સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારી ટેવમાંથી લાભ મેળવો

તમારી ટેવમાંથી લાભ મેળવો

તમારી ટેવમાંથી લાભ મેળવો

એક માણસ ૧૨ વર્ષથી એથેન્સના એક શહેરમાં રહેતો હતો. દરરોજ તે ઘરે જવા માટે એક જ રસ્તેથી જતો હતો. ત્યાર પછી તે શહેરના બીજા ભાગમાં રહેવા ગયો. એક દિવસ કામ પરથી પાછા ફરતા, તે ઘર તરફ જવા લાગ્યો. પરંતુ, તે ભૂલથી પહેલાં જ્યાં રહેતો હતો એ વિસ્તારમાં ગયો ત્યારે, તેને ખબર પડી કે તે ખોટા રસ્તે ગયો હતો. પોતાની ટેવના કારણે, તે પોતાના અગાઉના ઘરના રસ્તે ગયો હતો!

ટેવને ઘણી વાર આપોઆપ થતી ક્રિયા કહેવામાં આવે એમાં કંઈ નવાઈ નથી. ટેવ આપણા જીવનમાં ઘણી ઊંડી અસર કરે છે. તેથી, ટેવને આગ સાથે સરખાવી શકાય. આગ અંધારામાં પ્રકાશ આપે છે, આપણા શરીરને ગરમી આપે છે અને ખોરાકને ગરમ પણ કરે છે. બીજી બાજુ, આગને ઘાતક દુશ્મન પણ કહી શકાય કેમ કે એ જીવનો અને સંપત્તિનો નાશ કરે છે. એ જ બાબત આપણે ટેવ સાથે પણ સરખાવી શકીએ. જો આપણે સારી ટેવ પાડી હોય તો, એનાથી ઘણા લાભ થાય છે. પરંતુ, સારી ટેવ ન પાડીએ તો, એ નુકસાન કરનાર પણ બની શકે છે.

શરૂઆતમાં ઉલ્લેખ કરેલા માણસના કિસ્સામાં, તેણે પોતાની ટેવને કારણે થોડો જ સમય ગુમાવ્યો. પરંતુ, સૌથી મહત્ત્વની બાબત આવે છે ત્યારે, ટેવ આપણને સફળતા અપાવી શકે અથવા આપણને પાયમાલ પણ કરી શકે. આપણી ટેવ પરમેશ્વરની સેવા કરવામાં અને તેમની સાથે ગાઢ સંબંધ બાંધવામાં મદદરૂપ કે અવરોધરૂપ બની શકે. કઈ રીતે? ચાલો, આપણે બાઇબલમાંથી જ કેટલાંક ઉદાહરણોને ધ્યાનમાં લઈએ.

સારી અને ખરાબ ટેવનાં બાઇબલ ઉદાહરણો

નુહ, અયૂબ અને દાનીયેલને પરમેશ્વર સાથે ગાઢ સંબંધ હતો. તેથી, પરમેશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો હતો. બાઇબલ તેઓના “ન્યાયીપણાને લીધે” તેઓની પ્રશંસા કરે છે. (હઝકીએલ ૧૪:૧૪, IBSI) આ ત્રણેવ વ્યક્તિઓના જીવનમાંથી જોવા મળે છે કે તેઓએ સારી ટેવ કેળવી હતી.

