સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે બાઇબલનો અભ્યાસ કરવો?

શા માટે બાઇબલનો અભ્યાસ કરવો?

શા માટે બાઇબલનો અભ્યાસ કરવો?

બિલ એક યુવાન ખેલાડી હતો. તે શિક્ષિત અને ધનવાન હતો. તોપણ, તે સંતોષી ન હતો. તેના જીવનમાં કોઈ હેતુ ન હતો અને એનાથી તે ખૂબ જ પરેશાન રહેતો હતો. જીવનનો હેતુ શોધવા માટે તેણે ઘણા ધર્મોની તપાસ કરી પરંતુ તે જે ઇચ્છતો હતો એ શોધી શક્યો નહિ. વર્ષ ૧૯૯૧માં, તે એક યહોવાહના સાક્ષીને મળ્યો. તેમણે બિલને એક પુસ્તક આપ્યું જેમાં જીવનના હેતુ વિષે બાઇબલ શું કહે છે એ વિષે બતાવવામાં આવ્યું હતું. ત્યાર પછી બિલ સાથે બાઇબલ અભ્યાસની ગોઠવણ કરવામાં આવી જેથી તે આ તેમ જ બીજા વિષયો પર ધ્યાન આપી શકે.

બિલ યાદ કરે છે: “અમારા પ્રથમ અભ્યાસ દરમિયાન અમે બાઇબલને વારંવાર ખોલીને તપાસતા હોવાથી મને ખબર પડી કે હું જે શોધતો હતો એ આ જ છે. બાઇબલમાંથી મળેલા જવાબોએ મને ખૂબ ઉત્તેજિત કર્યો હતો. અમારા અભ્યાસ પછી હું મારી કાર લઈને પહાડ પર ગયો અને ખુશીનો માર્યો મોટેથી રડી પડ્યો. આખરે મને મારા પ્રશ્નોના જવાબ મળતા હોવાથી હું ઘણો જ રોમાંચિત થઈ ગયો હતો.”

વાસ્તવમાં, બાઇબલ સત્ય મેળવનાર દરેક વ્યક્તિ કંઈ શાબ્દિક રીતે ખુશીના આંસુ સારતી નથી. તોપણ, જીવનને લગતા મહત્ત્વના પ્રશ્નોના જવાબ મેળવવાથી ઘણાને આનંદ થાય છે. તેઓ ઈસુના દૃષ્ટાંતના માણસની જેમ અનુભવે છે જેને ખેતરમાં છુપાયેલું ધન મળ્યું હતું. ઈસુએ કહ્યું: “તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું.”—માત્થી ૧૩:૪૪.

અર્થપૂર્ણ જીવન મેળવવાની ચાવી

બિલ એક મહત્ત્વના પ્રશ્ન પર મનન કરતો હતો કે જીવનનો હેતુ શું છે? હજારો વર્ષથી આ પ્રશ્નનો જવાબ મેળવવા તત્ત્વજ્ઞાનીઓ, ધર્મવેત્તાઓ અને વૈજ્ઞાનિકોએ ખૂબ પ્રયત્ન કર્યો. એનો જવાબ આપવાનો પ્રયત્ન કરતા લોકોએ એના પર અસંખ્ય પુસ્તકો લખી નાખ્યા. પરંતુ તેઓની મહેનત પર પાણી ફરી વળ્યું અને ઘણા તો એ નિષ્કર્ષ પર આવ્યા કે એનો જવાબ આપવો અશક્ય છે. તોપણ, એનો જવાબ રહેલો છે. એનો જવાબ ગહન છે પરંતુ અઘરો નથી. એ બાઇબલમાં આપવામાં આવ્યો છે. અર્થપૂર્ણ અને સુખી જીવનની ચાવી આ છે: આપણા ઉત્ત્પન્‍નકર્તા અને સ્વર્ગીય પિતા યહોવાહ સાથે ગાઢ સંબંધ હોવો જ જોઈએ. પરંતુ આપણે એ કઈ રીતે રાખી શકીએ?

પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવામાં બે ભિન્‍ન પાસાનો સમાવેશ થાય છે. પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખવા ઇચ્છનારાઓએ તેમનો ભય રાખવો જોઈએ અને તેમને પ્રેમ કરવો જોઈએ. ચાલો આપણે આ કથનના સુમેળમાં બે શાસ્ત્રવચનો તપાસીએ. વર્ષો અગાઉ રાજા સુલેમાને માણસજાતનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો અને તેમણે જે શોધ કરી એ બાઇબલના સભાશિક્ષકના પુસ્તકમાં જોવા મળે છે. પોતાના અવલોકનનો સારાંશ તેમણે આમ લખ્યો: “વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (સભાશિક્ષક ૧૨:૧૩) સદીઓ પછી ઈસુને પૂછવામાં આવ્યું કે મુસાના નિયમમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે ત્યારે તેમણે જવાબ આપ્યો: “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (માત્થી ૨૨:૩૭) શું પરમેશ્વરનો ભય રાખવો અને તેમને પ્રેમ પણ કરવો તમને અજુગતું લાગે છે? ચાલો આપણે ભય અને પ્રેમના મહત્ત્વને તેમ જ એ કઈ રીતે પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખવા મદદ કરે છે એ તપાસીએ.

પરમેશ્વરનો ભય રાખવાનો શું અર્થ થાય છે?

આપણે યહોવાહની સ્વીકાર્ય ઉપાસના કરવી હોય તો આદરપૂર્વકનો ભય જરૂરી છે. બાઇબલ કહે છે: “યહોવાહનું ભય તે બુદ્ધિનો આરંભ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૧:૧૦) પ્રેષિત પાઊલે લખ્યું: “આપણે દેવનો ઉપકાર માનીએ, જેથી દેવ પ્રસન્‍ન થાય એવી રીતે આપણે તેની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ.” (હેબ્રી ૧૨:૨૮) એવી જ રીતે, પ્રેષિત યોહાને સંદર્શનમાં એક દૂતને અંતરિક્ષમાં ઊડતા જોયા જે આ શબ્દો સાથે રાજ્યના સુસમાચાર જાહેર કરતા હતા: “દેવથી બીહો ને તેને મહિમા આપો.”—પ્રકટીકરણ ૧૪:૬, ૭.

આ પ્રકારનો ભય સુખી જીવન માટે જરૂરી છે, પરંતુ આ ભય કંઈ ભયાવહ કે ડરામણો હોતો નથી. આપણને ક્રૂર અને ભયાનક ગુંડાઓ તરફથી ધમકી મળે ત્યારે આપણને ડર લાગી શકે. પરંતુ પરમેશ્વરનો ભય અથવા દૈવી ભય એ આપણા ઉત્પન્‍નકર્તા પ્રત્યે આદર બતાવે છે. એમાં પરમેશ્વરને નાખુશ કરવાના યોગ્ય ભયનો સમાવેશ થાય છે કેમ કે એ સર્વોચ્ચ ન્યાયાધીશ અને સર્વશક્તિમાન છે. તે પોતાની આજ્ઞા ન પાળનારને સજા કરવાની શક્તિ અને અધિકાર ધરાવે છે.

ભય અને પ્રેમ એકસાથે કાર્ય કરે છે

તોપણ, યહોવાહ નથી ઇચ્છતા કે લોકો તેમની શક્તિના ડરને કારણે તેમની ભક્તિ કરે. યહોવાહ પ્રેમાળ દેવ છે. તેથી, પ્રેષિત પાઊલ લખવા પ્રેરાયા: “દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) યહોવાહ પરમેશ્વર માણસજાત સાથે પ્રેમાળ રીતે વર્તે છે અને તે ઇચ્છે છે કે લોકો પણ તેમને એવા જ પ્રેમથી પ્રત્યુત્તર આપે. તો પછી, કઈ રીતે આ પ્રેમ દૈવી ભયના સુમેળમાં છે? જોકે, પ્રેમ અને ભય બંને એકબીજા સાથે જોડાયેલા છે. ગીતકર્તાએ લખ્યું: “જેઓ [પરમેશ્વરનો] ભય રાખે છે તેઓને તે પોતાનાં મિત્રો બનાવે છે.”—ગીતશાસ્ત્ર ૨૫:૧૪, IBSI.

