લોકોમાં દયાની ખામી જોવા મળે છે. આજે લોકોને બીજાઓમાં કંઈ રસ નથી. વળી કેટલાક કિસ્સાઓમાં તો કુટુંબના સભ્યો વચ્ચે પણ પ્રેમ જોવા મળતો નથી.

વિવિધ સંજોગોના કારણે આજે ઘણા લોકો નિરાધાર બની જાય છે. યુદ્ધો, કુદરતી આફતો અને કુટુંબોથી છૂટા પડી ગયેલાઓ આશ્રય શોધતા હોવાથી વિધવા અને અનાથોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો જાય છે. (સભાશિક્ષક ૩:૧૯) સંયુક્ત રાષ્ટ્રસંઘ ચિલ્ડ્રન ફંડનો અહેવાલ બતાવે છે કે “દસ લાખ કરતાં વધારે [બાળકો] યુદ્ધનાં કારણે અનાથ બની ગયા છે અથવા પોતાના કુટુંબથી વિખૂટાંપડી ગયા છે.” તમે પણ મોટી સંખ્યામાં એકલી, તરછોડાયેલી કે છૂટાછેડા પામેલી માતાઓને જોઈ હશે કે જેઓ પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેમ જ ઘણા દેશોની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે તેથી એ દેશના નાગરિકો અતિશય ગરીબાઇમાં જીવી રહ્યાં છે એના લીધે પરિસ્થિતિ વધારે વણસી ગઈ છે.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા પ્રશ્ન ઊભો થાય છે કે શું દુઃખ ભોગવી રહેલી વ્યક્તિઓ માટે કોઈ આશા છે? કઈ રીતે દુઃખમાં આવી પડેલી વિધવાઓ અને અનાથોને મદદ કરી શકાય? શું આ સમસ્યાનો કદી પણ અંત આવશે?

બાઇબલ સમયોમાં પ્રેમાળ કાળજી

પ્રાચીન સમયમાં વિધવાઓ અને અનાથોની ભૌતિક અને આત્મિક કાળજી રાખવી એ પરમેશ્વરની ઉપાસનાનો એક મહત્ત્વનો ભાગ હતું. ઈસ્રાએલીઓ પાક કે ફળોની એક વાર લણણી કરી લે પછી, બાકી રહેલા પાકને છોડી દેવાનો હતો. કેમ કે એ ‘અનાથ તથા વિધવાને સારું’ રાખવામાં આવતો હતો. (પુનર્નિયમ ૨૪:૧૯-૨૧) મુસાના નિયમે સ્પષ્ટ કર્યું: “તમે કોઇ વિધવાને કે અનાથ છોકરાને દુઃખ ન દો.” (નિર્ગમન ૨૨:૨૨, ૨૩) બાઇબલમાં વિધવા અને અનાથ બાળકોને યોગ્ય રીતે જ ગરીબ લોકો સાથે સરખાવવામાં આવતા હતા. કેમ કે પતિ કે માબાપ મરણમાં ગુમાવ્યા પછી, વ્યક્તિ એકલી કે નિરાધાર બની શકે છે. અયૂબે કહ્યું: “રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત આનાથોને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો.”—અયૂબ ૨૯:૧૨.

ખ્રિસ્તી મંડળોના શરૂઆતના દિવસો દરમિયાન, માબાપને કે પતિને મરણમાં ગુમાવ્યા હોય અને સાચે જ મદદની જરૂર હોય તેઓની કાળજી રાખવી એ સાચી ઉપાસનાનો ભાગ હતો. આવી વ્યક્તિઓના હિતમાં તીવ્ર રસ બતાવતા શિષ્ય યાકૂબે લખ્યું: “વિધવાઓની અને અનાથોની તેઓનાં દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એજ દેવની, એટલે બાપની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.”—યાકૂબ ૧:૨૭.

