સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાંભળીને ભૂલી જનારા ન બનો

સાંભળીને ભૂલી જનારા ન બનો

સાંભળીને ભૂલી જનારા ન બનો

“તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહિ.”—યાકૂબ ૧:૨૨.

૧. ઈસ્રાએલીઓએ કયા ચમત્કારો નજરોનજર જોયા હતા?

 યહોવાહે મિસરમાં કરેલા ચમત્કારો કદી “ભૂલી શકાય નહિ” એવા હતા. દસ આફતોમાંની દરેક ખરેખર ચમત્કાર હતી. ફક્ત દસ આફતો જ નહિ, પણ જુઓ, લાલ સમુદ્રના પાણીના બે ભાગ થઈ ગયા અને ઈસ્રાએલીઓનો અદ્‍ભુત બચાવ થયો! (પુનર્નિયમ ૩૪:૧૦-૧૨) આ બધા ચમત્કારો તમે નજરોનજર જોયા હોય તો, શું તમે ક્યારેય એ ચમત્કારો કરનારને ભૂલી જશો? તોપણ, ગીતશાસ્ત્રના લેખકે કહ્યું: “જેણે મિસરમાં મહાભારત કૃત્યો, તથા હામના દેશમાં આશ્ચર્યકારક કાર્યો, અને લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં, તેને, પોતાના તારનાર દેવને, તેઓ [ઈસ્રાએલીઓ] વિસરી ગયા.”—ગીતશાસ્ત્ર ૧૦૬:૨૧, ૨૨.

૨. શું બતાવે છે કે ઈસ્રાએલીઓની પરમેશ્વર પ્રત્યેની કદર લાંબો સમય ટકી નહિ?

લાલ સમુદ્રમાંથી ચાલ્યા પછી, ઈસ્રાએલીઓ ‘યહોવાહથી બીધા; અને યહોવાહ પર તેમનો વિશ્વાસ બેઠો.’ (નિર્ગમન ૧૪:૩૧) ઈસ્રાએલના લોકોએ મુસાની સાથે વિજયનું ગીત ગાઈને યહોવાહની સ્તુતિ કરી. વળી, મરિયમ અને બીજી સ્ત્રીઓ પણ ડફ વગાડતાં અને નાચતાં નાચતાં તેઓની સાથે જોડાઈ. (નિર્ગમન ૧૫:૧, ૨૦) ખરેખર, યહોવાહના લોકો ચમત્કારો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. પરંતુ એ મહાન ચમત્કાર કરનાર પ્રત્યેની તેઓની કદર લાંબો સમય ટકી નહિ. થોડા જ સમયમાં તેઓએ જાણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હોય એવું વર્તન કર્યું. તેઓએ યહોવાહ વિરુદ્ધ ઘણી કચકચ અને ફરિયાદ કરી. કેટલાક તો મૂર્તિ પૂજા અને વ્યભિચારમાં પણ સંડોવાયા.—ગણના ૧૪:૨૭; ૨૫:૧-૯.

શા માટે ભૂલી જઈ શકીએ?

૩. અપૂર્ણ હોવાથી, આપણે શું ભૂલી જઈ શકીએ?

ઈસ્રાએલીઓની કદરની ખામી ખરેખર માની ન શકાય એવી છે. પરંતુ, એવું જ આપણા માટે પણ બની શકે. ખરું કે આપણે પરમેશ્વરના આવા ચમત્કારો નજરોનજર જોયા નથી. તેમ છતાં, પરમેશ્વરે આપણા માટે એવું ઘણું કર્યું છે, જે આપણે ભૂલી શકતા નથી. કેટલાકને એ સમય યાદ હશે જ્યારે પોતે બાઇબલ સત્ય સ્વીકાર્યું. યહોવાહને સમર્પણની પ્રાર્થના અને સાચા ખ્રિસ્તી તરીકે લીધેલું બાપ્તિસ્મા પણ બીજા આનંદિત પ્રસંગોમાં સામેલ કરી શકીએ. આપણે દરેકે જીવનના કોઈને કોઈ પાસામાં યહોવાહની મદદ અનુભવી છે. (ગીતશાસ્ત્ર ૧૧૮:૧૫) એ ઉપરાંત, પરમેશ્વરના પોતાના દીકરા, ઈસુ ખ્રિસ્તના બલિદાનથી આપણે તારણની આશા મેળવી છે. (યોહાન ૩:૧૬) તેમ છતાં, અપૂર્ણતાના કારણે, આપણે ખોટી ઇચ્છાઓ અને જીવનની ચિંતાઓ અનુભવીએ છીએ ત્યારે, આપણે પણ યહોવાહે આપણા માટે જે કર્યું છે, એ સહેલાઈથી ભૂલી જઈ શકીએ.

