સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈબ્રાહીમ જેવો વિશ્વાસ રાખો!

ઈબ્રાહીમ જેવો વિશ્વાસ રાખો!

ઈબ્રાહીમ જેવો વિશ્વાસ રાખો!

“જેઓ વિશ્વાસ કરનારા છે, તેઓ ઈબ્રાહીમના દીકરા છે.”—ગલાતી ૩:૭.

૧. ઈબ્રામે કનાનની નવી મુશ્કેલીનો કેવી રીતે સામનો કર્યો?

 ઈબ્રામે, યહોવાહ પરમેશ્વરની આજ્ઞાને આધીન થઈને ઉર દેશના એશઆરામી જીવનને છોડ્યું. ત્યાર પછી થોડાં જ વર્ષોમાં તેમણે ઘણી મુશ્કેલીઓ સહન કરી. પરંતુ, તેમના વિશ્વાસની જે કસોટી મિસરમાં થવાની હતી, એની આગળ આ તો કંઈ જ ન હતી. બાઇબલ કહે છે: “તે દેશમાં દુકાળ પડ્યો.” ઈબ્રામ સહેલાઈથી આ પરિસ્થિતિમાં હિંમત હારી ગયા હોત! એને બદલે, તેમણે પોતાના કુટુંબની કાળજી રાખવા માટે વ્યવહારુ પગલાં લીધાં. ‘દેશમાં ભારે દુકાળ હોવાથી ઈબ્રામ મિસરમાં રહેવા ગયા.’ ઈબ્રામના આ મોટા પરિવારે જરૂર મિસરીઓનું ધ્યાન ખેંચ્યું હશે. શું યહોવાહ પોતાનાં વચનો પૂરાં કરશે અને ઈબ્રામનું રક્ષણ કરશે?—ઉત્પત્તિ ૧૨:૧૦; નિર્ગમન ૧૬:૨, ૩.

૨, ૩. (ક) શા માટે ઈબ્રામે પોતાની પત્નીની સાચી ઓળખ છુપાવી? (ખ) પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈબ્રામે સારાય સાથે કેવી રીતે વ્યવહાર કર્યો?

ઉત્પત્તિ ૧૨:૧૧-૧૩માં આપણે વાંચીએ છીએ: “એમ થયું, કે તે જતાં જતાં લગભગ મિસર પહોંચ્યો ત્યારે તેણે પોતાની સ્ત્રી સારાયને કહ્યું, કે જો, હું જાણું છું કે તું દેખાવમાં સુંદર સ્ત્રી છે; અને તેથી એમ થશે, કે મિસરીઓ તને જોઈને કહેશે, કે આ તેની સ્ત્રી છે; અને તેઓ મને મારી નાખશે, પણ તને જીવતી રાખશે. તો હું તેની બહેન છું, એમ તું કહેજે; એ માટે કે તારે લીધે મારૂં ભલું થાય, ને તારાથી મારો જીવ બચે.” જોકે, એ સમયે સારાયની ઉંમર ૬૫ કરતાં વધારે હતી, તેમ છતાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. એ કારણે ઈબ્રામનું જીવન જોખમમાં હતું. * (ઉત્પત્તિ ૧૨:૪, ૫; ૧૭:૧૭) સૌથી મહત્ત્વનું તો યહોવાહનો હેતુ ભયમાં હતો. તેમણે ઈબ્રામને કહ્યું હતું કે તેમના સંતાનથી પૃથ્વીનાં સર્વ કુટુંબો આશીર્વાદ પામશે. (ઉત્પત્તિ ૧૨:૨, ૩,) હજુ સુધી ઈબ્રામને કોઈ બાળક ન હોવાથી, તે જીવતા રહે એ ખૂબ જ મહત્ત્વનું હતું.

અગાઉથી નક્કી કરેલી તરકીબ પ્રમાણે, ઈબ્રામે સારાયને બહેન તરીકે ઓળખ આપવાનું કહ્યું. નોંધ લો, કે ઈબ્રામ કુટુંબના મુખ્ય વડા હતા છતાં, તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો નહિ. પરંતુ, તેમણે સારાયનો સહકાર અને મદદ માંગ્યાં. (ઉત્પત્તિ ૧૨:૧૧-૧૩; ૨૦:૧૩) આમ, પતિઓ માટે ઈબ્રામે પ્રેમાળ શિર તરીકેનું અને પત્નીઓ માટે સારાયે આધીનતાનું સુંદર ઉદાહરણ બેસાડ્યું.—એફેસી ૫:૨૩-૨૮; કોલોસી ૪:૬.

