સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગમે તેવા વાતાવરણમાં ટકી રહેતાં વૃક્ષો

ગમે તેવા વાતાવરણમાં ટકી રહેતાં વૃક્ષો

ગમે તેવા વાતાવરણમાં ટકી રહેતાં વૃક્ષો

એક ભેખડ પર ઘર બનાવવાનું તમને યોગ્ય ન લાગી શકે; ખાસ કરીને એ જ્યારે ઊંચા પહાડો હોય છે. પરંતુ, પહાડ પર થતા અમુક વૃક્ષો એવા હોય છે કે જે ભેખડો પર પણ મજબૂતાઈથી ટકી રહે છે. કડકડતી ઠંડી કે ધગધગતા તાપ સામે પણ આ અલ્પાઈન વૃક્ષો વર્ષો સુધી ટક્કર ઝીલે છે.

સામાન્ય રીતે, આ વૃક્ષો એની જ જાતિના સપાટ જગ્યાએ ઊગતાં વૃક્ષો જેટલાં ઘટાદાર હોતા નથી. એના થડ ગાંઠવાળા અને વાંકાચૂકાં હોય છે અને એની લંબાઈ વધુ હોતી નથી. અમુક વૃક્ષો તો ખરાબ વાતાવરણ અને ઓછી માટીમાં ઊગતા હોવાથી એનો આકાર તથા પાંદડા બોન્સાઈ જેવા જ લાગતા હોય છે.

આ વૃક્ષ પૃથ્વીના સૌથી વેરાન ભાગમાં ઊગતા હોવાથી તમને લાગી શકે કે એ લાંબો સમય ટકતા નહિ હોય. પરંતુ, હકીકત કંઈક જુદી જ છે. કેટલાક દાવો કરે છે કે મથૂશેલાહ નામના બ્રિસીલકોન પાઈન વૃક્ષની ઉંમર ૪,૭૦૦ વર્ષની છે. આ વૃક્ષ કૅલિફૉર્નિયાના વ્હાઈટ પહાડો પર ૧૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ જોવા મળે છે. ગીનીસ બુક ઑફ રેકૉર્ડ ૧૯૯૭ એને પૃથ્વી પર હાલના સૌથી જૂનાં વૃક્ષોમાંના એક તરીકે બતાવે છે. આ જૂનાં વૃક્ષો પર અભ્યાસ કરનાર, એડમન્ડ શુલમને સમજાવ્યું: “એમ લાગે છે કે બ્રિસીલકોન પાઈન વૃક્ષ . . . વેરાન વાતાવરણના લીધે જ ટકી શકે છે. વ્હાઈટ પહાડો પર જોવા મળતા આ બધા જ જૂનાં [પાઈન વૃક્ષો] લગભગ ૧૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ સૂકી અને વેરાન જગ્યાએ જોવા મળે છે.” શુલમને એ પણ શોધી કાઢ્યું કે પાઈનના બીજા વર્ગના સૌથી જૂનાં વૃક્ષો પણ વેરાન જગ્યાઓએ જ જોવા મળે છે.

આ વૃક્ષોને ખરાબ વાતાવરણનો સામનો કરવો પડે છે તોપણ, એમાં ટકી રહેવાથી એઓને બે લાભ થાય છે. એક તો એ નિર્જન જગ્યાએ ઊગે છે જ્યાં બહુ ઓછી વનસ્પતિ કે વૃક્ષ થતા હોય છે. તેથી ત્યાં જંગલ પણ ન હોવાથી, આ જૂનાં વૃક્ષો માટે સૌથી ખતરનાક દાવાનળનો ભય રહેતો નથી. બીજું, એના મૂળ ભેખડોમાં એવી મજબૂતાઈથી જડ પકડી ગયા હોય છે કે ધરતીકંપ સિવાય એને કોઈ હલાવી પણ શકે નહિ.

બાઇબલમાં પરમેશ્વરના વિશ્વાસુ સેવકોને આવાં વૃક્ષો સાથે સરખાવવામાં આવ્યા છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; યિર્મેયાહ ૧૭:૭, ૮) સંજોગોને કારણે તેઓએ પણ મુસીબતોનો સામનો કરવો પડે છે. સતાવણી, નબળું સ્વાસ્થ્ય અને અતિશય ગરીબીને કારણે તેઓનાં વિશ્વાસની સખત કસોટી થઈ શકે, ખાસ કરીને જ્યારે મુશ્કેલીઓ વર્ષો સુધી ચાલતી રહે છે. તોપણ, તેમના ઉત્પન્‍નકર્તા, જેમણે ગમે તેવા વાતાવરણનો સામનો કરી શકે એવાં વૃક્ષો બનાવ્યા છે તે પોતાના ઉપાસકોને નિભાવવાની ખાતરી આપે છે. અડગ રહેનારાઓને બાઇબલ વચન આપે છે: તે “તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.”—૧ પીતર ૫:૯, ૧૦.

‘પોતાના વિશ્વાસમાં દૃઢ રહેવું, મક્કમ રહેવું, ખંતીલા રહેવું’ આ શબ્દોના ગ્રીક ક્રિયાપદનું ઘણી વાર બાઇબલમાં “ધીરજ” તરીકે ભાષાંતર કરવામાં આવ્યું છે. પર્વત પર થતાં વૃક્ષોની જેમ, સારી જડો માટે ધીરજ જરૂરી છે. ખાસ કરીને ખ્રિસ્તીઓ માટે મક્કમ રહેવા ઈસુ ખ્રિસ્તમાં મજબૂત જડો હોવી જરૂર છે. પાઊલે લખ્યું: “તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે તેમ તેનામાં ચાલો, અને તેનામાં જડ ઘાલેલા તથા સ્થપાએલા થઈને, તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દૃઢ રહીને તેની વધારે ને વધારે ઉપકારસ્તુતિ કરો.”—કોલોસી ૨:૬, ૭.

પાઊલ મજબૂત આત્મિક જડોની જરૂર વિષે જાણતા હતા. તે પોતે ‘દેહના કાંટા’ સામે સંઘર્ષ કરતા હતા અને તેમણે પોતાના સેવાકાર્ય દરમિયાન સખત સતાવણી સહન કરી હતી. (૨ કોરીંથી ૧૧:૨૩-૨૭; ૧૨:૭) પરંતુ તેમણે અનુભવ્યું કે યહોવાહની મદદથી તે મુશ્કેલીઓનો સામનો કરી શકતા હતા. તેમણે કહ્યું, “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૩.

પાઊલનું ઉદાહરણ સ્પષ્ટ રીતે બતાવે છે કે ખ્રિસ્તીઓના ધીરજની સફળતા તેઓના સારા સંજોગો પર આધારિત નથી. પહાડ પરનાં વૃક્ષો સદીઓ સુધી ગમે તેવા ખરાબ વાતાવરણમાં જીવતા રહે છે, એવી જ રીતે આપણે પણ ખ્રિસ્તમાં જડ પકડી લઈશું અને યહોવાહ જે સામર્થ્ય આપે છે એના પર આધાર રાખીશું તો વિશ્વાસમાં મક્કમ રહી શકીશું. વધુમાં, આપણે અંત સુધી ટકી રહીશું તો, પરમેશ્વરના બીજા એક વચનને પોતે અનુભવતા જોઈ શકીશું: “ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે.”—યશાયાહ ૬૫:૨૨; માત્થી ૨૪:૧૩.