સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ખરેખર સહનશીલ છો?

શું તમે ખરેખર સહનશીલ છો?

શું તમે ખરેખર સહનશીલ છો?

શુંકોઈ વ્યક્તિની ખરાબ વર્તણૂકથી તમને ગુસ્સો આવે છે? તમારા ખાસ મિત્ર પર કોઈ બાબતની ખરાબ અસર થતી હોય તો, શું તમે તરત જ પગલાં લો છો?

અમુક સમયે ગંભીર પાપને અટકાવવા માટે તરત જ પગલાં લેવાની જરૂર પડે છે. દાખલા તરીકે, ૧૫મી સદી બી.સી.ઈ.માં ઈસ્રાએલીઓને ભ્રષ્ટ કરતું ગંભીર પાપ ધમકીરૂપ બન્યું. એ સમયે, હારૂનના પૌત્ર ફીનહાસે અનૈતિક બાબતો દૂર કરવા માટે મહત્ત્વનાં પગલાં લીધાં. તેણે જે કંઈ કર્યું એનાથી યહોવાહને આનંદ થયો. તેમણે કહ્યું: “ફીનહાસે તેઓ મધ્યે મારા આવેશથી આવેશી થઇને ઈસ્રાએલપુત્રો પરથી મારો કોપ પાછો વાળ્યો છે, તેથી મેં મારા આવેશમાં ઇસ્રાએલપુત્રોનો નાશ ન કર્યો.”—ગણના ૨૫:૧-૧૧.

ફીનહાસે એકદમ યોગ્ય પગલાં લીધાં. પરંતુ બીજાઓ ભૂલ કરે ત્યારે બેકાબૂ ગુસ્સે થવા વિષે શું? આપણે તરત જ ગુસ્સામાં આવીને કંઈક કરી બેસીએ તો, આપણે ન્યાયી નહિ પરંતુ અસહિષ્ણુ બનીશું. બીજાઓની ભૂલોને જરા પણ સહન ન કરીને અસહિષ્ણુ બનતા રોકવા કઈ બાબત આપણને મદદ કરશે?

‘યહોવાહ તારાં સઘળાં પાપ માફ કરે છે’

યહોવાહ પરમેશ્વર “ઈર્ષાળુ (ઉત્સાહી) દેવ છે; દેવ જે હરીફાઈ સાંખી લેતા નથી.” (નિર્ગમન ૨૦:૫, NW, નિમ્નનોંધ) તે આપણા ઉત્પન્‍નકર્તા હોવાથી, આપણી પાસેથી અનન્ય ભક્તિ માંગે એ યોગ્ય છે. (પ્રકટીકરણ ૪:૧૧) તોપણ, યહોવાહ માનવીઓની નબળાઈઓને સહન કરે છે. એ વિષે ગીતશાસ્ત્રના લેખક દાઊદે લખ્યું: “યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. તે સદા ધમકી આપ્યા કરશે નહિ; . . . તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી.” જો આપણે પસ્તાવો કરીએ તો, ‘તે આપણા સઘળાં પાપ માફ કરે છે.’—ગીતશાસ્ત્ર ૧૦૩:૩, ૮-૧૦.

યહોવાહ માનવીઓના પાપી વલણને જાણે છે, એ કારણે તે પસ્તાવો કરનાર વ્યક્તિને “સદા ધમકી” આપ્યા કરતા નથી. (ગીતશાસ્ત્ર ૫૧:૫; રૂમી ૫:૧૨) હકીકતમાં, તેમનો હેતુ પાપ અને અપૂર્ણતા દૂર કરવાનો છે. એમ ન થાય ત્યાં સુધી, તે ‘આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્તવાને’ બદલે, ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાનના આધારે આપણાં પાપ માફ કરે છે. યહોવાહ આપણા પર દયા ન બતાવે તો, આપણામાંનું કોઈ પણ બચી શકે નહિ. (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) આપણે કેટલા આભારી છીએ કે અનન્ય ભક્તિના હક્કદાર, આપણા સ્વર્ગીય પિતા, દયાળુ દેવ છે!

સમતોલપણું જરૂરી છે

વિશ્વના સર્વોપરી પરમેશ્વર અપૂર્ણ માનવીઓ પ્રત્યે સહનશીલતા બતાવે છે. તો પછી, શું આપણે પણ સહનશીલ ન બનવું જોઈએ? સહનશીલનો અર્થ આમ થાય છે: “બીજા લોકોના વિચારો અને કાર્યો પ્રત્યે ધીરજ બતાવવી.” કોઈ વ્યક્તિ આપણી સાથે અયોગ્ય રીતે બોલે અથવા વર્તે કે જે ગંભીર પાપ ન પણ હોય, એવા સમયે શું આપણે ધીરજ બતાવીએ છીએ?

