સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મારી મૂલ્યવાન યાદો માટે આભારી!

મારી મૂલ્યવાન યાદો માટે આભારી!

મારો અનુભવ

મારી મૂલ્યવાન યાદો માટે આભારી!

દ્રુસિલા કેનના જણાવ્યા પ્રમાણે

એ ૧૯૩૩નું વર્ષ હતું. જનોહા કેન સાથે હમણાં જ મારા લગ્‍ન થયા હતા. તે પણ મારી જેમ જ કૉલ્પોર્ચર અર્થાત્‌ પૂરા સમયના સુવાર્તિક હતા. હું ઘણી જ ખુશ હતી અને મેં મારા પતિ સાથે તેમના કાર્યમાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ, એ માટે મારે એક સાઇકલની જરૂર હતી જે એ સમયમાં બહુ મોંઘી હતી. એ ઉપરાંત, આર્થિક મંદી દરમિયાન પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે હું એ ખરીદી શકું એમ ન હતી. હવે હું શું કરી શકું?

મારી મુશ્કેલી જાણ્યા પછી, મારા દિયરો કબાડીખાનામાંથી સાઇકલના જૂના ભાગો શોધી લાવ્યા. તેઓએ એમાંથી મારા માટે સાઇકલ બનાવી! સાઇકલ ચલાવવાનું શીખી કે તરત જ જનોહા અને હું પ્રચાર કરવા નીકળી પડ્યા. અમે બ્રિટનના વુટસર અને હરફર્ડ વિસ્તારમાં જેઓ મળે તેઓને પ્રચાર કરતા હતા.

મને ખબર જ ન હતી કે વિશ્વાસનું જે નાનું પગલું મેં ભર્યું હતું એ મારા જીવનને યાદગાર સ્મરણોથી ભરી દેશે. તેમ છતાં, મારી આત્મિકતાનો પાયો મારા વહાલા માબાપે નાખ્યો હતો.

પહેલા વિશ્વયુદ્ધનાં મુશ્કેલ વર્ષો

મારો જન્મ, ડિસેમ્બર ૧૯૦૯માં થયો હતો. ત્યાર પછી થોડા જ સમયમાં મારી મમ્મીએ યુગોની દૈવી યોજના (અંગ્રેજી)ની એક પ્રત મેળવી. પછી ૧૯૧૪માં મારા મમ્મી-પપ્પા મને લઈને લાંગકશીરમાં આવેલા ઓલડમમાં “ફૉટો-ડ્રામા ઑફ ક્રિએશન” જોવા ગયા. (આ પુસ્તક અને ફિલ્મ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા.) મને હજુ પણ યાદ છે કે હું ઘણી નાની હતી છતાં, એ જોઈને હું નાચતી કૂદતી પાછી ઘરે ગઈ હતી! પછી ફ્રેંક હીલીએ અમે રોચડેલમાં રહેતા હતા ત્યાં બાઇબલ અભ્યાસ માટે વૃંદમાં એકઠા મળવાની વ્યવસ્થા કરી. ત્યાં જવાથી અમારા કુટુંબનું બાઇબલ વિષેનું જ્ઞાન વધવા લાગ્યું.

પછી એ જ વર્ષે પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, જેનાથી અમારા કુટુંબની સુખ-શાંતિ છીનવાઈ ગઈ. મારા પપ્પાને લશ્કરમાં ભરતી કરવા માટે બોલાવવામાં આવ્યા, પરંતુ તેમણે એમાં ન જોડાવા મક્કમ સ્થાન લીધું. એક સ્થાનિક છાપાંએ બતાવ્યું તેમ, અદાલતમાં તેમની “ઘણી પ્રશંસા” કરવામાં આવી હતી અને “ઘણી આદરણીય વ્યક્તિઓએ તેમના વિષે લખ્યું કે અમે માનીએ છીએ કે યુદ્ધમાં નહિ જોડાવાનો તેમનો નિર્ણય યોગ્ય છે,” એમ જણાવતા ઘણા પત્રો અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