૪. આજે પરમેશ્વરના વિશ્વાસુ સેવકો પોતાના ભાઈબહેનોનું જીવન બચાવવા કેવી રીતે વર્તે છે?

સારાય કહી શકતી હતી કે તે ઈબ્રામની બહેન હતી, કેમ કે તે ખરેખર ઈબ્રામની સાવકી બહેન હતી. (ઉત્પત્તિ ૨૦:૧૨) વધુમાં, તેઓ બધાને પોતાના વિષે બધું જણાવે, એ જરૂરી પણ ન હતું. (માત્થી ૭:૬) આજે પરમેશ્વરના વિશ્વાસુ સેવકો પ્રામાણિક રહેવામાં પરમેશ્વરની આજ્ઞાને પાળે છે. (હેબ્રી ૧૩:૧૮) દાખલા તરીકે, તેઓ અદાલતમાં સોગંદ લે છે ત્યારે ક્યારેય જૂઠું બોલતા નથી. પરંતુ, લડાઈ કે સતાવણીના સમયે તેઓના ભાઈબહેનોનું જીવન આત્મિક કે દૈહિક રીતે જોખમમાં હોય છે ત્યારે, તેઓ ઈસુની સલાહને લક્ષમાં રાખે છે: “સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.”—માત્થી ૧૦:૧૬; નવેમ્બર ૧, ૧૯૯૬ના ચોકીબુરજના પાન ૧૮ પર ફકરો ૧૯ જુઓ.

૫. શા માટે સારાય ઈબ્રામની વિનંતીને આધીન રહી?

ઈબ્રામની વિનંતી સાંભળીને સારાયે શું કર્યું? પ્રેષિત પીતર તેનું “દેવ પર આશા રાખતી” સ્ત્રીઓમાં વર્ણન કરે છે. સારાય આત્મિક રીતે મહત્ત્વના બનાવો સમજતી હતી. તેમ જ, તે પોતાના પતિને પ્રેમ કરતી હતી અને તેમને માન આપતી હતી. આથી, સારાયે ‘પોતાના પતિને આધીન રહીને’ પોતાનો લગ્‍નસંબંધ જણાવા દીધો નહિ. (૧ પીતર ૩:૫) જોકે, એમ કરવાથી તે પોતે જોખમમાં મૂકાઈ હતી. “ઈબ્રામ મિસરમાં આવી પહોંચ્યો, ત્યારે મિસરીઓએ જોયું કે તે સ્ત્રી બહુ સુંદર છે. અને ફારૂનના સરદારોએ તેને જોઈને ફારૂનની આગળ તેનાં વખાણ કર્યાં; અને તે સ્ત્રીને ફારૂનને ઘેર લઈ જવામાં આવી.”—ઉત્પત્તિ ૧૨:૧૪, ૧૫.

યહોવાહે મદદ કરી

૬, ૭. ઈબ્રામ અને સારાય કઈ મુશ્કેલીમાં આવી પડ્યા અને યહોવાહે સારાયને કઈ રીતે મદદ કરી?

ઈબ્રામ અને સારાય માટે એ કેટલો મુશ્કેલ સમય હશે! એમ લાગતું હતું કે ફારૂન સારાયને પોતાની સ્ત્રી તરીકે લેવાનો જ હતો. વધુમાં, ફારૂન જાણતો ન હતો કે સારાય પરણેલી છે. તેથી, તેણે ઈબ્રામને ભેટમાં પુષ્કળ “ઘેટાં તથા બળદો તથા ગધેડા તથા દાસો તથા દાસીઓ તથા ગધેડીઓ તથા ઊંટો આપ્યાં.” * (ઉત્પત્તિ ૧૨:૧૬) ઈબ્રામને આ ભેટો પ્રત્યે કેવો ધિક્કાર થતો હશે! પરિસ્થિતિ સાચે જ ગંભીર હતી તોપણ, યહોવાહે ઈબ્રામને છોડી દીધા ન હતા.

