સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું માનવું એ પસંદ કરવાનો તમારો હક્ક

શું માનવું એ પસંદ કરવાનો તમારો હક્ક

શું માનવું એ પસંદ કરવાનો તમારો હક્ક

તમે જે માનવા ઇચ્છો છો એ પસંદ કરવાનો તમને હક્ક હોવાથી, તમે ચોક્કસ એનો આનંદ માણતા હશો. તમારી જેમ લગભગ બધા લોકો પોતાના આ હક્કનો આનંદ માણે છે. આજે બધા લોકો એ હક્કનો ઉપયોગ કરતા હોવાથી, પૃથ્વીના છ અબજ લોકોમાં ભિન્‍ન ભિન્‍ન માન્યતાઓ જોવા મળે છે. સૃષ્ટિમાં જોવા મળતા રંગ, આકાર, દેખાવ, સ્વાદ, સુગંધ અને અવાજ જેવી વિવિધતા આપણી માન્યતાઓમાં પણ જોવા મળે છે જે આપણા જીવનને દિલચસ્પ, ઉત્તેજિત અને આનંદિત કરી દે છે. ખરેખર, આવી વિવિધતા જીવનને રસપ્રદ અને આનંદિત કરી શકે છે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪.

પરંતુ, એમાં વધારે સાવધ રહેવાની જરૂર છે. અમુક માન્યતાઓ ફક્ત ભિન્‍ન જ નહિ, જોખમકારક પણ હોય છે. દાખલા તરીકે, ૨૦મી સદીની શરૂઆતમાં કેટલાક લોકો માનવા લાગ્યા કે યહુદીઓ અને ફ્રીમેસન્સ લોકોએ ભેગા મળીને, “ખ્રિસ્તીઓમાં ભાગલા પાડવા અને આખી દુનિયા પર રાજ કરવા એક સરકાર બનાવવાની” યોજના કરી છે. એવું માનવા પાછળ એક કારણ પણ હતું. યહુદીઓ વિરુદ્ધ, સિયોનના જ્ઞાની વડીલોનું લખાણ (અંગ્રેજી) પત્રિકા છાપવામાં આવી હતી. આ પત્રિકામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કરવેરા તથા શસ્ત્રોનું ઉત્પાદન વધારવામાં આવશે અને વેપારધંધા પર ઇજારો કે અંકુશ રાખવા ઉત્તેજન આપવામાં આવશે, જેથી ‘બિનયહુદીઓની સંપત્તિ જલદી જ ખલાસ થઈ જાય.’ એ ઉપરાંત, એવું શિક્ષણ આપવામાં આવશે જેનાથી ‘બિનયહુદીઓ પ્રાણીઓ જેવા થઈ જાય.’ વધુમાં, મુખ્ય શહેરોને એકબીજા સાથે જોડવા ભૂગર્ભ રેલવે લાઈન બનાવવામાં આવશે, જેથી યહુદી વડીલોનો ‘કોઈ પણ વિરોધ કરે તો તેને ત્યાં જ ઠાર કરી દેવામાં આવે.’

વાસ્તવમાં, આ સર્વ જૂઠાણું હતું, જેથી બિનયહુદીઓનું લોહી ઊકળી ઊઠે. બ્રિટિશ મ્યુઝિયમમાં કામ કરતા માર્ક જોન્સ કહે છે, ‘આવી જૂઠી માહિતી રશિયાથી ચારેબાજુ ફેલાઈ હતી.’ એ માહિતી છાપામાં પ્રથમવાર ૧૯૦૩માં આપવામાં આવી હતી. મે ૮, ૧૯૨૦ સુધીમાં તો આ જાણકારી લંડનના ધ ટાઈમ્સમાં પણ છપાઈ. પરંતુ એકાદ વર્ષ પછી, ધ ટાઈમ્સે જાહેર કર્યું કે પત્રિકાની માહિતી જૂઠી છે. તોપણ, ત્યાં સુધીમાં તો ઘણું નુકસાન થઈ ગયું હતું. જોન્સ કહે છે કે ‘આ પ્રકારના જૂઠાણાંને ફેલાવતા રોકવું ઘણું મુશ્કેલ છે.’ એક વખત લોકો એને માનવા લાગે પછી એ સખત ઈર્ષા, દુશ્મની અને જોખમી માન્યતાઓ ઊભી કરે છે. વીસમી સદીનો ઇતિહાસ બતાવે છે તેમ, એનાથી વારંવાર ખતરનાક પરિણામો આવી શકે છે.—નીતિવચન ૬:૧૬-૧૯.

સત્ય સામે જૂઠાણું

વાસ્તવમાં, જાણીજોઈને ઊભા કરેલા જૂઠાણાં સિવાય, ખોટી ધારણાઓ પણ ઊભી થઈ શકે છે. ક્યારેક આપણે ગેરસમજ અથવા ખોટું અર્થઘટન કરી બેસીએ છીએ. પોતે જે માને છે એ જ સાચું છે એમ કરીને શું અનેક લોકો અકાળે મૃત્યુ પામ્યા નથી? એવી જ રીતે, ઘણી વાર આપણે એટલા માટે માની લઈએ છીએ કેમ કે આપણે એમ ઇચ્છીએ છીએ. એક પ્રોફેસર કહે છે કે વૈજ્ઞાનિકો પણ “વારંવાર પોતાના સિદ્ધાંતો અને નિષ્કર્ષોને મહત્ત્વ આપતા હોય છે.” તેઓ પોતાની જ માન્યતાઓ પર એટલો આંધળો વિશ્વાસ કરી બેસે છે કે તેઓ સાચી રીતે બાબતની તપાસ પણ કરતા નથી. પછી પોતાની ભૂલભરેલી માન્યતાઓને સાચી સાબિત કરવા તેઓ પોતાનું આખું જીવન પસાર કરી દે છે.—યિર્મેયાહ ૧૭:૯.

ધાર્મિક માન્યતાઓમાં પણ એવું જ થયું છે, જ્યાં અત્યંત વિરોધ જોવા મળે છે. (૧ તીમોથી ૪:૧; ૨ તીમોથી ૪:૩, ૪) એક વ્યક્તિને પરમેશ્વરમાં દૃઢ વિશ્વાસ છે. જ્યારે બીજા કહે છે કે લોકો પાસે એવો કોઈ પુરાવો જ નથી જે પરમેશ્વરમાં તેઓના વિશ્વાસને ટેકો આપે. વળી બીજું કોઈ કહેશે કે તમારામાં અમર જીવ છે. બીજા લોકો એવું માને છે કે તમારું મરણ થાય છે પછી તમારું કોઈ જ અસ્તિત્વ રહેતું નથી. જોકે, આ બધી જ માન્યતાઓ કંઈ સાચી નથી. તો પછી, શું એ ડહાપણભર્યું નથી, કે તમે જે માનવાનું પસંદ કરો છો એને ફક્ત નામ ખાતર માનવાને બદલે ખાતરી કરો કે એ સાચું છે કે નહિ? (નીતિવચન ૧:૫) પરંતુ તમે એમ કઈ રીતે કરી શકો? હવે પછીના લેખમાં આપણે એ તપાસીશું.

[પાન ૩ પર ચિત્ર]

એક લેખ ૧૯૨૧માં “સિયોનના જ્ઞાની વડીલોનું લખાણ” ખુલ્લું પાડે છે