૪, ૫. (ક) સાંભળીને ભૂલી જવાના જોખમ વિષે યાકૂબ કઈ રીતે ચેતવણી આપે છે? (ખ) એક માણસ અને અરીસા વિષે યાકૂબના ઉદાહરણને આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ?

ઈસુના સાવકા ભાઈ યાકૂબે સાથી ખ્રિસ્તીઓને પત્ર લખ્યો. એમાં તેમણે સાંભળીને ભૂલી જનારા બનવાના જોખમ વિષે ચેતવણી આપી. તેમણે લખ્યું: “તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહિ. કેમકે જે કોઈ માણસ વચન પાળનાર નથી, પણ કેવળ સાંભળનાર છે, તે પોતાનું સ્વાભાવિક મોં આરસીમાં જોનાર માણસના જેવો છે; કેમકે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.” (યાકૂબ ૧:૨૨-૨૪) અહીં યાકૂબના કહેવાનો શું અર્થ હતો?

આપણે સામાન્ય રીતે સવારે તૈયાર થવા અરીસામાં જોઈએ છીએ કે આપણે ક્યાં ફેરફારો કરવાના છે. પછી આપણે કામમાં લાગી જઈએ કે બીજી બાબતો પર ધ્યાન આપીએ છીએ ત્યારે, આપણે સવારે અરીસામાં જે જોયું એ વિષે ભૂલી જઈએ છીએ. આત્મિક રીતે પણ એમ બની શકે છે. આપણે બાઇબલમાં જોઈએ છીએ ત્યારે, પરમેશ્વરની નજરમાં આપણે કેવા હોવા જોઈએ એની સરખામણી, આપણે જે છીએ એ સાથે કરી શકીએ. એનાથી આપણી નબળાઈઓ આંખો સામે તરી આવે છે. એ જોઈને આપણને સુધારો કરવાની પ્રેરણા મળે છે. પરંતુ આપણા રોજિંદા કામમાં લાગી જઈએ કે મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ ત્યારે, આપણે સહેલાઈથી આત્મિક બાબતોને બાજુએ મૂકી દઈ શકીએ. (માત્થી ૫:૩; લુક ૨૧:૩૪) એ જાણે કે પરમેશ્વરે આપણા માટે કરેલાં પ્રેમાળ કાર્યોને ભૂલી જવા બરાબર છે. એવું બનતું જાય તો, આપણે સહેલાઈથી પાપી વલણ તરફ ઢળી શકીએ છીએ.

૬. કયાં શાસ્ત્રવચનો પર મનન કરવાથી આપણને યહોવાહના શબ્દ સાંભળીને ભૂલી નહિ જવા મદદ મળશે?

પ્રેષિત પાઊલે કોરીંથીઓને પહેલો પ્રેરિત પત્ર લખ્યો. એમાં, તેમણે અરણ્યમાંના ઈસ્રાએલીઓ વિષે લખ્યું, જેઓ સાંભળીને ભૂલી ગયા. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ પાઊલના પત્રમાંથી લાભ મેળવ્યો તેમ, એના પર મનન કરવાથી આપણને પણ મદદ મળશે. જેથી આપણે યહોવાહના શબ્દો સાંભળીને ભૂલી ન જઈએ. તેથી, ચાલો આપણે ૧ કોરીંથી ૧૦:૧-૧૨ પર મનન કરીએ.

દુન્યવી લાલસાઓ છોડી દો

૭. ઈસ્રાએલીઓએ કઈ રીતે પરમેશ્વરનો પ્રેમ જોયો?