“યહોવાહે ઈબ્રામની સ્ત્રી સારાયને લીધે ફારૂન તથા તેના પરિવાર પર મોટું દુઃખ આણ્યું.” (ઉત્પત્તિ ૧૨:૧૭) ફારૂનને કોઈક રીતે એ ‘દુઃખના’ સાચા કારણની ખબર પડી. તેણે તરત જ પગલાં લીધાં: “ત્યારે ફારૂને ઈબ્રામને તેડાવીને કહ્યું, કે આ તેં મને શું કર્યું છે? તેં મને એમ કેમ ન કહ્યું કે તે મારી સ્ત્રી છે? તેં શા માટે એમ કહ્યું કે તે મારી બહેન છે? કે જેથી મેં તેને મારી સ્ત્રી કરવા સારૂ લીધી; હવે, જો, આ રહી તારી સ્ત્રી, તેને લઈ જા. અને ફારૂને પોતાનાં માણસોને તેના સંબંધી આજ્ઞા કરી; અને તેઓ તેને તથા તેની સ્ત્રીને તથા તેની સર્વ સંપત્તિને માર્ગે વળાવી આવ્યા.”—ઉત્પત્તિ ૧૨:૧૮-૨૦; ગીતશાસ્ત્ર ૧૦૫:૧૪, ૧૫.

૮. આજે ખ્રિસ્તીઓને યહોવાહ કેવા રક્ષણનું વચન આપે છે?

આજે, યહોવાહ પોતાના સેવકોને મરણ, ગુના, બીમારી કે કુદરતી આફત સામે રક્ષણની ખાતરી આપતા નથી. પરંતુ, તેમણે વચન આપ્યું છે કે આપણી આત્મિકતાને ધમકીરૂપ દરેક બાબતો સામે તે રક્ષણ પૂરું પાડશે. (ગીતશાસ્ત્ર ૯૧:૧-૪) ખાસ કરીને, તે આપણને તેમના શબ્દ, બાઇબલ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા સમયસરની ચેતવણી આપે છે. (માત્થી ૨૪:૪૫) સતાવણીમાં થનાર મરણ વિષે શું? આપણામાંના અમુકનું મરણ થઈ શકે, તોપણ યહોવાહ પોતાના બધા જ લોકોનો નાશ થવા દેશે નહિ. (ગીતશાસ્ત્ર ૧૧૬:૧૫) વળી, મરણ પામેલા એ વિશ્વાસુ સેવકો પણ જરૂર સજીવન થશે, એની આપણે ખાતરી રાખી શકીએ છીએ.—યોહાન ૫:૨૮, ૨૯.

શાંતિ જાળવી રાખવા આપેલો ભોગ

૯. કઈ બાબત બતાવે છે કે ઈબ્રામ કનાનમાં સ્થાયી થયા ન હતા?

આખરે કનાનનો દુકાળ પૂરો થયો હોવાથી, “ઈબ્રામ પોતાની સ્ત્રીને લઈને સર્વ માલમિલકત સુદ્ધાં મિસરમાંથી નેગેબ [યહુદાહના પહાડોના ઓછા દુકાળવાળો દક્ષિણ વિસ્તાર] ભણી ગયો, અને લોટ તેની સાથે ગયો. અને ઈબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો.” (ઉત્પત્તિ ૧૩:૧, ૨) ત્યાંના લોકો તેમને શક્તિ અને સત્તા ધરાવતા મોટા સરદાર ગણતા હતા. (ઉત્પત્તિ ૨૩:૬) ઈબ્રામની ત્યાં જ સ્થાયી થઈને કનાની રાજકારણમાં જોડાવાની કોઈ જ ઇચ્છા ન હતી. એને બદલે, “તે નેગેબથી આગળ ચાલતાં બેથેલ ગયો, એટલે બેથેલ તથા આયની વચ્ચે જ્યાં પહેલવહેલાં તેનો તંબુ હતો ત્યાં ગયો.” દર વખતની જેમ, ઈબ્રામ જ્યાં પણ ગયા, પરમેશ્વરની સેવા પ્રથમ સ્થાને રાખી.—ઉત્પત્તિ ૧૩:૩, ૪.

૧૦. ઈબ્રામ અને લોટના ગોવાળિયા વચ્ચે કઈ સમસ્યા ઊભી થઈ અને એનો ઝડપથી ઉકેલ લાવવાની શા માટે જરૂર હતી?