તેમ છતાં, મારા પપ્પાને ‘લશ્કરી સેવામાંથી’ પૂરેપૂરી મુક્તિ આપવાને બદલે ‘ફક્ત યુદ્ધમાં ન જવાની જ’ મુક્તિ આપવામાં આવી. એના લીધે, ફક્ત પપ્પા જ નહિ પરંતુ હું અને મારી મમ્મી પણ હાંસીપાત્ર બની ગયા. છેવટે, તેમનો કેસ ફરીથી તપાસ્યા પછી તેમને ખેતીનું કામ સોંપવામાં આવ્યું. પરંતુ, કેટલાક ખેડૂતોએ તેમનું શોષણ કર્યું. તેઓ તેમને એકદમ થોડું અથવા કંઈ પણ આપતા ન હતા. ઘર ચલાવવા માટે, મારી મમ્મી થોડા પગારમાં એક લૉન્ડ્રીમાં સખત મહેનત કરતી હતી. તેમ છતાં, આજે હું જોઈ શકું છું કે આવી પરિસ્થિતિમાં હું મોટી થઈ હોવાને કારણે યહોવાહમાં મારો વિશ્વાસ કેટલો દૃઢ થયો હતો; એણે મને વધારે મહત્ત્વની આત્મિક બાબતોની કદર કરવામાં મદદ કરી.

નાની શરૂઆત

બાઇબલના ઉત્સાહી વિદ્યાર્થી, દાનિયેલ હ્યૂઝે અમારા જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તે, અમે ઓસવેસ્ટ્રીમાં રહેતા હતા એનાથી કંઈક ૨૦ કિલોમીટર દૂર રૂઆબન ગામમાં કોલસાની ખાણમાં કામ કરતા હતા. હું તેમને પ્રેમથી દેનકાકા કરીને બોલાવતી હતી. તે અમારા કુટુંબના સંપર્કમાં રહેતા હતા. તે અમને મળવા આવતા ત્યારે હંમેશા બાઇબલ વિષયો પર વાતચીત કરતા. તે ક્યારેય કોઈ જાતની કૂથલી કે મજાક મસ્તી કરતા નહિ. વર્ષ ૧૯૨૦માં ઓસવેસ્ટ્રીમાં બાઇબલ વર્ગ શરૂ થયા અને ૧૯૨૧માં દેનકાકાએ મને પરમેશ્વરની વીણા (અંગ્રેજી) પુસ્તકની એક પ્રત આપી. એ પુસ્તક મને ખૂબ જ ગમતું હતું, કારણ કે એમાં બાઇબલ શિક્ષણ એટલી સરળતાથી બતાવવામાં આવ્યું હતું કે મને સમજવામાં કોઈ મુશ્કેલી પડતી ન હતી.

ત્યાર પછી, ત્યાં પ્રાઈસ હ્યૂઝ પણ હતા. * તે પછીથી, યહોવાહના સાક્ષીઓની લંડન શાખાના શાખા સેવક બન્યા. તે પોતાના કુટુંબ સાથે વૉલ્સ સરહદ પાસે આવેલા બોનગાર્થમાં રહેતા હતા. તેમની બહેન શિસી મારી મમ્મીની ખાસ બહેનપણી બની ગઈ હતી.

વર્ષ ૧૯૨૨માં ‘રાજા અને તેમના રાજ્યની જાહેરાત’ કરવાની હાકલ કરવામાં આવી ત્યારે, હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. ત્યાર પછીના વર્ષોમાં, ખાસ કરીને વર્ષ ૧૯૨૪માં હજુ તો હું શાળામાં ભણતી હતી ત્યારે, ધાર્મિક વ્યવસ્થા પર તહોમત (અંગ્રેજી) અને બીજી પત્રિકાઓના વિતરણમાં મેં ઉત્સાહથી ભાગ લીધો હતો. એ વર્ષો વિષે હું યાદ કરું છું કે ઘણા વિશ્વાસુ ભાઈ-બહેનો સાથે સંગત રાખવાનો એ કેવો અદ્‍ભુત લહાવો હતો. તેઓમાં મોડ ક્લાર્ક અને તેમના સાથી મેરી ગ્રાન્ટ, * એડગર ક્લે,# રોબર્ટ હેડલીંગટોન, કૅટી રોબર્ટર્સ, એડવીન સ્કીનર,# તેમની સાથે પર્સી ચૅપમેન અને જેક નાથાન# હતા, એ બંને પછી મદદ કરવા માટે કૅનેડા ગયા હતા.

