બીજાને આપવાનો આનંદ માણો!
બીજાને આપવાનો આનંદ માણો!
“લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
૧. યહોવાહ કઈ રીતે આપવામાં આનંદ માણે છે?
સત્ય જાણવાથી મળતા આશીર્વાદો યહોવાહ પરમેશ્વર તરફથી મૂલ્યવાન ભેટ છે. યહોવાહને ઓળખનાર પાસે આનંદ કરવાને ઘણાં કારણો છે. પરંતુ, ભેટ મેળવવાથી જેટલો આનંદ થાય છે એટલો જ આનંદ આપવાથી પણ મળે છે. યહોવાહ “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપનાર તથા “આનંદી દેવ” છે. (યાકૂબ ૧:૧૭; ૧ તીમોથી ૧:૧૧, NW) માબાપનું પોતાનાં બાળકો સાંભળે છે ત્યારે, તેઓને ખૂબ આનંદ થાય છે. એ જ રીતે, યહોવાહનું સાંભળવાથી અને તેમના લાભદાયી શિક્ષણને આનંદથી આધીન રહેવાથી તેમને ઘણો આનંદ થાય છે.—નીતિવચન ૨૭:૧૧.
૨. (ક) આપવા વિષે ઈસુએ શું કહ્યું? (ખ) બીજાઓને બાઇબલ સત્ય શીખવીએ ત્યારે આપણને કેવો આનંદ થાય છે?
૨ એવી જ રીતે, ઈસુ પૃથ્વી પર હતા એ વખતે લોકોએ તેમના શિક્ષણને સાંભળ્યું ત્યારે તેમને ઘણો આનંદ થયો. પ્રેષિત પાઊલ ઈસુના શબ્દનો ઉલ્લેખ કરતા કહે છે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આપણે બીજાઓને બાઇબલ સત્ય શીખવીએ ત્યારે આનંદ મેળવીએ છીએ. એ આનંદ ફક્ત એવો સંતોષ જ નથી કે કોઈક આપણી ધાર્મિક માન્યતાઓ સાથે સહમત થાય છે. પરંતુ, આપણને એ જોઈને આનંદ થાય છે કે આપણે કંઈક સાચી અને હંમેશ માટે રહે એવી બાબત આપીએ છીએ. બીજાઓને આત્મિક રીતે આપીને, આપણે લોકોને હમણાં અને હંમેશ માટે લાભો મેળવવા મદદ કરી શકીએ.—૧ તીમોથી ૪:૮.
આપવાથી આનંદ મળે છે
૩. (ક) કઈ રીતે પ્રેષિત પાઊલ અને યોહાન બીજાઓને આત્મિક રીતે મદદ કરવાના પોતાના આનંદનું વર્ણન કરે છે? (ખ) બાળકોને પરમેશ્વરનું જ્ઞાન આપીને આપણે કઈ રીતે પ્રેમ બતાવીએ છીએ?
૩ યહોવાહ અને ઈસુ બંને આપવામાં આનંદ માણે છે તેમ, ખ્રિસ્તીઓ પણ આપવામાં આનંદ માણે છે. પ્રેષિત પાઊલને એ જાણીને આનંદ થયો હતો કે તેમણે બીજાઓને પરમેશ્વરના શબ્દનું સત્ય શીખવવામાં મદદ કરી છે. થેસ્સાલોનીકીના મંડળને તેમણે લખ્યું: “કેમકે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેની સમક્ષ તમે જ એ મુગટ નથી? હા, તમે અમારો મહિમા તથા આનંદ છો.” (૧ થેસ્સાલોનીકી ૨:૧૯, ૨૦) એવી જ રીતે, પ્રેષિત યોહાને પોતાનાં આત્મિક બાળકોનો ઉલ્લેખ કરતા લખ્યું: “જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.” (૩ યોહાન ૪) આપણાં પોતાનાં બાળકોને આત્મિક બાળકો બનવા મદદ કરવાથી મળતા આનંદનો વિચાર કરો! બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરીને માબાપ પ્રેમ બતાવે છે. (એફેસી ૬:૪) આ રીતે માબાપ બતાવે છે કે તેઓ પોતાનાં બાળકોના હંમેશ માટેના સુખની ચિંતા કરે છે. માબાપને તેઓનાં બાળકો પોતાનું સાંભળે છે ત્યારે ઘણો આનંદ અને સંતોષ થાય છે.
