તમે પૈસા બાબતે કઈ રીતે સમતોલ બની શકો?
તમે પૈસા બાબતે કઈ રીતે સમતોલ બની શકો?
પૈસાનો પ્રેમ અને સંપત્તિની ઇચ્છા રાખવી એ કંઈ નવી બાબત નથી; એવું પણ નથી કે બાઇબલમાં એના વિષે કંઈ બતાવવામાં આવ્યું નથી. વળી, આ કંઈ આજકાલની બાબત નથી. એ વર્ષોથી ચાલતું આવે છે. મુસાના નિયમશાસ્ત્રમાં પરમેશ્વરે ઈસ્રાએલીઓને આજ્ઞા આપી હતી: “તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, . . . તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.”—નિર્ગમન ૨૦:૧૭.
ઈસુના દિવસોમાં પણ ધનસંપત્તિ પ્રત્યેનો પ્રેમ બહુ સામાન્ય હતો. “બહુ શ્રીમંત” માણસ અને ઈસુ વચ્ચે થયેલી વાતચીતનો વિચાર કરો: “ઈસુએ તેને કહ્યું, કે તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારૂં જે છે તે બધું વેચી નાખીને, તે દરિદ્રીઓને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે; અને પછી મારી પાછળ ચાલ. પણ એ સાંભળીને તે બહુ ઉદાસ થયો, કેમકે તે બહુ શ્રીમંત હતો.”—લુક ૧૮:૧૮-૨૩.
પૈસા માટેની યોગ્ય દૃષ્ટિ
જોકે એવા નિષ્કર્ષ પર આવવું ખોટું થશે કે બાઇબલ પૈસાની અથવા એના ઉપયોગની ટીકા કરે છે. બાઇબલ બતાવે છે કે ગરીબી અને એનાથી આવતાં દુઃખો સામે પૈસા રક્ષણ આપે છે તેમ જ એ લોકોની પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. રાજા સુલેમાને લખ્યું: “દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે.” અને: “મિજબાની મોજમઝાને માટે કરવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશ કરે છે; પૈસા સઘળી વસ્તુઓની જરૂરિયાત પૂરી પાડે છે.”—સભાશિક્ષક ૭:૧૨; ૧૦:૧૯.
પૈસાના યોગ્ય ઉપયોગ વિષે પરમેશ્વરને પણ કંઈ વાંધો નથી. દાખલા તરીકે, ઈસુએ કહ્યું: “અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારૂ મિત્રો કરી લો.” (લુક ૧૬:૯) એમાં પરમેશ્વરની સાચી ભક્તિમાં વૃદ્ધિ કરવા માટે દાન આપવાનો સમાવેશ થાય છે. કેમ કે આપણે પરમેશ્વરને આપણા મિત્ર બનાવવા ઇચ્છીએ છીએ. સુલેમાન પોતે પણ યહોવાહનું મંદિર બાંધવામાં ઘણા બધા પૈસા અને કીમતી વસ્તુઓ આપીને પોતાના પિતા દાઊદના ઉદાહરણને અનુસર્યા હતા. ખ્રિસ્તીઓને એ પણ આજ્ઞા આપવામાં આવી છે કે જરૂરિયાતવાળાઓને ભૌતિક રીતે મદદ કરો. પ્રેષિત પાઊલે કહ્યું: “સંતોની જરૂરીયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો.” (રૂમી ૧૨:૧૩) આમાં મોટા ભાગે પૈસા ખર્ચવાનો સમાવેશ થાય છે. તેમ છતાં, પૈસાના લોભ વિષે શું?
‘રૂપાની તીવ્ર ઇચ્છા’
પાઊલ પોતાના યુવાન સાથી ખ્રિસ્તી તીમોથીને લખી રહ્યા હતા ત્યારે, તેમણે “દ્રવ્યનો લોભ” એટલે કે “રૂપાની તીવ્ર ઇચ્છા” રાખવા વિષે વિસ્તારથી ચર્ચા કરી. તેમની ચેતવણીઓ ૧ તીમોથી ૬:૬-૧૯માં જોવા મળે છે. જોકે, તેમનો મુખ્ય વિષય ભૌતિક બાબતો હતો પરંતુ તેમણે “દ્રવ્યના લોભ” વિષે પણ જણાવ્યું. આજે લોકો પૈસા પર વધારે ભાર મૂકતા હોવાથી, આપણે પાઊલના પ્રેરિત શબ્દોનો ધ્યાનથી અભ્યાસ કરીએ એ ખૂબ જરૂરી છે. ચોક્કસ, આવો અભ્યાસ કરવાથી લાભ થાય છે કારણ કે એ ‘ખરેખરૂં જીવન ધારણ કરવાની’ ગુપ્ત વાત જણાવે છે.