અનાથ અને વિધવાઓના ઉલ્લેખ ઉપરાંત યાકૂબે ગરીબ અને અતિશય જરૂરિયાતમાં આવી પડેલી વ્યક્તિઓ માટે પણ ઊંડો રસ બતાવ્યો. (યાકૂબ ૨:૫, ૬, ૧૫, ૧૬) પ્રેષિત પાઊલે પણ તેઓ પ્રત્યે એવી જ ચિંતા બતાવી. પાઊલને અને બાર્નાબાસને તેઓના પ્રચાર કાર્યની સોંપણી આપવામાં આવી ત્યારે, તેઓને જણાવવામાં આવ્યું કે “દરિદ્રીઓને સંભારજો.” પાઊલ શુદ્ધ અંતઃકરણથી કહી શક્યા, “હું પણ એજ કામ કરવા આતુર હતો.” (ગલાતી ૨:૯, ૧૦) ખ્રિસ્તી મંડળની પ્રવૃત્તિઓના થોડા જ સમય પછીના અહેવાલમાંથી જોવા મળ્યું કે, “તેઓમાંના કોઈને કશાની અછત નહોતી. . . . જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વહેંચી આપવામાં આવતું હતું.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૪, ૩૫) હા, પ્રાચીન ઈસ્રાએલમાં અનાથ, વિધવા અને નિરાશ્રિતોની કાળજી રાખવા કરવામાં આવેલી ગોઠવણ આજ સુધી ખ્રિસ્તી મંડળોમાં ચાલી રહી છે.

જોકે, મંડળોએ પૂરી પાડેલી મદદ મર્યાદિત અને પોતાની શક્તિ પ્રમાણે હતી. પૈસાને વેડફવામાં આવ્યા ન હતા, અને ખરેખર મદદની જરૂર હતી તેઓને મદદ કરવામાં આવી. કોઈ પણ ખ્રિસ્તીએ આ ગોઠવણનો ગેરફાયદો ઉઠાવ્યો નહિ, અને મંડળ પર બિનજરૂરી બોજરૂપ ન બન્યા. આ પાઊલે ૧ તીમોથી ૫:૩-૧૬માં આપેલી સૂચનામાંથી સ્પષ્ટ થતું હતું. ત્યાં આપણને જોવા મળે છે કે જરૂરિયાતમાં આવી પડેલી વ્યક્તિના સગાંઓ તેમને મદદ કરી શકતા હોય તો, તેઓએ એ જવાબદારી ઉપાડી લેવાની હતી. આમ જે વિધવાઓ મદદ માટે યોગ્ય હોય તેઓને મદદ પૂરી પાડવામાં આવતી હતી. આ બધી જ બાબતો બતાવે છે કે જરૂરિયાતમાં આવી પડેલી વ્યક્તિઓને મદદ કરવા યહોવાહે ગોઠવણોનો કેવી રીતે ઉપયોગ કર્યો હતો. વધુમાં, એ પણ જોવા મળે છે કે સમતોલપણું જાળવવું જોઈએ જેથી કોઈ પણ વ્યક્તિ એનો ગેરફાયદો ઉઠાવે નહિ.—૨ થેસ્સાલોનીકી ૩:૧૦-૧૨.

આજે અનાથ અને વિધવાઓની કાળજી લેવી

પ્રાચીન સમયમાં પરમેશ્વરના સેવકોએ મુશ્કેલીમાં આવી પડેલી વ્યક્તિઓને મદદ કરવા અનુસરેલા આ સિદ્ધાંતને આજે યહોવાહના સાક્ષીઓના મંડળો પણ અનુસરે છે. ઈસુએ બતાવ્યું તેમ ભાઈચારાનો પ્રેમ એ તેઓનું ઓળખ ચિહ્‍ન છે: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) કોઈ વ્યક્તિ દુઃખમાં કે આપત્તિમાં આવી પડે અથવા યુદ્ધ કે અંદરોઅંદર થતી લડાઈનો ભોગ બને છે ત્યારે, આંતરાષ્ટ્રિય સ્તરે ભાઈબહેનો આત્મિક અને ભૌતિક રીતે મદદ કરવા માટે આતુર હોય છે. આજે કઈ રીતે મદદ પૂરી પાડવામાં આવે છે એના ચાલો અમુક ઉદાહરણો જોઈએ.

પેડ્રો ફક્ત દોઢ જ વર્ષનો હતો ત્યારે તેની મમ્મી મરણ પામી હતી. તેને તો તેની મમ્મીનો ચહેરો પણ યાદ નથી. પેડ્રો પાંચ વર્ષનો થયો ત્યારે, તેના પપ્પા પણ મરણ પામ્યા. તેથી પેડ્રો તેના ભાઈઓ સાથે રહેતો હતો. યહોવાહના સાક્ષીઓ તેના પપ્પાની નિયમિત મુલાકાત લેતા હતા. આથી, પેડ્રો અને તેના બધા મોટા ભાઈઓએ બાઇબલ અભ્યાસ ચાલુ રાખ્યો.