નુહને વહાણ બાંધવાનું કહેવામાં આવ્યું. એ એક મોટું વહાણ હતું. એ યુરોપિયન ફૂટબોલના મેદાન કરતાં પણ મોટું અને પાંચ માળના મકાન કરતાં ઊંચું હતું. આવી મોટી યોજનાએ પ્રાચીન સમયના વહાણ બનાવનારાઓને દંગ કરી દીધા હશે. નુહ અને તેમના કુટુંબના સાત સભ્યોએ આધુનિક સાધનોની મદદ વગર એ વહાણ બાંધ્યું. વધુમાં, નુહે પોતાના સમયના લોકોને પ્રચાર કરવાનું પણ ચાલુ રાખ્યું. તેમણે પોતાના કુટુંબની આત્મિક અને ભૌતિક કાળજી પણ લીધી હતી. (૨ પીતર ૨:૫) આ બધું કાર્ય પૂરું કરવા માટે, નુહે કામ કરવાની સારી આદત પાડી હશે. બાઇબલમાં તેમના વિષે આ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે: “નુહ દેવની સાથે ચાલતો. નુહે એમજ કર્યું; દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.” (ઉત્પત્તિ ૬:૯, ૨૨) બાઇબલમાં તેમને ‘ન્યાયી તથા સીધા માણસ’ તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. આથી, જળપ્રલય પછી અને બાબેલમાં યહોવાહ વિરુદ્ધ બળવો ફાટી નીકળ્યો ત્યારે પણ તે યહોવાહના માર્ગમાં જ ચાલ્યા હશે. ખરેખર, નુહ ૯૫૦ વર્ષ જીવ્યાં ત્યાં સુધી પરમેશ્વરના માર્ગમાં ચાલ્યા.—ઉત્પત્તિ ૯:૨૯.

અયૂબની સારી ટેવે તેમને “નિર્દોષ તથા પ્રામાણિક” બનવા મદદ કરી. (અયૂબ ૧:૧, ૮; ૨:૩) તે રિવાજ પ્રમાણે કે પોતાની ટેવ મુજબ, ઉજાણીના દિવસો પછી કુટુંબના યાજક તરીકે બાળકોના હિતમાં દહનીયાર્પણ કરતા હતા. તે કહેતા કે “કદાપી મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં દેવનો ઈનકાર કર્યો હોય. અયૂબ એ પ્રમાણે હમેશ કરતો હતો.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (અયૂબ ૧:૫) અયૂબ પોતાના કુટુંબમાં યહોવાહની ઉપાસનાને પ્રથમ રાખતા હતા.

દાનીયેલે પોતાનું સમગ્ર જીવન યહોવાહની “નિરંતર ઉપાસના” કરી. (દાનીયેલ ૬:૧૬, ૨૦) દાનીયેલે કયા પ્રકારની સારી આત્મિક ટેવ પાડી હતી? એક બાબત એ કે છે તે નિયમિત રીતે યહોવાહને પ્રાર્થના કરતા હતા. વળી, તેમની આ ટેવ વિરુદ્ધ રાજાએ હુકમ કર્યો છતાં, “દિવસમાં ત્રણવાર ઘૂંટણીએ પડીને તેણે [દાનીયેલે] પ્રાર્થના કરી, ને પોતાના દેવની [“નિયમિત,” NW] ઉપકારસ્તુતિ કરી.” (દાનીયેલ ૬:૧૦) દાનીયેલની આ ટેવ તેમના જીવનને ધમકીરૂપ બની ત્યારે પણ, તે પરમેશ્વરને પ્રાર્થના કરવાની પોતાની ટેવને છોડી શક્યા નહિ. નિઃશંક, એ ટેવે તેમને પરમેશ્વર પ્રત્યે પ્રમાણિકતા જાળવી રાખવા દૃઢ કર્યા. દાનીયેલને પરમેશ્વરે આપેલાં અદ્‍ભુત વચનોનો અભ્યાસ કરીને ઊંડું મનન કરવાની ટેવ હતી. (યિર્મેયાહ ૨૫:૧૧, ૧૨; દાનીયેલ ૯:૨) એ સારી ટેવે, તેમને અંત સુધી સહન કરીને વિશ્વાસુપણે પોતાના જીવનની દોડમાં દોડતા રહેવા મદદ કરી.

