સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફસલના આનંદી મજૂરો બનો!

ફસલના આનંદી મજૂરો બનો!

ફસલના આનંદી મજૂરો બનો!

“ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.”—માત્થી ૯:૩૭, ૩૮.

૧. પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરતા રહેવા, આપણને શું મદદ કરે છે?

 આપણે યહોવાહના સેવકો તરીકે હમણાં કે વર્ષો પહેલાં બાપ્તિસ્મા લીધું હશે. તેમ છતાં, એ દિવસ યાદ કરીએ તો જાણે ગઈકાલે જ બાપ્તિસ્મા લીધું હોય એમ લાગી શકે. યહોવાહની ઉપાસના આપણા જીવનમાં મુખ્ય બની હોવાથી આપણે યહોવાહને સમર્પણ કર્યું. આપણે બીજાઓને રાજ્યનો સંદેશો આપીને, તેઓ એ સ્વીકારે માટે મદદ કરવામાં સમયનો સદુપયોગ કર્યો. એમાં આનંદથી યહોવાહની સેવા કરવી એ આપણો મુખ્ય ધ્યેય હતો. (એફેસી ૫:૧૫, ૧૬) આજે પણ આપણે “પ્રભુના કામમાં” વ્યસ્ત રહીએ છીએ ત્યારે, સમય તો પાણીની જેમ વહી જાય છે. (૧ કોરીંથી ૧૫:૫૮) આપણને સમસ્યાઓ તો આવે જ છે છતાં, યહોવાહની સેવામાં મળતો આનંદ આપણને જરૂર ઉત્તેજન આપશે.—નહેમ્યાહ ૮:૧૦.

૨. રૂપકાત્મક કાપણીના કાર્યમાં આનંદ મેળવવા કઈ બાબતો ભાગ ભજવે છે?

ખ્રિસ્તીઓ તરીકે, આપણે રૂપકાત્મક કાપણી કરીએ છીએ. ઈસુ ખ્રિસ્તે અનંતજીવન માટે લોકોને ભેગા કરવાના કાર્યને કાપણીના કાર્ય સાથે સાંકળ્યું. (યોહાન ૪:૩૫-૩૮) આપણે પણ આ કાર્યમાં ભાગ લેતા હોવાથી, કાપણીના શરૂઆતના ખ્રિસ્તી મજૂરોના આનંદ વિષે જાણવાથી આપણે ઉત્તેજન મેળવીશું. આપણે ત્રણ બાબતો વિષે પણ વિચારીશું, જે આજના કાપણીના કાર્યમાં આનંદ આપે છે. એ છે, (૧) આપણો આશાનો સંદેશો, (૨) આપણી શોધમાં સફળતા અને (૩) કાપણીના મજૂરો તરીકેની આપણી ધીરજ.

કાપણીના મજૂરો

૩. કઈ રીતે ઈસુના શરૂઆતના શિષ્યોએ આનંદ અનુભવ્યો?

શરૂઆતના કાપણીના મજૂરો, ખાસ કરીને ઈસુના ૧૧ વિશ્વાસુ પ્રેષિતો ૩૩ સી.ઈ.માં સજીવન થયેલા ખ્રિસ્તને મળવા માટે ગાલીલીના પહાડ પર ગયા ત્યારે, તેઓનાં જીવન કેવા બદલાઈ ગયાં! (માત્થી ૨૮:૧૬) એ પ્રસંગે “પાંચસો કરતાં વધારે ભાઈઓ” ભેગા મળ્યા હોય શકે. (૧ કોરીંથી ૧૫:૬) ઈસુએ તેઓને સોંપેલા કાર્યના તેઓના કાનમાં પડઘા પડતા હશે. તેમણે તેઓને કહ્યું: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) સખત સતાવણી છતાં, તેઓએ એક પછી બીજી જગ્યાએ ખ્રિસ્તના શિષ્યોનાં મંડળો રચાતાં જોઈને, કાપણીના મજૂરો તરીકે ઘણો આનંદ અનુભવ્યો. સમય જતા, “એ સુવાર્તા આકાશ તળેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ.”—કોલોસી ૧:૨૩; પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; ૧૬:૫.

