સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરે તેનાં આંસુ લૂછ્યાં

પરમેશ્વરે તેનાં આંસુ લૂછ્યાં

રાજ્ય પ્રચારકોના અનુભવ

પરમેશ્વરે તેનાં આંસુ લૂછ્યાં

યહોવાહના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે જીવવા જેઓએ પોતાના જીવનમાં મોટા ફેરફારો કર્યા છે તેઓને પુષ્કળ આશીર્વાદો આપવામાં આવ્યા છે. જોકે, જીવનમાં જરૂરી ફેરફારો કરવા એ કંઈ સહેલું નથી તોપણ, મદદ અને ઉત્તેજન હંમેશા પ્રાપ્ય છે. (ગીતશાસ્ત્ર ૮૪:૧૧) એ સમજવા, ચાલો આપણે દક્ષિણ એશિયાનો નીચેનો અનુભવ જોઈએ.

રજાઓના સમયમાં, ફ્રાન્સની એક સાક્ષી બહેને કીમ * નામની એક દુકાનદાર સાથે વાત કરી કે પૃથ્વી માટે યહોવાહનો હેતુ શું છે. તેણે કીમને તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો પુસ્તક પણ આપ્યું. આ પુસ્તકને ઉપરછલ્લું વાંચતા કીમની નજર આ શબ્દો પર પડી: “તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.” (પ્રકટીકરણ ૨૧:૪) કીમ યાદ કરતા કહે છે, “ખરેખર આ કલમથી હું ઘણી પ્રભાવિત થઈ. દુકાનમાં મને આખો દિવસ હસતી અને વાત કરતી જોઈને, કોઈ એમ વિચારી પણ શકતું ન હતું કે સાંજે ઘરે ગયા પછી સૂતી વખતે હું હંમેશા રડતી હતી.” પોતાના દુઃખના કારણને જણાવતા તે કહે છે: “હું ૧૮ વર્ષથી એક માણસ સાથે રહેતી હતી અને ઘણી દુઃખી હતી, કારણ કે તે મારી સાથે લગ્‍ન કરવાની ના પાડતો હતો. એવા લગ્‍ન બહારના સંબંધનો હું અંત લાવવા માગતી હતી. પરંતુ હું તેની સાથે ઘણાં વર્ષોથી રહેતી હોવાથી એકલી રહેવાની મારામાં હિંમત ન હતી.”

કીમ થોડા જ સમયમાં લીન નામની યહોવાહની એક સાક્ષી સાથે બાઇબલ અભ્યાસ કરવા લાગી. તે કહે છે, “હું બાઇબલનું શિક્ષણ જીવનમાં લાગુ પાડવા ખૂબ આતુર હતી. દાખલા તરીકે, મારા કુટુંબના ઘણા વિરોધ છતાં, મેં પૂર્વજોની ઉપાસના કરવાનું બંધ કરી દીધું. વધુમાં, મેં મારી સાથે રહેતા પુરુષ સાથે કાયદાકીય રીતે લગ્‍ન કરવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ, તેણે એમ કરવાનો નકાર કર્યો. આ મુશ્કેલીના સમયમાં, ફ્રાન્સના યહોવાહના સાક્ષીઓ મને નિયમિત બાઇબલ પ્રકાશનો મોકલતા હતા અને લીન મને હંમેશા ઉત્તેજન આપતી હતી. હું મારા પુરુષ મિત્રને બરાબર ઓળખી શકું એ સમય દરમિયાન, મને આ બહેનોની ધીરજ અને પ્રેમાળ ટેકાએ સતત મદદ કરી. પછી મને જાણવા મળ્યું કે તેને પાંચ પત્નીઓ અને ૨૫ બાળકો પણ છે! એ જાણીને તેને છોડવાની મને હિંમત મળી.

“મોટું આરામદાયક ઘર છોડીને નાના એપાર્ટમેન્ટમાં રહેવા જવું કંઈ સહેલું ન હતું. વધુમાં, મારો એ પુરુષ મિત્ર મને તેની સાથે ફરીથી રહેવા દબાણ કરતો હતો. હું નકાર કરું તો એસિડ નાખીને મને બદસૂરત કરી નાખવાની પણ તેણે ધમકી આપી. પરંતુ યહોવાહની મદદથી હું જે ખરું છે એ કરી શકી.” પછી કીમે પ્રગતિ કરી અને છેવટે તેણે એપ્રિલ ૧૯૯૮માં બાપ્તિસ્મા લીધું. વધુમાં, તેની બે બહેનો અને તરૂણ પુત્રએ પણ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો.

કીમ કહે છે, “હું હંમેશા વિચારતી હતી કે મારા જીવનમાં સુખ છે જ નહિ. પરંતુ આજે હું બહુ ખુશ છું અને હવે રાતે રડતી પણ નથી. યહોવાહે મારી આંખોમાંથી આંસુ લૂછી નાખ્યાં છે.”

[ફુટનોટ]

^ નામ બદલવામાં આવ્યાં છે.