સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારી માન્યતા શાના પર આધારિત છે?

તમારી માન્યતા શાના પર આધારિત છે?

તમારી માન્યતા શાના પર આધારિત છે?

માન્યતાની વ્યાખ્યા આ પ્રમાણે છે, “કોઈ પણ વાતને સાચી, વાસ્તવિક કે આધારભૂત તરીકે સ્વીકારવી.” સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવ હક્કની વિશ્વવ્યાપી જાહેરાત (અંગ્રેજી) દરેક વ્યક્તિને તેના “વિચારો, અંતઃકરણ અને ધર્મ પ્રમાણે જીવવાના હક્ક”નું રક્ષણ કરે છે. એ હક્ક વ્યક્તિને “પોતાનો ધર્મ અને માન્યતા બદલવાની” સ્વતંત્રતા પણ આપે છે.

પરંતુ, શા માટે કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ કે માન્યતા બદલવા ઇચ્છતી હોય શકે? “મારી પોતાની માન્યતા છે અને હું એનાથી ખુશ છું,” આવું આપણને વારંવાર સાંભળવા મળે છે. જોકે, ઘણા લોકોને લાગે છે કે ખોટી માન્યતાથી કંઈ નુકસાન થતું નથી. દાખલા તરીકે, કોઈ માનતું હોય કે પૃથ્વી સપાટ છે તો, આવી માન્યતાથી વ્યક્તિને પોતાને કે બીજા કોઈને કંઈ નુકસાન થતું નથી. કેટલાક કહે છે, “આપણે સ્વીકારવું જોઈએ કે દરેકની માન્યતાઓ ભિન્‍ન છે.” પરંતુ શું એ ડહાપણભર્યું છે? શું કોઈ ડૉક્ટર સહેલાઈથી સહમત થશે કે પોતાનો સાથી ડૉક્ટર શબ તપાસ્યા પછી સીધો જ હૉસ્પિટલમાં જઈને દર્દીઓની તપાસ કરે એમાં તેને કંઈ વાંધો નથી?

ધર્મની બાબતમાં પણ ઇતિહાસ પુરાવો આપે છે કે ખોટી માન્યતાના કારણે ઘણું નુકસાન થયું છે. મધ્યયુગ દરમિયાન, કહેવાતા ધર્મયુદ્ધમાં ધાર્મિક ગુરુઓએ “ઝનૂની ખ્રિસ્તીઓને હિંસા કરવા” ભડકાવ્યા એનો વિચાર કરો, અથવા આધુનિક સમયના “ખ્રિસ્તી” સૈનિકોનો વિચાર કરો. કેટલાક દેશોમાં થતી અંદરોઅંદર લડાઈઓમાં આ સૈનિકોની “બંદૂકોના કુંદા પર કુંવારી મરિયમની છબી ચોંટાડેલી જોવા મળે છે, જેમ મધ્યકાલિન સૈનિકોની તલવારોના મૂઠ પર સંતોના નામ લખેલાં હતાં.” આ સર્વ ઝનૂની ખ્રિસ્તીઓ માનતા હતા કે તેઓ એકલા જ સાચા છે. પરંતુ, એ દેખીતું છે કે લડાઈ અને સંઘર્ષ કરતા આ અને બીજા ધર્મોમાં ખરેખર કંઈક ખોટું થઈ રહ્યું હતું.

આજે શા માટે આટલી બધી અવ્યવસ્થા અને લડાઈઓ જોવા મળે છે? બાઇબલ એનો જવાબ આપે છે કે શેતાન, ડેવિલ “આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯; ૨ કોરીંથી ૪:૪; ૧૧:૩) પ્રેષિત પાઊલે ચેતવણી આપી કે ઘણા ધાર્મિક લોકોનો “નાશ” થશે કારણ કે તેઓ શેતાનના ‘વિચિત્ર ચિહ્‍નો તથા મોટા ચમત્કારોથી’ ભરમાઈ ગયા છે. તેઓ વિષે પાઊલે કહ્યું કે આવા લોકોએ ‘પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કરવાનો હતો, પણ તેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ’ અને આમ “અધર્મમાં આનંદ માન્યો.” (૨ થેસ્સાલોનીકી ૨:૯-૧૨) કઈ રીતે તમે જૂઠાણાથી મુક્ત થઈ શકો? હકીકતમાં, તમે જે માનો છો એની પાછળ શું કારણ છે?

