સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના જ્ઞાનમાં આનંદ કરો

યહોવાહના જ્ઞાનમાં આનંદ કરો

યહોવાહના જ્ઞાનમાં આનંદ કરો

“જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે તેઓને ધન્ય છે!”—લુક ૧૧:૨૮.

૧. યહોવાહે ક્યારથી માણસજાતને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું?

 યહોવાહ પરમેશ્વર માણસજાતને ખૂબ જ પ્રેમ કરે છે. તેઓનું ભલું ઇચ્છતા હોવાથી, યહોવાહ તેઓને માર્ગદર્શન આપે છે. તેમણે એદન બાગમાંથી જ માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું હતું. જેમ કે ઉત્પત્તિ ૩:૮ અનુસાર, એક પ્રસંગે “દિવસને ઠંડે પહોરે” આદમ અને હવાએ ‘યહોવાહનો અવાજ સાંભળ્યો.’ કેટલાક લોકો એવું કહે છે કે યહોવાહ નિયમિત રીતે, દરરોજ આદમને માર્ગદર્શન આપતા હતા. બાબત ગમે તે હોય, પરંતુ, બાઇબલ સ્પષ્ટ રીતે બતાવે છે કે પરમેશ્વરે આદમને ફક્ત માર્ગદર્શન આપવા માટે જ નહિ, પરંતુ પોતાની જવાબદારી નિભાવવા માટે તેને જે જ્ઞાનની જરૂર હતી એ શીખવવા પણ સમય ફાળવ્યો હતો.—ઉત્પત્તિ ૧:૨૮-૩૦.

૨. પ્રથમ યુગલે કઈ રીતે યહોવાહ સાથેનો સંબંધ તોડી નાખ્યો અને એનું શું પરિણામ આવ્યું?

યહોવાહે આદમ અને હવાને જીવન આપ્યું તેમ જ પ્રાણીઓ અને આખી પૃથ્વી પર અમલ ચલાવવાની સત્તા આપી. પરંતુ, તેઓને એક બાબતની મનાઈ હતી. તેઓએ ભલુંભૂંડું જાણવાના વૃક્ષ પરથી ફળ ખાવાનું ન હતું. તોપણ, શેતાનની ચાલમાં ભરમાઈ જઈને, આદમ અને હવાએ પરમેશ્વરની આજ્ઞા તોડી. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ઉત્પત્તિ ૩:૧-૬) તેઓએ જાતે પોતાના માટે સારું શું છે અને ખરાબ શું છે એ નક્કી કરવાનું પસંદ કર્યું. એમ કરીને તેઓએ મૂર્ખાઈથી, પોતાના પ્રેમાળ ઉત્પન્‍નકર્તા સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેથી, તેઓ અને તેઓનાં બાળકો માટે ખરાબ પરિણામો આવ્યાં. આમ, આદમ અને હવા વૃદ્ધ થઈને મરણ પામ્યા અને ફરી સજીવન થઈને જીવવાની તેઓ પાસે કોઈ આશા ન હતી. તેઓના વંશજોએ પણ વારસામાં પાપ અને મરણ મેળવ્યું.—રૂમી ૫:૧૨.

૩. શા માટે યહોવાહે કાઈનને માર્ગદર્શન આપ્યું અને શું કાઈને એ સાંભળ્યું?

એદનમાં પોતાની વિરુદ્ધ બળવો થયો હોવા છતાં, યહોવાહે પોતાની પ્રથમ માનવ ઉત્પત્તિને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું. આદમ અને હવાનો પ્રથમ પુત્ર, કાઈન પાપ કરવાના જોખમમાં હતો. તેથી, યહોવાહે તેને ચેતવણી આપી કે તે પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યો છે. તેમણે તેને ‘સારું કરવાની’ સલાહ આપી. પરંતુ, કાઈને આ પ્રેમાળ સલાહની અવગણના કરી અને તેના ભાઈનું ખૂન કર્યું. (ઉત્પત્તિ ૪:૩-૮) આમ, આ પ્રથમ ત્રણ માનવોએ પોતાને જીવન આપનાર પરમેશ્વરે આપેલા સ્પષ્ટ માર્ગદર્શનને તરછોડ્યું. પરમેશ્વર તેમના લોકોને એટલા માટે માર્ગદર્શન આપે છે કે જેથી તેઓ લાભ મેળવી શકે. (યશાયાહ ૪૮:૧૭) યહોવાહને આ બાબતને લીધે કેટલું દુઃખ થયું હશે!

