તમારી ધનદોલત કે તમારું જીવન?
તમારી ધનદોલત કે તમારું જીવન?
તમે સાંભળ્યું હશે કે લૂટારાઓએ કોઈ વ્યક્તિ સામે બંદૂક તાકીને આવી માંગણી કરી: “પૈસા આપો નહિ તો જીવ!” આજે આવી માંગણી એકદમ સામાન્ય બની ગઈ છે. આપણે સર્વ અને ખાસ કરીને સમૃદ્ધ દેશોમાં રહેનારાઓ આ સમસ્યાનો વધારે સામનો કરી રહ્યા છે. તેમ છતાં, આજે આવી માંગણી કોઈ લૂટારો કરતો નથી. એના બદલે, આજે સમાજ પોતે જ પૈસા અને ધનસંપત્તિ પર વધારે પડતું મહત્ત્વ આપે છે.
પૈસા પાછળની આંધળી દોડ આજે ચિંતાજનક બની ગઈ છે. એણે ઘણા નવા વિવાદો ઊભા કર્યા છે. પૈસા અને ધનદોલતની પાછળ દોડવાથી આપણે શું ગુમાવીએ છીએ? શું આપણે થોડામાં સંતોષી રહી શકીએ? શું લોકો ખરેખર ભૌતિકવાદની વેદી પર પોતાના ‘ખરેખરા જીવનનું’ બલિદાન ચઢાવી રહ્યા છે? શું પૈસા સુખી જીવનની ચાવી છે?
પૈસા પાછળ પાગલ
માનવીઓની દરેક ઇચ્છાઓમાં પૈસા મેળવવાની લાલચ સૌથી મોખરે છે. પ્રમાણિકતાથી કે બેઇમાનીથી કમાયેલા પૈસા લોકોને ખૂબ જ વહાલા છે. સેક્સ કે ખાવા-પીવા કરતાં પણ લોકો પૈસા પાછળ વધારે પાગલ છે, જેનો કોઈ અંત દેખાતો નથી. વધતી ઉંમર પણ પૈસાનો પ્રેમ ઓછો કરી શકતી નથી. ઘણા કિસ્સામાં ઢળતી ઉંમરે લોકોનો પૈસામાં રસ વધ્યો છે અથવા એ વિષે ખૂબ ચિંતા કરે છે અને વિચારે છે કે એનાથી શું ખરીદી શકાય.
પૈસાનો લોભ વધતો જ જાય છે. એક પ્રખ્યાત ફિલ્મના મુખ્ય હીરોએ કહ્યું: “લોભ સફળતાની સીડી છે. લોભ રાખવો લાભદાયી છે.” ઘણા લોકો ૧૯૮૦ના દાયકાને લોભના યુગ તરીકે ગણતા હતા છતાં, એ સમય પહેલાં અને પછી જે બન્યું એ બતાવે છે કે વર્ષોથી લોકોનો પૈસા પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જ છે.
ઘણા લોકો તાત્કાલિક ધન-દોલત મેળવવાની ઇચ્છાને સંતોષવાની તકો શોધે છે એ બાબત નવી હોય શકે છે. એવું લાગે છે કે દુનિયામાં મોટા ભાગના લોકો વધારેને વધારે ભૌતિક બાબતોનું ઉત્પાદન કરવામાં અને મેળવવામાં મોટા ભાગનો સમય અને શક્તિનો ઉપયોગ કરે છે. તમે સહમત થશો કે આજના આધુનિક સમયમાં જીવનમાં માલમિલકત મેળવવી અને પૈસા ખર્ચવાની નવી નવી રીતો શોધવાનું જોર વધી ગયું છે.
પરંતુ શું એનાથી લોકો સુખી છે? આ પ્રશ્નના જવાબમાં શાણા અને સૌથી ધનવાન રાજા સુલેમાને ૩૦૦૦ વર્ષ અગાઉ લખ્યું: “રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો ભાવિક સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ; આ પણ વ્યર્થતા છે.” (સભાશિક્ષક ૫:૧૦) આજે સમાજવિદ્યાના અભ્યાસ પરથી પણ એવો જ નિષ્કર્ષ નીકળે છે.
પૈસા અને સુખ
સૌથી આશ્ચર્યની બાબત તો એ છે કે આજે લોકો જેટલા પ્રમાણમાં પૈસા અને ભૌતિક વસ્તુઓ ભેગી કરે એટલો જ તેઓ સંતોષ અને સુખ મેળવતા નથી. ઘણા સંશોધકોને સમજાયું છે કે એક વખતે વ્યક્તિ અમુક પ્રમાણમાં ધનસંપત્તિ મેળવી લે પછી પણ, તેઓનો સંતોષ અને સુખ તેઓ પાસે કેટલી ભૌતિક વસ્તુઓ છે એના પર આધારિત નથી.