શું તમે જન્મથી જ માનો છો?

કદાચ તમને બાળપણથી જ તમારા કુટુંબની માન્યતાઓ વિષે શીખવવામાં આવ્યું હશે. એ સારી બાબત છે. પરમેશ્વર ઇચ્છે છે કે માબાપ પોતાનાં બાળકોને સત્યનું શિક્ષણ આપે. (પુનર્નિયમ ૬:૪-૯; ૧૧:૧૮-૨૧) દાખલા તરીકે, યુવાન તીમોથીને પોતાની માતા અને દાદીનું સાંભળવાથી લાભ થયો હતો. (૨ તીમોથી ૧:૫; ૩:૧૪, ૧૫) બાઇબલ માબાપની માન્યતાઓને આદર આપવાનું ઉત્તેજન આપે છે. (નીતિવચન ૧:૮; એફેસી ૬:૧) પરંતુ, શું તમારા ઉત્ત્પન્‍નકર્તા એવું ઇચ્છે છે કે તમારાં માબાપ જે માને છે એ જ તમારે પણ માનવું જોઈએ? અગાઉની પેઢી જે માનતી હતી એવું જ આજે પણ માનવું નુકસાનકારક બની શકે છે.—ગીતશાસ્ત્ર ૭૮:૮; આમોસ ૨:૪.

ઈસુ ખ્રિસ્ત જે સમરૂની સ્ત્રીને મળ્યા હતા તે સમરૂની ધર્મમાં ઊછરી હતી. (યોહાન ૪:૨૦) જોકે, તે સ્ત્રીને પોતાની માન્યતાની બાબતમાં સ્વતંત્રતા હતી જેને ઈસુએ પણ આદર આપ્યો. પરંતુ, તેમણે તે સ્ત્રીને કહ્યું: “જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો.” હકીકતમાં, તે સ્ત્રીની અનેક ધાર્મિક માન્યતાઓ જૂઠી હતી. તેથી, ઈસુએ તેને કહ્યું કે તે પરમેશ્વરની “આત્માથી તથા સત્યતાથી” ઉપાસના કરવા ઇચ્છતી હોય તો, તેણે પોતાની માન્યતાઓ બદલવાની જરૂર છે. પછી ભલેને એ માન્યતાઓ ગમે તેટલી પ્રિય હોય, પરંતુ એને પકડી રાખવાને બદલે તેણે અને આગળ જતા બીજાઓએ ઈસુ ખ્રિસ્ત દ્વારા જાહેર કરેલા “વિશ્વાસને આધીન” થવાનું હતું.—યોહાન ૪:૨૧-૨૪, ૩૯-૪૧; પ્રેરિતોનાં કૃત્યો ૬:૭.

શું નિષ્ણાતોએ એવું શીખવ્યું છે?

ઘણા શિક્ષકો અને નિષ્ણાતોને યોગ્ય માન મળવું જોઈએ. તેમ છતાં, ઇતિહાસમાં એવા અનેક શિક્ષકો હતા, જેઓનું શિક્ષણ તદ્દન ખોટું હતું. દાખલા તરીકે, ગ્રીક તત્ત્વજ્ઞાની એરિસ્ટોટલે લખેલાં બે વૈજ્ઞાનિક પુસ્તકો વિષે ઇતિહાસકાર બરટ્રેન્ડ રસેલ જણાવે છે, “વૈજ્ઞાનિક દૃષ્ટિએ બંને પુસ્તકોને ધ્યાનથી તપાસીએ તો, ભાગ્યે જ એક વાક્ય એવું મળે કે જે માનવું વાજબી લાગી શકે.” અરે, આજના નિષ્ણાતો પણ અવારનવાર ખોટા પડતા હોય છે. વર્ષ ૧૮૯૫માં બ્રિટિશ વૈજ્ઞાનિક, લોર્ડ કૅલ્વિને પૂરા વિશ્વાસથી કહ્યું હતું કે “હવા કરતાં વધુ ભારે યંત્ર ઊડે એ શક્ય જ નથી.” તેથી, સમજદાર વ્યક્તિ કોઈ બાબત અધિકૃત નિષ્ણાત કે શિક્ષકે કહી છે ફક્ત એટલા માટે જ એના પર આંધળો વિશ્વાસ નહિ કરી લે.—ગીતશાસ્ત્ર ૧૪૬:૩.