૪. કયો અનુભવ આત્મિક રીતે આપવાનો આનંદ બતાવે છે?
૪ પૂરા સમયની પાયોનિયર ડૅલનો વિચાર કરો કે જે પાંચ બાળકોની માતા પણ છે. તે કહે છે: “હું પ્રેષિત યોહાનના શબ્દોની લાગણીને સારી રીતે સમજી શકું છું કારણ કે મારાં ચાર બાળકો ‘સત્યના માર્ગમાં ચાલી રહ્યાં’ છે અને એ માટે હું ઘણી આભારી છું. મને ખબર છે કે કુટુંબ એકતામાં રહીને સાચી ઉપાસના કરે છે ત્યારે, એ યહોવાહને માન અને મહિમા આપે છે. તેથી, મારાં બાળકોને સત્ય શીખવવાના મારા પ્રયત્નોને તેમણે આપેલો આશીર્વાદ જોઈને મને ઊંડો સંતોષ થાય છે. મારા કુટુંબ સાથે બગીચા જેવી પૃથ્વી પર હંમેશ માટે રહેવાની અદ્ભુત આશા, મને મુશ્કેલીઓ અને સતાવણીને સહન કરવાનું ઉત્તેજન આપે છે.” દુઃખની વાત છે કે, ડૅલની એક દીકરીને ખોટા માર્ગે ચડી જવાના કારણે, મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવી. તેમ છતાં, ડૅલ હકારાત્મક વલણ જાળવી રાખવા માટે સખત મહેનત કરે છે. તે કહે છે, “હું આશા રાખું છું કે એક દિવસે મારી દીકરી નમ્ર અને પ્રમાણિક બનીને યહોવાહ તરફ પાછી ફરશે. પરંતુ હું યહોવાહનો આભાર માનું છું કે મારાં ચારેય બાળકો વિશ્વાસુપણે તેમની સેવા કરી રહ્યાં છે. સાચું કહું તો, હું જે આનંદ અનુભવું છું એમાંથી જ મને બળ મળે છે.”—નહેમ્યાહ ૮:૧૦.
હંમેશ માટેના મિત્રો બનાવવા
૫. આપણે શિષ્યો બનાવવાના કાર્યમાં વધારે ભાગ લઈએ છીએ તેમ, શું જાણીને સંતોષ થાય છે?
૫ ઈસુએ પોતાના અનુયાયીઓને શિષ્યો બનાવવાનું માર્ગદર્શન આપ્યું અને તેઓને યહોવાહ તથા તેમના નિયમો વિષે શીખવ્યું. (માત્થી ૨૮:૧૯, ૨૦) યહોવાહ અને ઈસુએ લોકોને નિઃસ્વાર્થપણે સત્યના માર્ગ વિષે શીખવા મદદ કરી. એ જ રીતે, આપણે પણ શિષ્યો બનાવવાના કાર્યમાં વધુ મહેનત કરીએ છીએ ત્યારે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ, યહોવાહ અને ઈસુના ઉદાહરણને અનુસરી રહ્યાનો સંતોષ અનુભવીએ છીએ. (૧ કોરીંથી ૧૧:૧) આપણે સર્વશક્તિમાન યહોવાહ અને તેમના વહાલા દીકરાને સહકાર આપીએ છીએ ત્યારે, ખરેખર આપણું જીવન ધન્ય બની જાય છે. યહોવાહ “સાથે કામ કરનારા” બનવાનો કેવો આનંદ! (૧ કોરીંથી ૩:૯) શું એ જાણીને પણ આપણને આનંદ નથી થતો કે દૂતો પણ યહોવાહના રાજ્ય વિષે જણાવવામાં ભાગ લઈ રહ્યા છે?—પ્રકટીકરણ ૧૪:૬, ૭.
૬. આપણે આત્મિક રીતે આપીએ છીએ તેમ, કોણ આપણા મિત્રો બને છે?