પેડ્રો કહે છે: “બીજા જ અઠવાડિયેથી અમે સભાઓમાં જવાનું શરૂ કર્યું. અમે ભાઈઓની સંગત રાખતા હતા તેમ, તેઓએ અમારા માટે બતાવેલા પ્રેમને અમે અનુભવી શકતા હતા. મંડળ મારા માટે સ્વર્ગ બની ગયું હતું કારણ કે ભાઈબહેનો મારા માબાપના જેવો જ પ્રેમ અને લાગણી બતાવતા હતા.” પેડ્રો યાદ કરે છે કે ખ્રિસ્તી વડીલોમાંના એક ભાઈ તેને પોતાના ઘરે બોલાવતા. પેડ્રો તેમના કુટુંબ સાથે વાતચીત અને મનોરંજનનો આનંદ માણતો હતો. પેડ્રો કહે છે, “એવી ઘણી યાદો છે કે જેને હું ભૂલી શકું એમ નથી.” તેણે ૧૧ વર્ષની વયેથી પ્રચાર કરવાનું શરૂ કરી દીધું હતું અને ૧૫ વર્ષની વયે તે બાપ્તિસ્મા પામ્યો. મંડળના ભાઈબહેનોની મદદથી, તેના મોટા ભાઈઓએ પણ એવી જ રીતે ઘણી આત્મિક પ્રગતિ કરી.

ડેવિડનો કિસ્સો પણ એવો જ છે. તે અને તેની જોડિયા બહેનને તેમના માબાપ છૂટા પડ્યાં ત્યારે તરછોડી દેવામાં આવ્યા. તેમના દાદાદાદી અને આન્ટીએ તેઓને મોટા કર્યાં. “અમે મોટા થયા ત્યારે અમને ખબર પડી કે અમે ક્યાં છીએ, તેથી અમે અસલામતી અને દુઃખથી કચડાઈ ગયા હતા. અમે આધાર રાખી શકીએ એવા કોઈ મિત્રની અમને જરૂર હતી. મારા આન્ટી યહોવાહના સાક્ષી બન્યા તેથી અમને બાઇબલનું સત્ય શીખવવામાં આવ્યું. મંડળના ભાઈઓ અમારા મિત્ર બન્યા. અમે તેઓને ખૂબ જ વહાલા હતા. તેઓએ અમને યહોવાહની સેવા કરવા અને અમારા ધ્યેય સુધી પહોંચવા ઉત્તેજન આપ્યું. હું દસ વર્ષનો હતો ત્યારે, એક ભાઈ જે સેવકાઈ ચાકર હતા તે મને તેમની સાથે પ્રચાર કાર્યમાં લઈ જતા. બીજા એક ભાઈ હું સંમેલનોમાં જતો ત્યારે મારો બધો ખર્ચ ઉપાડી લેતા. વળી, એક ભાઈએ તો મને એટલી બધી મદદ કરી કે હું રાજ્ય ગૃહમાં પણ પ્રદાન કરી શકતો હતો.”

ડેવિડે ૧૭ વર્ષની વયે બાપ્તિસ્મા લીધું. એના થોડા સમય પછી તેણે મૅક્સિકોની યહોવાહના સાક્ષીઓની શાખામાં સેવા આપવાનું શરૂ કર્યું. અત્યારે પણ તે સ્વીકારે છે, “એવા ઘણા બધા વડીલો છે કે જેઓએ મારા શિક્ષણમાં ફાળો આપ્યો છે અને જરૂરી સલાહ પૂરી પાડી છે. આ રીતે હું અસલામતી અને એકલવાયાપણાની લાગણીને આંબી રહ્યો છું.”

મૅક્સિકોના એક મંડળમાં એબલ નામના ભાઈ વડીલ તરીકે સેવા આપી રહ્યા છે જ્યાં ઘણી વિધવાઓને મદદની જરૂર હતી. તે કહે છે: “મને જોવા મળ્યું કે એ વિધવાઓને લાગણીમય મદદની ખૂબ જ જરૂર હતી. કેટલીક વખત તેઓ એકલી હોવાથી અમુક સમય માટે ઉદાસ બની જતી હતી. તેથી, એ મહત્ત્વનું છે કે આપણે તેઓનું સાંભળીએ અને ટેકો આપનારા બનીએ. અમે [મંડળના વડીલો] તેઓની અવારનવાર મુલાકાત લઈએ છીએ. તેઓની સમસ્યાઓ પર પણ ધ્યાન આપવું ખૂબ મહત્ત્વનું છે. એનાથી તેઓને ખરેખર આત્મિક રીતે દિલાસો મળે છે.” તેમ છતાં, તેઓને અમુક સમયે આર્થિક મદદની પણ જરૂર પડે છે. ત્યાર પછી એબલ જણાવે છે, “અમે એક વિધવા બહેન માટે ઘર પણ બાંધી રહ્યાં છીએ. અમે અમુક શનિવાર અને અઠવાડિયામાં અમુક બપોર પછી એ ઘર બાંધવાનું કામ કરીએ છીએ.”