૪. કયા સંજોગોમાં ઈસુના શિષ્યોને મોકલવામાં આવ્યા હતા?

ઈસુએ ગાલીલમાં સેવાકાર્યની શરૂઆતમાં પોતાના ૧૨ પ્રેષિતોને બોલાવ્યા અને તેઓને ખાસ કરીને એમ જાહેર કરવા મોકલ્યા કે “આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.” (માત્થી ૧૦:૧-૭) તે પોતે “તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતો, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો, ને હરેક પ્રકારનો રોગ તથા હરેક પ્રકારની બીમારી ટાળતો, [ગાલીલના] સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો.” ઈસુને લોકો માટે દયા આવી, “કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા હતા.” (માત્થી ૯:૩૫, ૩૬) ઊંડી લાગણીથી પ્રેરાઈને તેમણે શિષ્યોને કહ્યું: “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની [યહોવાહ પરમેશ્વરને] પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.” (માત્થી ૯:૩૭, ૩૮) પૃથ્વી પર ઈસુના છેલ્લા છ મહિના જ બાકી હતા ત્યારે, તેમણે યહુદાહમાં પણ કાપણીના મજૂરોની એટલી જ જરૂરિયાત જોઈ. (લુક ૧૦:૨) બંને પ્રસંગોએ, તે તેમના અનુયાયીઓને કાપણીના મજૂરો તરીકે મોકલે છે.—માત્થી ૧૦:૫; લુક ૧૦:૩.

આશાનો સંદેશો

૫. આપણે કયા પ્રકારનો સંદેશો જાહેર કરીએ છીએ?

આજે યહોવાહના સેવકો તરીકે, આપણે આનંદથી કાપણીના મજૂરો બનવા તૈયાર છીએ. આપણને વધુ આનંદ આપતી એક બાબત એ છે કે આપણે નિરાશ અને દુઃખી લોકોને આશાનો સંદેશો આપીએ છીએ. ઈસુના પ્રથમ સદીના શિષ્યોની જેમ, આપણી પાસે પણ “પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા” લોકોને ખરેખર આશાનો સંદેશો જાહેર કરવાનો કેવો લહાવો છે!

૬. પ્રથમ સદીના પ્રેષિતો શામાં વ્યસ્ત હતા?

પ્રથમ સદીની મધ્યમાં, પ્રેષિત પાઊલ સુસમાચાર જાહેર કરવામાં વ્યસ્ત હતા. તેમનું કાર્ય ખરેખર અસરકારક હતું, કેમ કે ૫૫ સી.ઈ.માં કોરીંથના મંડળને લખતી વખતે તેમણે કહ્યું: “હવે, ભાઇઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો, અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો.” (૧ કોરીંથી ૧૫:૧) પ્રેષિતો અને શરૂઆતના બીજા ખ્રિસ્તીઓ કાપણીના આ કાર્યમાં ઘણા ઉત્સાહી હતા. બાઇબલ જણાવતું નથી કે ૭૦ સી.ઈ.માં યરૂશાલેમના વિનાશ પછી, કેટલા પ્રેષિતો બચ્યા હતા. તેમ છતાં, આપણે જાણીએ છીએ કે એના કંઈક ૨૫ વર્ષ પછી પણ પ્રેષિત યોહાન પ્રચાર કરતા હતા.—પ્રકટીકરણ ૧:૯.

૭, ૮. યહોવાહના સેવકો હમણાં વધારે તાકીદથી કયો સંદેશો જાહેર કરી રહ્યા છે?

ત્યાર પછી, ધર્મત્યાગી ‘પાપના માણસ,’ ખ્રિસ્તી રાષ્ટ્રના પાદરીઓની સત્તા શરૂ થઈ. (૨ થેસ્સાલોનીકી ૨:૩) તેમ છતાં, ૧૯મી સદીના અંતમાં, મૂળ ખ્રિસ્તી ધર્મના શિક્ષણ અનુસાર જીવવાનો પ્રયત્ન કરનારાઓ પણ હતા. તેઓએ આશાનો સંદેશો જણાવીને રાજ્યનો પ્રચાર કર્યો. હકીકતમાં, આ સામયિકના પ્રથમ અંકના (જુલાઈ ૧૮૭૯, અંગ્રેજી) શિર્ષકના આ શબ્દો હતા, “ખ્રિસ્તની હાજરીને જાહેર કરનાર,” “ખ્રિસ્તના રાજ્યને જાહેર કરનાર” અથવા “યહોવાહના રાજ્યને જાહેર કરે છે.”