ધાર્મિક શિક્ષણની વાત આવે છે ત્યારે પણ એવી જ સાવચેતી રાખવાની જરૂર છે. પ્રેષિત પાઊલે ધાર્મિક શિક્ષકો દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું અને તે ‘પૂર્વજોના સંપ્રદાય માટે અતિશય ખંતીલા’ હતા. હકીકતમાં, પૂર્વજોના સંપ્રદાયની માન્યતા પ્રત્યેના તેમના ઉત્સાહે, તેમના માટે સમસ્યા ઊભી કરી હતી. તેથી, તે ‘દેવની મંડળીને બેહદ સતાવતા હતા, અને એની પાયમાલી કરતા હતા.’ (ગલાતી ૧:૧૩, ૧૪; યોહાન ૧૬:૨, ૩) એટલું જ નહિ, પરંતુ પાઊલ લાંબા સમય સુધી ‘આરને લાત મારતા’ રહ્યાં અને એની અસરનો નકાર કર્યો જે તેમને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા મદદ કરી શકત. તેથી, પાઊલની માન્યતામાં ફેરફાર કરવા ઈસુએ પોતે અજોડ રીતે તેમને મદદ કરી હતી.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧-૬; ૨૬:૧૪.

જાહેર માધ્યમોની અસર

રેડિયો, ટીવી કે સાહિત્ય જેવા માધ્યમો પણ આપણા વિશ્વાસ પર ઊંડી અસર કરે છે. મોટા ભાગના લોકો ખુશ છે કે તેઓને આવાં સાધનો દ્વારા બોલવાની સ્વતંત્રતા છે જેનાથી તેઓ જરૂરી માહિતી આપી શકે છે. તેમ છતાં, ઘણા શક્તિશાળી લોકો આવા માધ્યમોનો અવારનવાર ચાલાકીથી ઉપયોગ કરે છે. એ સાધનો દ્વારા ઘણી વાર ખોટી માહિતી આપવામાં આવે છે કે જેની તમારા વિચારો પર ઊંડી અસર થઈ શકે છે.

એ ઉપરાંત, લોકોને આકર્ષવા માટે અથવા વધારે લોકોનું ધ્યાન ખેંચવા આવા માધ્યમો દ્વારા અસામાન્ય જાહેરાતો કરવામાં આવે છે. થોડાં વર્ષો પહેલાં જે માહિતીને ભાગ્યે જ લોકો સમક્ષ વાંચવામાં કે સંભળાવવામાં આવતી હતી એ આજે સામાન્ય બની ગઈ છે. લોકોના આચરણનું સ્તર અને વિચારો ધીમે ધીમે ખરાબ થઈ રહ્યા છે. તેઓ હવે “ભૂંડાને સારૂં, અને સારાને ભૂંડું” માનવા લાગ્યા છે.—યશાયાહ ૫:૨૦; ૧ કોરીંથી ૬:૯, ૧૦.