અમારા વિશાળ પ્રચાર વિસ્તારમાં, “કરોડો અત્યારે જીવે છે એ ક્યારેય મરશે નહિ” બાઇબલ આધારિત વાર્તાલાપ સમયસરનો પુરવાર થયો. મે ૧૪, ૧૯૨૨ના રોજ પ્રાઈસ હ્યૂઝના એક સંબંધી સ્ટેન્લી રોજર લીવરપુલથી અમારા ગામની ઉત્તરે ચીર્કમાં વાર્તાલાપ આપવા માટે આવ્યા. અને ત્યાર પછી એ જ વાર્તાલાપ સાંજે ઓસવેસ્ટ્રીના થિએટરમાં આપવામાં આવ્યો. એ કાર્યક્રમ માટે છાપેલાં ચોપાનિયાની એક પ્રત હજુ પણ મારી પાસે છે. એ સમય દરમિયાન, ત્રણ પ્રવાસી નિરીક્ષક અમારા નાના વૃંદની મુલાકાત લેતા અને અમારા વિશ્વાસને દૃઢ કરતા હતા. તેઓને પ્રવાસી નિરીક્ષકને પિલ્ગ્રિમ પણ કહેવામાં આવતા હતા. તેઓ હાર્ટબર્ટ સીનિયર, આલ્બર્ટ લોઈડ અને જોન બ્લેની હતા.

નિર્ણય લેવાનો સમય

વર્ષ ૧૯૨૯માં મેં બાપ્તિસ્મા લેવાનો નિર્ણય કર્યો. એ સમયે હું ૧૯ વર્ષની હતી અને ત્યારે મેં પહેલી વાર મોટી કસોટીનો સામનો કર્યો. હું એક યુવાન વ્યક્તિને મળી કે જેના પિતા રાજકારણી હતા. અમે એકબીજા પ્રત્યે આકર્ષાયા અને તેણે મારી સમક્ષ લગ્‍નનો પ્રસ્તાવ મૂક્યો. મેં તેને સરકાર (અંગ્રેજી) પુસ્તકની એક પ્રત આપી જે એક વર્ષ પહેલાં જ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ મને જલદી જ ખબર પડી કે તેને સ્વર્ગીય સરકારમાં કોઈ રસ ન હતો. હું મારા બાઇબલ અભ્યાસથી જાણતી હતી કે ઈસ્રાએલીઓને કોઈ પણ પરદેશી સાથે લગ્‍ન ન કરવાની આજ્ઞા આપવામાં આવી હતી અને એ સિદ્ધાંત આજે પણ ખ્રિસ્તીઓને લાગુ પડે છે. મારા માટે ઘણું મુશ્કેલ હતું છતાં, મેં તેના પ્રસ્તાવનો નકાર કર્યો.—પુનર્નિયમ ૭:૩; ૨ કોરીંથી ૬:૧૪.

મેં પ્રેષિત પાઊલના શબ્દોમાંથી ઉત્તેજન મેળવ્યું: “તો સારૂં કરતાં આપણે થાકવું નહિ; કેમકે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.” (ગલાતી ૬:૯) વહાલા દેનકાકાએ પણ મને પત્ર દ્વારા ઉત્તેજન આપ્યું: “નાની મોટી મુશ્કેલીઓના સમયે રૂમીનો ૮મો અધ્યાય અને ૨૮મી કલમમાંથી ઉત્તેજન મેળવવું જોઈએ જે કહે છે, “વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાએલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.” એ સહેલું ન હતું, પરંતુ મને ખબર હતી કે મેં યોગ્ય નિર્ણય કર્યો છે. પછી એ વર્ષથી જ મેં પાયોનિયર કાર્ય શરૂ કર્યું.

મુશ્કેલીનો સામનો કરવો

વર્ષ ૧૯૩૧માં, અમે બાઇબલ વિદ્યાર્થીઓએ નવું નામ, યહોવાહના સાક્ષીઓ અપનાવ્યું. એ જ વર્ષે અમે રાજ્ય, જગતની આશા (અંગ્રેજી) પુસ્તિકાનો ઉપયોગ કરવાની ઉત્સાહી ઝુંબેશ ઉપાડી. દરેક રાજકારણી, પાદરીઓ અને ધંધાદારી વ્યક્તિઓને એની એક પ્રત આપવામાં આવી. મારો પ્રચાર વિસ્તાર ઓસવેસ્ટ્રીથી ઉત્તરમાં કંઈક ૨૫ કિલોમીટર દૂર રેક્સહામ સુધીનો હતો. આખા વિસ્તારને આવરવો ખૂબ મુશ્કેલ હતું.