જોકે, આપણે વધારે પડતા સહનશીલ બનવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે, પાદરીઓ છોકરા-છોકરીઓ પર જાતીય અત્યાચાર કરે છે ત્યારે, ચર્ચના આગેવાનો એ સહન કરીને પાદરીને બીજા ચર્ચમાં મોકલી આપે છે. આયર્લૅન્ડનો એક અહેવાલ બતાવે છે કે “પાદરીઓ બાળકો પર જાતીય અત્યાચાર કરે છે ત્યારે, ચર્ચના વડાઓ એ પાદરીની નાની ભૂલ ગણીને તેને બીજી જગ્યાએ બદલી કરી દે છે.”

શું આ પ્રકારની બદલી કરીને સહનશીલતા બતાવવી યોગ્ય છે? બિલકુલ નહિ! ધારો કે કોઈ સર્જનની બેદરકારીના કારણે દરદીઓ મરી જાય છે અથવા તેઓને ગંભીર ઈજા થાય છે. તેમ છતાં, તેને બીજી હૉસ્પિટલમાં બદલી કરીને ઑપરેશન કરવાની પરવાનગી આપવામાં આવે છે. તેઓ આ પ્રકારની “સહનશીલતા” ચલાવી લે છે. પરંતુ બેદરકારીથી કોઈ દરદી મરણ પામે કે તેને ગંભીર ઈજા થાય એનું શું?

વળી, બિલકુલ સહનશીલતા નહિ બતાવવામાં પણ જોખમ છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, ઝીલોટ્‌સ તરીકે ઓળખાતા યહુદીઓએ પોતાનાં કૃત્યોને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કરતા ફીનહાસના ઉદાહરણનો ખોટો ઉપયોગ કર્યો. અમુક ઝીલોટ્‌સ યહુદીઓનું એક ગંભીર ખરાબ કૃત્ય એ હતું કે “તેઓ પર્વ કે એવા બીજા કોઈ પ્રસંગોએ ટોળામાં ભળી જતા અને પોતાના દુશ્મનોને છરી ભોંકી દેતા.”

જોકે, આપણે એક ખ્રિસ્તી હોવાથી, આપણું બનતું ન હોય તેઓ સાથે ઝીલોટ્‌સ જેવા તો નહિ જ બનીએ. પરંતુ, અમુક હદ સુધી સહનશીલ બન્યા પછી, શું આપણે તેઓ સાથે અસભ્યતાથી બોલીએ છીએ? આપણે ખરેખર સહનશીલ હોઈએ તો, કદી પણ એવા અપશબ્દોનો ઉપયોગ કરીશું નહિ.

પ્રથમ સદીમાં ફરોશીઓ પણ સહનશીલતા બતાવતા ન હતા. તેઓ હંમેશા લોકોની ભૂલો શોધીને, તેઓની અપૂર્ણતાઓને ધ્યાનમાં લેતા ન હતા. અભિમાની ફરોશીઓ સામાન્ય લોકોને હલકાં ગણતા હતા. તેઓ તેમને ‘શાપિત લોકો’ તરીકે ગણતા હતા. (યોહાન ૭:૪૯) તેથી જ, ઈસુએ આવા સ્વ-ન્યાયી લોકોને ઠપકો આપતા કહ્યું: “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે ફૂદીનાનો તથા સૂવાનો તથા જીરાનો દશમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની મોટી વાતો, એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, ને એ પડતાં મૂકવાં જોઈતાં ન હતાં.”—માત્થી ૨૩:૨૩.

આમ કહીને ઈસુ મુસાના નિયમોનું ઓછું મૂલ્ય આંકી રહ્યા ન હતા. પરંતુ તે એમ બતાવવા માંગતા હતા કે નિયમશાસ્ત્રની “મોટી વાતો” કે મહત્ત્વની બાબતો પર ભાર મૂકવો જ પૂરતું નથી. એના બદલે, નિયમ વાજબી રીતે લાગુ પાડવાની સાથે દયા પણ બતાવવી જોઈએ. ઈસુ અને તેમના શિષ્યો, અસહિષ્ણુ એવા ફરોશીઓ અને ઝીલોટ્‌સથી કેવા અલગ તરી આવ્યા!

યહોવાહ પરમેશ્વર કે ઈસુ ખ્રિસ્ત ખરાબ બાબતોને ચલાવી લેતા નથી. જલદી જ, “જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.” (૨ થેસ્સાલોનીકી ૧:૬-૧૦) તેમ છતાં, ન્યાયીપણા માટેના પોતાના ઉત્સાહમાં, ઈસુ ક્યારેય ધીરજ, દયા અને પ્રેમાળ ચિંતા જેવા પોતાના સ્વર્ગીય પિતાના ગુણો બતાવવામાં નિષ્ફળ ગયા નહિ. તેમણે સાચું કરવા ઇચ્છતા લોકો માટે એ ગુણો બતાવ્યા. (યશાયાહ ૪૨:૧-૩; માત્થી ૧૧:૨૮-૩૦; ૧૨:૧૮-૨૧) ઈસુએ આપણા માટે કેવું સારું ઉદાહરણ બેસાડ્યું!