પાઊલે ઈસ્રાએલીઓ વિષે જે કહ્યું એમાંથી ખ્રિસ્તીઓને ચેતવણી મળે છે. પાઊલે લખ્યું: “મારા ભાઈઓ, મારી ઇચ્છા નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો, કે આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા; અને તેઓ સર્વે મુસાના અનુયાયી થવાને વાદળામાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા.” (૧ કોરીંથી ૧૦:૧-૪) મુસાના સમયમાં ઈસ્રાએલના લોકોએ પરમેશ્વરની શક્તિનાં અદ્‍ભુત કાર્યો જોયાં હતાં. એમાં તેમના ચમત્કારિક મેઘસ્તંભનો પણ સમાવેશ થતો હતો. એ તેઓને દિવસે માર્ગ બતાવતો હતો અને એણે રાતા સમુદ્રમાંથી પસાર થવા મદદ કરી. (નિર્ગમન ૧૩:૨૧; ૧૪:૨૧, ૨૨) હા, એ ઈસ્રાએલીઓએ જોયું કે યહોવાહ તેઓ પર ખૂબ પ્રેમ રાખે છે.

૮. અવિશ્વાસને કારણે ઈસ્રાએલીઓનું શું થયું?

પાઊલ આગળ કહે છે, “પણ તેઓમાંના ઘણાખરા પર દેવ પ્રસન્‍ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા.” (૧ કોરીંથી ૧૦:૫) કેટલી દુઃખની વાત કહેવાય! મિસરમાંથી નીકળેલા મોટા ભાગના ઈસ્રાએલીઓ વચનના દેશમાં પ્રવેશવાને લાયક બન્યા નહિ. તેઓના અવિશ્વાસને કારણે તેઓ રાનમાં માર્યા ગયા. (હેબ્રી ૩:૧૬-૧૯) આમાંથી આપણે શું શીખી શકીએ? પાઊલ કહે છે: “તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે સારૂ ચેતવણીરૂપ હતી.”—૧ કોરીંથી ૧૦:૬.

૯. યહોવાહે પોતાના લોકો માટે કઈ ગોઠવણો કરી, પરંતુ તેઓએ કેવી પ્રતિક્રિયા બતાવી?

ઈસ્રાએલીઓ રાનમાં હતા ત્યારે, યહોવાહની ઉપાસનામાં તલ્લીન રહેવા તેઓની પાસે ઘણું હતું. યહોવાહે તેઓ સાથે કરાર કરીને, તેઓનું સમર્પિત રાષ્ટ્ર બનાવ્યું. વધુમાં, તેઓ માટે યાજકપણું, ઉપાસના કરવા મંડપ અને યહોવાહને બલિદાન આપવા માટેની ગોઠવણ પણ કરવામાં આવી હતી. તેમ છતાં, આ આત્મિક ભેટોનો આનંદ ઉઠાવવાને બદલે, યહોવાહે પૂરી પાડેલી ભૌતિક બાબતોથી તેઓ અસંતોષી બન્યા.—ગણના ૧૧:૪-૬.

૧૦. શા માટે આપણે હંમેશા યહોવાહનાં કાર્યો પર મનન કરવું જોઈએ?

૧૦ અરણ્યમાંના ઈસ્રાએલપુત્રોથી ભિન્‍ન, યહોવાહના લોકો આજે તેમની કૃપાનો આનંદ માણી રહ્યા છે. તેમ છતાં, વ્યક્તિગત રીતે, આપણે પોતે પરમેશ્વરનાં કાર્યો પર મનન કરીએ એ મહત્ત્વનું છે. એમ કરવાથી, આપણને સ્વાર્થી લાલસાઓ છોડી દઈને આત્મિક રીતે સજાગ રહેવા મદદ મળશે. આપણે ‘અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી, પ્રમાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવાનો’ નિર્ણય કરવો જ જોઈએ. (તીતસ ૨:૧૨) નાનપણથી જ ખ્રિસ્તી મંડળ સાથે સંગત રાખતા હોય, તેઓએ એવું કદી પણ વિચારવું ન જોઈએ કે આપણે કંઈક ગુમાવીએ છીએ. આવા વિચારો મનમાં પણ આવે તો, યહોવાહ વિષે અને તેમણે આપણા માટે રાખેલા અદ્‍ભુત આશીર્વાદો પર મનન કરીએ.—હેબ્રી ૧૨:૨, ૩.