આ વિશ્વાસુ વ્યક્તિઓથી ભિન્‍ન, દીનાહને પોતાની ખરાબ ટેવને કારણે માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં. તે એ “દેશની સ્ત્રીઓને [“હંમેશા,” NW] મળવા” જતી હતી જેઓ યહોવાહની ઉપાસના કરતી ન હતી. (ઉત્પત્તિ ૩૪:૧) આ બિન-નુકસાનકારક લાગતી ટેવ, વિનાશ તરફ દોરી ગઈ. સૌ પ્રથમ, શખેમે દીનાહ પર બળાત્કાર કર્યો કે જે, “તેના બાપના ઘરમાં સર્વ કરતાં માનીતો હતો.” ત્યાર પછી, દીનાહના બે ભાઈઓએ બદલો લેવા આખા શહેરના પુરુષોને મારી નાખ્યા. કેવું ભયંકર પરિણામ!—ઉત્પત્તિ ૩૪:૧૯, ૨૫-૨૯.

આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આપણી ટેવ લાભદાયી છે કે હાનિકારક છે?

સારી ટેવો પાડવી

એક તત્ત્વજ્ઞાનીએ લખ્યું, “આદત નસીબમાં હોય છે.” પરંતુ એ કંઈ આપણા નસીબમાં નથી હોતી. બાઇબલ સ્પષ્ટપણે બતાવે છે કે આપણે પોતાની ખરાબ ટેવોને સુધારીને સારી ટેવો કેળવવાનું નક્કી કરી શકીએ.

સારી ટેવો પાડવાથી, અસરકારક રીતે પરમેશ્વરના માર્ગમાં ચાલતા રહેવું સહેલું બને છે. ગ્રીસમાં રહેતા એલેક્સ નામના એક ખ્રિસ્તી ભાઈ કહે છે, “જુદાં જુદાં કામોને સારી રીતે પૂરા કરવા માટે સમયપત્રકને વળગી રહેવાની ટેવથી મારા સમયનો બગાડ થતો નથી.” થેઓફિલ નામના એક ખ્રિસ્તી વડીલે બતાવ્યું કે યોજના મુજબ કામ કરવાની ટેવ પાડવાથી તેમને સફળ થવામાં મદદ મળી છે. તે કહે છે: “મને પૂરી ખાતરી થઈ ગઈ છે કે મેં યોજના કરવાની સારી ટેવ ન પાડી હોત તો, ખ્રિસ્તી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી શક્યો ન હોત.”

એક ખ્રિસ્તી તરીકે, આપણને વિનંતી કરવામાં આવી છે કે “જે રીતે આપણે અત્યાર સુધી અનુસર્યા છીએ તે જ રીતે આગળ વધીએ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (ફિલિપી ૩:૧૬, પ્રેમસંદેશ) અનુસરવું એટલે “ઘણા વખતથી વપરાશમાં હોવાને લીધે મજબૂત થયેલો રિવાજ.” આ પ્રકારની સારી ટેવો આપણને લાભ કરે છે કેમ કે આપણે દરેક વખતે કાર્ય કરવા માટે સખત મહેનત કરવી પડતી નથી. આપણે એની સારી ટેવ પાડી દીધી છે. ટેવ પડવાથી આપણે આપોઆપ જ કામ કરીએ છીએ. સારી રીતે વાહન ચલાવવાની ટેવ પાડનાર વ્યક્તિ રસ્તા પરનું જોખમ જોઈને તરત જ નિર્ણય લઈ શકે છે. એવી જ રીતે, સારી ટેવ પરમેશ્વરના માર્ગમાં ચાલવા માટે ઝડપથી યોગ્ય નિર્ણયો લેવા મદદ કરે છે.