એક બાળકને પોતાના બળવાન અને સમજદાર પિતા પ્રત્યે આદર અને ભય હોય છે એ લાગણીનો વિચાર કરો. એ જ સમયે તે પોતાના પિતાને પ્રેમ પણ કરે છે. બાળક પિતા પર ભરોસો રાખીને તેમની પાસેથી માર્ગદર્શન માંગે છે. તેને વિશ્વાસ હોય છે કે આ માર્ગદર્શનથી તેને જરૂર લાભ થશે. એવી જ રીતે, આપણે યહોવાહનો ભય રાખીશું અને તેમને પ્રેમ કરીશું તો આપણે તેમની આજ્ઞાઓ પાળીશું અને એ આપણને લાભદાયી થશે. યહોવાહે ઈસ્રાએલીઓ વિષે શું કહ્યું એનો વિચાર કરો: “અરે, જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારૂં, કેમકે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય!”—પુનર્નિયમ ૫:૨૯.

હા, દૈવી ભય ગુલામીમાં નહિ પરંતુ સ્વતંત્રતા તરફ અને દુઃખમાં નહિ પણ આનંદ તરફ દોરી જાય છે. યશાયાહે ઈસુ વિષે ભાખ્યું હતું: “તે યહોવાહના ભયમાં હરખાશે.” (યશાયાહ ૧૧:૩) અને ગીતકર્તાએ લખ્યું: ‘જે પરમેશ્વરનો ભય રાખે છે તે અધિકાધિક આશીર્વાદો પામે છે. હા, જે માણસને તેમની આજ્ઞાઓ પાળવામાં આનંદ આવે છે તેને ધન્ય છે.’—ગીતશાસ્ત્ર ૧૧૨:૧, IBSI.

દેખીતું છે કે આપણે પરમેશ્વરને જાણતા ન હોઈએ તો તેમનો ભય રાખી શકતા નથી કે તેમને પ્રેમ પણ કરી શકતા નથી. તેથી જ બાઇબલનો અભ્યાસ કરવો બહુ મહત્ત્વનું છે. આ અભ્યાસ આપણને પરમેશ્વરને જાણવામાં મદદ કરે છે અને તેમના માર્ગદર્શનને અનુસરવાથી ડહાપણ મળે છે. આપણે પરમેશ્વરની નજીક જઈએ છીએ તેમ, તેમની ઇચ્છા પૂરી કરીએ છીએ. તેમની આજ્ઞાઓ પાળવાથી આપણને લાભ થાય છે એ જાણીએ છીએ તેમ, આપણે એ પાળવા પ્રેરાઈએ છીએ.—૧ યોહાન ૫:૩.

એ જાણીને કેટલો આનંદ થાય છે કે કોઈ સત્યના માર્ગમાં ચાલી રહ્યું છે. લેખની શરૂઆતમાં ઉલ્લેખવામાં આવેલા બિલ માટે એ સાચું છે. તાજેતરમાં જ તેણે કહ્યું: “મેં પહેલી વાર બાઇબલ અભ્યાસ શરૂ કર્યાને નવ વર્ષ થવાં આવ્યાં છે, આ વર્ષોમાં યહોવાહ સાથેનો મારો સંબંધ વધુ ગાઢ થયો છે. શરૂઆતમાં મને ઘણી ખુશી થઈ હતી અને ત્યારથી લઈને આજ સુધી મારું જીવન ખુશીઓથી ભરેલું છે. હું સતત મારા જીવનને આનંદી રીતે જોઉં છું. હવે હું અર્થપૂર્ણ કાર્યો કરી રહ્યો છું અને કોઈ અર્થ વગરના સુખ પાછળ ભાગતો નથી. યહોવાહ મારા માટે એક વાસ્તવિક વ્યક્તિ સાબિત થયા છે અને મને ખબર છે કે મારા લાભમાં તેમને સાચો રસ છે.”

હવે પછીના લેખમાં આપણે જોઈશું કે યહોવાહનું જ્ઞાન કઈ રીતે આપણા જીવનમાં સુખ લાવે છે અને એને આપણા જીવનમાં લાગુ પાડવાથી કયા લાભો થાય છે.

[પાન ૫ પર બ્લર્બ]

પરમેશ્વરની નજીક જવાનો અર્થ તેમને પ્રેમ કરવો અને તેમનો ભય રાખવો થાય છે

[પાન ૬ પર ચિત્ર]

યહોવાહનો ભય રાખવામાં ઈસુ ખુશ હતા