અગાઉ યહોવાહે પોતાના વિષે તેમના ભક્તોને જણાવ્યું

૪. આદમના વંશજો વિષે યહોવાહને કઈ ખાતરી હતી અને તેથી તેમણે કઈ આશાનો સંદેશો આપ્યો?

યહોવાહ માણસજાતને માર્ગદર્શન આપવાનું બંધ કરી શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યું નહિ. તેમને ખાતરી હતી કે આદમના કેટલાક વંશજો તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલશે. દાખલા તરીકે, આદમ અને હવાને સજા ફટકારતી વખતે યહોવાહે આવનાર “સંતાન” વિષે ભાખ્યું કે જે, સર્પ, શેતાનની વિરુદ્ધ ઊભું થશે. સમય જતાં, શેતાનનું માથું છુંદવામાં આવશે. (ઉત્પત્તિ ૩:૧૫) ‘જેઓ દેવની વાત સાંભળે અને પાળે,’ તેઓ માટે આ ભવિષ્યવાણી આનંદનો સંદેશો હતો.—લુક ૧૧:૨૮.

૫, ૬. પ્રથમ સદી પહેલાં યહોવાહે કઈ રીતે પોતાના લોકોને માર્ગદર્શન આપ્યું અને તેઓને એમાંથી શું લાભ થયો?

યહોવાહે ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ અને અયૂબ જેવી વિશ્વાસુ વ્યક્તિઓને પોતાની ઇચ્છા જણાવી હતી. (ઉત્પત્તિ ૬:૧૩; નિર્ગમન ૩૩:૧; અયૂબ ૩૮:૧-૩) વર્ષો પછી, મુસા દ્વારા તેમણે ઈસ્રાએલ રાષ્ટ્રને નૈતિક નિયમો આપ્યા. મુસાએ આપેલા નિયમો તેઓને ઘણી રીતે મદદ કરતા હતા. એ નિયમો પાળીને, ઈસ્રાએલીઓ બીજા બધાં રાષ્ટ્રો કરતાં પરમેશ્વરના લોકો તરીકે અલગ તરી આવતા હતા. પરમેશ્વરે ઈસ્રાએલીઓને ખાતરી આપી હતી કે તેઓ તેમના નિયમને આધીન રહેશે તો, તે તેઓને ફક્ત ભૌતિક જ નહિ, પરંતુ આત્મિક આશીર્વાદો પણ આપવાના હતા. જેમ કે તેઓ યાજકોનું રાજ્ય તથા પવિત્ર રાષ્ટ્ર થવાના હતા. તેઓની તંદુરસ્તી સારી રહે એ માટે તેમણે ખોરાકને અને સ્વચ્છતાને લગતા નિયમો આપ્યા હતા. એ ઉપરાંત, યહોવાહે નિયમ નહિ પાળવાના કારણે આવનાર ભયંકર પરિણામો વિષે પણ તેઓને ચેતવ્યા હતા.—નિર્ગમન ૧૯:૫, ૬; પુનર્નિયમ ૨૮:૧-૬૮.

સમય જતાં, બાઇબલમાં બીજા પ્રેરિત પુસ્તકો ઉમેરવામાં આવ્યાં. એ યહોવાહે રાષ્ટ્રો અને લોકો સાથે કરેલા વ્યવહાર વિષે બતાવે છે. કાવ્યમય પુસ્તકો સરસ રીતે તેમના ગુણોનું વર્ણન કરે છે. પ્રબોધકીય પુસ્તકો કઈ રીતે યહોવાહ ભવિષ્યમાં પોતાની ઇચ્છા પ્રમાણે કરશે એ બતાવે છે. પ્રાચીન સમયની વિશ્વાસુ વ્યક્તિઓએ એનો ઊંડો અભ્યાસ કર્યો અને આ પ્રેરિત લખાણોનું શિક્ષણ પોતાના જીવનમાં લાગુ પાડ્યું. એક વિશ્વાસુ વ્યક્તિએ લખ્યું: “મારા પગોને સારૂં તારૂં વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) સાંભળવા માટે ઉત્સુક હતા તેઓ સર્વને યહોવાહે શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું.

વધતો જતો પ્રકાશ

૭. ઈસુએ ચમત્કારો કર્યા હતા છતાં, તે શાના માટે જાણીતા થયા અને શા માટે?