પાઊલે ચેતવણી આપી: “દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.” (૧ તીમોથી ૬:૧૦) આ કે બીજી કોઈ કલમ એમ કહેતી નથી કે પૈસા હોવા ખોટી બાબત છે. તેમ જ પ્રેષિત પાઊલ પણ એમ કહેવા માંગતા ન હતા કે પૈસા “સઘળા પ્રકારનાં પાપનું મૂળ” છે અથવા પૈસા બધી સમસ્યાઓનું મૂળ કારણ છે. પૈસાનો પ્રેમ “સઘળા પ્રકારના પાપનું મૂળ” હોય શકે છતાં, એ જ કંઈ એકલું કારણ નથી.
લોભ પર કાબૂ મેળવો
વાસ્તવમાં, બાઇબલમાં પૈસા વિષે કોઈ ટીકા કરવામાં આવી નથી, પરંતુ એનો અર્થ એ નથી કે આપણે પાઊલની ચેતવણીને ધ્યાન ન આપવું જોઈએ. જે ખ્રિસ્તીઓ પૈસાનો લોભ રાખે છે, તેઓને ઘણા પ્રકારની સમસ્યાઓનું જોખમ રહેલું હોય છે. સૌથી મોટું જોખમ એ છે કે આ લોભ તેઓને પરમેશ્વરથી પણ દૂર લઈ જાય છે. આ બાબત કેટલી સાચી છે એ આપણને પાઊલે કોલોસીઓના ખ્રિસ્તીઓને જે પત્ર લખ્યો એમાં જોવા મળે છે: “પૃથ્વી પરના તમારા અવયવો, એટલે . . . ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.” (કોલોસી ૩:૫) ભૂંડી ઇચ્છા અને દ્રવ્યલોભ કઈ રીતે મૂર્તિપૂજા બરાબર હોય શકે? શું એનો અર્થ એવો થાય છે કે મોટો બંગલો, નવી કાર, સારા પગારવાળી નોકરી હોવી ખોટું છે? ના, આમાંની એક પણ વસ્તુ ખોટી નથી. પરંતુ પ્રશ્ન ઊભો થાય છે: આ સર્વ બાબતો મેળવવા પાછળ વ્યક્તિનું વલણ કેવું છે અને શું એ ખરેખર જરૂરી બાબતો છે?
સામાન્ય ઇચ્છા અને લોભ વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. સામાન્ય ઇચ્છાને ચુલાની સામાન્ય આગ સાથે અને લોભને આખા જંગલને બાળી દેતી દાવાનળની આગ સાથે સરખાવવામાં આવ્યા છે. જરૂરી પૈસાની ઇચ્છા રાખવી એ મદદરૂપ છે. એ આપણને કામ કરવા અને એમાં સફળ થવાનું ઉત્તેજન આપે છે. નીતિવચન ૧૬:૨૬ કહે છે: “મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; કેમકે તેનું મોઢું તેને તેમ કરવાની ફરજ પાડે છે.” પરંતુ પૈસાનો લોભ રાખવો એ જોખમી અને વિનાશકારી છે. આ એવી ઇચ્છા છે જે નિયંત્રણની બહાર રહે છે.