૧૦ “ઈબ્રામની સાથે લોટ ચાલતો હતો, તેને પણ ઘેટાં તથા ઢોર તથા તંબુ હતાં. અને તે દેશ એવો ફળદ્રુપ ન હતો કે તેઓ ભેગા રહી શકે; કેમકે તેઓની સંપત્તિ એટલી બધી હતી, કે તેઓ એકઠા રહી ન શકે. અને ઈબ્રામના ગોવાળિયાઓ તથા લોટના ગોવાળિયાઓની વચ્ચે તકરાર થઈ: અને તે વખતે કનાની તથા પરિઝી તે દેશમાં રહેતા હતા.” (ઉત્પત્તિ ૧૩:૫-૭) એ દેશમાં ઈબ્રામના અને લોટના ઢોરઢાંક માટે પૂરતા પ્રમાણમાં પાણી અને ઘાસચારો ન હતો. આમ, તેઓના ગોવાળિયા વચ્ચે ઝગડા થવા લાગ્યા. આવી તકરાર સાચા પરમેશ્વરના ઉપાસકો માટે યોગ્ય ન હતી. ઝઘડા ચાલુ રહે તો, તેઓના સંબંધમાં હંમેશ માટે તીરાડ પડી શકે. હવે, ઈબ્રામ શું કરશે? લોટના પિતાના મરણ પછી, ઈબ્રામે તેને દત્તક લીધો હતો અને જાણે તેમનો પોતાનો પુત્ર હોય એમ મોટો કર્યો હતો. તેઓ બંનેમાં ઈબ્રામ મોટા હોવાથી, શું તે પોતાના માટે સૌથી સારો ભાગ પસંદ ન કરી શકે?

૧૧, ૧૨. ઈબ્રામે કઈ રીતે ઉદારતા બતાવી અને શા માટે લોટની પસંદગી યોગ્ય ન હતી?

૧૧ પરંતુ, “ઈબ્રામે લોટને કહ્યું, કે હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓ વચ્ચે તકરાર થવી ન જોઈએ; કેમકે આપણે ભાઈઓ છીએ. શું, તારી આગળ આખો દેશ નથી? તો મારાથી તું જુદો થા; જો તું ડાબી ગમ જશે, તો હું જમણી ગમ જઈશ; અને જો તું જમણી ગમ જશે, તો હું ડાબી ગમ જઈશ.” એવું કહેવામાં આવે છે કે બેથેલ નજીક એક એવી જગ્યા હતી, જ્યાંથી “પેલેસ્તાઈનનો એ વિસ્તાર સારી રીતે જોઈ શકાય.” શક્ય છે કે ત્યાંથી, “લોટે પોતાની આંખો ઊંચી કરીને યરદનનો આખો પ્રદેશ સોઆર લગી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે: કેમકે યહોવાહે સદોમ તથા ગમોરાહનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાહની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.”—ઉત્પત્તિ ૧૩:૮-૧૦.

૧૨ જોકે, બાઇબલ લોટને “ન્યાયી” તરીકે વર્ણવે છે છતાં, કોઈક કારણોસર તે અહીં ઈબ્રામને માન આપતો નથી. તેમ જ, તેણે ઈબ્રામની સલાહ માંગી હોય એવું પણ ક્યાંય જોવા મળતું નથી. (૨ પીતર ૨:૭) “લોટે પોતાને સારૂ યરદનનો આખો પ્રદેશ પસંદ કર્યો, ને લોટ પૂર્વગમ ગયો; અને તેઓ એકબીજાથી જુદા થયા. ઈબ્રામ કનાન દેશમાં રહ્યો, ને લોટ તે પ્રદેશનાં નગરોમાં રહ્યો, ને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો કરતો ગયો.” (ઉત્પત્તિ ૧૩:૧૧, ૧૨) સદોમ સમૃદ્ધ અને ભૌતિક રીતે આબાદ હતું. (હઝકીએલ ૧૬:૪૯, ૫૦) તેથી, ભૌતિક દૃષ્ટિબિંદુએ જોઈએ તો લોટની પસંદગી યોગ્ય લાગી શકે, પરંતુ આત્મિક રીતે એ સાવ ખોટી પસંદગી હતી. એનું કારણ આપતા ઉત્પત્તિ ૧૩:૧૩ કહે છે, “સદોમના માણસો યહોવાહની વિરૂદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા.” લોટના ત્યાં જવાના નિર્ણયથી તેમનું કુટુંબ ઘણા દુઃખોમાં આવી પડ્યું.