ત્યાર પછીના વર્ષે બર્મિંગહામના મહાસંમેલનમાં ૨૪ સ્વયંસેવકોની જરૂરિયાત વિષે જણાવવામાં આવ્યું. ઉત્સાહથી અમે ૨૪ વ્યક્તિઓએ નવી સોંપણી માટે અમારાં નામ આપ્યાં. નવી સોંપણી શું હશે એની અમને ખબર ન હતી. અમને જોડીમાં એ જ પુસ્તિકા રાજ્ય, જગતની આશા રજૂ કરવાની સોંપણી આપવામાં આવી ત્યારે ખૂબ આશ્ચર્ય થયું. અમારે એ રાજ્યની જાહેરાત કરતા બોર્ડને પણ પહેરવાનાં હતાં.

ચર્ચના આસપાસના વિસ્તારમાં પ્રચાર કરવાની મને ઘણી શરમ આવતી હતી. પરંતુ, આ શહેરમાં મને કોઈ ઓળખતું નથી એમ વિચારીને હું મન મનાવી લેતી હતી. તોપણ, સૌ પ્રથમ મારી પાસે આવનાર મારી એક જૂની બહેનપણી હતી જેણે મારી સામે આશ્ચર્યથી જોઈને કહ્યું: “તેં કયા દેશનો ડ્રેસ પહેર્યો છે?” અને એ અનુભવ પછી માણસોનો ભય મનમાંથી કાઢી નાખવામાં મને મદદ મળી!

દૂર વિસ્તારમાં સોંપણી

વર્ષ ૧૯૩૩માં, મેં વિધુર જનોહા સાથે લગ્‍ન કર્યું. તે મારા કરતાં ૨૫ વર્ષ મોટા હતા. તેમની પહેલી પત્ની ઉત્સાહી બાઇબલ વિદ્યાર્થીની હતી. તેમના નિધન પછી પણ જનોહા પોતાની સોંપણીમાં વિશ્વાસુપણે લાગુ રહ્યા હતા. પછી થોડા જ સમયમાં અમે ઇંગ્લૅંડથી લગભગ ૧૫૦ કિલોમીટર દૂર, અમારા નવા પ્રચાર વિસ્તાર ઉત્તર વેલ્સમાં ગયા. ખોખાં, સૂટકેસ અને બીજી મૂલ્યવાન વસ્તુઓ અમે અમારી સાઇકલના હાથાઓ પર જેમ તેમ લટકાવી દીધી. સીટની સામે અને પાછળની સીટ પર પણ સામાન ભરી દીધો. છેવટે અમે અમારી સોંપણીના સ્થળે સહીસલામત પહોંચી ગયા! અમારી એ સોંપણીમાં સાઇકલ બહુ જ જરૂરી હતી. એનાથી અમે ગમે ત્યાં જઈ શકતા હતા. સાઇકલ લઈને અમે વોલેશમાં આવેલા કાડર ઈડરીશ પર્વતની ટોચ સુધી પણ જઈ શકતા હતા જે ૯૦૦ મીટર ઊંચો છે. લોકો “રાજ્યની આ સુવાર્તા” સાંભળવા આતુર છે એ જોઈને અમને ખૂબ આનંદ થતો હતો.—માત્થી ૨૪:૧૪.

થોડા જ સમય પછી, લોકોએ અમને કહ્યું કે ટોમ પ્રાઈસ નામની વ્યક્તિ પણ અમારી જેમ જ તેઓને પ્રચાર કરી રહી છે. છેવટે, અમે વેલ્શપુલ નજીક લોંગ માઉન્ટ પર રહેતા ટોમને શોધી કાઢ્યો. તેને મળીને અમને ખૂબ આશ્ચર્ય થયું! હું શરૂઆતના દિવસોમાં પ્રચાર કરતી હતી ત્યારે, મેં તેને બાઇબલ આધારિત સમાધાન (અંગ્રેજી) પ્રકાશન આપ્યું હતું. પછી તેણે જાતે જ એનો અભ્યાસ કર્યો અને વધારે સાહિત્ય માટે લંડનની શાખાને લખ્યું. ત્યારથી, તે પોતાને મળેલી નવી માન્યતા વિષે બીજાઓને ઉત્સાહથી જણાવતો હતો. અમે તેની સંગતનો પુષ્કળ આનંદ માણ્યો. ઘણી વાર અમે ત્રણેવ સાથે અભ્યાસ કરીને એકબીજાને ઉત્તેજન આપતા હતા.