એક અંગ્રેજ લેખક જેરીમી ટાલરે કહ્યું તેમ, “ટેવ કાર્યોનું ફળ છે.” આપણી ટેવો સારી હોય તો, આપણે સારું કાર્ય કરવા સખત મહેનત કરવી પડતી નથી. દાખલા તરીકે, એક ખ્રિસ્તી સેવક તરીકે આપણને નિયમિત પ્રચારમાં જવાની ટેવ હશે તો, પ્રચારમાં જવું આપણા માટે સહેલું અને વધારે આનંદ આપનારું બને છે. પ્રેષિતો વિષે આપણે વાંચીએ છીએ કે “તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તેજ ખ્રિસ્ત છે તે વિષે શિખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨) બીજી બાજુ, આપણે અમુક વાર જ પ્રચારમાં જતા હોઈએ તો, જ્યારે જવાનું થાય ત્યારે આપણે ગભરામણ અનુભવી શકીએ. પ્રચારના આ મહત્ત્વના કાર્યમાં આપણે આત્મવિશ્વાસ અનુભવીએ એ માટે થોડો સમય લાગી શકે.

યહોવાહના માર્ગમાં ચાલવાના બીજા પાસાંઓ માટે પણ એમ જ છે. સારી ટેવ આપણને નિયમિત રીતે ‘પરમેશ્વરનો શબ્દ રાતદિવસ વાંચવા’ મદદ કરે છે. (યહોશુઆ ૧:૮; ગીતશાસ્ત્ર ૧:૨) એક ખ્રિસ્તી ભાઈને રાત્રે સૂતા પહેલાં ૨૦થી ૩૦ મિનિટ બાઇબલ વાંચવાની ટેવ છે. તે ઘણા થાકી ગયા હોય ત્યારે પણ જો બાઇબલ વાંચન કર્યા વિના સૂઈ જાય તો તેમને સારી ઊંઘ આવતી નથી. આથી, તેમણે બેઠા થઈને બાઇબલ વાંચવું જ પડે છે. આ સારી ટેવને લીધે તે આખું બાઇબલ એક વર્ષમાં વાંચી શકે છે. આમ, તેમની આ ટેવના લીધે તે ઘણી વાર આખું બાઇબલ વાંચી શક્યા છે.

આપણા માટે સારો નમૂનો બેસાડનાર ઈસુ ખ્રિસ્તને પણ, બાઇબલની ચર્ચા કરવામાં આવતી હોય ત્યાં હાજર રહેવાની ટેવ હતી. “પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સારૂ ઊભો થયો.” (લુક ૪:૧૬) મોટું કુટુંબ ધરાવતા વડીલ, ભાઈ જૉએ દિવસમાં લાંબો સમય કામ કરવું પડે છે. પરંતુ, તેમની ટેવે તેમને આગળ વધવા અને નિયમિત સભાઓમાં જવા મદદ કરી છે. તે કહે છે: “આ ટેવ મને આગળ વધવા જરૂરી આત્મિક સામર્થ્ય પૂરું પાડે છે અને એનાથી હું મુશ્કેલીઓનો સફળતાપૂર્વક સામનો કરી શકું છું.”—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

આ પ્રકારની ટેવ પરમેશ્વરના માર્ગમાં ચાલવા માટે જરૂરી છે. યહોવાહના લોકોની સતાવણી કરવામાં આવતી હતી એવા એક દેશના અહેવાલે બતાવ્યું: “આત્મિક રીતે સારી ટેવો પાડી છે અને સત્યની ઊંડી કદર કરે છે તેઓ માટે સતાવણી આવે ત્યારે મક્કમ રહેવામાં કંઈ વાંધો આવતો નથી. પરંતુ, પ્રચાર કાર્યમાં અનિયમિત અને ‘અનુકૂળ પ્રસંગે’ સભાઓ ચૂકી જનારા પર સતાવણી આવે છે ત્યારે, ઘણી વાર નાની બાબતોમાં પણ તેઓ તડજોડ કરી લેતા હોય છે.”—૨ તીમોથી ૪:૨.

ખરાબ ટેવ ટાળો, સારી ટેવો કેળવો

એવું કહેવામાં આવે છે કે ‘એક વ્યક્તિએ, જે બાબતમાં પ્રભુત્વ જમાવવા માંગતી હોય એની જ ટેવ પાડવી જોઈએ.’ ખરાબ ટેવોથી વ્યક્તિ ખરેખર ખરાબ પ્રભુત્વ જમાવે છે. તોપણ, એને છોડી શકાય છે.

