સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑરિજન કઈ રીતે તેના શિક્ષણે ચર્ચ પર અસર કરી?

ઑરિજન કઈ રીતે તેના શિક્ષણે ચર્ચ પર અસર કરી?

ઑરિજન કઈ રીતે તેના શિક્ષણે ચર્ચ પર અસર કરી?

“પ્રેષિતો પછી તે જ ચર્ચના સૌથી મહાન ધર્મગુરુ રહ્યા છે.” લૅટિન વલ્ગેટ બાઇબલના ભાષાંતરકાર જેરોમે ત્રીજી સદીના ધર્મશાસ્ત્રી ઑરિજનની આવી પ્રશંસા કરી. પરંતુ બધા જ લોકો ઑરિજનને આવું માન આપતા ન હતા. કેટલાક તેને ધર્મત્યાગી તરીકે ઓળખતા હતા. સત્તરમી સદીના એક લેખકે તેના વિષે આ પ્રમાણે કહ્યું: “ઑરિજનનું મોટા ભાગનું શિક્ષણ મૂર્ખતાભર્યું અને નુકસાનકારક છે. તેમ જ તેનું શિક્ષણ એક ઝેરીલા સાપના ઝેર જેવું છે જે તેણે આખા જગતમાં ફેલાવ્યું છે.” તેના મરણને લગભગ ત્રણ સદી પછી, તેને ધર્મત્યાગી તરીકે ઓળખાવવામાં આવ્યો.

શામાટે ઑરિજનની એક તરફ પ્રશંસા કરવામાં આવી અને બીજી તરફ ધિક્કારવામાં આવ્યો? તેણે ખ્રિસ્તી રાષ્ટ્ર પર કેવી અસર પાડી?

ચર્ચ માટે ઉત્સાહી

ઑરિજનનો જન્મ લગભગ ૧૮૫ સી.ઈ.માં એલેક્ષાંડ્રિયામાં, ઇજિપ્તના એક શહેરમાં થયો હતો. તેણે ગ્રીકમાં ઊંડો અભ્યાસ કર્યો હતો. પરંતુ તેના પિતા લીઓનીદસે તેને બાઇબલનો પણ એટલો જ ઊંડો અભ્યાસ કરવા માટે ફરજ પાડી હતી. ઑરિજન ૧૭ વર્ષનો હતો ત્યારે, રોમન સમ્રાટે એવો કાયદો બહાર પાડ્યો કે કોઈ પણ પોતાનો ધર્મ છોડીને બીજો પાળી શકશે નહિ. ઑરિજનના પિતા ખ્રિસ્તી બન્યા હોવાથી તેમને જેલની સજા થઈ હતી. ઑરિજન યુવાન અને ઉત્સાહી હોવાથી, તે પણ પિતા સાથે જેલમાં જવા તૈયાર હતો પછી ભલેને ધર્મના નામે શહીદ થવું પડે. એ જોઈને તેની માતાએ તેના કપડાં સંતાડી દીધા જેથી તે તેની સાથે જ રહે. પછી, ઑરિજને પોતાના પિતાને પત્ર લખીને વિનંતી કરી: “ગભરાશો નહિ અને અમારા લીધે તમે તમારો નિર્ણય બદલશો નહિ.” તેના પિતા પોતાના નિર્ણયમાં અડગ રહ્યા હોવાથી તેમને મારી નાખવામાં આવ્યા. તેથી, તેમનું કુટુંબ એકદમ નિરાધાર થઈ ગયું. પરંતુ ઑરિજને ઘણો અભ્યાસ કર્યો હોવાથી, તે બીજાઓને ગ્રીક સાહિત્યના ટ્યુશન આપીને તેની માતા અને છ ભાઈ-બહેનોનું ભરણપોષણ કરવા લાગ્યો.

