સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું મરણ પછી જીવન છે?

શું મરણ પછી જીવન છે?

શું મરણ પછી જીવન છે?

“શુંમૂએલો માણસ સજીવન થાય?” એ પ્રશ્ન અયૂબે કંઈક ૩,૫૦૦ વર્ષ પહેલાં પૂછ્યો હતો. (અયૂબ ૧૪:૧૪) આ પ્રશ્ન માણસજાતને હજારો વર્ષોથી ગૂંચવી રહ્યો છે. સદીઓથી દરેક સમાજના લોકોએ આ વિષય પર મનન કરીને પોતાના વિવિધ મંતવ્યો આપ્યા છે.

ઘણા કહેવાતા ખ્રિસ્તીઓ માને છે કે મરણ પછી, લોકો સ્વર્ગ કે નર્કમાં જાય છે. બીજી બાજુ, હિંદુઓ પુનર્જન્મમાં માને છે. મુસ્લિમ ધર્મની માન્યતા પર ટીકા આપતા, મુસ્લિમ ધર્મના એક કેન્દ્રના મદદનીશ શિક્ષક મુવૈયાહ કહે છે: “અમે માનીએ છીએ કે મરણ પછી કયામતનો દિવસ આવશે, ત્યારે તમે પરમેશ્વર, અલ્લાહ પાસે જશો, કે જે શાબ્દિક રીતે અદાલતમાં જવા જેવું જ હશે.” મુસ્લિમ ધર્મ પ્રમાણે, મરણ પછી કયામતનો દિવસ આવશે ત્યારે, અલ્લાહ દરેક વ્યક્તિને તેના જીવન પ્રમાણે જન્‍નત કે દોઝખને હવાલે કરશે.

શ્રીલંકામાં, બૌદ્ધધર્મીઓ અને કૅથલિકો બંને તેઓના ઘરમાં કોઈનું મરણ થતા જ દરવાજા અને બારીઓ એકદમ ખુલ્લા રાખે છે. વળી, દીવો સળગાવવામાં આવે છે અને તેઓ મરણ પામનારના પગ, આગળના દરવાજા તરફ રહે એ રીતે શબપેટીને રાખતા હોય છે. તેઓ માને છે કે આમ કરવાથી મરણ પામનારનો આત્મા સહેલાઈથી બહાર જઈ શકશે.

પશ્ચિમ ઑસ્ટ્રેલિયાની વિશ્વવિદ્યાલયના રોનાલ્ડ એમ. બર્ન્ટ અનુસાર, ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓ માને છે કે “માણસજાતમાં આત્મિક ભાગ જેવું કંઈક છે કે જે અમર છે.” આફ્રિકાની કેટલીક જાતિઓ માને છે કે મરણ પછી સામાન્ય જનતા ભૂત બને છે, જ્યારે કે પ્રખ્યાત વ્યક્તિઓ આત્માના પૂર્વજો બને છે કે જેઓને માન આપવામાં આવે છે અને સમાજના અદૃશ્ય આગેવાનોની જેમ તેઓને પ્રાર્થના કરવામાં આવે છે.

બીજા કેટલાક દેશોમાં મરણ વિષેની માન્યતા, સ્થાનિક પ્રણાલીઓ અને કહેવાતા ખ્રિસ્તી ધર્મનું મિશ્રણ છે. પશ્ચિમ આફ્રિકામાં ઘણા કૅથલિકો અને પ્રોટેસ્ટંટોમાં, કોઈ મરણ પામે ત્યારે, મરણ પામનાર વ્યક્તિના આત્માને કોઈ જુએ નહિ માટે અરીસાને ઢાંકવાનો રિવાજ છે.

ખરેખર, લોકો ‘આપણે મરણ પામીએ છીએ ત્યારે આપણને શું થાય છે?’ આ પ્રશ્નના વિવિધ જવાબો આપે છે. તોપણ, એક સામાન્ય માન્યતા એ છે કે, વ્યક્તિમાં એવું કંઈક છે કે જે મરણ પછી પણ અમર રહે છે. કેટલાક લોકો માને છે કે એ “કંઈક” આત્મા જેવું છે.

પરંતુ, વાસ્તવમાં શું વ્યક્તિમાં આત્મા જીવે છે? શું મરણ સમયે ખરેખર આત્મા શરીરને છોડીને જાય છે? જો એમ હોય તો, આત્માનું શું થાય છે? મરણ પામેલી વ્યક્તિઓ માટે કઈ આશા છે? આ પ્રશ્નો પર આપણે વિચારવું જ જોઈએ. આપણે ગમે તે ધર્મના કે સંસ્કૃતિના હોઈએ, પરંતુ આપણે સર્વએ મરણનો સામનો કરવો પડે છે. આ વિષય તમને વ્યક્તિગત રીતે ઊંડી અસર કરે છે. અમે તમને આ વિષયમાં વધારે માહિતી લેવાનું ઉત્તેજન આપીએ છીએ.