૬ આપણે આત્મિક જ્ઞાન આપવાનું કાર્ય કરીને, ફક્ત પરમેશ્વર સાથે કામ કરનારા જ બનતા નથી, પરંતુ તેમના હંમેશ માટેના મિત્ર પણ બનીએ છીએ. ઈબ્રાહીમના વિશ્વાસને કારણે, તેમને યહોવાહના મિત્ર કહેવામાં આવ્યા. (યાકૂબ ૨:૨૩) યહોવાહ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા બનતો બધો જ પ્રયત્ન કરીને, આપણે પણ તેમના મિત્રો બની શકીએ છીએ. એમ કરીને આપણે ઈસુના પણ મિત્ર બનીશું. તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “મેં તમને મિત્ર કહ્યા છે; કેમકે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.” (યોહાન ૧૫:૧૫) ઘણા લોકો પોતાને સમાજની આગળ પડતી વ્યક્તિઓ કે ઉચ્ચ અધિકારીઓના મિત્ર ગણાવવાનો ગર્વ અનુભવે છે, પરંતુ આપણે તો વિશ્વની બે સૌથી મહાન વ્યક્તિઓના મિત્ર બનીએ છીએ!
૭. (ક) એક સ્ત્રીને કઈ રીતે ગાઢ મિત્ર મળી? (ખ) શું તમને પણ એવો અનુભવ થયો છે?
૭ વધુમાં, આપણે લોકોને યહોવાહને જાણવા મદદ કરીએ છીએ ત્યારે, તેઓ પણ આપણા મિત્રો બને છે, જે આપણને ખાસ આનંદ આપે છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેતી જૉને, થૅલ્મા નામની એક સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. થૅલ્માનો એ કારણે કુટુંબે ઘણો વિરોધ કર્યો છતાં, તેણે અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું અને એક વર્ષ પછી તે બાપ્તિસ્મા પામી. જૉને લખ્યું: “અમારી મિત્રતાનો ત્યાં જ અંત આવી ગયો નહિ; એના બદલે એ વધીને હવે પાંત્રીસ વર્ષથી ટકી રહી છે. અમે ઘણી વાર પ્રચારમાં અને મહાસંમેલનોમાં સાથે ગયા છીએ. છેવટે, હું ૮૦૦ કિલોમીટર દૂર આવેલા નવા ઘરમાં રહેવા ગઈ. તોપણ, થૅલ્મા મને ઉત્તેજન આપતા પત્રો લખે છે અને મને કહે છે કે તે મારા પ્રત્યે કાળજી રાખે છે. તેમ જ, તેની મિત્ર બનવા અને તેને બાઇબલ સત્ય શીખવવા બદલ તે મારો આભાર માને છે. ખરેખર, યહોવાહ વિષે શીખવવા તેને મદદ કરીને મેં આવી ગાઢ અને વહાલી મિત્ર મેળવી છે, એ કેવો મોટો બદલો છે.”
૮. કેવું વલણ આપણને સેવાકાર્યમાં ઉત્તેજન આપશે?
૮ ભલે મોટા ભાગના લોકો પરમેશ્વરના શબ્દ, બાઇબલમાં નામ પૂરતો કે બિલકુલ રસ ન બતાવે. તેમ છતાં, કોઈક વ્યક્તિ રસ બતાવશે એવી આશા આપણને પ્રચાર કરતા રહેવા મદદ કરી શકે. સત્ય વિષે જાણવા ચાહનાર કોઈ ન મળે ત્યારે, આપણે નિરાશ બની જઈ શકીએ, જે આપણા વિશ્વાસ પર અસર કરી શકે. તોપણ, આશા રાખવાથી એ આપણને મદદ કરશે. ગ્વાટેમાલાના ફૂસ્તોએ કહ્યું: “હું બીજાઓને સાક્ષી આપું છું ત્યારે, એમ વિચારું છું કે જેની સાથે હું વાત કરી રહ્યો છું, એ આત્મિક ભાઈ કે બહેન બને તો કેટલું સારું! હું હંમેશા એવું વિચારું છું કે મને કોઈક તો એવું મળશે, જે યહોવાહનો સેવક બનશે. એ વિચાર મને પ્રચાર કાર્યમાં લાગુ રહેવા ઉત્તેજન આપે છે અને એનાથી મને ખરેખર આનંદ મળે છે.”
સ્વર્ગમાં ધન એકઠું કરવું
૯. ઈસુએ સ્વર્ગની ધનદોલત વિષે શું કહ્યું અને આપણે એમાંથી શું શીખી શકીએ?