પ્રથમ સદી સુધીમાં, યહુદી ધાર્મિક વૃંદોએ નિયમમાં માનવીય સંપ્રદાયોને ઉમેર્યા હતા. આમ, નિયમનો દુરુપયોગ થયો. સંપ્રદાયોના કારણે નિયમ જ્ઞાન આપવાના બદલે બોજારૂપ બની ગયો. (માત્થી ૨૩:૨-૪) તેમ છતાં, ૨૯ સી.ઈ.માં ઈસુ મસીહ તરીકે જાહેરમાં આવ્યા. તે ફક્ત માણસજાત માટે પોતાનું જીવન આપવા જ નહિ પરંતુ “સત્ય વિષેની સાક્ષી” આપવા પણ આવ્યા હતા. તેમણે ઘણા ચમત્કારો કર્યા છતાં, તે “ગુરુ” તરીકે જાણીતા બન્યા. તેમનું શિક્ષણ લોકોના મનના આત્મિક અંધકારમાં પ્રકાશના કિરણની જેમ પ્રકાશતું હતું. તેથી, ઈસુએ યોગ્ય રીતે જ કહ્યું: “જગતનું અજવાળું હું છું.”—યોહાન ૮:૧૨; ૧૧:૨૮; ૧૮:૩૭.

૮. પ્રથમ સદી સી.ઈ.માં કયા પ્રેરિત પુસ્તકો લખવામાં આવ્યાં અને એનાથી કઈ રીતે શરૂઆતના ખ્રિસ્તીઓને લાભ થયો?

વર્ષો પછી ઈસુના જીવન અહેવાલો ચાર સુવાર્તાઓમાં અને ફેલાયેલા ખ્રિસ્તી ધર્મ વિષે પ્રેરિતોનાં કૃત્યો પુસ્તકમાં લખવામાં આવ્યું. ત્યાર પછી, ઈસુના શિષ્યોએ પરમેશ્વરની પ્રેરણાથી પત્રો લખ્યા તેમ જ, ભવિષ્યવાણીનું પુસ્તક, પ્રકટીકરણ પણ લખવામાં આવ્યું. આ લખાણોને હેબ્રી શાસ્ત્ર સાથે જોડવાથી એક બાઇબલ તૈયાર થયું. આ પ્રેરિત લખાણોની મદદથી, ખ્રિસ્તીઓ ‘સર્વ સંતો સાથે’ સત્યની ‘પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ સમજી’ શકતા હતા. (એફેસી ૩:૧૪-૧૮) તેઓ “ખ્રિસ્તનું મન” જાણી શકતા હતા. (૧ કોરીંથી ૨:૧૬) જોકે, એ શરૂઆતના ખ્રિસ્તીઓ યહોવાહના હેતુઓની દરેકે દરેક બાબત સમજી શક્યા ન હતા. પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને લખ્યું: “હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ.” (૧ કોરીંથી ૧૩:૧૨) આ પ્રકારના દર્પણમાં કોઈ રૂપરેખા તો જોઈ શકાય પરંતુ બધી સવિસ્તાર માહિતી નહિ. પરમેશ્વરના શબ્દની પૂરેપૂરી સમજણ હજુ ભવિષ્યમાં મળવાની હતી.

૯. “છેલ્લા સમયમાં” કઈ સમજણ વધી છે?

આજે, આપણે “છેલ્લા સમયમાં સંકટના વખતોમાં” જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧) પ્રબોધક દાનીયેલે ભાખ્યું કે આ જ સમયમાં “જ્ઞાનની વૃદ્ધિ થશે.” (દાનીયેલ ૧૨:૪) તેથી, યહોવાહ, લાભદાયી માર્ગદર્શન આપનારે નમ્ર લોકોને પોતાનું વચન, બાઇબલ સમજવા મદદ કરી છે. આજે લાખો લોકો માને છે કે ઈસુ ખ્રિસ્ત ૧૯૧૪માં સ્વર્ગમાં રાજા બન્યા હતા. તેઓ એ પણ જાણે છે કે તે જલદી જ આ પૃથ્વી પરથી દુષ્ટતાનો નાશ કરશે અને આખી પૃથ્વીને બગીચામય સુંદર પરિસ્થિતિમાં ફેરવી નાખશે. રાજ્યના આ સુસમાચાર આખી પૃથ્વી પર જણાવવામાં આવી રહ્યાં છે.—માત્થી ૨૪:૧૪.

૧૦. સદીઓથી, લોકોએ યહોવાહની સલાહનો કેવો પ્રત્યાઘાત પાડ્યો છે?