૧૩. નાણાકીય તકરારમાં એક ખ્રિસ્તીને ઈબ્રામનું ઉદાહરણ કઈ રીતે મદદરૂપ થઈ શકે?

૧૩ તેમ છતાં, ઈબ્રામે યહોવાહના વચનમાં પૂરો વિશ્વાસ રાખ્યો કે પોતાનાં સંતાનો આખા દેશનો વારસો મેળવશે; તેથી, એમાંના એક નાના ભાગ માટે તેમણે કચકચ કરી નહિ. તે ઉદારતાથી ૧ કોરીંથી ૧૦:૨૪માં પછીથી બતાવેલા સિદ્ધાંત પ્રમાણે વર્ત્યા: “કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.” સાથી ખ્રિસ્તીઓ સાથે નાણાકીય બાબતમાં કોઈ તકરાર થઈ હોય તો, તેઓ માટે આ સારી સલાહ છે. પરંતુ, માત્થી ૧૮:૧૫-૧૭માંની સલાહ અનુસરવાને બદલે, કેટલાક પોતાના ખ્રિસ્તી ભાઈઓને કોર્ટમાં લઈ ગયા છે. (૧ કોરીંથી ૬:૧,) ઈબ્રામનું ઉદાહરણ બતાવે છે કે યહોવાહના નામ પર લાંછન લાવવાને બદલે કે ખ્રિસ્તી મંડળની શાંતિમાં ભંગ પાડવાને બદલે પોતે ખોટ ખાવી સારું છે.—યાકૂબ ૩:૧૮.

૧૪. ઈબ્રામને તેમની ઉદારતા માટે કેવો આશીર્વાદ મળવાનો હતો?

૧૪ ઈબ્રામને તેમની ઉદારતા માટે બદલો મળવાનો હતો. યહોવાહે કહ્યું: “હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ; એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય.” આ વચનથી બાળક વગરના ઈબ્રામને કેટલું ઉત્તેજન મળ્યું હશે! પછી પરમેશ્વરે આજ્ઞા આપી: “ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર; કેમકે તે હું તને આપીશ.” (ઉત્પત્તિ ૧૩:૧૬, ૧૭) જોકે, ઈબ્રામને એ દેશમાં સ્થાયી થઈને હવે આરામ કરવાનો ન હતો. તેમણે કનાનીઓથી અલગ રહેવાનું હતું. એવી જ રીતે, આજે ખ્રિસ્તીઓએ આ જગતથી અલગ રહેવાનું છે. તેઓ કંઈ પોતાને બીજા કરતાં ચઢિયાતા ગણતા નથી. પરંતુ, તેઓ પોતાને ખરાબ કાર્યો કરવા ફસાવી શકે એવા લોકોથી દૂર રહે છે.—૧ પીતર ૪:૩, ૪.

૧૫. (ક) ઈબ્રામનું મુસાફરી કરવાનું શું મહત્ત્વ હોય શકે? (ખ) ખ્રિસ્તી કુટુંબો માટે ઈબ્રામે કયું ઉદાહરણ બેસાડ્યું?

૧૫ બાઇબલ સમયમાં, જમીનનો કબજો મેળવતા પહેલાં, લોકો એની બરાબર ચકાસણી કરતા હતા. આમ, એ દેશની મુસાફરીએ ઈબ્રામને સતત યાદ દેવડાવ્યું હશે કે એક દિવસ આ દેશ તેમનાં સંતાનોને જ મળવાનો છે. યહોવાહની આજ્ઞા પાળીને, “ઈબ્રામ પોતાનો તંબુ પાડીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ તળે આવીને રહ્યો, ને ત્યાં યહોવાહને નામે તેણે એક વેદી બાંધી.” (ઉત્પત્તિ ૧૩:૧૮) ફરીથી ઈબ્રામે યહોવાહની ઉપાસનાને પ્રથમ સ્થાન આપ્યું. શું તમે પણ એક કુટુંબ તરીકે અભ્યાસ, પ્રાર્થના અને સભાઓમાં જવાને પ્રથમ સ્થાન આપો છો?

દુશ્મનોનો હુમલો

૧૬. (ક) શા માટે ઉત્પત્તિ ૧૪:૧ના શબ્દો સારા સમાચાર નથી? (ખ) પૂર્વના ચાર રાજાઓએ શા માટે હુમલો કર્યો હતો?