૯ આપણા પોતાનાં બાળકોને કે બીજાઓને શિષ્ય બનાવવા, એ કંઈ રમત વાત નથી. એ સમય, ધીરજ અને સતત પ્રયાસ માંગી લે છે. તેમ છતાં, યાદ રાખો કે ઘણા લોકો ધનદોલત ભેગી કરવા સખત મહેનત કરતા હોય છે, જે મોટે ભાગે તેઓને આનંદ આપતી નથી કે એ કાયમ ટકતી પણ નથી. એને બદલે, પોતાને સાંભળી રહેલા લોકોને ઈસુએ કહ્યું કે આત્મિક ધનદોલત માટે સખત મહેનત કરવી સૌથી સારું છે. તેમણે કહ્યું: “પૃથ્વી પર ધનદોલતનો સંગ્રહ ના કરો, જ્યાં કીડા અને કાટ નાશ કરે છે અને ચોર ચોરી કરી જાય છે, પરંતુ સ્વર્ગમાં ધનદોલતનો સંગ્રહ કરો; ત્યાં કીડા અને કાટ નાશ કરતા નથી અને ચોર ચોરી જતો નથી.” (માત્થી ૬:૧૯, ૨૦, IBSI) આત્મિક બાબતોમાં શિષ્યો બનાવવાના મહત્ત્વના કામનો સમાવેશ થાય છે. આ કાર્યમાં મંડ્યા રહીને આપણે એવો સંતોષ મેળવી શકીએ કે આપણે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરી રહ્યા છીએ અને તે આપણને બદલો આપશે. પ્રેષિત પાઊલે લખ્યું: “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, . . . તેને વિસરે એવો અન્યાયી નથી.”—હેબ્રી ૬:૧૦.
૧૦. (ક) શા માટે ઈસુ પાસે આત્મિક ખજાનો હતો? (ખ) ઈસુએ કઈ રીતે પોતાને બીજાઓ માટે અર્પી દીધા અને એનાથી તેઓને કયો મોટો લાભ મળ્યો?
૧૦ આપણે મન લગાડીને શિષ્યો બનાવવાનું કાર્ય કરીએ તો, ઈસુએ કહ્યું તેમ આપણે “સ્વર્ગમાં ધનદોલતનો સંગ્રહ” કરીએ છીએ. એ આપણને મેળવવાનો આનંદ આપે છે. આ રીતે, કોઈ સ્વાર્થ વિના આપીશું તો, આપણે પોતે વધારે ‘ધનવાન’ બનીશું. ઈસુએ યહોવાહની હજારો વર્ષોથી વિશ્વાસુપણે સેવા કરી હતી. તેમણે સ્વર્ગમાં એકઠા કરેલા ખજાનાનો વિચાર કરો! તોપણ, ઈસુએ પોતાનો જ વિચાર કર્યો નહિ. પ્રેષિત પાઊલે લખ્યું: “[ઈસુએ] આપણાં પાપને સારૂ પોતાનું સ્વાર્પણ કર્યું એ માટે કે આપણા દેવ તથા બાપની ઇચ્છા પ્રમાણે, તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (ગલાતી ૧:૪) ઈસુએ કોઈ સ્વાર્થ વિના ફક્ત સેવાકાર્ય જ કર્યું નહિ. પરંતુ, તેમણે પોતાનું જીવન ખંડણી તરીકે આપ્યું, જેથી બીજાઓને પણ સ્વર્ગમાં ધન એકઠું કરવાની તક મળે.
૧૧. શા માટે ભૌતિક કરતાં આત્મિક ભેટ આપવી સારી છે?
૧૧ લોકોને યહોવાહ વિષે શીખવીને, આપણે તેઓને મદદ કરીએ છીએ, જેથી તેઓ પણ કદી નાશ ન પામનાર આત્મિક ખજાનો ભેગો કરી શકે. તમે કઈ સૌથી મોટી ભેટ આપી શકો? તમે તમારા મિત્રને મોંઘી ઘડિયાળ, કાર કે બંગલો પણ આપશો તો, તે મિત્ર ઘણો આભાર માનશે અને ખુશ થઈ જશે. તમને પણ આપવાનો આનંદ મળશે. પરંતુ ૨૦ વર્ષ કે ૨૦૦ વર્ષ કે ૨૦૦૦ વર્ષ પછી એ ભેટ કેવી હાલતમાં જોવા મળશે? બીજી બાજુ, તમે કોઈને યહોવાહની સેવા કરવા મદદ કરો છો ત્યારે, તે વ્યક્તિ એ ભેટમાંથી હંમેશા લાભ મેળવશે.