માન્યતાનો ઠોસ પુરાવો શોધવો

માનવીઓના વિચારો અને તત્ત્વજ્ઞાન પર આધાર રાખવો એ રેતી પર ઘર બાંધવા જેવું છે. (માત્થી ૭:૨૬; ૧ કોરીંથી ૧:૧૯, ૨૦) તો પછી, તમે શેના આધારે તમારો વિશ્વાસ કેળવી શકો? પરમેશ્વરે તમને આસપાસ જગતમાં શું ચાલી રહ્યું છે એ તપાસવાની ક્ષમતા આપી છે અને આત્મિક બાબતો વિષે પ્રશ્ન પૂછવાની પણ સમજ આપી છે. તો પછી, શું તેમણે તમારા પ્રશ્નોનો ખરો જવાબ શોધવાનો માર્ગ નહિ બતાવ્યો હોય? (૧ યોહાન ૫:૨૦) ચોક્કસ, તેમણે માર્ગ બતાવ્યો છે! તેમ છતાં, ઉપાસનાની બાબતમાં તમે કઈ રીતે તપાસ કરી શકો કે સાચું, વાસ્તવિક અને આધારભૂત શું છે? અમે કહી શકીએ છીએ કે ફક્ત પરમેશ્વરનો શબ્દ, બાઇબલ જ સાચી ઉપાસનાનો માર્ગ બતાવે છે.—યોહાન ૧૭:૧૭; ૨ તીમોથી ૩:૧૬, ૧૭.

પરંતુ કોઈક કહેશે, “એક મિનિટ, શું જેઓ પાસે બાઇબલ છે તેઓ જ જગતમાં મોટા ભાગના લડાઈ-ઝગડા અને અવ્યવસ્થા માટે જવાબદાર નથી?” હા, એ સાચું છે કે જે ધર્મગુરુઓ બાઇબલને અનુસરવાનો દાવો કરે છે તેઓએ જ અવ્યવસ્થા અને લડાઈ-ઝગડા ઊભી કરતી માન્યતાઓ પેદા કરી છે. પરંતુ, એનું કારણ એ છે કે તેઓનું શિક્ષણ બાઇબલ આધારિત નથી. પ્રેષિત પીતરે કહ્યું કે તેઓ “ખોટા પ્રબોધકો” અને “ખોટા ઉપદેશકો” છે જેઓ “નાશકારક પાખંડી મતો” ઊભા કરશે. પીતર કહે છે કે તેઓના આવાં કાર્યોને લીધે “સત્યના માર્ગની નિંદા થશે.” (૨ પીતર ૨:૧, ૨) પીતર આગળ લખે છે, “તેથી અમે જોયું છે અને જાણ્યું છે કે પ્રબોધકોએ કહેલું સાચું ઠર્યું છે. તેઓએ લખેલાં વચનો કાળજીપૂર્વક ધ્યાનમાં રાખો. અંધારા ઓરડામાં દીવો પ્રકાશ આપે છે તેમ ગહન અને અઘરી બાબતો સમજવામાં પ્રબોધકોનાં વચનો આપણને મદદરૂપ બને છે.”—૨ પીતર ૧:૧૯, IBSI; ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે આપણે આપણી માન્યતાને, બાઇબલ જે શીખવે છે એની સાથે સરખાવવી જોઈએ. (૧ યોહાન ૪:૧) આ સામયિકને વાંચનારા લાખો લોકો એ પુરાવો આપે છે કે એમ કરવાથી તેઓને જીવનનો હેતુ મળ્યો છે અને તેઓ હવે વધુ સારી રીતે જીવી રહ્યા છે. તેથી, તમે પણ બેરીઆના લોકો જેવા ખુલ્લા મનના થાઓ. કોઈ પણ વાત પર વિશ્વાસ કરતા પહેલાં ‘નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન’ કરો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧) તમે એમ કરી શકો એ માટે યહોવાહના સાક્ષીઓ તમને ખુશીથી મદદ આપવા તૈયાર છે. ખરું, કે એ તમારા પર આધારિત છે કે તમારે શું માનવું. તેમ છતાં, એ ડહાપણભર્યું છે કે તમે પ્રથમ ખાતરી કરી લો, કે તમારી માન્યતા માનવોના વિચારો પ્રમાણે નહિ, પરંતુ પરમેશ્વરના સત્ય વચન પર આધારિત હોય.—૧ થેસ્સાલોનીકી ૨:૧૩; ૫:૨૧.

[પાન ૬ પર ચિત્રો]

તમે પૂરી ખાતરી સાથે તમારી માન્યતાનો આધાર બાઇબલમાં મેળવી શકો છો