પૈસાના લોભ પર કાબૂ રાખવો એ એક મોટી સમસ્યા છે. પૈસા કમાવવાથી અને ભૌતિક બાબતો મેળવવાથી શું ખરેખર આપણી જરૂરિયાતો સંતોષાય છે કે પછી આપણે પૈસાના ગુલામ બની જઈએ છીએ? તેથી, પાઊલ કહે છે કે “દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજક.” (એફેસી ૫:૫) કોઈ વસ્તુનો લોભ રાખવાનો અર્થ એમ થાય છે કે આપણે એને સ્વેચ્છાએ આધીન થઈએ છીએ. વાસ્તવમાં આપણે એને આપણો પ્રભુ અને પરમેશ્વર બનાવીને એની સેવા કરવા લાગીએ છીએ. જ્યારે કે પરમેશ્વર કહે છે: “મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય.”—નિર્ગમન ૨૦:૩.
લોભ રાખવાનો અર્થ એ પણ થાય છે કે આપણને આપણી જરૂરિયાતો પૂરી પાડવાના પરમેશ્વર વચનો પૂરાં કરશે એ પર ભરોસો નથી. (માત્થી ૬:૩૩) તેથી, લોભ આપણને પરમેશ્વરથી દૂર લઈ જાય છે. એનો અર્થ એમ થાય છે કે આપણે “મૂર્તિપૂજા” કરવા લાગીએ છીએ. તેથી જ, પાઊલે એની વિરુદ્ધ આપણને સખત ચેતવણી આપી!
ઈસુએ પણ લોભ વિરુદ્ધ સીધે સીધી ચેતવણી આપી હતી. તેમણે આજ્ઞા આપી કે આપણી પાસે નથી એ બાબતોની તીવ્ર ઇચ્છા રાખવામાં સાવધ રહો: “સાવધાન રહો, અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો; કેમકે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) આ કલમ અને એ પછી ઈસુએ જે દૃષ્ટાંત આપ્યું એ બતાવે છે કે મૂર્ખ વ્યક્તિઓ લોભ રાખે છે કેમ કે તેઓ પાસે ગમે તેટલું હોવા છતાં, પોતાના જીવનમાં એને જ મહત્ત્વ આપે છે. એમાં પૈસા, મોભો અને સત્તા કે એને સંબંધિત બાબતોનો સમાવેશ થઈ શકે. મેળવી શકાય એવી દરેક વસ્તુ માટે વ્યક્તિ લોભી બની શકે છે. આપણે વિચારી શકીએ કે બધી વસ્તુઓ આપણને સંતોષ આપશે. પરંતુ, બાઇબલ અને લોકોના અનુભવ પ્રમાણે ફક્ત પરમેશ્વર જ આપણી ખરેખરી જરૂરિયાતોને સંતોષી શકે અને સંતોષશે. વળી, ઈસુએ પોતાના અનુયાયીઓને એમ જ કહ્યું હતું.—લુક ૧૨:૨૨-૩૧.
આજે સમાજના લોકો વસ્તુઓ ખરીદવા અને વેચવામાં ગળાડૂબ થઈ ગયા છે જેનાથી પણ લોભની આગ ભડકી રહી છે. આને કારણે ઘણા લોકોને લાગે છે કે તેઓ પાસે હજુ પણ કંઈક ખૂટે છે. તેઓને મોટી, સારામાં સારી અને વધુ વસ્તુઓ જોઈએ છે. આપણે જગતના આ વલણને તો બદલી શકતા નથી, પરંતુ આપણે પોતે કઈ રીતે આવા વલણથી દૂર રહી શકીએ?
લોભ વિરુદ્ધ સંતોષ
પાઊલ આપણને લોભી નહિ પરંતુ સંતોષી રહેવાનું કહે છે. તે કહે છે: “આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.” (૧ તીમોથી ૬:૮) આપણને ખરેખર જેની જરૂર છે એ ‘અન્નવસ્ત્રની’ આ સમજણ સાંભળવી સામાન્ય લાગી શકે. ઘણા લોકો ટેલિવિઝન પર એવા કાર્યક્રમોનો આનંદ માણે છે જેમાં મોટા મોટા પ્રખ્યાત લોકો આલીશાન ઘરોમાં રહેતા હોય છે. પરંતુ સંતોષી રહેવા માટેની આ રીત બિલકુલ સાચી નથી.