ખ્રિસ્તી ધર્મનો ફેલાવો રોકવા માટે રોમન સમ્રાટ બનતું બધું જ કરતો હતો. તેનો કાયદો વિદ્યાર્થી, શિક્ષકો અને ખ્રિસ્તી ધર્મગુરુઓને લાગુ પડતો હોવાથી તેઓ બધા એલેક્ષાંડ્રિયા નાસી ગયા. ઘણા બિન-ખ્રિસ્તીઓ ઑરિજન પાસે બાઇબલના શિક્ષણ માટે આવતા હતા. એનાથી તે એવું સમજ્યો કે આ સોંપણી પરમેશ્વર તરફથી છે તેથી, તેણે એ કામ ઉપાડી લીધું. પરિણામે, તેના કેટલાક વિદ્યાર્થીઓનો હજુ તો અભ્યાસ પણ પૂરો થયો ન હતો એટલામાં તેઓ શહીદ થયા હતા. પોતાનું જીવન જોખમમાં હતું છતાં, ઑરિજન પોતાના વિદ્યાર્થીઓને અદાલતમાં, જેલમાં કે છેલ્લા શ્વાસ લેતા હોય તેઓને પણ હિંમત આપતો હતો. ચોથી સદીના ઇતિહાસકાર યુસીબીયસે અહેવાલ આપ્યો કે ઑરિજનના વિદ્યાર્થીઓને મોતની સજા માટે લઈ જવામાં આવતા હતા ત્યારે પણ, તેણે હિંમતથી તેઓને સલામ ભરીને ચુંબન કર્યું.”

ઘણા બિન-ખ્રિસ્તીઓ ઑરિજનને પોતાના મિત્રોના મરણ માટે જવાબદાર ગણતા હતા, તેથી તેઓ તેના પર ક્રોધે ભરાયા હતા. તેથી, તેઓએ તેના પર અવારનવાર હુમલો કરીને તેને મારી નાખવાની પણ કોશિશ કરી. તેઓના હુમલાથી બચવા ઑરિજન એકથી બીજી જગ્યાએ નાસી છૂટ્યો છતાં, તેણે લોકોને શીખવવામાં હાર માની ન હતી. તેની હિંમત જોઈને એલેક્ષાંડ્રિયાનો બિશપ દેમેત્રિઅસ પ્રભાવિત થયો. આમ, ઑરિજન ફક્ત ૧૮ વર્ષનો હતો ત્યારે દેમેત્રિઅસે તેને એલેક્ષાંડ્રિયાની ધાર્મિક શાળાના મુખ્ય અધિકારી તરીકે નીમ્યો.

આખરે, ઑરિજન પ્રખ્યાત વિદ્વાન બન્યો અને તેણે ઘણાં પુસ્તકો લખ્યાં. કેટલાકનું કહેવું છે કે તેણે ૬૦૦૦ પુસ્તકો લખ્યાં, પણ એ વધારે પડતો અંદાજ હોય શકે. ઑરિજને છ કૉલમમાં હેક્સાપ્લા એટલે કે હેબ્રી શાસ્ત્રનું ભાષાંતર કરીને ૫૦ ગ્રંથો બનાવ્યા હતા અને એ માટે તે ઘણો પ્રખ્યાત છે. ઑરિજને હેક્સાપ્લામાં છ કૉલમો પાડ્યા: (૧) હેબ્રી અને અરામીક લખાણ. (૨) હેબ્રી અને અરામીક ઉચ્ચારોનું ગ્રીકમાં ભાષાંતર. (૩) અક્વીલાનું ગ્રીકમાં ભાષાંતર કરેલું બાઇબલ. (૪) સીમાકસનું ગ્રીકમાં ભાષાંતર કરેલું બાઇબલ. (૫) સેપ્ટઆજીંટ આવૃત્તિ, કે જેમાં એ હેબ્રી લખાણને મળતું આવે માટે ઑરિજને ઘણા ફેરફાર કર્યા હતા. (૬) થીયોડોશએ ગ્રીકમાં ભાષાંતર કરેલું બાઇબલ. એના વિષે એક બાઇબલ પંડિત જૉન હૉર્ટે લખ્યું: “ઑરિજને આ છ વિભાગો દ્વારા બાઇબલને સમજી શકાય એવું બનાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જો ગ્રીક વાચકો ફક્ત સેપ્ટઆજીંટ જ વાંચે તો તેઓને ગૂંચવણો ઊભી થઈ શકે અને તેઓ ખોટા માર્ગે પણ દોરાઈ શકે.”