પરમેશ્વરનું સ્વર્ગીય રાજ્ય ઈસુ ખ્રિસ્તની સત્તા હેઠળ ૧૯૧૪માં સ્થપાયું. આપણે હમણાં વધારે તાકીદથી એ સંદેશાની જાહેરાત કરી રહ્યા છીએ. શા માટે? કારણ કે પરમેશ્વરનું રાજ્ય જે આશીર્વાદો આપશે, એમાં આ દુષ્ટ જગતનો પણ જલદી જ અંત લાવશે. (દાનીયેલ ૨:૪૪) એનાથી સારો સંદેશો બીજો કયો હોય શકે? ‘મોટી વિપત્તિ આવી પડે’ એ પહેલાં, એ રાજ્યની જાહેરાત કરવા કરતાં વધારે આનંદ બીજા શામાંથી મળી શકે?—માત્થી ૨૪:૨૧; માર્ક ૧૩:૧૦.

શોધવામાં સફળતા

૯. ઈસુએ પોતાના શિષ્યોને કઈ સૂચના આપી અને લોકોએ એ રાજ્ય સંદેશાનો કેવો પ્રત્યુત્તર આપ્યો?

મજૂર તરીકે આપણા કાપણીના કાર્યમાં આનંદ વધારતી બીજી એક બાબત એમાં મળતી સફળતા છે. એમાં બીજાઓ શિષ્યો બનીને આપણી સાથે કાપણીના કાર્યમાં જોડાયા છે. ઈસુએ પોતાના શિષ્યોને ૩૧-૩૨ સી.ઈ.માં સૂચના આપી: “જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો.” (માત્થી ૧૦:૧૧) દરેક વ્યક્તિએ રાજ્ય સંદેશ સ્વીકાર્યો નહિ, જે બતાવી આપે છે કે બધા જ યોગ્ય ન હતા. તોપણ, ઈસુના શિષ્યોએ જ્યાં કહીં લોકો હતા ત્યાં ઉત્સાહથી પ્રચાર કર્યો.

૧૦. પાઊલે કઈ રીતે યોગ્ય વ્યક્તિઓની શોધ કરી?

૧૦ ઈસુના મરણ અને પુનરુત્થાન પછી, સંદેશો સ્વીકારનાર લોકોને શોધવાનું કામ વધારે ઉત્સાહથી ચાલુ રહ્યું. એથેન્સના સભાસ્થાનોમાં પાઊલે જ્યાં કહીં લોકો હતા ત્યાં પ્રચાર કર્યો અને કેટલાકે તેમનું સાંભળ્યું. એ ગ્રીક શહેરના અરેઓપાગસમાં તેમણે સાક્ષી આપી ત્યારે, “કેટલાએક માણસોએ તેની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો; તેઓમાં દીઓનુસીઅસ અરેઓપાગસી તથા દામારીસ નામે એક બાઈ, અને તેઓ સિવાય બીજા પણ હતા.” પાઊલ જ્યાં કહી પણ ગયા, ત્યાં તેમણે “પ્રગટ રીતે તથા ઘેરેઘેર” પ્રચાર કરીને સારું ઉદાહરણ બેસાડ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૭, ૩૪; ૨૦:૨૦.

૧૧. વર્ષો પહેલાં સેવાકાર્ય માટે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવતો હતો?

