સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારો આત્મા અમર છે?

શું તમારો આત્મા અમર છે?

શું તમારો આત્મા અમર છે?

“દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે,” પ્રેષિત પાઊલે લખ્યું. (૨ તીમોથી ૩:૧૬) હા, બાઇબલ એ સત્યનું પુસ્તક છે અને એ સાચા પરમેશ્વર, યહોવાહ પાસેથી આવે છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

યહોવાહ પરમેશ્વર આપણા તેમ જ પૃથ્વી પરની સઘળી વસ્તુઓના બનાવનાર છે. તેથી તે સારી રીતે જાણે છે કે આપણે મરી જઈએ છીએ ત્યારે આપણને શું થાય છે. (હેબ્રી ૩:૪; પ્રકટીકરણ ૪:૧૧) પોતાના પ્રેરિત શબ્દ, બાઇબલમાં તેમણે ભાવિ વિષેના સાચા અને સંતોષપ્રદ જવાબો આપ્યા છે.

આત્મા શું છે?

બાઇબલમાં “આત્મા” ભાષાંતર થયેલા મૂળ શબ્દોનો અર્થ “શ્વાસ લેનાર” છે. પરંતુ એ ફક્ત શ્વાસ લેવાની ક્રિયા કરતાં વધારે બાબતને લાગુ પડે છે. દાખલા તરીકે, બાઇબલના એક લેખક યાકૂબે કહ્યું: “શરીર આત્મા વગર નિર્જીવ છે.” (યાકૂબ ૨:૨૬) તેથી, આત્મા શરીરને જીવન શક્તિ આપે છે.

આ જીવન આપનાર શક્તિ ફક્ત ફેફસાંમાં જતો શ્વાસ કે હવા ન હોય શકે. શા માટે નહિ? કારણ કે શ્વાસ લેવાનું બંધ થઈ ગયા પછી, “થોડીક મિનિટો સુધી” શરીરના કોષોમાં જીવન રહે છે એવું ધ વર્લ્ડ બુક એન્સાઈક્લોપેડિયા કહે છે. એ કારણે જે બેભાન હોય છે તેને ફરીથી ભાનમાં લાવવું શક્ય બને છે. પરંતુ એક વાર શરીરના કોષોમાંથી જીવન શક્તિ ખલાસ થઈ જાય પછી, વ્યક્તિને ભાનમાં લાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે. આખી દુનિયાની હવા કે શ્વાસ એક કોષને પણ સજીવન કરી શકે નહિ. તો પછી, આત્મા એ એક અદૃશ્ય જીવન શક્તિ છે કે જે કોષોને અને વ્યક્તિને જીવંત રાખે છે. એ જીવન શક્તિ શ્વાસમાં લઈને વ્યક્તિ જીવંત રહી શકે છે.—અયૂબ ૩૪:૧૪, ૧૫.

શું ફક્ત માનવીઓ પાસે જ જીવંત આત્મા છે? બાઇબલ એના વિષે આપણને સ્પષ્ટ માહિતી આપે છે. શાણા રાજા સુલેમાને કહ્યું કે માણસ અને પ્રાણીઓ “સર્વને એક જ પ્રાણ હોય છે.” વળી તેમણે પૂછ્યું, “મનુષ્યનો આત્મા ઉપર જાય છે, અને પશુનો આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની કોને ખબર છે?” (સભાશિક્ષક ૩:૧૯-૨૧) તેથી, પ્રાણીઓ તેમ જ માણસોનો એક જ આત્મા છે એમ કહેવામાં આવ્યું છે. એ કેવી રીતે બની શકે?

આત્મા કે જીવન શક્તિને યંત્રમાં જતા વીજળીના પ્રવાહ સાથે સરખાવી શકાય. વીજળી અદૃશ્ય હોવાથી, સાધન કયા પ્રકારનું છે એના આધારે એ વિવિધ કાર્ય કરે છે. દાખલા તરીકે, વીજળીનો સ્ટવ ગરમી ઉત્પન્‍ન કરી શકે છે. વીજળીથી માહિતી મેળવવા માટે કૉમ્પ્યુટર ચાલુ કરી શકાય અને ટીવી પર ચિત્રો જોઈને અવાજ સાંભળી શકાય છે. તોપણ, વીજળી પોતે યંત્ર બની જતી નથી. પરંતુ એ એક શક્તિ જ રહે છે. એવી જ રીતે, જીવન શક્તિ પણ પોતે કોઈ રૂપ ધારણ કરતી નથી. એને કોઈ વ્યક્તિત્વ કે બુદ્ધિ હોતી નથી. મનુષ્યને અને પ્રાણીઓને “એક જ પ્રાણ છે.” (સભાશિક્ષક ૩:૧૯) તેથી, એક વ્યક્તિ મરણ પામે છે ત્યારે, તેનો આત્મા કોઈ બીજા આત્મિક પ્રદેશમાં જતો નથી.

તો પછી, મરણ પામેલાઓની સ્થિતિ કેવી છે? અને વ્યક્તિ મરણ પામે છે ત્યારે તેના આત્માનું શું થાય છે?