સત્ય ચાહનારાને શોધવા
૧૨. કેટલાકે કઈ રીતે બીજાઓને આત્મિક રીતે મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે?
૧૨ લોકોને આત્મિક રીતે મદદ કરવા યહોવાહના લોકો પૃથ્વીના છેડા સુધી પહોંચી ગયા છે. હજારો લોકો પોતાના ઘર અને કુટુંબને છોડીને મિશનરિ સેવા કરવા માટે એવા દેશોમાં ગયા છે, જ્યાં તેઓએ નવી ભાષા અને સંસ્કૃતિ અપનાવવી પડી છે. બીજા લોકો પોતાના જ દેશના એવા વિસ્તારોમાં ગયા છે, જ્યાં વધારે મદદની જરૂર છે. વળી, કેટલાક બીજી ભાષાઓ શીખ્યા છે. તેઓએ પોતાના જ વિસ્તારમાં રહેવા આવેલા પરદેશી લોકોને મદદ કરવાની તક ઝડપી લીધી છે. દાખલા તરીકે, અમેરિકા, ન્યૂ જર્સીના એક યુગલે પોતાનાં બે બાળકોને મોટાં કર્યાં, જેઓ અત્યારે યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથકે સેવા કરી રહ્યાં છે. પછી એ યુગલે પાયોનિયર કાર્ય શરૂ કર્યું અને ચીની ભાષા શીખ્યા. ત્રણ વર્ષમાં, તેઓએ પોતાની નજીકની કૉલેજમાં આવતા ચીની ભાષા બોલતા ૭૪ લોકો સાથે બાઇબલ અભ્યાસ ચલાવ્યો. શું તમે પણ શિષ્યો બનાવવાના કાર્યમાં વધારે આનંદ મેળવવા માટે, તમારા સેવાકાર્યમાં કોઈક રીતે વધારો કરી શકો છો?
૧૩. તમારું પ્રચાર કાર્ય વધારે સફળ બનાવવા તમે શું કરી શકો?
૧૩ તમે કોઈ વ્યક્તિ સાથે બાઇબલ અભ્યાસ ચલાવવા ખૂબ આતુર છો, પણ હજુ કરી શક્યા નથી. કેટલાક દેશોમાં એવા લોકો જલદી મળતા નથી. તમે જે લોકોને મળો છે તેઓ બાઇબલમાં રસ ન બતાવતા હોય તો શું? એમ હોય તો, તમે વારંવાર તમારી એ ઇચ્છા પ્રાર્થનામાં જણાવી શકો. તમે જાણો છો કે યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત બંનેને આ કાર્યમાં ઘણો રસ છે અને તેઓ તમને નમ્ર વ્યક્તિઓ તરફ દોરી શકે. તમારા મંડળમાં વર્ષોથી સફળતાપૂર્વક સેવા કરી રહ્યા હોય એવા વધારે અનુભવી ભાઈ-બહેનો પાસેથી સૂચનો માંગો. સભાઓમાં આપવામાં આવતા માર્ગદર્શન અને સૂચનોનો ભરપૂર લાભ લો. પ્રવાસી નિરીક્ષક અને તેમની પત્નીનાં સૂચનોમાંથી લાભ મેળવો. સૌથી મહત્ત્વનું તો એ છે કે, કદી પણ પડતું ન મૂકો. જ્ઞાની રાજાએ લખ્યું: “સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમકે આ સફળ થશે, કે તે સફળ થશે, . . . તે તું જાણતો નથી.” (સભાશિક્ષક ૧૧:૬) તેમ જ, તમે નુહ અને યિર્મેયાહ જેવા વિશ્વાસુ સેવકોને યાદ કરી શકો. તેઓએ પ્રચાર કર્યો ત્યારે, બહુ જ ઓછા લોકોએ સાંભળ્યું, પરંતુ તેઓનું પ્રચાર કાર્ય સફળ થયું હતું. સૌથી વધુ તો, એનાથી યહોવાહને આનંદ થયો હતો.