સ્ટેલાને કલાકો સુધી ટીવી જોવાની ટેવ પડી ગઈ હતી. તે કબૂલે છે: “દરેક ખરાબ ટેવના સકંજામાં ફસાવા પાછળ ‘નિખાલસ’ કારણો હોય છે.” અને એ જ બાબતને કારણે તે કલાકો સુધી ટીવી જોતી હતી. તેણે મનમાં વિચાર્યું કે હું “ફક્ત થોડા આરામ” માટે ટીવી જોઈશ. પરંતુ, તેની એ ટેવ કાબૂ બહાર જતી ગઈ અને તે કલાકો સુધી ટીવી સામે બેસી રહેતી. તે કહે છે, “આ ખરાબ ટેવને લીધે હું આત્મિક રીતે પ્રગતિ કરી શકતી ન હતી.” તેણે પસંદગીના જ કાર્યક્રમો જોવાનો મક્કમ નિર્ણય લઈને કલાકો બગાડવાનું ઓછું કર્યું. સ્ટેલા કહે છે, “હું હંમેશા યાદ કરતી કે શા માટે હું મારી આ ટેવને છોડવા માગુ છું અને મારા નિર્ણયમાં મક્કમ રહેવા હું યહોવાહ પર આધાર રાખતી હતી.”

કારાલોસબુસ નામના એક ખ્રિસ્તી ભાઈ કહે છે કે ખરાબ ટેવને કારણે તે આત્મિક રીતે પ્રગતિ કરી શકતા ન હતા. “મેં જોયું કે હું હંમેશા લાસરિયાપણું કરતો હતો જેનાથી નુકસાન જ થાય છે. આથી, મેં મારા જીવનમાં ફેરફારો કરવાનું શરૂ કર્યું. એ માટે હું ખાસ કરીને ક્યારે અને કઈ રીતે કાર્ય શરૂ કરવું એ નક્કી કરતો. નિર્ણયો લેતી વખતે, એને નિયમિતપણે લાગુ પાડવાથી હું નક્કી કર્યા પ્રમાણે કરી શકતો અને એ સારી ટેવ પ્રમાણે હમણા પણ કરી રહ્યો છું.” ખરેખર, ખરાબ ટેવોના બદલે સારી ટેવો કેળવવી સારું છે.

સારી કે ખરાબ ટેવ કેળવવામાં આપણી સંગત અસર કરી શકે. જેમ ખરાબ ટેવ સારામાં ફેરવાય છે તેમ, સારી ટેવ ખરાબમાં ફેરવાઈ શકે. “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે” તેમ, સારી સંગત આપણને સારી ટેવનું અનુકરણ કરવાનું ઉદાહરણ પૂરું પાડે છે. (૧ કોરીંથી ૧૫:૩૩) સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે આપણી ટેવો આપણા પરમેશ્વર સાથેના સંબંધને દૃઢ કરી શકે છે અથવા નબળો પાડી શકે છે. સ્ટેલા કહે છે: “આપણી ટેવો સારી હોય તો, એ યહોવાહની સેવા કરવું સહેલું બનાવે છે. જો એ ખરાબ હોય તો, આપણા પ્રયત્નોને નિષ્ફળ કરે છે.”

સારી ટેવો પાડો અને એ પ્રમાણે કરો. એમ કરવાથી તમારા જીવનમાં સારી અસર પડશે અને તમને લાભ થશે.

[પાન ૧૯ પર ચિત્ર]

અગ્‍નિની જેમ, ટેવ લાભદાયી અથવા વિનાશક હોય શકે

[પાન ૨૧ પર ચિત્ર]

વિશ્રામવારે સભાસ્થાનમાં પરમેશ્વરનો શબ્દ વાંચવાની ઈસુને ટેવ હતી

[પાન ૨૨ પર ચિત્રો]

સારી આત્મિક ટેવો પરમેશ્વર સાથેના આપણા સંબંધને દૃઢ કરે છે