ધીરજથી એકબીજાનું સહન કરો

આપણે સાચું કરવા ઉત્સાહી હોઈએ છતાં, આપણે પ્રેષિત પાઊલની સલાહ લાગુ પાડવી જોઈએ: “એકબીજાનું સહન કરો, ને જો કોઇને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.” (કોલોસી ૩:૧૩; માત્થી ૬:૧૪, ૧૫) આ અપૂર્ણ જગતમાં એકબીજાની ભૂલોને માફ કરવા માટે સહનશીલતા જરૂરી છે. આપણે બીજાઓ પાસેથી વાજબી અપેક્ષાઓ રાખવી જોઈએ.—ફિલિપી ૪:૫.

સહનશીલ બનવાનો અર્થ એવો થતો નથી કે ખોટી બાબતો ચલાવી લેવી કે ભૂલો પ્રત્યે આંખ આડા કાન કરવા. કોઈ ખ્રિસ્તી ભાઈ કે બહેનના વિચારો અને વર્તણૂક કંઈક અંશે યહોવાહનાં ધોરણો અનુસાર ન પણ હોય. તોપણ, બાબત એટલી ગંભીર ન હોય શકે કે જેનાથી તે પરમેશ્વરની કૃપા ગુમાવી બેસે. પરંતુ, એના પરથી એવું લાગી શકે કે તેમણે અમુક ફેરફાર કરવાની જરૂર છે. (ઉત્પત્તિ ૪:૬, ૭) ભૂલ કરનાર વ્યક્તિને આત્મિક ભાઈઓ નમ્રતાથી સુધારો કરવા મદદ કરે છે. એ કેવી પ્રેમાળ જોગવાઈ છે! (ગલાતી ૬:૧) તેમ છતાં, એ પ્રયત્નમાં સફળ થવા માટે ટીકાત્મક વલણ રાખવાના બદલે પ્રેમાળ કાળજી રાખવી જરૂરી છે.

“નમ્રતાથી તથા સત્યતાથી”

આપણાથી અલગ ધર્મ પાળતા લોકો પ્રત્યે ધીરજ બતાવવા વિષે શું? આયર્લૅન્ડમાં ૧૮૩૧માં બધી જ સરકારી સ્કૂલોમાં “બોધ આપતો સંદેશો” લખેલો જોવા મળતો હતો. એમાં આમ લખેલું હતું: “ઈસુ ખ્રિસ્ત એવું ઇચ્છતા ન હતા કે બીજાઓને પોતાનો ધર્મ બળજબરીથી શીખવવામાં આવે. . . . આપણા પડોશીઓ સાથે ઝઘડો કરીને કે તેમની સાથે ખરાબ રીતે વર્તીને એમ બતાવવું કે અમે સાચા છીએ અને તેઓ ખોટા છે, એ યોગ્ય રીત નથી. તેમને એ રીતે બતાવવું એ ખ્રિસ્તી રીત નથી.”

ઈસુએ એ રીતે શીખવ્યું અને એ રીતે વર્ત્યા કે લોકો બાઇબલ તરફ ખેંચાયા. તેથી, આપણે પણ એવું જ કરવું જોઈએ. (માર્ક ૬:૩૪; લુક ૪:૨૨, ૩૨; ૧ પીતર ૨:૨૧) તે એક સંપૂર્ણ માણસ હોવાથી લોકોના હૃદય વાંચી શકતા હતા. તેથી, યોગ્ય હોય ત્યારે તે યહોવાહના દુશ્મનોને કડક શબ્દોમાં ઠપકો આપી શક્યા. (માત્થી ૨૩:૧૩-૩૩) એનાથી કંઈ તે અસહિષ્ણુ બનતા ન હતા.

જોકે, ઈસુની જેમ આપણે લોકોના હૃદય વાંચી શકતા નથી. તેથી, આપણે પાઊલની સલાહ અનુસરવી જોઈએ: “ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.” (૧ પીતર ૩:૧૫) આપણી માન્યતા વિષે કોઈ પ્રશ્ન કરે તો, યહોવાહના સેવકો તરીકે તેઓને બાઇબલમાંથી જવાબ આપવા તૈયાર રહેવું જોઈએ. પરંતુ આપણે બીજાઓની માન્યતાઓ પ્રત્યે પણ આદર બતાવવો જોઈએ. પાઊલે લખ્યું: “તમારૂં બોલવું હમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.”—કોલોસી ૪:૬.

ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કહ્યું: “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) તેથી, ચાલો આપણે ધીરજથી એકબીજાનું સહન કરીએ. તેમ જ, આપણે લોકોને સુસમાચારનો પ્રચાર કરીએ ત્યારે તેઓ પ્રત્યે આદર બતાવીએ. યોગ્ય સહનશીલતા સાથે ન્યાયીપણા માટે આપણો ઉત્સાહ બતાવવામાં સમતોલ રહીને, આપણે યહોવાહ પરમેશ્વરને ખુશ કરી શકીશું અને સાચે જ સહનશીલ બની શકીશું.

[પાન ૨૩ પર ચિત્ર]

ફરોશીઓની જેમ અસહિષ્ણુ બનવાનું ટાળો

[પાન ૨૩ પર ચિત્ર]

ઈસુ, પોતાના પિતા યહોવાહની જેમ સહનશીલ હતા. શું તમે સહનશીલ છો?