તમારાથી બનતું બધું જ કરવું
૧૪. યહોવાહ પોતાની સેવામાં વૃદ્ધ થયેલા લોકો માટે કેવું વલણ રાખે છે?
૧૪ તમે પ્રચાર કાર્યમાં કંઈક વધારે કરવા માંગતા હોવ, પણ તમારા સંજોગો એવા ન હોય તો શું? દાખલા તરીકે, વૃદ્ધાવસ્થાને કારણે તમે યહોવાહની સેવામાં વધારે ન પણ કરી શકો. તોપણ, યાદ રાખો કે જ્ઞાની માણસે શું લખ્યું હતું: “માથે પળિયાં એ મહિમાનો મુગટ છે, તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.” (નીતિવચન ૧૬:૩૧) આપણે આખું જીવન યહોવાહની જ સેવા કરતા રહીએ, એનાથી તેમને ઘણો આનંદ થાય છે. વધુમાં, બાઇબલ કહે છે: “તમારા ઘડપણ સુધી હું તેજ છું, પળિયાં આવતાં સુધી હું તમને ઉપાડી લઈશ; મેં ઉત્પન્ન કર્યું છે, ને હું તમને ઊંચકી રાખીશ; હા, હું તમને ઉપાડી લઈશ, ને તમને બચાવીશ.” (યશાયાહ ૪૬:૪) આપણા પ્રેમાળ પરમેશ્વરે પોતાના વિશ્વાસુ ઉપાસકોને મદદ કરવાનું અને ટકાવી રાખવાનું વચન આપ્યું છે.
૧૫. શું તમને લાગે છે કે યહોવાહ તમારા સંજોગો સમજે છે? શા માટે?
૧૫ તમે માંદગી, લગ્નસાથી તરફથી થતો વિરોધ, કુટુંબની વધારે જવાબદારીઓ અને બીજી મુશ્કેલીઓનો સામનો કરતા હશો. યહોવાહ આપણી મર્યાદા અને સંજોગોને જાણે છે. આપણે તેમની સેવામાં જે કંઈ પ્રયત્ન કરીએ છીએ, એ માટે તે આપણને પ્રેમ કરે છે. ભલેને આપણે બીજા કરતાં ઓછું કરતા હોઈએ તોપણ તે આપણને પ્રેમ કરે છે. (ગલાતી ૬:૪) યહોવાહ જાણે છે કે આપણે અપૂર્ણ છીએ. તેથી, તે આપણે ન કરી શકીએ એની આપણી પાસે આશા રાખતા નથી. (ગીતશાસ્ત્ર ૧૪૭:૧૧) આપણે આપણાથી બનતું બધું જ કરીએ તો, ખાતરી રાખી શકીએ કે આપણે પરમેશ્વરની નજરમાં મૂલ્યવાન છીએ. તેમ જ, તે આપણાં વિશ્વાસુ કાર્યોને ભૂલી જશે નહિ.—લુક ૨૧:૧-૪.
૧૬. કઈ રીતે આખું મંડળ શિષ્યો બનાવવાના કાર્યમાં ભાગ લે છે?
૧૬ યાદ રાખો કે શિષ્યો બનાવવાનું કાર્ય એકલ-દોલક વ્યક્તિનું નથી. વરસાદનું એક ટીપું જેમ છોડને પોષણ આપતું નથી, તેમ એક વ્યક્તિ શિષ્ય બનાવી શકતી નથી. હા, એ સાચું છે કે એક સાક્ષીએ રસ ધરાવનાર વ્યક્તિને શોધીને તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હશે. પરંતુ એક વાર નવી વ્યક્તિ રાજ્યગૃહમાં આવે છે ત્યારે, મંડળની દરેક વ્યક્તિ તેને સત્ય પારખવામાં મદદ કરે છે. ભાઈ-બહેનોનો પ્રેમ તેને પરમેશ્વરના પવિત્ર આત્માની અસર બતાવે છે. (૧ કોરીંથી ૧૪:૨૪, ૨૫) બાળકો અને યુવાનો ઉત્તેજનભરી રીતે સભાઓમાં ભાગ લે છે, એનાથી નવી વ્યક્તિ જોઈ શકે છે કે આપણા યુવાનો દુનિયાના યુવાનો કરતાં અલગ છે. મંડળની માંદી, અપંગ અને મોટી ઉંમરની વ્યક્તિઓનાં ઉદાહરણો નવાઓને સત્યમાં ટકી રહેવાનું શીખવે છે. ભલે આપણે ગમે તે ઉંમરના હોઈએ કે મર્યાદિત હોઈએ છતાં, સર્વ નવી વ્યક્તિઓને બાઇબલ સત્ય પ્રત્યે તેઓનો પ્રેમ વધારે દૃઢ કરવા અને બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરવા મદદ કરીને આપણે મહત્ત્વનો ભાગ ભજવીએ છીએ. આપણે પ્રચાર કાર્યમાં જે સમય આપીએ, દરેક ફરી મુલાકાત કરીએ, નવી વ્યક્તિ સાથે રાજ્યગૃહમાં વાતચીત કરીએ, એ આમ બહુ મહત્ત્વનું નહિ લાગે. પરંતુ એ યહોવાહના મહાન કાર્યને સિદ્ધ કરવાનો એક ભાગ છે.