૧૧ અભિષિક્ત ખ્રિસ્તીઓએ ૧૯મી સદીના અંત ભાગમાં હિંમતથી યોગ્ય વ્યક્તિઓની શોધ કરી. ઝાયન્સ વૉચ ટાવરના જુલાઈ/ઑગષ્ટ ૧૮૮૧ના “પ્રચાર કરવા માટે અભિષિક્ત” વિષય પરના લેખે કહ્યું: “સુસમાચારનો પ્રચાર . . . ‘નમ્ર વ્યક્તિઓને શોધવા કરવામાં આવ્યો હતો,’ જેઓ એ સાંભળીને, પોતાના જીવનમાં ફેરફારો કરીને ખ્રિસ્ત સાથે વારસો પામવા ઉત્સુક બન્યા.” પરમેશ્વરના કાપણીના મજૂરો ઘણી વાર ચર્ચમાંથી પાછા ફરતા લોકોને મળતા હતા. તેઓ એમાંથી યોગ્ય વ્યક્તિઓને શોધી કાઢવા તેઓને બાઇબલનો સંદેશો ધરાવતી પત્રિકાઓ આપતા હતા. સાક્ષી આપવાની આ રીતને કાળજીપૂર્વક ધ્યાનમાં લીધા પછી, મે ૧૫, ૧૯૦૩ના ચોકીબુરજ (અંગ્રેજી)માં કાપણીના મજૂરોને “રવિવારે સવારે ઘરેઘરે” જઈને પત્રિકાઓ આપવાનું જણાવવામાં આવ્યું.

૧૨. આપણે પ્રચાર કાર્યની રીતમાં કેવા ફેરફારો કર્યા છે?

૧૨ એવા ઘણા દેશો છે જ્યાં લોકો ઘરે મળતા જ નથી, કેમ કે પૈસાની તંગી કે મોજશોખના કારણે, મોટા ભાગે તેઓ ઘરની બહાર જ હોય છે. એવા દેશોમાં આપણે બીજી જગ્યાઓએ મળીને પણ તેઓને પ્રચાર કરીએ છીએ. આ રીતે સેવાકાર્ય કરવાથી ઘણાં સારાં પરિણામો મળ્યાં છે. ઇંગ્લૅંડમાં એક સાક્ષી બહેન અને તેમના સાથીએ જોયું કે ઘણા લોકો બસમાં નિયમિત દરિયા કિનારે ફરવા જાય છે. તેઓએ હિંમત રાખીને એ જ બસમાં મુસાફરી કરી અને એમાંના મુસાફરો સાથે વાતચીત કરીને તેઓને ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકો આપ્યાં. એક મહિનામાં, તેઓએ ૨૨૯ સામયિકો આપ્યાં. તેઓએ જણાવ્યું: “દરિયા કિનારે કે વેપારી વિસ્તારમાં પ્રચાર કરતા અમને કોઈ ડર લાગતો નથી, અને ગમે તેવી મુશ્કેલીઓનો પણ અમે સામનો કરીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે યહોવાહ હંમેશા અમારી સાથે છે.” પછી, તેઓએ સામયિક પથ તેમ જ બાઇબલ અભ્યાસ શરૂ કર્યા. વળી, તે બંને બહેનોએ સહાયક પાયોનિયરીંગ પણ કર્યું.

૧૩. અમુક જગ્યાએ સેવાકાર્યમાં કેવા ફેરફાર કરવાની જરૂર પડી શકે?

૧૩ આપણે યોગ્ય વ્યક્તિઓને શોધવાનું ચાલુ રાખીએ છીએ તેમ, કેટલીક જગ્યાઓએ સેવાકાર્યમાં ફેરફારો કરવાની જરૂર પડી શકે. આપણે સામાન્ય રીતે રવિવારે સવારે ઘરઘરના પ્રચાર કાર્યમાં જઈએ છીએ. તેમ છતાં, ઘણા વિસ્તારોમાં જોવા મળે છે કે વહેલી સવારે મુલાકાત લેવી એટલી અસરકારક નથી કેમ કે લોકો ઊંઘતા હોય શકે. પોતાના સમયપત્રકમાં ફેરફાર કરીને, ઘણા સાક્ષીઓ ખ્રિસ્તી સભાઓ પછી પ્રચારમાં જઈ શકે છે. એમ કરવું ખરેખર લાભદાયી પુરવાર થયું છે. ગયા વર્ષે રાજ્ય પ્રચારકોમાં ૨.૩ ટકાનો વધારો થયો છે. એનાથી કાપણીના ધણીને માન મળે છે અને આપણા હૃદયને આનંદ થાય છે.

