તે ‘અંત સુધી ટકી રહ્યા’
તે ‘અંત સુધી ટકી રહ્યા’
વર્ષ ૧૯૯૩માં યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથકમાં આવેલા નવા સભ્યોને એક વીડિયો કૅસેટ બતાવવામાં આવી. એમાં લાઈમન એલેક્ષાંડર સ્વીંગલે યહોવાહની સેવા કરવા વિષે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું: “મરતા સુધી તમારાં જોડાં પહેરી રાખો!” *
નેવું વર્ષના ભાઈ સ્વીંગલે બીજાઓને ઉત્તેજન આપતા જે કહ્યું હતું એ જ પ્રમાણે તેમણે પણ કર્યું. તે ‘અંત સુધી ટકી રહ્યા.’ (માત્થી ૨૪:૧૩) માર્ચ ૭, બુધવારના રોજ પોતાની તબિયત સારી ન હોવા છતાં, તેમણે યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્યોની સભામાં હાજરી આપી, જેના તે પોતે સભ્ય હતા. એ પછીના મંગળવારે તેમની તબિયત વધારે બગડી અને માર્ચ ૧૪ની સવારે ૪:૨૬ વાગ્યે તેમના ડૉક્ટરે જણાવ્યું કે ભાઈ સ્વીંગલ મૃત્યુ પામ્યા છે.
લાઈમન સ્વીંગલે યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથક બ્રુકલિન, ન્યૂયૉર્કમાં એપ્રિલ ૫, ૧૯૩૦થી સેવા શરૂ કરી હતી. ત્યાં તેમણે લગભગ ૭૧ વર્ષ સેવા આપી. ભાઈ લાઈમને સૌ પ્રથમ બાઈન્ડિંગ વિભાગમાં કામ કર્યું હતું. પછી તેમણે પ્રેસમાં અને છાપકામની શાહી બનાવતા વિભાગમાં પણ મદદ કરી. જોકે, ભાઈ સ્વીંગલે લગભગ ૨૫ વર્ષ શાહી બનાવતા વિભાગમાં કામ કર્યું હતું. તેમણે લગભગ ૨૦ વર્ષ સુધી મુખ્ય મથકના લેખન વિભાગમાં સેવા આપી હતી. પોતાના જીવનના છેલ્લાં ૧૭ વર્ષોથી તે ટ્રેઝરીમાં કામ કરતા હતા.
લાઈમન હિંમતથી પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરતા હતા. બ્રુકલિનમાં શરૂઆતનાં વર્ષોમાં તે પોતાની સાથે રૂમમાં રહેનાર ભાઈ આર્થર વૉસ્લી સાથે યહોવાહના સાક્ષીઓની એક નાની હોડી લઈને હુડસન નદીના કિનારે જતા હતા. રેડિયોના ધ્વનિવર્ધક સાધનનો ઉપયોગ કરીને તેઓ ઘણા સપ્તાહઅંતે કિનારાની આસપાસ રહેતા લોકોને રાજ્યનો સંદેશો સંભળાવતા હતા.
ભાઈ સ્વીંગલનો જન્મ નવેમ્બર ૬, ૧૯૧૦માં લિંકન, નેબ્રૅસ્કામાં થયો હતો. પરંતુ, ત્યાર પછી તરત જ તેમનું કુટુંબ સૉલ્ટ લેઇટ સિટી, યૂટામાં રહેવા ગયું. વર્ષ ૧૯૧૩માં તેમનાં માબાપ બાઇબલ વિદ્યાર્થીઓ બન્યા, જેઓ પછીથી યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાતા થયા. એ પછી ઘણાં વર્ષો સુધી સ્વીંગલ કુટુંબ સાક્ષીઓના બ્રુકલિન મુખ્યમથકના મુલાકાતી વક્તાઓને મહેમાન તરીકેનું આમંત્રણ આપતા હતા. આ ભાઈઓની લાઈમન પર ઊંડી અસર પડી હતી. તેથી, ૧૯૨૩માં, બાર વર્ષની વયે તેમણે પરમેશ્વરને પોતાનું સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું.
ભાઈ લાઈમન બ્રુકલિન બેથેલમાં ૨૬ કરતાં વધુ વર્ષો અપરિણીત રહ્યા. પછી તેમણે જૂન ૮, ૧૯૫૬માં ક્રિસ્ટલ ઝીરર્ચર સાથે લગ્ન કર્યું ત્યારે, તેમનું જીવન અનહદ ખુશીઓથી ભરાઈ ગયું. તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને હંમેશા સાથે રહેતા હતા. ક્રિસ્ટલ ૧૯૯૮માં મરણ પામ્યા ત્યાં સુધી, તેઓ સેવાકાર્યમાં પણ સાથે જતા હતા. ક્રિસ્ટલને મરણના લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્ટ્રોકનો હુમલો થયો હોવાથી તે અપંગ થઈ ગયા હતા. તેથી, લાઈમન તેમની ખૂબ સંભાળ રાખતા હતા. તે ક્રિસ્ટલને વ્હિલચેરમાં બેસાડીને બાજુના જાહેર માર્ગ પર લઈ જતા. આમ, ત્યાં જતા-આવતા લોકોને ક્રિસ્ટલ ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકો રજૂ કરી શકતા હતા. આ રીતે, ભાઈ લાઈમનને ક્રિસ્ટલની પ્રેમાળ સંભાળ રાખતા જોનારા સર્વ માટે તે એક ઉદાહરણરૂપ હતા.
ભાઈ સ્વીંગલ નિખાલસ અને પ્રેમાળ સ્વભાવના હતા. તેમને જાણનારાઓને તે ઘણા જ પ્રિય હતા. તેમના માતા-પિતાની જેમ તેમને પણ ઈસુ ખ્રિસ્ત સાથે સ્વર્ગીય રાજ્યમાં રહેવાની બાઇબલ આધારિત આશા હતી. આપણને ખાતરી છે કે તેમની આ આશા હવે પૂરી થઈ છે.—૧ થેસ્સાલોનીકી ૪:૧૫-૧૮; પ્રકટીકરણ ૧૪:૧૩.
[ફુટનોટ]
^ બીજા અર્થમાં, મરતા સુધી પૂરા ઉત્સાહ અને જોશથી કાર્યમાં વ્યસ્ત રહો.
[પાન ૩૧ પર ચિત્ર]
ભાઈ સ્વીંગલે લગભગ ૨૫ વર્ષ શાહી બનાવતા વિભાગમાં કામ કર્યું
[પાન ૩૧ પર ચિત્ર]
લાઈમન અને ક્રિસ્ટલ હંમેશા સાથે રહેતા હતા