‘જે લખેલું છે તેની હદ ઓળંગવી’

ત્રીજી સદીનું ધાર્મિક વાતાવરણ એવું ગૂંચવણભર્યું હતું કે એની ઊંડી અસર ઑરિજનના બાઇબલ શિક્ષણ પર પડી. ખ્રિસ્તી ધર્મની તો હજુ શરૂઆત જ થઈ હતી એટલામાં, બાઇબલ વિરુદ્ધની માન્યતાઓ શરૂ થઈ ગઈ હતી. દરેક ચર્ચમાં પોતાની રીતે જુદું જુદું શિક્ષણ આપવામાં આવતું હતું.

ઑરિજને પણ એમાંના કેટલાક જૂઠાં શિક્ષણને પ્રેષિતોના શિક્ષણ તરીકે સ્વીકાર્યું હતું. પરંતુ તેને પોતાને ઘણા પ્રશ્નો હતા. તેના ઘણા વિદ્યાર્થીઓને એ સમયની ફિલસૂફીનો ખૂબ જ સામનો કરવો પડતો હતો. તેથી, પોતાના વિદ્યાર્થીઓને મદદ કરવા તેણે ફિલસૂફી શીખવતી જુદી જુદી શાળાઓની મુલાકાત લીધી. પછી તે પોતાના વિદ્યાર્થીઓને ફિલસૂફીને લગતા પ્રશ્નોનો સંતોષપ્રદ જવાબ આપવા લાગ્યો.

ઑરિજને, બાઇબલને ફિલસૂફી દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો તેમ, તે દંતકથાઓ પર વધારે આધાર રાખવા લાગ્યો. તે એવું માનતો હતો કે બાઇબલની દરેક કલમમાં શાબ્દિક નહિ પણ ફક્ત આધ્યાત્મિક અર્થ જ હોય શકે. એક પંડિતે કહ્યું કે, “ઑરિજન ખૂબ જ ઉત્સાહથી પોતાની માન્યતા પ્રમાણે બાઇબલ સત્ય સમજાવવાનો પ્રયત્ન કરતો હતો અને એમાં ખોટું શિક્ષણ પણ આવવા લાગ્યું. તેમ છતાં, તે માનતો હતો (નિઃશંક તે પૂરા દિલથી માનતો હતો) કે પોતે મૂળ બાઇબલ પ્રમાણે જ શીખવી રહ્યો છે.”

ઑરિજને પોતાના એક મિત્રને પત્ર લખ્યો હતો એના પરથી જોવા મળે છે કે તે શું વિચારતો હતો. ઑરિજને લખ્યું કે ઇજિપ્ત (પ્રાચીન મિસર)માંથી લાવેલા સોનાનો ઈસ્રાએલીઓએ યહોવાહના મંદિરના વાસણો બનાવવા ઉપયોગ કર્યો હતો. એ બનાવને પુરાવા તરીકે લઈને તેણે ખ્રિસ્તી ધર્મ શીખવવા માટે ગ્રીક ફિલસૂફીનો ઉપયોગ કર્યો. તેણે લખ્યું: “મિસરના લોકોએ જે ચીજ-વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કર્યો ન હતો એને ઈસ્રાએલીઓ લઈ આવ્યા અને પરમેશ્વરના માર્ગદર્શનથી એનો તેમની સેવામાં યોગ્ય ઉપયોગ કર્યો અને આમ એ તેઓને ખૂબ જ કામ આવ્યું.” આ રીતે, ઑરિજને પોતાના વિદ્યાર્થીઓને “ખ્રિસ્તી માન્યતા વિષે અભ્યાસ કરવા માટે ગ્રીક ફિલસૂફીમાંથી જે લઈ શકાય એ લેવાનું” ઉત્તેજન આપ્યું હતું.