કાપણીના કાર્યમાં ધીરજ રાખો

૧૪. કેવા વલણથી આપણે સંદેશો રજૂ કરવો જોઈએ અને શા માટે?

૧૪ આપણા કાપણીના કાર્યમાં ધીરજ રાખવાથી આપણા આનંદમાં વધારો થાય છે. ઈસુએ કહ્યું, “અને ઘરમાં જઇને તેનાંને સલામ કહો. અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે, પણ જો તે યોગ્ય નહિ હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે.” (માત્થી ૧૦:૧૨, ૧૩) “કેમ છો” કહેવા હેબ્રી અને બાઇબલની ગ્રીક ભાષામાં જે શબ્દનો ઉપયોગ થયો છે, એ બંનેનો અર્થ સૂચવે છે કે, ‘તમારું ભલું થાવ.’ આવું વલણ આપણે સુસમાચારનો પ્રચાર કરીએ છીએ ત્યારે મદદ કરે છે. આપણે આશા રાખીએ છીએ કે તેઓ રાજ્ય સંદેશ સ્વીકારે. તેઓ પોતાના પાપનો પસ્તાવો કરે અને પરમેશ્વર તરફ પાછા ફરીને તેમની ઇચ્છા પ્રમાણે કરે. આમ, તેઓ પરમેશ્વર સાથે સારો સંબંધ કેળવીને અનંતજીવન મેળવી શકે છે.—યોહાન ૧૭:૩; પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯; ૧૩:૩૮, ૪૮; ૨ કોરીંથી ૫:૧૮-૨૦.

૧૫. પ્રચાર કાર્યમાં વિરોધ થાય ત્યારે આપણે કઈ રીતે શાંતિ જાળવી રાખી શકીએ?

૧૫ લોકો આપણા સંદેશાનો વિરોધ કરે ત્યારે આપણે કઈ રીતે ધીરજ રાખી શકીએ? ઈસુએ કહ્યું: “જો તે [ઘર] યોગ્ય નહિ હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે.” (માત્થી ૧૦:૧૩) ઈસુએ પોતાના ૭૦ શિષ્યોને મોકલ્યા અને તેમણે જે કહ્યું એ વિષે લુકનો અહેવાલ કહે છે: “કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી વળશે.” (લુક ૧૦:૬) તેથી, આપણે લોકોને આનંદથી અને ધીરજપૂર્વક રાજ્યના સુસમાચાર જણાવવા જોઈએ. ઘરમાલિક સાંભળે નહિ અને ફરિયાદ કે ટીકા કરે ત્યારે, આપણો શાંતિનો સંદેશો ‘આપણી પાસે પાછો’ આવે છે. પરંતુ આમાંની કોઈ પણ બાબતે આપણી શાંતિ છીનવી લેવી જોઈએ નહિ કે જે યહોવાહના પવિત્ર આત્માનું એક ફળ છે.—ગલાતી ૫:૨૨, ૨૩.

કાપણીના મજૂરો માટે એક સરસ ધ્યેય

૧૬, ૧૭. (ક) ફરી મુલાકાતો કરતી વખતે આપણો કયો ધ્યેય હોવો જોઈએ? (ખ) બાઇબલ વિષેના પ્રશ્નો હોય તેઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ?

૧૬ કાપણીના મજૂરો તરીકે આપણે લોકોને અનંતજીવન માટે ભેગા કરવામાં આનંદ માણીએ છીએ. આપણે જેને પ્રચાર કરીએ તે વ્યક્તિ સાંભળે, વધારે શીખવા ઇચ્છે અને “શાંતિનો પુત્ર” પુરવાર થાય ત્યારે, આપણે કેવો આનંદ અનુભવીએ છીએ! તેને બાઇબલને લગતા ઘણા પ્રશ્નો હોય શકે અને એક જ મુલાકાતમાં બધા જવાબ આપવા શક્ય નથી. પહેલી જ મુલાકાતમાં લાંબો સમય રોકાવું યોગ્ય ન કહેવાય, તેથી શું કરી શકાય? આપણે ૬૦ વર્ષ પહેલાં કરવામાં આવેલી ભલામણ જેવો ધ્યેય રાખી શકીએ.