૧૬ ‘શિનઆરનો રાજા આમ્રાફેલ, તથા એલ્લાસારનો રાજા આર્યોખ, તથા એલામનો રાજા કદોરલાઓમેર, * તથા ગોઈમનો રાજા તિદાલ એઓના દહાડાઓમાં એમ થયું, કે તેઓએ લડાઈ કરી.’ મૂળ હેબ્રીમાં, (“એઓના દહાડાઓમાં એમ થયું, કે . . .”) શરૂઆતના શબ્દો કંઈ સારા સમાચાર આપતા નથી. એ એવા સમયને સૂચવતા હતા, જે ‘કસોટીથી શરૂ થઈને આશીર્વાદમાં’ બદલાઈ જવાનો હતો. (ઉત્પત્તિ ૧૪:૧, ૨) આ પૂર્વના ચાર રાજાઓએ કનાન પર વિનાશક હુમલો કર્યો ત્યારે એ કસોટીની શરૂઆત થઈ. તે રાજાઓનો ઇરાદો શું હતો? સદોમ, ગમોરાહ, આદમાહ, સબોઇમ અને બેલા નામના પાંચ શહેરોને તાબે કરવા, કેમ કે તેઓએ દંગો કર્યો હતો. આ પાંચેય શહેરોના હુમલાઓનો સામનો કરીને તેઓ “સિંદ્દીમનું નીચાણ, જે [હાલ] ખારો સમુદ્ર છે, તેમાં એકઠા થયા.” લોટ તેના કુટુંબ સાથે નજીકમાં જ રહેતો હતો.—ઉત્પત્તિ ૧૪:૩-૭.

૧૭. લોટને પકડી લઈ જવામાં આવ્યા એ શા માટે ઈબ્રામના વિશ્વાસની કસોટી હતી?

૧૭ કનાનના રાજાઓએ પણ સામે લડાઈ કરી, પરંતુ તેઓએ સખત હાર ખાધી. “તેઓ સદોમ તથા ગમોરાહમાંની સર્વ સંપત્તિ તથા તેમની અંદરનો બધો ખોરાક લઇને ચાલ્યા ગયા. અને ઇબ્રામનો ભત્રીજો લોટ સદોમમાં રહેતો હતો, તેને પકડીને તથા તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા.” આ હારની ખબર ઝડપથી ઈબ્રામ પાસે પહોંચી: “એક જણ નાઠો હતો, તેણે આવીને હેબ્રી ઈબ્રામને ખબર આપી; કેમકે તે એશ્કોલ તથા આનેરના ભાઇ અમોરીના મામરેનાં એલોન ઝાડ પાસે રહેતો હતો; અને તેઓ ઇબ્રામની સાથે સંપીલા હતા. અને ઇબ્રામે પોતાના ભાઇને પકડી લઇ ગયાનું સાંભળ્યું.” (ઉત્પત્તિ ૧૪:૮-૧૪) વિશ્વાસની કેવી કસોટી! તેમના ભત્રીજાએ દેશનો સારો ભાગ પસંદ કરી લીધો હતો, એટલે શું હવે ઈબ્રામ એમ કહેશે કે ‘સારું જ થયું’? વળી, આ લડાઈ કરનારાઓ તેમના જ દેશ, શિનઆરથી આવ્યા હતા. તેઓની સાથે લડાઈ કરવાથી તેમના માટે પોતાના દેશમાં પાછા ફરવાની કોઈ શક્યતા રહેતી ન હતી. એ ઉપરાંત, કનાનના લશ્કરો ભેગા મળીને જેને હરાવી ન શક્યા, તેઓ વિરુદ્ધ ઈબ્રામની શું વિસાત?

૧૮, ૧૯. (ક) ઈબ્રામ કઈ રીતે લોટને છોડાવી શક્યા? (ખ) આ વિજય કોના લીધે મળ્યો?