જોકે, એનો અર્થ એ નથી કે પરમેશ્વરના સેવકોએ જાણી જોઈને ગરીબીમાં જીવવું જોઈએ. (નીતિવચન ૩૦:૮, ૯) તેમ છતાં, પાઊલ આપણને ખરેખર ગરીબી શું છે એ યાદ કરાવે છે: ખોરાક, કપડાંની અછત હોય અને રહેવા માટે ઘર ન હોય. બીજી બાજુ, આપણી પાસે એ બાબતો હોય તો, આપણી પાસે સંતોષી રહેવાનું દરેક કારણ છે.
પરંતુ શું પાઊલે સંતોષી રહેવાની જે સમજણ આપી, એ ખરેખર સાચી છે? શું ફક્ત ખોરાક, કપડાં અને ઘરથી સંતોષ માનવો એ ખરેખર શક્ય છે? પાઊલ પોતે સારી રીતે જાણતા હતા. કેમ કે પાઊલ પોતે ધનવાન હતા અને યહુદી સમાજમાં તે નામાંકિત રૂમી નાગરિક હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૨૮; ૨૩:૬; ફિલિપી ૩:૫) પરંતુ પાઊલે મિશનરિ સેવાકાર્યમાં સખત મુશ્કેલીઓ વેઠી હતી. (૨ કોરીંથી ૧૧:૨૩-૨૮) આ સર્વ દરમિયાન તે એક બાબત શીખ્યા જેનાથી તેમને સંતોષી રહેવા મદદ મળી. એ બાબત શું હતું?
‘હું એ બાબત શીખ્યો’
પાઊલે પોતાના એક પત્રમાં જણાવ્યું: “ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું; હરપ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને, તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું.” (ફિલિપી ૪:૧૨.) પાઊલને ભરોસો હતો અને તે ઘણા આશાવાદી હતા. એવું લાગી શકે કે તેમણે આ પત્ર લખ્યો ત્યારે તે સુખી અને આનંદી જીવન જીવતા હશે, પરંતુ બાબત એમ ન હતી. એ સમયે તે રોમની જેલમાં હતા!—ફિલિપી ૧:૧૨-૧૪.
પાઊલે બતાવેલી મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખીને આપણને શીખવા મળે છે કે આપણે ફક્ત ભૌતિક સંપત્તિથી જ નહિ પરંતુ દરેક સંજોગોમાં સંતોષી રહી શકીએ છીએ. અઢળક સંપત્તિ અને મુશ્કેલીઓ આપણી પસંદગીની કસોટી કરી શકે. પાઊલે આત્મિક સંપત્તિની વાત કરી જેનાથી તે દરેક સંજોગોમાં સંતોષી રહી શક્યા: “મને સામર્થ્ય આપે છે તેની [પરમેશ્વર] સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિપી ૪:૧૩) તેમણે પોતાની વધારે કે થોડી સંપત્તિ અને સારા કે ખરાબ સંજોગો જોવાને બદલે પોતાની જરૂરિયાતો મેળવવા પરમેશ્વર તરફ મીટ માંડી. પરિણામે તેમને સંતોષ મળ્યો.
પાઊલનું ઉદાહરણ ખાસ કરીને તીમોથી માટે મહત્ત્વનું હતું. પાઊલે યુવાન તીમોથીને એ રીતે જીવવાની વિનંતી કરી કે જેનાથી તે પરમેશ્વરની ઉપાસના કરે અને પરમેશ્વર સાથેના ગાઢ સંબંધને સંપત્તિ કરતાં પ્રથમ સ્થાને મૂકી શકે. પાઊલે કહ્યું: “હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા; અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.” (૧ તીમોથી ૬:૧૧) આ શબ્દો તીમોથી માટે કહેવામાં આવ્યા હોય શકે, પરંતુ પરમેશ્વરને મહિમા આપવા ઇચ્છતા અને ખરેખરું જીવન મેળવવાનું ઇચ્છનારા સર્વને આ સલાહ લાગુ પડે છે.
બીજા ખ્રિસ્તીઓની જેમ તીમોથીએ પણ લોભથી સાવધ રહેવાની જરૂર હતી. દેખીતી રીતે જ, પાઊલે તીમોથીને લખ્યું ત્યારે એફેસી મંડળમાં ઘણા ધનવાન ખ્રિસ્તીઓ હતા. ૧ તીમોથી ૧:૩) પાઊલે સૌ પ્રથમ આ સમૃદ્ધ વેપારી કેન્દ્રમાં રાજ્યના સુસમાચાર લાવીને ઘણાને શિષ્યો બનાવ્યા હતા. નિઃશંક, તેઓમાં ઘણા ધનવાન લોકો હતા અને એવી જ રીતે આજે પણ ખ્રિસ્તી મંડળમાં અમુક લોકો ધનવાન છે.