૧૦ હા, યહોવાહે પૃથ્વી પરના લોકોને પોતાની ઇચ્છાઓ અને હેતુઓ જણાવ્યા છે. બાઇબલ અહેવાલ બતાવે છે કે જેઓ સાંભળીને દૈવી ડહાપણ પ્રમાણે ચાલ્યા તેઓને આશીર્વાદ આપવામાં આવ્યો. એમાં પરમેશ્વરની પ્રેમાળ સલાહને નકારીને આદમ અને હવા વિનાશના માર્ગે ચાલ્યા એ વિષે પણ બતાવવામાં આવ્યું છે. ઈસુએ બે માર્ગો વિષે જણાવીને આનું ઉદાહરણ આપ્યું જેમાંનો એક માર્ગ વિનાશ તરફ દોરી જાય છે. ચોડા અને પહોળા માર્ગ પર ચાલનારાઓએ પરમેશ્વરના શબ્દનો નકાર કર્યો છે. બીજો માર્ગ અનંતજીવન તરફ દોરી જાય છે. એ સાંકડે માર્ગે ચાલનારા થોડા લોકો પરમેશ્વરના શબ્દને સ્વીકારે છે અને એ પ્રમાણે જીવે છે.—માત્થી ૭:૧૩, ૧૪.

આપણી પાસે જે છે એની કદર કરવી

૧૧. બાઇબલનું આપણું જ્ઞાન અને માન્યતા શાનો પુરાવો છે?

૧૧ શું તમે જીવનના માર્ગ પર ચાલવાનું ઇચ્છો છો? હા, એ તમને ચોક્કસ ગમશે. તમે એવું કઈ રીતે કરી શકો? સત્ય જાણવાથી તમે મેળવેલા આશિષ પર નિયમિત રીતે મનન કરો અને એની કદર કરો. તમે સુસમાચારને સ્વીકાર્યા છે એ જ હકીકત બતાવે છે કે તમે પરમેશ્વરની કૃપા મેળવી છે. આ વિષે ઈસુએ પોતાના પિતાને કરેલી પ્રાર્થનામાં જણાવ્યું: “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરૂં છું, કેમકે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તેં એ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.” (માત્થી ૧૧:૨૫) માછીમારો અને દાણીઓ ઈસુના શિક્ષણનો અર્થ સમજી ગયા, જ્યારે ધાર્મિક આગેવાનો એ સમજ્યા નહિ. વધુમાં ઈસુએ કહ્યું: “જે મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” (યોહાન ૬:૪૪) તમે બાઇબલનું જ્ઞાન લીધું હોય અને એમાં માનતા હોવ, તેમ જ એના શિક્ષણને અનુસરતા હોવ તો, એ પુરાવો આપે છે કે યહોવાહે તમને તેમની તરફ ખેંચ્યા છે. શું એ માટે તમે ખુશ નથી?

૧૨. બાઇબલ કઈ રીતે આત્મિક પ્રકાશ આપે છે?

૧૨ બાઇબલનું સત્ય, લોકોને પ્રકાશ આપીને આત્મિક અંધકારમાંથી મુક્ત કરે છે. કેમ કે બાઇબલ અંધશ્રદ્ધા, જૂઠા શિક્ષણ અને મરણ પામેલાઓની સ્થિતિ વિષે બતાવે છે. દાખલા તરીકે, જીવ વિષે સાચી બાબત જાણવાથી, મરણ પામેલી વ્યક્તિઓ નુકશાન કરે છે એ ભયથી આપણને મુક્ત કરે છે. વળી, તે એ પણ જણાવે છે આપણા મરણ પામેલા પ્રિયજનો દુઃખ ભોગવી રહ્યા છે કે નહિ. (હઝકીએલ ૧૮:૪) અપદૂતો વિષેનું સત્ય જાણવાથી એ આપણને પિશાચવાદનાં જોખમોથી દૂર રહેવા મદદ કરે છે. પોતાના પ્રિયજનને મરણમાં ગુમાવ્યા છે તેઓ પુનરુત્થાનના શિક્ષણમાંથી દિલાસો મેળવે છે. (યોહાન ૧૧:૨૫) બાઇબલ ભવિષ્યવાણી આપણને બતાવે છે કે આપણે કયા સમયમાં જીવી રહ્યા છીએ અને એ પરમેશ્વરે ભવિષ્ય માટે આપેલાં વચનોમાં આપણો ભરોસો વધારે છે. એ આપણી હંમેશ માટે જીવવાની આશાને પણ દૃઢ કરે છે.

૧૩. બાઇબલની સલાહ લાગુ પાડવાથી આપણને કયા લાભો થાય છે?