યહોવાહને સંપૂર્ણ આધીનતા

૧૧, ૧૨. મૂર્તિની પૂજા કર્યા વિના પણ, વ્યક્તિ કઈ રીતે મૂર્તિપૂજક બની શકે?

૧૧ પાઊલે આપણને બીજી ચેતવણી આપતા લખ્યું: “જેમ તેઓમાંના કેટલાએક મૂર્તિપૂજક થયા, તેમ તમે ન થાઓ; લખેલું છે, કે લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને અધર્મીઓની પેઠે નાચવા લાગ્યા.” (૧ કોરીંથી ૧૦:૭; નવો કરાર) પાઊલ અહીં એ પ્રસંગનો ઉલ્લેખ કરે છે, જ્યારે ઈસ્રાએલીઓએ સોનાનું વાછરડું બનાવવા હારૂનને મનાવી લીધા. (નિર્ગમન ૩૨:૧-૪) આપણે ભલે મૂર્તિપૂજા ન કરીએ છતાં, યહોવાહની પૂરા મન અને જીવથી ઉપાસના કરવાને બદલે, પોતાની સ્વાર્થી ઇચ્છાઓને વધારે મહત્ત્વ આપવા લાગી શકીએ. આમ, આપણે પોતાના પૂજારી બની શકીએ છીએ.—કોલોસી ૩:૫.

૧૨ બીજા એક પ્રસંગે, પાઊલે આત્મિક કરતાં ભૌતિક બાબતો વિષે વધારે ચિંતિત લોકો વિષે લખ્યું કે, ‘તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ છે: વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ છે.’ (ફિલિપી ૩:૧૮, ૧૯) જોકે તેઓની પૂજામાં કોઈ કોરેલી મૂર્તિ ન હતી. પરંતુ એ તેઓની ભૌતિક લાલસાઓ હતી. હા, કંઈ બધી જ ઇચ્છાઓ ખોટી નથી. યહોવાહે આપણને આપણી જરૂરિયાતો અને આનંદ આપનાર ચીજોની મઝા માણવાની ઇચ્છા સાથે ઉત્પન્‍ન કર્યા છે. પરંતુ, પરમેશ્વર સાથેના પોતાના સંબંધ કરતાં, આનંદપ્રમોદને વધારે મહત્ત્વ આપનારા ખરેખર મૂર્તિપૂજક બને છે.—૨ તીમોથી ૩:૧-૫.

૧૩. સોનાના વાછરડાંના અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ મિસર છોડ્યા પછી ઈસ્રાએલીઓએ ઉપાસના માટે સોનાનું વાછરડું બનાવ્યું. મૂર્તિપૂજા વિરુદ્ધની ચેતવણી ઉપરાંત, આપણને આ અહેવાલમાંથી બીજો એક મહત્ત્વનો બોધપાઠ મળે છે. ઈસ્રાએલીઓ યહોવાહે આપેલા માર્ગદર્શનને આધીન રહ્યા નહિ. (નિર્ગમન ૨૦:૪-૬) તોપણ, પરમેશ્વર તરીકે યહોવાહનો નકાર કરવાનો તેઓનો કોઈ ઇરાદો ન હતો. તેઓએ બનાવેલા વાછરડાંને બલિદાનો ચઢાવ્યાં અને એ પ્રસંગને ‘યહોવાહને સારૂ પર્વ’ કહ્યો. તેઓએ પોતાના મનને એમ મનાવી લીધું કે યહોવાહ તેઓના આ પાપને ગંભીરતાથી નહિ જુએ. આ યહોવાહનું અપમાન હતું. આથી, તેમનો ક્રોધ તેઓ પર સળગી ઊઠ્યો.—નિર્ગમન ૩૨:૫, ૭-૧૦; ગીતશાસ્ત્ર ૧૦૬:૧૯, ૨૦.