૧૭ “દરેક યહોવાહના સાક્ષીઓએ કોઈને પણ બાઇબલ શીખવવા માટે તૈયાર રહેવું જોઈએ.” એ વાક્ય ૧૯૩૭થી ૧૯૪૧માં અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવેલી મૉડેલ સ્ટડી નામની પુસ્તિકાના ત્રીજા ભાગમાં જણાવવામાં આવી હતી. તે આગળ કહે છે કે “રાજ્ય સંદેશમાં રસ ધરાવનાર દરેકને મદદ કરવા માટે બધા [રાજ્ય] પ્રચારકોએ મહેનત કરવી જોઈએ. તેઓની ફરી મુલાકાત લેવી જોઈએ અને તેઓના પ્રશ્નોના જવાબ આપવા જોઈએ . . . અને જેમ બને તેમ જલદી . . . બાઇબલ અભ્યાસ શરૂ કરવો જોઈએ.” હા, ફરી મુલાકાત કરવાનો આપણો ધ્યેય એ છે કે આપણે તેઓ સાથે નિયમિત બાઇબલ અભ્યાસ શરૂ કરીએ. * રસ ધરાવનાર વ્યક્તિ માટેનો પ્રેમ અને મિત્રતા આપણને સારી તૈયારી કરવા અને અસરકારક બાઇબલ અભ્યાસ ચલાવવાનું ઉત્તેજન આપે છે.

૧૮. આપણે નવી વ્યક્તિઓને ઈસુ ખ્રિસ્તના શિષ્યો બનવામાં કઈ રીતે મદદ કરી શકીએ?

૧૮ જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક, અને દેવ આપણી પાસે શું માંગે છે? જેવી મોટી પુસ્તિકાઓની મદદથી આપણે સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવી શકીએ. આ રીતે, આપણે રસ ધરાવનાર વ્યક્તિને શિષ્ય બનવામાં મદદ કરી શકીએ છીએ. આપણે મહાન શિક્ષક, ઈસુ ખ્રિસ્તને અનુસરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ પ્રમાણે, બાઇબલ વિદ્યાર્થીઓ પણ આપણી ધીરજ, આનંદ, પ્રમાણિકતા અને યહોવાહનાં ધોરણો તથા માર્ગદર્શન માટેના આપણા પ્રેમ પરથી વધારે શીખશે. આપણે નવી વ્યક્તિઓને તેઓના પ્રશ્નોના જવાબ મેળવવા મદદ કરીએ છીએ. એવી જ રીતે, બીજી વ્યક્તિ તેમને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તેઓ કઈ રીતે જવાબ આપી શકે એ પણ શીખવીએ. (૨ તીમોથી ૨:૧, ૨; ૧ પીતર ૨:૨૧) રૂપકાત્મક કાપણીના મજૂરો તરીકે, આપણે સાચે જ ખુશ થઈ શકીએ છીએ કે ગયા વર્ષે જગતવ્યાપી સરેરાશ ૪૭,૬૬,૬૩૧ બાઇબલ અભ્યાસો ચલાવવામાં આવ્યા હતા. આપણે એ કાપણીમાં વ્યક્તિગત રીતે ભાગ લીધો હોય તો, આપણે ખરેખર બહુ જ આનંદિત છીએ.

કાપણીના કાર્યમાં આનંદિત રહો

૧૯. શા માટે ઈસુના સેવાકાર્ય અને ત્યાર પછીની કાપણીમાં વધારે આનંદ છવાયો હતો?

૧૯ ઈસુના સેવાકાર્યમાં અને ત્યાર પછી થોડા સમયમાં કાપણીના કાર્યમાં આનંદ કરવા માટે સારાં કારણો હતાં. ત્યારે ઘણા લોકોએ રાજ્યનો સંદેશ સાંભળ્યો હતો. ખાસ કરીને પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના દિવસે વધારે આનંદ છવાયો હતો. કેમ કે એ દિવસે કંઈક ૩,૦૦૦ લોકોએ પીતરના માર્ગદર્શનને સ્વીકારીને પવિત્ર આત્મા મેળવ્યો, તેઓ પરમેશ્વરના આત્મિક ઈસ્રાએલનો ભાગ બન્યા. ખરેખર, ‘પ્રભુ રોજરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતા હતા’ તેમ, તેઓના આનંદમાં વધારો થતો ગયો.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૭-૪૧, ૪૬, ૪૭; ગલાતી ૬:૧૬; ૧ પીતર ૨:૯.