૧૮ ઈબ્રામે ફરીથી યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખ્યો. “ત્યારે પોતાના ઘરમાં જન્મેલા ત્રણસેં અઢાર કવાયત શીખેલા નોકરો લઇને તે દાન લગી તેઓની પાછળ લાગ્યો. અને રાત્રે તેઓની વિરૂદ્ધ પોતાના ચાકરોની બે ટોળી કરીને તેણે તેઓને હરાવ્યા, ને દમસ્કની ડાબી ગમના હોબાહ લગી તે તેઓની પાછળ લાગ્યો. અને તે સર્વ સંપત્તિ પાછી લાવ્યો, ને પોતાના ભાઇ લોટને, તથા તેની સંપત્તિ તથા સ્ત્રીઓને તથા લોકોને પણ પાછાં લાવ્યો.” (ઉત્પત્તિ ૧૪:૧૪-૧૬) યહોવાહમાં દૃઢ વિશ્વાસ બતાવીને, ઈબ્રામે આ મોટા લશ્કર પર, અશક્ય લાગતો વિજય મેળવ્યો. આમ, લોટ અને તેના કુટુંબનો બચાવ થયો. પછી ઈબ્રામને શાલેમના રાજા અને યાજક મેલ્ખીસેદેકનો ભેટો થાય છે. “શાલેમનો રાજા મેલ્ખીસેદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો; અને તે પરાત્પર દેવનો યાજક હતો. અને તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું, કે પરાત્પર દેવ, જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેનાથી ઈબ્રામ આશીર્વાદિત થાઓ; અને પરાત્પર દેવ જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેને ધન્ય હો. અને ઈબ્રામે તેને સર્વમાંથી દશમો ભાગ આપ્યો.”—ઉત્પત્તિ ૧૪:૧૮-૨૦.

૧૯ ખરેખર, એ વિજય યહોવાહને લીધે જ થયો હતો. ઈબ્રામે પોતાના વિશ્વાસને લીધે ફરી એક વાર યહોવાહ તરફથી વિજય મેળવ્યો. જોકે, આજે યહોવાહના લોકો કોઈ યુદ્ધમાં લડવા જતા નથી, પણ તેઓ ઘણી મુશ્કેલીઓ અને સતાવણી જરૂર સહન કરે છે. હવે પછીનો લેખ બતાવશે કે કઈ રીતે ઈબ્રામનું ઉદાહરણ આપણને એનો સફળતાથી સામનો કરવા મદદ કરી શકે છે.

[ફુટનોટ્‌સ]

^ શાસ્ત્રવચનો પર ઊંડી નજર (યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક) અનુસાર, “પપાઈરસ પરનું પ્રાચીન લખાણ ફારૂન વિષે જણાવે છે કે તેણે શસ્ત્રસજ્જ માણસોને મોકલીને એવો હુકમ આપ્યો હતો કે સુંદર સ્ત્રીને પકડી લાવવી અને તેના પતિને મારી નાખવો.” આથી, ઈબ્રામનો ભય યોગ્ય જ હતો.

^ પછીથી ઈબ્રામની ઉપપત્ની બનેલી હાગાર, એ સમયે ઈબ્રામને આપવામાં આવેલી દાસીઓમાંની એક હોય શકે.—ઉત્પત્તિ ૧૬:૧.

^ ટીકાકારો એક સમયે દાવો કરતા હતા કે એલામને શિનઆર સાથે કદી પણ સારો સંબંધ ન હતો. આથી કદોરલાઓમેરના હુમલાનો અહેવાલ ખોટો છે. બાઇબલ અહેવાલને ટેકો આપતા પુરાતત્ત્વીય પુરાવાઓ માટે, જુલાઈ ૧ ૧૯૮૯ના ચોકીબુરજ (અંગ્રેજી)માં પાન ૪-૭ જુઓ.

શું તમે નોંધ લીધી?

• કનાન દેશમાં પડેલો દુકાળ કઈ રીતે ઈબ્રામના વિશ્વાસની કસોટી પુરવાર થયો?

• ઈબ્રામ અને સારાયે કઈ રીતે આજના પતિ-પત્નીઓ માટે સારું ઉદાહરણ બેસાડ્યું?

• ઈબ્રામે પોતાના અને લોટના ગોવાળિયા વચ્ચેની તકરારને જે રીતે હલ કરી, એમાંથી આપણે શું શીખી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૨ પર ચિત્ર]

ઈબ્રામે પોતાનો હક્ક માંગ્યો નહિ પરંતુ પોતાના કરતાં લોટનું ભલું ચાહ્યું

[પાન ૨૪ પર ચિત્ર]

ઈબ્રામે પોતાના ભત્રીજા લોટને છોડાવવા માટે યહોવાહ પર ભરોસો રાખ્યો