આમ, મન ફાવે એમ બાઇબલનો અર્થ સમજાવવાને કારણે ખ્રિસ્તી શિક્ષણ અને ગ્રીક ફિલસૂફી વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ થઈ ગયું. દાખલા તરીકે, ઑરિજનના પ્રથમ સિદ્ધાંતો (અંગ્રેજી) પુસ્તકમાં તેણે ઈસુનું આ રીતે વર્ણન કરતા કહ્યું કે, તે ‘એકાકીજનિત દીકરો છે, જે જન્મ્યા હતા, પરંતુ તેમની કોઈ શરૂઆત નથી.’ પછી તેણે કહ્યું: ‘તેમની પેઢી અનાદિકાળથી અનંતકાળ સુધીની છે. દેવે તેમને જીવન આપ્યું હતું એ અર્થમાં તે તેમના પુત્ર ન હતા, પરંતુ તેમનામાં દેવનો જ અંશ છે.’

ઑરિજનનું આ શિક્ષણ બાઇબલ આધારિત ન હતું. કેમ કે બાઇબલ બતાવે છે, કે યહોવાહનો એકાકીજનિત પુત્ર “સૃષ્ટિનો પ્રથમજનિત છે” અને “દેવની સૃષ્ટિનું આદિકરણ [“શરૂઆત,” NW] છે.” (કોલોસી ૧:૧૫; પ્રકટીકરણ ૩:૧૪) ધાર્મિક ઇતિહાસકાર ઓસ્તસ નેન્દાર પ્રમાણે, ઑરિજને “પ્લેટોની શાળામાં ફિલસૂફીનું શિક્ષણ લીધું હતું તેથી તે માનવા લાગ્યા કે ઈસુની પેઢી “અનાદિકાળથી અનંતકાળ સુધી છે.” આમ, ઑરિજને એ બાઇબલ સિદ્ધાંતનો ભંગ કર્યો કે “જે લખેલું છે તેની હદ ઓળંગીને જવું નહિ.”—૧ કોરીંથી ૪:૬.

ધર્મત્યાગી તરીકે ઓળખાયો

શિક્ષક તરીકે થોડાં વર્ષો સુધી કામ કર્યા પછી, એલેક્ષાંડ્રિયાની બિશપોની સમિતિએ ઑરિજનનું પાદરી તરીકેનું પદ પાછું લઈ લીધું. એનું કારણ કદાચ એ હોય શકે કે ઑરિજન દિવસે દિવસે પ્રખ્યાત થતો હતો એનાથી બિશપ દેમેત્રિઅસને ઈર્ષા આવી હોય શકે. તેથી, ઑરિજન પેલેસ્ટાઈન ચાલ્યો ગયો જ્યાં લોકો હજુ પણ તેને ખ્રિસ્તી શિક્ષણના એક વડા તરીકે માનતા હતા. પછી ત્યાં તે ફરીથી પાદરી તરીકે સેવા આપવા લાગ્યો. હકીકતમાં, પૂર્વના દેશોમાં પાદરીઓ “પાખંડી” થવા લાગ્યા ત્યારે તેઓને સમજાવવા અને તેઓ ચર્ચના શિક્ષણને સ્વીકારે માટે ઑરિજનની મદદ માંગવામાં આવી. ઑરિજન ૨૫૪ સી.ઈ.માં મરણ પામ્યો એના થોડા સમય પછી, તેનું નામ બહુ ખરાબ રીતે બદનામ કરવામાં આવ્યું. પરંતુ શા માટે?

કહેવાતા ખ્રિસ્તીઓ પ્રખ્યાત ધર્મ તરીકે જાણીતા થયા ત્યાર બાદ, ચર્ચમાં જે શીખવવામાં આવતું હતું એને ઝીણવટથી તપાસવામાં આવ્યું. તેથી, એ પછીના ધર્મગુરુઓએ ઑરિજનની કેટલીક માન્યતાઓ અને તેની ફિલસૂફીને નકારી કાઢી. તેના શિક્ષણથી ચર્ચમાં ભાગલાઓ પડવા લાગ્યા. આ મતભેદોને થાળે પાળવા અને ચર્ચમાં એકતા જાળવી રાખવા બધા ચર્ચોએ ઑરિજનને પાખંડી તરીકે જાહેર કર્યો.