અનાથ અને વિધવાઓને મદદ કરવા વિષે મંડળના બીજા એક વડીલ પોતાનો અનુભવ કહે છે: “મને લાગે છે કે વિધવાઓ કરતાં અનાથને વધારે ખ્રિસ્તી પ્રેમની જરૂર હોય છે. મેં જોયું છે કે જેઓનાં માબાપ હોય એવા યુવાન બાળકો કરતાં તેઓ પોતાને વધારે તરછોડી દીધાની લાગણી અનુભવે છે. તેઓને ખ્રિસ્તી પ્રેમની વધારે જરૂર છે. તેઓ કેમ છે એ જાણવા માટે સભા પછી તેઓને મળવું ખરેખર જરૂરી છે. એક પરિણીત ભાઈ નાનપણમાં જ અનાથ થઈ ગયો હતો. હું હંમેશા તેની સાથે પ્રેમથી વર્તું છું અને તે મને જોતાની સાથે જ ભેટી પડે છે. ખરેખર, એનાથી સાચો ખ્રિસ્તી પ્રેમ દૃઢ થાય છે.”

યહોવાહ ‘દરિદ્રીને છોડાવશે’

આપણે વિધવા હોઈએ કે અનાથ, પરંતુ સારી રીતે પરિસ્થિતિનો સામનો કરવા માટે યહોવાહ પર ભરોસો રાખવો જરૂરી છે. એના વિષે બાઇબલ આમ કહે છે: “યહોવાહ પરદેશીઓનું રક્ષણ કરે છે; તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૯) આ પ્રકારની સમસ્યાઓ પરમેશ્વરના રાજ્ય, એટલે ઈસુ ખ્રિસ્તના શાસન દ્વારા જ સદંતર દૂર કરવામાં આવશે. મસીહના રાજ્ય વિષે ગીતશાસ્ત્રના એક લેખકે આમ લખ્યું: “દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઇ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૨, ૧૩.

આ વ્યવસ્થાનો અંત નજીક આવી રહ્યો છે તેમ, સામાન્ય રીતે ખ્રિસ્તીઓ જે દબાણોનો સામનો કરી રહ્યાં છે એમાં હજુ પણ વધારો થશે. (માત્થી ૨૪:૯-૧૩) તેથી, ખ્રિસ્તીઓ એક બીજા માટે વધારે કાળજી રાખે અને ‘એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરે’ એ ખૂબ જ મહત્ત્વનું છે. (૧ પીતર ૪:૭-૧૦) ખાસ કરીને ખ્રિસ્તી વડીલોએ અનાથો માટે ચિંતા અને દયા બતાવવાની જરૂર છે. તેમ જ મંડળમાં અનુભવી બહેનો પણ વિધવાઓને મદદ અને દિલાસો આપી શકે છે. (તીતસ ૨:૩-૫) જોકે, દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે તેઓને દરેક મદદ કરી શકે છે.

સાચા ખ્રિસ્તીઓએ ‘પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેમના પર દયા બતાવવાનું બંધ કરી દેવું’ જોઈએ નહિ. તેઓ પ્રેષિત યોહાનની સલાહથી સારી રીતે જાણકાર છે: “બાળકો, આપણે શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ.” (૧ યોહાન ૩:૧૭, ૧૮) તેથી ચાલો આપણે ‘અનાથ અને વિધવાઓનાં દુઃખોમાં તેઓની કાળજી લઈએ.’—યાકૂબ ૧:૨૭, પ્રેમસંદેશ.

[પાન ૧૧ પર બ્લર્બ]

“આપણે શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ.” ૧ યોહાન ૩:૧૮

[પાન ૧૦ પર ચિત્રો]

સાચા ખ્રિસ્તીઓ અનાથ અને વિધવાઓને ભૌતિક રીતે, આત્મિક રીતે અને લાગણીમય રીતે મદદ કરે છે