૨૦. આપણા કાપણીના કાર્યમાં કઈ બાબત અનહદ આનંદ આપે છે?

૨૦ એ સમયે યશાયાહની ભવિષ્યવાણી સાચી પુરવાર થઈ રહી હતી: “તેં [યહોવાહે] પ્રજાની વૃદ્ધિ કરી છે, તેં તેમનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતા આનંદ પ્રમાણે, તેમજ લોક લૂંટ વહેંચતાં હરખાય છે તે પ્રમાણે તેઓ તારી સંમુખ આનંદ કરે છે.” (યશાયાહ ૯:૩) હવે આપણે જોઈએ છીએ કે અભિષિક્ત જનોની “પ્રજાની વૃદ્ધિ” લગભગ પૂરી થઈ ગઈ છે. તેમ છતાં, આપણે કાપણીના મજૂરોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જોઈએ છીએ ત્યારે, આપણને અનહદ આનંદ થાય છે.—ગીતશાસ્ત્ર ૪:૭; ઝખાર્યાહ ૮:૨૩; યોહાન ૧૦:૧૬.

૨૧. હવે પછીના લેખમાં શાની ચર્ચા થશે?

૨૧ કાપણીના કાર્યમાં આનંદ કરવાને આપણી પાસે ખરેખર ઘણાં કારણો છે. આપણો આશાનો સંદેશો, યોગ્ય વ્યક્તિઓ માટેની શોધ અને આપણી ધીરજ, એ સર્વ આપણા કાર્યના આનંદમાં વધારો કરે છે. તોપણ, ઘણી વખત વિરોધ થઈ શકે છે. પ્રેષિત યોહાને એનો અનુભવ કર્યો હતો. તેમને “દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે” પાત્મસ ટાપુ પર મોકલી દેવામાં આવ્યા હતા. (પ્રકટીકરણ ૧:૯) આપણે સતાવણી અને વિરોધનો સામનો કરીએ ત્યારે, કઈ રીતે આપણો આનંદ જાળવી રાખી શકીએ? કઈ બાબત આપણને પ્રચાર કરતી વખતે લોકોના કઠોર વલણનો સામનો કરવા મદદ કરશે? અમારો હવે પછીનો લેખ આ પ્રશ્નોના બાઇબલ આધારિત જવાબ આપે છે.

[ફુટનોટ]

^ શરૂઆતમાં રસ ધરાવનારા લોકો માટે, તેઓ જ્યાં ભેગા મળી શકે એ સ્થળે અભ્યાસ ગોઠવવામાં આવતો હતો. તેમ છતાં, જલદી જ વ્યક્તિ અને કુટુંબ સાથે અભ્યાસ કરવાની પણ ગોઠવણ કરવામાં આવી.—યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત યહોવાહના સાક્ષીઓ—પરમેશ્વરના રાજ્યને જાહેર કરનારાઓ (અંગ્રેજી) પુસ્તકનું પાન ૫૭૪ જુઓ.

તમે શું કહેશો?

• રૂપકાત્મક કાપણીનું કાર્ય કયું છે?

• આપણે કેવો સંદેશો જાહેર કરીએ છીએ?

• શા માટે આપણી શિષ્યો માટેની શોધ સફળ થાય છે?

• કાપણીના કાર્યમાં આપણે કઈ રીતે ધીરજ રાખી શકીએ?

• આપણે શા માટે કાપણીના કાર્યમાં આનંદ કરતા રહેવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૨, ૧૩ પર ચિત્રો]

પહેલી અને વીસમી સદીમાં પ્રચાર કાર્ય

[પાન ૧૩ પર ચિત્રો]

પાઊલની જેમ, આજે કાપણીના મજૂરો દરેક જગ્યાએ લોકોને પ્રચાર કરવાનો પ્રયત્ન કરે છે

[પાન ૧૩ પર ચિત્ર]

આનંદથી રાજ્યના સુસમાચાર જાહેર કરવા