ભૂલ કરવામાં ઑરિજન એકલો જ ન હતો. જોકે, બાઇબલમાં ભાખવામાં આવ્યું હતું કે બધા જ ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે ચાલશે નહિ. આ અધર્મની શરૂઆત પ્રથમ સદીમાં ઈસુના શિષ્યોના મરણ પછી થઈ. (૨ થેસ્સાલોનીકી ૨:૬, ૭) આખરે, અમુક ખ્રિસ્તીઓએ પોતાને “ચુસ્ત ખ્રિસ્તી” તરીકે ઓળખાવ્યા અને બીજાઓને “જૂઠા ખ્રિસ્તી” જાહેર કર્યા. પરંતુ હકીકતમાં, ખ્રિસ્તી રાષ્ટ્ર સાચા ખ્રિસ્તીઓથી ઘણું અલગ છે.

જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે”

એ ખરું છે કે ઑરિજને ઘણી ધારણાઓ કરી હતી, છતાં એમાંથી પણ કંઈક શીખી શકાય છે. દાખલા તરીકે, હેક્સાપ્લામાં ઑરિજને પરમેશ્વરનું નામ મૂળ હેબ્રી ભાષામાં ચાર અક્ષરોથી લખ્યું, જેને અંગ્રેજીમાં ટેટ્રાગ્રમેશન કહેવામાં આવે છે. આ પુરાવો આપે છે કે અગાઉના ખ્રિસ્તીઓ પરમેશ્વરનું નામ, યહોવાહ જાણતા હતા અને એ નામનો ઉપયોગ પણ કરતા હતા. તોપણ, પાંચમી સદીના ચર્ચના વડા થીઓફિલસે લખ્યું: “ઑરિજને લખેલાં પુસ્તકો એક એવી જમીન છે જ્યાં બધા જ પ્રકારનાં ફૂલો ખીલે છે. તેથી, મને જે સારું ફૂલ લાગે એ હું તોડી લઉં છું પરંતુ કોઈ ફૂલમાં કાંટા દેખાય તો હું એનાથી દૂર રહું છું.”

બાઇબલના શિક્ષણમાં ગ્રીક ફિલસૂફીઓ ઉમેરવાથી ઑરિજનના શિક્ષણમાં ઘણી ભૂલો આવી અને એને કારણે ખ્રિસ્તી રાષ્ટ્રમાં ઘણાં ખરાબ પરિણામો આવ્યાં. દાખલા તરીકે, ઑરિજનનું મોટા ભાગનું શિક્ષણ પાછળથી નકારવામાં આવ્યું. ખ્રિસ્તની “પેઢી અનાદિકાળથી છે,” તેના આ વિચારે ત્રૈક્યના જૂઠાં શિક્ષણને જન્મ આપ્યો. પ્રથમ ત્રણ સદીના ચર્ચ (અંગ્રેજી) પુસ્તક જણાવે છે: ઑરિજનની “ફિલસૂફીઓની અસર લાંબા સમય સુધી રહેવાની હતી.” એનું પરિણામ શું આવ્યું? “ખ્રિસ્તી ધર્મનાં શિક્ષણો ભ્રષ્ટ થયાં અને ચર્ચમાં ઘણું ખોટું શિક્ષણ શીખવવામાં આવ્યું.”

ઑરિજને જો પ્રેષિત પાઊલની સલાહને ધ્યાન આપ્યું હોત તો તે “અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર” રહી શક્યો હોત. એમ કરવાથી તે ધર્મત્યાગી તરીકે ઓળખાયો ન હોત. પરંતુ, ઑરિજન જૂઠાં “જ્ઞાન” પર વધારે આધારિત હતો તેથી, તે “વિશ્વાસથી ભટકી” ગયો.—૧ તીમોથી ૬:૨૦, ૨૧; કોલોસી ૨:૮, પ્રેમસંદેશ.

[પાન ૩૧ પર ચિત્ર]

ઑરિજનનું “હેક્સાપ્લા” બતાવે છે કે ગ્રીક બાઇબલમાં પરમેશ્વરનું નામ હતું

[ક્રેડીટ લાઈન]

Published by permission of the Syndics of Cambridge University Library, T-S 12.182

[પાન ૨૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Culver Pictures