‘તું પાછો ધૂળમાં મળી જશે’

આદમે જાણીજોઈને પરમેશ્વરની આજ્ઞા તોડી ત્યારે, તેમણે તેને કહ્યું: “તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે; કેમકે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” (ઉત્પત્તિ ૩:૧૯) યહોવાહે આદમને ધૂળમાંથી બનાવ્યો એ પહેલાં તે ક્યાં હતો? તે ક્યાંય ન હતો! તે અસ્તિત્વ ધરાવતો ન હતો. તેથી યહોવાહ પરમેશ્વરે આદમને કહ્યું કે તું “પાછો ધૂળમાં મળી જશે” ત્યારે, તેમના કહેવાનો અર્થ એમ થતો હતો કે આદમ મરી જશે અને પાછો ભૂમિના તત્ત્વો સાથે મળી જશે. આદમ આત્મિક પ્રદેશમાં જવાનો ન હતો. મરણ પછી આદમનું અસ્તિત્વ જ રહેવાનું ન હતું. તેની શિક્ષા મરણ હતી, બીજા કોઈ પ્રદેશમાં જવાની નહિ.—રૂમી ૬:૨૩.

તો પછી, મરણ પામેલી વ્યક્તિઓ વિષે શું? મરણ પામેલાઓની સ્થિતિ વિષે સભાશિક્ષક ૯:૫, ૧૦ સ્પષ્ટ કહે છે: “મૂએલા કંઈ જાણતા નથી . . . કબરમાં, કોઈ કામ નથી, કોઈ યોજના નથી, જ્ઞાન કે બુદ્ધિ નથી.” તેથી, મરણ પછી કંઈ જ જીવંત રહેતું નથી. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું કે માણસ મરે છે ત્યારે, “તેનું શરીર ભૂમિમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે.”—ગીતશાસ્ત્ર ૧૪૬:૪.

તેથી, એ સ્પષ્ટ છે કે મૂએલાંઓ ક્યાંય અસ્તિત્વ ધરાવતા નથી. તેઓ કંઈ પણ જાણી શકતા નથી. તેઓ કંઈ પણ જોઈ શકતા કે સાંભળી શકતા નથી, તેમ જ આપણી સાથે વાત પણ કરી શકતા નથી. તેથી, તેઓ આપણને મદદ કે નુકસાન પણ કરી શકતા નથી. આપણે મરણ પામેલી વ્યક્તિઓથી ડરવાની કંઈ જરૂર નથી. તો પછી, વ્યક્તિના મરણ સમયે કઈ રીતે આત્મા “નીકળી” જાય છે?

આત્મા ‘પરમેશ્વર પાસે પાછો જાય છે’

બાઇબલ બતાવે છે કે વ્યક્તિ મરણ પામે છે ત્યારે, ‘દેવે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જાય છે.’ (સભાશિક્ષક ૧૨:૭) શું એનો એવો અર્થ થાય કે આત્મા ખરેખર અવકાશમાં મુસાફરી કરીને દેવની પાસે જાય છે? ના, બિલકુલ નહિ! બાઇબલમાં ‘પાછા જવાનો’ અર્થ શાબ્દિક રીતે એકથી બીજી જગ્યાએ જવાનો થતો નથી. દાખલા તરીકે, અવિશ્વાસુ ઈસ્રાએલીઓને કહેવામાં આવ્યું હતું કે, “મારી ભણી પાછા ફરો, તો હું તમારી ભણી પાછો ફરીશ, એમ સૈન્યોનો દેવ યહોવાહ કહે છે.” (માલાખી ૩:૭) ઈસ્રાએલીઓનો યહોવાહ તરફ ‘પાછા ફરવાનો’ અર્થ એમ થતો હતો કે તેઓ પોતાના ખોટા માર્ગમાંથી પાછા ફરે અને ફરીથી પરમેશ્વરના ન્યાયી માર્ગમાં ચાલે. યહોવાહ ઈસ્રાએલીઓ તરફ ‘પાછા ફરશે’ એનો અર્થ એમ થતો હતો કે તે ફરીથી પોતાના લોકો પર કૃપા બતાવશે. આ બંને કિસ્સાઓમાં ‘પાછા’ ફરવાનો અર્થ વલણમાં ફેરફાર કરવો થાય છે, શાબ્દિક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો નહિ.

એવી જ રીતે, મરણ સમયે આત્મા પરમેશ્વર પાસે “પાછો જાય” છે ત્યારે, એ વાસ્તવમાં પૃથ્વી પરથી સ્વર્ગમાં જતો નથી. વ્યક્તિ એક વાર જીવન શક્તિ ગુમાવે છે પછી એ તેને ફક્ત પરમેશ્વર જ પાછી આપી શકે છે. તેથી, આત્મા “દેવની પાસે પાછો જશે” એનો અર્થ એ થાય કે ભાવિમાં તેને સજીવન કરવામાં આવશે કે નહિ એ ફક્ત પરમેશ્વર પર જ આધારિત છે.