(તો પછી, ૧ તીમોથી ૬:૬-૧૦ના શિક્ષણ પ્રમાણે પ્રશ્ન ઊભો થાય છે: પરમેશ્વરને મહિમા આપવા ઇચ્છતા ધનવાન લોકોએ શું કરવું જોઈએ? પાઊલ કહે છે કે તેઓએ સૌ પ્રથમ પોતાના વલણની તપાસ કરવી જોઈએ. પૈસા આત્મ-સંતોષની લાગણી પેદા કરી શકે. પાઊલ કહે છે: “આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે દેવ આપણા ઉપભોગને સારૂ ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે.” (૧ તીમોથી ૬:૧૭) ધનવાન લોકોએ પોતાના પૈસાને જ મહત્ત્વ આપવું જોઈએ નહિ; તેઓએ સર્વ સંપત્તિના ઉદ્ભવ પરમેશ્વર તરફ મીટ માંડવી જોઈએ.
એ ઉપરાંત, વ્યક્તિ પોતાના વલણમાં ફેરફાર કરે એનાથી જ પતી જતું નથી. ધનવાન ખ્રિસ્તીઓએ પોતાના ધનનો ડહાપણભરી રીતે ઉપયોગ કરવાનું શીખવું જોઈએ. પાઊલ સલાહ આપે છે: ‘ભલું કરો, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવો અને ઉદાર તથા પરોપકારી થાઓ.’—૧ તીમોથી ૬:૧૮.
“ખરેખરૂં જીવન”
પાઊલની સલાહ પાછળનો સાર એ છે કે ભૌતિક બાબતોનું આપણા માટે કંઈ મૂલ્ય નથી અને એનાથી કંઈ ખુશી મળતી નથી. પરમેશ્વરનો શબ્દ કહે છે: “દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે, તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.” (નીતિવચન ૧૮:૧૧) હા, ધન રક્ષણ કરે છે એવું વિચારવું ફક્ત કલ્પના છે, હકીકતમાં એ છેતરામણું છે. તેથી, પરમેશ્વરનો આશીર્વાદ મેળવવા કરતાં ધન કમાવવાની લાલસા રાખવી ખોટું છે.
ભૌતિક સંપત્તિ ક્યારે પણ અલોપ થઈ શકે છે, તેથી એના પર વિશ્વાસ રાખવો વ્યર્થ છે. સાચી આશા જ દૃઢ, અર્થસભર અને ટકી રહે છે. તેથી, ખ્રિસ્તીઓ તરીકે આપણી આશા આપણા ઉત્પન્નકર્તા, યહોવાહ પરમેશ્વર અને અનંતજીવનના તેમના વચન પર છે. સાચે જ, પૈસાથી આપણે સુખ ખરીદી શકતા નથી, અરે, એનાથી આપણે તારણ પણ ખરીદી શકતા નથી. ફક્ત પરમેશ્વર પર વિશ્વાસ રાખવાથી જ આપણને આશા મળી શકે.
તેથી, ભલે આપણે ધનવાન કે ગરીબ હોઈએ પરંતુ, એવું જીવન જીવીએ કે જે આપણને “દેવ પ્રત્યે ધનવાન” બનાવે. (લુક ૧૨:૨૧) પરમેશ્વરનો આશીર્વાદ મેળવવા કરતાં કંઈ પણ વધારે મૂલ્યવાન નથી. આપણા સર્વ પ્રયત્નો ‘ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરૂં જીવન છે તે જીવન આપણે ધારણ કરી શકીએ.’—૧ તીમોથી ૬:૧૯.
[પાન ૭ પર ચિત્ર]
પાઊલ સંતોષ મેળવવાનું શીખ્યા
[પાન ૮ પર ચિત્રો]
આપણી પાસે જે છે એનાથી આપણે સુખી અને સંતોષી રહી શકીએ