૧૪, ૧૫. (ક) શા માટે ઈસ્રાએલીઓ પાસે સાંભળીને ભૂલી જવાનું કોઈ કારણ ન હતું? (ખ) સાંભળીને ભૂલી જનારા ન બનવું હોય તો, આપણે યહોવાહની આજ્ઞાઓ વિષે શું કરીશું?

૧૪ યહોવાહનો સેવક જૂઠા ધર્મમાં જોડાય એ તો ભાગ્યે જ બને. તેમ છતાં, મંડળમાં રહીને પણ કેટલાક યહોવાહના માર્ગદર્શનનો નકાર કરી શકે. ઈસ્રાએલી લોકો સહેલાઈથી સાંભળીને ભૂલી જાય એ માટે કોઈ જ કારણ ન હતું. તેઓએ દસ આજ્ઞાઓ સાંભળી હતી અને મુસાએ તેઓની સમક્ષ પરમેશ્વરની આ આજ્ઞા આપી હતી: “મારી આગળ તમારે કોઇ અન્ય દેવો કરવા નહિ; તમારે પોતાને માટે રૂપાના કે સોનાના દેવો બનાવવા નહિ.” (નિર્ગમન ૨૦:૧૮, ૧૯, ૨૨, ૨૩) તોપણ, ઈસ્રાએલીઓએ સોનાના વાછરડાંની ઉપાસના કરી.

૧૫ આજે આપણી પાસે પણ સાંભળીને ભૂલી જવાનું કોઈ કારણ નથી. બાઇબલમાં, પરમેશ્વરે આપણા જીવનના વિવિધ પાસાઓનું માર્ગદર્શન આપ્યું છે. દાખલા તરીકે, બાઇબલ ઉછીના લીધેલા પૈસા પાછા નહિ આપવાની સખત નિંદા કરે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૧) બાળકોને પોતાનાં માબાપને આધીન રહેવાની આજ્ઞા આપવામાં આવી છે. વળી, પિતાઓ પોતાનાં બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરે એવી આશા રાખવામાં આવે છે. (એફેસી ૬:૧-૪) અપરિણીત ખ્રિસ્તીઓને “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરવાની આજ્ઞા આપવામાં આવી છે. પરિણીત સેવકોને કહેવામાં આવ્યું છે કે, “સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે; કેમકે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.” (૧ કોરીંથી ૭:૩૯; હેબ્રી ૧૩:૪) આપણે સાંભળીને ભૂલી જનારા ન બનવું હોય તો, પરમેશ્વર તરફથી મળેલી આ અને બીજી સલાહો આપણા જ લાભમાં છે, એવું વલણ રાખીને એ પ્રમાણે જીવીશું.

૧૬. સોનાના વાછરડાની ભક્તિ કરનારાનું શું થયું?

૧૬ યહોવાહે ઈસ્રાએલીઓની મરજી પ્રમાણેની ઉપાસના સ્વીકારી નહિ. એના બદલે, યહોવાહના કોપથી ૩,૦૦૦ લોકો માર્યા ગયા. તેઓએ સોનાના વાછરડાની ઉપાસનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય શકે. બીજા પાપીઓ પર યહોવાહ મરકી લાવ્યા. (નિર્ગમન ૩૨:૨૮, ૩૫) જેઓ પરમેશ્વરનો શબ્દ વાંચે છે પણ પોતાની મરજી પ્રમાણે એ પાળવાનું ઇચ્છે છે, તેઓ માટે કેવો બોધપાઠ!

“વ્યભિચારથી નાસો”

૧૭. કયા બનાવનો ઉલ્લેખ ૧ કોરીંથી ૧૦:૮ કરે છે?