આફતમાં પણ મેળવેલા આશીર્વાદો

વર્ષ ૧૯૩૪માં ઉત્તર વેલ્સમાંથી બધા જ પાયોનિયરોને રેક્સહામમાં જઈને ન્યાયી શાસક (અંગ્રેજી) પુસ્તિકાનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું. અમે આ ખાસ ઝુંબેશની શરૂઆત કરીએ એના એક જ દિવસ પહેલાં, એ જિલ્લામાં એક મોટી દુર્ઘટના થઈ. ગ્રીસફ્રોડની કોલસાની ખાણમાં મોટો ધડાકો થયો હતો. એ રેક્સહામથી ઉત્તરે ત્રણ કિલોમીટર દૂર હતું. એમાં કામ કરનારા ૨૬૬ ખાણિયા માર્યા ગયા. લગભગ ૨૦૦થી વધારે બાળકો પિતૃહીન અને ૧૬૦ જેટલી સ્ત્રીઓ વિધવા બની ગઈ.

અમારી પાસે મરહૂમ વ્યક્તિઓના કુટુંબના સભ્યોની યાદી હતી. અમે તેઓની વ્યક્તિગત રીતે મુલાકાત લીધી અને એક એક પુસ્તિકા આપી. મને આપવામાં આવેલાં નામોમાં શ્રીમતી ચાડવીકનું નામ હતું કે જેમણે પોતાના ૧૯ વર્ષના દીકરાને ગુમાવ્યો હતો. મેં તેમની મુલાકાત લીધી ત્યારે, તેમનો મોટો દીકરો જૅક પણ તેમને દિલાસો આપવા માટે આવ્યો હતો. આ યુવાન છોકરાએ મને ઓળખી કાઢી, પરંતુ મને એક શબ્દ પણ કહ્યો નહિ. ત્યાર પછી, મેં તેની મમ્મીને જે પુસ્તિકા આપી હતી એ તેણે વાંચી. પછી તે અંતિમ યુદ્ધ (અંગ્રેજી) પુસ્તિકા શોધવા લાગ્યો, જે મેં તેને કેટલાંક વર્ષો પહેલાં આપી હતી.

જૅક અને તેની પત્ની મૅએ હું રહેતી હતી એ જગ્યા શોધી કાઢી અને વધારે સાહિત્ય લેવા માટે આવ્યા. વર્ષ ૧૯૩૬માં તેઓ રેક્સહામમાં પોતાના ઘરે સભાઓ રાખવા માટે સહમત થયા. એના છ મહિના પછી, આલ્બર્ટ લોઈડે મંડળની સ્થાપના કરીને જૅક ચાડવીકને પ્રમુખ નિરીક્ષક બનાવ્યા. એ રેક્સહામમાં અત્યારે ત્રણ મંડળો છે.

મોબાઈલ ઘરમાં જીવન

અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ત્યારે, અમને જ્યાં ઘર મળે ત્યાં રહેતા હતા. પરંતુ, જનોહાએ નક્કી કર્યું કે આપણું પોતાનું ઘર હોવું જોઈએ જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જઈ શકાય. મારા પતિ કુશળ જીપ્સી સુથાર હતા. આથી, તેમણે અમારા માટે લાકડાનું જીપ્સી મોબાઈલ ઘર બનાવ્યું. અમે એને એલીઝાબેથ કહેતા. એ બાઇબલ નામનો અર્થ થાય છે, “વિપુલતાના પરમેશ્વર.”

મને ખાસ કરીને એક જગ્યા હજુ પણ યાદ છે કે જ્યાં અમે રહ્યા હતા. ત્યાં વાડી પાસે એક ઝરણું વહેતું હતું. એ મારા માટે એક સુંદર પારાદેશ જેવી જગ્યા હતી! અમારી પાસે બહુ રાચરચીલું ન હતું અને અમારે કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છતાં, અમે મોબાઈલ ઘરમાં પસાર કરેલાં વર્ષોની ખુશીને કોઈ છીનવી શક્યું નહિ. ઠંડા વાતાવરણમાં કામળા તો એકદમ ઠરીને મોબાઈલ ઘરની દીવાલોને ચોંટી જતા હતા. વધુમાં, એ ઘરમાં બધી બાજુ કાયમ ભેજ રહેતો હતો. અમારે પાણી પણ દૂરથી લાવવું પડતું હતું. પરંતુ અમે આ બધી જ મુશ્કેલીઓનો સામનો કરી શક્યા.

