સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારી યુવાવસ્થા સફળ બનાવો

તમારી યુવાવસ્થા સફળ બનાવો

તમારી યુવાવસ્થા સફળ બનાવો

એક યુરોપિયન દેશના રહેવાસીઓને સુંદરતા, સંપત્તિ કે યુવાની એ ત્રણમાંથી કોઈપણ એક બાબત પસંદ કરવાનું કહેવામાં આવ્યું. એ ત્રણમાંથી મોટા ભાગના લોકોએ યુવાની પસંદ કરી. બધી જ ​ઉંમરના લોકો તરુણાવસ્થાનાં વર્ષો અને ૨૦ વર્ષથી શરૂઆતનાં વર્ષોને જીવનના ખૂબ મહત્ત્વનાં વર્ષો ગણે છે. આજે દરેક જણ બાળપણથી પુખ્તતા સુધીની પોતાની યુવાવસ્થાને સફળ બનાવવા ઇચ્છે છે. પરંતુ કઈ રીતે?

શું બાઇબલ મદદ કરી શકે? હા, ચોક્કસ કરી શકે. ચાલો એવા બે વિસ્તારો તપાસીએ જેમાં બાઇબલ યુવાનોને બીજી ઉંમરના લોકો કરતાં વધુ મદદ કરી શકે છે.

બીજાઓ સાથે હળીમળીને રહેવું

યુગેન્ટ ૨૦૦૦, એ જર્મનીના ૫૦૦૦ યુવાનોના વલણ, મૂલ્યો અને વર્તણૂક વિષેનું બહોળા પ્રમાણમાં થયેલું સર્વેક્ષણ છે. સર્વેક્ષણ બતાવે છે કે યુવાનો સંગીત સાંભળવું, રમત-ગમતમાં ભાગ લેવો કે ક્યાંક ફરવા જવું જેવી નવરાશની પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે, મોટા ભાગે બીજાઓ સાથે હોય છે. બીજી કોઈ પણ ઉંમરની વ્યક્તિઓ કરતાં યુવાનો, પોતાના સમોવડિયા સાથે રહેવાનું વધુ ઇચ્છતા હોય છે. તેથી, એ ચોક્કસ છે કે યુવાવસ્થામાં સફળ થવાની એક ચાવી બીજાઓ સાથે હળીમળીને રહેવું છે.

પરંતુ, બીજાઓ સાથે હળીમળીને રહેવું કંઈ હંમેશા સહેલું હોતું નથી. યુવકો અને યુવતીઓ કબૂલે છે કે માનવ સંબંધોમાં હંમેશા કંઈને કંઈ સમસ્યાઓ આવતી જ હોય છે. આ બાબતમાં બાઇબલ સાચી મદદ પુરવાર થઈ શકે છે. સંબંધોની બાબતમાં સમતોલપણું જાળવવા માટે બાઇબલ યુવાનોને સારું માર્ગદર્શન આપે છે. બાઇબલ એવું તો શું કહે છે?

માનવ સંબંધો માટે, બાઇબલનો સોનેરી નિયમ કહેવાતો સૌથી મહત્ત્વનો એક સિદ્ધાંત આ છે: “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તમે પણ તેઓને કરો.” તમે બીજાઓ સાથે માન, આદર અને દયાથી વર્તશો તેમ, તેઓને પણ ઉત્તેજન મળશે કે તેઓ પણ તમારી સાથે એવી જ રીતે વર્તે. દયાળુ વલણ મતભેદ અને તણાવનું વાતાવરણ હળવું બનાવી શકે. તમે બીજાઓ સાથે સારી રીતે વર્તશો તો, ચોક્કસ તમે તેઓને જીતી શકશો અને તેઓ તમારી મિત્રતા સ્વીકારશે. બીજાઓ તમારા મિત્રો બને તો શું તમને નહિ ગમે?—માત્થી ૭:૧૨.

બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” પોતાને પ્રેમ કરવાનો અર્થ એમ થાય છે કે પોતાની કાળજી લેવી અને પોતાને વધુ પડતું કે એકદમ ઓછું માન નહિ આપીને, સમતોલ વલણ જાળવવું. શા માટે એમ કરવું મહત્ત્વનું છે? તમને તમારા માટે જ સ્વમાન ન હોય તો, તમે બીજાઓ વિષે વધુ પડતી ટીકા કરનારા બની શકો, જેનાથી સંબંધો બગડી શકે છે. પરંતુ પોતાને યોગ્ય આદર આપીને સમતોલપણું જાળવીશું તો એનાથી સંબંધો ગાઢ બનશે.માત્થી ૨૨:૩૯.