૧૭ બીજી એક બાબતમાં પણ પ્રેષિત પાઊલે ધ્યાન દોર્યું જે આપણને સાંભળીને ભૂલી જનારા બનાવી શકે. તેમણે લખ્યું: “જેમ તેઓમાંના કેટલાએકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, તેમ આપણે ન કરીએ.” (૧ કોરીંથી ૧૦:૮) અહીં પાઊલ એ ઘટનાનો ઉલ્લેખ કરે છે, જે રાનમાં ઈસ્રાએલીઓના ૪૦ વર્ષના અંતે મોઆબમાં બની. ઈસ્રાએલીઓએ થોડા જ સમય પહેલાં યહોવાહની મદદથી યરદનની પૂર્વના દેશો જીત્યા હતા. પરંતુ તેઓમાંના ઘણા ભૂલી જનારા અને કદર ન બતાવનારા બન્યા. વચનના દેશના ઉંબરે આવીને, તેઓ જાતીય અનૈતિકતા અને પેઓરના બઆલની અશુદ્ધ ઉપાસના કરવામાં ફસાયા. એ કારણે કંઈક ૨૪,૦૦૦નો નાશ થયો, જેમાં બધાને ફસાવનારા ૧,૦૦૦ પણ હતા.—ગણના ૨૫:૯.

૧૮. કયા પ્રકારનું વર્તન જાતીય અનૈતિકતા તરફ દોરી જઈ શકે?

૧૮ યહોવાહના લોકો આજે ઉચ્ચ નૈતિક ધોરણો પાળવાને લીધે જાણીતા છે. પરંતુ કેટલાક ખ્રિસ્તીઓએ જાતીય અનૈતિકતાથી લલચાઈને પરમેશ્વર અને તેમના સિદ્ધાંતોને બાજુ પર મૂકી દીધા છે. તેઓએ એને એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી મૂક્યા છે. જોકે, તેઓ તરત જ વ્યભિચાર કરી બેસતા નથી. પરંતુ તેઓ બીભત્સ ચિત્રો કે સામયિકોની મઝા માણતા હોય, કે અયોગ્ય મજાક કે લફરાં કરવાથી અથવા ‘એ તો ચાલે’ એવાં નૈતિક ધોરણો રાખનારની સંગતથી એમાં ફસાઈ શકે છે. આ બાબતો ખ્રિસ્તીઓને અનૈતિક કામોમાં ફસાવે છે.—૧ કોરીંથી ૧૫:૩૩; યાકૂબ ૪:૪.

૧૯. ‘વ્યભિચારથી નાસી’ જવા કઈ શાસ્ત્રીય સલાહ મદદ કરે છે?

૧૯ આપણે અનૈતિક કૃત્ય કરવા લલચાઈ જઈએ તો, યહોવાહ વિષે વિચારવાનું બંધ કરી દેવું જોઈએ નહિ. એના બદલે, આપણે બાઇબલની આજ્ઞાઓ પાળવી જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧, ૨) એક ખ્રિસ્તી તરીકે, આપણે સર્વ, નૈતિક રીતે શુદ્ધ રહેવા બનતું બધું જ કરીએ છીએ. તેમ છતાં, પરમેશ્વરની નજરમાં સાચી બાબત કરતા રહેવા સતત પ્રયત્નની જરૂર છે. (૧ કોરીંથી ૯:૨૭) રોમના ખ્રિસ્તીઓને પાઊલે લખ્યું: “તમારૂં આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, અને તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું; અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, અને ભૂંડી બાબતો વિષે ભોળા હો.” (રૂમી ૧૬:૧૯) પોતાના પાપના લીધે ૨૪,૦૦૦ ઈસ્રાએલીઓનો નાશ થયો તેમ, વ્યભિચારીઓ અને બીજા પાપ કરનારાઓનો જલદી જ યહોવાહ ન્યાય કરીને નાશ કરશે. (એફેસી ૫:૩-૬) તેથી, સાંભળીને ભૂલી જનારા બનવાના બદલે, આપણે ‘વ્યભિચારથી નાસી’ જઈએ.—૧ કોરીંથી ૬:૧૮.

હંમેશા યહોવાહની કૃપાની કદર કરો

૨૦. ઈસ્રાએલીઓએ કઈ રીતે યહોવાહની કસોટી કરી અને એનું શું પરિણામ આવ્યું?