૧૩ બાઇબલમાં પરમેશ્વરે આપેલા સિદ્ધાંતો આપણને શારીરિક લાભો થાય એવું જીવન જીવતા શીખવે છે. દાખલા તરીકે, તમાકુ અને બીજા કેફી પદાર્થોથી દૂર રહેવાથી આપણાં શરીરો અશુદ્ધ થતાં નથી. આપણે દારૂનો દુરુપયોગ કરતા નથી. (૨ કોરીંથી ૭:૧) પરમેશ્વરના નૈતિક સિદ્ધાંતોને લાગુ પાડવાથી આપણને જાતીયતાથી થતા રોગોથી રક્ષણ મળે છે. (૧ કોરીંથી ૬:૧૮) પૈસાનો પ્રેમ નહિ રાખવાની પરમેશ્વરની સલાહ પાળીને, આપણે પૈસા પાછળ દોટ મૂકનારાઓની જેમ આપણા મનની શાંતિ ગુમાવતા નથી. (૧ તીમોથી ૬:૧૦) બાઇબલની સલાહ તમારા જીવનમાં લાગુ પાડવાથી તમે શારીરિક રીતે કયા લાભો મેળવ્યા છે?

૧૪. પવિત્ર આત્મા આપણા જીવન પર કેવી અસર કરે છે?

૧૪ આપણે પરમેશ્વરની આજ્ઞા અનુસાર જીવીશું તો, યહોવાહનો પવિત્ર આત્મા મેળવી શકીશું. આપણે ખ્રિસ્ત જેવા ગુણો કેળવીએ છીએ કે જેનું માયાળુ અને કરુણાળુ જેવા સરસ ગુણોથી વર્ણન કરવામાં આવ્યું છે. (એફેસી ૪:૨૪, ૩૨) પરમેશ્વરનો પવિત્ર આત્મા પણ આપણામાં પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ જેવા ગુણો પેદા કરે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) આ ગુણો આપણને આપણા કુટુંબના સભ્યો અને બીજાઓ સાથે ખુશ રહેવા અને સારો સંબંધ રાખવા મદદ કરે છે. એનાથી આપણને હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરે છે. શું તમે બતાવી શકો કે પવિત્ર આત્માએ તમારા જીવનમાં કઈ રીતે મદદ કરી છે?

૧૫. પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં જીવીએ છીએ તેમ, આપણે કેવી રીતે લાભ મેળવીએ છીએ?

૧૫ પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં જીવન જીવવાથી આપણો તેમની સાથેનો સંબંધ વધારે મજબૂત થાય છે. આપણી ખાતરી વધારેને વધારે પાક્કી થતી જાય છે કે તે આપણને સમજે છે અને પ્રેમ કરે છે. આપણને અનુભવોમાંથી જાણવા મળે છે કે તે મુશ્કેલીઓના સમયમાં આપણને કઈ રીતે મદદ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૮:૧૮) આપણે જોઈ શકીએ છીએ કે તે ખરેખર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) આપણે તેમના માર્ગદર્શન પર ભરોસો રાખતા શીખીએ છીએ કારણ કે આપણને વિશ્વાસ છે કે એ આપણને લાભ કરશે. વળી, આપણને અદ્‍ભુત આશા છે કે યોગ્ય સમયે પરમેશ્વર પોતાના વિશ્વાસુ લોકોને સંપૂર્ણતામાં લાવશે અને તેઓને અનંતજીવનનો આશીર્વાદ ભેટ આપશે. (રૂમી ૬:૨૩) શિષ્ય યાકૂબે લખ્યું, “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) શું યહોવાહની નજીક જવાથી તમારો સંબંધ વધુ ગાઢ થયો હોય એવું તમે અનુભવ્યું છે?

અમૂલ્ય ખજાનો

૧૬. પ્રથમ સદીના કેટલાક ખ્રિસ્તીઓએ કયા ફેરફારો કર્યા?

૧૬ પાઊલે પ્રથમ સદીના અભિષિક્ત ખ્રિસ્તીઓને યાદ દેવડાવ્યું કે તેઓમાંના કેટલાક એક સમયે વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા હતા. (૧ કોરીંથી ૬:૯-૧૧) બાઇબલ શિક્ષણથી તેઓમાં મોટા ફેરફારો આવ્યા; તેઓ “શુદ્ધ થયા.” બાઇબલમાંથી સત્ય જાણ્યું ન હોત તો, તમારું જીવન કેવું હોત એની કલ્પના કરો. ખરેખર, સત્ય અમૂલ્ય ખજાનો છે. આપણે કેટલા ખુશ છીએ કે યહોવાહ આપણને માર્ગદર્શન આપે છે!