એક શિયાળામાં હું માંદી હતી. અમારી પાસે થોડું જ ખાવાનું હતું અને પૈસા તો બિલકુલ ન હતા. જનોહાએ મારી પથારી પાસે બેસીને મારો હાથ પોતાના હાથમાં લઈને ગીતશાસ્ત્ર ૩૭:૨૫ વાંચી: “હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.” પછી મારી તરફ એકીટસે જોઈને તેમણે કહ્યું: “જો આપણને જલદી જ કંઈ પણ મદદ નહિ મળે તો આપણે ભીખ માંગવી પડશે, અને પરમેશ્વર એવું થવા દેશે નહિ!” ત્યાર પછી તે પ્રચારમાં ગયા.

પછી જનોહા મારા માટે કંઈક પીવાનું બનાવવા બપોરે પાછા ફર્યા ત્યારે, તેમના માટે એક કવર આવ્યું હતું. એમાં ૭૫ અમેરિકન ડૉલર હતા. કેટલાંક વર્ષો પહેલાં જનોહા પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. અને એ ભેટ વળતર રૂપે હતી. કેટલી સમયસરની!

કડવો પણ ઉપયોગી બોધપાઠ

અમુક વાર અમે ઘણાં વર્ષો પછી બોધપાઠ શીખ્યા. દાખલા તરીકે, ૧૯૨૭માં શાળા છોડ્યા પહેલાં, મેં લવીન્યા ફૈરક્લો શિક્ષિકા સિવાય બધા જ સહાદ્યાયીઓ અને શિક્ષકોને પ્રચાર કર્યો હતો. એક તો હું જે કહેવા માંગતી હતી એમાં કોઈને રસ ન હતો અને બીજી બાજુ, મારું શ્રીમતી ફૈરક્લો સાથે બનતું ન હતું. આથી, મેં તેમને પ્રચાર ન કરવાનું નક્કી કર્યું હતું. કંઈક ૨૦ વર્ષ પછી, જ્યારે મારી મમ્મીએ મને કહ્યું કે આ શિક્ષિકાએ પોતાના દરેક જૂના મિત્રો અને વિદ્યાર્થીઓની એ કહેવા મુલાકાત લીધી હતી કે તે હવે યહોવાહની સાક્ષી છે ત્યારે, મારા આશ્ચર્યનો પાર ન રહ્યો!

અમે મળ્યા ત્યારે, મેં તેમને સમજાવ્યું કે શા માટે મેં શરૂઆતમાં મારી માન્યતા અને કારકિર્દી વિષે તેમને જણાવ્યું ન હતું. તેમણે શાંતિથી સાંભળ્યા પછી કહ્યું: “હું હંમેશા સત્યની શોધ કરતી હતી. એ મારા જીવનનો એક હેતુ હતો!” આ અનુભવે મને સરસ બોધપાઠ શીખવ્યો કે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર દરેક વ્યક્તિને સાક્ષી આપવામાં કદી પાછા પડવું જોઈએ નહિ.

બીજા વિશ્વયુદ્ધ પછી મારું જીવન

ઓગણીસો ત્રીસનો દાયકો નજીક આવતો ગયો તેમ ફરી યુદ્ધના વાવડ દેખાવા લાગ્યા. મારા ભાઈ ડેનિશને પોતાની નોકરી ચાલુ રાખવાની શરતે લશ્કરી સેવામાંથી મુક્તિ આપવામાં આવી. તે મારાથી દસ વર્ષ નાનો હતો. તેણે ક્યારેય સત્યમાં રસ બતાવ્યો ન હતો. તેથી મેં અને મારા પતિએ સ્થાનિક પાયોનિયરો, રૂપર્ટ બાર્ડબેરી અને તેમના ભાઈ ડેવિડને પૂછ્યું કે તેઓ તેની મુલાકાત લેશે કે કેમ. તેઓએ ડેનિશની મુલાકાત લીધી અને તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. ડેનિશ ૧૯૪૨માં બાપ્તિસ્મા પામ્યો અને ત્યાર પછી પાયોનિયર સેવામાં જોડાયો. વર્ષ ૧૯૫૭માં તેને પ્રવાસી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો.