મિત્રતા બંધાયા પછી એને ટકાવી રાખવા બંને પક્ષે પ્રયત્નો કરવા પડે છે. મિત્રતા વધારવા તમે જે સમય આપો છો એનાથી તમને ખુશી મળવી જોઈએ, કેમ કે “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” માફ કરવું એ આપવાનું એક રૂપ છે, જેમાં નાની નાની ભૂલોને જવા દેવી અને બીજાઓ પાસે સંપૂર્ણતાની અપેક્ષા નહિ રાખવાનો સમાવેશ થાય છે. બાઇબલ આપણને કહે છે: “તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે.” ખરેખર, “જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.” તમારો મિત્ર તમારી ભૂલ બતાવે તો, તમે શું કરશો? એ માટે બાઇબલની આ વ્યવહારુ સલાહને ધ્યાન આપો: “ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા,” કેમ કે “મિત્ર જે ઘા કરે છે એ સારા માટે હોય છે.” શું એ સાચું નથી કે તમારા મિત્રોની અસર તમારા વિચારો, વાણી અને વર્તન પર પડી શકે છે? તેથી, બાઇબલ ચેતવણી આપે છે: “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” બીજી બાજુ, “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫; ફિલિપી ૪:૫; રૂમી ૧૨:૧૭, ૧૮; સભાશિક્ષક ૭:૯; નીતિવચનો ૧૩:૨૦; ૨૭:૬; ૧ કોરીંથી ૧૫:૩૩.

મૉરકો ઘણા યુવાન-યુવતીઓ વિષે જણાવતા કહે છે: બીજાઓ સાથે હળીમળીને રહેવામાં બાઇબલના સિદ્ધાંતો ખૂબ મદદરૂપ છે. હું કેટલાક લોકોને જાણું છું કે જેઓ ફક્ત પોતાના સ્વાર્થ માટે જ જીવતા હોય છે. બાઇબલ આપણને શીખવે છે કે ફક્ત પોતાના વિષે જ વધુ પડતું વિચારવું જોઈએ નહિ પરંતુ બીજાનો પણ વિચાર કરવો જોઈએ. માનવ સંબંધો સારા બનાવવા માટે મને તો આ જ એક ઉત્તમ ઉપાય લાગે છે.”

મૉરકો જેવા યુવાનો બાઇબલમાંથી જે શીખે છે એ તેઓને ફક્ત યુવાનીમાં જ નહિ પરંતુ આવનાર વર્ષોમાં પણ મદદ કરશે. વળી, ભવિષ્યનો વિચાર કરવાથી આપણને જોવા મળે છે કે બીજી એક રીતે પણ બાઇબલ યુવાન પેઢીને ખાસ મદદ કરી શકે એમ છે.

ભવિષ્યની ચિંતાઓ

ઘણા યુવાનોના મગજ પ્રશ્નોથી ભરેલા હોય છે. બીજી કોઈ પણ ઉંમરના લોકો કરતાં, યુવાનો હમણાં શું ચાલી રહ્યું છે અને શા માટે એ જાણવા વધારે ઇચ્છુક હોય છે. બીજા કોઈ પણ પુસ્તક કરતાં, બાઇબલ સારી રીતે જગત પરિસ્થિતિનાં કારણો સમજાવે છે. તેમ જ ભવિષ્યમાં શાની અપેક્ષા રાખવી એ પણ જણાવે છે. આ જ બાબત તો યુવાન પેઢી જાણવા માંગે છે. પરંતુ આપણે કઈ રીતે કહી શકીએ કે તેઓ એ જ જાણવા ઇચ્છે છે?

જોકે, એવું માનવામાં આવે છે કે યુવાનો ફક્ત આજ માટે જ જીવતા હોય છે. પરંતુ અમુક સર્વેક્ષણ, યુવાનો વિષેની કંઈક જુદી જ બાબત બતાવે છે. એ બતાવે છે કે યુવાનો તેઓની આસપાસ શું ચાલી રહ્યું છે એની ઘણી નોંધ લે છે અને ભવિષ્યમાં જીવન કેવું હશે એના વિષે તેઓ પોતે જ નિષ્કર્ષ કાઢે છે. આનો પુરાવો એ છે કે ચારમાંથી ત્રણ યુવક-યુવતીઓ “વારંવાર” કે “ઘણી વાર” ભવિષ્ય વિષે વિચારે છે. જોકે, યુવાનો આશાવાદી હોય છે છતાં, મોટા ભાગના યુવાનો ભવિષ્યની કેટલીક ચિંતાઓ કરતા હોય છે.