૧૭. યહોવાહના સાક્ષીઓને ખ્રિસ્તી સભાઓમાં કઈ રીતે આત્મિક ખોરાક પૂરો પાડવામાં આવ્યો છે?

૧૭ વધુમાં, વિવિધ જાતિમાંથી આવતા ભાઈબહેનો વચ્ચેના ભાઈચારાના લીધે આપણને મળતા આનંદનો વિચાર કરો! “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” સમયસરનો આત્મિક ખોરાક પૂરો પાડે છે જેમાં, અસંખ્ય ભાષાઓમાં બાઇબલો, સામયિકો અને બીજાં પ્રકાશનોનો સમાવેશ થાય છે. (માત્થી ૨૪:૪૫-૪૭) વર્ષ ૨૦૦૦માં મંડળકીય સભાઓમાં, યહોવાહના સાક્ષીઓએ ઘણા દેશોમાં હેબ્રી શાસ્ત્રવચનોના મુખ્ય આઠ પુસ્તકોમાંથી મુખ્ય મુદ્દાઓનું પુનરાવર્તન કર્યું. તેઓએ ઇન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સમાંથી ૪૦ વ્યક્તિઓના જીવન પર મનન કર્યું. કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ પુસ્તકના પા ભાગનો અભ્યાસ કરવામાં આવ્યો અને દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! એ લગભગ આખા પુસ્તકનો તેઓએ અભ્યાસ કર્યો. ચોકીબુરજ સામયિકમાંથી બાવન અભ્યાસ લેખો ઉપરાંત છત્રીસ મહત્ત્વના લેખો પર પણ વિચારણા કરવામાં આવી. તદુપરાંત, યહોવાહના લોકોએ આપણી રાજ્ય સેવાના ૧૨ અંકો અને વિવિધ વિષયો પર દર સપ્તાહે જાહેર ભાષણમાંથી પણ આત્મિક જ્ઞાન મેળવ્યું. યહોવાહે આત્મિક જ્ઞાનની સંપત્તિ કેવી પ્રાપ્ય બનાવી છે!

૧૮. ખ્રિસ્તી મંડળોમાં આપણને કઈ રીતોએ મદદ મળે છે?

૧૮ આખા જગતમાં, ૯૧,૦૦૦ મંડળો સભાઓ અને એકબીજાની સંગત દ્વારા મદદ અને ઉત્તેજન મેળવે છે. આપણે પણ આત્મિક રીતે મદદ કરવા તૈયાર છે એવા પરિપક્વ સાથી ખ્રિસ્તીઓના ટેકાનો આનંદ માણીએ છીએ. (એફેસી ૪:૧૧-૧૩) હા, આપણે સત્યનું જ્ઞાન લઈને ભરપૂર આશીર્વાદો મેળવ્યા છે. યહોવાહને ઓળખવા અને તેમની સેવા કરવામાં આપણને આનંદ મળે છે. ગીતશાસ્ત્રના લેખકના શબ્દો કેટલા સાચા છે કે જેમણે લખ્યું: “જેઓનો દેવ યહોવાહ છે તેઓને ધન્ય છે”!—ગીતશાસ્ત્ર ૧૪૪:૧૫.

શું તમને યાદ છે?

• ખ્રિસ્ત પહેલાંના સમયોમાં યહોવાહે કોને માર્ગદર્શન આપ્યું?

• કઈ રીતે પ્રથમ સદીમાં અને આધુનિક સમયમાં આત્મિક જ્ઞાનમાં વધારો થયો છે?

• યહોવાહના જ્ઞાન પ્રમાણે જીવવાથી આપણને કયા લાભો મળે છે?

• શા માટે આપણે પરમેશ્વરના જ્ઞાન માટે આનંદી થવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૮, ૯ પર ચિત્રો]

યહોવાહે નુહ, ઈબ્રાહીમ અને મુસાને પોતાનો હેતુ જણાવ્યો

[પાન ૯ પર ચિત્ર]

આપણા સમયમાં, યહોવાહે પોતાના શબ્દનો પ્રકાશ આપ્યો છે

[પાન ૧૦ પર ચિત્રો]

વિવિધ જાતિમાંથી આવતા ભાઈબહેનો વચ્ચેના ભાઈચારાના લીધે આપણને મળતા આનંદનો વિચાર કરો!