૨૦ મોટા ભાગના ખ્રિસ્તીઓ કદી જાતીય અનૈતિકતામાં ફસાતા નથી. તોપણ, આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે બડબડાટ કરનારા ન બનીએ, જેનાથી યહોવાહની કૃપા ગુમાવી દઈએ. પાઊલ આપણને સલાહ આપે છે: “વળી જેમ તેઓમાંના [ઈસ્રાએલી લોકોમાંના] કેટલાએકે પ્રભુનું પરીક્ષણ કર્યું, અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેનું પરીક્ષણ કરીએ નહિ. વળી જેમ તેઓ​માંના કેટલાએકે બડબડાટ કર્યો, અને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે બડબડાટ ન કરો.” (૧ કોરીંથી ૧૦:૯, ૧૦) ઈસ્રાએલીઓએ મુસા અને હારૂન વિરુદ્ધ બડબડાટ કર્યો. અરે, તેઓએ ચમત્કારિક ખોરાક, માન્‍ના વિષે ફરિયાદ કરીને યહોવાહ વિરુદ્ધ પણ કચકચ કરી. (ગણના ૧૬:૪૧; ૨૧:૫) શું યહોવાહે કચકચ કરનારા લોકોને વ્યભિચાર કરનારાઓ કરતાં ઓછા ગુનેગાર ગણ્યા? બાઇબલ અહેવાલ બતાવે છે કે ઘણા બડબડાટ કરનારાઓ સાપ કરડવાથી માર્યા ગયા. (ગણના ૨૧:૬) અગાઉ એક બનાવમાં ૧૪,૭૦૦ કરતાં વધારે કચકચ કરનારાનો નાશ થયો. (ગણના ૧૬:૪૯) તેથી, ચાલો આપણે યહોવાહે કરેલી ગોઠવણો વિરુદ્ધ જઈને તેમની ધીરજની કસોટી ન કરીએ.

૨૧. (ક) પાઊલને કઈ સલાહ લખવાની પ્રેરણા મળી? (ખ) યાકૂબ ૧:૨૫ અનુસાર, આપણે કઈ રીતે સાચું સુખ મેળવી શકીએ?

૨૧ સાથી ખ્રિસ્તીઓને પાઊલે ચેતવણીની યાદી સાથે સલાહ આપતા લખ્યું: “હવે એ સઘળું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું; અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારૂ તે લખવામાં આવ્યું છે. માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.” (૧ કોરીંથી ૧૦:૧૧, ૧૨) ઈસ્રાએલીઓની જેમ આપણે પણ યહોવાહના ઘણા આશીર્વાદોનો આનંદ માણીએ છીએ. તેમ છતાં, તેઓની જેમ આપણે કદી પણ ભૂલી જનારા ન બનીએ. એ ઉપરાંત, યહોવાહે આપણા માટે જે કંઈ કર્યું છે એની કદર કરીએ. જીવનની ચિંતાઓ નીચે કચડાઈ જઈએ ત્યારે, પરમેશ્વરના શબ્દ, બાઇબલનાં અદ્‍ભુત વચનો પર મનન કરીએ. આપણે પરમેશ્વર સાથેનો આપણો અમૂલ્ય સંબંધ કદી ન ભૂલીએ તેમ જ, આપણને સોંપવામાં આવ્યું છે એ રાજ્ય પ્રચાર કાર્ય કરતા રહીએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) આ રીતે જીવવાથી આપણે સાચે જ સુખી થઈશું, કેમ કે બાઇબલ વચન આપે છે: “જે કોઈ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં પોતાને ધ્યાનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહિ જતાં તેનો જીવનમાં અમલ કરે છે તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઇશ્વર આશિષ આપશે.”—યાકૂબ ૧:૨૫, પ્રેમસંદેશ.

તમે કેવો જવાબ આપશો?

• આપણે શાના લીધે સાંભળીને ભૂલી જઈ શકીએ?

• શા માટે પરમેશ્વરને સંપૂર્ણ આધીન રહેવું મહત્ત્વનું છે?

• આપણે કઈ રીતે ‘વ્યભિચારથી નાસી’ શકીએ?

• યહોવાહની ગોઠવણો પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

ઈસ્રાએલીઓ યહોવાહે કરેલા અદ્‍ભુત ચમત્કારો ભૂલી ગયા

[પાન ૧૬ પર ચિત્ર]

યહોવાહના લોકોએ ઉચ્ચ નૈતિક ધોરણો જાળવવાનો નિર્ણય કર્યો છે