દાખલા તરીકે, બાઇબલ ઈસુ ખ્રિસ્તના મરણ વિષે શું કહે છે એનો વિચાર કરો. સુવાર્તાના લેખક લુક બતાવે છે: “ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું, કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું; એમ કહીને તેણે પ્રાણ છોડ્યો.” (લુક ૨૩:૪૬) ઈસુનો આત્મા તેમનામાંથી નીકળી ગયો ત્યારે, તે શાબ્દિક રીતે સ્વર્ગમાં પાછો જતો ન હતો. ઈસુને ત્રણ દિવસ પછી મરણમાંથી સજીવન કરવામાં આવ્યા અને એના ચાળીસ દિવસ પછી તે સ્વર્ગમાં ગયા. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૩,) તેમ છતાં, તેમના મરણના સમયે, ઈસુએ પૂરા ભરોસાથી પોતાનો આત્મા પોતાના પિતાના હાથમાં સોંપ્યો. તેમને પૂરેપૂરી ખાતરી હતી કે યહોવાહ તેમને પાછા જીવનમાં લાવી શકે છે.

હા, પરમેશ્વર વ્યક્તિને ફરી સજીવન કરી શકે છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૦) એનાથી કેવી ભવ્ય આશા મળે છે!

અજોડ ભાવિ!

બાઇબલ કહે છે: “એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં [“સ્મરણ કબરમાં,” NW] છે તેઓ સર્વ તેની [ઈસુની] વાણી સાંભળશે.” (યોહાન ૫:૨૮, ૨૯) હા, ઈસુ ખ્રિસ્તે વચન આપ્યું કે જેઓ યહોવાહના સ્મરણમાં છે તેઓને તે ફરી સજીવન કરશે. તેઓમાં યહોવાહના સેવકો પણ હશે કે જેઓ તેમનાં ન્યાયી ધોરણો પ્રમાણે જીવ્યા છે. પરંતુ, બીજા કરોડો લોકો પરમેશ્વરનાં ન્યાયી ધોરણો પ્રમાણે જીવવાની તક મળે એ પહેલાં જ મરણ પામ્યા છે. તેઓ યહોવાહ શું માંગે છે એ જાણતા ન હતા કે તેઓને ફેરફારો કરવાનો યોગ્ય સમય મળ્યો ન હતો. એવા લોકો પણ પરમેશ્વરના સ્મરણમાં છે અને તે તેઓને ફરી સજીવન કરશે. કેમ કે બાઇબલ કહે છે: “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

આજે, પૃથ્વી ધિક્કાર, લડાઈ, હિંસા, કત્લેઆમ, પ્રદૂષણ અને અનેક બીમારીઓથી ભરેલી છે. મરણ પામેલા લોકોને આ પ્રકારની પૃથ્વી પર પાછા સજીવન કરવામાં આવે તો, થોડા સમય માટે જ તેઓને ખુશી મળશે. પરંતુ ઉત્પન્‍નકર્તાએ વચન આપ્યું છે કે તે જલદી જ આ દુષ્ટ વર્તમાન જગતનો નાશ કરશે કેમ કે આ જગત શેતાનની સત્તામાં છે. (નીતિવચન ૨:૨૧, ૨૨; દાનીયેલ ૨:૪૪; ૧ યોહાન ૫:૧૯) ત્યારે ન્યાયી માણસો “નવી પૃથ્વી” પર રહેતા હશે.—૨ પીતર ૩:૧૩.

એ સમયે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) અરે, મરણના કારણે દુઃખ થાય છે એ પણ જતું રહ્યું હશે. કેમ કે પરમેશ્વર “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (પ્રકટીકરણ ૨૧:૪) “સ્મરણ કબરમાં” છે તેઓ માટે કેવી આશા!

યહોવાહ પૃથ્વી પરથી દુષ્ટ લોકોનો નાશ કરશે ત્યારે, તે તેઓની સાથે ન્યાયી લોકોનો નાશ કરશે નહિ. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; ૧૪૫:૨૦) પરંતુ, “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકોના તથા ભાષાના” લોકોની “મોટી સભા” વર્તમાન દુષ્ટ જગતની “મોટી વિપત્તિમાંથી” બચી જશે. (પ્રકટીકરણ ૭:૯-૧૪) તેથી, આ મોટી સભાના લોકો, ફરીથી સજીવન થયેલાઓને આવકારશે.

શું તમે તમારા પ્રિયજનને ફરી જોવાની ઝંખના રાખો છો? શું તમે ન્યાયી નવી પૃથ્વી પર હંમેશ માટે જીવવા ઇચ્છો છો? તો તમારે પરમેશ્વર વિષે અને તેમના હેતુઓ વિષેનું ચોકસાઈભર્યું જ્ઞાન લેવું જ જોઈએ. (યોહાન ૧૭:૩) એ યહોવાહની ઇચ્છા છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.”—૧ તીમોથી ૨:૩, ૪.

[પાન ૪ પર ચિત્ર]

“તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે”

[પાન ૫ પર ચિત્ર]

આત્માને વીજળી સાથે સરખાવી શકાય

[પાન ૭ પર ચિત્ર]

સજીવન થયેલા લોકો હંમેશા આનંદી રહેશે