૧૭, ૧૮. (ક) શિષ્યો બનાવવા ઉપરાંત, આપણે બીજી કઈ રીતોએ આપવાનો આનંદ માણી શકીએ? (ખ) આપવાનો આનંદ માણીને આપણે કોનું અનુકરણ કરીએ છીએ?
૧૭ જોકે, શિષ્ય બનાવવાનું મહત્ત્વનું કાર્ય કરવા ઉપરાંત, ખ્રિસ્તી તરીકે આપણે બીજી રીતોએ પણ આપીને આનંદ માણીએ છીએ. આપણે શુદ્ધ ઉપાસનાને ટેકો આપવા અને જરૂર હોય તેઓને મદદ કરવા માટે દાન બાજુએ રાખી શકીએ. (લુક ૧૬:૯; ૧ કોરીંથી ૧૬:૧, ૨) આપણે બીજાઓની પરોણાગત કરવાની તક ઝડપી લઈએ. (રૂમી ૧૨:૧૩) “આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં” કરવા મહેનત કરતા રહીએ. (ગલાતી ૬:૧૦) આપણે બીજી કેટલીક નાની પરંતુ મહત્ત્વની રીતોએ પણ બીજાને મદદ કરી શકીએ. જેમ કે, પત્ર લખીને, ફોન કરીને, ભેટ આપીને કે જરૂરી મદદ પૂરી પાડીને અને ઉત્તેજનના બે શબ્દો કહીને પણ મદદ કરી શકીએ છીએ.
૧૮ આપણે આપીને બતાવીએ છીએ કે આપણે યહોવાહ પરમેશ્વરનું અનુકરણ કરીએ છીએ. આપણે ભાઈ-બહેનો માટેનો પ્રેમ પણ બતાવીએ છીએ જે સાચા ખ્રિસ્તીઓનું ઓળખ ચિહ્ન છે. (યોહાન ૧૩:૩૫) આ બધી જ રીતોને યાદ રાખીને આપણે બીજાઓને આપવાનો આનંદ માણી શકીશું.
શું તમે સમજાવી શકો?
• યહોવાહ અને ઈસુ ખ્રિસ્તે આત્મિક રીતે આપવામાં કેવું ઉદાહરણ બેસાડ્યું છે?
• આપણે કઈ રીતે હંમેશ માટેના મિત્રો બનાવી શકીએ?
• આપણા પ્રચાર કાર્યને વધારે સફળ બનાવવા આપણે શું કરી શકીએ?
• મંડળની દરેક વ્યક્તિ કઈ રીતે આપવાનો આનંદ માણી શકે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૩ પર ચિત્રો]
માબાપનું બાળકો સાંભળે છે ત્યારે, તેઓને ઘણો જ આનંદ અને સંતોષ થાય છે
[પાન ૧૫ પર ચિત્ર]
શિષ્યો બનાવીને આપણે સાચા મિત્રો બનાવી શકીએ
[પાન ૧૬ પર ચિત્ર]
યહોવાહ આપણે વૃદ્ધ થઈશું ત્યારે પણ છોડી દેશે નહિ
[પાન ૧૭ પર ચિત્રો]
નાની પણ મહત્ત્વની રીતે આપણે આપવાનો આનંદ માણી શકીએ