શા માટે તેઓ ચિંતિત હોય છે? આજની પેઢીના ઘણા યુવાનો ગુના, હિંસા અને કેફી પદાર્થોના વ્યસનમાં સંડોવાઈ ગયા છે. આજની ગળાકાપ હરીફાઈમાં પોતાને સારી નોકરી મળશે કે કેમ એની યુવાનો ચિંતા કરે છે. તેઓ શાળામાં સારા માર્ક લાવવાના કે કામમાં સફળ બનવાના દબાણ હેઠળ જીવે છે. એક ૧૭ વર્ષની યુવતી દુઃખ વ્યક્ત કરે છે: “અમે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં લોકો ‘એક બીજાના પગ ખેંચતા’ હોય છે. દરેક વ્યક્તિ પોતાનો જ સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરે છે. તમારામાં શું કરવાની ક્ષમતા છે એ હંમેશા પુરવાર કરતા રહેવું પડે છે અને એ કારણે હું નિરાશ થઈ જાઉં છું.” બીજો એક ૨૨ વર્ષનો યુવક કહે છે: “જેઓ સફળ થાય છે તેઓ સારી રીતે જીવન જીવી શકે છે. જેઓ કોઈ કારણસર નિષ્ફળ જાય છે તેઓ હંમેશા પાછળ રહી જાય છે.” શા માટે જીવનમાં આટલી બધી હરીફાઈ છે? શું જીવન હંમેશા આવું જ રહેશે?

વાસ્તવિક ખુલાસો

યુવાનો આજે સમાજમાં જે ચાલી રહ્યું છે એને ચિંતા કે વ્યાકુળતાથી જુએ છે ત્યારે, તેઓ જાણે-અજાણે બાઇબલ સાથે સહમત થાય છે. પરમેશ્વરનો શબ્દ બતાવે છે કે આજે “એકબીજાના પગ ખેંચતો સમાજ” છેલ્લા સમયોની નિશાની છે. પ્રેષિત પાઊલે યુવાન તીમોથીને લખેલા પત્રમાં આપણા દિવસ વિષે જણાવ્યું: “સંકટના વખતો આવશે.” શા માટે સંકટના વખતો? એનું કારણ જણાવતા પાઊલે આગળ લખ્યું કે, લોકો “સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, . . . કૃતઘ્નો, અધર્મી . . . નિર્દય” બનશે. આજે લોકો જે રીતે વર્તે છે એનું શું આ યોગ્ય જ વર્ણન નથી?—૨ તીમોથી ૩:૧-૩.

બાઇબલ જણાવે છે કે માનવ સમાજમાં મોટા ફેરફારો આવે એ પહેલાં, “છેલ્લા દિવસોમાં” આ સંકટના વખતો આવશે. આ ફેરફારો યુવાનો અને વૃદ્ધો બધાને અસર કરશે. કેવા ફેરફારો આવશે? સ્વર્ગીય સરકાર દરેક રીતે માનવ પર જલદી જ શાસન ચલાવશે અને પ્રજાજનો દરેક જગ્યાએ “પુષ્કળ શાંતિમાં” આનંદ કરશે. “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” પછી ચિંતા અને ભય ભૂતકાળની બાબત બની જશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯.

ફક્ત બાઇબલ જ ભવિષ્ય વિષે ભરોસાપાત્ર સમજણ પૂરી પાડે છે. યુવાન વ્યક્તિને ખબર હોય કે ​ભવિષ્યના થોડાં વર્ષોમાં શું બનવાનું છે ત્યારે, તે જરૂરી ફેરફારો કરવા માટે અગાઉથી તૈયાર રહી શકે અને સમજી ​વિચારીને જીવન જીવી શકે. એમ કરવાથી ખોટો તણાવ અને ચિંતાઓ દૂર થશે. આમ, સમાજમાં શું ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં શું થશે એ સમજવાની યુવાન પેઢીની ખાસ જરૂરિયાત વિષે બાઇબલમાં જણાવવામાં આવ્યું છે.

યુવાવસ્થામાં સફળતા

તો પછી, યુવાવસ્થામાં સફળ થવાની ચાવી શું છે? શું ઉચ્ચ શિક્ષણ, ભૌતિક સંપત્તિ અને ઢગલાબંધ મિત્રો હોવા એ જ સફળતાનો માપદંડ છે? ઘણાને એવું લાગતું હશે. તરુણાવસ્થા અને ૨૦ વર્ષથી શરૂઆતનાં વર્ષોમાં દરેક યુવાને ભવિષ્ય માટે સારી શરૂઆત કરી હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, યુવાવસ્થાની સફળતા, પાછળથી ભવિષ્ય કેવું હશે એ વિષે જણાવી શકે.