આમ, પુષ્કળ પ્રમાણમાં પૈસા અને સંપત્તિ એકઠી કરવા પાછળ દોડનારાઓ આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછે છે, ‘અમે દરેક નવી વસ્તુઓ ખરીદી એનો આનંદ માણીએ છીએ; તોપણ, શા માટે છેવટે અમારો આનંદ વધતો નથી કે સંતોષ મળતો નથી?’
જોનાથાન ફ્રિડમેન પોતાના આનંદી લોકો (અંગ્રેજી) પુસ્તકમાં નોંધે છે: “તમે અમુક પૂરતી આવક મેળવ્યા પછી સુખ મેળવવા માટે પૈસાને ઓછું ધ્યાન આપશો. મધ્યમ વર્ગના લોકોમાં, પૈસા અને સુખ બહુ જ થોડો તફાવત જોવા મળે છે.” ઘણાને સમજાયું છે કે આત્મિક બાબતો, જીવનને અર્થપૂર્ણ બનાવતાં કાર્યો અને નૈતિક શુદ્ધતા વ્યક્તિને સુખી બનાવે છે. વળી વ્યક્તિનો બીજા સાથે સારો સંબંધ પણ ખૂબ મહત્ત્વનો છે. આપણે ઝઘડાળું કે સંકુચિત મનવાળા ન બનવું જોઈએ, જે આપણો આનંદ છીનવી લે છે.
આજે આંતરિક દુઃખ દૂર કરવા માટે ભૌતિક સંપત્તિનો ઉપયોગ કરવાના વલણને ઘણા લોકો સામાજિક સમસ્યાના મુખ્ય કારણ તરીકે જુએ છે. સમાજના કેટલાક ટીકાકારો કહે છે કે એ તો સામાન્ય રીતે નિરાશા અને અસંતોષી વલણ છે. તેઓએ એ પણ નોંધ્યું કે લોકો જીવનનો અર્થ શોધવા અને મનની શાંતિ મેળવવા ગુરુ, સંતો અને ઉપચારશાસ્ત્ર તરફ ફરે છે. આ બતાવે છે કે ભૌતિક માલમિલકતથી જીવનનો હેતુ મેળવી શકાતો નથી.
શક્તિશાળી અને શક્તિહીન પૈસા
એ સાચું છે કે પૈસામાં શક્તિ છે. એ પૈસાથી સારું ઘર, ભપકાદાર કપડાં અને આકર્ષક ફર્નિચર ખરીદી શકાય છે. વળી એનાથી વધારે પડતી પ્રશંસા અને ખુશામત કરતા તેમ જ થોડા સમયના અને પરગજુ મિત્રો પણ ખરીદી શકાય છે. પરંતુ દર વખતે પૈસામાં એટલી શક્તિ હોતી નથી. પૈસાથી આપણે સાચા મિત્રનો પ્રેમ, મનની શાંતિ અને પ્રિયજનના મરણ વખતે જે દિલાસાની જરૂર હોય છે એ મેળવી શકતા નથી. એ ઉપરાંત, ઉત્પન્નકર્તા સાથેના સંબંધનો આનંદ માણવા ઇચ્છનારાઓ પૈસાથી પરમેશ્વરનો આશીર્વાદ મેળવી શકતા નથી.
રાજા સુલેમાન પાસે તેમના સમયમાં પૈસાથી ખરીદી શકાય એ બધી જ આનંદદાયી વસ્તુઓ હતી. પરંતુ તે જાણતા હતા કે ભૌતિક માલમિલકત પર ભરોસો મૂકવાથી હંમેશાનું સુખ મળતું નથી. (સભાશિક્ષક ૫:૧૨-૧૫) બેંકો ફડચામાં જાય કે ફુગાવો આવે ત્યારે પૈસા અલોપ થઈ શકે છે. કુદરતી આફતોમાં પણ માલમિલકતનો વિનાશ થઈ શકે છે. વીમા પોલિસીવાળા ભૌતિક રીતે ગુમાવ્યું હોય એનું વળતર આપી શકે, પરંતુ લાગણીઓનું નહિ. સ્ટોક અને બોન્ડ એકાએક આર્થિક મંદીમાં નકામા બની શકે છે. તેમ જ સારો પગાર આપતી નોકરી આજે હોય અને કાલે જતી રહી શકે.
તો પછી, આપણે કઈ રીતે પૈસાની બાબતમાં સમતોલ બની શકીએ? આપણા જીવનમાં પૈસા અને માલમિલકત કયો ભાગ ભજવે છે? કૃપા કરીને બાબતો તપાસો અને જુઓ કે કઈ રીતે તમે મૂલ્યવાન ‘ખરેખરું જીવન’ મેળવી શકો.
[પાન ૪ પર ચિત્રો]
ભૌતિક માલમિલકત હંમેશનું સુખ આપી શકતી નથી