અમારી દીકરી એલીઝાબેથનો જન્મ ૧૯૩૮માં થયો હતો. કુટુંબની જરૂરિયાતને પહોંચી વળવા જનોહાએ અમારા મોબાઈલ ઘરને મોટું કર્યું. વર્ષ ૧૯૪૨માં અમારી બીજી દીકરી યુનિસનો જન્મ થયો ત્યારે, અમને અમારા માટે એક સ્થાયી ઘર શોધવું જરૂરી લાગ્યું. એ કારણે જનોહાએ થોડાં વર્ષો માટે પાયોનિયરીંગ બંધ કર્યું અને રેક્સહામ નજીક એક નાના ઘરમાં અમે રહેવા ગયા. પછી અમે ચેરીનના નજીકના દેશમાં મીડલીજ ગામમાં સ્થાયી થયા. ત્યાં મારા પતિ ૧૯૫૬માં મરણ પામ્યા.

અમારી બંને દીકરીઓ પૂરા સમયની સેવિકા બની છે અને તેઓનું લગ્‍નજીવન પણ સુખી છે. યુનિસ તેના પતિ સાથે હજુ પણ લંડનમાં ખાસ પાયોનિયર તરીકે સેવા કરે છે અને તેના પતિ મંડળમાં વડીલ છે. એલીઝાબેથના પતિ પણ મંડળમાં વડીલ છે. તેઓ, તેમનાં બાળકો અને મારા પરપૌત્રો સાથે મારી નજીક પીરસોટન, લાન્કેશરમાં રહે છે.

હું યહોવાહની ખૂબ આભારી છું કે આજે પણ મારા ઘરેથી રસ્તો ઓળંગીને રાજ્યગૃહ સુધી ચાલતા જઈ શકું છું. હમણાં કેટલાંક વર્ષોથી મેં નજીકમાં જ ભેગા મળતા ગુજરાતી ભાષાના એક વૃંદ સાથે સંગત રાખવાનું ચાલુ કર્યું છે. ભાષા શીખવી એ કંઈ સહેલું નથી કારણ કે હવે હું બરાબર સાંભળી શકતી નથી. ઘણી વાર હું યુવાન લોકોની જેમ સાંભળી કે સમજી શકતી નથી. તોપણ, હું શીખવાની કોશિશ કરી રહી છું.

હું હજુ પણ ઘર ઘરનું પ્રચાર કાર્ય કરી શકું છું અને મારા ઘરે બાઇબલ અભ્યાસ પણ ચલાવી શકું છું. મિત્રો મારી મુલાકાત લેવા આવે છે ત્યારે, તેઓને મારા શરૂઆતના કેટલાક અનુભવો જણાવવાથી મને ખૂબ આનંદ મળે છે. લગભગ ૯૦ વર્ષથી યહોવાહના લોકો સાથે સંગત રાખીને મેં જે મૂલ્યવાન યાદો મેળવી છે એ માટે હું ઘણી આભારી છું.

[ફુટનોટ્‌સ]

^ એપ્રિલ ૧, ૧૯૬૩ના ચોકીબુરજ (અંગ્રેજી)માં, “વિશ્વાસુ સંગઠન સાથે આગળ વધવું” પ્રાઇસ હ્યૂઝનો અનુભવ આવ્યો હતો.

^ યહોવાહના આ વિશ્વાસુ સેવકોના અનુભવો ચોકીબુરજના અગાઉના અંકોમાં આવી ગયા છે.

[પાન ૨૫ પર ચિત્ર]

મે ૧૪, ૧૯૨૨માં “કરોડો અત્યારે જીવે છે એ ક્યારેય મરશે નહિ” વિષય પર બાઇબલ ભાષણની જાહેરાત કરતું ચોપાનિયું

[પાન ૨૬ પર ચિત્ર]

વર્ષ ૧૯૩૩માં અમારા લગ્‍નના થોડા જ સમય પછી જનોહા સાથે

[પાન ૨૬ પર ચિત્ર]

મારા પતિએ બનાવેલા અમારા મોબાઈલ ઘર “એલીઝાબેથ” પાસે હું ઊભી છું