આપણે જોયું તેમ, બાઇબલ યુવાનોને પોતાની યુવાવસ્થામાં સફળ બનવા મદદ કરી શકે. ઘણા યુવાનો પોતાના જીવનમાં એ સત્ય હકીકત અનુભવી રહ્યા છે. તેઓ પરમેશ્વરનો શબ્દ, બાઇબલ દરરોજ વાંચે છે અને એને પોતાના જીવનમાં લાગુ પાડે છે. (પાન ૬ પર “યહોવાહના યુવાન સેવક તરફથી ઉપયોગી સલાહ” જુઓ.) ખરેખર, બાઇબલ આજના યુવાનો માટે છે કારણ કે એ તેઓને “સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ” મદદ કરી શકે છે.—૨ તીમોથી ૩:૧૬, ૧૭.

[પાન ૫ પર બ્લર્બ]

યુવાવસ્થામાં સફળ થવાની એક ચાવી બીજાઓ સાથે હળીમળીને રહેવું છે

[પાન ૬ પર બ્લર્બ]

બીજી કોઈ પણ ઉંમરના લોકો કરતાં, યુવાનો હમણાં શું ચાલી રહ્યું છે અને શા માટે, એ જાણવા વધારે ઇચ્છુક હોય છે

[પાન ૬, ૭ પર બોક્સ]

યહોવાહના યુવાન સેવક તરફથી ઉપયોગી સલાહ

એલેક્ષાંડર ૧૯ વર્ષનો છે. તે યહોવાહના સાક્ષી કુટુંબમાં ઊછર્યો હતો અને તે પૂરા હૃદયથી પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે ચાલીને એમાં આનંદ માણે છે. પરંતુ, પહેલાં એવું ન હતું. એલેક્ષાંડર સમજાવે છે:

“તમે માનો કે ન માનો, હું સાત વર્ષથી બાપ્તિસ્મા નહિ પામેલા પ્રકાશક તરીકે યહોવાહના સાક્ષીઓ સાથે સંગત રાખતો હતો. એ સમય દરમિયાન, હું પૂરા હૃદયથી પરમેશ્વરની ઉપાસના કરતો ન હતો, એ માત્ર એક નિત્યક્રમ જ હતો. હું માનું છું કે મારી પાસે પ્રમાણિક રીતે સ્વતપાસ કરવાની હિંમત જ ન હતી.”

પછી એલેક્ષાંડરનું વલણ બદલાયું. તે આગળ કહે છે:

“મારા માબાપ અને મંડળના મિત્રો, મને યહોવાહને વ્યક્તિગત રીતે ઓળખવા માટે દરરોજ બાઇબલ વાંચન કરવાનું ઉત્તેજન આપતા હતા. છેવટે, મેં પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. મેં ટીવી જોવાનું ઓછું કર્યું અને દરરોજ સવારે નિયમિત રીતે બાઇબલ વાંચવા લાગ્યો. છેવટે, બાઇબલમાં જે લખેલું છે એ હું સમજવા લાગ્યો અને હું જોઈ શક્યો કે એ મને કઈ રીતે મદદ કરી શકે છે. સૌથી મહત્ત્વનું તો, મને એ ખબર પડી કે યહોવાહ ઇચ્છે છે કે હું તેમને ઓળખું. મેં એ ધ્યાનમાં લીધા પછી, મારો તેમની સાથેનો વ્યક્તિગત સંબંધ વધવાનો શરૂ થયો અને મંડળમાં મારા મિત્રો વધવા લાગ્યા. બાઇબલે મારા જીવનમાં કેવો મોટો ફેરફાર કર્યો! હું વિનંતી કરું છું કે યહોવાહનો દરેક યુવાન સેવક દરરોજ બાઇબલ વાંચે.”

આખા જગતમાં, યહોવાહના સાક્ષીઓ સાથે સંગત ધરાવતા લાખો યુવાનો છે. શું તમે તેઓમાંના એક છો? શું તમે દરરોજ નિયમિત રીતે બાઇબલ વાંચનમાંથી લાભ મેળવવા ઇચ્છો છો? તો પછી, શા માટે એલેક્ષાંડરના ઉદાહરણને અનુસરતા નથી? ઓછી મહત્ત્વની પ્રવૃત્તિઓને ઘટાડી નાખો અને દરરોજ નિયમિત રીતે બાઇબલ વાંચન કરવાની ટેવ પાડો. એમ કરવાથી તમને ચોક્કસ લાભ થશે.